લઘુ સિદ્ધાન્તવહી/વ્યવસ્થાતંત્ર અને વિપરીત પ્રક્ષેપ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૭

વ્યવસ્થાતંત્ર અને વિપરીત પ્રક્ષેપ

અર્વાચીન અને આધુનિક વિવેચનનાં ધોરણો મધ્યકાલીન રચનાઓ પર આરોપિત કરવા જતાં મુશ્કેલીઓનો સામનો કરવો પડયો છે. આને કારણે ઊભી થતી સમસ્યાઓ માટે વિવેચનના વ્યવસ્થાતંત્રમાં આવતી અડચણોને દૂર કરી વ્યવસ્થાતંત્રમાં ફેરફાર કરવો આવશ્યક બન્યો છે. સુધારકયુગનું સાહિત્યતંત્ર પંડિતયુગમાં પહોંચતાં કે પંડિતયુગનું સાહિત્યતંત્ર ગાંધીયુગમાં પહોંચતાં એમાં સુધારાઓ-ફેરફારો કરવા જરૂરી બન્યા છે. સુધારકયુગનો સંસાર-અભિગમ હ્રાસ પામે અને પંડિતયુગનો સાંસ્કૃતિક અભિગમ માથું ઊંચકે કે પછી પંડિતયુગની સંકીર્ણ પ્રશિષ્ટતાનાં ગંભીર પડો તૂટે અને ગાંધીયુગના લોકાભિમુખ સુગમ પ્રવાહો દાખલ થાય, એ સાથે વિવેચનને દિશા બદલવી પડી છે. પૂર્વઆધુનિક કથાસાહિત્યની ભાષાને સાધન ગણતી લેખનપદ્ધતિની જગ્યાએ આધુનિક કથાસાહિત્યની, ભાષાને લક્ષ્ય ગણતી લેખનપદ્ધતિ પ્રવેશ પામતાં કથાસાહિત્યના વિવેચનતંત્રને નવેસરથી સાબદું થવું પડ્યું છે. ટૂંકમાં, દરેક જણની માનસિકતા, એનો જાગતિક પરિવેશ, એના આર્થિક, સામાજિક, રાજકીય પ્રવાહો અને એની સાંસ્કૃતિક સીમારેખાઓ બદલાતાં આવે છે અને એ ભેગી જ સાહિત્યવિવેચન-તંત્રમાં અડચણો અને બાધાઓ ઊભી થવા માંડે છે. કેટલાક એવા પ્રશ્નો અને કેટલીક એવી સમસ્યાઓ આગળ ધસી આવે છે કે એનો નિકાલ કરવા માટે કે એની સામે અનુકૂલન સાધવા માટે પગલાં લેવાં પડે છે. સંસ્કૃતનો ધ્વનિવિચાર કે રસવિચાર આજના સાહિત્ય પર સીધો લાગુ પાડવા જતાં કે પશ્ચિમનું વિવેચનતંત્ર સીધું ભારતીય સાહિત્ય માટે આયાત કરવા જતાં એક વાત યાદ રહે કે દરેક યુગની, દરેક સંસ્કૃતિની એની પોતાની તાસીર હોય છે. કોઈપણ વ્યવસ્થાતંત્રના વિનિયોગમાં, આથી જ, દેખા દેતા ગતિરોધો અજાણ્યા નથી. અભાનપણે એની સાથે કામ પડાતું હોય છે, પણ જે કાંઈ થાય છે એ અંગે, અલબત્ત, ઝાઝું વિચારાતું નથી. એને માત્ર સમસ્યાઓને ઓળખી કાઢવાની બાબત તરીકે જ સ્વીકારી લેવામાં આવે છે. પરંતુ આ ગતિરોધોને સર્વાશ્લેષી દૃષ્ટિ (holistic view)થી વ્યવસ્થાતંત્રની પડછે જોવાના આગ્રહમાંથી આજે ‘વિપરીત પ્રક્ષેપ’ (reverse salient)ની વિભાવના પ્રચલિત બની છે. આ વિભાવના એવું સ્વીકારીને ચાલે છે કે કોઈ પણ વ્યવસ્થાતંત્રની પાછળ ‘વિપરીત પ્રક્ષેપ’ પડેલા જ હોય છે. આ વિભાવના ટેકનૉલોજીના અગ્રણી અમેરિકી ઈતિહાસકાર ટૉમસ પી. હ્યૂઝ તરફથી મળી છે. હ્યૂઝે એના ‘નેટવર્ક ઑવ પાવર : ઈલેક્ટ્રિફિકેશન ઈન વેસ્ટર્ન સોસાયટી : ૧૮૮૦-૧૯૩૦’માં વિજ્ઞાનક્ષેત્રનાં અનેક ઉદાહરણ સાથે આ વિભાવનાને ચર્ચી છે. ટૉમસ હ્યૂઝને આ સંજ્ઞાનો પહેલો પરિચય યુરોપના ઇતિહાસનો અભ્યાસ કરતી વખતે પહેલા વિશ્વયુદ્ધ દરમ્યાન ફ્રાન્સમાં વેર્દ્યું (Verdun) ખાતે જર્મનો સાથે થયેલા યુદ્ધ અંગેની ચર્ચા કરતાં પોતાનાં એક પ્રાધ્યાપક પાસેથી થયેલો. જર્મનો વેર્દ્યુંમાં ઊંડે સુધી ઘૂસી આવ્યા એ ફ્રાન્સના યુદ્ધતંત્રમાં ‘વિપરીત પ્રક્ષેપ’ હતો. ફ્રાન્સની એકંદર સમથળ યુદ્ધવ્યવસ્થાને તોડતો બહાર ઘસી આવેલો આ વિપરીત પ્રક્ષેપ ફ્રેન્ચ પ્રજાને પોતાની પૂરી શક્તિઓ કેન્દ્રિત કરવા ઉદ્યુક્ત કરે છે. વેર્દ્યું સંદર્ભે વપરાયેલી આ સંજ્ઞાને ટૉમસ હ્યૂઝે પછી, શાસ્ત્રીય સંજ્ઞામાં સ્થિર કરી. ટેકનૉલોજીના ક્ષેત્રમાં ટેકનૉલોજી પરથી વ્યવસ્થાતંત્રનો ખ્યાલ રાખનારા વિજ્ઞાનીઓમાં ટૉમસ હ્યૂઝને એડિસનનું આકર્ષણ છે. હ્યૂઝનું માનવું છે કે એડિસને માત્ર ઇલેક્ટ્રિક બલ્બની શોધ નથી કરી, પણ એણે પ્રકાશ આપનારા સમસ્ત વ્યવસ્થાતંત્રની શોધ કરી છે. ઇલેક્ટ્રિક પ્રકાશ અને ઊર્જાના માળખા જેવા વ્યવસ્થાતંત્રમાં કયા કયા ગતિરોધો પડ્યા છે એના તરફ એડિસને લક્ષ આપ્યું. સંશોધકો હંમેશાં વ્યવસ્થાતંત્રમાં રહેલા વિપરીત પ્રક્ષેપોના પરીક્ષણ પાછળ મંડ્યા રહે છે અને એને સુધારતા રહે છે. એડિસને જોયું કે પ્રકાશના વ્યવસ્થાતંત્રમાં બલ્બના ઇલેક્ટ્રિક ફિલામેન્ટ્સનું બિનટકાઉપણું એ એનો વિપરીત પ્રક્ષેપ છે અને એને દૂર કરવો જ પડે. જ્યાં સુધી ફિલામેન્ટ્સના ‘વિપરીત પ્રક્ષેપ’ સાથે કામ ન પાડી શકાય ત્યાં સુધી સમસ્ત પ્રકાશવ્યવસ્થાને વિકસિત કરી શકાશે નહીં, એવી એને ખાતરી હતી. વિપરીત પ્રક્ષેપની સંજ્ઞાને ફિલામેન્ટ્સના ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કર્યા પછી હ્યૂઝે વિપરીત પ્રક્ષેપનાં ઘણાં ઉદાહરણો આપ્યાં છે. અણુઊર્જાકેન્દ્રોના વ્યવસ્થાતંત્રમાં ઊભી થતી ટૉક્સિક કચરાની સમસ્યા, કમ્પ્યૂટર બજારમાં મૂકવા છતાં કંપની દ્વારા સૉફટવેર ઉપલબ્ધ ન રાખવાની સમસ્યા - આ બધી સમસ્યાઓ સાથે કામ પાડવું હોય તો માત્ર સમસ્યાઓને ઓળખવાથી કામ ચાલે તેમ નથી. આ બધી સમસ્યાઓને જે તે વ્યવસ્થાતંત્રને લક્ષમાં રાખીને સમજવી પડે - એમાં સુધારાવધારા કરવા પડે. આમ, કોઈ પણ વ્યવસ્થાતંત્રમાં સમસ્યારૂપે બહાર ધસીને આવતો ભાગ, એ ‘વિપરીત પ્રક્ષેપ’ (reverse salient) છે. ‘પ્રક્ષેપ’ (અંગ્રેજીમાં salient નો એક અર્થ બહાર ઊપસેલું, આગળ નીકળેલું એવો થાય છે) નો અહીં બહાર નીકળી આવેલું કે મૂકેલું એવો અર્થ અપેક્ષિત છે. આવા વિપરીત પ્રક્ષેપને વ્યવસ્થાતંત્રની પડછે સુધારવા પડે. સાહિત્યવિવેચનમાં ઊભા થતા વિપરીત પ્રક્ષેપોને વિવેચનતંત્રે સજાગ રહીને સુધારવા પડે. ટૉમસ હ્યૂઝની વિભાવના, સાહિત્ય અને સાહિત્યના ઇતિહાસને અંકે કરવા જતાં વિવેચનતંત્રમાં ઉપસ્થિત થતા વિપરીત પ્રક્ષેપો પ્રતિ વિવેચકોને વધુ સાવધ અને સંવેદનશીલ બનાવી શકે તેમ છે.