વીક્ષા અને નિરીક્ષા/સર્જક-પરિચય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સર્જક-પરિચય

નગીનદાસ પારેખ ‘ગ્રંથકીટ’
(૧૯૦૩–૧૯૯૩)

16. Nagindas parekh.jpg


ગુજરાતી ભાષાસાહિત્યને પોતાની વિવેચના અને અનુવાદ પ્રવૃત્તિ દ્વારા સમૃદ્ધ કરનાર નગીનદાસ નારણદાસ પારેખનો જન્મ વલસાડમાં થયો હતો. પિતાનો વ્યવસાય ઝવેરાત અને સોનીકામને લગતો હતો. નગીનદાસે હાઈસ્કુલ સુધીનું શિક્ષણ વલસાડની ખ્યાતનામ આવાંબાઈ હાઇસ્કૂલમાં લીધું હતું. ઉચ્ચશિક્ષણ અમદાવાદ-ગુજરાત વિદ્યાપીઠમાંથી મેળવીને ત્યાં તથા એચ. કે. કૉલેજમાં અધ્યયન-અધ્યાપનની મનગમતી પ્રવૃત્તિ, આજીવન સ્વીકારી હતી. આઝાદીના અંદોલનથી અને ગાંધીવિચારથી પ્રભાવિત થઈને તેઓ એ દિશામાં થોડોક સમય સક્રિય પણ થયેલા. બંગાળી ભાષા શીખ્યા. સંસ્કૃતનો અભ્યાસ પણ કર્યો. શાંતિનિકેતન ખાતે ફેલોશીપ મળતાં ત્યાં ભણવા ને શીખવવા ગયેલા. રવીન્દ્ર સાહિત્યને આત્મસાત કર્યું. નગીનદાસની વિશેષતા એ રહી હતી કે તેઓ ગાંધી-રવીન્દ્ર બંનેના જીવનવિચારને સંતુલિત કરીને જીવનમાં ઉતારીને જીવ્યા – લખ્યું અને અનુવાદો પણ ઘણા કર્યા. ભારતીય કાવ્યવિચારના એકાધિક ગ્રંથોનો તેમણે ઊંડો અભ્યાસ કરીને એના વિશ્લેષણાત્મક અનુવાદો કર્યા. પાશ્ચાત્ય સાહિત્ય વિચારને રજૂ કરતા લેખો લખ્યા. બંગાળી – ખાસ તો રવીન્દ્રસાહિત્યના ઉત્તમ અનુવાદો આપ્યા. ગુજરાતી કથા-કવિતા વિશેના એમના સમીક્ષાત્મક અને આસ્વાદાત્મક અભ્યાસ લેખોમાં પણ એમની વિદ્વતા સહજ રીતે પ્રભાવક બનીને પ્રગટી છે. એમના હાથે રચાયેલા-અનુવાદિત અને સંપાદિત થયેલા આશરે ૧૩૫ ગ્રંથોએ ગુજરાતી ભાષાને ન્યાલ કરી દીધી છે. આવા વિદ્વાનો એક સદીમાં માંડ ચારપાંચ જ મળતા હોય તો હોય! – મણિલાલ હ. પટેલ