લઘુ સિદ્ધાન્તવહી/સાહિત્યમાં સ્ત્રૈણ ચેષ્ટાઓની મનોવૈજ્ઞાનિક તપાસ
સાહિત્યમાં સ્ત્રેણ ચેષ્ટાઓની મનોવૈજ્ઞાનિક તપાસ
સૂફીવાદમાં ઓઢાતો પુરુષભાવ, પ્રેમલક્ષણા ભક્તિમાં ઓઢાતો સખીભાવ, ગોપીભાવ કે રાધાભાવ, શક્તિભક્તિમાં અસુરસંહારક તરીકે યા તાંત્રિક ઉપકરણ તરીકે સ્ત્રીનો પુરસ્કાર-આ બધાં મધ્યકાલીન સાહિત્યનાં પરિબળો ઉપરાંત અર્વાચીન અને આધુનિક કથાસાહિત્યમાં મુખ્યત્વે પુરુષ દ્વારા નિરૂપાયેલાં નારીચરિત્રો તેમજ હાલમાં ગુજરાતી ગીતના વણસેલા સ્વરૂપમાં લોકગીતના ચાળા પાડતી ચેષ્ટાઓ-નવેસરથી તપાસનો વિષય બને તેમ છે. જુદા જુદા મનોવિજ્ઞાનીઓ દ્વારા જુદી જુદી સિદ્ધાન્તપદ્ધતિ સાથે મનોવિજ્ઞાનની અચેતન ક્ષેત્રની તપાસમાં મનુષ્યના વિકાસ સંદર્ભે એનો માતા કે પિતા સાથેનો સંબંધ કેન્દ્રસ્થ રહ્યો છે. માતાનાં કે પિતાનાં વિધાયક કે નકારાત્મક બળો મનુષ્યના વ્યક્તિત્વ અને એનાં જીવનવલણો પર ઊંડો પ્રભાવ પાડે છે. આના અનુસંધાનમાં મનોવિજ્ઞાની યુંગની અને એના અનુગામીઓની કેટલીક વિચારણા માર્ગદર્શક બની શકે તેમ છે. મનુષ્યચિતિમાં રહેલા પુરુષઅંશ (animus) અને સ્ત્રીઅંશ (anima) વચ્ચેનો જે સંબંધ છે તે યુંગની વિચારણામાં દ્વન્દ્વરૂપે ઊપસે છે. યુંગને મતે બધા પુરુષોમાં સ્ત્રીઅંશ (anima) છે અને બધી સ્ત્રીઓમાં પુરુષઅંશ (animus) છે. પ્રત્યેક પુરુષ સ્ત્રીને અને પ્રત્યેક સ્ત્રી પુરુષને પોતાનામાં વહે છે. એટલે કે પુરુષમાં સ્ત્રીઅંશની ઉપસ્થિતિનો અને સ્ત્રીમાં પુરુષઅંશની ઉપસ્થિતિનો અનુક્રમે સ્ત્રીસિદ્ધાન્ત અને પુરુષસિદ્ધાન્ત કલ્પવામાં આવ્યો છે. યુંગ અને યુંગવાદીઓ માને છે કે સામાન્ય રીતે માતા દ્વારા સ્ત્રીઅંશને આકાર મળે, કે ન મળે, પણ માતાથી સ્ત્રીઅંશ પ્રભાવિત હોય છે. જો માતાનો પ્રભાવ નકારાત્મક હોય તો પુરુષના વ્યક્તિત્વના સ્ત્રીઅંશનાં પાસાંઓ પર માઠી, વિનાશકારી અસર પહોંચે છે. અને જો માતાનો પ્રભાવ વિધાયક હોય તો પુરુષનો સ્ત્રીઅંશ પુરુષના પુરુષત્વને દૃઢ કરવામાં મુખ્ય ભાગ ભજવે છે. એ જ રીતે સ્ત્રીમાં રહેલો પુરુષઅંશ પિતાથી આકાર પામ્યો હોય છે. અને એના દ્વારા સારોનરસો પ્રભાવ જન્મે છે. જો પિતાનો સારો પ્રભાવ હોય તો સ્ત્રીને આંતરિક બળ પ્રાપ્ત કરવામાં સહાય મળે છે. પણ પિતાનો નકારાત્મક પ્રભાવ સ્ત્રીને લાગણીજડ, જિદ્દી અને વધુ પડતી ટીકાખોર બનાવી મૂકે છે. આમ સ્ત્રીઅંશ કે પુરુષઅંશનાં વિધાયક કે નકારાત્મક પરિબળોને આધારે અનુક્રમે સુવિકસિત-સુગ્રથિત વ્યક્તિત્વ ઘડાય છે અથવા વિક્ષુબ્ધ વ્યક્તિત્વ બહાર આવે છે. એમ.એલ.ફૉન ફ્રાન્ત્સે એના પુસ્તક ‘ધ પ્રોસેસ ઑવ ઈન્ડિવિડ્યુએશન’ (૧૯૬૮)માં સ્ત્રીઅંશ અને પુરુષઅંશની ચર્ચા કરી છે. અને એનો વ્યક્તિત્વ પરનો તેમ જ કલાનાં તથા કલાસંલગ્ન ક્ષેત્રો પરનો પ્રભાવ નોંધ્યો છે. સ્ત્રીઅંશનું સૌથી વધુ પ્રાગટ્ય રતિમૂલક તરંગોમાં છે. આ રતિમૂલક તરંગોને ચલચિત્રો, સ્ટ્રિપટીઝ શો અને કામશાસ્ત્રનાં ભદ્દાં પ્રકાશનો પોષણ આપે છે. કદાચ સ્ત્રીઅંશનું આ પ્રાકૃત અને આદિમ પાસું છે. આ પાસું ત્યારે જ પ્રગટ થાય, જ્યારે પુરુષ એના લાગણીસંબંધને પૂરતો કેળવતો નથી. ફ્રાન્ત્સ સૂચવે છે કે આ જ સ્ત્રીઅંશ જો પુરુષ બરાબર કેળવે તો એને સાચા જીવનસાથીની શોધથી માંડી આંતરિક મૂલ્યોને સાધવામાં સહાયક નીવડી શકે તેમ છે. આમ, એકંદરે યુંગવાદીઓને મતે ‘સ્ત્રીઅંશ’ કે ‘પુરુષઅંશ’ એ આનુવંશિક રીતે વારસામાં મળેલી સ્ત્રીની કે પુરુષની સામૂહિક છાપ (collective image) છે. અને એ સ્ત્રી કે પુરુષના અચેતન મનમાં સ્ત્રીપુરુષનાં સંબંધોના આદિરૂપ (archetype) તરીકે વસે છે. આ સર્વના પ્રકાશમાં આજના કથાસાહિત્યમાં ડોકાતા વધુપડતા રતિમૂલક તરંગો કે આજનાં ગીતોમાં પ્રગટતી સ્ત્રૈણ ચેષ્ટાઓની કસોટી ફરીને જરૂરી બની છે.
●