શબ્દલોકના યાત્રીઓ – ૨/જ્યોતિષ જાની

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
જ્યોતિષ જાની

જ્યોતિષ જાનીને કોઈ લેબલ લગાડવું હોય તો હું એમને પ્રયોગશીલ લેખક કહું. વાર્તા, કવિતા, નવલકથામાં તે સતત પ્રયોગો કરતા રહ્યા છે. સાહિત્યમાં પ્રયોગશીલ સર્જક જ્યોતિષ જીવનમાં પણ ઓછા પ્રયોગશીલ નથી. અનેક પ્રવૃત્તિઓ તેમને સૂઝે, પણ ક્યારે સમેટાઈ જશે એ તમે નિશ્ચિતરૂપે કહી ન શકો. એક વ્યવસાય તેમણે સ્વીકાર્યો હોય પણ થોડા સમય પછી મળો તો કાંઈ બીજું જ કરતા હોય! સ્થિરતા, સલામતી, બંધિયારપણું એના તે વિરોધી. એથી તે સતત સ્થળ બદલતા રહે છે. તેમણે મુંબઈ, અમદાવાદ અને છેલ્લાં થોડાં વર્ષોથી વડોદરાને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું છે; પણ કાર્યક્ષેત્રો બદલાતાં સ્થળ પણ બદલાતાં રહે છે અને એ વિશે નિશ્ચિતપણે કોણ કહી શકે? ખુદ જ્યોતિષ પણ નહિ. શ્રી જ્યોતિષ જાની હાલ વડોદરામાં જ્યોતિ લિમિટેડમાં પબ્લિસિટી વિભાગમાં કન્સલ્ટન્ટ તરીકે કામગીરી સંભાળે છે અને સાંજના સમયે વડોદરા યુનિવર્સિટીની સંગીત, નૃત્ય અને નાટકની કૉલેજમાં સંગીતના વિદ્યાર્થી તરીકે કંઠ્ય સંગીત શીખે છે! સંગીત વારસાગત એમના કંઠમાં ઘૂંટાયું છે. એમના સ્વ. પિતાશ્રી જગન્નાથ જાની સુરતની સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની શાળામાં શિક્ષક હતા — લોકપ્રિય શિક્ષક હતા. સંગીતનો તેમને ભારે રસ. દિલરુબા એમનું પ્રિય વાદ્ય. સરસ બજાવતા. બાળક જ્યોતિષને સંગીતના સંસ્કારો ઘરમાંથી મળેલા. શ્રી જ્યોતિષનો જન્મ ખેડા જિલ્લાના પીજ ગામે (નડિયાદ પાસે) ૯ નવેમ્બર ૧૯૨૮ના રોજ થયેલો. તેમના દાદા (માના પિતા) પ્રખર જ્યોતિષી હતા. મોસાળમાં જન્મ થયો અને જ્યોતિષી દાદાએ નામ પાડ્યું જ્યોતિષ—ત્યારે દાદાજીને કલ્પના શાની હોય કે આ તો શબ્દનાં મૂળ અને કુંડળીઓ જોનારો ‘જ્યોતિષ’ પાકશે! જન્મ પછી ચાર ભાઈઓ સાથેનું કુટુંબ સુરતમાં જ સ્થિર થયું. જ્યોતીન્દ્ર દવે અને ચં. ચી. મહેતાના સુરતમાં જ્યોતિષ જાનીનું બાળપણ વીત્યું. સુરતની ગોપીપુરાની શાળામાં ભણી મૅટ્રિક થયા અને એમ. ટી. બી. કૉલેજમાંથી મુખ્ય વિષય રસાયણશાસ્ત્ર લઈ બીજા વર્ગમાં બી.એસ સી. થયા. આ સમય દરમ્યાન પિતાશ્રીનું અકાળ અવસાન થતાં જીવનનું વહેણ બદલાયું અને સમગ્ર કુટુંબની જવાબદારી સાથે જીવનનાં કપરાં ચઢાણોનો આરંભ થયો. યોગાનુયોગ મુંબઈની ઍકાઉન્ટન્ટ જનરલની ઑફિસમાં જ્યોતિષને નોકરી મળી ગઈ અને બહુ જ ટૂંકા ગળામાં બીજા ભાઈ નરેન્દ્ર જાનીને મુંબઈમાં બરોડા બેંકમાં અને ત્રીજા ભાઈ નલિન જાનીને મુંબઈની ગોકળીબાઈ હાઈસ્કૂલમાં શિક્ષકની નોકરી મળી ગઈ. કુંટુંબ સુરતથી મુંબઈ આવીને સ્થિર થયું. જ્યોતિષની સાહિત્યિક પ્રવૃત્તિઓનો આરંભ થયો. તેમણે ‘અખંડ આનંદ’માં ત્રણ વાર્તાઓ મોકલી, સ્વીકારાઈ અને લાગલગાટ પ્રગટ થઈ. આનાથી પ્રોત્સાહિત થઈ જ્યોતિષે વાર્તાઓ લખવા માંડી. ‘જીવનમાધુરી’, ‘ગૃહમાધુરી’, ‘નવચેતન’, ‘કુમાર’, અને છેવટે ‘સંસ્કૃતિ’ જેવાં સામયિકોમાં એમની વાર્તાઓ પ્રગટ થતી રહી. પહેલો વાર્તાસંગ્રહ ‘ચાર દીવાલો, એક હૅંગર’ ૧૯૬૬માં પ્રગટ થયો. આ દરમ્યાન જ્યોતિષે પત્રકારત્વનો ડિપ્લોમા લીધો. સરકારી નોકરીને તિલાંજલિ આપી ‘સંદેશ’ના તંત્રી વિભાગમાં જોડાયા. અમદાવાદમાં સાહિત્યિક મિત્રો થયા. ‘રે’ મઠની સ્થાપનામાં જોડાયા. મુંબઈમાં ચૂનીલાલ મડિયાની રાહબરી નીચે ચાલતા ‘વાર્તાવર્તુલ’ની સ્થાપનામાં પણ તેમણે રસ લીધો. તેમણે વાર્તા ઉપરાંત કાવ્યસર્જન પણ કર્યું. તેમનો કાવ્યસંગ્રહ ‘ફીણની દીવાલો’ ૧૯૬૪માં પ્રગટ થયો. ૧૯૬૬ દરમ્યાન જ્યોતિષે ચીલેચાલુ સામયિકોની સામે ‘સંજ્ઞા’ નામે સાહિત્યિક સામયિક શરૂ કર્યું. પ્રયોગલક્ષી સાહિત્યિક સામયિક તરીકે એ પ્રતિષ્ઠિત બન્યું. વચ્ચે એ બંધ પડેલું. ૧૯૭૩માં એના તંત્રીએ ‘પુનશ્ચ’ લખી એ ફરી શરૂ કર્યું. હમણાં તેમણે એ સમેટી લીધું છે. સંજ્ઞાએ થોડા સારા વિશેષાંકો પણ પ્રગટ કર્યા છે. ચન્દ્રકાન્ત બક્ષીની વાર્તા કુત્તી ‘સંજ્ઞા’માં પ્રગટ થયા પછી સરકાર દ્વારા અદાલતમાં એના પર કેસ પણ ચાલેલો એ સાહિત્યરસિકો જાણે છે. જ્યોતિષે નવલકથાઓ પણ લખી છે. ૧૯૬૯માં ‘ચાખડીએ ચઢી ચાલ્યા હસમુખલાલ’ પ્રગટ થઈ. આ નવલકથામાં એક અદનો માણસ હસમુખલાલ અને અમદાવાદ જેવું મહાનગર જીવંત પાત્રત્વ પામ્યાં છે. ગુજરાત સરકારે એને પરિતોષિક પણ આપેલું. ડૉ. સુમન શાહે ચંન્દ્રકાન્ત બક્ષીથી ‘ફેરો’માં “જ્યોતિષની આ રચનાની Tragicomical reality આ દાયકાની નવલસૃષ્ટિની એક સૂની ક્ષિતિજનો ઈશારો આપે છે.” એમ કહ્યું છે. આ નવલકથા ઉપરથી રેડિયોનાટક પણ થયેલું. તેમની બીજી નવલકથા ‘અચલા’ ‘જન્મભૂમિ પ્રવાસી’માં હમણાં જ ધારાવાહી રૂપે પ્રગટ થયેલી. (પુસ્તકઆકારે હવે પ્રગટ થશે) કેટલાક વાચકો પ્રેમપૂર્વક એને “અમૃતાથી ય એક અંશે ઊંચેરી” ગણી એવા પ્રતિભાવો પોતાને પાઠવ્યા હોવાનું જ્યોતિષ ખુમારીપૂર્વક કહે છે. પ્રેમના સંદર્ભે પ્રાપ્ત થતો વિષાદ કે વેદના કદી એળે જતાં નથી એ સત્યનું કલાત્મક સંવિધાન રચ્યું છે. જ્યોતિષ જાનીનો બીજો વાર્તાસંગ્રહ ‘અભિનિવેશ’ પણ વિવેચકોની પ્રશંસા પામ્યો છે. તેમણે ટૂંકી વાર્તાની ટેકનીકમાં કરેલા પ્રયોગો ઉલ્લેખપાત્ર છે. ત્રીજા વાર્તાસંગ્રહ ‘પંદર આધુનિક વાર્તાઓ’માં ટૂંકી વાર્તાના સંદર્ભે ભાષા અને શૈલીના પ્રયોગો કર્યા છે. આધુનિક્તાનો તેમનો અભિનિવેશ શીર્ષકમાં પણ સૂચિત થયો છે. જ્યોતિષનો જીવ આમ તો વાર્તાકારનો છે, પણ કવિતામાંય એ નવી નવી ક્ષિતિજો આંબવા તાકે છે. એમનાં કાવ્યો ‘સાહિત્ય’, ‘ઉદ્ગાર’ વગેરેમાં પ્રગટ થાય છે. તેમનો બીજો કાવ્યસંગ્રહ ‘સાયલન્સ ઝોન’ અને લલિત નિબંધો અને વિવેચન અભ્યાસ લેખોનો સંગ્રહ ‘શબ્દના લૅન્ડસ્કેપ’ હવે પછી પ્રગટ થશે. જ્યોતિષ જાની કહે છે: “મેં લખવાનો હવે જ સાચો આરંભ કર્યો છે. હું અગાઉ ક્યારેય નહોતો એટલો હવે શબ્દસજ્જ છું! અને મને મારી પાસેથી જ ઊંચી અને મોટી અપેક્ષા છે.” યુવાન જેવા આ તરવરિયા, તોખારી સાહિત્યકારનું શબ્દઆરોહણ જોવા જેવું હશે!

૧-૪-૭૯