લઘુ સિદ્ધાન્તવહી/પુરાકથાની નારીવાદીમીમાંસા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૪૫

પુરાકથાની નારીવાદીમીમાંસા

મનુષ્યના ઉદ્ગમ અંગેની જાણીતી આદમ અને ઈવની પુરાકથા આજ સુધી મનુષ્યના પતનની અને મૂળભૂત પાપની કથા તરીકે ઓળખવામાં આવી છે. પરંતુ પુરાકથામાં વિકલ્પવાચનો પડેલાં હોય છે એનો લાભ લઈને કોઈ આ ઉદ્ગમકથાને એ રીતે રજૂ કરે કે અહીં પતનની કથા નથી પણ ઈડનગાર્ડનથી થયેલી પ્રગતિની કથા છે. અજ્ઞાન અને સંકીર્ણતાના જગતમાંથી વધુ વિશાળ જગત તરફની વિકાસની કથા છે. જ્ઞાનના ઉપયોગી ફળની અહીં પ્રાપ્તિ છે, જેને કારણે જ મનુષ્યજીવન શક્ય બન્યું છે, તો આશ્ચર્ય ન ઊપજવું જોઈએ. આખી કથાને આ રીતે જોતાં આપણને તરત લાગે કે પરિવર્તન માટે પુરુષ નહીં પણ સ્ત્રી જવાબદાર છે, એનો સંકેત પણ એમાંથી સ્પષ્ટ થાય છે. વાત સાચી છે. ધર્મોના ઈતિહાસની અભ્યાસી વેન્ડી ડોનિગર (Wendy Doniger) શિકાગો યુનિવર્સિટીમાં અધ્યાપન કરે છે અને એણે પુરાકથા પર ‘સ્પિલિટિંગ ધ ડિફરન્સ’ (યુનિ. ઑવ શિકાગો પ્રેસ) અને ‘ધી ઈમ્પ્લાય્ડ સ્પાય્ડર’ (કોલમ્બિયા યુનિ. પ્રેસ) જેવા ગ્રંથો પ્રગટ કર્યા છે. આ ગ્રંથોમાં, પુરાકથાઓની, પિતૃસત્તાક વ્યવસ્થાઓની, જાતિવાદની અને સંસ્થાનવાદની ચર્ચાઓ દરમ્યાન એનો નારીવાદ પ્રબળપણે છતો થતો રહ્યો છે. ભારતીય અને ગ્રીક પુરાકથાઓમાં આવતાં અપહરણ, અભિન્ન રૂપો, લિંગપરિવર્તન જેવા વિષયોની વેન્ડીએ તુલનાવાદી ચર્ચા કરી છે. અને ક્યારેક પુરાકથા અંગે પણ અભિપ્રાયો ઉચ્ચાર્યા છે. આજે વિજ્ઞાનના અને આધુનિક પશ્ચિમી વિચારના પ્રબળ ઉત્થાન પછી પણ પુરાકથાઓનું આકર્ષણ ઓસર્યું નથી. કદાચ અન્ય કાળ અને અન્ય સ્થળની ભિન્ન સમજણમાં આપણા અર્થ અને આપણા વિશ્રામને આપણે શોધતા રહીએ છીએ. વેન્ડીએ આ અર્થને અને વિશ્રામને સ્પષ્ટ કરવા પ્રયત્ન કર્યો છે. વેન્ડી પુરાકથાઓને, ન તો સર્વદેશીયવાદમાં સ્પષ્ટ કરી દેવા ચાહે છે, ન તો સાંસ્કૃતિક મૂળભૂતવાદમાં એને બંધિયાર રાખવા માગે છે. એનો અભિગમ આ બે વચ્ચેનો રહ્યો છે. ઉપનિષદમાં ઈશ્વરને ઊર્ણનાભ તરીકે વર્ણવ્યો છે, એ રૂપકને આગળ વધારી વેન્ડી પુરાકથાઓ પાછળ પણ અદૃશ્ય ઊર્ણનાભને દર્શાવે છે, જે સર્વ કથાઓનો સ્રોત છે. વેન્ડી કહે છે કે અગણ્ય લેખકો, નૃવંશવિજ્ઞાનીઓ અને માનવતુલનાવાદીઓ માટે સહભુક્ત માનવતા, સહભુક્ત જીવનનો અનુભવ પુરાકથાઓની, એના કથનની કાચી સામગ્રી ઊભી કરી આપે છે. પરંતુ વેન્ડીના ગ્રંથોનું મુખ્ય ધ્યેય પુરાકથાઓનો ઉપયોગ કરવાનું છે, આ ઉપયોગ દ્વારા કથનની સપાટી પરના અવાજથી જુદા અવાજોને અને ખાસ કરીને નારીઓના અવાજને વ્યક્ત કરવાનું છે. વેન્ડી કહે છે કે મોટા ભાગની પુરાકથાઓ સંભવતઃ પુરુષોની રચનાઓ હોઈ શકે. પણ તેથી શું? પુરાકથાઓ ગમે એણે કહેલી હોય પણ એક વાર કથા કહેવાઈ જાય પછી પુરુષનું અને સ્ત્રીનું દૃષ્ટિબિન્દુ એકસાથે એમાં જોઈ શકાય. એ ભારપૂર્વક જણાવે છે કે પુરાકથા પ્રણાલી છે. કોઈ એક પુરુષનો અવાજ નથી. એટલું જ નહીં પણ પ્રણાલીમાં તો સ્ત્રી પણ આવી જાય. વેન્ડી પુરાકથાઓને તટસ્થ ગણી પુરાકથાઓનું કાર્ય પ્રગટપણે ઉપદેશ આપવાનું કે નીતિ દર્શાવવાનું નથી એમ સ્વીકારે છે. વેન્ડી કહે છે કે વિધાયક અને સ્થાયી અર્થના સંદર્ભમાં પુરાકથા એક કથા છે. કોઈ ચોક્કસ પ્રજાજૂથને એમાં પોતાનો સૌથી મહત્ત્વનો અર્થ મળે છે. આ અર્થ એવી ઘટના પરત્વે મળેલો હોય છે, જેનો અર્થ વર્તમાનમાં પણ આગળ વધેલો હોય છે. આમ થવાનું કારણ એ છે કે ઘટનાને સંભારવામાં આવે છે. આ સાથે વેન્ડી ચેતવણી ઉચ્ચારે છે કે પુરાકથાઓનો ગમે તે અર્થ ન થઈ શકે. અર્થઘટનોને પણ એની સીમાઓ હોય છે. પુરાકથાઓ ખોટી રીતે અર્થઘટિત થાય એ શક્ય છે, તો એનો દુરુપયોગ થાય એ પણ શક્ય છે. સંદર્ભ અને એની ભિન્નતાને વીસરીને જો આપણે અર્થઘટન કરીએ તો એ બહુ ખોટું અર્થઘટન છે અને અનુસંસ્થાનવાદી કાળમાં જે રીતે પુરાકથાઓનો ઉપયોગ કરવામાં આવ્યો એ દર્શાવે છે કે એ પુરાકથાઓનો દુરુપયોગ છે. આ બધી સાવધાની પછી વેન્ડી માને છે કે પુરાકથાઓની આંતરસાંસ્કૃતિક તુલના વ્યવહારુ રીતે શક્ય છે, બૌદ્ધિક રીતે યુક્તિસંગત છે અને રાજકીય રીતે ઉપજાઉ છે. પુરાકથાની નારીવાદી ચેતનાની થયેલી આ મીમાંસા પુરાકથાઓના અભ્યાસમાં નવું પાન ઉમેરે છે.