વીક્ષા અને નિરીક્ષા/જૂનું ઘર ખાલી કરતાં
જૂનું ઘર ખાલી કરતાં
ફંફોસ્યું સૌ ફરી ફરી અને હાથ લાગ્યુંય ખાસ્સું
જૂનું ઝાડુ, ટુથબ્રશ, વળી લક્સ સાબૂની ગોટી,
બોખી શીશી, ટિનનું ડબલું, બાલદી કૂખકાણી,
તૂટ્યાં ચશ્માં, ક્લિપ, બટન ને ટાંકણી સોય-દોરો!
લીધું દ્વારે નિત લટકતું નામનું પાટિયું, જે
મૂકી ઊંધું, સુપરત કરી, લારી કીધી વિદાય.
ઊભાં છેલ્લી નજર ભરીને જોઈ લેવા જ ભૂમિ,
જ્યાં વિતાવ્યો પ્રથમ દશકો મુગ્ધ દાંપત્ય કેરો;
જ્યાં દેવોના પરમ વરશો પુત્ર પામ્યાં પનોતો,
ને જ્યાંથી રે કઠણ હૃદયે અગ્નિને અંક સોંપ્યો!
કોલેથી જે નીકળી સહસા ઊઠતો બોલી જાણે :
‘બા-બાપુ! ના કશુંય ભૂલિયાં, એક ભૂલ્યાં મને કે?’
ખૂંચી તીણી સજલ દૃગમાં કાચ કેરી કણિકા!
ઉપાડેલાં ડગ ઉપર શા લોહ કેરા મણીકા!
– બાલમુકુન્દ દવે
જૂનું ઘર ખાલી કરી નવે ઘર જવા માટે સામાન કાઢી લારી ભરી દીધી છે. ત્યાર પછી, ઊપડવા પહેલાં, કંઈ રહ્યું મૂક્યું હોય તો જોઈ લેવા માટે, છેલ્લી વાર ઘરમાં બધે ફરીને ઝીણવટપૂર્વક બધું જોઈ લે છે, અને સાચે જ, ઘણી બધી વસ્તુઓ નજર બહાર રહી ગયેલી હાથ આવે છે. એ વસ્તુઓ શી હતી, એની કવિ વિગતવાર યાદી આપે છે: જૂનું ઝાડુ, ટૂથબ્રશ, લક્સ સાબુની વાપરેલી ગોટી, તૂટેલી શીશી, ટિનનું ડબલું, બોખી–કાનો તૂટેલી શીશી, કૂખે કાણી બાલદી, તૂટેલાં ચશ્માં, ક્લિપ, બટન, ટાંકણી, સોયદોરો. આમાં એક પણ વસ્તુ કીમતી કે મહત્ત્વની નથી, પણ એ યાદી મહત્ત્વની છે. કવિએ એ યાદી ગમે તેમ તૈયાર કરેલી લાગે, પણ એકેએક વસ્તુ વિચારપૂર્વક પસંદ કરીને મૂકેલી છે. કોઈ પણ કીમતી વસ્તુ ન આવી જાય એની પૂરી કાળજી રાખેલી છે. અને બધું લઈને બહાર આવતાં બારણે રોજ લટકતું નામનું પાટિયું નજરે પડે છે, એટલે તે પણ લીધું અને લારીમાં ઊંધું મૂક્યું, જેથી કેઈ નામ વાંચી ન જાય; પછી સંભાળીને લઈ જવાની ભલામણ કરી લારીને વિદાય કરી દીધી. અહીં સૉનેટનું ષટ્ક પૂરું થાય છે. આખા ષટ્કમાં એક જાતની હળવાશ અનુભવાય છે. `હાથ લાગ્યુંય ખાસ્સું’, ‘બોખી શીશી’, `બાલદી કૂખ-કાણી’, `મૂકી ઊંધું’ આ બધા પ્રયોગો એવા છે જે હોઠને સહેજ મરકાવે અને હાસ્યની અપેક્ષા જગાડે. પણ પછી આવતી છ પંક્તિઓ હળવી નથી, પૂરી ગંભીર છે. લારીને વિદાય કરી દીધા પછી પોતે જે ભૂમિમાં મુગ્ધ દાંપત્યનો પ્રથમ દસકો વિતાવ્યો હતો તે ભૂમિને છેલ્લી વાર નજર ભરીને જોઈ લેવા પતિપત્ની ઊભાં રહે છે. એ દસકાનાં અનેક સ્મરણોમાંથી બે ઘટના એકદમ એમના ચિત્તમાં ચમકી ઊઠે છે. અહીં જ દેવોના પરમ વરદાન શો પનોતો પુત્ર પામ્યાં હતાં, અને અહીં જ કઠણ હૃદયે તેને અગ્નિને ખોળે સોંપ્યો હતો. (આ પંક્તિમાંનો `રે’ પંક્તિપૂરક નથી.) પુત્રપ્રાપ્તિ એ જેમ પરમ આનંદનો પ્રસંગ છે તેમ તેનું અવસાન એ પરમ શોકનો પ્રસંગ છે. જે ઘરમાં આ બંને પ્રસંગો અનુભવેલા તે ખાલી કરી જતાં છેલ્લી ઘડીએ તેની યાદ આવે એ અત્યંત સ્વાભાવિક છે. અને આમ પતિપત્ની પોતાના પનોતા પુત્રની સ્મૃતિમાં મગ્ન થયાં હોય છે, ત્યાં, જાણે ખૂણામાંથી એ પુત્ર જ પુકારી ઊઠે છે : `બા-બાપુ, કશુંય ન ભૂલ્યાં, એક મને જ ભૂલી ગયાં! ’ આટલે સુધી આવીએ છીએ ત્યારે એકદમ ખ્યાલ આવે છે કે, કાવ્યની પહેલા ખંડમાંની યાદી કેટલી કાળજીપૂર્વક તૈયાર કરેલી અને કેટલી મહત્ત્વની છે. ‘કશુંય નું ભૂલ્યાં’ એમાં જે ઉપાલંભ - ઠપકો છે. તે એ યાદીને લીધે અત્યંત ધારદાર બની જાય છે. એ યાદીમાં ગણાવી છે એવી તદ્દન તુચ્છ વસ્તુઓ પણ તમે સંભારી સંભારીને લીધી, અને એક મને જ ભૂલી ગયાં કે? પુત્ર, જે વહાલામાં વહાલી વસ્તુ ગણાય એને જ ભૂલી જાય, અને જૂનું ઝાડુ અને તૂટેલાં ચશ્માં સંભારીને લે, એમાં રહેલો તીવ્ર વિરોધ આ પંક્તિમાં બળ પૂરે છે. `એક ભૂલ્યાં મને કે?’ એ પુત્રવાણી સંભળાઈ એ જ બતાવે છે કે, પતિપત્ની એને ભૂલ્યાં નથી. પણ ઉપર ગણાવેલી તુચ્છ વસ્તુઓને એ લોકો સંભારીને સાથે લઈ જઈ શકે છે, પણ પુત્રને સંભારવા છતાં સાથે લઈ જઈ શકતાં નથી – એમાં આ પ્રસંગની કારમી કરુણતા રહેલી છે, અને એથી જ એમની આંખ આંસુભીની બની જાય છે, અથવા બની ગઈ હતી, અને ત્યાં પુત્રનો બોલ સંભળાતાં તેમાં કાચની તીણી કણી ખૂંચે છે! આંખમાં બહારની કોઈ પણ વસ્તુ સહન થતી નથી, ગમે એવું કસ્તર પણ વેદના જગાડે છે. તો આ તો કાચની કણી અને તે પણ તીણી ધારવાળી. એની વેદના કેવી દુ:સહ હોય એ, જેને જેને જીવનમાં કોઈ વાર આંખમાં કંઈ પડ્યું હોય તે સૌ કલ્પી શકે એમ છે. કાચની કણી આંખમાં ખૂંચે એટલે સ્વાભાવિક રીતે જ આંખ ચોળવાનું મન થાય, પણ ચોળવા જાય તો આંખ વધારે ઘવાય, એટલે એ વેદના તો છાતી કઠણ કરી વેઠવી જ રહી. કવિએ મૃત પુત્રની સ્મૃતિ સળકી ઊઠતાં થયેલી વેદનાના વર્ણનમાં ભારે સંયમ જાળવ્યો છે, અને તેથી કાવ્યનો કરુણ વધારે ગાઢ બન્યો છે. આંખમાં – આંસુભરી આંખમાં કાચની તીણી કણી ખૂંચી – પુત્રનું સ્મરણ થતાં જ અંતરમાં વેદના સળકી ઊઠી અને ઘર બહાર નીકળવા ઉપાડેલા પણ એકદમ ભારે થઈ ગયા, જાણે ઉપર લોઢાના મણીકા ન મૂક્યા હોય! આમ એ સ્મૃતિની બે અસરોનું જ વેધક વર્ણન કરી કવિ અટકી ગયા છે, અને કહેવાનું બધું કહેવાઈ ગયું છે. `કાચ કેરી કણિકા’માં ઉપરાઉપરી આવતા ચાર `ક’ એ કણીની કર્કશતાને અનેકગણી વધારી મૂકે છે, અને છેલ્લી પંકિત વાંચતાં પગ ઉપરના લોઢાના મણીકાનો પણ જાણે અનુભવ થાય છે – `કેરા મણીકા.’ સંભારી સંભારીને લીધેલી વસ્તુઓનો પુત્ર સાથેનો વિરોધ, એ વસ્તુઓની અત્યંત તુચ્છતાને કારણે જેમ તીવ્ર બને છે, તેમ કાવ્યને અંતે આવતી વેદનાની અસર શરૂઆતની પંક્તિઓની હળવાશને કારણે ગાઢી બને છે. કરુણરસના નિરૂપણમાં લાગણીવેડામાં લપસી પડવાનો ભય હમેશાં રહે છે. એ ભયસ્થાન કવિ પોતાના સંયમને કારણે વટાવી જઈ શક્યા છે, અને માટે જ કાવ્ય આટલું ચોટદાર બનવા પામ્યું છે. કાવ્યનો છંદ મંદાક્રાન્તા છે અને તે ભાવને અનુકૂળ છે. પહેલી છ પંક્તિઓમાં લાંબી યાદી આપવામાં એ ઉપકારક નીવડ્યો છે અને પાછળથી કરુણના વહનમાં પણ એ પૂરો કાબેલ છે. છેલ્લી પંક્તિ વાંચતાં પગ સાચે જ ભારે થઈ ગયેલા અનુભવાય છે, આખા કાવ્યની ભાષા સાદી, સ્વાભાવિક, સીધી અંતરમાંથી આવતી, અને લાગણીની સચ્ચાઈના રણકવાળી છે – લગભગ નિરલંકાર છે, એ પણ કાવ્યની અસરકારતામાં વધારો કરે છે. આ કાવ્ય પણ સૉનેટબંધમાં રચાયેલું છે. છ પંક્તિના પહેલા ખંડમાં વિષયનું મંડાણ કર્યું છે. બીજા છ પંક્તિના ખંડમાં એનો વિકાસ છે, અને છેલ્લી બે પંક્તિમાં અંતિમ ચોટ સધાઈ છે. પહેલી બાર પંક્તિ પ્રાસ વગરની છે, પણ છેલ્લી બે પંક્તિ ચોટ સાધવા અને વિરામ સૂચવવા પ્રાસથી જોડેલી છે. `સાબરમતી’ ૧૯૬૯