વાસ્તુ/14

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ચૌદ

અમૃતા રાહ જોતી રહી... કેમ હજી સંજય આવ્યો નહિ પાછો? શું હશે? બાએ કેમ અડધી રાત્રે બારણું ખખડાવ્યું હશે? એવું તે શું કામ પડ્યું હશે અડધી રાત્રે? સંજયનો હાથ ઝાલીને બા એને લઈ ગયાં તે લઈ ગયાં… સંજય કેમ હજીયે પાછો ન ફર્યો? ક્યારે આવશે એ? હજીયે કેમ ના આવ્યો? હું બહાર જઉં? એવું જ હોત તો બાએ અહીં જ વાત ન કરી હોત? શા માટે હાથ ઝાલીને સંજયને લઈ ગયાં એમની રૂમમાં? એવું તે શું હશે? બાને એના રોગ વિશે આશંકા જ હશે કે પછી કોઈ રીતે ખબર પડી હશે? સંજયની દવાઓ એમણે બતાવી હશે કોઈને? ને જાણ્યું હશે કે કયો રોગ છે? હજીયે કેમ સંજય આવ્યો નહિ પાછો? અમૃતાના મનમાં આના આ જ સવાલો વમળની જેમ ઘુમરાતા રહ્યા. ક્ષણો ક્ષણોની જેમ પસાર થતી નહોતી. ક્ષણો અટકી અટકીને જરી જરી ચાલતી હતી ને વળી અટકી જતી. ઓવર લોડેડ ટ્રકો જેવી આ ક્ષણોનો ટ્રાફિક જાણે જામ થઈ ગયો હતો. એકાદ ક્ષણ જરીક આગળ ચાલતી એના કરતાં અનેકગણું વધારે થંભી જતી. અમૃતાને લાગ્યું કે એની પથારીની આજુબાજુ નજર પહોંચે ત્યાં લગી ચારે તરફ કોક સમુદ્ર તોફાને ચડ્યો છે. પ્રચંડ ઝંઝાવાત વચ્ચે પોતે સાવ એકાકી ટાપુ પરના કોક તણખલા જેવી થઈ ગઈ છે ને કશી નક્કર ધરતીને વળગી રહેવા મથી રહી છે… ઝંઝાવાત વધુ ને વધુ તોફાની થતો જાય છે... અમૃતા ઊભી થઈ. નાઇટલૅમ્પના ઝાંખા અજવાળામાં ઘડિયાળ સામે તાકી રહી... હજી રાતના સવા ત્રણ જ થયા છે?! ધીમો ધીમો સેકન્ડકાંટો ચાલે તો છે... અમૃતા રૂમમાં આમથી તેમ ને તેમથી આમ આંટા મારવા લાગી. એવું લાગ્યું કે નાઇટલૅમ્પનું ઝાંખું પીળું અજવાળું ધીરે ધીરે તેજસ્વી થતું જાય છે. બારીમાંથી સ્ટ્રીટલાઇટના અજવાળાનો સોનેરી લંબચોરસ ટુકડો રૂમમાં પ્રવેશતો હતો ને સૂતેલા વિસ્મયના ચહેરા સુધી લંબાઈને પડ્યો હતો. કેવો ઘસઘસાટ ઊંઘે છે વિસ્મય? નાના નાના બેય હાથ માથા તરફ કેવા રાખ્યા છે! કેવો તો નિર્દોષ લાગે છે! અમૃતાએ વિસ્મયના કપાળે ને બેય ગાલે ઘણી બધી ચૂમીઓ કરી. એના વાંકડિયા વાળમાં હાથ ફેરવતાં થયું – કેવું નસીબ લઈને જન્મ્યો હશે વિસ્મય? ક્યાં સુધી એના નસીબમાં હશે પપ્પાનું સુખ? મારો નાનકડો લાડકો વિસ્મય શું પપ્પા વગરનો થઈ જશે! આ વિચાર સાથે જ આંસુઓ ઊભરાઈ આવ્યાં – પેટ ભરીને, ધરાઈને રડી લીધું ઓશીકાને બાઝીને... ત્યાં વિચાર ઝબક્યો– સંજય પાછો આવી જાય એ પહેલાં લાવ, મોં ધોઈ આવું. વૉશબેસિન પાસે જઈ આંખોમાં ખૂબ પાણી છાંટ્યું. પછી મોં ધોયું. નૅપ્કિનના બદલે ગાઉનથી જ લૂછ્યું. બેડરૂમમાં પાછી ફરી. હજી પોણા ચાર જ થયા છે, બસ? હજીય કેમ સંજય આવ્યો નહિ? બાની રૂમમાં જ સૂઈ ગયો હશે? વળી રૂમમાં થોડા આંટા માર્યા. ઊંઘ જાણે છેક આવતા જનમમાં પહોંચી ગઈ હતી… બારી પાસે આવી… ચંપા પર ઢોળાતો સોડિયમ લૅમ્પનો પ્રકાશ જોયા કર્યો. ચંપાનાં ફૂલો સોનેરી લાગતાં હતાં ને પાંદડાં એકદમ પીળાશ પડતાં પોપટી. ચંપાનાં ફૂલો ગણ્યાં. તમરાંનો અવાજ સાંભળ્યા કર્યો. દૂર ક્યાંકથી ચીબરીનો અવાજ આવ્યો. દૂર ક્યાંક ટિટોડી ક્રન્દન કરતી હતી. બારીમાંથી આકાશમાં જોયું. તારાઓ ગણવાનો વિચાર આવ્યો ને માંડી વાળ્યો. બાની રૂમમાં જવાનો વિચારેય માંડી વાળ્યો. વિમાનનો અવાજ નહોતો આવતો, પણ અતિશય ઊંચાઈએથી પસાર થતી વિમાનની લાઇટ જોયા કરી… એ લાઇટ પણ દૂર ને દૂર થતી જઈને અંધારામાં ઓગળી ગઈ. બારીના સળિયા પકડી માથું સળિયા પર ટેકવ્યું. બારી પાસે આમ ઊભાં ઊભાં થાક લાગ્યો. થયું, લાવ પથારીમાં પડવા દે. અમૃતા વળી પથારીમાં ગઈ ને વિસ્મયનો ટચૂકડો હાથ બેય હથેળીમાં ઝાલીને પડી રહી. વિસ્મયની હથેળી ને આંગળીઓ ચૂમી. છત પર ફરતા પંખાને ક્યાંય સુધી જોયા કર્યો. પછી ઊભા થઈને પંખાની સ્વિચ બંધ કરી. પંખાની ધીમી થતી જતી ગતિ જોયા કરી… થોડી ક્ષણ પછી પંખો સ્થિર થઈ ગયો. એક તરંગ ફૂટ્યો – નસીબના ચક્રનીય સ્વિચ હાથમાં આવે તો? પંખીઓના અવાજે આ તરંગને તોડ્યો. સૂતાં સૂતાં જ બારી તરફ નજર કરી. પરોઢિયું જણાયું. થયું, હા...શ! છેવટે સવાર પડ્યું તો ખરું. રાત છેવટે પૂરી તો થઈ… તોય સંજય પાછો ન આવ્યો?! બાની જ રૂમમાં સૂઈ ગયો હશે? ત્યાં રસોડામાં લાઇટ થઈ. અમૃતા પથારીમાં જ પડી રહી. રસોડામાંથી આદુ ખાંડવાનો અવાજ આવ્યો. પછી ચાના ઊકળવાની સોડમ આવી. અમૃતા ઊભી થઈ. વૉશબેસીન પાસે ગઈ. બ્રશ લીધું. ટ્યૂબમાંથી પેસ્ટ કાઢી ને બ્રશ કરવા લાગી. સંજય હજી ઊંઘતો હશે? બાના રૂમમાં જ એ ઊંઘી ગયો?! ‘શું હતું? – એ કહેવાય ન આવ્યો? મારો એને કોઈ વિચાર જ ન આવ્યો?! દાંત પર, પેઢાં પર બ્રશ ફરતું રહ્યું, વિચારો ચાલતા રહ્યા… અમૃતા બ્રશ કરી રહી ને જોયું તો – બાએ એના માટેય ચા મૂકી હતી! બેય કપ ડાઇનિંગ ટેબલ પર ગોઠવાયા. સાસુ-વહુ બંને પોતપોતાની ખુરશીમાં બેઠાં. બેય જણ એકમેક સાથે નજર મેળવતાં નહોતાં. બેય જણ ચાના કપમાંથી નીકળતી વરાળ તરફ તાકી રહેલાં. નજર મેળવવા જતાં બીક લાગતી કે ક્યાંક આખોયે ગઢ એક જ ક્ષણમાં ભાંગી જશે તો? ડાઇનિંગ ટેબલના બ્રાઉન ટોપ પર વચ્ચે ચિનાઈ માટીના ફૂલ ફૂલની ઝીણી બૉર્ડરવાળા બે સફેદ કપ એવી જ બૉર્ડરવાળી રકાબીમાં ગોઠવાયેલા અને ટેબલ પર મુકાયેલા કોણી સુધીના ચાર હાથ – બે ગોરા, બંગડીઓવાળા, માંસલ; બીજા બે બંગડી વગરના, કરચલિયાળી ચામડીવાળા… ચારેય હાથ ટેબલ પર પડેલા સૂમસામ – ‘સ્ટીલ લાઇફ'ના કોઈ પેઇન્ટિંગ જેવા… ‘સ્ટીલ લાઇફ’ જેવી ક્ષણો પસાર થવાના બદલે જાણે માથા પર ઝળૂંબી રહી… અમૃતા કપમાંની ચાની સપાટી પર બંધાતા મલાઈના પાતળા પડને તાકી રહી... કપમાંથી ઊઠતી વરાળ હવે બંધ થઈ ગઈ હતી. પોતાની નજર ચાની રકાબીમાં જ રાખીને બાએ કહ્યું – ‘અમૃતા… બેટા… ચા પી.’ ‘હં…' બા પોતાને હંમેશાં ‘અમૃતા’ કહીને જ સંબોધતાં. ક્યારેય ‘બેટા’ નહોતાં કહેતાં. પપ્પાય એને હંમેશાં ‘અમૃતા' જ કહેતા. પપ્પાએ ક્યારેય એને સંજય સાથે પ્રેમમાં પડ્યા પછી ‘બેટા’ કહીને બોલાવી નથી. પપ્પાની સંમતિ વગર ભાગી જઈને લગ્ન કર્યાં ત્યાર પછી તો પોતે પપ્પા માટે મરી પરવારી હતી. પિયર સાથેના સંબંધો પૂરા થઈ ગયેલા. રૂપાના જન્મ વખતે કે વિસ્મયના જન્મ પછી પણ સંબંધનો કોઈ જ તાંતણો ફરી જોડાયો નહોતો. માને મળવાનુંય માશીને ઘેર ગોઠવવું પડતું. બાએ પોતાને ‘બેટા’ કહી આથી ખૂબ સારું લાગ્યું. એ શબ્દએ જાણે સીધું જ પોતાનું હૃદય પંપાળ્યું! બાએ ચા રકાબીમાં રેડી પછી રકાબીને અંગૂઠા ને આંગળીઓ વડે એક બાજુથી પકડીને મોંએ માંડી ને ચુસકીના અવાજ વગર મોટા મોટા ઘૂંટ ભરીને ચા પૂરી કરી ને પછી ઊભાં થઈને સંડાસ તરફ ગયાં. બા ક્યારેય આવી રીતે તો ચા પીતાં નહોતાં. પાંચે આંગળીઓ ઉપર તરફ ફેલાવીને એની ઉપર રકાબી ધરી રાખે ને રકાબીમાં ચા રેડી પછી નાની નાની ચુસકીઓ લે. મોં દ્વારા અંદર ખેંચાતી હવાનો ને ચાનોય જરી અવાજ આવે. એક ચુસકી લીધા પછી જરી અટકે. ચાનો સ્વાદ બરાબર માણે ને પછી બીજી નાની ચુસકી. અમૃતાનેય હંમેશાં ઊકળતી – વરાળ નીકળતી ચા જોઈએ. ક્યારેક બા કહેતાં – ‘આટલી ગરમ ચા ન પી… અમૃતા' ક્યારેક સંજય પણ ટોકતો – ‘આટલી ગરમ ચા પીએ છે તે જીભ દાઝતી નથી? આળી નથી થઈ જતી? આટલી ગરમ ચા પીવાથી જીભના ટેરવાની સ્વાદને પારખવાની શક્તિ ઓછી થઈ જાય.’ ‘ભલે મારી જીભ સાવ બહેરી થઈ જાય પણ ચા તો મારે ગરમાગરમ જ જોઈશે.’ હંમેશાં ઊકળતી ચા પીનારી અમૃતાની ચા પર આજે મલાઈનું પાતળું પડ બાઝ્યું છે. ફૂંક મારીને એણે મલાઈનું પડ આઘું કરી એક મોટો ઘૂંટડો ભર્યો પણ બીજા ઘૂંટડે આઘી કરેલી મલાઈ નજીક આવીને એના રતૂમડા હોઠે ચોંટી. તર્જનીથી એને દૂર કરી ખાલી રકાબીમાં નાખી. બાકીની ચા ત્રીજા ઘૂંટડે પૂરી કરી. પછી એ ઊભી થઈને બાના ઓરડા તરફ ગઈ. બારણામાંથી જોયું તો સંજય ઊંઘતો હતો. મોટા ડાઇનિંગ ટેબલ પર ચાનાં બે ખાલી કપ-રકાબી પડ્યાં રહ્યાં. અમૃતા આવી ને કપ-રકાબી લઈ ગઈ. ચાના કપનું એક કૂંડાળું બાકી રહી ગયું. બાને નહાવા માટે અમૃતાએ પાણી ગરમ મૂક્યું. નહાવામાં જરીકે મોડું થાય એ બાને ન ગમે ને એ પછી પૂજા-પાઠ. બા નહાવા ગયાં કે તરત અમૃતા સંજય પાસે આવી. હજી એ ઊંઘતો હતો. એના વાળમાં અમૃતાએ આંગળીઓ ફેરવી. લગ્ન પછી શરૂ શરૂમાં તો અમૃતા એને ઉઠાડવા માટે એના ચોટલાની પૂછડી સંજયના કાનમાં નાખતી અથવા તો દુપટ્ટાના છેડાને વળ ચડાવીને નાકમાં નાખતી કે કાને બટકુંય ભરતી… પણ આજે અમૃતાને એમાંનું કશુંય યાદ ન આવ્યું. અમૃતાએ ધ્યાનથી જોયું તો રડીને ઊંઘી ગયેલા બાળકના ગાલ પર આંસુઓના ડાઘ રહી જાય એવા ડાઘ સંજયના ચહેરા ઉપર પણ હતા! સંજયના ચહેરા પરના એ ડાઘ પર અમૃતાએ ઋજુ સ્પર્શ કર્યો. સંજયે ધીમેથી આંખો ખોલી. હોઠ પર સ્મિત ફરક્યું. અમૃતાની નજરમાંથી સહસા જ પ્રશ્ન છૂટ્યો. શબ્દોની કોઈ જ જરૂર નહોતી. ‘અડધી રાતે બા મને પૂછવા આવેલાં.’ ‘શું?’ ‘તને કયો રોગ થયો છે?’ ‘શું કહ્યું તેં?’ ‘સાચેસાચું. કશું જ છુપાવ્યા વગર. બધું જ.’ ‘પછી? બા ભાંગી પડ્યાં?’ ‘ના, હું ભાંગી પડ્યો. બાની છાતીએ વળગીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો.’ આવી પરિસ્થિતિમાંય અમૃતાના કાળજાને જાણે કશીક ઝાળ લાગી હોય એવું થયું – મારી આગળ સંજય હંમેશાં સ્વસ્થ રહ્યો છે... મારી છાતીએ વળગીને તો એ ક્યારેય રડ્યો નથી ધ્રુસકે ધ્રુસકે... મારી સાથેય એણે શું કશુંક અંતર રાખ્યું? એના દુઃખમાં મને પૂરેપૂરી ભાગીદાર ન કરી? બાને વળગીને રડવામાં એને કશીક હૂંફ-સાંત્વન મળ્યાં તો મને બાઝીને ખાલી થઈ જવામાં ન મળત? મારા સ્પર્શમાં શું હૂંફ નથી? સાંત્વન નથી? શું ખૂટે છે મારામાં? શું પૂરતી સ્વસ્થ નથી રહી શકતી? હું શું આખો દિવસ આવનારા દુઃખનાં રોદણાં રોયા કરું છું?! શું હજીય હું સંજય માટે બા જેટલી નિકટ નથી?! રોટલી ફુલાવતાં હાથે ઝાળ લાગી જાય ને સાથે સાથે હૃદયનેય ઝાળ લાગે એવું અમૃતા પરણીને આવી ત્યારેય અનુભવતી – સંજયને બાના હાથની ગરમ ગરમ ફુલકા રોટલી ભાવતી. પોતેય એકદમ પાતળી રોટલી વણી, પૂરેપૂરી ગોળમટોળ ફુલાવ્યા પછી ખાસુંબધું ચોખ્ખું ઘી લગાવી, આંગળીઓ જરી જરી દાઝતી હોવા છતાં, ઘી રેલાઈ ન જાય માટે ચારેકોરથી રોટલી ભેગી કરીને સંજયની થાળીમાં પીરસતી – ગરમ ગરમ, કૂણી કૂણી માખણ જેવી. તોય... પ્રોફેસરસાહેબ જમવા બેસે કે તરત બા ટપકી પડે એમના માટે રોટલી બનાવવા! બાને રોગ વિશે કશી જ જાણ ન થાય કે શંકાય ન જાય એનું ખૂબ ધ્યાન રાખવા માટે મને વારંવાર કહેતો'તો એ જ સંજય બાને વળગીને રડી પડ્યો?! ને કહી દીધું બધું જ?! થોડી સ્વસ્થ થતાં અમૃતાએ પૂછ્યું – ‘બાય ભાંગી પડ્યાં હશે નહિ?’ ‘ના, બા ચુપચાપ મારા માથે હાથ ફેરવતાં રહ્યાં. પછી જાણે નાનકડી રૂપાને કહેતાં હોય એમ એમણે મને કહ્યું, ‘બેટા સંજુ… સૂઈ જા મારા ખોળામાં…' ‘બાનો ખોળો જાણે કે મારા પાછલા બધા જ જન્મોની માનો ખોળો બની ગયો… મને ઊંડી સરસ ઊંઘ આવી ગઈ…’ અમૃતાને વળી ઝાળ લાગી – અને હું સાવ જ ભુલાઈ ગઈ! મારા પડખામાં ઊંડી સરસ ઊંઘ નથી આવતી?! હું હજીય એની ભીતરના કોઈ કિલ્લાની બહાર છું?! ‘ખબર છે? બાને શંકા તો ક્યારનીય ગયેલી. ત્યારથી રાતોની રાતો એમણે મટકું માર્યા વિના પસાર કરી છે ને આજે સહનશક્તિની હદ આવી જતાં એમણે મધરાતે બારણું ખખડાવીને મને બોલાવીને પૂછી લીધું...’ સંજયે એક દીર્ઘ શ્વાસ લીધો. ‘અને આ રોગની જાણ પછી એમણે શું કહ્યું, ખબર છે?’ ‘શું?' ‘કહ્યું કે તારા રોગ વિશેની જાણ નહોતી એ સહન થતું નહોતું… પણ લોહીનું કૅન્સર છે એ જાણ્યા પછી હવે કંઈક સહન થાય છે... બેટા…' ‘આપણે ત્રણેય જણાં ખોટાં એકમેકથી દૂર ભાગતાં હતાં...’ બારી બહાર દૂ...૨ જોતાં અમૃતા બોલી, ‘સંપૂર્ણપણે અંતર મિટાવી દઈને બધું જ દુઃખ એકમેક સાથે વહેંચી લેવું જોઈએ... ભગવાનના પ્રસાદની જેમ.’ ‘હું ધારતો હતો એના કરતાં બા ઘણાં કાઠાં નીકળ્યાં. કદાચ નાની ઉંમરે વિધવા થવાના દુઃખે એમને કાઠાં કરી દીધાં હશે. સુખ આપણને કશું જ શીખવતું નથી, દુઃખ ઘણુંબધું શીખવે છે!’ બોલતાં બોલતાં સંજય જરી હાંફી ગયો. થોડી ક્ષણો પછી એ બોલ્યો– મારા રોગનું નામ જાણ્યા પછીયે બા અત્યંત સ્વસ્થ રહેલાં તે પહેલાં તો મને થયું કે કદાચ લોહીનું કૅન્સર એટલે શું એ બા બરાબર સમજ્યાં નથી તે રડી રહ્યા પછી હું વળી બાને પૂછવાનું ગાંડપણ કરી બેઠો – લોહીનું કૅન્સર એટલે શું, ખબર છે બા?’ ‘હા, હવે તું થોડાક મહિનાનો કે વરસનો મહેમાન છે… કદાચ, મારા, અમૃતા ને બાળકો કરતાંય તારી વધારે જરૂર ભગવાનને પડી હશે... એટલે જ આ તેડું આવ્યું…’ – આવું બોલતી વખતેય, બાના અવાજમાંય ઝળઝળિયાં બાઝ્યાં નહોતાં… ત્યાં બાના ઓશીકા તરફ અમૃતાનું ધ્યાન ગયું. ઓશીકાનું કવર ભીનું હતું! ‘તું ઊંઘી ગયો એ પછી બા આખી રાત રડ્યાં હશે, સંજુ… જો… ઓશીકુંય કેટલું ભીનું થઈ ગયું છે બાનાં આંસુઓથી?’ સંજયે એ ઓશીકું ખોળામાં લીધું, છાતીસરસું ચાંપ્યું ને જમણી હથેળી તથા આંગળીઓથી જાણે બાના ચહેરા પરની આંસુઓની ભીનાશ ખારાશ લૂછતો રહ્યો.