સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ઉમાશંકર જોશી/સમસંવેદન
આજને પ્રસંગે આપની સમ્મુખ અવાક્ ઊભા રહી હૃદયની કૃતજ્ઞબુદ્ધિ વ્યક્ત કરી બેસી જવાની અંતરની ઇચ્છા તો હતી. મૌનની મહાવાણી જ એ ભાવ વધારે સારી રીતે વ્યક્ત કરી શક્ત. છતાં શિષ્ટાચાર આ પ્રયત્ન કરવા પ્રેરે છે. આ૫ સર્વેનો – ગુજરાત સાહિત્ય સભાનો – હું હૃદયપૂર્વક આભાર માનું છું અને જે સાહિત્યકારના નામથી આ પ્રસંગ અંકિત છે તેની પુણ્ય સ્મૃતિને ગર્વભેર હૃદયમાં ધારણું કરું છું. આટલા શબ્દો ઉપચાર માટે – અને નહિ કે સભા પ્રત્યેનો મારો ઉપકારભાર વહન કરવા માટે કદાચ પૂરતા ગણાય. પણ જે સાહિત્યવીરના સ્મરણને મારા જેવા નિમિત્તોથી આ૫ સૌ લીલું રાખો છો તેનું અને વિદ્યાવ્યાસંગશીલ આ સભાનું ગુરુત્વ સમજી, બિલકુલ ખાલી હાથે – ‘રિક્તપાણિઃ’ અહીં આવતાં મને સહેજ સંકોચ થયો અને એને ઓઠે એક બીજો – વિદગ્ધો આગળ વાક્પ્રચાર કરવાનો – સંકોચ કાંઈક શમી ગયો. પરિણામે હું આપની સમક્ષ મારા કસબ (કલા બહુ મોટો શબ્દ છે) કાવ્ય વિશે અને કલામાત્ર વિશે અત્યાર સુધીમાં જે કાંઈ વિચાર બાંધી શક્યો છું તે રજૂ કરવાની રજા લઉં છું. ઉપર સૂચન કર્યું તેમ આવા પ્રસંગો યોજીને આ૫ પ્રધાનપણે તો આપણા એક સદ્ગત સંસ્કારપ્રેરકને ભાવનાની અંજલિ સમર્પો છો, ૫ણ સાથે સાથે ગૌણપણે એ નિમિત્તે આપના વિશાળ હૃદયમાં એક નવીન સમકાલીનનો સમાવેશ વિશેષ પ્રકારે કરવાની પણ યોજના હેાય છે. એ સિવાય પણ આપ એ દ્વારા ઘણું કરતા હશો, પણ પેલા નવીનને લાગે વળગે છે ત્યાં સુધી તે એને મૂંઝવતો પ્રશ્ન એ જ હોય છે કે આ બધું શું થઈ રહ્યું છે, આ પ્રકારના નિમિત્ત થવા પાછળ કદીયે છાની કે અછાની આવી અપેક્ષા હતી? અને સૌ પ્રશ્નોનો એક પ્રશ્ન એ કે સર્જન શા માટે? અને એ પ્રશ્નનો વિકટ પ્રતિધ્વનિઃ સર્જન કોને માટે? આ બધા પ્રશ્નનો વિસ્તૃત અને યથાર્થ ઉત્તર વિચારવામાં આ૫ને હું રોકીશ એમ રખે ભય રાખશો. મને જ ભય છે કે મારી પાસે બધાના ઉત્તરો નથી. છતાં પ્રસંગોચિત વિવરણ માટે એ પ્રશ્નો અહીં મૂક્યા છે. ઉપરાંત ઉત્તરો મળવા એ ઘણી સંતોષકારક વાત છે, પણ કેટલીક વાર પ્રશ્નો મળવા એ પણ ઓછા સંતોષની વાત નથી હોતી. બીજી લલિત કલાઓના સર્જન કરતાં કવિતાકલાના સર્જનની એક વિશેષતા છે. નૃત્ય એ એકલા માણસની સિદ્ધિ નથી. પત્રો, પુષ્પો, લતાઓ, ધાવેલાં વાછડાંઓ અને બેલડીએ રમતાં સારસો, હરણાંઓ અને ઝરણાંઓ, તેજ અને પાણી, અદીઠ હવા અને નિશ્ચલ લાગતા તારાએ – સૌ કોઈ નાચે છે. સંગીત માટે કહી શકાય કે ૫ંખીઓ ગાય છે, નિર્ઝરો ને નદીઓ ગાય છે, નદી, સમુદ્રો અને જે સાંભળી શકે છે તેમને માટે ઊંડા આકાશનાં ઉડુમંડલો પણ ગાય છે. શિલ્પ માટે કહી શકો કે પેલો ડુંગર સિંહની પેઠે ગર્વભરી ડોક એક તરફ નમાવીને બેઠો છે અને આ ટેકરીમાં મનુષ્યની મુખાકૃતિ જ અંકાઈ છે. કૈલાસ કે અન્ય કોઈ હિમશિખરમાં મહાદેવને સાક્ષાત્ મૂર્તિમંત જોઈ શકો. ચિત્રકલા પણ પ્રકૃતિની ઓછી લાડીલી નથી. પતંગિયાની પાંખમાં ને વનસ્પતિના સાજમાં કુદરતે છૂટે હાથે રંગો વેર્યા છે. ફૂલ-ફૂલની પાંખડીએ, આકાશમંડપની વાદળીએ વાદળીએ કોઈ અદૃશ્ય પીંછી અહોેર્નિશ ફરી રહી દેખાય છે. આકાશના ફલક ઉપર પોતાના જેવી આકૃતિ વાદળમાંથી રચાતી જોઈ એની તરફ વનનું કોઈ પશુ ઉદ્ગ્રીવ તાકી રહેતું હોય તો એ તદ્દન અસંભવિત નથી. આમ, કવિતા સિવાયની કલાનો અણસારો કોઈ ને કોઈ રૂપમાં કુદરતમાંથી મળી શકે એમ છે. કવિતા એક એવી કલા છે જે સર્વાંશે માણસની સરજત છે. માણસની જૂથભાવના-ટોળામાં રહેવાની વૃત્તિ-ને લીધે એણે પરસ્પર વિચારવિનિમય માટે અવાજોને નિશ્ચિત રૂપ આપી ભાષા ઉપજાવી, તેને પરિણામે જ કવિતાનો અવતાર શક્ય બન્યો. માણસની આ સમૂહજીવનની વૃત્તિ બળવત્તર બનીને સમાજરચનાને માટે આવશ્યક એવું ભાષાનું સાધન ઉત્પન્ન કરી શકી ન હતી ત્યાં સુધી કવિતાકલાનું અસ્તિત્વ કલ્પવું મુશ્કેલ છે. જોકે ઉપર જોયું તેમ, તે પહેલાં અન્ય કલાઓનો તો કોઈ ને કોઈ રૂપમાં આવિષ્કાર થતો. (‘કલા’ તો મનુષ્યકૃતિને જ કહેવાય, ૫ણ પ્રકૃતિમાં તે તે કલાનાં સૂચક સ્વાભાવિક સ્ફુરણો પ્રકટ્યાં કરે છે એમ કહી શકાય.) તો કવિતા એ મનુષ્યની એક પરમ વિશેષતા છે અને મનુષ્યનું એક વિશેષ લક્ષણ – સામાજિક વૃત્તિ તેનું પરિણામ છે. આ સામાજિક વૃત્તિએ મનુષ્ય પાસે ઘણી ઘણી વસ્તુઓ કરાવી છે. ગ્રામો, નગરો, માર્ગો, સંસ્થાઓ, રાજ્યો, સામ્રાજ્યો અને સંસ્કૃતિઓ બાંધવાની પ્રેરણા આપી છે. ગ્રામો, નગરો ને સંસ્થાઓ, સામ્રાજ્યો અને સંસ્કૃતિઓ નાશ પામ્યાં એમ સામાન્ય રીતે કહેવાય છે, ૫ણ તે માત્ર કાળને ખોળે માથું મૂકીને સૂઈ ગયાં જ છે અને એના શ્વાસોચ્છ્વાસ હજુ ચાલુ છે. એ શ્વાસોચ્છ્વાસ તે આજ સુધીનો કાવ્યપ્રવાહ. મનુષ્યજાતિના સર્વોત્તમ પ્રયત્નોનું ફળ જે ક્યાંય પણ સચવાયું હોય તો તે યત્કિંચિત્ પણ કવિતામાં સમાયું છે. સર્વનાશ જેવી લાગતી પરિસ્થિતિમાં પણ કવિતા ટકી રહે છે. મનુષ્યની સામાજિક વૃત્તિના ઉત્તમોત્તમ ફળરૂપે કવિતાને ઓળખી શકાય. કવિતા પોતાના વાહન માટે શબ્દ(–સાર્થ અવાજ)નો ઉપયેાગ કરે છે એ હકીકતમાં ઉપરની વાતનું યાથાર્થ્ય સમજાશે. શબ્દ એ માણસની સમાજમાં રહેવાની પ્રબળ ઇચ્છાથી જન્મ્યો એ તો ખરું જ, ૫ણ તેનું જીવનબળ પણ સતત મનુષ્યના પરસ્પર વ્યવહારો પર અવલંબતું રહે છે. આજના ગુજરાતી કવિ પોતાની રચનામાં ઋગ્વેદકાલથીયે જૂના એવા કેટલાક શબ્દોનો ઉપયોગ કરે છે, અર્થાત્ એ પોતાની રચનાના અવયવોને હજારો વર્ષોના સહચારી ભાવો ઉદ્બોધીને રસી શકે છે. શિલ્પકારને પોતાના વાહન – પથ્થર તરફથી આવો આસાધારણ લાભ મળતો નથી. કવિનું વાહન એ રીતે અત્યંત સમૃદ્ધ છે. જોકે કહેવું જોઈએ કે શિલ્પ ચિત્ર નૃત્ય આદિ કલાઓમાં ભૂતકાલનો લાભ કલાકારોને પ્રાચીનોએ યોજેલાં વિવિધ ભાવપ્રતીકો દ્વારા મળે છે જ. પણ કવિ જે પ્રત્યેક શબ્દે શબ્દે શતાબ્દીઓ જૂના ભાવોત્કંપો જગાડી શકે છે તે એની કલાની આગવી સંસિદ્ધિ છે. કિટ્સ અને ટી. એસ. એલિયટ જેવા કલાકારોમાં એને સમીચીન ઉપયેાગ પણ આપણને જોવા મળે છે. પણ કવિના આ વાહનની શક્તિ એ જ એની મર્યાદા પણ છે. ગુજરાતી ચિત્રકારનું ચિત્ર કે નૃત્યકારનું નૃત્ય અન્ય દેશવાસી પણ સમજી શકે. કવિતાને એ લાભ નથી. પણ એમ તો પ્રત્યેક કલાને પોતપોતાની મર્યાદાઓ હોય છે. સંગીત પૂરું થતાંની સાથે જ હંમેશ માટે પૂરું થયું ગણવું પડે એવી, સ્વરબિંબન (રેકર્ડિંગ) શોધાયા સુધી, સ્થિતિ હતી. ચિત્રનું આયુષ્ય પણ કાગળ, કાપડ, કે દીવાલના આયુષ્ય ઉપર, ફોટોગ્રાફી વગેરેની શોધ થઈ ત્યાં સુધી, આધાર રાખતું. નૃત્ય પણ સંગીતની પેઠે એક વાર પૂરું થયું કે હંમેશ માટે થયું, સિવાય કે હવે એનાં ચલચિત્રો લેવાય છે તે દ્વારા તે કાંઈક ટકી રહે. પણ આ ચલચિત્ર, ફોટોગ્રાફ, કે સ્વરબિંબનમાં અસલની હૂબહૂ રેખાઓ સચવાવી અશક્ય છે. સોમાલાલના ‘ડોકિયું’ ચિત્રમાં પુરુષને અઢેલીને સ્ત્રી ખીણમાં જુએ છે તે જાણે સંસારની ગહનતામાં ડોકિયું ન કરતી હોય એવું આપણને ખીણના આલેખનથી થાય છે. પણ તે અસલ ચિત્રની યંત્રે કરેલી અનુકૃતિમાં એ ગહનતાનું આલેખન સર્વાંશે સચવાઈ રહેવું સુશક્ય ખરું? અબ્દુલ કરીમખાંનું ગળું એ જુદી વાત, એમના સંગીતની રેકર્ડ એ જુદી વાત. કવિતામાં તો આટલી સફળતા પણ મળવી દુર્ઘટ છે. એક ભાષા છોડીને બીજીમાં અનુવાદ કરવા જાઓ એટલે વસ્તુ જ ફરી જાય છે. મૂળ કૃતિમાં અર્થ શબ્દ સાથે અર્ધનારીશ્વરનાં શિવપાર્વતીવત્ સંપૃક્ત હતો, તેમાંથી શબ્દને રહેવા દઈ એમાંથી અર્થ ઉતરડી કાઢી બીજી ભાષામાં મૂકવા પ્રયત્ન કરતાં બીજું શું થાય? કવિને જે કહેવું હતું તે તો ‘એણે’ વાપરેલા શબ્દો વડે જ કહેવાવું શક્ય બન્યું હતું. બીજા શબ્દો, પછી તે એ જ ભાષાને કે અન્યના, વાપરો એટલે કૃતિ જ પલટાઈ ગઈ. હજી કદાચ સામાન્ય લખાણનો અનુ-વાદ તમે કરી શકો, પણ કાવ્યકૃતિ હોય તો તો અનુવાદમાં તેનો માત્ર અર્થ તમે આપી શકો, તેનો પ્રાણ–રસ–નહિ. કવિતાકલાની આ મર્યાદા છે અને તે પણ એણે પોતાના વાહન લેખે મનુષ્યની સામાજિક વૃત્તિના પરિણામરૂપ ભાષાનો ઉપયેાગ કર્યો એમાંથી જ જન્મેલી છે. કલાસર્જનના હેતુઓ અનેક ગણાવવામાં આવે છે. કોઈ કહે છે કે નિજાનંદમાં મસ્ત કલાકાર મનની વાત મનમાં સમાવી શકતો નથી. એ ઊભરાય છે અને જગતને કલાકૃતિ મળે છે. બીજા કહે છે જગતની પણ કલાકારને પડી નથી. એ તો માત્ર પોતાના આત્માના આવિષ્કારને માટે જ મથે છે. તો વળી અમુક પક્ષને આવિષ્કરણ કરતાં આત્મગોપન જ કલાનો હેતુ લાગે છે, તેઓ કહેશે કે વિશ્વની રચના કરીને રચનારો તેની પાછળ છુપાઈ ગયો છે તેમ જ શેઇક્સ્પિઅર કે કાલિદાસે પોતાની કાવ્યસૃષ્ટિની પાછળ છુપાઈ જવાનો ઉપક્રમ રાખ્યો હશે. બીજો પક્ષ તેથી પણ આગળ જઈ આત્મવિસ્મરણને કલાનો હેતુ માને છે. નિજને છુપાવવાનો જ કલાકારનો પ્રયત્ન હોતો નથી, પોતાને ભૂલી જવા એ મથતો હોય છે. અરે તેથી પણ વિશેષ એની ઇચ્છા હોય છે, એમ કેટલાક પ્રતિપાદન કરે છે અને કહે છે કે કલાકાર આત્મલોપન ઇચ્છતો હોય છે. પોતાની જાતને, નિજી વ્યક્તિત્વની મર્યાદાઓને ભૂંસી નાખવા એ કલા દ્વારા વલખાં મારતો હોય છે. પણ સામેથી બીજાઓ તદ્દન ઊલટી જ વસ્તુ ઠોકી-ઠોકીને કહેવા માગે છે : કલાકાર નિજી વ્યક્તિત્વને ભૂંસી નાખવા તે શેનો માગે? ઊલટો એ તો આત્મવિસ્તાર—આત્મવડાઈ વાંછે છે અને કદાચ આ બધા વાદોથી કંટાળીને જ તો ‘કલા ખાતર કલા’ કહેનાર વર્ગ અસ્તિત્વમાં આવ્યો નહિ હોય? આ બધા વાદોના ગોત્રોલ્લેખ કરવા પણ અત્યારે રોકાઈ શકાય એમ નથી. પણ એક વાત તો, ઉપર કવિતાના વાહનની ચર્ચા કરી છે તે પછી, સ્પષ્ટ થઈ હશે કે બીજા કલાકારોની બાબતમાં ધારો કે ગમે તેમ હેા, પણ કવિ જે પોતાની કલાના વાહન તરીકે સમાજઘટિત શબ્દનો – ભાષાનો ઉપયેાગ કરે છે તે તો માત્ર આત્માના આવિષ્કરણ અર્થે જ કરતો હોય એમ માની શકાય નહિ. એણે પસંદ કરેલું વાહન – ભાષા જ જોરશોરથી કહી દે છે કે એને સમૂહ સાથે સંબંધ છે. બીજી કલાઓ વિશે પણ એમ નહિ કહી શકાય કે તે સમૂહ અર્થે સર્જાઈ નથી. ખરી વાત તો એ છે કે કોઈ પણ કલાકૃતિના અસ્તિત્વ માટે ઓછામાં ઓછી બેની જરૂર છે : રચનાર સર્જક અને આસ્વાદનાર ભાવક. વીજળી જેમ ‘પૉઝિટિવ’ અને ‘નેગેટિવ’ છેડા મળ્યા વગર અસંભવિત છે તેમ જ આ સર્જક અને ભાવકનું યુગલ રચાયા પહેલાં કલાકૃતિને અસ્તિત્વની સંભાવના કલ્પનાતીત છે. શિલ્પી શિલ્પ કરીને તેને સંતાડી રાખી તેની સામે ટગરટગર જોયાં કરે, સંગીતી નિર્જન રણમાં જઈ એકલો એકલો ગાયાં કરે, કવિ કાવ્યને મનમાં મનમાં જ ગુંજ્યાં કરે, તોપણ ઉપરની વાત સાચી જ છે. આપણે કહીશું કે આવા દાખલાઓમાં સર્જક તે જ ભાવક છે. સંગીતી ગળાથી ગાય છે ને કાનથી સાંભળે છે. એને દ્વિદલ હૃદયનો એક અંશ સર્જે છે, બીજે આસ્વાદ લે છે. બીજો દાખલો : ચો૫ડીમાં કાવ્ય લખેલું પડ્યું છે. એ કાગળશાહીના સંયોગને વ્યવહારમાં ભલે કાવ્ય કહીએ, પણ કોઈ કવિએ અમુક પ્રકારની શાહી પાથરવાની યોજના કરી આપી એથી જ એ કાવ્ય બનતું નથી; એ કાવ્ય તો બને ક્યારે કે જ્યારે કોઈએ ખોખાને પોતાની ગ્રહણશક્તિથી, હૃદયની ભાવકતાથી પુનર્જીવિત કરે. હરેક કલાકાર આવા ગ્રાહકોને માટે જ કલાકૃતિનું સર્જન કરતો હોય છે. સર્જનની સાથે જ ભાવકવર્ગની અપેક્ષા છે. એટલે મનુષ્યકૃત કલામાત્ર સામાજિક ધ્યેયથી સર્જાઈ હોય છે. કલાકાર પોતાની પાસે કાંઈક છે તેને અન્યમાં સંક્રાન્ત કરવા માગતો હેાય છે. કલાકારમાં દૈવત હોય તો તેને એ અન્ય (–ભાવક) મળી રહે જ છે. હવે આપણે ગુજરાતીમાં કાવ્ય સર્જનારનો દાખલો લઈએ. ગુજરાતનો કવિ કોને માટે સર્જે છે? કાવ્ય તે ‘યશસે’– યશ ખાતર, ‘અર્થકૃતે’ – પૈસા ખાતર, એમ વિવિધ સર્જનપ્રયોજનો આપણા સાહિત્યાચાર્યોએ ગણાવ્યાં છે. આપણે જોઈએ કે એક ગુજરાતી કવિના દિલમાં આવાં પ્રયોજનો હોય તો તે કેટલે અંશે સિદ્ધ થઈ શકે. દુનિયાની દોઢ બે અબજ વસ્તીમાં ગુજરાતી ભાષા બોલનારની સંખ્યા માંડ એકાદ કરોડની, એટલે કે માનવજાતના દોઢસો બસોમા ભાગની. તેમાં કેળવણી માંડ દસ ટકા. એટલે શિક્ષિત વર્ગની સંખ્યા દુનિયાના હજાર-બે હજારમા ભાગની. તે કેળવાયેલામાં પણ, પૂછું છું, કવિતારસિક કેટલા? અને આ ખોબા જેટલા સમુદાય આગળ યશ અને અર્થ મેળવવાની ઉફાંદ? આપણે માની લેવું જોઈએ કે જેઓ કાવ્ય કરવાની શક્તિવાળા હશે એમનાં પ્રતિભાચક્ષુથી આ સમુદાયની અલ્પતા, અલ્પાલ્પતા, નહિવત્તા છૂપી નહિ જ રહી શકતી હોય. ખુદ યશ વિશે એ ભ્રમમુક્ત નહિ થયા હોય તો આ સમુદાય પાસેથી મળતા યશઃપુંજના ગંજાવરપણાથી તો એ જરૂર નિર્ભ્રાંત થવા જોેઈએ. અને જેવું યશનું તેવું જ અર્થનું પણ. આ સમુદાય કવિને કેટલો પૈસો આપી આપીને આપી શકે? યશ કરતાં અર્થને હલકો પણ ગણવામાં આવે છે. કલા જેવી લોકોત્તર વસ્તુનું પ્રેરક તત્ત્વ દ્રવ્ય હોય, તેના વળતરની આશા પણ મુખ્યતઃ દ્રવ્યથી જ રખાતી હોય, તો એ ખ્યાલ સહૃદયોને ડંખે છે. યશ તો કલાકારના મૃત્યુ પછીના સમુદાય પાસેથી મળે તોયે એની સંભાવના આશ્વાસનનું કારણ થઈ શકે. અર્થ તો જીવનઅવધિમાં મળ્યો તે જ કામનો. કલાકાર પણ એક માણસ છે અને એક નાગરિકનું જીવન જીવવા માગતો હોય તો તે શક્ય બનાવવા માટેનું એાછામાં એાછું દ્રવ્ય તો એને સુપ્રાપ્ય હોવું જોઈએ. પણ કલાકાર તરીકે એ કદી દ્રવ્યને મહત્ત્વ ન આપે. કલાકારોએ દ્રવ્યને મહત્ત્વ આપ્યું પણ નથી. શૉએ દુનિયાનું મોટામાં મોટું પારિતોષિક એને મળતું હતું ત્યારે એનો યશોલાભ પોતે સ્વીકાર્યો અને અર્થલાભ જતો કર્યો. પુલિટ્ઝર પારિતોષિક મેળવનાર અમેરિકન નાટકકાર સારોયાને કલાકાર તરીકે અર્થલાભની કિંમત કાંઈ ન ગણી પણ એક ઇનામ તરીકેની નહિ છતાં પ્રામાણિકપણે પોતાની કૃતિઓના પ્રકાશન વગેરેમાંથી મળતી રકમો સ્વીકારતાં એ જ કલાકારોએ સંકોચ અનુભવ્યો નથી. અને જૂના વખતમાં કાવ્યપ્રકાશનની મૌખિક પાઠ સિવાય બીજી રીત ન હતી ત્યારે કવિઓને ભેટરૂપે પણ યોગક્ષેમ ખાતર કાંઈ ને કાંઈ લેવું રહેતું. (જોકે એક એક શ્લોકને લાખ સવાલાખ અપાતા એમ દંતકથાઓ છે, પણ જૈનો આરતી માટે બોલેલા ઘીના પૈસા ચૂકવતી વખતે અકબર બાદશાહના સમયના સસ્તા દર નાખે છે એ રીતે વસ્તુતઃ પેલા સવાલાખ માંડ મહિના છ મહિનાની ખરચી કરતાં વધારે હોય! સવાલાખ મળ્યા પછી ફરી એ કવિને બીજી સભામાં એ ભેટ સ્વીકારવાવારો રહ્યો નહિ એવું કોઈ દંતકથા કહેતી નથી.) ટૂંકામાં, કલાકાર ઘણુંઘણું તો મનુષ્ય તરીકેની યોગક્ષેમની, વ્યવસ્થા માગી શકે. એ યોગક્ષેમ પણ એક નાગરિક તરીકે સામુદાયિક શ્રમમાં પોતાનો હિસ્સો આપીને અથવા પોતાની કૃતિઓને જ એક જાતનાં સામાજિક કાર્યો ગણી તેના વ્યાવહારિક રીતે મળતા વળતરમાંથી ચલાવવું જોઈએ ‘દોષ ન દેજો કવિવરને જે લતાકુંજ આરામ કરે’ એમ કોઈ કવિવર સમાજને નહિ કહી શકે, સિવાય કે એ આરામ એ જ એક ઉત્તમ કલાકૃતિ રચવાનું કામ હોય. હું કલાકાર છું માટે મારી સંભાળ લો, એવી આર્તવાણી એ કદી બોલશે નહિ, કેમ કે એની અંદર જે કલાકાર છે એને તો, તે પોતાની મનુષ્ય તરીકેની હસ્તી પર અવલંબતો છતાં, અર્થલાભથી કોઈ જ નિસ્બત નથી. અત્યારે આપણા કલાકારો મિલોમાં, કારખાનાંમાં, છાપખાનાં ને કેળવણીનાં કારખાનાંમાં, કચેરીઓમાં ને વેપારી પેઢીઓમાં, પ્રામાણિકપણે કામ કરી પેટિયું કાઢી લે છે ને દીનતા ધારણ કરી પોતાના અંદરના કલાકારને નીચાજોણું થાય એમ કરતા નથી એ સદ્ભાગ્યની વાત છે. છતાં ઇતિહાસ અને વિવેચનમાં કોઈ કોઈ વાર અમુક સાહિત્યકાર (ઉ. ત. નર્મદ કે બોટાદકર) અકિંચન હતો કે ખેંચમાં હતો તે કારણે એના કાર્ય તરફ પક્ષપાત થતો દેખાય છે. ધનિકોનો મુલક છે એટલે સંસ્કૃતિના માણસોને અકિંચનતામાં સ્પેશિયલાઇઝેશન – એકાંગી નિપુણતા – મેળવી ગણાવવાની આકાંક્ષા રહેતી હશે. કદાચ એ આત્મદયાનું નિદર્શન પણ બને. આ જમાનામાં કલાકૃતિઓ પણ બજારુ ‘ચીજ’ તરીકે ચાલી શકે છે ત્યારે સૌથી ઉત્તમ તો એ છે કે સાહિત્યકારોએ એકઠા મળીને (જો એ શક્ય હોય તો), એક સહકારી પ્રકાશન-મંદિર સ્થાપી તે દ્વારા પોતાની કૃતિઓ પ્રગટ કરી તેમાંથી પ્રામાણિકપણે જે મળે તેનો સ્વીકાર કરવો જોઈએ. આવી કોઈ સભાના સહકારથી પણ એ થઈ શકે. આપણે ત્યાં આવા સહકારી પ્રકાશનમંદિરની સ્થાપનાની અગત્ય જેટલી માનીએ તેટલી ઓછી છે. કલાકારના જીવન દરમ્યાન યોગક્ષેમમાં મદદરૂપ થઈ પડે એવો પ્રામાણિક પ્રયત્ન એ દિશામાં જ થઈ શકે એમ છે. ગુજરાતી જેવી ભાષામાં જ્યાં કલારસિક વર્ગ બિલકુલ નાનકડો ત્યાં યશ અને અર્થના લાભથી પ્રેરાઈને કલાકાર સર્જનમાં પ્રવૃત્ત થાય તો તેમાં શો કસ એ આપણે જોયું. આ મુશ્કેલી બીજી ભાષાઓના કવિઓ માટે પણ એ રૂપની જ સમજવી. તો પછી સર્જકને સર્જન કરવા પ્રેરનાર એવી શી વસ્તુ હશે? એક ગાયકનો દાખલો લઈએ. એ બહુ સુન્દર ગાય છે. આપણે એની ગાયકી ઉપર બહુ જ ખુશ થઈ ગયા અને એને સારી દુનિયાની સાહ્યબી, માનો કે, આપણે આપી. એને માનપાન આપ્યાં, ગાડીઘોડે ફેરવ્યો ને એની ઉચ્ચ સમાજમાં ઉચ્ચોચ્ચ પદે સ્થાપના કરી. તો પણ એમાં એને – કલાકારને શું મળ્યું? એ તો ગાયે જ જાય છે, પહેલાંની જેમ જ સરળતાથી, સમુલ્લાસથી અને શિશુની સહજતાથી. આપણું માનપાન દ્રવ્ય કશું જ એના સુધી – એની અંદરના કલાકાર સુધી પહોંચતું નથી. આપણે મૂંઝાઈએ છીએ. આપણે કેમ એને કશું જ આપી શકતા નથી? છેવટે આપણને સમજાય છે કે આપણે એને માટે જે કાંઈ પણ કરી શકીએ એમ હોય તો તે એ જ છે કે એનું સંગીત સાંભળવું, અને તે પણ આપણું હૃદયતંત્ર, સમગ્ર સંવિત્તંત્ર એના ઉદ્ગારને તત્કાલપૂરતું પણ અનુકૂળ રીતે ગોઠવીને સાંભળવું. આ સિવાય એ સંગીતી માટે – એ કલાકાર માટે આપણે ભાગ્યે જ કાંઈ કરી શકીએ. બીજું કાંઈ પણ આપણું આપ્યું એને કલાકારને તો નકામું જ છે. આમ વિચારતાં આપણે એક પ્રશ્નનો ઉત્તર કાંઈક મેળવી શકીશું. સર્જન પાછળ કલાકારનો જે કોઈ હેતુ હોય તો તે એ હોવા સંભવ છે કે એ સામા માણસમાં સમ-સંવેદન માગે છે. કલાકારની કોઈ એષણા હોય તો તે એટલી જ કે કોઈ મને સમજે. પોતાના મનની વાત એ સંક્રાન્ત કરવા પ્રવૃત્ત થાય છે તે એ આશયથી કે પોતાને બીજાઓ સમજવા પ્રયત્ન કરે, અને આ માત્ર અંગત આશય નથી. કલાકારને – કવિને કલ્પનાબળે જીવનના અનુભવો સહજમાં થાય છે અને એની પાછળનું સત્ય પણ એને સહજમાં પ્રતીત થાય છે. જીવનની આ સમજણ (અથવા આપણો બીજો સુંદર શબ્દ વાપરું તો ‘સૂઝ’) જેવી પોતાને છે તેવી બીજાઓને પણ પ્રગટે એવી એની હૃદયની વાંછના હોય છે. ખરું કહીએ તો, માત્ર કલાકારને જ શા સારુ? – માણસમાત્રને આ જાતની –પોતાને કોઈ સમજે એવી એષણા હોય છે. પણ પોતાને જે સત્ય સૂઝે છે તેને સૌંદર્યમંડિત કરી અન્ય માણસમાં પહોંચાડવાની કવિ પાસે વિશિષ્ટ રીત છે અને કવિ જે સંક્રાન્ત કરે છે તે સામાન્ય માણસની માફક પોતાની અંગત વસ્તુઓ નહિ પણ જીવનનો સર્વગ્રાહી અનુભવસાર હોય છે એ ૫ણ કવિની બાબતમાં બીજી વિશેષતા છે. ભાવક કવિનું કાવ્ય ગ્રહણ કરી સમસંવેદન પામી શકે ત્યારે એના આત્માની સંતૃપ્તિ પણ કવિના જેવી જ હોય છે. પોતાને કોઈ સમજનાર છે અથવા હતો એવા ભાનથી, પોતાને અન્ય કોઈ સમજે એવી એની વૃત્તિ પણ પોષાય છે. સર્જક-ભાવકના આવા હૃદ્ય સંયેાગ અત્યંત વિરલ નહિ, પણ તોયે જનતાવ્યાપી તે કદાચ ન પણ હોય. સર્જકને ભાવકોના અસ્તિત્વનું ભાન અત્યંત આવશ્યક છે. પણ ભાવકોની સંખ્યાથી એને નિસબત નથી, કારણ કે એ તો જાણે છે જ કે પોતાના કાવ્યાનુભવમાં પોતે સમગ્ર પશુપક્ષી મનુષ્યની ચેતન તેમ જ જડ સૃષ્ટિ સાથે તાદાત્મ્યમાં રમતો હોવા છતાં ઉદ્ગાર તો ઘણું ઘણું ત્યારે મનુષ્યોને જ પહોંચાડી શકે છે. અરે, પોતાના કાવ્યને પ્રેરણા દેનાર કોકિલ કે કમલને પોતે એક શબ્દ સમજાવી શકે એ સ્થિતિમાં નથી હોતો. મનુષ્યોમાં પણ આગળ જોયું તેમ, ભાષાબંધન વગેરેને લીધે ઘણા જ અલ્પ સમુદાયને એ સંબોધી શકે છે અને તેવા સમુદાયમાંથી પણ ભૂતકાલનાને તો એને ચૂપચા૫ બાદ જ કરવા પડે છે. દયારામ નરસિંહને કે નાનાલાલ દયારામ અને નરસિંહને એક શબ્દ પણ સંભળાવી શકે નહિ એવી અફર સ્થિતિ હેાય છે. સમકાલીનોમાંથી કે ભવિષ્યનામાંથી સૌને જ પોતે પહોંચી ન શકે તો કલાકાર એનો ઓરતો રાખે નહિ. બે કારણથી. એક તો રુચિભેદને લીધે આદર્શ-શિક્ષિત સમાજમાં પણ પોતાની કલાને માટે રુચિ જ નહિ એવા માણસો થોડાઘણા રહેવાના જ એ સંભવ એના ખ્યાલ બહાર હોતો નથી. અને બીજું : આ નિરવધિ વિવિધતાવાળા જીવનમાંથી પોતે બધાના જ આત્મિક અનુભવને સમૃદ્ધ કરી શકે કે કેમ એને વિશે પણ એના નમ્ર (કારણ કે જાણકાર) હૃદયને હંમેશાં સંશય રહે છે. એ જેમ જાણે છે કે તળાવમાં પડેલી ભેંસ કે ધૂંસરીમાં જોતરાયેલા બળદનું, કિલ્લોલતા બુલબુલ કે રડતા લવારાનું મનેાગત પોતે પૂરેપૂરું સમજી શકે એમ નથી, તેમ માણસની પણ આનંદ કે વિષાદની સર્વ કોઈ ૫રિસ્થિતિઓ પોતાને મનોગમ્ય નથી એ પણ એની જાણમાં છે. છતાં કવિતા હંમેશાં, માણસને લાગેવળગે છે ત્યાં સુધી તો, અનુભવનું સર્વસાધારણ ધોરણ સર કરવા ઉપર જ હોય છે. તેમ છતાં બધામાં જ સમસંવેદન ન જાગે તો તેથી કવિ હતાશ થતો નથી, કેમકે હમણાં જોયાં તેવાં કારણોથી એમ થવાનું જ. ઉપરાંત જગતની ૨ચના જ એવી છે કે પરસ્પરને સમજનાર તો ઠીક પણ સમજવાની દાનત રાખનાર પણ ઓછા જ હોય (પ્રેમ અને કવિતા જેવાં લોકોત્તર તત્ત્વ અભેદ સ્થાપવા નિરંતર પ્રવૃત્ત હોવા છતાં). કવિની બાબતમાં કેટલીક વાર સમકાલીનોમાં પોતાને યોગ્ય પ્રતિશબ્દ મળતો નથી તે એ નિરવધિ કાળ અને વિપુલા પૃથ્વી પર વિશ્વાસ રાખી ભવિષ્યમાં કોઈ ‘સમાનધર્માર્’ પાકશે એ શ્રદ્ધા પર જીવે છે. ભવભૂતિની સમાનધર્મા માટેની શ્રદ્ધા પાછળ કલાકારની સમસંવેદન માટેની ઝંખનાનો સિદ્ધાન્ત ધ્વનિરૂપે એણે મૂક્યો ન હોય એમ લાગે છે. ભવભૂતિને કાવ્ય વિશે સિદ્ધાંત ઘડવાની ટેવ પણ છે, ‘એકો રસઃ કરુણ એવ’ કહેનાર પણ એ જ કવિચિંતક...પ્રસ્તુત વાત કરીએ તો સમકાલીનો વિશે કવિ પ્રતિશબ્દ માટે લાપરવાહ રહે પણ પોતાના સર્જનમાં તો સમકાલીનો પાસેથી ઘણું સ્વીકારે છે. અતીતના વારસાનો પણ એ ઉપયેાગ કરે છે. ૫ણ ભૂતકાળમાંથી સારવેલાં સત્યોનો તાળો મેળવવા માટે – આંતરપ્રતીતિ મેળવવા માટે એને સમકાલીનોના જીવન તરફ દૃષ્ટિ કરવી પડે છે. એ રીતે, સમકાલીનો પોતાને કલાકારના ઋણી ગણવા ન પ્રેરાય તો ભલે, કલાકાર તો પોતાને સમકાલીનોનો ઋણી ગણે જ અને તેમની પાસેથી મળતા બિંદુએ બિંદુનો કંજૂસની પેઠે સંચય કરતો કરતો બ્રાઉનિંગના શબ્દોમાં કહે :
O human faces, hath it spilt, my cup?
What did you give me that I have not saved?
હે માનવીમુખો!
ઢોળાયો છે એ શું–મારો કટોરો?
એવું તમોએ મુજને શું દીધું,
જે સાચવ્યું ના જતને કરી મેં?
અલબત્ત, પ્રાણનો પ્યાલો એ રીતે ભરી લીધા પછી એમાંના પદાર્થને પોતાની પ્રતિભાને બળે અમૃતસ્વરૂ૫ આપી પાછો જગતને ચરણે ધરે ત્યારે જ કવિધર્મ પૂર્ણપણે તો બજાવ્યો ગણાય. તો, કલાકારને સમકાલીનો કે ભાવી રસિકો જે કાંઈ પણ અનુકૂળતા આપી શકે એમ હેાય તો તે એને સમજવા પોતે પ્રયત્ન કરે, સમસંવેદનશીલતા દાખવે, એ સિવાય ભાગ્યે જ બીજી કાંઈ હોય. યશ, અર્થ, બધું જ કલાકારને તો નિરર્થક છે. એનો અર્થ એ નથી કે સમાજે એને એ વસ્તુ ન જ આપવી, અથવા એને ન પહોંચે એની સંભાળ રાખવી અથવા કલાકારે પણ અનાયાસે અને પ્રમાણિકપણે મળે તો જતી કરવી. એનો અર્થ એટલો જ છે કે કલાકારને પોતાને સમકાલીનો કે ભાવી રસજ્ઞો પાસે સમસંવેદનશીલતા સિવાય બીજું કશું માગવાનો હક નથી; એનો અર્થ એટલો જ કે રસજ્ઞો પણ કલાકારને કાંઈ આપવા જ માગતા હોય તો તેઓ આપી શકે એવી ઉત્તમોત્તમ વસ્તુ પણ બેશક એ જ એક છે. સમસંવેદનશીલતાથી મુદ્રિત એવું પ્રતીક હું આપની પાસેથી આજે મેળવવા ભાગ્યશાળી થાઉં છું એ શ્રદ્ધાથી આપનો ફરીથી હૃદયપૂર્વક આભાર માનું છું. અને છેલ્લે : કવિતા જ્યારે કોઈ એક કાવ્યમાં ઊતરવા મથે છે ત્યારે તે સર્વાંશે ઊતરી શકતી નથી. કવિનું સમાધિ-અવસ્થાનું દર્શન તે વર્ણન વખતે સાંગોપાંગ રેખાંકિત થવું સર્વથા શક્ય નથી. એટલે વ્યક્તિગત રીતે કોઈ કલાકારનું મહત્ત્વ ન કરવું એ જ ઉચિત છે. આ અદના કાવ્યકાર દ્વારા અને જે સાહિત્યવીરના સ્મરણ માટે એને અહીં ઊભા રહેવાની તક આપી છે એની દ્વારા રાજશેખર જેને કાવ્યપુરુષ કહે છે અને જે સૌ ભાષાઓમાં રસનું સિંચન કરી રહ્યો છે તે કાવ્યપુરુષને જ આપણું અભિવાદન હજો.
ઑૅગસ્ટ, ૧૯૪૦
પાદટીપ :
- ↑ ગુજરાત સાહિત્ય સભાના ૧૯૩૬ના સ્વ. રણજિતરામ સુવર્ણચંદ્રકપ્રદાન પ્રસંગે (તા. ૨૫-૮-૧૯૪૦) આપેલો ઉત્તર.
Lua error in package.lua at line 80: module ‘strict’ not found.