શબ્દલોકના યાત્રીઓ – ૧/રતિલાલ છાયા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
રતિલાલ છાયા

કવિશ્રી રતિલાલ છાયાનું નામ આજે કવિતાનાં સામયિકો પર ભલે એટલું ચમકતું ન હોય પણ એક કાળે તે સાચા અને સારા કવિ ગણાતા. તે પોરબંદરના વતની. ગુલાબદાસ બ્રોકર પણ પોરબંદરના. બંને બાળપણના મિત્રો. ગુલાબદાસની ષષ્ટિપૂર્તિ પ્રસંગે એક પ્રશ્નના જવાબમાં તેમણે કહેલું: “મારી નજર સામે એક ૧૩-૧૪ વર્ષનો કિશોર ખડો થાય છે. એક દહાડો એ કશું કર્યા વિનાનો બેઠો હોય છે ત્યાં તેનો એક દોસ્ત તેની પાસે આવે છે. એને જોતાંવેંત આ કિશોર હસી પડે છે. પણ પેલો આવનાર નથી હસતો કે નથી બોલતો, પણ આમતેમ ચકળવકળ જોયા કરે છે. એ બોલતો નથી પણ શાંત નથી, ગંભીર છે. એની અંદરથી કંઈક ઉછાળા મારતું બહાર ધસી આવવા મથતું હોય છે. આ કિશોર એની આ ગૂંચવણ ભરેલી સ્થિતિ જોઈને હસી પડે છે અને કહે છે : શું થયું છે તને? બોલતો કેમ નથી? કાંઈ કહેવું છે? પેલો ઓચિંતો બોલી પડે છે : મેં કવિતા લખી છે, તને બતાવું? અને પેલો હા, એમ કહે એ પહેલાં તે બોલવા લાગે છેઃ ‘સંધ્યા સલૂણી બાલ તારા કોણ નભમાં ગૂથતું?’ પછી એક કાગળ ખિસ્સામાંથી કાઢે છે અને કહે છે લેખ પણ લખ્યો છે, જો! ‘રાજા’ નામના શીર્ષક નીચે એ લેખ લખાયેલો હતો. સાંભળનારો એના તેજથી દબાઈ જઈ નતશિર બની રહે છે. એ દબાઈ જનારો કિશોર તે હું અને એ કવિતા અને લેખ લખનારો કિશોર તે ભાઈ રતિલાલ છાયા.” ગુલાબદાસને પણ જેમાંથી પ્રેરણા મળેલી તે કવિ રતિલાલ છાયાએ ૧૯૩૧માં ‘ઝાકળનાં મોતી’ કાવ્યસંગ્રહ પ્રગટ કર્યો, ૧૯૫૧માં ‘સોહિણી’ પ્રગટ કર્યો અને છેલ્લો ‘હિંડોલ’ ૧૯૬૨માં પ્રગટ થયો. ‘હિંડોલ’ને ગુજરાત રાજ્યનું પ્રથમ પારિતોષિક એનાયત થયેલું. આ ત્રણ સંગ્રહોમાં રતિલાલની કેટલીક સારી કવિતા સંગ્રહાયેલી છે. એ પછી ક્યારેક તેમનાં કાવ્યો સામયિકોમાં ચમકે છે, પણ ૧૯૬૨ પછી સંગ્રહ થયો નથી. એક કાવ્યમાં તે “આશ ગુલાબી ને ભાવ સિંદૂરિયા મંગલ સૂરે ગાશું/માંડવે ઝૂલતાં બે હૈયાંની વાંસળી મધુર વાશું.’ એવી ભાવના પ્રગટ કરે છે. રતિલાલ છાયાએ એમની કવિતા દ્વારા ભાવનાઓ જ ગાઈ છે. પરંપરાગત રીતનો એક સિંદૂરિયો રંગ તેમની કવિતાને અડેલો છે, વિવિધ ભાવોને તેમણે ઉચ્ચ સ્વરે ગાયા છે અને કવિધર્મ બજાવ્યો છે. ‘વિરાટ અને માનવ’, ‘સાગરના ઘોડલા’, ‘ગુરુકુલને’, ‘જલધિને’ જેવાં તેમનાં કાવ્યો સંતર્પક જણાય છે. સૉનેટ અને ગીતમાં તેમની કવિત્વશક્તિ ખીલી ઊઠે છે. રતિલાલ છાયા પોરબંદરના છે. વર્ષો સુધી તેમણે પોરબંદરમાં શિક્ષક તરીકે કાર્ય કર્યું છે. પોરબંદરમાં વસતા આ કવિની કવિતામાં ‘દરિયો’ સ્થાન પામે તે સ્વાભાવિક જ ગણાય. પ્રકૃતિનાં વિવિધ સ્વરૂપો પણ તે સરસ આલેખી શકે છે પણ એમાંથી કાંઈ ને કાંઈ બોધ તારવવાનું વલણ આ શિક્ષક-કવિને રહે જ છે. ‘સમુન્દરને’ કાવ્યમાં કવિ દરિયાને સંબોધે છે. જીવનની ગંભીર ભાવે ઉપાસના કરનાર આ કવિમાં ક્વચિત્ કટાક્ષની કવિતા પણ જોવા મળે છે અને એ વસ્તુ સારી છે. ‘અમે શિક્ષકો’નું કાવ્ય એ દૃષ્ટિએ ધ્યાન ખેંચી રહે છે. ‘ભારતનો નકશો’ એ રચના પણ કવિની સાચકલી ભાવનાભિવ્યક્તિથી સરસ થયું છે. એમાં ભારતીય સાંસ્કૃતિક વારસા પ્રત્યેનો આદર પશ્ચાદ્ભૂમિકામાં રહી નકશાને સુરેખ બનાવે છે! પણ સાંપ્રતમાં સ્વાતંત્ર્યોત્તર કાળમાં દેશવાસીઓની સ્થિતિથી કવિ વેદનાગ્રસ્ત બને છે અને એ સંતપ્તતાનો ભાવ પણ તેમણે ગાયો છે. શ્રી છાયાની કવિતાના વિષયોનો વ્યાપ પ્રમાણમાં મોટો ન કહેવાય, પણ એ પરિમિત વર્તુલમાં રહીને પણ તે ચિંતનની, ભાવના સંસ્પર્શની, થોડી હાસ્યવિનોદની, ઝાઝી કુટુંબભાવની અને વિવિધ પ્રકૃતિછટાઓના ચિત્રાંકનની અને ખાસ તો ‘સમુદ્ર’ની કેટલીક સારી કવિતા આપી શક્યા છે અને આજે જ્યારે કવિતાની આખી ઇબારત પલટાઈ ગયેલી દીસે છે ત્યારે પણ રતિલાલ છાયાના અવાજમાં એક genuine કવિનો – સાચા કવિનો અવાજ પારખવો સહૃદયોને માટે મુશ્કેલ નહિ હોય. રતિલાલ છાયાની કવિતામાં રહેલી વિશેષતા અને થોડી કચાશો તરફ આપણા બે કવિ-વિવેચકો સુન્દરમ્ અને ઉમાશંકરે ધ્યાન દોર્યું છે. એ વીગતોમાં અત્યારે જવું પ્રસ્તુત નથી, પણ એ હોવા છતાંય ‘સોહિણી’ અને ‘હિંડોલ’માં થોડી ઉત્તમ કવિતા તેમણે આપી છે એ હકીકત છે. શ્રી રતિલાલ છાયાનો જન્મ જૂના પોરબંદર રાજ્યના ભડ ગામે ૨૦મી નવેમ્બર ૧૯૦૮ના રોજ થયો હતો. મુંબઈ યુનિ.ની મૅટ્રિક એસ.ટી.સી.ની પરીક્ષા તેમણે પસાર કરેલી. ૧૯૨૯થી ૧૯૬૬ સુધી તેમણે પોરબંદરની ભાવસિંહજી હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે કાર્ય કર્યું. આપણી પ્રજા પાસે રતિલાલભાઈ જેવા શિક્ષકો કેટલા? આટલાં બધાં વર્ષો લગી તેમણે શિક્ષક તરીકે વિદ્યાર્થીઓમાં કેવું સંસ્કાર-સિંચન કર્યું હશે! ૧૯૬૨માં ‘હિંડોલ’ કાવ્યસંગ્રહને ગુજરાત રાજ્યનું પ્રથમ પારિતોષિક મળેલું પણ તેમનું આ અધ્યાપનકાર્ય એ ગુજરાતને તેમની એક કાવ્યસંગ્રહ સમી ભેટ છે. તેમણે શિક્ષણ ઉપરાંત પત્રકારત્વ, લોકસાહિત્ય, પુરાતત્ત્વ સંશોધન આદિમાં જીવંત રસ લીધો છે. સાંસ્કૃતિક ક્ષેત્રે પણ સેવાઓ આપી છે. જુદાં જુદાં મંડળો સ્થાપ્યાં છે. સમાજસેવા પણ કરી છે. પોરબંદરને એક સાંસ્કૃતિક કેન્દ્ર બનાવવામાં તેમનો મહત્ત્વનો ફાળો છે. ગુજરાતી સાહિત્ય પરિષદનું સંમેલન પોરબંદરને આંગણે મળે એ માટે તેમણે ચંપલ ન પહેરવાની પ્રતિજ્ઞા લીધાનું મેં સાંભળેલું અને તેમણે એ માટે અથાક પરિશ્રમ કરી પરિષદને પોરબંદર બોલાવેલી. અત્યારે શ્રી રતિભાઈ નિવૃત્ત છે અને પોરબંદરમાં જ વસે છે. પોરબંદર જવાનું થાય ત્યારે પોરબંદરનો દરિયો, મહાત્માજીનું જન્મસ્થાન અને શ્રી છાયા જેવા સાચા સંસ્કારી કવિઓને મળો એટલે પોરબંદરની યાત્રા સાર્થક થઈ ગણાય.

૨૩-૭-૭૮