લઘુ સિદ્ધાન્તવહી/સુધારકયુગ અને સ્રોતવાદ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૭૨

સુધારકયુગ અને સ્રોતવાદ

ભારત સ્વતંત્ર થયું એ સાથે જ ભારતીય સાહિત્યે પણ સ્વતંત્ર થવા તરફ ગતિ કરી. અંગ્રેજોની શાસનધૂંસરી હટી જતાં અંગ્રેજી સાહિત્યનાં પ્રતિમાનો લઈને ચાલતા ભારતીય સાહિત્યે પણ અંગ્રેજી પ્રતિમાનોને બાજુએ રાખી યુરોપીય પ્રતિમાનોને અપનાવવા શરૂ કર્યાં. આ સાથે સાહિત્યની સ્વાયત્તતાનો અને એની સ્વતંત્રતાનો ખ્યાલ વિકસવા માંડ્યો. ભારતની બધી ભાષાઓનાં સાહિત્યોમાં શુદ્ધ સાહિત્યની વિભાવના અર્વાચીનતામાંથી આધુનિકતા તરફ, આધુનિકતાવાદ તરફ લઈ ગઈ. આમ છતાં ભારતીય સાહિત્ય પ્રતિમાનની બાબતમાં પરતંત્ર છે એની પ્રતીતિ રહી રહીને થયા કરી અને અન્તે આજે અંગ્રેજોના સંસ્થાન મટેલા બધા દેશોમાં તેમ ભારતમાં પણ સાહિત્ય પોતાનાં મૂળ તરફ વળવાની તૈયારી કરી રહ્યું છે. આજે એની ખોજ વર્ષોથી પશ્ચિમની વિચારધારાઓમાંથી પોતાને જોવાની ટેવમાંથી બહાર આવી પોતાના લુપ્ત મધ્યકાલીન કાવ્યશાસ્ત્ર સાહિત્યશાસ્ત્ર માટેની છે. આ ખોજને સંસ્થાનવાદી છાયા ધરાવતી ‘દેશી’ જેવી સંજ્ઞા સાથે સાંકળી એને ‘દેશીવાદ’ તરીકે ઓળખાવવી એના કરતાં એને આધારવાદ કે સ્રોતવાદ (Originism) તરીકે ઓળખાવવી વધુ ઉચિત છે. ગુજરાતી સાહિત્યમાં આ ખોજ અને આ વલણ આજે જ્યારે સક્રિય બન્યાં છે ત્યારે મધ્યકાળની જે સીમા પશ્ચિમના આક્રમણથી આક્રાન્ત થઈ અને ચાલી આવતી ગુજરાતી સાહિત્યની પરંપરા જે રીતે ક્ષુબ્ધ થઈ એ સીમા પરના સાહિત્યની ફેરતપાસ અનિવાર્ય બને છે. આ સીમાવર્તી સાહિત્યને ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં સુધારકયુગના સાહિત્ય તરીકે ઓળખાવ્યું છે. ૧૮૧૮માં ખડકીના યુદ્ધમાં મરાઠાઓને પરાસ્ત કર્યા એ સાથે અંગ્રેજો અનેક દિશામાં છવાઈ ગયા. ભારતમાં અનેક પ્રજાઓ આવેલી, પણ અંગ્રેજ પ્રજાની વાત જુદી હતી. પરભાષાનું, પરરીતભાતનું અને પરજાતનું જ્ઞાન જેમ જેમ વધતું ગયું તેમ તેમ જે આપણું તે ખરાબ અને તેથી સુધારવાલાયક એવી ગ્રંથિ વધુ ને વધુ દૃઢ થતી ગઈ. જીવનનાં બધાં ક્ષેત્રે તેમ સાહિત્યક્ષેત્રે પણ સુધારો આવ્યો. એટલું જ નહીં પણ સાહિત્ય પોતે સર્વત્ર થતા સુધારાનું વાહન બન્યું. અંગ્રેજી શિક્ષણે અને અંગ્રેજી શિક્ષણ દ્વારા અંગ્રેજી સાહિત્યે નવી જાગૃતિ પ્રેરી. સાંપ્રત જીવન પ્રત્યેની સભાનતા ઊભી કરી, એ સાથે સાહિત્યમાં વિષયફેર થયો. પારલૌકિક ધર્મ અને ભક્તિને સ્થાને ઈહલૌકિક અંગત પ્રણય, પ્રકૃતિ અને દેશભક્તિ દાખલ થયાં. આત્મલક્ષી અભિવ્યક્તિને કારણે સ્વરૂપફેર થયો. કવિતાના ગરબી, પદ જેવા પ્રકારોને સ્થાને ‘ઊર્મિકાવ્યો’ લખવાં માંડ્યાં. દેશી રાગોને સ્થાને વૃત્તબદ્ધ રચનાઓ દાખલ થઈ. એટલે કે છંદફેર ઊભો થયો. નવી સંવેદનાઓને સમાવવા માટે ભાષાફેર થયો અને સૌથી મોટી વાત તો હેતુફેરની છે. કવિતાનો હેતુ પારલૌકિક કરતાં વધુ તો ઈહલૌકિક બન્યો. અલબત્ત એવું જોઈ શકાય કે સાહિત્ય પારલૌકિકથી બીજે છેડે ઈહલૌકિક તરફ ગયું પણ હજી એ સાહિત્યના અલૌકિકથી બહુ છેટું હતું. કારણ આ સીમાવર્તી સાહિત્ય પાસે ન તો પોતાનાં પુરોગામી કોઈ પ્રતિમાન હતાં કે જેને એ અનુસરે કે ન તો એની પાસે પ્રતિક્રિયાનું કોઈ તંત્ર હતું કે જે એને પ્રતિપોષણ આપે. અર્વાચીન સાહિત્ય હજી સર્જાતું આવતું હતું અને વિવેચન હજી જન્મ્યું નહોતું. આ સાહિત્યે લગભગ શૂન્યાવકાશમાં કામ કરવાનું હતું. અર્વાચીનીકરણની આ કઠિન પ્રક્રિયામાં મધ્યકાળથી વિમુક્ત થવાનો અને અર્વાચીનથી સંયુક્ત થવાનો તણાવ સાહિત્યક્ષેત્રે ઊભો થાય એ સ્વાભાવિક હતું. આ બે તણાવની અલગ અલગ ધરી પર બે મહત્ત્વના કવિઓ આ સીમાવર્તી સમયમાં ઊભેલા છે. દલપતરામની કવિતામાં જૂનું કેમ છોડવું એવો વિલગ્નતાનો તણાવ (Detachment Tension) વધુ છે, તો નર્મદની કવિતામાં નવું કેવી રીતે સાંકળવું, એવો સંલગ્નતાનો તણાવ (Attachment Tension) વધુ છે. આ બે તણાવને દ્વન્દ્વ તરીકે જોવા કરતાં એને પૂર્તિરૂપે જોવા વધુ ઈષ્ટ છે. ખરેખર તો દલપતરામના શુષ્ક સ્વરૂપવાદને નર્મદના પ્રાકૃત લાગણીવાદનું સમતુલન મળ્યું છે. ‘પારસી મંચ’માં એકબીજાની ચોટલી ખેંચતા દલપત - નર્મદના ઠઠ્ઠાચિત્રને બદલે એકબીજા હસ્તધૂનન કરતા હોય એવું એમનું ઠાવકું ચિત્ર કલ્પવું એ સત્યની વધુ નજીકનું છે. દલપતરામની ગામઠી શાળાની કેળવણી, એમનો વ્રજભાષાની પરંપરાનો જબરદસ્ત વારસો, પારંપરિક કાવ્ય સામગ્રી અને કસબ પર બેનમૂન એમની હથોટી - આ બધું હોવા છતાં નર્મદનો વિષયરાગ અને અભિવ્યક્તિરાગ સ્પર્શ્યો ન હોત તો દલપતરામનો ધીરે ધીરે ચાલતો ‘સુધારાનો સાર’ પણ સાવ ઠરી ગયો હોત. તો બીજી બાજુ નર્મદની અંગ્રેજી શિક્ષણસાહિત્યની કેળવણી. જોસ્સાના નશા કે નશાના જોસ્સા સાથેની એની લેખનપ્રવૃત્તિ અને નવું નવું કરી નાખવાને તત્પર એની સાહસવૃત્તિને દલપતરામનો છાંદસ ઉદ્યમ અને નિયત ભાષાપરિશ્રમ જો સ્પર્શ્યા ન હોત તો નર્મદનો સુધારાનો ‘યાહોમ’ ફત્તેહ વગરનો સાવ ઉધામો જ બનીને રહી ગયો હોત. આમ છતાં આ બંને કવિને સાથે મૂકીએ છીએ ત્યારે નર્મદની નવાની સિદ્ધિ કરતાં દલપતરામની જૂનાની સિદ્ધિ વધુ ધ્યાન ખેંચે છે. અંગ્રેજીથી અપ્રભાવિત મધ્યકાલીન ભારતીય કાવ્યશાસ્ત્રનો મૌખિક અને શીઘ્ર કવિતાનો તેમજ અનુપ્રાસાન્ત યમકાન્ત અને પ્રબંધોને પુરસ્કારની અભ્રાન્ત (તરત સમજાય એવી) કસબકવિતાનો આદર્શ દલપતરામમાં વધુ ખીલેલો છે. વિનોદ અને વક્રતાથી રસાયેલાં દલપતરામના ‘કેડેથી નમેલી ડોશી’ કે ‘ઊંટ કહે આ સભામાં’ કે ‘એક શરણાઈવાળો’ જેવાં કથાઊર્મિકો એક રીતે જોઈએ તો ભારતીય કવિતાના નખશીખ નમૂના જેવાં છે. નર્મદને ‘રસ એટલે અંદરની મજા’ની જાણ હોવા છતાં એની ભાગ્યે જ કોઈ રચના આવો પરિપાક દર્શાવી શકે છે. નર્મદ છૂટક પંક્તિઓનો કવિ છે. આધારવાદ કે સ્રોતવાદની ખોજમાં રહેતા આજના સાહિત્યકાર ને માટે દલપતરામની ગામઠીશાળા અને વ્રજભાષાની પરંપરાને નવેસરથી અભિશોષીને કવિતાની ગણસિદ્ધિ કરતાં એની માત્રાસિદ્ધિ ગુજરાતી ભાષાને કઈ રીતે વધુ માફક આવશે એની સમજણમાં ઊતરવાનો અવસર હવે ઊભો થયો છે.