શેક્‌સ્પિયર/સૉનેટમાં શેક્‌સ્પિયર

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


4. સૉનેટમાં શેક્‌સ્પિયર

ક્રિકેટની રમત અંગ્રેજ સંસ્કારિતાનું દર્પણ ગણાય છે. માનવીની યુયુત્સા અને સ્પર્ધાની વૃત્તિને રમતમાં વાળીને તેનું શમન કરવાનું શાસ્ત્ર ક્રિકેટમાં વિકસ્યું છે. ધાર્મિક આચરણનો મહિમા જેવો ભારતીય સંસ્કૃતિમાં તેવો જ ‘ક્રિકેટ’ શબ્દનો મહિમા આંગ્લજીવનમાં રહ્યો છે. આદર્શ અંગ્રેજનો વર્તાવ એટલે ક્રિકેટની રમત (To play Cricket). શાસ્ત્રવિરુદ્ધનો વર્તાવ, નિયમવિરુદ્ધનો લાભ એટલે ક્રિકેટનો અભાવ. `It is not Cricket’ – આ ક્રિકેટ નહીં, એમ કહેવાય તો અંગ્રેજને મન મોટું સામાજિક કલંક ચોંટે. સમષ્ટિના હિતમાં વ્યક્તિ ઉમંગે જોતરાય, અપ્રિય ચુકાદાને સસ્મિત માન આપે, નિયમોને બંધન ન ગણતાં તેના પાલનમાં રમતની શોભા મનાવે, મનની અને તનની શક્તિનું લક્ષ્ય વિજિગીષા બને – આ બધું ક્રિકેટની ઉપાસનામાં સ્થાન પામ્યું છે. આથી પ્રજાકીય લક્ષણો ઇંગ્લૅન્ડે ક્રિકેટમાં દર્શાવ્યાં છે. ઇંગ્લૅન્ડનું હવામાન એવું મનસ્વી, ધૂપછાંવની એવી અજ્ઞેય લીલા, કે જયનું પલ્લું કયા પક્ષે નમશે તે રમતના અંત સુધી અકળ રહે. ખેલના મેદાનનું હવામાન અને ખેલાડીના મિજાજનું તાપમાન, ઉભય સંતાકૂકડી રમે તેમાં અંતિમ પરિણામ સદા અનુમેય રહે. એટલે તો ક્રિકેટમાં ધારેલી ક્ષણે કટોકટી આવી પડે, પતાકાસ્થાન રચાય. 1930માં લૉડઝના મેદાનમાં ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલા દ્વિતીય કસોટી-મુકાબલા Second Test Match)માં ક્રિકેટનાં રમતની સંસ્કારિતાનાં શ્રેષ્ઠ ઉદાહરણો નોંધાયાં હતાં. ઇંગ્લૅન્ડ તરફથી પ્રથમ વાર રમી રહેલા ભારતીય ખેલાડી દુલીપસિંહે 173 રન નોંધાવ્યા અને સાતમી વિકેટની ભાગીદારી સાથે જુમલો 400 રનનો થયો. સાંજના છને સુમારે એમણે ધીરજ ગુમાવી ફટકારેલો દડો બ્રેડમેનના હાથમાં સલામત ઝિલાયો અને દુલીપનો દાવ પૂરો થયો. પહેલી જ વાર ટેસ્ટમાં સ્થાન પામીને સદી નોંધાવનાર ‘વીર’ને પ્રેક્ષકોએ તાળીઓથી વધાવ્યો, પરંતુ દુલીપ મંડપમાં પહોંચ્યા ત્યારે ક્રિકેટના મહારથી અને દુલીપના વડીલ જામસાહેબ રણજિતસિંહે ધન્યવાદને બદલે સખત ઠપકો આપ્યો. ધીરજ ગુમાવીને ફટકો મારવાની ભૂલ એમણે અક્ષમ્ય ગણી. “It was not Cricket’, આવા ફટકામાં ક્રિકેટ નંદવાયું ઇંગ્લૅન્ડનો દાવ 425 રનમાં પૂરો થયો. આનો જવાબ ઑસ્ટ્રેલિયાની ટીમે સાત વિકેટે 729 રન બનાવીને વાળ્યો. યુવાન ખેલાડી બ્રેડમેને 254 રન નોંધાવ્યા, પરંતુ બીજા દાવમાં બ્રેડમેને આવતાં જ એક રન નોંધાવી, તે પછીના દડાને ચિત્તાની ત્વરાથી ફટકાર્યો. ફટકાના અવાજથી આજુબાજુનાં પારેવાં ફફડી ઊઠ્યાં. વીજળીના ઝબકાર જેવા ત્વરિત દડાને પ્રેક્ષકોની નજર શોધી રહી તેવામાં ગલીમાં ઊભેલા અંગ્રેજ કપ્તાન ચેપમેને હાથમાં ઝડપીને દડાને હવામાં ઉછાળ્યો. દિગ્મૂઢ બનેલા પ્રેક્ષકોએ બ્રેડમેનને મંડપ તરફ પાછો વળતો દીઠો : બ્રેડમેનને પાછો ફરતાં જોઈ અંગ્રેજ નાટ્યકાર જેમ્સ બૅરીએ એક મિત્રને વિસ્મયથી પૂછ્યું : “બ્રેડમેન શા માટે પાછા ફર્યા?” “અરે તમે જોયું નહીં કે ચેપમેને કેવી સિફતથી ગજબનો દડો ઝીલ્યો તે?” મિત્રે સમજાવ્યું. “જોયું હવે. પરંતુ ચેપમેને ઝીલેલો દડો અને બ્રેડમેને ફટકારેલો દડો એક જ છે એવો પુરાવો ક્યાં છે?” નાટ્યકાર બૅરીએ પ્રશ્ન કર્યો. "But what evidence is there that the ball which Chapman threw up into the air is the same ball that left Bradman’s bat?" સાહિત્યકાર બૅરીનો પ્રશ્ન ક્રિકેટની રમતમાં કદાચ અસંગત હશે, પરંતુ સાહિત્યચર્ચામાં વીસરવા જેવો નથી. છેલ્લાં સો વર્ષમાં શેક્‌સ્પિયરનાં ‘સૉનેટો’ ઝિલાયાના દાવા અનેક વાર થયા છે. એ સૉનેટોમાં શેક્‌સ્પિયર ‘આઉટ’ થયાના – એટલે કે છતો થયાના – નિર્ણયો પણ અનેક વાર જાહેર થયા છે.*[1] ક્રિકેટમાં નિર્ણાયકો નીમવા પડે છે. સાહિત્યમાં આ પદ સ્વેચ્છાથી લેવાનું હોય છે. એટલે ક્રિકેટની રમતમાં જો પ્રેક્ષકોને કહે નિર્ણય લેવાય તો જે બને તે બધું સૉનેટો વિષે બની ચૂક્યું છે. શેક્‌સ્પિયરે જવનિકા પાછળ છુપાયેલું એનું વ્યક્તિત્વ, એની વિરલ પ્રતિભાની આભામાં ખૂણે પડેલા એના અવગુણો કે માનવસહજ સ્ખલનો, એની વિષયલાલસા, એનાં આત્મનિવેદનો, એના સ્વભાવના શતદલની પ્રત્યેક પાંખડીનો પરિચય, એના યુગના વ્યક્તિવિશેષ અને ઐતિહાસિક પ્રસંગો – સૉનેટના દડામાં શેક્‌સ્પિયરે ઝીલ્યાનો પડકાર કરતા વિવેચકોએ ‘કિમપિ અન્યત્’ ઝડપ્યાનો સંશય દૃઢ બને છે. ત્યારે નાટ્યકાર જેમ્સ બૅરીનો પ્રશ્ન નિરુત્તર રહે છે; “તમે ઝીલેલો અને શેક્‌સ્પિયરે ફટકારેલો દડો (સૉનેટ) એક જ છે એનો પુરાવો ક્યાં છે?” શેક્‌સ્પિયરનાં સૉનેટો વિષે પ્રથમ ઉલ્લેખ ફ્રાંસિસ મિઅર્સ નામના સાહિત્યપ્રેમીએ સને 1598માં કર્યો હતો : “મિત્રોએ ખાનગીમાં વાંચેલાં શર્કરામધુર સૉનેટો.” ટોમસ થોર્પ નામધારી એક સામાન્ય પ્રકાશકે 1609ની સાલમાં “શેક્‌સ્પિયરનાં સૉનેટો” છપાવી પ્રસિદ્ધ કર્યાં. કવિની જાણ કે સંમતિ વિના જ મુદ્રણ અને પ્રકાશન થયાનો પાકો વહેમ છે. એકસો ચોપન સૉનેટોનો આ સંગ્રહ કવિની હયાતીમાં ફરી નથી છપાયો. થોર્પનું આ પ્રકાશન “ઉઠાંતરી” પણ હોય! કવિનાં અન્ય કાવ્યો – રતિ અને ગોપાયુવા ‘Venus and Adonais’ તેમજ લ્યુક્રીસનો શીલભંગ – ‘The Rape of Lucrece – અધિકૃત પ્રકાશનો હોવાથી શેક્‌સ્પિયરની કલમે એમનું અર્પણ ઉમરાવ સાઉધેમ્પટનને સાદર થયું હતું. ‘શેક્‌સ્પિયરનાં સૉનેટો’નું અર્પણ પ્રકાશક થોર્પનું ‘સાહસ’ છે : "To the only begetter of these ensuing Sonnets, Mr. W. H., all happiness and that eternity promised by our ever-living poet wisheth the well-wishing adventurer in setting forth, T. T." “આ મુદ્રણના સાહસપ્રસંગે સૉનેટોના એકમાત્ર પ્રેરક (begetter) શ્રી W.H.ને સર્વ સુખ અને આપણા સદા ચિરંજીવી કવિએ પ્રબોધેલું મોક્ષદાન વાંચ્છું છું - T. T. દેવ ભેગો જેમ પોઠિયો વંદનાનો અધિકારી બને તેમ સૉનેટમાં રહેલા શેક્‌સ્પિયરના સંસ્પર્શે પ્રકાશક ટોમસ થોર્પનું (T. T.) અર્પણ અભ્યાસક્ષમ ગણાયું. 154 સૉનેટના ગુચ્છમાં સામાન્ય વાચક રોમાંચ અનુભવે તેવું રહસ્યમય કથાતત્ત્વ લપાયું છે. માનવજાતિના એક સૂક્ષ્મ કવિનું પ્રણયપારાયણ એ સૉનેટોમાં છુપાયાનો અંદેશો છે. કેટલાકને લખનવી યારીનું તો અન્યને કૃષ્ણાર્જુન સખ્યનું રંગીન નિરૂપણ પૂરું પાડે તેવો સંભાર આ સૉનેટોમાં રંગોળી બનીને પથરાયો છે. જેમ કે 126મું સૉનેટ આ રીતે ઊઘડે છે :

“સમયદર્પણના ચાંચલ્યને અંકુશિત કરનાર સ્નેહલ મારા કિશોર!”
O thou my lovely boy, who in thy power
Holds Time’s fickle glass..
(Sonnet 126)

અથવા 20મું સૉનેટ :

પ્રમત્ત મારી પ્રીતના સ્વામી તથૈવ સ્વામિની!
પ્રકૃતિએ સ્વહસ્તે તારા વદનને સુંદરીના રંગ અર્પ્યા છે.
A woman’s face, with Nature’s own hand painted
Has thou the master mistress of my passion
(S. 20)

ઇંગ્લૅન્ડનો શ્રેષ્ઠ નાટ્યકાર ‘પર પુરુષ’ ઉપર ઓવારી જાય! પુરુષ ઠરીને પુરુષ માટે ઇશ્કી બને! એ તો લખી બેઠો છે કે ‘ધરતીને જેમ વર્ષાનાં મીઠાં નીરની પ્રતીક્ષા તેમ મારા મનના તરંગોને તારી ઇંતેજારી - (75) "Or as the sweet seasoned showers are to the ground." (S. 75) લાજ શરમ નેવે મૂકીને એણે તો ગાયું છે :

મારી કળાનું સર્વસ્વ તારામાં સમાયું છે :
અગાધ મારાં અજ્ઞાનને તેં વિદ્યપદે સ્થાપ્યું છે (78)

""But thou art all my art, and dost advance As high as learing my rude ignorance." (S. 78)
કવિએ અતિસ્નેહમાં સદા ગર્ભિત પાપશંકાથી 82 થી 86 સુધીનાં સૉનેટોમાં એના ‘યાર’ને આકર્ષી રહેલા પ્રતિસ્પર્ધી કવિની ઈર્ષ્યા કરી છે. ધ્રુવે કવિને આપેલો શાપ ભર્તૃહરિનું સ્મરણ કરાવે છે : “જેને સ્મરે તું, તુજથી વિરક્ત તેં.” સૉનેટ 40 અને 4રમાં વેદનાનો ચિત્કાર છે. કવિનો સખા કવિની પ્રેયસીને મેળવી બેઠો છે. આ દ્વિગુણ સંતાપને શેક્‌સ્પિયર આવી રીતે ઘૂંટે છે :

સાંત્વન અને નૈરાશ્યનાં મારાં પ્રણયી બે,
અપાર્થિવ તત્ત્વ બનીને તાવે મને જે હજું;
તેમાં પ્રથમ : દિવ્ય દૂત જેવો સોહામણો પુરુષ
અને આસુરી તત્ત્વ : કાળવી એક પુંશ્ચલી - (144)
Two loves I have of comfort and despair,
Which like two spirits do suggest me still;
The better angel is a man right fair,
The worser spirit a woman colour’d ill. (S. 144)

આમ સૉનેટોમાં જાલિમ પ્રણયત્રિકોણ બેવડાયો છે : કવિ, મિત્ર અને પ્રેયસી; તેમ જ કવિ, મિત્ર અને પ્રતિસ્પર્ધી કવિ. પોતાનાં ‘કરતૂકો’ને મૌન અર્પી ચૂકેલો શેક્‌સ્પિયર આમ ખુલ્લંખુલ્લા જગબત્રીસીએ ચઢે ત્યારે વિવેચકો કદી પાછા પડે? ઘડીક તો નીરક્ષીરને વિસારે પાડી એમણે એવું તો ઘમસાણ મચાવ્યું કે સાચુંખોટું બધુંય પિસાયું. પહેલું છીંડે ચઢ્યું પ્રકાશક થોર્પનું W.H.ને થયેલુ અર્પણ. એ W.H. મહાશય જ કવિના સ્નેહભાજન અને સૉનેટના પ્રેરક (begetter) એમ એક પક્ષ માને છે. તો બીજા પક્ષે W.H. તો કવિનાં સૉનેટોની નકલ કે હસ્તપ્રત પ્રકાશકને લાવી આપનાર સજ્જનની સંજ્ઞા છે એમ કહેવાયું છે. અર્પણમાં શબ્દોનો ક્રમ આ પ્રમાણે છે : "Mr. W. H., all happiness" આમાં H પછીનું વિરામચિહ્ન (.,) મુદ્રણદોષ છે એમ માનીને એક અનુમાન પ્રમાણે "Mr. W. Hall happiness" એવું વંચાય છે. તે મુજબ (W. Hall) વિલિયમ હૉલ નામના ગૃહસ્થે નકલ આણી હશે એવો તર્ક રજૂ થયો છે. તર્કને આધાર મળતાં વાર કેટલી! શેક્‌સ્પિયરના પરિચિતોમાં એક વિલિયમ હૉલ નામની વ્યક્તિ હતી. મુદ્રણાલયોની દલાલીમાં એને રસ હતો. એટલે એક મત એવો પડ્યો કે થોર્પે આ વિલિયમ હૉલને ઉદ્દેશીને અર્પણ કર્યું છે. ઓછો નિરાધાર બીજો મત 1963માં પ્રસિદ્ધ થયેલા “વિલિયમ શેક્‌સ્પિયર” પુસ્તકમાં વિવેચક ઇતિહાસકાર રાઉઝ (A. L. Rowse) મહાશયે વિગતે દર્શાવ્યો છે. અઠ્ઠાવીસ વયના શેક્‌સ્પિયરે 1592માં તરુણ ઉમરાવ સાઉધેમ્પટનને પોતાના બે કાવ્યગ્રંથો અર્પણ કર્યું હતું. 1593માં ચેમ્બરલેઇન નટમંડળીમાં શેક્‌સ્પિયર ભાગીદાર બન્યા અને આર્થિક ચિંતાનો બોજ હળવો થયો તેનું શ્રેય ઉદાર સાઉધમપ્ટનને જાય છે. આવા ‘તારણહાર’ માટે કવિ મનોમન ભક્તિ અનુભવે અને કાવ્યોનું પુષ્પકર્મ સ્વીકારે તે સહજ લેખાય. એ ઉમરાવની ગરવી જનેતાએ સર વિલિયમ હાર્વે સાથે પુનર્લગ્ન કર્યું. 1608ની સાલમાં એ સન્નારીનું અવસાન થયું. વારસામાં વિલિયમ હેન્રીને શેક્‌સ્પિયરનાં સૉનેટો પણ મળ્યાં જે એમણે 1609માં થોર્પને સોંપ્યાં. એટલે આભારવશ પ્રકાશકે W.H. (વિલિયમ હેન્રી)ને પુસ્તક અર્પણ કર્યું. શેક્‌સ્પિયરનાં સૉનેટોનો ‘કિશોર’ કદાચ ઉમરાવ સાઉધમપ્ટન નયે હોય પણ શેક્‌સ્પિયરે સ્વીકારેલો આશ્રયદાતા એ હતો જ. એટલે “મિત્રોએ ખાનગીમાં વાંચેલાં’ સૉનેટોની નકલ એણે સહજ રીતે પ્રાપ્ત કરી હોય અને ઘરમાં સાચવી હોય, એ નકલ માતાના અવસાન પછી વિલિયમ હેન્રીને મળી હોય અને તેણે પ્રકાશકને સોંપી હોય. આમ પ્રકાશકને મન સૉનેટનો દાતા (begetter) વિલિયમ હેન્રી ઠરે. કલ્પનાની માત્રા જેમની વિશેષ તેવા કેટલાક અભ્યાસી આવી સરળ રીતથી નારાજ છે. W.H. એ અક્ષરોમાં તેઓ કવિનું નામ વિલિયમ અને આશ્રયદાતા કિશોર સાઉધમપ્ટનનું નામ હેન્રી – આમ બે નામની ભેગી સંજ્ઞા એટલે W.H. એવો અર્થ ઘટાવે છે. કૃષ્ણાર્જુન સંબંધના આ સૉનેટોનું સમર્પણ ઉભયને થયું છે ને અભેદ રચાયો છે એવું કેટલાક વિવેચકો મનાવે છે. આ અદ્વૈત એ જ સૉનેટોનું રહસ્ય અને પ્રેરણા છે. તેમાં જ કાવ્યોનો ઉદ્ગમ છે એમ સ્વીકારીને તેઓ begetter શબ્દને સાર્થ કરે છે. મહાપ્રયત્ને એક વાર હાથમાં આવેલા શેક્‌સ્પિયરને આમ સહેલાઈથી જતો ન કરાય એવું વલણ કેટલાક વિવેચકોનું રહ્યું છે. થોર્પની સહીવાળું અર્પણ ખરી રીતે શેક્‌સ્પિયરનું લખાણ હશે અને જે મિત્ર પ્રત્યે કવિએ અફલાતૂની (Platonic) પ્રેમ અને સંવેદના અનુભવી તે મિત્રનું નામાભિધાન W. H. હશે એવી સંભાવનાથી ખ્યાતનામ સાહિત્યકારોએ કવિના સમકાલીનોમાં W. H.ને ઢૂંઢ્યો છે. એવા જ આગ્રહી પ્રયત્ન સૉનેટના પ્રતિસ્પર્ધી કવિને શોધવા હાથ ધરાયા છે તથા શેક્‌સ્પિયરના મર્મને મૂર્છા આપનારી વિષકન્યા (Dark Lady of the Sonnets) – સૉનેટની શ્યામાને ખોળી કાઢવાના ચાતુરીપ્રયોગો પણ ગ્રંથસ્થ બન્યા છે.*[2] એટલું ખરું કે વિવેચકોએ આકર્ષક રમત કરવામાં નિયમો પાળ્યા છે ને સૉનેટની વાચનાને શબ્દશઃ માથે ચઢાવી છે. એમણે કવિનાં સૉનેટોમાં જ કવિની બરબાદીનાં કારણો ખોળ્યાં છે. ખેલાડી કવિને સ્લિપ(Slip)માં ઝીલવાનાં તરકટો રચ્યાં છે. આ વ્યૂહને પ્રથમ ગોઠવ્યો અઢારમી સદીના પ્રસિદ્ધ શેક્‌સ્પિયરી વિદ્વાન મેલોને. એમણે 20મા સૉનેટની આ પંક્તિમાં શેક્‌સ્પિયરના રહસ્યનો ઘટસ્ફોટ કર્યો :

A man in hue all hues controlling
Which steals men’s eyes and
women’s souls amazeth
(S. 20)

“શેક્‌સ્પિયરે પોતાના સખાનું આવું વર્ણન કર્યું છે : સ્વવર્ણમાં તમામ વર્ણોને સમાવી લેતો આ નર પુરુષોની દૃષ્ટિનો સ્તેન અને સ્ત્રીના આત્માનું વિસ્મય બન્યો છે.” થોર્પની આવૃત્તિમાં ‘હ્યૂ’ શબ્દ સકારણ મોટો છપાયો છે એમ સ્વીકારી મેલોન મહાશય ‘હ્યૂ’ (Hugh)ને વિશેષનામ ગણે છે. સૉનેટોમાં વારંવાર મળી રહેતા વિલ (Will) શબ્દને ચીંધીને મેલોનનું અનુમાન છે કે વિલ હ્યૂ (Will Hughes) નામના કોઈ બાળનટ પ્રત્યે શેક્‌સ્પિયરના અનુરાગની કાવ્યાંજલિનું તીર્થ સૉનેટોનું ગુપ્ત પ્રયાગ છે. વિદ્વાન મેલોનનો આવો નિર્દોષ તર્ક કલ્પનાશીલ સાહિત્યકારો માટે વેદવાક્ય બન્યો. સૉનેટો વિષે ધૂળધોયાનું કામ જેટલું થયું છે તેટલું કદાચ હૅમ્લેટ નાટકના અપવાદ સહિત શેક્‌સ્પિયરની અન્ય કોઈ કૃતિ વિશે, હજુ સુધી નથી થયું.આવાં સંશોધનના કાર્યકરો બે જૂથમાં વહેંચાયા છે : સાહિત્યકારોનું જૂથ અને વિવેચકોનું જૂથ. કવિ સાહિત્યકારોએ મેલોનના અભિપ્રાયને સ્વીકાર્યો છે. બર્નાર્ડ શૉનું ગુરુપદ જેમનું હતું તે સમાજચિંતક અને નવલકથાકાર સેમ્યુઅલ બટલરે કવિના બાલનટ હ્યૂ સાથેના નિકટ સંબંધની અને નટ મટીને નાવિક બનેલા વિલ હ્યૂની જીવનકથા આલેખી છે. ઑસ્કાર વાઇલ્ડે તો પરેજીમાં ભાવતાં ભોજનની છૂટ મૂકનાર અનન્ય વૈદરાજ લેખે સૉનેટના શેક્‌સ્પિયરનું સન્માન કરીને કવિના વિભૂતિમતસત્ત્વને આત્મવત્ નીરખ્યું છે. ફ્રેન્ચ સાહિત્યકાર આન્દ્રેજિદ આ વાદનું સમર્થન કરે છે. આંગ્લ રાષ્ટ્રકવિ જ્હૉન મેસફિલ્ડે અચળ શ્રદ્ધા વ્યકત કરી છે કે શેક્‌સ્પિયરનો ચિત્તચોર કિશોર નટ અસાધારણ માર્દવ ધરાવતો હશે. પ્રહસનોની નટખટ યુવતીઓષ ‘વાસંતી રાત્રિનું સ્વપ્ન’(Mid Summer Night’s Dream) નાટકનો નાદજી ‘પક’(Puck) રોમિયોની જુલિયટ અને ‘ઝંઝા’ (Tempest) નાટકનો ‘એરિયલ’ (Ariel) – સહુ પેલા કિશોર નટની મૂરત સાચવીને કવિએ રચ્યાં છે. આ નાટકો વચ્ચે વીસેક વર્ષનો ગાળો છે જ વાત જ ન્યારી! અર્વાચીન સાહિત્યકારોમાં વિન્ડહેમ લુઈ અને યુગપ્રવર્તક નવલકથાકાર જેમ્સ જોઈસ (James Joyce)ની શેક્સ્પિયરનાં સૉનેટો વિષે આવી જ હૈયાધારણ રહી છે. જેમ્સ જોઈસનું મંતવ્ય તો વળી એવું કે સાહિત્યસ્વામી ભાગ્યે જ સ્વપત્નીનો સ્વામી રહી શકે. સજાતીય પ્રીતિની ચર્ચા શેક્‌સ્પિયરનાં સૉનેટના સંદર્ભમાં થતાં એમ પણ નોંધ પામ્યું છે કે લોકોત્તર કવિ કળાકારોના વિકાસમાં આવી વિકૃતિનો (!) પ્રભાવ ઉપકારક નીવડે છે. આઈરીશ કવિ રસેલે (A. E.) શેક્‌સ્પિયરની વિકૃતિને ગ્રીક પ્રતિભાના ચંદ્ર-કલંક સમી ગણાવીને વિષકન્યા સૉનેટની શ્યામાની અનુકંપા આ મુજબ વ્યક્ત કરી છે :

I grew sick
Seeing the down of unnatural love
The kind that marred the Grecian genius.

શેક્‌સ્પિયરને પુરુષ-પ્રેમથી ઉગારી લેવા દયામયી શ્યામાએ કવિને બાહુપાશમાં જકડ્યો એવો ભાવ રસેલે વ્યક્ત કર્યો છે. કળાકારોનાં મંતવ્યોથી જુદો મલ્લીનાથી મત વિવેચકોએ નોંધાવ્યો છે. સૉનેટોના શાબ્દિક પુરાવાને આધારે એમણે વિધાન કર્યું છે કે કવિનો સખા અભિજાત હશે, બજારુ કિશોર નહીં જ. સૉનેટોનો કવિ પોતાનો સાજિક દરજ્જો સખા કાંચનકુમાર (Golden Boy) કરતાં ભિન્ન પ્રકારનો હોવાનો એકરાર વારંવાર ગૂંજે છે :

પ્રારબ્ધે રાખ્યો મને બહુમાનથી દૂર
અવાંછિત નંદ એ જ કે માનાર્હને મેળવ્યો મ્હેં. – 25
While I whom fortune of such triumph bars,
Unlook’d for joy in that I honour most. (S. 25)

આવી જ રીતે જાતને જર્જરિત વડીલ (decrepit father) ગણાવીને શેક્‌સ્પિયર કહે છે : વિધિની અમોલ અસૂયાથી પંગુ બનેલો હું તારાં સત્ત્વ અને સત્યનો આધાર પામું છું. - 37.

So, I, made lame by fortune’s dearest spite,
Take all my comfort of thy worth and truth.
(S. 37)

કવિ પોતાના સખાને રાજવી વિશેષણોની નવાજેશ ધરે છે. (સમ્રાટ, તેજોમંડળ, રામી ઇત્યાદિ, સૉનેટ ક્રમાંક 26, 23, 45, 57, 58) અને જાતને વિનમ્ર ભાવે વશવર્તી ગણે છે એટલું જ નહીં, પણ એની કાવ્યાનુભૂતિમાં નિમ્ન સ્થાનનો અસંદિગ્ધ સ્વીકાર હોવાથી વિવેચકો તારવે છે કે શેક્‌સ્પિયરનો સખા અભિજાત કિશોર હશે. આંતરિક પુરાવાને આધારે કેટલાંક સૉનેટોનો રચનાકાળ સોળમા સૈકાના નવમા દશકાનો જણાય છે, તો કેટલાંકનો રચનાકાળ સદીના છેલ્લા દાયકાનો કે સદીના પ્રથમ દાયકાનો પુરવાર થાય છે. શેક્‌સ્પિયરના ‘અભિજાત’ સખાનું પદ ઉમરાવ સાઉધમપ્ટન (જેને શેક્‌સ્પિયરે બે કાવ્યો અર્પણ કર્યા હતાં) અને અર્લ ઑફ પેમ્બ્રૉક (જેને 1623માં શેક્‌સ્પિયરનાં નાટકોની પૉલિયો આવૃત્તિ અર્પણ થઈ હતી) ઉભયને આપવાનું વલણ રહ્યું છે. પેમ્બ્રૉકનું નામ વિલિયમ હર્બર્ટ હતું એટલે W. H. સંજ્ઞા એને બંધ બેસે. સાઉધમપ્ટનની સંજ્ઞામાં વ્યુત્ક્રમ કરવો પડે, કારણ એનું નાન હેન્રી રિઓથસ્લિ (H. W.) હતું, પરંતુ સૉનેટના રચનાકાળને વધુ બંધબેસતું અને કવિના અંતેવાસી હોવાની પૂરી શક્યતા ભરેલું વ્યક્તિત્વ સાઉધમપ્ટનનું હતું. એટલે દાયકાજૂના એના દાવાને આગળ ધરીને આ વર્ષે વિવેચક રાઉઝે ઘોષણા કરી છે કે સૉનેટોનું રહસ્ય એમણે ઝડપી લીધું છે. સૉનેટનો કાંચનકુમાર (Golden Boy) ઉમરાવ સાઉધમપ્ટન હતો. ઉભયના સૉનેટ-સુંદરી પ્રત્યેના ‘હવસ’ની વાત એમને મન કોયડો છે. રહસ્ય શોધ્યાના આનંદમાં એમણે Dark Lady શ્યામા ન મળ્યાનો રંજ ટાળ્યો છે એ ઠીક જ કર્યું. પેમ્બ્રૉકનું સખાપદ રજૂ કરનારા ચેમ્બર્સ તેમજ અન્ય વિવેચકો સૉનેટની શ્યામા વિષે વધારે તાર્કિક સમર્થન આપી શક્યા છે. સાઉધમપ્ટન અને પેમ્બ્રૉક કવિના આશ્રયદાતા (Patron) હતા એ હકીકત છે. શેક્‌સ્પિયરે બે કાવ્યોનું અર્પણ સાઉધમપ્ટનને કર્યું હતું. તો એના પ્રથમ નાટ્યસંગ્રહનું સમર્પણ પેમ્બ્રૉકને કરવામાં આવ્યું છે. 1603ની સાલમાં પેમ્બ્રૉકના નિવાસ્થાને શેક્‌સ્પિયરે નાટક ભજવ્યાનો ઉલ્લેખ સચવાયો છે. પેમ્બ્રૉકની માતાએ લખેલા એક પત્રમાં પણ શેક્‌સ્પિયર એમનો અતિથિ હોવાનું લખ્યું છે. 1601ના વર્ષમાં રાણી એલિઝાબેથે યુવાન પેમ્બ્રોકને કારાગારમાં પૂર્યો હતો. મેરી ફિટન (Mary Fitton) નામે એલિઝાબેથની એક અનુચરી (Maid of Honour)ને ફસાવ્યાનો આરોપ પેમ્બ્રોક ઉપર હતો. રંગીન વિવેચકોએ આ પ્રસંગનો સૉનેટની ચર્ચા કરતાં સાંધો મેળવ્યો છે. મેરી ફિટન કવિનાં સૉનેટોની શ્યામા છે એવો વાદ રજૂ થયો છે, અને પેમ્બ્રૉક સૉનેટનો સખા હોય તો કવિ, મિત્ર અને પ્રેયસીનો ત્રિકોણ પ્રમાણિત બને છે. નાટ્યકાર જ્યૉર્જ બનાર્ડ શૉની કલમે ‘સૉનેટ શ્યામા’ `The Dark Lady of the Sonnets’ નામના એકાંકીમાં પ્રહસનાર્થ એ મતનો ઉપયોગ થયો છે. પ્રેયસી વિષેનાં સૉનેટો એવાં ઝેરી છે અને પ્રેયસીને ભેટ ધરેલાં વિશેષણો એવાં કાતિલ છે કે જે અભાગી પરકીયાને આવું સન્માન મળે તે દયાની અધિકારી બને. જેમ કે

"In the old age black was not counted fair,
But now is black beauty’s successive heir’
(S. 127)

અથવા

‘If hairs be wires, black wires grow on her head
I grant I never saw a goddess go;
My mistress when she walks, treads on the ground’
(S. 130)

કે

‘For I have sworn thee fair and thought thee bright
Who art as black as heel, as dark as night’
(S. 147)

તેમાંય રાણીની અનુચરી તે હોય તો પેમ્બ્રૉકને થયેલી શિક્ષા કવિને પણ થાય, આવું જાણવા છતાં વિવેચકો મેરી ફિટનને શેક્‌સ્પિયરનાં સૉનેટોમાં આસન આપવાનું પ્રલોભન ટાળી શક્યા નહિ. મેરી ફિટનનું તૈલચિત્ર મળી આવ્યું છે અને પક્ષકારોના દુર્ભાગ્યે એ ‘શ્યામા’ને બદલે ગૌરાંગી પુરવાર થઈ છે. સૉનેટ ક્રમાંક 78 થી 86માં પ્રતિસ્પર્ધી કવિનો ઉલ્લેખ છે. 78મા સૉનેટમાં પરાઈ કલમ `alien pen’ વિષે કવિ લખે છે : “(તારા વિષેની) બીજાની કાવ્યકૃતિઓમાં તું શૈલીની શોભા ધારણ કરે છે અને તારી મધુર દિલાવરીથી કલા ધન્ય બને છે, પરંતુ મારાં કાવ્યોની તો સમસ્ત કલા તું છે.”

In other’s works thou dost but mend the style,
And arts with thy sweet graces mended be;
But thou art all my art... (S. 78)

તે પછીના સૉનેટમાં કવિ વધારે સારી કલમવાળા કવિને માગ આપે છે.

"And my sick Muse doth give another place."

80મા સૉનેટમાં પ્રતિસ્પર્ધી કવિને હાથે શેક્‌સ્પિયર પરાજય સ્વીકારે છે : “ઉચ્ચતર પ્રતિભા તને સન્માને છે એ જાણીને હવે હું તારા વિષે લખતાં ડરું છું”

O how I faint when I of you do write,
Knowing a better spirit doth use your name. (S. 80)

મિત્રને સમંદર સમો લેખીને કવિ પોતાને માલ વિનાનું હોડકું ગણાવે છે ને હરીફ કવિની સરખામણી તોતીંગ અને દમામદાર જહાજ સાથે કરે છે.

I am a worthless boat,
He of tall building and of goodly pirde. (S. 80)

કવિ આ સૉનેટમાં અદબથી અરજ ગુજારે છે કે દરિયાદિલ ઉદારતાથી નાનાં હોડકાંને નભાવે. 81મા સૉનેટમાં મિજાજની મોસમ પલટાય છે અને શેક્‌સ્પિયર અનાગતને ચીંધીને ભાખે છે :

તારું એકમાત્ર સમાધ શીળી મારી પંક્તિઓ હશે; જેને હજુ ન સર્જાયેલાં નેત્રો ઉકેલશે.
આપણી પેઢીના સહુ જ્યારે છેલ્લો શ્વાસ મૂકશે ત્યારે ભાવિ જિહ્વાઓ તારું જીવન રટશે.
Your monument shall be my gentle verse,
Which eyes not created shall o’er-read,
And tongues to be your being shall rehearse,
When all the breathers of this world are dead. (S. 81)

મહાકવિની દૃઢતાથી શેક્‌સ્પિયર વચન આપે છે “માનવીના કંઠમાં કે જ્યાં પ્રાણ સાચે ધબકે છે ત્યાં મારી લેખિનીની સંજીવનીથી તું અમર રહીશ.”

You still shall live - such virtue hath my pen,
Where breath most breathes even in the mouths of men. (S. 81)

વળી મન પાછું પડે છે ને કવિ સમજાવે છે કે અન્ય કાવ્યોમાં આકર્ષક રંગ હશે પરંતુ સાદા શબ્દોમાં સાચની વાણી હોય છે. 83મા સૉનેટમાં કવિ પોતાનું મૌન સમજાવતાં કહે છે : કવિદ્વય પ્રશંસાથી ભીંજવી શકે તેનાથી ઝાઝેરું ચેતન તારાં પ્રત્યેક લોચનમાં વિલસે છે.

There lives more life in one of thy eyes
Than both your poets can in praise devise. (S. 83)

તે પછીના સૉનેટમાં કવિ લાડકા કિશોરને ખુશામતપ્રિય કહી બેસે છે અને 85મા સૉનેટમાં ‘અત્ર લુપ્તા સરસ્વતી’ જેવા નિર્વેદથી પ્રતિસ્પર્ધી કવિને દાદ આપે છે. હરીફની વાણીમાં સર્વદેવોની પ્રેરણા વસી છે, એની સુવર્ણલેખિની સંમાર્જિત રૂપ ઢાળે છે. એનો સ્વીકાર કરીને શેક્‌સ્પિયર બચાવમાં આટલું કહે છે :

I think good thoughts while others write good words. (S. 85)
“હું સુવિચાર જપું છું, જ્યારે અન્ય સુવાક્ય રચે છે.”

આ સૉનેટ સુધી પ્રતિસ્પર્ધી કવિ માટે શેક્‌સ્પિયરનાં ક્રિયાપદો વર્તમાન કાળનાં છે, પરંતુ 86મા સૉનેટની પ્રથમ પંક્તિથી હરીફ કવિનો ઉલ્લેખ દર્શાવતાં ક્રિયાપદ ભૂતકાળનાં છે. વ્યાકરણ ઉપરાંત શબ્દ અને લય પણ અતીતને સમર્પિત નિવાપાંજલિ બની રહે છે. કદાચને મૃત્યુ દ્વારા પ્રતિસ્પર્ધી દૂર થયો છે. શેક્‌સ્પિયર વિલીન એ મહાપ્રાણને સ્મરીને લખે છે : જ્યારે તારું મુખ એમની પંક્તિમાં અર્થ ભરતું હતું ત્યારે વિષયના અભાવે હું શિથિલ બન્યો હતો.

But when your countenance fill’d up his line,
Than lack’d I matter, that enfeebl’d mine. (S. 86)

એલિઝાબેથી યુગમાં શેક્‌સ્પિયરને કશેક્ નડ્યો હોય તેવો કવિગ્રહ વિવેચકોની ખોજ બન્યો છે. તે યુગના શ્રેષ્ઠ કવિ સ્પેન્સરથી માંડીને સામાન્ય કવિ માર્કહેમ સુધીનું નામસ્મરણ વિવેચકોએ કર્યું છે. શેક્‌સ્પિયરે પ્રતિસ્પર્ધી કવિ અને તેનાં કવનને ઓછાં નથી મૂલવ્યાં. ગરવી શૈલીનો એ કવિ જેને ભૈરવની ઓથ હતી અને જેની કૃતિઓમાં મહાસિન્ધુને ખૂંદવાની ક્ષમતા ધરાવતાં પ્રેરણાફૂલ્યા શઢની મગરૂબી હતી, (સૉનેટ 86) તેને સામાન્ય કવિ કોણ કહેશે? સમકાલીનોમાં એક સ્પેન્સર, બીજો માર્લો અને ત્રીજો ચેપમેન કાવ્યસિદ્ધિના અધિકારથી શેક્‌સ્પિયરના પ્રતિસ્પર્ધી હતા. તેમાં સ્પેન્સર તો અંગ્રેજી કવિતાના અદ્યાપિ વિકુલગુરુ (Poet’s Poet) મનાયા છે. સ્પેન્સરનો બહુશ્રુતમિત્ર ગેબ્રીઅલ હાર્વે એમની છાયા બનીને એમને આવરી લેતો એનો ઉલ્લેખ 86મા સૉનેટમાં (His compeers by night / Giving him aid) થયો છે : ‘નિશા સમયે કવિને સહાયમાં રહેતા એમના ગોઠિયા.’ પરંતુ હોમરના મહાકાવ્ય ‘ઇલિયડ’ને અંગ્રેજીમાં ઉતારનાર કવિ ચેપમેનનો પણ દાવો હતો કે રાત્રિએ અપાર્થિવ પ્રેરણા મેળવીને એમણે સર્જન કર્યું હતું. માર્કો વિશે, વિદ્યાધર ફોસ્ટસની ભૈરવસાધનાના નાટ્યકાર માર્લો વિષે પણ નિઃશંક કહી શકાય કે 86મા સૉનેટનાં લક્ષણો એની કવિતાનો અંગુલિ નિર્દેશ કરે છે. આ ચર્ચામાં વિવેચક રાઉઝનું અનુમાન વધુ સ્વીકાર્ય બને છે. સ્પેન્સર અને શેક્‌સ્પિયર કે ચેપમેન અને શેક્‌સ્પિયર વચ્ચે હરીફાઈનો કોઈ ઇતિહાસ નથી. જ્યારે 1589 થી 1593 સુધી માર્લો અને શેક્‌સ્પિયરનાં વર્ષો નાટ્યપ્રવૃત્તિમાં વીત્યાં હતાં. ઉભય સમવયસ્ક હતા. અજ્ઞાત શૈક્‌સ્પિયર જે વયે નટ બન્યો. તે વયે માર્લો નાટકોના વિશ્વનો પ્રતાપી સૂર્ય હતો. એના આંજી દેતા તેજમાં શેક્‌સ્પિયર ઘડીક મૌન સેવે, અવાક બને તો આશ્ચર્ય નહીં. વિનમ્ર શેક્‌સ્પિયર કદાચ માર્લોનો પ્રતિસ્પર્ધી ન બને, પણ ‘વિદ્યાપીઠનાં રત્નો’ એ શેક્‌સ્પિયરનો દ્વેષ કર્યો હતો (ગ્રીનની ચેતવણી). 1592માં શેક્‌સ્પિયરે ‘વિનસ અને એડોનિસં’ રચ્યું તો એ જ વર્ષમાં માર્લો ‘હીરો અને લિએન્ડર’ રચે છે. 1593માં માર્લોનું અકાળ અવસાન થતાં સ્પર્ધા કરુણાન્ત બની. એ સૉનેટમાં શેક્‌સ્પિયરના પ્રતિસ્પર્ધી કવિ વિષેના સન્માન્ય ઉલ્લેખોનો અર્થ બેસે છે. 85મા સૉનેટનો વર્તમાન હરીફ એ રીતે 86મા સૉનેટમાં ભૂતકાળમાં વિલીન થાય છે. આ રીતે પ્રતિસ્પર્ધી કવિ વિષેની ચર્ચા માર્લોની દિશામાં વળે છે. એથી કવિનાં સૉનેટ પર સાઉધમપ્ટનનો હક્ક પ્રતિષ્ઠિત બને છે. 1592માં 19 વર્ષનો યુવાન સાઉધમપ્ટન અનેક કવિકળાકારોનો ‘રાજા ભોજ’ હતો. જેમ શેક્‌સ્પિયરનાં, તેમ અથવા તેથી વિશેષ માર્લોનાં નાટકોનો એ મુગ્ધ પ્રેક્ષક હશે. તેમાંયે યુનિવર્સિટી શિક્ષણ પામેલા યુવાન સાઉધમપ્ટને વિદ્યાપીઠના રત્ન માર્લોમાં સમાનધર્મ નિહાળ્યો પણ હોય! જ્યારે નિરાધાર શેક્‌સ્પિયર માટે 1592 અને 1953નાં વર્ષો ભાગ્યવિધાતા વર્ષો હતાં. એ વર્ષો ઇંગ્લૅન્ડમાં કવિકુલનિકંદન વર્ષો હતાં : માર્લો, ગ્રીન, વૉટસન, કિડના અવસાનનાં એ વર્ષોમાં શેક્‌સ્પિયરને ‘આશ્રય’ ન મળ્યો હોત તો? સૉનેટમાં શેક્‌સ્પિયર અને એના સમકાલીન સંબંધોની ચર્ચામાં એક વિસ્મય એ નોંધાયું છે કે 1593 પછીનાં શેક્‌સ્પિયરનાં નાટકોનું વસ્તુ અને રચના યુવાન સાઉધમપ્ટનના પલટાતા રુચિતંત્રને અનુસર્યો છે તેવી જ રીતે એવું પણ વિધાન થયું છે કે 1593 પછી શેક્‌સ્પિયરનાં નાટકોના મુખ્ય પાત્રનો આકાર નટ બરબેજને સુસંગત રહ્યો છે. સૉનેટોમાં શેક્‌સ્પિયરનું વાસ્તવ અને દાસ્તાન પામવાની આ બુદ્ધિગમ્ય પ્રવૃત્તિ હજુયે કવિ, મિત્ર અને પ્રતિકવિ તથા કવિ, મિત્ર અને પ્રિયાની શોધની વિરહિણી કાવ્યકથા રહી છે. શેક્‌સ્પિયરનું અંગત જીવન હજુયે `નિહિતમ્ મુહાયામ્’ રહ્યું છે. પ્રાધ્યાપક રાલે સાચું જ લખી ગયા છે : “એ ગુફાના પ્રવેશદ્વારે અનેક પદચિહ્ન મળી આવ્યાં છે. પ્રત્યેક ચિહ્ન ગુફાની દિશા સૂચવે છે. એક પણ ડગ બહાર આવતું નજરે નથી પડ્યું.” આમ વિવેચકો થાકીને ‘બેસક’ પડે છે ત્યારે 76મું સૉનેટ એમને ફરીને સાદ દે છે : “મારા સૉનેટના પ્રત્યેક શબ્દમાં મારા નામનું અનાવરણ છે. ક્યાં અને ક્યારે રચાયાં અને કોને અર્પિત થયાં છે તે બધું વ્યક્ત કરે છે” –

That every word doth almost tell my name,
Showing their birth and where they did proceed?

મજાકમાં લખાયેલા શબ્દો આ નથી એની સાબિતી શેક્‌સ્પિયરે આ કાવ્યોને ખાનગી રાખીને પૂરી પાડી છે. અંગત ન હોત તો પ્રસિદ્ધ કર્યાં હોત. સૉનેટોમાં ધરબાયેલા સમકાલીન ઉલ્લેખોના તાંતણે શેક્‌સ્પિયરને બાંધવાના અભ્યાસી યત્નો અનિવાર્ય રીતે પ્રત્યેક સૉનેટના રચનાકાળને સ્પષ્ટ કર્યા વિના નિષ્ફળ બને. જેમ કે એકાદ સૉનેટ 1590 પહેલાં રચાયું હોય તો ‘સાઉધમપ્ટન તર્ક’ નિરાધાર બને, કારણ 1591 પહેલાં સાઉધમપ્ટનનો લંડનમાં નિવાસ નથી. પેમ્બ્રૉકની વય ત્યારે દશેક વર્ષની હોઈ, તેમજ કવિ એના સપર્કથી દૂર હોઈ, એનો પણ સૉનેટમાં હોવાનો દાવો શંકાસ્પદ રહે. અલબત્ત, શેક્‌સ્પિયરનાં સૉનેટોનો રચનાકાળ આટલો વહેલો હોવાનો સંભવ નથી. 1590 પછીનો દાયકો એલિઝાબેથી સૉનેટ કાવ્યોનો સુવર્ણ દશકો હતો. 1586માં વીરગતિને પામેલા ફિલિપ સિડનીના ‘Astrophel to Stella’ ‘પ્રિયા સ્ટેલાને’ સાદર થયેલાં સૉનેટો મરણોત્તર પ્રસિદ્ધિ પામ્યાં. તે પછી સ્પેન્સર, ડેનિયલ, વૉટસન, કોન્સ્ટેબલ ઇત્યાદિ કવિઓના સૉનેટસંગ્રહો આ દશકામાં રચાયા. મૂળ તો શેક્‌સ્પિયરના જન્મ પહેલાં સોળમી સદીના છઠ્ઠા દશકામાં આ કાવ્યપ્રકારની ઈટલીથી આયાત કરવામાં આવી હતી. પ્રેમગીતોનું વાહન બનાવીને વાયાટ અને સરે(Wyatt and Surrey)એ ગીતો રચ્યાં. આમ એમણે વેરેલા તણખા ત્રીસ વર્ષ પછી સ્પેનિશ નૌકાકાફલાને છિન્ન-વિશીર્ણ કરી નાખનારા તૂફાની વાયરે મહાજ્વાલામાં ભભૂકાવ્યા અને 1587 પછીનાં વર્ષોમાં અંગ્રેજી કાવ્યસાહિત્યની વસંત મહોરી ઊઠી અને વાસંતી કવિ શેક્‌સ્પિયરની પ્રતિભા કુસુમિત બની શોભી રહી. શેક્‌સ્પિયરના સૉનેટના રચનાકાળ વિષેના નિર્ણયની આધારશિલા 107મું સૉનેટ ગણાયું છે. મસ્ત પ્રેમના જયગાન સમું એ સૉનેટ મહાકાળ અને મહામૃત્યુને કવિએ નાખેલું આહ્વાન છે. વિશ્વભક્ષી, પ્રલયંકર એ તત્ત્વો કવિના સુકુમાર એવા સાચા પ્રેમને કદી સીમિત નહીં જ કરે. શાશ્વતની એ તો એવી અનુભૂતિ છે કે ન તો કવિની ભયભીત ઉરસ્પન્દના કે ન તો અનાગતની સ્વપ્નપ્રતીક્ષામાં ઝૂરતો વિશ્વપ્રાણ એને સ્થળકાળમાં બાંધી શકે. હવે ઇહલોકનો શશાંક (ખગ્રાસ) ગ્રહણથી છૂટ્યો છે અને અમંગળ ભાવિકથનો જૂઠાં સાબિત થયાં છે. ક્ષણિક ચાંચલ્યોનું પરાવર્તન રચાયું છે, વિજયના અભિષેકથી તે સ્થાયી ભાવને પામ્યા છે, શાંતિએ ચિરંજીવ આસોપાલવનાં તોરણો રચ્યાં છે. શાતાના અમીવર્ષણે કવિનો સ્નેહ ખીલી રહ્યો છે. મહામૃત્યુએ શરણાગતિ સ્વીકારી છે. કાવ્યવિહીન માનવજૂથોને, મૂંગાં પશુ લેખે, મૃત્યુ ભરખી જશે ત્યારેય શ્લોકસ્થ કાવ્યમાં કવિ અમર્ત્ય, જીવંત રહેશે. ધ્રુવપદમાં કવિનાં દૃઢ વચન છે : જુલમીઓના સિરપેચ અને બુલંદ સ્મારકો કાલગ્રસ્ત થશે કિન્તુ સ્નેહનું આ કાવ્યસ્મારક મહાકાળની ઝીંક અણનમ રહી ઝીલશે..

"Not my own fears, nor the prophetic soul,
Of the wide world dreaming on things to come,
Can yet the lease of my true love control,
Suppos’d as forfeit to a confin’d doom.
The mortal moon hath her eclipse endur’d,
And the sad augurs mock their own presage,
Incertainties now crown themselves assur’d
And peace proclaims olives of endless age.
Now with the drops of this most balmy time,
My love looks fresh and Death to me subscribes,
Since in spite of him I’ll live in this poor rhyme,
While he insults o’er dull and speechless tribes.
And thou in this shalt find thy monument,
When tyrant’s crests and tombs of brass are spent. (S. 107)

ઇજિપ્તના પિરામિડોમાં જેમ ફારો રાજવંશના રાજવીના દેહની સાથે જ એમનો ભૌતિક વૈભવ સચવાયો હતો તેમ કવિ શેક્‌સ્પિયરના સ્વરચિત આરામગાહમાં એના જમાનાનો વૈભવ સચવાયો છે. પેલું ચંદ્રગહણ (તેય ઇહલોકનું) અને ‘અમંગળ ભાવિકથન’ અને શાંતિ નિર્મિત અમ્લાન આસોપાલવનાં તોરણો તેમજ છેલ્લી પંક્તિના જુલમી સરપેચ અને તેમના મકબરા – ચૌદ પંક્તિના કાવ્યમાં કેટકેટલું સમકાલીન ભારણ! પેલવ શિરીષ પુષ્પ ઉપર પાંખોનો આવો ફફડાટ! આટલા બધા સમકાલીન ઉલ્લેખો હોય ને રચનાકાળ ન પામી શકીએ તો અભ્યાસ એળે જાય. 78મા સૉનેટનો આધાર લઈને કેટલાક વિદ્વાન મૌન તોડીને લખી બેઠા છે કે શેક્‌સ્પિયરે કરેલો દાવો કે બીજા કવિઓ એને પગલે ચાલીને સૉનેટો લખે છે. (As every alien pen hath got my use.) શત પ્રતિશત સાચો છે.*[3] તેઓ 107મા સૉનેટમાં 1587માં સ્પેનિશ નૌકાકાફલાના પરાજયના ઉલ્લેખ ‘ચંદ્રગ્રહણ’માં જુએ છે. લશ્કરી તવારીખ સાખ પુરાવે છે કે સ્પેનિશ જહાજો અર્ધચંદ્ર વ્યૂહમાં હલ્લો લાવ્યાં હતાં. આ રીતે ઇંગ્લૅન્ડને ચંદ્રગ્રહણ વળગ્યું હતું. તે સ્પેનીશ નૌકાકાફલાની શિકસ્તથી દૂર થયું. સ્પેનનો ચંદ્ર અવકાશી ન હોવાથી ઇહલોકનો (Mortal Moon) પુરવાર થયો. જેમ ભારતમાં બન્યું છે તેમ ઇંગ્લૅન્ડમાં પણ રાષ્ટ્રીય કટોકટીના વસમા કાળે અનેક કર્તાન્તિકોએ અમંગળ ભાવિની આગાહી ઉચ્ચારી હતી, જે વિજય મળતાં જૂઠી ઠરી. (Sad augurs mock their own presage) આપખુદ સ્પેનના પરાજયથી જુલમીની કીર્તિપતાકા ધૂળભેગી પડી (Tyrant’s Crest) અને પરદેશી આક્રમણનો ભય સેંકડો વર્ષ સુધી ટળ્યો. આ રીતે શાંતિનાં તોરણો રચાયાં (Peace proclaims olives of endless age). સ્પેનિશ પરાજયના સંદર્ભમાં આ સૉનેટને વાંચનાર વિદ્વાનો એનો રચનાકાળ 1587 પછી અને 1590 પહેલાં મનાવે છે. પરતું સૉનેટનું કાઠું, પુષ્ટ, એનો કાવ્યદેહ જુદી જ ગવાહી આપે છે. 1590 સુધીનો શેક્‌સ્પિયર મુખરિત નથી. એની વાણીનો સાહિત્યપિંડ હજુ બંધાવાનો 107મા સૉનેટનો કવિ મહારથી છે. પ્રારંભનું ઉપમાપ્રાચુર્ય હવે છૂટ્યું છે. અપવાર્ય કહેવાની રીત એને લાધી છે. શ્લોકાર્ધમાં અનુભવસાગરને બાંધવાની કરામત એણે મેળવી છે. અરે, એકાદબે શબ્દોમાં કાવ્ય સિદ્ધ કરવાનો ઇલમ છે, જેમ કે - Mortal moon, endured, sad augurs, olives of endless age, balmy me, speechless tribes, tyrants’ crests. સાથે જ એ પણ નોંધવું ઘટે કે ક્રમાંકમાં 100 પછીનાં સૉનેટો શેક્‌સ્પિયરનાં પરિણત પ્રજ્ઞાનો મધુર આસ્વાદ અર્પે છે. આ બધું ધ્યાનમાં લેતાં વિવેચકોએ 1603ના વર્ષને સૂચવ્યું છે. શેક્‌સ્પિયરની હયાતીમાં એક પ્રશંસકે રોષ ઠાલવ્યો હતો કે મધુર કવિ શેક્‌સ્પિયરે, જેના રાજ્યકાળનું મંડન એ હતો તે મહારાણી એલિઝાબેથના મૃત્યુની કરુણા કેમ કાવ્યાંકિત નથી કરી 107મું સૉનેટ એ પ્રશંસકને ભાગ્યે જ તોષપ્રદ હોત. એલિઝાબેથના સુદીર્ઘ શાસનકાળનો અંત જ્યારે સમીપ હતો ત્યારે ગાદીવારસનો પ્રશ્ન ચકડોળે ચઢ્યો હતો. છેલ્લી ક્ષણ સુધી એલિઝાબેથે પોતાના વારસની પસંદગી ટાળી હતી. સો વર્ષના આંતરિક કલહ પછી એના રાજ્યકાળમાં શાંતિની નિરાંત માની ચૂકેલી પ્રજાને વસવસો હતો કે ફરીને કલહની અરાજકતા દેશને વ્યાપી વળશે. અનેક મુખે આ સંકટની ચર્ચા થતી. અનેક જ્યોતિષાચાર્યોના વરતારા ફરતા થયા હતા. રાણી એલિઝાબેથ ઇંગ્લૅન્ડની કૌમુદી હતાં. મૃત્યુ એ Mortal Moonને ગ્રસે તે પછી અંધાધૂંધીની આગાહી હતી. તેવામાં એમનું મૃત્યુ આવ્યું. શાણા વહીવટદારોએ રાતોરાત રાજા જેમ્સને નિમંત્રણ મોકલી રાજ્યારોહણ ગોઠવ્યું. અરાજકતાની ભીતિ એવી દૃઢમૂળ હતી કે સપ્તાહો પર્યંત લોકોને આ સત્તાપલટો ન સમજાયો, પરંતુ કશું અનિષ્ટ ન બન્યું ત્યારે જ પ્રજાને શાતા વળી. Olives of endless ageને રાષ્ટ્રે ઉમંગે વધાવ્યા. દેશપ્રેમી વિવેચકોને રાણીનો ‘જુલમી’ લેખે થયેલો ઉલ્લેખ કઠે છે, પરંતુ રાણીના શાસનનાં છેલ્લાં વર્ષોમાં કવિએ સ્વજનો અને સ્નેહીઓને આપખુદ તંત્રના અસહાય બનીને ભોગ બનતા દીઠાં હતાં. ઉમરાવ ઇસેક્સનો વધ અને સાઉધમપ્ટનનો કારાવાસ આ વર્ષોનો ઇતિહાસ છે. રાજા જેમ્સે ગાદી મળ્યા પછી સાઉધમપ્ટને કારાવાસથી મુક્ત કર્યો અને કવિને જે પુનર્મિલન સાંપડ્યું તે મંગળ અવસરને ‘My love looks fresh’ લાગુ પાડી શકે. એલિઝાબેથના રોષના ભોગ બનેલાને મૃત્યુ જ છૂટકારો આપતું એ યાદ આવે ત્યારે જ સમજાય કે કવિએ “Death to me Subscribes – મૃત્યુ તો મારું અસીલ છે.” એમ અન્તસ્થના કયા ઉમળકાથી ગાયું હશે? વિવેચક મિડલટન મરે સૉનેટ 107નું વિશ્લેષણ કરીને એની રચના એલિઝાબેથની ગંભીર બીમારીના વર્ષ, એટલે 1596માં થયેલી ગણે છે. આમ કાવ્ય અને સંશોધનના મધુર મિલને અર્થને પ્રગટ કર્યો છે અને 107મા સૉનેટની જન્મતિથિ શોધી છે. બધું સમુસૂતરું ઊતરે એવા મંગલપ્રસંગો ઓછા જ હોય. વિવેચક રાઉઝ 1603ની સાલ સ્વીકારતા નથી. શેક્‌સ્પિયરના સૌથી અભિજા સૉનેટ (107) માટે તેઓ 1591માં માર્લોના પક્ષકાર વૉલ્ટર રાલેની થયેલી અવદશા, 1593માં ફ્રાન્સના હેન્રીનું ધર્મપરિવર્તન (કૅથોલિક સંપ્રદાયનો સ્વીકાર) અને 1594માં પેરિસમાં હેન્રી ચોથાનું રાજ્યારોહણ – આ પ્રસંગોને કૅથોલિક સાઉધમપ્ટનના પક્ષકાર કવિએ બિરદાવ્યા છે એમ સ્વીકારી તેઓ ચાલે છે. ઉપરાંત 1594માં રાણીના યહૂદી ભિષક લોપેઝે એલિઝાબેથને ઝેર આપવાનું કાવતરું કર્યું હતું અને લોપેઝ સ્પેનનો જાસૂસ હોવાનું પુરવાર થયું હતું તે પ્રસંગનો ઉલ્લેખ ‘ચંદ્રગ્રહણ’માં તેઓ વાંચે છે. પરિણામે સોનટનો રચનાકાળ તેઓ 1594માં ગણાવે છે. 1594માં વધસ્તંભે ચઢેલા દાક્તર લોપેઝને તેઓ સરમુખત્યાર સ્પેનનું મુકુટપીંછ માને છે. એકંદરે સૉનેટનો રચનાકાળ 1592 પછીનાં વર્ષોનો અને કેટલાંક છેલ્લાં સૉનેટોનો રચનાકાળ 1603 સુધી એટલે ‘હૅમ્લેટ’ના સર્જન સુધીનો માનવાનું વલણ વિવેચકોએ બહુમતીથી ધરાવ્યું છે. સૉનેટોમાં કેટલુંક એવું છે જેનો ઇતિહાસ કેવળ શેક્સ્પિયર કહી શકે. જાત વિષે અને તત્કાલીન એની પરિસ્થિતિ વિષે વિભૂતિમત શેક્‌સ્પિયર મન ખોલે અને નાટ્યકારનો તટસ્થ ભાવ વીસરીને માનવ શેક્‌સ્પિયરની ઝાંખી કરાવે તેવું સૉનેટોમાં દેખાય છે. એટલે તો કવિ વર્ડ્ઝવર્થે લખ્યું હતું કે સૉનેટોમાં શેક્‌સપિયરનું હૈયું ખોલાયું છે. (The key with which he unlocked his heart.) આના સમર્થનમાં વિવેચકોએ સતત સૉનેટ 110નો ઉલ્લેખ કર્યો છે. છીએ તે જ ઠીક માને તે કવિ શાનો? દૈવી અજંપો નથી અનુભવ્યો તેવા કવિ નામધારીનું વળી લેખું શું? તો નટ શેક્‌સ્પિયર, તખ્તાનો શાહ ને જીવનનો રાંક શેક્‌સ્પિયર આવાં આર્દ્ર વેણ કાઢે છે : સાચું જ છે કે હું યત્રતત્ર ભટક્યો છું, બહુરૂપી વેશે જાતને દર્શાવી છે. મારા જ ખ્યાલોને મેં રહેંસ્યા છે. અમૂલ્યને સસ્તું વેચ્યું છે. નવા અનુરાગને મેં જૂના અપરાધ બનાવ્યા છે. સત્યને મેં વક્ર દૃષ્ટિથી વિચિત્ર રીતે ઉવેખ્યું છે, એ પણ ખૂબ જ સાચું, પરંતુ સોગંદ આસમાનના આવી બસ્તીથી મારું હૃદય નવયૌવન પામ્યું છે. કનિષ્ટ સ્ખલનોથી શીખ્યો છું કે મારે પ્રિયતમ ત્વમેવ. (110)

"Alas’tis true, I have gone here and there,
And made myself a motley to the view,
Gor’d mine own thoughts, sold cheap what is most dear,
Made old offences of affections new.
Most true it is, that I have look’d on truth
Askance and strangely. But by all above,
These blenches gave my heart another youth.
And worse essays proved thee my best of Love. (S. 100)

બીજા એક સૉનેટમાં કવિ નિઃશ્વાસ મૂકીને રહે છે : ગ્રહો જેના અનુકૂળ હોય તેઓ ભલે સન્માન અને બિરુદોના ગર્વ અનુભવે. (25)

Let those who are in favour with their stars
Of public honour and proud titles boast. (S. 25)

111મા સૉનેટમાં કવિ દૈન્ય વિષે વિધાતાને અભિશાપ આપે છે. તે દુર્ભાગ્યને કવિ નિંદે છે જેણે યોગક્ષેમ માટે જનતામાં એને રઝળાવ્યો. માંગણની જાતમાં વળી સંસ્કાર કેવા? સમાજ આવો વિચાર નટ-વિટ વિષે સેવે એટલે નટકવિએ માનભંગ અનુભવીને લખ્યું : એટલે તો મારું નામ કલંકિત બન્યું છે અને રંગરેજનો હાથ જેમ રંગથી ખરડાય તેમ મારા ધંધાના રંગે મારું માનસ રંગાયું છે.

"Thence comes it that my name receives a brand,
And almost thence my nature is subdued,
To what it works in, like the dyer’s hand." (S. 111)

શેક્‌સ્પિયરનાં સૉનેટોમાં આવા ઉલ્લેખો વેરાયા હોવાથી વિવેચનમાં એનું વાસ્તવ શોધીને ઉકેલ આણવાના પ્રયત્નો થયા છે. સાહિત્યકારોએ કળા અને કામશાસ્ત્રના સંદર્ભમાં શેક્સ્પિયરના ‘લાડકા’ને શોધ્યો છે. તો સારસ્વતોએ અને ‘આશ્રયદાતા’નો નામાવલિમાં એનો પરિચય સાધ્યો છે. સમગ્ર રીતે જોતાં સૉનેટોનો ‘લાડકવાયો’ અસામાન્ય છે. લોકનજરનું એ આકર્ષણ છે (સૉનેટ-2) એને વિષે કાવ્યો લખાયાં છે. (32) કવિનું એણે જાહેર બહુમાન કર્યું છે. (36) સમાજમાં એનું અનુકરણ થાય છે. (76) લોકજીભે એની પ્રશંસા વસી છે, જગતની આંખ એને જોતાં ઠરી છે. (69) એનો પ્રેમ એ કવિનું એકમાત્ર ધન છે. (29) સૉનેટ 20, 84 અને 94 વાંચતાં એવું લાગે ખરું કે કોઈ કવિ પોતાના આશ્રયદાતાને આવી રીતે ન રીઝવે. એકમાં એણે લાડકવાયાને પુરુષ નકામો બનાવ્યો, એમ કહ્યું, બીજામાં એને કાચા કાનનો ખુશામતપ્રિય વર્ણવ્યો, ત્રીજામાં એના દુરાચારથી ત્રાસી કવિએ લખ્યું : પોયણાં સડે ત્યારે ઉકરડે ગંધાય (Lilies that fester smel far worse than weeds). સંપાદક ટકરે (Tucker) એવો મત પ્રદર્શિત કર્યો છે કે આ સૉનેટો કદાચ એક કરતાં વધારે વ્યક્તિઓ વિષે લખાયાં હશે, પરંતુ છે તે ક્રમમાં સૉનેટ જે કથાને ઉપસાવે છે તેમાં એમનો મત બંધબેસતો નથી. સૉનેટની કથાનો સંક્ષેપ આ પ્રમાણે છે : સૉનેટ 1 થી 17 : કવિ લાડકવાયાનું પ્રભુતામાં પદાર્પણ વિનવે છે. પુત્રરૂપે એનું રૂપ સચવાય માટે મનામણે સૉનેટને મોકલે છે. કાવ્યોમાં લાડકવાયો અમર બનશે એવું વચન પરંપરિત બને છે. સૉનેટ 17 થી 121 : સ્નેહ અને કાળના સકંજામાં કવિ. આસક્તિ અને ભાગ્યદશાની ‘ચક્રારપંક્તિ’માં ગૂંચવાયેલો કવિ નિરાશા, વેદના, પરિતાપ, હિણપતથી પરેશાન બને છે ત્યારે પણ લાડકવાયાના સ્નેહનું કવચ પ્રાર્થે છે. (29, 37, 88, 110, 112) કવિની અકીર્તિ લોકજીભે વિસ્તરી છે (112). કવિ એને ચોંટેલા કલંકનો વારંવાર રંજ પ્રગટ કરે છે (36, 71, 72, 109, 121). ક્વચિત્ એ શરમિંદો બને છે (88, 111), તો ક્વચિત્ શરમ છોડીને સંભળાવે છે : “ખરાબ ગણાવા કરતાં તો ખરાબ થવું વધારે સારું,” (121) લાડકવાયા વિરુદ્ધ એની ફરિયાદ છે કે તે સ્નેહનો દ્રોહી છે (87, 93, 120). લાડકવાયો ખોટી સોબતે ચઢ્યો છે (67); કવિના વળગણ જેવી શ્યામામાં એ ફસાયો છે (40, 41, 42, 133, 134, 144); લંપટ બનીને લાડકવાયો શુભનામ ગુમાવી રહ્યો છે (95, 96); એને કશુંક ગુપ્ત દૂષણ લાગ્યું છે (94). પ્રતિસ્પર્ધી કવિ વિષેના ઉલ્લેખો મનનું ઔદાર્ય અને ઈર્ષ્યા વ્યક્ત કરે છે. પ્રતિસ્પર્ધી વિદ્વાન છે, શેક્‌સ્પિયર ગામઠી અને અભણ છે! પ્રતિસ્પર્ધીની અધ્યાત્મસાધનાનો પણ કવિ ઉલ્લેખ કરે છે (78, 79, 80, 86), શેક્‌સ્પિયર અનેક વાર ભાર મૂકીને કહે છે કે પોતાની કાવ્યકળાનો આધાર દિલની સચ્ચાઈ છે. 100 પછીનાં સૉનેટોમાં કવિ પોતાનું સ્નેહમૌન સમજે છે, સમજાવે છે. હવે ગમ અને ફરિયાદ નથી રહ્યાં, ઊલટાનો કવિ દોષિત બન્યો છે. લાડકવાયાનો સ્નેહદ્રોહ એણે કર્યો છે (108). કવિ ઉષ્માહીન બન્યો છે, લાડકવાયાની ફરિયાદ કવિના મર્મને ડંખી છે (104, 105), એટલે સોળે કળાએ સ્નેહ પુનઃ પ્રકાશી રહે છે (106). બેવફાઈનો કવિ એકરાર કરે છે, પરંતુ સ્નેહનો પૂર્ણનુભવ કવિનું અચળ દર્શન છે. લાડકવાયા માટેનો પ્રેમ જો કવિની અશરીરિણી અનુભૂતિ છે તો સાથે જ ‘શ્યામા’નો સંબંધ દેહભૂખનું ઉઘાડું નિવેદન છે (138, 151). કવિનું હૈયું શ્યામામાં ઠલવાયું છે. કવિનાં ચક્ષુ શ્યામાનો તિરસ્કાર કરે છે (141). વાંક નયનનો કે કરનો? કવિ આ દુવિધામાં ફસાયો છે (149). વિરૂપવદનાની વાસના સેવી રહેલો કવિ (137). આકર્ષણનું વિશ્લેષણ - શ્યામા કેશ અને ગમગીન નયન (127), નયનનું કામણ (139-40), શ્યામ વર્ણ અને કાળાં કામ (131). શ્યામાનો સંબંધ દેહવાસના કરતાં સૂક્ષ્મ અને પ્રેમ કરતાં સ્થૂળ એવો કોઈ વિભાવ છે. એમાં દ્રોહ અને પાપ અવશ્ય રહ્યાં છે (142). ‘તે મુજથી વિરક્ત’ (143), સરખાં અવિશ્વસ્ય (142), છતાં કવિનું દાસત્વ (150), વાસનાનું વિશ્લેષણ-કાવ્ય (129), શ્યામા અને સંગીત (128), દયામણો કવિ (143 અને 151). શ્યામાનાં સૉનેટો અંધાર અને પાપભારનો થાર લાવ્યાં છે. આ સૉનેટો વિષે નિઃશંક આટલું કહી શકાય : નયન અને મનમાં વિસ્તરીને પલ્લવિત બનેલી અદમ્ય લાલસાનાં ગીત છે. કવિએ વાસનાની અંધારી રાતમાં પ્રેમનાં, અપાર્થિવ સ્નેહનાં, નક્ષત્રો ચમકાવ્યાં છે. કેવળ કલ્પનાવિહારનાં અવાસ્તવિક ઉડ્ડયનો જેવાં આ સૉનેટો નથી જ. શ્યામાનાં સૉનેટોનો આવેશ અને પરિતાપ કદાચ દસ્તાવેજી પુરાવો ન ગણાય પણ એમાં રહેલો કલ્પના-ઘટક વાસ્તવની મહોર ધરાવે છે. શેક્‌સ્પિયરની આત્મકથા સૉનેટોમાં વાંચવાના પ્રયત્નો વીસરી જવાથી સૉનેટનું સત્ય, એટલે કે કાવ્યનું સત્ય ગ્રાહ્ય થતું હોત તો વિવેચન ‘સંસ્મરામિ’નું આટલું કષ્ટ ન સહે, પરંતુ 154 સૉનેટના આ ગુચ્છમાં એવાં કાવ્યો છે જે અંગ્રેજી ભાષાન સુંદરતમ કાવ્યો ગણાયાં છે. શેક્‌સ્પિયરે સ્વમુખે કથેલું વૃત્તાંત સૉનેટથી અવર કોઈ કૃતિમાં નથી. જાણે મહાકવિની ‘સ્મરણિકા’ મળી આવી હોય તેવો અનુભવ સૉનેટો આપી જાય છે. સૉનેટોમાં શેક્‌સ્પિયરને ઢૂંઢવાનું જાસૂસકર્મ અર્થઘટનમાં પરોક્ષ સહાય આપી શકે, પરંતુ સૉનેટનું સત્ય પામવાનું કામ તો કાવ્ય અને કવિની સમીપ વાચકને ખેંચી શકે. The Lion and the Foxમાં સાહિત્યકાર વિન્ડહેમ લૂઈ શ્યામાના પ્રેમનું આકર્ષણ અને લાડકવાયા કિશોરનું આકર્ષણ અનુભવતા કવિ શેક્‌સ્પિયરના વિકાસમાં સજાતીય વિકૃતિનો ઉપકારક ભાગ જુએ છે. વિલ્સન નાઇટ સૉનેટોનાં કાવ્યતત્ત્વોના પૃથક્કરણ દ્વારા કવિનું માનસદર્શન કરે છે. કાવ્યસાહિત્યના મર્મજ્ઞો અને મનોવિજ્ઞાને પુરુષો વચ્ચેના કૃષ્ણાર્જુન સખ્યમાં માનવસંબંધની મૂલ્યવાન સિદ્ધિ આરોપી છે નવલકથાકાર જેમ્સ જોઈસે પ્રથમ વાચને ચોંકાવનારું વિધાન કર્યું છે કે શેક્‌સ્પિયર ઑથેલો પણ હતો અને ઇયાગો પણ. ઝીણી નજરે તપાસીએ તો એ વિધાનમાં કલાનું સત્ય વ્યક્ત થયું છે, પુરુષ પૌરુષથી શોભે, પરંતુ પ્રતિભાશાળી પુરુષની પ્રતિભાની જાતિ કઈ? સિસૃક્ષા રૂપની જનેતા, જે કવિ કે કલાકારમાં સંચરે તે કલાસર્જનની ક્ષણે ‘નારયણી’રૂપે જ શ્વસે ને? વિનસ અને એડોનિસમાં અને લ્યુક્રીસના શીલભંગમાં શેક્‌સ્પિયરનો જે વિષય હતો તે વિષય જ સૉનેટોનો પણ રહ્યો છે. કામજ્વરથી ધગી રહેલી વિનસના (રતિના) આવેશને લયમધુર વ્યંજનામાં સમાવી લેવાની ક્ષણે શેક્‌સ્પિયર ‘પુરુષ’ હશે શું? નિરુત્તર સ્નેહનું એ કાવ્ય, સ્નેહવૈફલ્યનું એ વેદનાસર્જન શેક્‌સ્પિયરના વ્યક્તિત્વ અને પ્રતિભાના નારીત્ત્વનું પ્રમાણ જ છે. વિનસનો, પ્રેમની દેવીનો, માનવ એડોનિસ માટેનો વિવશ સ્નેહ કવિ શેક્‌સ્પિયરને મન પ્રેમના ‘દિવ્ય’ તત્ત્વનો સાક્ષાત્કાર હતો. શીલભંગ પામેલ લ્યુક્રીસની વેદના સમસંવેદી સખીભાવથી જ આલેખી શકાય. માનવજીવનને અર્થ અર્પનાર ‘પ્રેમ’ના આવિર્ભાવ વિનસ અને લ્યુક્રીસમાં એણે સમાનધર્મા રહીને ઝીલ્યા, આવો શેક્‌સ્પિયર ‘અર્ધનારીશ્વર’ કવિ સૉનેટોનો રચયિતા છે. પ્રત્યેક યુગ સ્થળકાળની વાણી યોજે છે. મનોવિજ્ઞાનના આપણા જમાનાએ કવિપ્રતિભાનું વર્ગીકરણ ‘પુરુષમાં રહેલા સ્ત્રૈણ’ તરીકે કર્યું છે. 21મે વર્ષે જેનું લગ્નજીવન સમાપ્ત થયું તેવા કવિને સંસાર શબ્દમય જ હોય. શેક્‌સ્પિયરની રતિક્રીડા એનાં કાવ્યોમાં સીમિત રહી, એટલે તો એનાં સૉનેટો રૂઢિ સ્વીકારીને રચાયાં હોવા છતાં અને 154 કાવ્યોનો બાહ્યદેહ સમાન હોવા છતાં પ્રેમાતુર વ્યક્તિમાં જ સંભવી શકે તેટલું વૈવિધ્ય અને નાવીન્ય, અનુભૂતિનું અને અભિવ્યક્તિનું, શેક્‌સ્પિયરનાં સૉનેટો ધરાવે છે. કિશોર મિત્રમાં એક રીતે શેક્‌સ્પિયરે “સ્વત્વ” ની સાધના કરી છે.એનું કવિત્વ સ્થળકાળની મર્યાદાથી છૂટવા મથતું કવિત્વ અત્ર, તત્ર, અન્યત્ર શાશ્વત ‘હું’ને શોધી રહ્યું છે. ગોપીભાવના અંશ એ રીતે સૉનેટોનું સુવર્ણ છે. એક રીતે શેક્‌સ્પિયર પોતાના લુપ્ત પવિત્ર શશવને, એના અતીત પિટર પેનને સાદ કરે છે – આ સૉનેટોમાં પૂર્ણત્વનું આરોપણ જીવિતો ઉપર કરવાથી નીપજતી વેદના, નૈરાશ્ય, કરુણા અને નિર્વેદ – કવિએ પેલા ‘લાડકવાયા’નાં (એક કે અનેક?) કામણમાં અનુભવ્યાં છે. આત્મખોજના આ પ્રણય હલાહલના બુંદેબુંદને સચ્ચાઈથી એણે કાવ્યાંક્તિ કર્યું છે; પરંતુ પ્રેમના અમૃતબિંદુનું એણે આચમન કર્યું છે. લાડકવાયાનો પ્રેમ કવિનો સંતાપ હશે, પરંતુ પ્રેમનો ‘લાડકવાયો’ કવિ ત્યારે બન્યો જ્યારે પરાધીન મટીને એ પ્રેમાધીન થયો. નિરપેક્ષનું સત્ય અનુભવીને એણે તારસ્વરે ગાયું :

Death to me subscribes,
Since inspite of him I’ll live in this poor rhyme,
While he insults o’er dull and speechless tribes.


  1. * જેમ કે 1963માં વિવેચક રાઉઝ (A. L. Rowse)નો દાવો,
  2. * જુઓ `Dark Lady of the Sonnet’ by G. B. Shaw
  3. * ઉપરાંત જુઓ સૉનેટ ક્રમાંક 102,