સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – મણિલાલ દ્વિવેદી/કવિશ્વર દલપતરામ ડાહ્યાભાઈ સી.આઇ.ઇ.

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઇ સી. આઇ. ઇ.

ગૂજરાતે એક અવાજે પોતાના કવીશ્વરરૂપે સ્વીકારેલો તારો આજે આપણી દૃષ્ટિથી અસ્ત પામે છે. તેના જેવી નોધ ઇતર જનોનાં પ્રયાણની નોધ જેવી નથી. કવિ પોતાના સમયનું પ્રતિબિંબ હોય છે, પોતાના સમય કરતાં આગળનો સમય જોનાર પેગંબરો કે કવિઓ પણ પોતાના સમયનું પ્રતિબિંબ નથીજ હોતા એમ નથી. સમષ્ઠિમય કવિરત્નનો અસ્ત એ, કોઇ એક વ્યક્તિના અસ્ત કરતાં વધારે બોધક હોવો જોઇએ. અને એટલાજ માટે અમોએ કવીશ્વરની ખોટને માટે શોક દર્શાવી, તેમનું સ્થાન લેનાર કોઇ નથી એને માટે એથી પણ અધિક ખેદ દર્શાવી, કેટલીક પ્રાસંગિક કે અપ્રાસંગિક ચર્ચામાં ઉતરીએ તો તેમાં શિષ્ટાચારનો ભંગ થયો ગણાશે નહિ. પુરુષપ્રયત્ન શું કરી શકે છે તે વિચારીએ, નીતિ અને ચારિત્રની એકાગ્રતાથી કેવું પૂજ્યત્વ આવે છે તે ધ્યાનમાં લઇએ, પોતાના નિર્વાહના કર્તવ્યમાંથી પણ પરમાર્થ સિદ્ધ કરવાને મથવાનો આગ્રહ અવલોકીએ, ગૂજરાતમાં વાચન અને કાવ્યનો કાંઈ પણ શોખ ઉપજાવવાનો વિદ્યાદાનનો રસ લક્ષમાં રાખીએ, અને તે સર્વ સાથે તેમનાં કાવ્યના ચમત્કારની ખુબી પણ અનુભવમાં આણીએ ત્યારે કવિ દલપતરામ એ નામ કવીશ્વર કે એથી પણ વધારે પૂજ્યતા સાથે આપણા સ્મરણમાં રહેશે. કવીશ્વર જે સમયમાં વિચરતા હતા તે સમય અર્વાચીન ગુજરાતી સાહિત્યનો આરંભકાલ હતો. શાલાઓની યોજના તેમ શાલાઓમાં ચલાવવાનાં પ્રત્યેક વિષયનાં પુસ્તકોની યોજના એ બધું નવુંજ આરંભાતું હતું. આપણે એક પ્રકારની માનસિક નિદ્રામાંથી જાગતા હતા અને જગાડનારનો પરમ ઉપકાર માની તેમાં પૂજ્યના પૂજનમાંજ કૃતાર્થતા સમજતા હતા. આજને સમયે સંસાર, ધર્મ, જીવન, ઇત્યાદિ સંબંધે ગુજરાત કે આખા દેશના આગળ જે જે ભાવનાઓ છે તે બધી તે વખતે ન હતી. ગૂજરાતના ચારણોની વાતોને રાસમાલા રચવાને અર્થે સાંભળવાનો રસ લાગતાં દલપતરામને પાસે રાખી ગુજરાતી કાવ્યનો પણ કાંઇક ઉદ્ધાર કરવાનો આદર સર અલેકઝાન્ડર કિન્લોક ફાર્બસને થઇ આવ્યો. તેમને દલપતરામના અને ગૂજરાતના ભોજની ઉપમા આપીએ તો અયોગ્ય નહિ ગણાય. પરંતુ એમણે ભાટ ચારણોની કવિતા ઉપરાંત માત્ર દલપતરામની કવિતાનેજ ઉત્તેજન આપ્યું, તેજ સાંભળી અને વખાણી. જુના કવિ, ભાલણ, દયારામ, અખો, પ્રેમાનંદ, શામળ આદિનાં કાવ્યોનો ઉપયોગ ‘કાવ્યદોહન’ માં થયો છે તે કરતાં વધારે ઉપયોગ તેમનામાં તેમણે દીઠો નહિ. અંગરેજીમાં બોધક (Didactic) અને સ્વભાવોક્તિમય (Narrative) કાવ્યો હોય છે તેનો તેમને ઉત્તમ કાવ્યરૂપે રસ લાગ્યો હોય એ સંભવિત છે, એટલે તેમણે દલપતરામનાં તે પ્રકારનાં કાવ્યોને પસંદ કર્યાં, અથવા અમને તો એમ ભાસે છે કે ફાર્બસ સાહેબે પોતાની કાવ્યભાવના દલપતરામને શીખવી. વાચનમાલાની રચના થઇ તેમાં પણ મહેરબાન સાહેબનો અભિપ્રાય સર્વને માન્ય થવા જેવું ધારણ હતું. તે પુરુષ આ દેશની કેળવણીની સ્થાપના કરવામાં દેશકાલાનુસાર મહોટો ભગીરથ પ્રયત્ન કરી ગયા છે; તેમના લગ્નમાં અંગરેજી `રીડર્સ’ ની ભાવના રહેલી, તેમાંનાં સ્વભાવ વર્ણનરૂપ કે બોધક કાવ્ય જેવાંજ કાવ્યો આ દેશની વાચનમાલામાં પણ આવવાં જોઇએ એ તેમનો ઉદ્દેશ રહેલો. એટલે જેમ એક પાસાથી ફાર્બસ સાહેબે તેમ બીજી પાસાથી હોપ સાહેબે પણ દલપતરામને બોધક અને સ્વભાવોક્તિમય કાવ્યોની પદ્ધતિ શીખવવા માંડી. કાલાન્તરે ગૂજરાત વર્નાકયુલર સોસાઇટીમાં રહી ગૂજરાતી સાહિત્યને સ્વરૂપ આપી શકાય તેવી સ્થિતિ થઇ, શાલાઓમાં ગૂજરાતી કાવ્યના શિક્ષકરૂપે કાવ્યભાવનાની ઉત્તમોત્તમ સ્થાપના કરવાનો ભાગ્યશાલી સમય આવ્યો, ત્યારે તો કવિ એટલી વયે પહોંચ્યા હતા કે જ્યારે ઘણું કરી મનુષ્ય માત્ર પોતાના અભિપ્રાયો તુરત બદલી શકે એવી સ્થિતિમાં હોતું નથી. ગૂજરાતને વાચન અને કાવ્ય સ્વરૂપનો કાંઇક પણ સ્વાદ લગાડનાર રૂપે દલપતરામને આપણે જેટલું માન આપીએ તેટલું ઓછું છે, પણ જે કાવ્યભાવના એમણે અને એમના અનુયાયીઓએ ગૂજરાતને આપી છે, અને છેવટની કરીને આપી છે, તેટલીજ તેમના કવિત્વમાં હતી કે વધારે હશે? એ પ્રશ્ન થાય છે; તેમજ કાવ્યભાવનાનો પરમાવધિ એજ છે? એમ પણ પ્રશ્ન ઉઠે છે. ફાર્બસ અને હોપ સાહેબના ભાષા અને કાવ્યના ધોરણ પ્રમાણે કાવ્યતરંગને વહેવા દેવાની દલપતરામની પ્રકૃતિ જોતાં એ પ્રશ્નનો નિર્ણય કરી શકાય તેમ નથી કે દલપતરામ છે તે કરતાં વધારે ઉત્તમ પ્રતિભાને પાત્ર હતા કે નહિ. પરંતુ એ પ્રશ્નનું ઉત્તર આપવામાં તો ઘણ સુજનો એકમત થશે કે કાવ્યભાવનાની પરમાવધિ તે દલપત કાવ્યજ નથી. પણ આ વાર્તા અત્યારે આપણેજ કહેવી પડે છે એમ નથી. દલપતરામના પોતાના સમયમાં, વાચનપ્રકારની અને કાવ્યભાવનાની ટંકશાલ ચાલતી હતી. તેવામાંજ, મુંબઇ અને સુરત તરફ એક વિદ્વાન્ મંડલ પોતાની નવીજ ભાવનાએ વાચન અને કાવ્યના પ્રવાહને દોરવા યત્ન કરતું હતું. સંસ્કૃત વિદ્યાના સંસ્કાર પામી તેના કાવ્ય ચમત્કારનો ભક્ત થયેલો, ટેનીસન, શેલી અને બાયરન શેક્સપીઅરથી તે મિલ્ટન અને કાઉપર સુધી કાવ્ય પ્રતિભાને ઓળખતો, અંગરેજી ઉપરાંત જર્મન, ફ્રેંચ, લાટિન, ગ્રીક, સાહિત્યમાં વિહરતો, કાલિદાસ, શૂદ્રક, જયદેવ, આદિનો રસ પોતાના દેશીઓને ચખાડવા યત્ન કરતો, અને દેશી યુવકોને રસની ઉત્તમોત્તમ ભાવના શીખવવાનો જ ધંધો કરતો, ડાક્ટર હોરેસ હેમન વીલ્સન, એ મંડલનો સહાય અને પ્રેરક હતો. તે મંડલ ઉપર તેની છાપ પડી હતી. બુદ્ધિવર્ધક, ડાંડીયો, એ નામનાં પત્ર કાઢી, બુદ્ધિવર્ધકસભા સ્થાપી, અનેક ગ્રંથો લખી, તેઓ જે પ્રયત્ન કરતા, વાચન અને કાવ્યની જે ભાવના ગૂજરાતને આપવા ઇચ્છતા તેનું સ્પષ્ટ આદર્શ કવિ નર્મદ જેવો તેમનો પરમપૂજ્ય અગ્રણી હતો. સંસ્કૃત સાહિત્યતા સર્વસ્વનો થોડો ઘણો પણ સ્વાદ લેઈ. દયારામભાઈ જેવા કવિને અંધકારમાંથી બહાર લાવવાનો યત્ન કરી, અંગરેજી કાવ્યસાહિત્યનો પણ વિહારી, અતુલ બલવતી પ્રતિભાવાળો, એ પુરુષ નવીજ જાતનું કાવ્ય ગૂજરાતને સંભળાવવા લાગ્યો. એ પણ કાવ્યભાવનાનો પરમાવધિ છે એમ કહેવાનો આગ્રહ કરવાનો હેતુ રાખ્યા વિના પણ એમ કહી શકાય કે દલપતશાહી કાવ્યભાવના કરતાં આ નર્મદશાહી કાવ્યભાવના વાસ્તવિક કાવ્યભાવનાની વધારે સમીપ હતી. વળી આ નર્મદપક્ષનું સુભાગ્ય હતું કે એ પક્ષમાં નર્મદાશંકર ઉપરાંત બીજા પણ બે ચાર સારા લેખક હતા. દલપતરામના પક્ષમાં તેમના વિના અન્ય સારા લેખકો તેમના સમયમાં એટલે કે જે સમયે તેઓ ગુજરાતને પોતાની કાવ્યભાવના શીખવતા હતા તે સમયમાં ઝાઝા હતા નહિ. બન્ને પક્ષની ભાવનાઓની તુલના કરનારાં ભાષણો, વ્યાખ્યાનો, ચર્ચાપત્રો, અને રમુજી નકલો સુદ્ધાંત પણ આપણને જુના બુદ્ધિવર્ધક અને બુદ્ધિપ્રકાશની ફાઇલોમાંથી મળી શકશે. કોઇ પણ બે કાવ્યમાંથી કીયું સારું ને કીયું નહિ, એકના એક પુરુષનાં રચેલાં બેમાં પણ કીયું સારું ને કીધું નહિ એ કહેવું અતિશય કઠિન છે. જોનારની પોતાની રુચિ અનુસાર તેને સારુ નહિ–સારું લાગે એ કારણ ઉપરાંત મુખ્ય કારણ એવું છે કે પ્રત્યેક કાવ્યને પોતપોતાનીજ ખુબી હોય છે, વખતે બીજા સાથે સરખાવી શકાય એવો સાધારણ ધર્મ જેમાં ન હોય તેવી પણ ખુબી હોય છે. આમ હોવાથી કાવ્યત્વની એક અમુક ભાવના સાથે મેળવવાથી જેનું કાવ્યત્વ સિદ્ધ થાય તે સારું કાવ્ય એવો શિષ્ટસંપ્રદાય છે. પરંતુ એ કાવ્યભાવનાએ પાછી સહૃદયવેદ્ય છે, અને સહૃદયત્વ સર્વને હોતું નથી એ દુર્ભાગ્ય છે. એટલે દલપતશાહી કે નર્મદશાહીની ઉત્તમતા અધમતાનો નીકાલ ન થઇ શક્યો ત્યારે સામાન્યજનો જેમ એક ગુણને બીજી ખામીથી હલકો પાડવા ઇચ્છે છે તેવી, સંભારતાં પણ અતિ શોચ કરાવતી, પદ્ધતિએ એ તુલનાનો ન્યાય થયો જણાય છે. એ પદ્ધતિજ જાણે ખરા પ્રશ્નનો નિર્ણય કરી શકતી હોય, પાત્રની અન્ય પ્રકારની ખામીને પાત્રસ્થિત વસ્તુના અન્ય પ્રકારના ઉત્કર્ષમાંથી કાંઈક ઉણુ કરી શકવાનું ધોરણ જાણે સત્ય હોય, તેવા ઉદ્ગારોનાં કાવ્યો પણ એક અથવા બીજા પક્ષે ગાળાગાળી કર્યાં જેવાં ગાયાં છે. તેમનાં નામ નિર્દેશ કરવો અત્ર આવશ્યક નથી. દલપતરામ ગ્રહણ કરનાર, નર્મદ આપતાર હતો. સ્વચ્છ કાચમાં પડતા પ્રકાશને દર્શાવનાર દલપતનું હૃદય, પ્રકાશ પડતાંજ ભભુકી ઉઠતા સૂર્યકાન્ત જેવા નર્મદહૃદયથી જુદુજ હતું. દેશકાલ અને અધિકારીને વિચારી વિચારી કાવ્યતરંગને મર્યાદામાં રાખવાનો યત્ન કરનારા દલપતરામ અને કાવ્યપ્રતિભાના સ્વતંત્ર સ્વરૂપને દેશકાલનિરપેક્ષ પ્રાપ્ત કરવાના અભિલાષી નર્મદાશંકર એમની વચ્ચેનો તફાવત તુરતજ સમજાઇ શકે એવો છે. અમદાવાદમાં રહી ગૂજરાતી સાહિત્યનો ઉદ્ભવ કરાવનાર ગૂજરાતના ભોજ સર એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસના હાથ નીચે ગૂજરાતના ગ્રાહક કવિને હાથે જ્યારે આટલું બધું કરાવી શકાયું છે ત્યારે મુંબઇમાં એજ ભોજના આશ્રયથી સ્થપાયેલી ફોર્બસ સભા "રાસમાલા"-ના ભાષાંતર કરતાં વધારે સંગીન કામ કરી શકી નથી. કારણ સ્પષ્ટ જ છે. અમદાવાદમાં બધા ગ્રહણ કરનારા પંડિતો હતા. મુંબઈમાં તો કાંઇક પણ આપવાના ઉન્માદમાં ચઢેલા પંડિતો હતા. ગ્રાહકોએ જે જે ગ્રહણ થયું તે તે લખ્યું અને ગાયું, અર્પનાર તેનો તે છતાં જે ગ્રહણ કરવા નહિ પણ સામા અર્પવા તૈયાર હતા તેમણે તેની વાંસળીના નાદ પ્રમાણે પદવિન્યાસ ન વિસ્તાર્યો. આ રીતે પણ આ બે પક્ષનો તફાવત ખુલ્લો છે. નર્મદાશંકર અને દલપતરામ એ બે શરીરોને ન ઓળખનાર, એ બે શરીરને અંગે જે જે સંબંધી, સહાય, મિત્ર મંડલો આદિ હતાં તેમનું લેશ પણ ભાન ન પામેલો, કોઈ વિદેશી સહૃદય આ બેની કૃતિને વિલોકે તો વાસ્તવિક પ્રતિભાના પ્રદેશ ઉપર નર્મદાશંકરનું છે તેટલું દલપતરામનું લક્ષ નથી એમ તે તુરતજ કહી શકે. પણ આપણા દેશમાં તે સમયે જે વિવાદ ચાલ્યો હતો તેમાં આવો નીવેડો થઇ શકયો નથી. જે નર્મદાશંકરમાં હતું, તે દલપતરામમાં ન હતું. દલપતરામમાં હતું તે નર્મદાશંકરમાં ન હતું પરંતુ તે એકના એક કાવ્યના કે લેખનના વિષયમાં હોત તો તુલનાનો અવકાશ ઠીક હતો, એકલી કાવ્યયોજના પરત્વે જે નર્મદમાં હોય તે દલપતમાં ન હોય અને દલપતમાં હોય તે નર્મદમાં ન હોય તો તો કવિપદ ઉપર ઉભયનો સમાન અધિકાર થઇ શકે પણ આ જુદે જુદા વિષયમાં એકમાં હતું તે બીજામાં ન હતું. એમ સમજવામાં હતું, અને તેવી સમજણને આધારે કાવ્યત્વમાં આ બે પુરુષોની તુલનાનો ન્યાય જનસમાજે આપવા યત્ન કર્યો. નર્મદાશંકરની વૃત્તિ ઉદ્ધત, ઉચ્છૃંખલ, સ્વતંત્ર છે એટલે તેનું ચારિત્ર અને તેમની નીતિ પણ, જેને સંપૂર્ણ માનવાનો પ્રચાર પડેલો છે તેવી સંપૂર્ણ નથી, દલપતરામની વૃત્તિ સુશીલ, નિયમિત, સર્વને રંજન કરવાની છે એટલે તેમનું ચારિત્ર અને તેમની નીતિ સંપૂર્ણ નીતિપદ્ધતિના તે સમયે માન્ય થયેલા ધોરણ પ્રમાણે ઉત્તમ છે. આવી એક સરખાવટ ઉભી કરીને એમ પણ સ્વીકારી લેવામાં આવ્યું કે નર્મદની કવિતા અને તેના લેખ વાંચવાથી અનીતિની વૃદ્ધિ થાય છે. દલપતની કવિતા અને તેના લેખ વાંચવાથી નીતિને પુષ્ટિ મળે છે. "ભાઈ બહેન સાથે બેશીને વાંચી શકે એવી દલપતરામની કવિતા છે” એ દલપતરામને ઉત્તમ કવિ કહેવાનું અને "ભાઈ બહેન સાથે બેશીને ન વાંચી શકે એવી નર્મદની કવિતા છે" એ નર્મદની કવિતાને ઉતરતી પંક્તિની કહેવાનું ધોરણ આ પ્રકારે ઉપજાવી લેવામાં આવ્યું. `સુધારો’ એ નામની જે નવીન ભાવનાએ કાંઈક સમય ગૂજરાતનું સામ્રાજ્ય ભોગવ્યું તેના તો આ બન્ને પક્ષવાળા પરમભક્ત હતા. ડૉક્ટર વીલ્સનને કે ફારબસ સાહેબને કે હોપ સાહેબને ‘સુધારો’ તો પરમપ્રિય હતોજ, નર્મદ અને દલપત બન્ને સુધારાનાજ કવિ હતા. પણ સર્વનું રંજન કરનાર, ગ્રહણ કરીને પ્રતિબિંબ ઉપજાવાર દલપત જ્યારે સુધારાને સાર “ધીમે ધીમે સમજાવતા" હતા, ત્યારે "મહારાજ લાઇબલ કેસ"-માં, ધર્મને નામે ચાલતી અનીતિને ખુલ્લી પાડવામાં યાહોમ કરી વિજયી થયેલા સુધારા–મંડલનો કવિ નર્મદ "યાહોમ કરીને" આગળ પડવાનીજ બાનીથી પોતાના દેશીઓને બરદાવતો હતો. વિચાર અને આચાર વચ્ચે અંતર રહે તો ગમે તેવા વિચારો પણ શ્રોતાને અસર કરી શકે નહી એવી જે જે ભાવના ઉદાર હૃદયોમાં રહે છે તે નર્મદ અને નર્મદના પક્ષની ઇષ્ટદેવતા હતી; વિચાર કરતે કરતે, સર્વનાં મન મેળવતે મેળવતે, સમય આવે ને સર્વે કરવા તૈયાર થાય ત્યારે, વિચાર પ્રમાણે આચાર કરવો, એવી જે ભાવના સંભારને સંસાર કરતાં અધિક કરવાની ઇચ્છા છતાં કાર્યબલ અને સાહસના અભાવવાળાં હૃદયો ગણગણ્યાં કરે છે તે દલપત અને દલપતના પક્ષની સમાધાનમૂર્તિ હતી. સુધારો અને સુધારાનો ઉપદેશ ખોટો છે. કારણકે તે ઉપદેશ કરનારજ તે પ્રમાણે વર્તતા નથી એવી જે સામાન્ય ઉક્તિ તે સમયે સુધારાની સામે લાવવામાં આવતી હતી તેને તેવું બોલનારના મોઢામાં પાછી ઘાલવા સુધીનાં સાહસ અને સ્વાર્પણ નર્મદ અને નર્મદના પક્ષમાં હતાં. તેણે પોતેજ નાત, જાત, કુટુંબ, આદિ અનેક લાભોનો ભોગ આપી, પરણેલી સ્ત્રી વિદ્યમાન છતાં, પુનર્લગ્ન કરી બતાવી, સુધારાના ઉપદેશને પોતે સંપૂર્ણ રીતે સત્ય માને છે એમ સિદ્ધ કરી બતાવ્યું હતું. દલપત અને દલપતના પક્ષમાં આ પરાક્રમનો અંશ પણ હતો નહિ. એક કવિનું જીવન પણ જ્યારે કવિતા હતું ત્યારે બીજા કવિનું જીવન તો વ્યવહારરૂપ રહ્યું હતું. મન કર્મ અને વાણીની એકતા જે કાલે જે માનવું તેજ બોલવું અને તેજ કરવું એવો મહાજનોની મહત્તાનો જે રાજમાર્ગ, કવિઓનું કવિત્વ, તેનાથી દલપત અને તેનો પક્ષ વિમુખ હતા. વિમુખ હતા એટલે તે માર્ગને ખોટો કહેતા હતા કે માનતા ન હતા એમ ન હતું, પણ તેવેજ માર્ગે આચરણથી વિચરવાનું સાહસ તેમનામાં નહતું. કવિ તો બન્ને હતા; પાંડિત્ય, પ્રતિભા અને જીવન જોતાં નર્મદને કાવ્યના પ્રત્યક્ષ રસરૂપ હરકોઇ સહૃદય સ્વીકારી લે તેમ હતું; દલપતમાં તેવો ધ્વનિ પણ સમજાય એમ નહતું. આવી અસમાનતાનો ન્યાય કરવાનો હતો અને તે ન્યાય, આ દેશના દુર્ભાગ્યે, દલપતના પક્ષને હાથે થવાનો હતો. તેજ સરકાર સુધી લાગવગવાળા હતા, કેળવણીખાતાની નવી વ્યવસ્થામાં અગ્રભાગ લેનારા હતા. ન્યાય અપાયો, નર્મદ અનીતિવાળો છે દલપત નીતિવાળો છે, માટે નર્મદ સારો કવિ નથી, દલપત કવીશ્વર છે, એ ન્યાયને સરકારની પણ મહોર છાપ લાગી ગઈ અને કવીશ્વર દલપતરામને સી. આઇ. ઇ-નો માનવંતો ઇલકાબ આપવામાં આવ્યો. આ ન્યાયની સામે યુદ્ધ ચલાવવાને નર્મદના પક્ષના આગ્રણીઓ જીવતા રહ્યા નહિ, નર્મદ પોતે પણ ઉત્તરાવસ્થામાં સાત્ત્વિક થઇ એવા વાક્-કલહમાં ઉતર્યો નહિ. પણ મન કર્મ વાણીની એકતાના ઉપાસક એ મહાન હૃદયને જે વિચાર વિપર્યય તેની ઉત્તરાવસ્થામાં થયો તે કેવો ભવ્ય, કેવો ચમત્કારિક, અને તેના દૃઢ નિશ્ચયને લીધે કેવો અસરકારક નીવડ્યો તે જાણવાને એટલુંજ લક્ષમાં લેવું પૂર્ણ થશે કે તેના ઉત્તરકાલના ધર્મવિચારો પછીજ પ્રાચીનભાવનાની ઉપાસનાનો પરમ વિસ્તાર આપણી ભૂમિમાં થતો ગયો છે. દલપતશાહીના વિસ્તારમાંથી કશી ભવ્યતા કે સસારતાનો જન્મ થયો નથી, ગૂજરાત વર્નાકયુલર સોસાઇટી સંશયાત્મક ઉપયોગિતાવાળાં ભાષાન્તરો અને નિર્જીવ અનુકરણો કરવામાંજ પોતાનાં સમૃદ્ધિ અને સાધનોને અ-અત્યાર સુધી પણ ગુમાવતી રહી છે, કેળવણી ખાતાની પવિત્ર ઠરાવેલી સીમાની અંદર એક ૫ણ અપૂર્વ લેખક નીવડ્યો નથી, ગૂજરાતી સાહિત્યે આ પચાસ વર્ષમાં જે કાંઇ વૃદ્ધિ કરી છે, જે કોઇ નવું સાહિત્ય અને કાવ્યબલ ઉપજાવ્યું છે. તે `સોસાઇટી’ અને ’ શાલા’ ના આશ્રય વિનાનાં સ્થાનોમાં રખડી, રઝળી, ભીખ માગીને ઉપજાવેલું છે. નર્મદ વીરે પોતાના કોશને આરંભે ગૂર્જરીને આપેલા આશિર્વાદની છાયામાંજ ગૂર્જર સાહિત્ય, લાગવગવાળા સુજનોના સત્કાર અને સેવન વિના પણ પુષ્ટ થયાં ગયું છે. આટલુંજ નથી પણ અનીતિની જે. આભડછેટથી કેળવણી ખાતાને ચોખું રાખવા યત્ન થયાં ગયો છે, કાવ્યસાહિત્યમાં પણ જે ભવને લીધે દલપતશાહી કરતાં બીજી શૈલીનો સત્કાર થયો નથી, તે બધું તો આપણાં બાલકો હવે નર્મદને હાથે નહિ, પણ નિર્માલ્ય, નિસ્તેજ, ખરેખરા દુરાચારી ગણવાને પાત્ર એવા કેટલાક હલકા નાટકકારોને હાથે બહુ સારી રીતે શીખવા લાગેલાં છે. આ રીતે વિચાર કરતાં `સુધારા’-માં ‘કે `સાહિત્ય’-માં એકમાં જીવનમાં કે કાવ્યમાં એકેમાં દલપતશાહીથી લાભ થયો નથી, નર્મદશાહીથી લાભ થયો છે; છતાં એક `અનીતિ,-શબ્દની છાપ મારીને કવિ નર્મદના કવિત્વને કવીશ્વર દલપતરામના કવિત્વ કરતાં હલકું ઠરાવવાનો અન્યાય થયો તે કીયા સાહિત્યવિલાસીને આજ પણ શરમમાં નહિ ડુબાવે ! કવીશ્વરનું સ્થાન લેનાર કોઇ નથી એમ કહી આપણે શોક દર્શાવીએ છીએ પણ તેવો સ્થાન લેનાર ઉપજાવવાનું સામર્થ્ય દલપતપક્ષમાં હતું નહિ, જ્યાં તેવું સામર્થ્ય હતું તેવા નર્મદપક્ષને આપણે હલકો પાડી ગુંગળાવી મારી નાંખ્યો; તો એ શોકને માટે આપણે આપણનેજ આશિર્વાદ દેવો જોઇએ; ગૂર્જરીનો શાપ એવો ન્યાય કરનારને માથે ઉતરવો જોઇએ. અને એ ન્યાય માટે અમે આટલી બધી દિલગીરી દેખાડીએ છીએ અને સહૃદયોને એ દિલગીરીમાં ભાગ લેવા નિમંત્રણ કરીએ છીએ તે એટલા માટે નથી કે દલપતરામને જે માન અને સમૃદ્ધિ મળ્યાં તે નર્મદાશંકરને રહી ગયાં કે નર્મદાશંકરને જે મળ્યું તે દલપતરામને રહી ગયું. નર્મદ પણ એક વાર મુંબઇના મુખનું પાન હતો, લક્ષ્મીની છોળોમાં વહેતો હતો; અંત સમયે, ઉદારતાથી નિર્ધનતામાં મૂકાયલો છતાં, પરમાનંદમાં હતો. પણ એવી વાતો તો એક ક્ષુદ્રગણના છે; એવી ગણના ઉપર લક્ષ રાખીને સાહિત્ય અને દેશહિતના પ્રશ્નોનો નિર્ણય થઇ શકતો નથી. લોકોનું માન અને તેથી પ્રાપ્ત થતી સમૃદ્ધિમાં પણ જે સુખ ન હોય તે બહુ વાર એકાન્તમાં, મિત્રોથી પણ ત્યાગ થયેલા એકાન્તમાં, પડી રહી પોતાની ભાવનામાં વિહરનાર નિર્ધન કવિને સહજે મળી રહે છે. વ્યક્તિને આ પ્રશ્નજ નથી. કાવ્ય અને વાચન, ભાષા અને શિક્ષણ કેવા ધોરણ ઉપર રાખવું, તેમનું ઉત્તમોત્તમ સ્વરૂપ કેવું સ્વીકારવું એ વિષયે જે ભાવના આખા દેશની દૃષ્ટિ આગળ ધરવામાં આવે તેથી જે લાભ હાનિ થાય તેના ઉપર લક્ષ રાખીને આ બધી ચર્ચા કરવામાં આવેલી છે. અને સરસ્વતીના સ્વતંત્ર સામ્રાજ્યમાં નીતિ અનીતિના પ્રશ્નો વચમાં લાવી સાહિત્યભાવનાને છેક દલપતશાહીના અતિ પ્રાકૃત ધોરણ ઉપરજ લાવી મૂકવી, તેજ છેવટનું અને ઉત્તમોત્તમ સ્વરૂપ છે એમ કહેવું, અને તે કહેવાનેજ છેક સરકાર સુધીથી સર્વમાન્ય ઠરાવવાનો યત્ન કરવો; એ સમય ગુર્જર ભૂમિની સાહિત્યસમૃદ્ધિને અપમાન આપવાનો, મારી નાખવાનો, અને ભ્રષ્ટ કરવાનોજ પ્રકાર છે એમ અમોને ભાસે છે. જગત જે નાના મહોટા પ્રકારથી ખરી વાતને ખોટી ઠરાવી શકે છે, ખોટીને ખરી ઠરાવી શકે છે, તેવા ધોરણથી કાવ્ય અને સાહિત્યના વિષયનો આ બે વ્યક્તિ વચ્ચે ન્યાય થયો તેથી જે દિલગીરી થાય તે કરતાં પણ એવા ન્યાયથી ગૂર્જરસાહિત્યને જે અપાર હાનિ થઇ છે તે માટે અનેકગણી દિલગીરી થાય છે. સાહિત્યનો વિષય પ્રપંચ અને જગતની પારનો છે. સંસારનાં તાજવાં અને કાટલાં બન્ને તેનું માપ કરવાને સમર્થ નથી; તેથી જ તેનું માપ થયું છે, ને તેમ થવાથી સાહિત્યને મહા હાનિ થઇ છે. સાહિત્ય, પાંડિત્ય, પ્રતિભા, ઈત્યાદિ સદ્ભાવોની પૂજાથી જનસમાજને અતુલ લાભ છે, ઉન્નતિનો માર્ગ જણાય છે, વિટંબના અને કલેશમય સંસારની અધમતામાં વિરામ અને સુખનો અવકાશ જડે છે. એ સત્ય સ્વીકારવાની સાથેજ એવું પ્રશ્ન થાય કે સાહિત્ય આદિની પૂર્ણતાની સાથે નીતિની પૂર્ણતા શું ન હોવી જોઈએ ? પ્રતિભામાં જે પૂર્ણતા છે તે નીતિ અને ચારિત્રની પૂર્ણતા સાથે રહી શકતી નથી ? રહેવી ન જોઇએ ? અને જ્યાં એ ઉભયે સાથે હોય ત્યાં આપણી પૂજ્યબુદ્ધિ વધારે થાય તેમાં યોગ્ય થતું નથી ? કવિ નર્મદાશંકર નીતિમાન્ હતા કે ન હતા, કવીશ્વર દલપતરામ નીતિમાન્ હતા કે ન હતા એ તે તે વ્યક્તિનો અંગત પ્રશ્ન છે, એ વિષયે કાંઇ પણ નિર્ણય કોઇથી પણ કરી શકાય એમ નથી; કોઈ પણ કરી શકે તો તે તે પુરુષોના જીવનચરિતને લખનાર પુરુષનું તે કામ છે. અનેક વાતો જેને લોકદૃષ્ટિએ નીતિ કે અનીતિ, ન્યાય કે અન્યાય માની હોય, તેની વાસ્તવિક હકીકત જ્યારે સર્વ પ્રસંગોનો વિચાર કરી તે તે વ્યક્તિને સ્થાને આપણે પોતે ઊભા રહી જોઇએ, ત્યારે થોડો પણ થઇ શકે છે. ત્યાં સુધી ગતાનુગતિક લોકમતમાં તણાઇ ગમે તેમ માનીએ તેથી તે તે વ્યક્તિના સ્વરૂપમાં કાંઈજ ફેર પડવાનો નથી, આમ હોવાથી આવા અગંત પ્રશ્નમાં ઉતરવાનું બાજુ ઉપર રાખતાં પણ આપણે કેટલોક સામાન્ય વિચાર કરી શકીશું. પ્રતિભાની પૂર્ણતા અને ચારિત્રની પૂર્ણતા એ બે સાથે હોવાં જોઇએ, સાથે હોય તોજ પૂજ્ય થાય, એ વાત એટલી બધી સર્વમાન્ય છે કે એનું પ્રતિપાદન કરવાની આવશ્યકતા નથી. જે પ્રદિપાદન કરવાનું છે તે એ છે કે જ્યાં પ્રતિભાની પૂર્ણતા હોય ત્યાં ચારિત્રની અપૂર્ણતા હોઇ શકે એવું લોકો માને છે તે ખોટું છે. લોકમત એવું છે કે પ્રતિભા અને ચારિત્ર ઉભયની પૂર્ણતા હોવી જોઈએ. અમારૂં માનવું એવું છે કે ઉભયની પૂર્ણતા સાથે સાથેજ હોય છે, એકની પૂર્ણતા વિના બીજાની પૂર્ણતા સંભવતી પણ નથી. જેનામાં પ્રતિભાની પૂર્ણતા નથી, ને તેથી, અમારા વિચાર પ્રમાણે ચારિત્રની પણ પૂર્ણતા નથી, તેનામાં તે ઉભયેની પૂર્ણતા છે એમ દર્શાવવાને પ્રતિભાની પૂર્ણતા સાથે ચારિત્રની પુર્ણતા હોવી જોઇએ એવી એક દલીલ ઉપજાવેલી છે. વસ્તુગતિ તો એવીજ લાગે છે કે જ્યાં પ્રતિભાની પૂર્ણતા સ્વીકારાઇ ત્યાં ચારિત્રની પૂર્ણતા સ્વીકારવીજ જોઇએ, પ્રતિભાની પૂર્ણતા અને ચારિત્રની પૂર્ણતા સાથે હોવી જોઇએ. અમુક નામાં ચારિત્રની પૂર્ણતા નથી, માટે પ્રતિભાની પણ નથી, એવો ન્યાય ખોટો નથી, પણ તેને ઉલટી રીતે લગાડીને આપણે એમ કહીએ કે પ્રતિમા પૂર્ણ છતાં ચારિત્ર પૂર્ણ નથી તો તે વાત યથાર્થ નથી. પ્રતિભાની પૂર્ણતા મનુષ્યપ્રકૃતિના જે અંશનું કાર્ય છે તેજ અંશનું કાર્ય તેના ચારિત્રની પૂર્ણતા છે. પ્રતિભાનું દર્શન ત્યારેજ થઇ શકે છે કે જ્યારે પ્રાકૃતજનસુલભ શંકા, ભય, સ્વાર્થ, કૃપણતા ઇત્યાદિમાંથી, મુક્ત થઈ મનુષ્ય પોતે પોતાને પણ ભુલી જાય એવી ઉદાર, ઉન્નત, સર્વમયતાનો ક્ષણ અનુભવે છે. ચારિત્રની પૂર્ણતા પણ એવા સ્વ અને સ્વાભિમાનને ભુલવાના ક્ષણોમાંજ સમજાય છે, એવી ક્ષણોમાં કરેલા નિશ્ચયોજ ચારિત્રને પૂર્ણ કરી શકે છે. સર્વમયતાના તે ક્ષયમાં જે અર્પણ થઇ જાય છે, પરાર્થે સ્વમાત્રનો ફૂલની આશા વિનાનો વ્યય થઇ જાય છે, તેજ ચારિત્રની પુર્ણતા છે. ચારિત્રમાત્રનું તત્ત્વ છે. મન વાણી અને કર્મની એકતા રૂપ જે માહાત્મ્યને ચારિત્રનો સાર કહેવામાં આવે છે તે આ હૃદયવિસ્તારમાંથી અને તે વિસ્તારે પ્રતિપદે બોધેલા સ્વાર્પણમાંથીજ સંભવે છે. તો જે હૃદય પ્રતિભાની પરિપૂર્ણ ઝાંખી પામવા જેટલો વિસ્તાર અનુભવી શકે છે તેજ હૃદય ચારિત્રને પૂર્ણ થતાં અટકાવનાર જે સ્વાર્થ સંકોચ અને કૃપણતા તેમાં બંધાઈ રહે કે કૃતાર્થતા માને એવું સ્વીકારવું’ સામાન્યબુદ્ધિમાં ઉતરી શકે તેવું નથી. અને પૂર્ણતા—પછી પ્રતિભાની ચારિત્રની કે ગમે તેની, તેનો જે ભક્ત છે તે અપૂર્ણતાને કેમ વરી શકે ? જેને સૌંદર્ય, રમણીયતા, કાન્તિ એવાં નામોથી તત્ત્વજ્ઞો વર્ણવી ગયા છે, જેનું નિર્વચન `પદે પદે નવીન થયાં જાય એવું’ કાંઇક એ કરતાં વિશેષ શબ્દોથી કરી શકાયું નથી, તેજ પૂર્ણતા છે; અંગની બુદ્ધિની, ચારિત્રની, લાવણ્યની, ભવ્યતાની. ભાવનાની પણ જે પૂર્ણતા છે તેજ સૌંદર્ય છે, તેજ પ્રતિભાવાનની ઉપાસ્ય છે. તો જે પ્રતિભાની પૂર્ણતાને ઉપાસે તે ચારિત્રની અપૂર્ણતાને ઉપાસે એવા સ્વીકારનો સંભવજ જણાતો નથી. છતાં પ્રતિભાવાન કવિ, શિલ્પી, ગાયક, જ્ઞાની આદિના આચારો જગતને અનેક વાર નિંદ્ય ભાસ્યા છે તેનો ખુલાસો શી રીતે કરી લેવો ? અમારૂં માનવું તો એવું છે કે જે પ્રતિભાની પૂર્ણતાને સમજે છે તેનામાં ચારિત્રની અપૂર્ણતાનો સંભવ નથી; નીતિને તાબે ન રહેવાનો દોષ તેવાં જનો કરતાં હોય તે કરતાં નીતિને તાબે રહેવાનો દોષ તેઓ વધારે કરે છે. જગત્ જેને નીતિ કહે છે તેને પ્રતિભાવાન્ જનો નીતિ માનતાં નથી એ વાત ખરી છે; મન કર્મ અને વાણીનો સર્વદા વિયોગ રાખી સ્વાર્થ સિદ્ધ કરવાને માર્ગે વિચરતાં ડાહ્યા, સમજુ, અને ચારિત્રવાન્, દેખાતા રહેવામાં વિક્ષેપ ન આવવા દેવો એવી જે રીતિને જગત્ નીતિ કહે છે તેને પ્રતિભાના પ્રદેશમાં અવકાશ નથી. એટલે પ્રતિભાનાં બાલકો મનકર્મવચનની એકતાના સરલ એકમાર્ગીપણાની જે સત્યનીતિ તેનેજ વળગી રહે છે, જગતની પેઠે પોતાનું ખરૂં જીવન છાનું રાખી, ખોટું જીવન ખરાને નામે બહાર ચલાવવા મથતાં નથી. તે કોઈ પણ ભુલ કરતાં હોય તો પોતાની આવી સત્ય નીતિને વળગી રહી, તેનેજ સર્વદા વશ રહી, જગતની પેઠે છુપુ જીવન જુદુ રાખી શકતાં નથી, જાહેરજ જીવન ગાળે છે. એટલી જ છે. જે સ્વાર્થ સંકોચાય અને ભય કૃપણતા આદિથી આખા વિશ્વનાં પાપમાત્ર ઉદ્દભવે છે તેનો ગંધ પણ જેને લાગી શકતો નથી એવી પ્રતિભા જગતની કે કોઈની આંખથી છુપાવવા જેવું પોતામાં કાંઇજ દેખતી નથી, એજ તેનું પરમ સ્વાર્પણ અને પરમ નીતિમય સંપૂર્ણ ચારિત્ર છે. પણ એનેજ જગત્ અનીતિ અને ચારિત્રની અપૂર્ણતા કહે તો ખોટું નથી, કેમકે જગત્ જેને નીતિ અને ચારિત્ર કહે છે તે તો લોકદૃષ્ટિ માટેની એક અને પોતાના ઓરડા માટેની બીજી એવી નીતિના ધોરણથી ઠરાવેલું છે. એક દીવાનાશાલામાં પૂરેલા દીવાનાને પૂછવામાં આવ્યું કે તું ડાહ્યો હોય એમ જણાય છે છતાં તને કેમ અહીં પૂર્યો છે ? તેણે ઉત્તર આપ્યું `બધો વધારે મતનો સવાલ છે; હું છું તો ડાહ્યોજ, પણ મને ગાંડા કહેનારના મત મારા કરતાં વધી ગયા એટલે હું અહીં છું અને તે મત આપનારા છુટા છે.’ પ્રતિભાને જગત્ અનીતિની છાપ મારે ત્યાં પણ આ ગાંડા માણસે બતાવેલી વધારે મતની કસોટી કરતાં બીજી કસાટી લાગુ થતી નથી. છતાં એવા વધારે મતે કેટલી પ્રતિભાને, કેટલા કેટલા દેશમાં, કેદમાં રંજાડી છે, બાળી નાખી છે, મારી નાખી છે, તિરસ્કાર અને અપયશમાં ડુબાવી દીધી છે. પ્રતિભા અતિ વિરલ હોય છે, વધારે મતે તે હારે તો તેમાં આશ્ચર્ય નથી. પરંતુ કેદખાનાં, અગ્નિ, વિષ, તિરસ્કાર કે અપમાન કશું પણ પ્રતિભાને અપ્રતિભા કરી શકતું નથી, કાલનાં અનેક પડ તેના ઉપર ફરી જાય તો પણ તેની ખાક નવી પ્રતિભાના અગ્નિની ચિણગારીએથી ભરેલી રહે છે. અને એજ ન્યાયે આપણે આપણા કર્તવ્યની ખાતર, આપણા દેશની ખાતર, આપણા ગ્રંથકારોની ખાતર, આપણાં બાલકોના ઉગતા ચારિત્રની ખાતર, આટલે વર્ષે પણ દલપત અને નર્મદ એ બે ભાવનાને ન્યાય આપી શકીએ તો આપવો જોઇએ. ઉભયે નરરત્ન હવે વિદ્યમાન નથી, લાભ હાનિના પ્રસંગ તે તે વ્યક્તિને અંગે હોઇ શકે તેનો હવે અત્યંત અભાવ થયો છે તેવે સમયે એ ઉભય ભાવનાની યથાર્થ તુલના કરી જેને જે યોગ્ય હોય તેનો સ્પષ્ટ સ્વીકાર કરવામાંજ આપણું શ્રેય છે, અને એ હેતુથીજ અમારે આ ચર્ચાને કવીશ્વરના સ્વર્ગવાસ માટે અતિશય શોકાતુર હૃદયે પણ પુનઃ સંભારવી પડે છે. સત્ય અને સમયનું બલ અગાધ છે; મનુષ્ય કે મનુષ્યની ગમે તેવી રચનાઓથી સત્યને દબાવી શકાતું નથી, તેનો ક્ષણિક પરાજય ભાસે પણ કાલગતિએ તે પુનઃ પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યાં વિના રહેતું નથી. કવીશ્વરનું સ્થાન લેનાર હવે કોઇ નથી એમ કહેવામાંજ દલપતશાહીની નિર્બલતાનો સ્વીકાર થાય છે, અને એ પક્ષનો યોગ્ય હતો તેવો સ્વાભાવિક અવસાદ થઈ ગયો લાગે છે. શાલાખાતામાં અને તેના લાગતા વળગતાઓમાં માન્ય ઠરેલી સીમાની બહાર જે સાહિત્ય-સરિતાનો વિપુલ થતો પ્રવાહ નર્મદની પૂજ્ય કાવ્યભાવનાદ્વારા વહ્યાં ગયો છે તેનુંજ આજ ગૂર્જરીના હૃદય ઉપર સામ્રાજ્ય છે, તેના રંગથી રંગાયલાજ કાવ્યોદ્ગાર સર્વત્ર પ્રસરી રહ્યા છે. દલપતશાહીમાં ઉછરેલા તેને જે સર્વોત્તમ માનનારા, એ નવા પૂરને જોઇ શકતા નથી; તેમ હજી તે પૂર એટલું’ બલવત્તમ પણ નથી કે તેમને તાણી નાખીને પોતાનું નિરકુંશ સામ્રાજ્ય સમજાવી શકે. એવે સમયે આટલી ચર્ચા કરવી આવશ્યક છે કે જે માન્ય અને પ્રતિષ્ઠિત સીમા મનાઈ છે તેની બહાર પણ સાહિત્ય અને કાવ્ય હોઇ શકે છે, અને છે, એ સીમામાં હોય તે કરતાં પણ ઉત્તમોત્તમ છે.

એપ્રીલ–૧૮૯૮.