વિવેચનની પ્રક્રિયા/ઊર્ધ્વાભિમુખ કવિની કવિતા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

ઊર્ધ્વાભિમુખ કવિની કવિતા[1]

કવિશ્રી પૂજાલાલનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘પારિજાત’ ૧૯૩૮માં પ્રગટ થયો ત્યારે વિવેચકો અને સાક્ષરોએ એકી અવાજે એનો ઉમળકાભેર સત્કાર કરેલો. દુરારાધ્ય વિવેચક બળવંતરાય ઠાકોરે એનો વિસ્તૃત પ્રવેશક લખી “નંદનવનનાં સુમનોની કલગી”નું વૈવિધ્યસભર સૌન્દર્ય સ્ફુટ કરી આપ્યું હતું. ‘પારિજાત’ની ભક્તિકવિતા, એના છંદઃપ્રયોગો અને પ્રભુત્વ, સુગ્રથિત સૉનેટ પ્રકારમાં મળેલી સિદ્ધિ વ.ની યોગ્ય પ્રશંસા કરેલી. પૂજાલાલના જાણીતા કાવ્ય ‘પ્રિયા કવિતાને’ની સાથે શૅલીના કાવ્યની તુલના કરી શૅલીની ‘Spirit of Beauty’ – સૌન્દર્યશ્રી તે જ પૂજાલાલની ‘પ્રિયા કવિતા’ છે એવો પ્રશ્ન પૂછેલો અને પૂજાલાલનું આ દીર્ઘકાવ્ય એની આગવી રીતે કેવું સૌન્દર્યમંડિત છે તે વિગતે દર્શાવેલું.

‘પારિજાત’ પ્રગટ થયા પછી ‘બુદ્ધિપ્રકાશ’માં એનું અવલોકન કરતાં સદ્ગત ડોલરરાય માંકડે “પારિજાતની સૌરભ” સહૃદયતાપૂર્વક દર્શાવી એના કવિની સર્જકશક્તિનું મૂલ્યાંકન કરતાં લખેલું : “મને એમ લાગે છે કે નરસિંહરાવથી માંડીને આપણા કવિતાપ્રદેશમાં જે નવકવિઓનો પ્રાદુર્ભાવ થયો છે તેમાંથી નરસિંહરાવ, કાન્ત, કલાપી, ન્હાનાલાલ, બોટાદકર અને બળવંતરાયનાં કાવ્યોમાં જે જે વિશિષ્ટ તત્ત્વો ગુજરાતને પહેલીવાર મળ્યાં તેમાંથી ઘણાંખરાંનો સમૂહગત વિકાસ રા. પૂજાલાલનાં કાવ્યોમાં અનુભવાય છે. અને આગલી પેઢીના, આ પેઢીના તથા પ્રાચીન પેઢીઓના આપણા સકલકવિગણમાંથી બહુ થોડામાં દેખાય છે તેવી અતિઘણી ઉચ્ચકક્ષાની મંગલૈક્યની મનશ્શુચિતા આપણું આ નૂતનતમ છતાં સિદ્ધ કવિનાં કાવ્યોને સળંગ રીતે કૃત્રિત કરી રહી છે તે એનો વિશેષ છે.”

શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ છેક ૧૯૩૮માં ‘પારિજાત’ના કવિનું સ્થાન ઉમાશંકર અને સુન્દરમની સાથોસાથ છે એમ દર્શાવતાં કહેલું કે “વિલશ્નણ છતાં તેમના જેટલું જ સમૃદ્ધ વ્યક્તિવ અને ઉચ્ચ કવિજનનાં તેમના જેટલાં જ સૂક્ષ્મ સુકુમાર લાગણી અને તેજદાર કલ્પના શ્રી પૂજાલાલનાં છે.”

આ બધી વાત ૧૯૩૮ના સમયની. એ પછી લગભગ અર્ધી સદી સુધી શ્રી પૂજાલાલનો કાવ્યપ્રવાહ સતત વહેતો રહ્યો છે. ‘જપમાળા’, ‘ઊમિમાળા’, ‘ગીતિકા’, ‘શુભાક્ષરી’, ‘આરાધિકા’, ‘પ્રહર્ષિણી’, ‘મા ભગવતી’ જેવા અનેક સંગ્રહો તેમણે પ્રગટ કર્યા. શ્રી અરવિંદ અને શ્રી માતાજીને સમર્પિત આ ભક્તકવિએ ‘પારિજાત’ પછી નંદનવનનાં અનેક કાવ્યસુમનો ગુર્જર ગિરાને ભેટ ધર્યાં. આ નાના સંગ્રહોને શ્રી માતાજીના જન્મશતાબ્દી પર્વે ‘મહા ભગવતી’ એ દળદાર કાવ્યગ્રંથમાં સંકલિત કર્યા. ‘મહા ભગવતી’ની પ્રસ્તાવનામાં તેઓ લખે છે : “ઝાઝું ન ભણેલો હોવા છતાં મા ભગવતીની ને શ્રી મહાપ્રભુની ચમત્કારી ચેતનકરામતે મારી પાસે ત્રણ ભાષાઓમાં છંદોને વહેતા કર્યા – ગુજરાતીમાં, અંગ્રેજીમાં અને સંસ્કૃતમાં......પારાવાર મહત્ત્વના કાર્યમાં પોતે રોકાયેલા હોવા છતાં શ્રી અરવિંદે પારાવાર દયા દાખવી મારી દોષયુક્ત અંગ્રેજી કવિતાઓને સુધારવા ને સંસ્કારવા જે શ્રમ લીધો છે તેનું સ્મરણ કરતાં દેહ સાથે દેહી એમના ચિન્મય ચરણે ઝૂકી પડે છે ને એમની કૃપા માટેની સાચી પાત્રતા પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરે છે... સંસ્કૃતનું મારું જ્ઞાન અલ્પમાત્ર હોવા છતાં ગીર્વાણ ભારતીએ જાણે સ્વયં પ્રસન્ન થઈ સહાય કરી હોય એવું મને પ્રતીત થયું છે.” અંગ્રેજી કાવ્યોનો સંગ્રહ તે ‘Lotus Grove’ અને સંસ્કૃત કાવ્યોનો તે ‘स्तोत्रसंहिता.’

પરંતુ છેલ્લાં વર્ષોમાં પૂજાલાલે શ્રી અરવિંદના અંગ્રેજી મહાકાવ્ય ‘સાવિત્રી’ને સાંગોપાંગ ગુજરાતી ભાષામાં ઉતારી એક મોટી સેવા કરી છે. ‘સાવિત્રી’નો છ ભાગમાં પ્રગટ થયેલો આ સમશ્લોકી અનુવાદ એ પૂજાલાલનું એક મહત્ત્વનું પ્રદાન છે. ગુજરાતી સાહિત્ય પરિષદે એને શ્રી અરવિંદ સુવર્ણ ચંદ્રક આપી ઉચિત ગૌરવ કર્યું છે. ‘સાવિત્રી’ સમજવામાં ઉપકારક થાય એ દૃષ્ટિએ તાજેતરમાં તેમણે ‘સાવિત્રી સાર સંહિતા’ નામે ગદ્યગ્રંથ પ્રગટ કર્યો છે. પૂજાલાલ છંદઃશાસ્ત્રના અભિજ્ઞ વિદ્વાન છે. તાજેતરમાં તેમનું ‘છંદઃપ્રવેશ’ પ્રગટ થયું છે. આંતરરાષ્ટ્રીય બાલ વર્ષ નિમિત્તે એમનાં ‘કિશોર કાવ્યો’ આપણને મળ્યાં છે. ઇઠ્ઠોતેર વર્ષની ઉમરે પણ આ કવિ કેટલું બધું કામ ફરે છે એનો અંદાજ એક પછી એક પ્રગટ થતાં તેમનાં પુસ્તકો પરથી આવે છે.

‘સાવિત્રી’ પછી સત્તર–અઢાર પુસ્તકોની શ્રેણી પ્રકટ થઈ રહી છે, એમાં ‘શબરી’થી આરંભી ‘મુક્તાવલી’, ‘શુક્તિકા’, ‘કિશાર કાવ્યો’, ‘સાવિત્રી પ્રશસ્તિ’, (બીજી આવૃત્તિ), શ્રી અરવિંદનું’ ‘દુર્ગાસ્તોત્ર’, વગેરે પ્રકટ થઈ ચૂક્યાં છે ને ‘અપરાજિતા’, ‘કિશોર કુંજ’ તથા ‘સોપાનિકા’ પ્રેસમાં છે અને અલ્પ સમયમાં – કદાચ આ વર્ષમાં જ પ્રકટ થશે ને બાકીનાં બીજાં આવતે વર્ષે પ્રકટ થશે.

અને હવે તે ‘કાવ્યકેતુ’ લઈ આવે છે! આ દળદાર ગ્રંથનાં કાવ્યોમાંથી પસાર થતાં આનંદનો અનુભવ થયો. શ્રી પૂજાલાલભાઈ જેવાના કાવ્યસંગ્રહને પ્રસ્તાવનાની જરૂર ન જ હોય, આપણે એ જાણીએ છીએ, પણ તેમના સ્નેહ-સદ્ભાવભર્યા સૂચનને–વચનને હું શી રીતે ઉથાપી શકું? પરિણામે આ લખવા બેઠો છું. આની પાછળ એમનો સાત્ત્વિક સ્નેહ અને મારા પ્રત્યેની મમતા જ કારણભૂત છે, અને એનો પ્રેર્યો પ્રવૃત્ત થાઉં છું. પરંતુ આ કામમાં મારા થકી અસહ્ય વિલંબ થવા પામ્યો છે એ માટે પૂજાલાલભાઈએ તો મને ઉદારતાપૂર્વક ક્ષમા આપી જ છે પણ એમના અસંય વાચકોની વિનમ્રભાવે ક્ષમા યાચું છું. આશ્વાસન મેળવવા માટે નહિ પણ એક યોગાનુયોગી વિગત તરીકે નિર્દેશ કરું કે ‘પારિજાત’ને પ્રગટ થવામાં જે વિલંબ થયેલો તે ‘પ્રસ્તાવના’ને કારણે, એવું જ પાછું આ ‘કાવ્યકેતુ’ના પ્રકાશનમાં પણ બન્યું! એમાં પણ કોઈ વિધિસંકેત હશે. ગમે તેમ, કાવ્યસંકેત તો છે જ! ‘કાવ્યકેતુ’ના ફરમાની બાધેલી સુઘડ નકલ કવિએ મને ઘણી વહેલી મોકલેલી, એ કાવ્યોનું પુનઃ પુનઃ પઠન થતું રહ્યું. દરમ્યાનમાં એમનાં અન્ય પુસ્તકો પણ આવતાં રહ્યાં. પરિણામે ‘કાવ્યકેતુ’ સમજવામાં એ બધી સામગ્રી ઉપકારક નીવડી છે. એમની આકાંક્ષા ૨૪મી નવેમ્બરે–સિદ્ધિદિને–કાવ્યસંગ્રહ પ્રગટ કરવાની હતી, પણ બન્યું એવું કે આજે ૨૪મીએ મારું લખાણ લખાઈ રહ્યું છે!

‘કાવ્યકેતુ’ની રચનાઓ વાંચવા માંડ્યો ત્યાં પ્રથમ સવાલ એ થયો કે પૂજાલાલે સંગ્રહનું આવું શીર્ષક કેમ રાખ્યું હશે? ધૂમકેતુનું જ્યોતિર્મય પુચ્છ ક્યાંય સુધી લંબાય છે. ‘કાવ્યકેતુ’માં પણ લાંબાં કાવ્યો છે એ અર્થ તો ખરો જ, પણ ‘ગિરનાર’થી આરંભી ‘યૌવનપચ્ચીસી’ સુધીની રચનાઓમાં એના રચયિતાનો એક વિશિષ્ટ પરિચય થાય છે, એમની ઓળખ થાય છે. એ દૃષ્ટિએ પણ શીર્ષક સૂચક છે. ‘કાવ્યકેતુ’ એ પૂજાલાલનું ઓળખચિહ્ન Mark of Identification છે, કહો કે એમનું એ Insignia છે. આમ તો કાવ્ય એ કવિનો કેતુ છે, એમનું એક Emblem છે. તો જોઈએ કાવ્યરૂપી આ ‘કેતુ’માં પૂજાલાલની કેવી ઓળખ થાય છે?

‘પારિજાત’માં ‘પ્રિયા કવિતાને’ જેવી લાંબી રચના મૂકેલી, એવાં લાંબાં કાવ્યો એ વખતે બાકી રહી ગયેલાં તે ક્રમશઃ વધતાં વધતાં એકવીસ જેટલાં થયાં. એ બધાં આ સંગ્રહમાં મૂક્યાં છે. ‘પારિજાત’ પછી પૂજાલાલે નાનાં ઘાટીલાં ભક્તિભાવથી નીતરતાં ઊર્મિકો તો ઘણાં લખ્યાં છે, પણ ‘પ્રિયા કવિતાને’ કુળનાં લાંબાં કાવ્યો તો અહીં પહેલીવાર એક સાથે સુલભ થાય છે. અત્યારે અછાંદસને ચીલેચાલુ ધોધમાર પ્રવાહ ગુજરાતી કવિતાક્ષેત્રે વહી રહ્યો છે ત્યારે પૂજાલાલ જેવા સિદ્ધ કવિ છંદોબદ્ધ કાવ્યો લઈ આવે છે, એટલું જ નહિ પણ અત્યારે મોટે ભાગે પ્રગટ થતાં નાનાં કાવ્યોને મુકાબલે સરેરાશ ૫૦થી ૧૦૦ કડીની પ્રલંબ રચનાઓ લઈ આવે છે. ‘કાવ્યકેતુ’નાં લાંબાં છંદોબદ્ધ કાવ્યો એ એની તરત નજરે ચઢતી વિશેષતા છે. પરિચિત છંદો ઉપરાંત ઘણા ઓછા જાણીતા અને કેટલાક તો સાવ અજાણ્યા જેવા છંદો પાસેથી તેમણે જે કામ લીધું છે તે આપણને આનંદાશ્ચર્યનો અનુભવ કરાવે છે.

સંગ્રહના એકવીસ કાવ્યોમાં એક તૃતીયાંશ રચનાઓ તો પ્રકૃતિવિષયક છે. ગિરનાર, વિંધ્યાચલ, આબુ અને હિમાલય જેવા પર્વતો, નર્મદા નદી અને દ્વારકા વિશેની રચનાઓ છે, શ્રી અરવિંદના ‘સાવિત્રી’માંની વર્ષાવિષયક પંક્તિઓ પરથી રચેલી ‘વર્ષાકાલ’ રચના છે, ત્રણેક સ્મરણાંજલિ–કાવ્યો છે, પોતાની નાની બહેન વિશેની સુંદર રચના છે, શ્રી માતાજીની એક પુરાણ દંતકથા ઉપરથી રચેલી ‘પરમ પ્રેમ’ કૃતિ છે, મધ્યકાલીન ઐતિહાસિક શૌર્યકથા છે, ‘કુરબાની’ કે ‘ગરીબાઈ’ ઉપરની બોધાત્મક અમૂર્ત ભાવરચના છે, તો પચીસ કડીનું ‘યૌવન પચ્ચીશી’ પણ અહીં મોજૂદ છે. કવિની ભાવનામયતા, ઉદાત્ત ચારિત્ર્યગુણોની પ્રેરકતા, ગુજરાતની પ્રકૃતિશ્રીની સુભગ ચારુતા અને સર્વત્ર વ્યાપ્ત હૃદયની ઉદાત્ત સંવેદનશીલતા પ્રેરક અને બોધક બંને છે.

ગિરનાર ઉપર ન્હાનાલાલ, ગજેન્દ્ર બુચ વ. કવિઓએ કાવ્યો કર્યાં છે. ન્હાનાલાલના કાવ્ય વિશે બળવંતરાયે લખેલું કે “અશોકના શિલાલેખ અને બૌદ્ધધર્મનો વિષય આવતાં જ રાવણની લંકા તરફ ઊડી જાય છે; અથવા કહો કે કવિ ‘ચરણ’ આગળ બેસી ગયા છે, ગિરનાર ચડ્યા જ નથી.” ગજેન્દ્રનું કાવ્ય ગિરનારના ચઢાણની સમાન્તરે આ આધ્યાત્મિક આરોહણનું કાવ્ય પણ થઈ રહે છે. એવું પૂજાલાલનું પણ છે. પૂજાલાલ આરંભમાં જ ગિરનારને યોગીરૂપે પ્રત્યક્ષ કરે છે અને એ જાણે મૌનથી અમૃતમય આલયોમાં આમંત્રી રહ્યો ન હોય એવી કલ્પના કરે છે. સમગ્ર કાવ્યમાં જ્ઞાન–ભક્તિ અનુસ્યૂત હોઈ કવિનાં પ્રતિભાચક્ષુ સમીપ નરસિંહ જાણે નાચતો ન હોય એમ પ્રત્યક્ષ થાય છે! રાણકદેવડી, અંબાજીની ટૂક, ગોરખનાથનું શિખર વ. ગજેન્દ્ર અને પૂજાલાલ બંનેમાં આવે છે. ગજેન્દ્ર પોતાનાં ઇષ્ટદેવી અંબાજીની પ્રાર્થના કરે છે એ પ્રાર્થના ભાવની સચ્ચાઈને કારણે હૃદયસ્પર્શી પણ છે, તો શ્રી પૂજાલાલ અંબાજીના સ્વરૂપમાં શ્રી માતાજીને હૃદયપ્રત્યક્ષ કરતા હોય એમ લાગે છે. કવિ કહે છે :

યોગમાયા યોગશક્તિ, યોગસિદ્ધિ પ્રદાયિની
મા! તને હૃદયે રાખી શૃંગથી શૃંગ સંચરું

આ શૃંગો તે માત્ર ગિરનારનાં જ નહિ પણ આત્માનાંય ખરાં જ! પૂજાલાલ ગિરનાર ઉપર રહીને જ કલ્પનાની મદદથી ત્રણે કાળને એકાકાર કરે છે. ગિરનારની પ્રકૃતિશોભાને અને ગિરનાર જેનું પ્રતીક છે તે આત્મશ્રીને કવિ સુપેરે પ્રગટ કરે છે.

વિંધ્યાચલ જ આપણો રક્ષક છે, સદૈવ આપણા ઇષ્ટને સંરક્ષતો પ્રતાપી સુભટ અડીખમ ઊભો છે :

હિમાલય ન કિન્તુ આ ભરત ભોમના ભાગ્યનો
સુરક્ષક સુસજ્જ ભવ્ય ભવ ભાવટો ભાંગશે;
અગાધબળ ગાજતો સુભટ શૌર્યથી શોભતો
સુસેવક સુધીર લક્ષ્મણ સુવીર આ જાગતો.

રાક્ષસોને દંડ દેવા માટે હમેશાં યમદંડ ઉગામીને ઊભેલા આ વિંધ્યની ઐતિહાસિક ગાથા એવી જ ઓજસ્વી શૈલીમાં અભિવ્યક્તિ પામી છે. વીરરસના નિરૂપણમાં પૂજાલાલની બલિષ્ઠ ભાષાનો સમુચિત વિનિયોગ થયેલો અનેક સ્થળે દેખાય છે, તે અહીં પણ છે. હાથીઓનાં ઝુંડો, વાઘ–રીંછ વ. પ્રાણીઓ, ભીલો અને ભીલડીઓ વ.નાં તાદૃશ વર્ણનો મળે છે. જેમ રૌદ્ર અને ભયાનક રસોના નિર્વહણમાં કવિની શક્તિ દેખાય છે તેમ શાંતરસના વર્ણનમાં પણ તે એટલા જ અસરકારક જણાય છે. તેમણે આપેલું મધુર નિનાદ કરતાં ઝરણાંનું વર્ણન જોઈએ :

શૈલે શૈલે વિમલ ઝરણાં ઝંખતાં સેવનાઓ,
લ્હેરે લ્હેરે લસબસ થતાં નાચતાં કૂદતાં કૈં,
મુક્તાનંદી નિત નિત નવાં મીઠડાં ગાન ગાતાં,
દેતાં સૌને સુખ સુખ સદા સાદ પાડી રહ્યાં છે.

‘નર્મદામૈયા’ ઉપર સ્વતંત્ર કાવ્યસંગ્રહમાં હોવા છતાં ‘વિંધ્યાચલ’ના ૫૬મા અને ૬૦મા શ્લોકમાં આવતી નર્મદાસ્તુતિ આહ્લાદક છે. પૂજાલાલ પર્વતનું વર્ણન કરે કે નદીનું, સમગ્ર પ્રદેશને – એની પ્રકૃતિશોભા અને સાંસ્કૃતિક પરિવેશ સમેત હૂબહૂ ખડો કરી દે છે સાંસ્કૃતિક વિગતો, ભૂતકાળની યશોગાથા બધું એમાં સહજપણે સંમિલિત થઈ જાય છે. ગુજરાતની પ્રકૃતિનાં વિવિધ ચિત્રા–Landscape–ની કવિતા એ પણ આ સંગ્રહની એક નોંધપાત્ર વિશેષતા છે.

નર્મદા વિશે અનેક કવિઓનાં કાવ્યો આપણને મળ્યાં છે. પણ પૂજાલાલને મન નર્મદા એ માત્ર નદી નથી :-

નદી દેખાય છે તોયે નર્મદા આ નથી નદી
પ્રેમના ભાવથી પૂર્ણ છે એ કો પ્રેમયોગિની

નર્મદાના તરંગોનો મંજુલ રવ, પક્ષીઓનાં ગાન અને સારસયુગલો વ.ને કવિ આ રીતે વર્ણવે છે :

તરંગો તાળીઓ પાડી તાલ તત્પર પૂરતા
વાગતી વિંધ્યને વાંસે સંવાદી સૂર વાંસળી
ગન્ધર્વો કિન્નરો ગૂઢ કુંજવાસી વિહંગમો
ભાવને ભક્તિનાં નિત્ય ગાનનૈવેદ્ય અર્પતાં
યુગલો સારસો કેરાં સહજીવન સેવતાં
દીક્ષા અહીં જ પામ્યાં શું અભેદ પ્રેમયોગની?
ઓંકારો ગહ્વરે ગાજે, પડઘા પહાડ પાડતા,
શ્રવણો નર્મદાના એ સુણી ધન્ય બની જતા.

નર્મદા તો ગુજરાતની ગંગા છે એ ભાવ કવિ અનુભવે છે :

તું જ એક અણિશુદ્ધ છે રહી
ગંગનીય અમ ગંગ ગુર્જરી;
પૂર્ણ પાવન જલો ત્વદીય આ
ધન્ય ધન્ય ગુજરાતને મળ્યાં?

સમગ્ર સમષ્ટિને પોતાના પ્રેમ–આશ્લેષમાં લેતા કવિની ગુજરાતભક્તિ ઔચિત્યપૂર્વક પ્રગટ થયેલી સંગ્રહમાં જણાશે. ‘આબુરાજ’ પણ એવું જ સરસ કાવ્ય છે. ‘આબુરાજ’ ભલે રાજસ્થાનમાં ગણાયો પણ કવિ તો એને ગુજરાતનો જ માને છે! ભૌગોલિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ એનો મહિમા ઉચિત રીતે પ્રગટ કરે છે. બળવંતરાય ઠાકોરે આ કાવ્ય ‘આપણી કવિતા સમૃદ્ધિ’માં લીધેલું પણ બંને કાવ્યો સરખાવતાં પાઠ થોડો થોડો બદલાયેલો જણાય છે. ‘આપણી કવિતા સમૃદ્ધિ’માં એની ૯૮ પંક્તિઓ છે, જ્યારે આ સંગ્રહમાં ૧૧૨ પંક્તિઓ છે. ૧૪ પંક્તિઓનું ઉમેરણ વચ્ચે વચ્ચે થયું છે અને પાઠ પણ જુદો પડે છે. પાઠભેદ સર્વત્ર સુખદ છે. એમ કદાચ નહીં કહી શકાય. ક્યાંક અગાઉનો પાઠ કાવ્યપોષક છે તો ક્યાંક અત્યારનો પાઠ સમર્પક લાગે છે. આ પાઠભેદ ‘આ0ક0સ0’ના સંપાદકે કર્યો હશે કે કવિએ પોતે તે હું જાણતો નથી. ‘આ0ક0સ0’માં “તીર્થંકરોએ કિધ તીર્થવંતો / અનંત આભે નિજ મિત્ર માન્યો” એ પંક્તિઓનો “તરંગ (કન્સીટ) જરા વધારે પડતો ગણાય” એમ બ. ક. ઠાકોરે નોંધેલું. એના બદલે અહીં મૂકેલી પંક્તિઓ “તીર્થંકરોએ તુજનેય તીર્થ–સ્વરૂપ આપ્યું સ્વ–સ્વરૂપ જેવું” વધારે સમુચિંત જણાય છે. આબુ ઉપરનાં વિવિધ સ્થળો, તીર્થો, મંદિરો વ.નું વર્ણન કર્યા બાદ કવિ આબુરાજને ઉદ્દેશીને જે પ્રાર્થના–વરદાન પ્રસ્તુત કરે છે એમાં છેલ્લે “અચલગઢો દે આત્મના”નો અર્થ બળવંતરાય “અડગ પૌરુષવાળા વીરો” એવો કરે છે એ સહેજ ઉપલક જણાય છે. કાવ્યનો પૂર્વાપર સંબંધ અને કવિનું સમગ્ર કથયિતવ્ય લક્ષમાં લેતાં કાવ્યના અંતભાગમાં તો પૂજાલાલ આત્માના અચલગઢોની જ વાત કરતા હોય એ વધુ બંધ બેસે છે.

‘હિમાલય’ના વર્ણનમાં કવિની કાવ્યશૈલી પણ ભવ્યતાને હસ્તધૂનન કરી આવે છે. હિમાલયની ભવ્યતાના વર્ણનમાં કવિની પદાવલિ ઉદાત્તતાને આંબતી આપણે જોઈએ છીએ. હિમાલયનાં દર્શને કવિહૃદયમાં જાગતા ભાવોનું વર્ણન જુઓ :

સ્વયં હૃદયમાં પ્રબુદ્ધ પરામાત્મભાવો થતા
અસીમ બનતી નિબદ્ધ જડ દૃષ્ટિયે માનુષી
પ્રવૃત્ત પ્રભુના પ્રસાદ સહજે થતા પ્રાણમાં
ચરાચર સચેત ચેતનાવિહીનને અંતરે
રહેલ રમમાણ एक અનુભૂતિ તેની થતી :
અલોપ થઈ જાય આડ, પડદા ખસી જાય ને
વિલીન થઈ જાય આવરણ માત્ર આત્માતણાં :
દિગંબરરસ્વરૂપ શંભુ સ્વયમેવ સેવાય ત્યાં,
ન જીવ પરિબદ્ધ, શાશ્વત શિવે વિમુક્તાત્મ એ
બને અપરિમેય ઈશ્વર અસીમ દિક્ કાલનો;
સમાધિ સહજા બને જપતપાદિ સેવ્યા વિના :
પ્રસાદ પરમાત્મનો વિતરતો નથી શું અહો!

અને એ પછી હિમાલય–પ્રશસ્તિમાં થોડી બોધાત્મકતા પ્રવેશી છે, પણ છેલ્લે કવિની અભીપ્સા તો આત્માનો હિમાલય બનવાની પ્રગટ થઈ છે :

બનાવ અમને હિમાલય! સદૈવ તારા સમા,
ભરી ભરતભોમ દે સવિતૃદેવના સત્ત્વથી!

છેલ્લી પંક્તિમાં કવિની દેશભક્તિ કેવી સાહજિકતાથી અભિવ્યક્ત થઈ છે! દેશભક્તિ વિષયક અનેક ભાષણો કે લેખો જે ન કરી શકે તે એકાદ પંક્તિથી કવિ સિદ્ધ કરી શકે છે એમાં કવિતાકલાની સ્વરૂપગત વિશેષતા રહેલી છે.

‘સુવર્ણમય દ્વારકા’ના વર્ણનની ચિત્રાત્મકતાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ જોવા જેવું છે :

પ્રવાલમય થાળમાં રતનમૌક્તિકોને લઈ
અહો! મધુર ગાન ગુંજત સમુદ્રની સુંદરી
સુવર્ણનગરીતણાં અનુપ આંગણાંએ જઈ
હશે રચત રવસ્તિકો સુભગ જ્યાં રહેતા હરિ.
અને પ્રણત મસ્તકે વરદ હસ્ત શ્રીકૃષ્ણનો
નર્યા અમૃતને હશે ઠરત, તે સમે જન્મને
સુધન્ય નિજ માનતી થનગનાટ કો નૃત્યનો
ધરી, હૃદયમાં જઈ પિતૃગૃહે પછી મુન્મને
ત્રિલોકકમનીય અદ્ભુત સ્વરૂપના વર્ણને
ગભીર નિજ તાતનેય પુલકાવતી પોઢતી
હશે સુખતરંગ પે લહત સ્વપ્નમાધુર્યને,
નિજાત્મ રસરૂપમાં રસસમાધિએ જોડતી.

આ ૮૪મી પંક્તિ પછી તરત જ ભાવપલટો આવે છે અને ‘ન હાય! પણ આજ એ કનક દ્વારકા દોહ્યલી!’ એમ કહેતા કવિ જાણે કે કલ્પનાલોકમાંથી ધીંગી ધરતી પર પછાડ ખાય છે! પણ આ આધ્યાત્મિક કવિ તરત જ હૃદયમાં આ અભીષ્ટ દ્વારકાનું દર્શન કરાવે છે અને કલ્પનાના સત્યનું સૌંદર્ય સુપ્રતિષ્ઠિત થતું આપણે જોઈએ છીએ. પૃથ્વી છંદની ત્રીસ કડીઓમાં ઉચિત ભાવવળાંક સાધી છેલ્લી બે કડીઓમાં અનુક્રમે સ્રગ્ધરા અને મંદાક્રાન્તામાં કવિનું શ્રદ્ધાસૂત્ર વ્યક્ત થાય છે, એમાં પ્રચલિત સંસ્કૃત પ્રાર્થનાશ્લોકની છાયા છે, પણ શ્રદ્ધાનો રણકાર પોતાનો હોઈ કાવ્યબંધને એકત્વ અર્પે છે.

સંગ્રહનાં અંજલિ કાવ્યોમાં શ્રી કરુણાશંકર(માસ્તર)ને અર્પેલી શ્રદ્ધાંજલિ ભાવની સચ્ચાઈને કારણે નોખી તરી આવે છે. ગુજરાતના આજન્મ શિક્ષકની સાત્ત્વિક મૂર્તિ કવિ સાક્ષાત્ કરી શક્યા છે. કરુણાશંકરની વિદ્યાર્થીવત્સલતા, નમ્રતા, આતિથ્યભાવના, ગુણાનુરાગિતા – એક જ શબ્દમાં કહેવું હોય તો, આર્યતાથી ઓપતી તપોમૂર્તિ કવિ ઊભી કરી શક્યા છે. દિવ્યતાના ગાયક કવિ ગરવી માનવતામાં દિવ્યતાની ઝલક નિહાળે છે. શ્રી અરવિંદાનુયાયી સારાભાઈ ધરમચંદ દોશી(બાલુભાઈ)ને અને કર્ણાટકના શ્રી અરવિંદ–ભક્ત શ્રી શંકર ગૌડને પોતાની ભાવાંજલિ અર્પી છે. વિષયભૂત વ્યક્તિઓના શીલને આભિજાત્યપૂર્વક પ્રશંસી કવિએ પોતાનો હૃદયભાવ પ્રગટ કર્યો છે.

પોતાની ‘નાનીબહેન’ વિશેનું કાવ્ય અત્યંત ચારુ કંડારાયું છે. આ પ્રકારનાં રમણીય કાવ્યો પૂજાલાલે અગાઉ પણ આપેલાં છે. ‘હવે’, ‘મારા સદ્ગત પિતાને શ્રદ્ધાંજલિ’ અને ‘દાદા’ એ ત્રણ અનુક્રમે પત્ની, પિતા અને દાદા વિષયક વિરહકાવ્યોની બળવંતરાયે તારીફ કરેલી છે. એ ગોત્રનું જ આ કાવ્ય છે. એમાં કવિનો ભગિનીભાવ આર્દ્રતાપૂર્વક વ્યક્ત થયો છે. નાની બહેનને ઊંચકીને ફળિયામાં ચણતી ચકલી બતાવતા ભાઈનું ચિત્રાંકન સુરેખ છે :

એ યાદ દિવસો આવતા જ્યારે સુકુમોળ ફૂલ શી
લઈને તને હરખાઈ હું હરખાવતો બહુ ઉલ્લસી,
ઊંચે ઉછાળી ઝીલતો, હૈયે હસીને દાબતો,
ફળિયે બધે ફરતો, ચણત ચકલી તને બતલાવતો.

આખા કાવ્યમાં આવાં સ્વાભાવોક્તિભર્યાં નાજુક ચિત્રોની જાણે કે એક ગેલેરી રચાઈ ગઈ છે! નાની બહેનને સુવાડવા માટેનો ભાઈનો કૃતક પ્રકોપી ઉપચાર તો જુઓ :

ઊંઘી નથી? ચલ આંખ મીંચ, કહ્યું કશું કરતી નથી!
જા સૂઈ ઝટ, નહિ તો... “બતાવું હાથ મારો બહારથી”

સામાન્ય રીતે સંસ્કૃતપ્રચુર ભાષા યોજતા કવિની આ પંક્તિઓ કેવી ઘરાળુ ભાષામાં ચિત્ર અંકિત કરે છે! તળપદી ભાષાનો ક્ષમતાપૂર્વક ઉપયોગ થયો છે. સ્વાભાવિક વાતચીતની ભાષાનો લહેકો અહીં અસરકારક નીવડે છે.

કવિએ પોતાની સ્મરણમંજૂષા મોકળા મને આપણી આગળ ખુલ્લી કરી છે. ઘોડિયામાં રડતી બહેનને છાની રાખવા ચીપિયામાં અંગારો લીધો અને દુર્દૈવેયોગે એ તો છટકી ગયો. અકસ્માતથી બહેનને ડામ દેવા જેવું થયું. એનો પશ્ચાત્તાપ જીવનભર રહ્યો. એ પશ્ચાત્તાપની વાણી પણ હૃદયદ્રાવક છે. બહેનની ભાવનામૂર્તિને કવિએ હૃદયસ્પર્શી અર્ધ્ય અર્પ્યો છે. અને એ જેનો મહત્ત્વનો ઘટક હતી તે કુટુંબની કુંજને કવિ કૃતજ્ઞાપૂર્વક સ્મરે છે. કૌટુંબિક ભાવોના ગાયક તરીકે પૂજાલાલનું સ્થાન બોટાદકરની સાથે, ક્યારેક એમનાથી પણ ઊંચેરું છે એની પ્રતીતિ આવાં કાવ્યો કરાવી રહે છે. બહેન વિશેનું આ સુંદર કાવ્ય આપણાં ભગિનીપ્રેમનાં કાવ્યોમાં ઊંચા આસને વિરાજે છે.

‘રતિને આશ્વાસન’ સળંગ પૃથ્વી છંદમાં લખાયું છે. કામદેવ શિવના શાપથી ભસ્મીભૂત થયા, રતિની મહાવ્યથા ઓછી કરવા કવિ વિવિધ રીતે એને આશ્વાસન અર્પે છે! જાણે સંસ્કૃત રચના વાંચતા હોઈએ એવી ગરિમા સહજ સિદ્ધ થઈ છે. વિલાપ કરતી રતિને કવિ સંબોધે છે :-

વિલાપ કર મા રતિ! સ્મરપ્રિયા અહીં શુભ્રતા
તણા પટ પરે સલીલ નરતંત સૌ અપ્સરા
બની પથર પૂતળી સમ વ્યથા નિહાળી તવ;
બજે ન પદઘૂઘરી શ્રવણ રંજતી સર્વના,
સુહે ન પદપંક્તિઓ સરસ કુંકુમે સાથિયા
રચંત ઈહ. સ્વસ્તિકો જ્યમ રચે ઉષા પૂર્વમાં...

અને છતાં રતિ ભાનમાં આવતી નથી. કામદેવ અનંગ રૂપે શું શું કરે છે એનો ચિતાર આપ્યો છે. સમગ્ર વિશ્વમાં કામદેવની નવવિભૂતિ કેવી છવાઈ ગઈ છે એનું વિગતવાર વર્ણન આપ્યા બાદ કવિ જે કહે છે તે ઉતારવાનો લોભ ખાળી શકાતો નથી :

અનંગ તવ નાથ કોટિક કરે તને ભેટશે
અનંત અધરે તને પ્રણયચુંબનો અર્પશે
સમસ્ત રસસાર ઉલ્લસત ચૌદ બ્રહ્માંડનો
ભરી પ્રણયપ્યાલીએ મદિર પાન એ આગ્રહે
તને નિત કરાવશે, તુજ સમસ્ત સૌન્દર્યના
અલૌકિક સિંહાસને મદન રાજ આરોહશે.
... ... ...
રતિ! પ્રિય નિહાળ આ મદન, શોક લંબાયલો
હવે તજ હમેશ કાજ, હરના વરો આવશે
થશે દયિત દેહવંત તુજ દિવ્ય ઓજે ભર્યો :
સહર્ષ રતિ! ઊઠ, સ્વાંગ સજ સ્નિગ્ધ શૃંગારનો;
લસાવ અધરે વિલાસ સુવસંતના ફાગનો
અનન્ય અનુરાગનો કર કપાલમાં ચાંદલો
સજી પરમ પ્રેમ મૌક્તિક તણો ગલે હારલો
રતિ! અમર રાસ માંડ અમૃતાત્મ આનંદનો.

અને આ પંક્તિઓ એક યોગાભિમુખ વિરક્ત કવિએ રચેલી છે. કામતત્ત્વનું ખરું હાર્દ પણ એમની આગળ જ પ્રગટ થતું હોય છે. પૂજાલાલને ભક્તિસાધનામાં જેટલો રસ છે એટલો જ કાવ્યસર્જનમાં છે, અને કવિતા પણ તેમની પાસે સાધનાના એક ભાગ રૂપે આવેલી છે. આ કવિતાદેવીનાં નૂપુરનો ઝંકાર જ્યારે નથી સંભળાતો ત્યારે કવિ બેચેન બની ઊઠે છે. “રિસાયેલી કવિતાને” તેમણે કરેલો અનુનય હૃદયસ્પર્શી છે. ‘પારિજાત’માંના પ્રથિતયશ ‘પ્રિયા કવિતાને’ કાવ્ય કરતાં આ તદ્દન જુદી જાતનું કાવ્ય છે. કવિની કવિતાપ્રીતિ લાગણીભીના શબ્દોમાં કેવી વ્યક્ત થાય છે :

વ્હાલી! ઘટે આમ જવું ન છોડી;
શોષાય મારા વિરહે રસો, જો!
શા વાંકથી નેહલ ગાંઠ તોડી?
મારું થયું જીવન દુઃખબોજો!

કવિતા એ કવિને મન કોઈ કરામત, પ્રયુક્તિ કે આવડત નથી, પણ સ્વયં સરસ્વતી છે — જાડ્યાપહા સરસ્વતી છે — એ ઉચ્ચગ્રાહ સમગ્ર કાવ્યમાંથી નીતરી રહ્યો છે.

આવી છે ‘કાવ્યકેતુ’ની પ્રાસાદિક પ્રશિષ્ટ કવિતા. એનાં બીજાં કેટલાંક કાવ્યોનો ઈષત્ સ્પર્શ કરીને જ સંતોષ માન્યો છે – ખાસ તો લંબાણભયે.

શ્રી પૂજાલાલની ભાષા વિષે એકબે વસ્તુઓ કહેવી જોઈએ. સામાન્ય રીતે એમની ભાષા સંસ્કૃતપ્રચુર છે. ક્યારેક વધુ પડતી સંસ્કૃતપ્રચુર લાગે. સ્થળસંકોચને કારણે યાદી આપતો નથી પણ એવા કેટલાય શબ્દો છે જે કોષની મદદ વગર ભાગ્યે જ સમજાય. ‘સુ’ પ્રત્યયનો ઉપયોગ તો તે અત્યંત ઉદારતાથી કરે છે. આ રીતિનો અતિરેક થતાં કૃતકતામાં સરી પડવાનું જોખમ રહેલું છે. શ્રી પૂજાલાલ એકંદરે એમાંથી ઠીક ઠીક બચી શક્યા છે. પણ મને લાગે છે કે છંદો ઉપર એમને એવું અદ્ભુત પ્રભુત્વ છે કે શબ્દોનાં ચોસલાં ને ચોસલાં ધોધમાર એમની કલમમાંથી સરકી પડે છે!

પૂજાલાલ દિવ્યજીવનના યાત્રિક કવિ છે. શ્રી માતાજીએ એક વાર પૂજાલાલને “He is my poet” — “તે મારા કવિ છે” એ રીતે ઓળખાવેલા. અત્યારના ભૌતિકતાવાદી યુગમાં પૂજાલાલની ઊર્વાભિમુખ કવિતા એક મોટું આશ્વાસન અને પ્રેરક બળ છે. એમના કવિ–વ્યક્તિત્વના સુચિહ્ન રૂપ આ ‘કાવ્યકેતુ’ સહૃદયોને અવશ્ય આહ્લાદક નીવડશે.


  1. શ્રી પૂજાલાલના કાવ્યસંગ્રહ ‘કાવ્યકેતુ’ની પ્રસ્તાવના

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.