રવીન્દ્રપર્વ/થોડુંક અંગત - નવીન પંડ્યા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


થોડુંક અંગત - નવીન પંડ્યા

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવસિર્ટીમાંથી અનુસ્નાતક કક્ષાની બબ્બે ડિગ્રી મેળવી અને ઘણો સમય એમ જ પસાર કર્યો, પરન્તુ મારી લાયકાત મુજબ યોગ્ય નોકરી ન મળી. જે ધ્યેયથી અભ્યાસ પાછળ ખૂબ જ મહેનત કરી હોય તે સફળ ન થાય તો જીવનમાં નાસીપાસ થવાય તે સ્વાભાવિક છે. પણ તેનો અફસોસ ન કરતાં મારા વ્યક્તિગત વિકાસ અને ઘડતરમાં વિશેષ કશું પ્રાપ્ત કર્યાનો સન્તોષ મેળવતો. વાસ્તવિક જીવનમાં તેની અનુભૂતિ વારંવાર વર્તાવા લાગી. ગમે તેવા સંજોગોમાં, પ્રતિકૂળ પરિસ્થિતિમાં, સંઘર્ષના સમયમાં, મૂંઝવણભરી પળોમાં, મનની સ્વસ્થતા જાળવી, સહનશીલતા કેળવી સમય અને સંજોગોને સુખદ બનાવવા પ્રયત્ન કરતો રહ્યો. હાલના નિવૃત્ત જીવનમાં પણ ડગલે ને પગલે હકારાત્મક વિચારોથી સાંસારિક, સામાજિક અને કૌટુમ્બિક રીતે પ્રવૃત્ત રહી મારી જાતને ઓળખવા એટલો જ સભાન છું. કોલેજકાળના દિવસોમાં સાંભળેલી મારા ગુરુ સુરેશ જોષીની વાણી ઘણી વાર યાદ કરું છું. તેમનાં પ્રવચનોને ટપકાવી લેવાનો પ્રયત્ન કરવા છતાં કેટલુંય ચૂકી જવાતું હતું. પશ્ચિમી સર્જકો-વિચારકોની વાતો કરતી વખતે તેઓ જે કહેતા તેમાંનું ઘણું સમજાતું નહીં. પણ એ તો મારી મર્યાદા હતી. પરન્તુ મારા સદ્ભાગ્યે મને શિરીષ મળી ગયો. જો તે ન મળ્યો હોત તો સુરેશ જોષીનો નિકટવર્તી પરિચય ન થયો હોત અને તેમને હું સમજી પણ ન શકત. ભાષાને પૂરેપૂરી આત્મસાત્ કરવા માટે, સાહિત્યના રૂપરંગ ભાષા દ્વારા સમજવા માટે માત્ર માતૃભાષાની જાણકારી કામ નથી લાગતી. કોઈની સાચી દોરવણીની પણ જરૂર પડતી હોય છે. સુરેશ જોષીએ આપણા ગુજરાતી સાહિત્યની મર્યાદાઓ બહુ સારી રીતે સમજાવી હતી. તેઓ સ્પષ્ટવક્તા તો હતા પણ સાથે સાથે વિશ્વસાહિત્યની ઉત્તમ કૃતિઓનો અને સર્જકોનો પરિચય પણ તેમણે અમને કરાવ્યો. જ્યાં ન સમજાય ત્યાં શિરીષ મને અને મિત્રોને સમજાવતો. અમે કેટલાક મિત્રો શિયાબાગના કબીરમન્દિરની એક નાનકડી ખોલીમાં રાતોની રાતો પસાર કરતા અને સાહિત્યના પાઠ મોડી મોડી રાત સુધી ચર્ચતા રહેતા. શિરીષના સાન્નિધ્યમાં અમારા બધાનો સમય વીતતો. વડોદરાની થિયોસોફિકલ સોસાયટીમાં સુરેશ જોષી દર અઠવાડિયે વ્યાખ્યાનો આપતા અને અમે કેટલાક મિત્રો શિરીષની સાથે સાંભળવા જતા. એક નવી દુનિયાનો અનુભવ અમને બધાને થતો. એ ગાળામાં સુરેશ જોષીના જનાન્તિકે, અપિ ચ ગ્રન્થો પ્રગટ થઈ રહ્યા હતા. શિરીષ પ્રૂફ સુધારતો અને અમને એ નિમિત્તે પ્રૂફવાચનની તાલીમ પણ મળી. તેના સ્વભાવમાં રહેલાં નિખાલસતા, પારદશિર્તા અને પ્રેમ અમને સૌને સ્પર્શી ગયાં હતાં. તે અમને અને બીજાં ઘણાંને મદદરૂપ થઈ પડતો. એટલે બધાંને તેના માટે બહુ માન. પછી તો અમે બધાં તેને ગુરુ કહેતા થઈ ગયાં હતાં. ૧૯૬૫થી શિરીષ બીલીમોરા કોલેજમાં જોડાયો અને બેએક વરસ પછી તો તેનું લગ્ન થયું. હવે મને મારી એકલતા વધારે સાલવા લાગી. એમ.એ. કર્યા પછી નોકરી ન મળી એટલે એમ.એસ.ડબલ્યુ. ભણવા બેઠો. ત્રણેક વરસ નોકરી કરી. કેટલાકને લાગ્યું કે મેં સાહિત્યક્ષેત્રમાંથી સંન્યાસ લીધો પણ સાહિત્ય માટેનો પ્રેમ તો એવો ને એવો જ હતો. હા, મારામાં શિરીષ જેવાં સર્જનશક્તિ અને સાહિત્યચિન્તનની શક્તિ નહોતાં. છેવટે મેં આજીવિકા માટે ઇંગ્લેંડની દિશા પકડી. મારો જન્મ આફ્રિકામાં થયો હતો. પિતાજીના સ્થાયી થયા પછી વ્યાવસાયિક અને સામાજિક સમ્બધોમાં અમારી ગણના એક સુખી પરિવાર તરીકે થતી હતી. પરન્તુ જીવનમાં અચાનક પલટો આવી ગયો. મારી બે વરસની ઉંમરે મારી બાનું અવસાન થયું. મારી, મારા ભાઈબહેનની તથા મારાં દાદીમાની જવાબદારી સંભાળવા મારા પિતાજી પાસે ભારત આવવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો. દાદીમાએ અમને માની ખોટ જરાય સાલવા ન દીધી. અમારા જીવનનિર્વાહ માટે અને વડીલોપાજિર્ત ખેતીની જમીન સાચવવા પિતાજીએ ખેતીવાડી સંભાળી. સાથે સાથે તેમણે માનાં વાત્સલ્ય અને પ્રેમ અમને ખૂબ જ આપ્યાં. સખત મહેનત કરી મારા ભણતરનો ખર્ચ ઉપાડ્યો. મારામાં તેમણે આત્મવિશ્વાસ, દૃઢતા, ધૈર્ય, હંમિત અને સહનશીલતા જેવા ગુણ ખીલવ્યા. સન્તાનોને સંસ્કારી અને સુશિક્ષિત બનાવવા જે કંઈ કરી શકાય તે બધું જ તેમણે કર્યું. અમે પરદેશમાં સ્થાયી થયા પછી પણ તેમની હયાતી દરમિયાન બધા જ પ્રકારની મદદ અમને મળતી રહી. મારા જીવનઘડતરમાં તેમના તરફથી મળેલા સંસ્કારોને મહત્ત્વના માનું છું. આ વરસોમાં દુકાન અને કુટુમ્બ પર વિશેષ ધ્યાન આપવું પડતું હતું. ફુરસદના સમયે સાહિત્યસેવન ચાલ્યા કરતું હતું. એક વખત સહસા મારા હાથમાં દિવ્ય ભાસ્કરમાં પ્રગટ થયેલો રઘુવીર ચૌધરીનો લેખ આવી ચઢ્યો. ‘વિવેચક શિરીષ પંચાલ વાર્તાકાર તરીકે પ્રેમની વાણીનું બળ આલેખે છે.’ પછી તો ‘આયનો’ વાર્તાસંગ્રહ માણ્યો. ભારત આવીને તેને મળ્યો. ગુજરાત સાહિત્ય અકાદમીએ તેની પાસે સુરેશ જોષીના સમગ્ર સાહિત્યવિશ્વનું સમ્પાદન કરાવ્યું હતું, તે જોઈને હું રળિયાત થયો. નિવૃત્ત થઈને સુરેશ જોષીનું ગ્રન્થસ્થ અને અગ્રન્થસ્થ સાહિત્ય ધીમે ધીમે વાંચવા માંડ્યું. ગુજરાતી સાહિત્ય પ્રત્યે બહુ જ લગાવ હોવા છતાં હું કશું જ પ્રદાન ન કરી શક્યો એનો વસવસો હંમેશ રહ્યો હતો. ‘સમીપે’ની સમૃદ્ધિ જોઈને ખૂબ જ આનન્દ અનુભવ્યો. સુરેશ જોષી માટે શું કરી શકાય તે વિચારતો હતો અને શિરીષ પાસેથી જાણવા મળ્યું કે તે સુરેશ જોષીએ કરેલા રવીન્દ્રનાથના અનુવાદોનું સમ્પાદન કરી રહ્યો છે. એટલે મેં મારાં માતાપિતાની સ્મૃતિમાં આ પ્રકાશનની જવાબદારી લીધી અને એનો મને ખૂબ ખૂબ આનન્દ છે. નવીન પંડ્યા