શબ્દલોકના યાત્રીઓ – ૨/મોહનલાલ પટેલ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
મોહનલાલ પટેલ

શ્રી મોહનલાલ પટેલે વાર્તા, નવલકથા, અભ્યાસલેખો વગેરે લખ્યા છે, પણ ગુજરાત તેમને વાર્તાકાર તરીકે સવિશેષ ઓળખે છે. ૧૯૫૪માં તેમનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘હવા! તુમ ધીરે બહો!’ પ્રગટ થયો ત્યારે આ લખનારે એની સમીક્ષા કરતાં નવાસવા વાર્તાકારમાં રહેલી સર્જક શક્યતાઓ પ્રત્યે ધ્યાન દોર્યું હતું. શ્રી મોહનભાઈએ એ પછી ‘વિધિનાં વર્તુલ’ (૧૯૫૬), ‘ટૂંકા રસ્તા’ (૧૯૫૮), ‘મોટી વહુ’ (૧૯૬૦) અને ‘પ્રત્યાલંબન’ (૧૯૭૦) એ સંગ્રહોમાં ઉત્તરોત્તર પોતાની શક્તિઓનો સારો હિસાબ આપ્યો છે અને ગુજરાતી સાહિત્યના પ્રતિષ્ઠિત વાર્તાકારોમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. હમણાં તેમની એક પારિતોષિક વિજેતા વાર્તા ‘બ્લાઈન્ડ વર્મ’ વિશે લખવાનું બન્યું. એમનું સર્જકકર્મ જોઈ પ્રસન્નતા થઈ. શ્રી મોહનલાલ પટેલનો જન્મ ૩૦મી એપ્રિલ ૧૯૨૭ના રોજ પોતાના વતન પાટણ(ઉત્તર ગુજરાત)માં થયો હતો. તેમણે મૅટ્રિક સુધીનો અભ્યાસ પાટણ હાઈસ્કૂલમાં કર્યો. જૂની વડોદરા કૉલેજમાંથી ૧૯૪૭માં બી.એ. થયા. શિક્ષક તરીકેનો વ્યવસાય સ્વીકાર્યો હોઈ ૧૯૫૫માં બી.એડ. થયા પણ સાહિત્યનો જીવ હોવાથી એમ.એ. થયા વગર ન રહ્યા. ૧૯૬૧માં ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનમાંથી એમ.એ.ની પદવી ઊંચા વર્ગમાં પસાર કરી. ઉમાશંકરભાઈ જેવાના અધ્યાપનનો લાભ પામ્યા. બી.એ. થયા પછી તરત જ શિક્ષક તરીકેનો વ્યવસાય સ્વીકારેલો. ૧૯૪૭થી ૧૯૫૦ સુધી અમદાવાદમાં ન્યૂ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે રહ્યા. ૧૯૫૧થી ૧૯૬૦ સુધી સર્વ વિદ્યાલય હાઈસ્કૂલ, કડીમાં શિક્ષક તરીકે કામ કર્યું. ૧૯૬૧થી આ જ સંસ્થામાં આચાર્ય થયા અને આજે પણ એ સ્થાને કાર્ય કરે છે. ૧૯૬૫થી ૧૯૭૭ પ્રિ-વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરમાં માનદ પ્રિન્સિપાલ તરીકે અને ૧૯૭૩માં સી. એન. આર્ટ્સ કૉલેજ, કડીમાં ગુજરાતીના માનદ અધ્યાપકપદે પણ રહેલા. શ્રી મોહનલાલ પટેલે લેખનનો આરંભ સ્વયંસ્ફુરણાથી કર્યો. અભ્યાસકાળ દરમિયાન કેટલાક મિત્રોએ નવા શરૂ થનાર માસિક માટે વાર્તા માગી અને ‘ભૂરું કાર્ડ’ નામે એક વાર્તા તેમણે આપી. પણ પ્રસિદ્ધ સામયિકમાં પ્રગટ થઈ હોય એવી વાર્તા તે ‘બહાદર’. ૧૯૪૯ના સપ્ટેમ્બરમાં એ ‘નવચેતન’માં છપાઈ. એ પછી તેમણે ‘કુમાર’ માસિકમાં વાર્તાઓ મોકલી. તંત્રીનો પ્રતિભાવ ખૂબ પ્રોત્સાહક હતો. ૧૯૫૦માં ‘કુમાર’માં પ્રગટ થયેલી ‘ચક્રવત્પરિવર્તન્તે’ વાર્તા વર્ષ દરમ્યાન ‘કુમાર’માં છપાયેલી વાર્તાઓમાં શ્રેષ્ઠ પુરવાર થઈ અને એને ખાસ પુરસ્કાર મળ્યો. પછી તો એમની વાર્તાઓની માંગ વધવા માંડી. જુદાં જુદાં સામયિકોમાં એ વાર્તાઓ મોકલતા રહ્યા. ‘આરામ’ માટે પીતાંબર પટેલે આગ્રહ કરી વાર્તાઓ માંગેલી. ૧૯૫૨-૫૩માં શ્રી બચુભાઈ રાવતે ‘કુમાર’ માટે એક કૉલમની વાર્તાઓ લખવા નિમંત્રણ આપ્યું. એ વખતે તો એ ને સ્વીકાર્યું, પણ દશકા પછી તેમણે એવી લધુકથાઓ ‘કુમાર’ને આપી. અઢારેક લઘુકથા પ્રગટ થઈ. “લઘુકથા”નો સ્વતંત્ર પ્રકાર ખેડાય એવું વાતાવરણ સર્જવાનો તેમણે પ્રયત્ન કર્યો અને એનાં લક્ષણોની વિવેચનાત્મક ચર્ચા પણ કરી. વાર્તા માટે તેમને ઘણાં પારિતોષિકો મળ્યાં છે. ખાસ નોંધપાત્ર છે ૧૯૫૫માં સવિતા વાર્તા હરીફાઈમાં મળેલો સુવર્ણ ચન્દ્રક, ‘આરામ’ તરફથી વાર્તા માટે મળતો ‘સુવર્ણચન્દ્રક’ અને ‘પ્રત્યાલંબન’ સંગ્રહને મળેલું ગુજરાત રાજ્યનું પારિતોષિક. શ્રી મોહનલાલે માત્ર ટૂંકી વાર્તાઓ જ આપી નથી, પણ પોતાના સ્વાધ્યાયના ફળરૂપે ટૂંકી વાર્તાની સર્જક પ્રક્રિયા, ટૂંકી વાર્તામાં ઘટના, ટુંકી વાર્તામાં ભાવ પરિસ્થિતિ વગેરે વિશે અભ્યાસલેખો પણ આપ્યા છે. તેમનાં આ વિવેચનાત્મક લખાણોનો સંગ્રહ ‘ટ્રંકી વાર્તા : મીમાંસા’ ટૂંક સમયમાં પ્રગટ થશે. કેટલીક પરદેશી વાર્તાઓનો પરિચય પણ તેમણે કરાવ્યો છે. ૧૯૫૪માં તેમને ભવાનગઢ દાંતાનાં જંગલોમાં રહેવાનું થયું. ત્યાંનો પ્રદેશ, લોકો અને રીતરિવાજોનું અવલોકન કર્યું અને એ બધાના પરિણામે ‘હેતનાં પારખાં’ નામે નવલકથા લખાઈ. આ નવલકથા ૧૯૫૭માં પ્રગટ થઈ. બીજે જ વર્ષે તેમણે ‘ખાલી ખેપ’ નવલકથા આપી. આ કૃતિમાં સો વર્ષ પહેલાંનું ગ્રામજીવન, કાવાદાવા વગેરેનું નિરૂપણ થયું છે. ૧૯૫૯માં તેમની નવલકથા ‘અંતિમ દીપ’ ‘ગુજરાત સમાચાર’માં ધારાવાહી પ્રગટ થઈ. આ નવલકથાની વિશેષતા એ છે કે ઐતિહાસિક ભૂમિકામાં તે સામાજિક નવલકથા આપે છે. એમાં કરણ વાઘેલાનાં અંતિમ વર્ષોની કથા નિરૂપાઈ છે. ઐતિહાસિક તથ્યો જાળવીને લેખકે સમાજનું આલેખન કર્યું છે. લેખક પ્રકૃતિએ અભ્યાસી હોવાથી ઐતિહાસિક વીગતોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી સ્વીકૃત સત્ય હકીકતોનો જ સ્વીકાર કર્યો છે. ક્યાંય ઐતિહાસિક તથ્યનો વિપર્યાસ કર્યો નથી. ‘સાંજ ઢળે’ અને ‘જલતા હિમગિરિ’ એ બે નવલકથાઓ પહેલાં ‘સંદેશ’માં હપતાવાર પ્રગટ થયેલી. અત્યારે તેઓ એક શૈક્ષણિક નવલકથા ‘નયન શોધે નીડ’ લખી રહ્યા છે. ૧૯૪૨ની ક્રાંતિને આવરી લેતી નવલકથાનું માળખું પણ તેમણે તૈયાર કર્યું છે. એક માતબર કૃતિ તે આપવા માગે છે. લેખક વ્યવસાયે શિક્ષક છે. શિક્ષણ એમને મન ધંધો નથી પણ આત્માભિવ્યક્તિ છે. અત્યારના શિક્ષણથી ઋજુ હૃદયના મોહનભાઈની આંતરડી કકળી ઊઠે છે. તેઓ થોડાં વર્ષો પછી નિવૃત્ત થવાનાં સ્વપ્ન સેવે છે અને બધો જ સમય સાહિત્યસર્જનને આપવા માગે છે. એમનું આ સ્વપ્ન સાકાર થશે ત્યારે પહેલું કામ શિક્ષણ અંગે પોતાના જાત-અનુભવના નિચોડરૂપ એક ગ્રંથ અંગ્રેજીમાં લખવાનું કરશે. આવો ગ્રંથ તે એક સર્જકશિક્ષકની રસપ્રદ ભેટ હશે. શ્રી મોહનભાઈ પાસેથી આપણે ઊંચી અપેક્ષાઓ રાખી શકીએ, વાજબી રીતે રાખી શકીએ એવું તેમનું કાર્ય છે. એમના જેવા સહૃદયતાભર્યા, શક્તિશાળી અને ભાવનાશીલ લેખક એક એકથી ચઢિયાતી કૃતિઓ વડે ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરે એમ ઈચ્છીએ.

૧૮-૨-૭૯