યુગવંદના/ઓતરાદા વાયરા, ઊઠો!
ઓતરાદા વાયરા, ઊઠો ઊઠો હો તમે –
ઓતરાદા વાયરા, ઊઠો!
કૈલાસી કંદરાની રૂપેરી સોડ થકી
ઓતરાદા વાયરા, ઊઠો!
ધૂણન્તાં શિવ-જોગમાયાને ડાકલે
હાકલ દેતા, હો વીર, ઊઠો!
ભીડ્યા દરવાજાની ભોગળ ભાંગીને તમે
પૂરપાટ ઘોડલે છૂટો! – ઓતરાદા
ધરતીના દેહ પરે ચડિયા છે પુંજ પુંજ
સડિયેલાં ચીર, ધૂળ, કૂંથો;
જોબનનાં નીર મહીં જામ્યાં શેવાળ-ફૂગ:
ઝંઝાના વીર, તમે ઊઠો! – ઓતરાદા
કોહેલાં પાંદ-ફૂલ ફેંકી નાખો રે, ભાઈ!
કરમાતી કળીઓને ચૂંટો;
થોડી ઘડી વાર ભલે બુઝાતા દીવડા:
ચોર-ધાડપાડ ભલે લૂંટો! – ઓતરાદા
છો ને છુંદાય મારી કૂણેરી કૂંપળો:
સૂસવતી શીત લઈ છૂટો;
મૂર્છિત વનરાજિનાં ઢંઢોળો માથડાં,
ચીરો ચમકાટ એનો જૂઠો! – ઓતરાદા
ઊઠો, કદરૂપ! પ્રેતસૃષ્ટિના રાજવી!
ફરી એક વાર ભાંગ ઘૂંટો:
ભૂરિયાં લટૂરિયાંની આંધીઓ ઉરાડતા
હુહુકાર-સ્વરે કાળ, ઊઠો! – ઓતરાદા
કવિઓના લાડકડા મલયાનિલ મંદ મંદ!
રહેજે ચંદનની ગોદ સૂતો;
નથી નથી પર્વ પુષ્પધન્વાનું આજ: ઘોર
વિપ્લવના ઢોલડા ધડૂકો! – ઓતરાદા
૧૯૩૪