સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક/આખ્યાનકાવ્ય અને ખંડકાવ્ય

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૩. આખ્યાનકાવ્ય અને ખંડકાવ્ય

અર્વાચીન કાવ્યસાહિત્યમાં સંપૂર્ણ એવું માત્ર એક જ આખ્યાનકાવ્ય મળે છે—દલપતરામનું ‘વેનચરિત્ર’. આ કાવ્ય આપણા પ્રાચીન આખ્યાનકાવ્યોની ઢબે-શૈલીએ લખાયું છે. પણ તેનો ઉદ્દેશ અને વક્તવ્ય આધુનિક છે. દલપતરામે પોતે તેને ‘વેનચરિત્ર, બાળલગ્ન-નિષેધ અને પુનર્વિવાહોત્તેજન વિષે’ એવું શીર્ષક આપેલું છે. કવિ પોતે અંતમાં લખે છે તે પ્રમાણે આ કાવ્ય તેમણે અમદાવાદના સ્મૉલકૉઝ કોર્ટના ‘જે છે સાહિબ જજ જુજો પ્રતિમાસ સહસ્ર પગાર’વાળા ગોપાળરાવને અર્પણ કર્યું છે, જેમણે અમદાવાદમાં મુંબઈની પુનર્વિવાહોત્તેજક સભાના નમૂના ઉપર એવી જ સભા સ્થાપી. મુંબઈની સભા મુંબઈના મોરોબાએ એની પુત્રીનો પુનર્વિવાહ કર્યો તે પ્રસંગે સ્થપાઈ હતી એમ જણાય છે. અને આ ‘વેનચરિત્ર’, કવિએ, એ મોરોબા ઘરમાં શાસ્ત્રીજી આગળ મનુસ્મૃતિ વાંચવા માંડે છે અને ત્યાં વિધવાવિવાહનો પ્રશ્ન આવે છે એ રીતે શરૂ કર્યું છે. આખું કાવ્ય જૂની આખ્યાનશૈલીમાં ચાલે છે. કવિ ‘પ્રથમ પ્રણામ કરું કર જોડી ગૌરીપુત્ર ગણેશ’ એમ કાવ્યનું મંગલ કરે છે તેમાં ‘વળતી વંદું વાગ્‌દેવીને જે કવિજનની માતા.’ આખું કાવ્ય કુલ બાર ભાગમાં ૧૪૪ દેશીઓમાં લખ્યું છે. વેન વિશે મનુસ્મૃતિમાં એટલો જ ઉલ્લેખ મળે છે કે વિવાહમંત્રોમાં નિયોગનો ઉલ્લેખ આવતો નથી, એ પશુધર્મ છે, અને વેન રાજ્ય કરતો હતો ત્યારે વિદ્વાનોએ એને નિન્દ્યો હતો.

स महीमखिलां भुंजन् राजर्षिप्रवरः पुरा ।
वर्णानां संकरं चक्रे कामोपहतचेतनः । ।९, ६७ ।।

તે રાજર્ષિ અખિલ મહીને ભોગવતો હતો ત્યારે કામથી હણાયેલી ચેતનાવાળાએ, વર્ણનો સંકર કર્યો. સંદર્ભ જોતાં એમ જણાય છે કે એવી સ્થિતિ જોઈ કોઈ કોઈ સ્મૃતિકારોએ નિયોગની રજા આપી; પણ મનુસ્મૃતિ તેને પણ નિન્દિત ગણે છે. આવી રીતે જે મનુસ્મૃતિના આધારથી વિધવાવિવાહનું સમર્થન ઇચ્છ્યું છે તે તો તેની નિન્દા કરે છે! કવિ દલપતરામ વેનચરિત્રનું વસ્તુ ભાગવતમાંથી લીધાનું જણાવે છે. પણ ભાગવતમાં વેને વિધવાવિવાહ કરાવ્યો અથવા વર્ણસંકર કર્યો એવો ઉલ્લેખ જરા પણ મળતો નથી. ભાગવતમાં વેનનું ચરિત્ર ઘણું ટૂંકું છે અને તેનો નિષ્કર્ષ એટલો જ છે કે વેન સ્વભાવે ક્રૂર હતો અને તેણે યજ્ઞયાગની બંધી કરી હતી. તેથી તેનો પિતા અજ્ઞાત રીતે રાજ્યનો ત્યાગ કરી ચાલ્યો ગયો, અને રાજા બન્યા પછી પણ વેને એ જ વર્તન ચાલુ રાખ્યું તેથી બ્રાહ્મણોએ એનો હુંકારથી નાશ કર્યો. પછી અરાજક પૃથ્વી જોઈને શાસન માટે વેનના જ શરીરમાંથી મંથન કરી પ્રજા ઉત્પન્ન કરી. તેના સાથળમાંથી એક કાળો ઠીંગણો પુરુષ ઉત્પન્ન થયો તે વેનના પાપનું ફરજંદ હોઈ નિષાદ બન્યો અને જંગલમાં ચાલ્યો ગયો. પછી વેનના બાહુમાંથી એક પુરુષ અને સ્ત્રી ઉત્પન્ન કર્યાં તેમાંનો પુરુષ તે ભાગવત પ્રસિદ્ધ મહાન પૃથુરાજા અને સ્ત્રી તેની પત્ની અર્ચિષ. વેનચરિત્રનું આટલું જ વસ્તુ. દલપતરામે તેને ખૂબ વિસ્તાર્યું છે. તેમાં અનેક પ્રસંગો ઉમેર્યા છે. અને એવા પ્રસંગે વિધવાવિવાહને અંગે કંઈક કંઈક કહ્યું છે. જેમ કે વિધવાનો વિલાપ, વાંઢાનો વિલાપ, વિધવાવિવાહ બંધ કરવા સામેનો નાતરિયા વર્ગનો વિરોધ, વગેરે. અનેક પ્રસંગોનાં લાંબાં વર્ણનો આપ્યાં છે, જેમ કે, લગ્નપ્રસંગનું, રાજાની સવારીનું વગેરે. આથી બનાવો જાણીજોઈને વર્ણનો કરવા ઉપજાવી કાઢ્યા હોય તેવા લાગે છે; પણ આખા કાવ્ય સામે મુખ્ય વાંધો એ છે કે એમાં ઔચિત્ય આવતું નથી. રાજા વેને લોકોના સુખ માટે વિધવાવિવાહ દાખલ કર્યો એવું નિરૂપણ છે. વિધવાવિવાહનો વિરોધ કરતા બ્રાહ્મણોને મૂર્ખ ને બાયલા બતાવ્યા છે તો એવા બ્રાહ્મણો આ સાચા રાજાનો માત્ર હુંકારથી વિનાશ કેવી રીતે કરી શકે? ખરું તો અહીં મનુસ્મૃતિ અને ભાગવત બંનેનાં ભિન્નભિન્ન વસ્તુને એકરસ કર્યા વિના મૂક્યાં છે તેનું આ પરિણામ છે. મનુસ્મૃતિમાં વેન રાજાએ વર્ણોનો સંકર કર્યો એવું વર્ણન છે, જોકે ત્યાં વિધવાવિવાહ કરાવ્યો એવો સ્પષ્ટ ઉલ્લેખ નથી. પણ તે આપણે માની લઈએ. અને ભાગવતમાંથી બ્રાહ્મણોનો તિરસ્કાર કર્યો, યજ્ઞપુરુષની નિન્દા કરી એ કારણે બ્રાહ્મણોએ એનો નાશ કર્યો એવું વસ્તુ સ્વીકાર્યું. બંનેમાં વેન તો અધમ જ કહેવાયો છે, પણ દલપતરામ કાવ્યના પ્રયોજન માટે વેનને ધાર્મિક પુરુષ કહે છે, નીતિવાન કહે છે. અને તેમ છતાં ભાગવત પ્રમાણે બ્રાહ્મણોને હાથે તેનો નાશ કરાવે છે. જો વેન ખરેખરો ધાર્મિક હતો તો બ્રાહ્મણોની દિવ્યશક્તિ તેનો નાશ કેવી રીતે કરી શકે? આ વિરોધ દલપતરામ જોઈ શકતા નથી. કદાચ દલપતરામનું કહેવું એવું માનીએ કે સારું કામ પણ લોકોનો વિરોધ કરી ન કરવું. એમ કરવા જતાં વેનનો નાશ થયો. તો પછી એ વિધવાવિવાહનો પ્રશ્ન નથી રહેતો, આખા સમાજના માનસનો પ્રશ્ન રહે છે અને ત્યાં બ્રાહ્મણોની દિવ્યશક્તિને અવકાશ નથી રહેતો. વળી કાવ્યમાં પાત્રાલેખન પણ ભૂલભરેલું છે. નવરંગી વાંઢો હોવાથી આત્મઘાત કરવા જાય છે. પ્રથમ તો એ જ બેહૂદું છે. વિધવા આત્મઘાત કરે, વિલાપ કરે, એ સમજાય, વાંઢો કરે એ તો ઉપહસનીય થાય. અને તેમાં પણ નવરંગી પોતાના વાંઢાપણાનું જે ચિત્ર પોતાની મેળે આપે છે, તે ઉપહસનીય છે—ઉતરેડને ચૂંદડી ઓઢાડવી વગેરે. અને એ જ નવરંગી પછી ડાહ્યો થઈ મોટાં કામો કરે છે. ખરું કહીએ તો મહાકાવ્યની આધુનિક અપેક્ષા કવિના ધ્યાનમાં જ આવી નથી. પણ આ બૃહદ્‌દૃષ્ટિ છોડી માત્ર નાના પ્રસંગો ઉપર દૃષ્ટિ કરીએ તો દલપતરામની લાક્ષણિકતા તેની દેશીઓમાં જણાઈ આવે છે. આખું કાવ્ય એકસરખી વહેતી વાણીમાં સફાઈબંધ લખાયેલું છે. વસ્તુ અને વક્તવ્યને લીધે તેમાં આધુનિક વાતો, વર્ણનો આવી જાય છે. પણ એકંદર રીતે જોતાં સહેજે આખું કાવ્ય કોઈ સિદ્ધહસ્ત મધ્યકાલીન કવિએ લખ્યું હોય તેવું મધ્યકાલીન વાતાવરણ જમાવે છે અને તેમાં પણ કવિની હાસ્યદૃષ્ટિ દેખાઈ આવે છે. વારંવાર બ્રાહ્મણોની નિંદા આવે છે. પણ તેમાં પણ જમાનાનું હાસ્ય દેખાય છે. રાજ્યમાં વિધવાવિવાહની બંધી કરી છે, એ સાંભળી બધી વર્ણો બ્રાહ્મણોનો અસહકાર કરે છે તે જોઈએ.

વસ્તીના લોકે વિપ્ર સાથે પાડ્યો વાંધો,
કહે કોઈ દ્વિજનું કામ ન કરવું બંધી એવી બાંધો રે,
કહે સુતાર અમે કોપ્યા તો ભોગ ભટોના મળશે,
ઘંટીનો ખીલડો ભાંગે તો દાણા શેણે દળશે રે.

ઘાંચી કહે અમે નહીં દઈએ દીવેલ દીવા સારુ,
દીવા વિના ઘર દેખાશે જેમ અપાશરે અંધારું.

દરજી કહે કોઈ દ્વિજને માટે થીંગડી એક ન માંડો,
કાંચળી વિના ઉકાંચળી ફરશે ઋષિ સઘળાની રાંડો રે.

વણકર કહે છે વસ્ત્ર ન દેવાં એટલે અડચણ મોટી,
ચકલે ચકલે ચીંથરાં વીણી, છો વાળે લંગોટી રે.

કડિયા કહે છે ઘર પડશે તો કોણ હવે ચણી દેશે,
હાથે રોડાં ગોઠવશે એની રાંડ તગારાં વહેશે.

મોચી કહે અમે કોપ્યા તો, ઊડશે એના આટા,
ખરે બપોરે જવું પડે તો પગે બાંધશે પાટા.

કહે હજામ હવે બ્રાહ્મણના કદીયે વાળ ન લેવા,
ડાઢાં વધવાથી દેખાશે, બધાય બકરા જેવા.

આ હાસ્યનિષ્પત્તિની રીત પ્રાચીન છે. એ વ્યક્તિનિષ્ઠ હોવાને બદલે ન્યાતન્યાતના સંબંધ ઉપર નિર્ભર છે. આપણે એ જમાનાને તાદૃશ કરીએ તો આ હાસ્ય સમજાય. વેનરાજાએ બાહ્મણોને જરા ખડ્‌ગ ખાડ્યું ત્યાં તેઓ બીકણ બાયલા થઈ કેવા નાઠા એ વર્ણન પણ પરંપરાનું છે. અને છતાં તેમાં હાસ્ય છે. પણ આ બધું વિગતમાં છે. આખા કાવ્યને જોતાં તેમાં અનેક અસંગતિઓ-અનૌચિત્યો દેખાય છે. આ મર્યાદા દલપતરામની કહેવા કરતાં એમના જમાનાની હતી. એમની પછીના જમાનાની નજર આગળ ખરા કાવ્યનું સ્વરૂપ જુદું છે, અને એ અપેક્ષાને દલપતરામ પૂરી પાડી ન શકે એ સ્વાભાવિક છે. દલપતરામ પછીના સમય માટે મહાકાવ્ય કે એપિકના પ્રયત્નો માત્ર નોંધવા જેવા રહે છે. નર્મદે એક મહાકાવ્ય શરૂ કરેલું, તેને માટે એક છંદ નવો યોજેલો, જે ખરેખર નવો નથી, માત્ર નર્મદની લાવણીનો વિસ્તાર છે. પણ એ આગળ ચાલ્યું નથી. એ પ્રયત્ન પણ સાચી નવી દિશાનો નહોતો. નવી દિશાનો સાચો નોંધવા જેવો પ્રયત્ન માત્ર પ્રો. બલવંતરાય ઠાકોરનો હતો, જે અધૂરો રહ્યો છે અને ‘એક તોડેલી ડાળ’ તરીકે તેમનાં કાવ્યોમાં સંગ્રહાયો છે. સમય મધ્યકાલનો છે. યુવાન ક્ષત્રિયને વિદેશી આક્રમક શત્રુ સામે લડવા જવાનું છે. તેની પત્ની તેની ઘોડીને ફૂલહાર પહેરાવી વધાવે છે અને ત્યાં

વિયોગ ન કળાવતી થઈ અલોપ એ ઘોડલી.
પછી વૃદ્ધો ભેળા મળી ગત બનાવો રસભર્યા
ઉકેલી બેઠા, ને પ્રહર રજનીના નવ કળ્યા.
જૂનાં, પ્રૌઢાં, યુદ્ધો, જહીં પવનવેગી અણીસમે
ધસારે વીંધેલાં, રિપુદલ રસાલે મરણિયે;
બચાવો દુર્ગોના મૂઠીભર હઠીલા જણથકી,
ટકાવો કિલ્લાના ભૂખતરસ રોગેય ન ડગી;
ઉમંગો જીત્યાના અધર જીતહારોનું સુણતાં.

નથી લાગતું કે કાવ્યમાં એક ખરેખર ઉદાત્ત મહાકાવ્યની આશા છે? કવિ પાસે વર્ણનશક્તિ છે અને એથી વધારે તો મધ્યકાલીન જમાનાનું વાસ્તવિક ચિત્ર છે. પણ એ કાવ્ય ન જ લખાયું. હવે બીજું કોણ લખે છે કે લખશે તે જોવાનું છે. તે સાથે એ પણ સ્મરણમાં રાખવું જોઈએ કે અત્યંત વેગથી ફરતી અર્વાચીન યુગની પરિસ્થિતિ લાંબાં વર્ણનાત્મક કાવ્યોને પ્રતિકૂળ છે. અર્વાચીન યુગ આપણને એપિક ન આપી શક્યો, પણ તેણે ગુજરાતી સાહિત્યને એક બીજો પ્રકાર ખુલ્લે હાથે આપેલો છે, તેને અવર્વાચીન કાવ્યનું આપણે ખાસ લક્ષણ ગણી શકીએ. એ છે આપણું ખંડકાવ્ય. પ્રાચીન કાવ્યશાસ્ત્રકારોએ મહાકાવ્યથી સાદું, તેનાં બધાં અંગો ન હોય એવું કાવ્ય ખંડકાવ્ય કહેલું છે અને મેઘદૂત તેનું સર્વમાન્ય દૃષ્ટાંત છે. આ દૃષ્ટાંત ખંડકાવ્યની મર્યાદાને ઘણી લવચીક બનાવી મૂકે છે. જે કાવ્યમાં માનવરહસ્યનો એકાદ મર્મસ્પર્શી પ્રસંગ હોય, તેને ભાવાનુકૂળ શૈલીમાં નિરૂપ્યો હોય, આખું કાવ્ય સુરેખ હોય, તે ખંડકાવ્ય. હું માનું છું આ મત હવે સર્વમાન્ય થયો છે, એટલે તેની ચર્ચા કરવાની જરૂર રહેતી નથી. અર્વાચીન કાવ્યના પ્રથમ કવિ નરસિંહરાવ ગણાય છે. પણ તેમણે પણ ખંડકાવ્યનો નમૂનો કાન્ત પાસેથી મેળવીને પછી કાવ્યો લખ્યાં. તે પછી કલાપી, બોટાદકર, ખબરદાર એમણે પણ આ પ્રકારનાં કાવ્યો લખ્યાં છે. નરસિંહરાવનાં ખંડકાવ્યો અંદરનાં ગીતોથી જરા શિથિલ થઈ જાય છે. તે ઉપરાંત ઘણાંમાં પ્રસંગ માત્ર અમુક પરિસ્થિતિનું અંગ જ હોય છે, અને તેમાં પ્રસંગ કરતાં પરિસ્થિતિનું મહત્ત્વ વધારે હોય છે. અને કાવ્યનો ઉદ્દેશ એ પ્રસંગને નિમિત્ત કરીને મૂળની પરિસ્થિતિ તરફની લાગણી વહાવવાનો હોય છે. લાગણીને વહાવવી એ લિરિક-ઊર્મિકાવ્યનું લક્ષણ છે, ખંડકાવ્યમાં લાગણી પ્રસંગ સાથે એકપિંડ એક પાસાદાર ઘનરૂપ પામે છે. બન્ને વચ્ચેનો વિવેક કરી શકાય એમ માનું છું. ‘હૃદયવીણા’નાં સ્ત્રીની અવદશાના સમભાવનાં બધાં કાવ્યો, વિધવા કાવ્યો, ‘કૂલમણિ દાસીને શાપ’ કાવ્ય બધાં પ્રસંગાત્મક કરતાં ઊર્મિપ્રધાન વિશેષ છે. તે બધામાં ખંડકાવ્યના નમૂનામાં માત્ર ‘ઉત્તરા અને અભિમન્યુ’ છે, અને ‘નૂપુરઝંકાર’નું ‘ચિત્રવિલોપન’ આવે, જોકે બન્નેમાં પાત્રની લાંબી ઊર્મિમય ઉક્તિઓ છે. એમ જેને વિશે કોઈ પણ વાંધો ન લઈ શકાય એવું ‘તદ્‌ગુણ’ છે. વિષય પણ ઉદાત્ત છે – બુદ્ધ અને યશોધરાનો સંવાદ. યશોધરા પૂછે છે કે આપણા સાંસારિક પૂર્વજીવનની છાયા આપના હૃદયમાં કદી પડે છે ખરી? અને બુદ્ધ પોતાની લાક્ષણિક રીતે ત્યારની પરિસ્થિતિમાંથી દૃષ્ટાન્ત આપી સમજાવે છે :

નૌકા પેલી સરે જ્યોત્સનાપૂરમાં તે સમી સ્થિતિ
દિવ્યતા પામતી તારી મધુરી મૂર્તિની હતી.

આ કૌમુદી જલમાં પેલી નૌકાના શ્વેત સઢો જેમ ભળી જાય છે, અને તેથી કૌમુદી વિક્ષિપ્ત થતી નથી, તેમ તારી મૂર્તિ પણ નિર્વાણની શાન્તિમાં ભળી જાય છે, તેમાં વિક્ષેપ કરતી નથી. બૌદ્ધ ધર્મ આ સંબંધી શો જવાબ આપે તે આપણે જાણતા નથી, પણ કાવ્યદૃષ્ટિએ આ કાવ્ય મનને સંતોષ આપે છે અને તે ખંડકાવ્ય તરીકે. બોટાદકરે ખંડકાવ્યો લખ્યાં છે પણ તે બધાં કંઈક વધારે લાંબાં લાંબાં છે, જોકે તેમાં વિષયોનું વૈવિધ્ય સારું છે. ‘એભલવાળો’ કાવ્યનો તો પ્રસંગ પણ જોકે પ્રચલિત લોકવાર્તાનો છે છતાં ઉત્કટ છે. એભલવાળો વરસતા વરસાદની ઠંડીમાં ઠરી ગયો છે. તેને ઉષ્મા આપવાના બધા પ્રયત્નો નિષ્ફળ જતાં એક સ્ત્રી તેને પોતાના શરીરની હૂંફથી જીવન આપે છે. એભલવાળો તેને ધર્મની બહેન કહે છે પણ પેલી સ્ત્રીનો ભર્તા વહેમાય છે. કવિ કહે છે એમ વહેમથી જ તેને રક્તપિત્ત નીકળે છે. સ્ત્રી તો તેની ચાકરી કરે છે. અને એભલ પાસે જાય છે. કહે છે કે બત્રીસલક્ષણાનું લોહી મળે અને તેમાં નહાય તો રોગ મટે. એભલવાળો કહે છે કે હું પોતે બત્રીસલક્ષણો છું, તો મારા લોહીમાં નહાય. પણ પ્રશ્ન થાય છે કે એનું માથું વાઢે કોણ? તે કામ તે પોતાના પુત્રને સોંપે છે, પણ પુત્ર કહે છે હું પણ તમારું ફરજંદ બત્રીસલક્ષણો છું. મારું લોહી આપો. આ સ્પર્ધા સાંભળી વહેમી પતિનો વહેમ નીકળી જાય છે અને તે સાથે સાજો થાય છે. પત્નીને પાયે પડી છેવટે કહે છે :

પરંતુ એ નહીં સૂજે : આપવા ઉત્તમાંગને
સ્પર્ધતા સામસામે આ બે ‘વાળા’માં કયો ચડે?

લોકગીતના દુહાનો જ અનુવાદ છે.

સજણો કરો વિચાર, બે વાળામાં કયો વડો?
શિરનો સોંપણહાર કે વાઢણહાર વખાણીએ.

અને દુહામાં ચાટ છે તેવી અનુષ્ટુપમાં જણાતી નથી. બોટાદકર સ્વભાવના સાદા હતા, વર્ણનોમાં પણ સાદા હતા, પણ તેમની સંસ્કૃત શૈલી ઘણી વાર ભાવના આવિષ્કારમાં વ્યવધાનરૂપ થતી. અહીં તો કાવ્યનું લખાણ પણ જરા તીવ્રતાને મંદ કરે છે. કલાપીએ પણ ઘણાં ખંડકાવ્યો લખ્યા છે પણ તેમાં પણ લંબાણ એ લગભગ સર્વવ્યાપી દૂષણ છે. કલાપીને તો ચાલુ કાવ્યનો તંતુ થંભાવી વચમાં પોતાના વિચારો લંબાણથી કહેવાની ટેવ છે. અને ક્વચિત્‌ તો પોતે લાગણીના આવેશમાં એ પાત્રને લાંબી ઉક્તિઓ સંબોધવા મંડી જાય છે. બિલ્વમંગલનું વસ્તુ સહેજે ખંડકાવ્ય થઈ શકે એવું છે. પણ કલાપી તેમાં પોતાની ઉક્તિઓ મૂકી તેની ઘનતા અને ત્વરા મંદ કરે છે. બિલ્વમંગલ મોહાંધ થઈ અજ્ઞાત સાહસો કરતી પ્રિયાના મહેલમાં આવી તેનું દર્શન કરે છે, ત્યાં કલાપી ભાવિના નિત્ય વિયોગના પૂર્વજ્ઞાનથી તે કામી યુગલના સમભાવમાં પુરુષને, અલબત્ત પોતાના મનમાં જ, કહે છે :

જોઈ લેજે ફરીફરી સુખે પ્રેમનું સ્થાન પ્રેમે,
આવી મીઠી સુખની વખતે કોઈ વેળા ન આવે;
આવી પ્રીતિ તુજ ન વખતે હોય કાલે પ્રભાતે,
આ આશાનું મધુર સુખ તો આજ ઊડી જ જાશે.

એવા ત્રણ શ્લોકો પુરુષને સંબોધે છે અને પછી એ તેની પ્રિયતમાને સંબોધે છે. ભરતના કાવ્યનું વસ્તુ પણ ખંડકાવ્ય થઈ શકે, જોકે એટલું કહેવું જોઈએ કે જે આધ્યાત્મિક નિયમથી મૃગ તરફ પ્રેમ કરતાં ભરતનું પતન થાય છે, તે આધ્યાત્મિક નિયમ કલાપીને ઇષ્ટ નથી, એટલે કાવ્યમાં એટલો વિસંવાદ આવે છે.

ભરત ઉમ્મરે પહોંચી, છોડી વૈભવ રાજ્યને
વનમાં ગંડકી તીરે આશ્રમ બાંધીને રહ્યો.

ઓંકારના રટનમાં દિનો વિતાવે છે ત્યાં એક દિવસ નદીમાં તણાતું મૃગબાળ જોઈ તેને બચાવી લે છે. એ બાળ સાથે ઋષિને સ્નેહ થાય છે. યોગીને આ પ્રેમ યોગમાં વિક્ષેપરૂપ જણાતાં યોગી ક્યારે બોલી જાય છે :

‘દૂર થા, દૂર હુંથી થા, રે વ્હાલા મૃગબાલ તું.’

ને કલાપી ત્યાં પોતાના વિચારો બોલવા મંડી જાય છે.

ખેંચે છે તે પ્રણયી દિલને ઠેલવું, હાય શાને?
ધક્કો દેવા મૃદુ હૃદયને યોગી! તું કેમ ઇચ્છે!
તારા આવા નિયમ સઘળા શુષ્ક લાગે મને તો,
મીઠી વૃત્તિ કુદરતી, અરે! બાળવા ઇચ્છતો કાં?

આમ તો ડગલે ને પગલે કવિ કથનતંતુને બંધ રાખી પોતાના ઉદ્‌ગારો કાઢતો રહે છે. આથી કાવ્યગુંફનમાં શિથિલતા આવે છે. ખંડકાવ્યમાં એને દોષ ગણવો જોઈએ. કલાપીના ‘વીણાનો મૃગ’માં આ દોષ ઓછો છે. તેના ‘ગ્રામ્ય માતા’ અને ‘મહાત્મા મૂળદાસ’માં આવા વિક્ષેપો નથી. ખબરદારે ઐતિહાસિક પ્રસંગો લઈ કેટલાંક પ્રસંગકાવ્યો લખ્યાં છે. તેમનું ‘શૂરા બાવીસ હજાર’ ખંડકાવ્ય નથી, કારણ કે તેમાં પ્રસંગ હોવા છતાં મૂળ ઉદ્દેશ ભાવને વહેવરાવવાનો છે. એ એક યુદ્ધગીત છે એમ કહી શકાય. એમનું ‘વીરાંગના’ એક પ્રશસ્તિગીત છે. એમનું ‘બાદલવીર’ પણ પ્રશસ્તિગીત છે; એમનું ‘પુરોહિતની રાજભક્તિ’ ખંડકાવ્યના નમૂનાનું છે. પ્રતાપ અને તેનો ભાઈ શુક્તસિંહ મૃગયા ખેલવા ગયા હતા ત્યાં કંઈ કારણે વાદે ચઢ્યા અને તેમાંથી દ્વંદ્વયુદ્ધ જાગ્યું. બે ભાઈઓમાંથી કોઈ હઠે એમ ન હતું. આ દ્વંદ્વથી કુળ નાશ પામે એવો પ્રસંગ આવ્યો હતો.

એવે આવી યુગલ વચમાં તે પુરોહિત ઊભે,
ભોંકીને તે કટારી ઝટ નિજ ઉરમાં ત્યાં પડી રક્ત ડૂબે.
લડતા કુંવરો મધ્યે, વિપ્રનો દેહ તર્ફડે :
ભૂલીને યુદ્ધ પોતાનું શુશ્રૂષા કરવી પડે!

એવી રીતે કુળ ઉપરની આ આફત પુરોહિત પોતાના પ્રાણથી દૂર કરે છે. એમ પ્રસંગ ઉત્કટ છે. એમનું ‘બાદલવીર’ પણ ખંડકાવ્ય કરતાં પ્રશસ્તિકાવ્ય વધારે છે. મેં અહીં કાવ્યો વિશે અભિપ્રાય દર્શાવ્યો તેમાં ખરી રીતે માત્ર વર્ગીકરણનો પ્રશ્ન જ આવે છે. તેથી કાઈ કાવ્યને હું દોષપાત્ર ગણતો નથી. કાવ્ય ખંડકાવ્ય બને તો જ તેનો ઉદ્ધાર થાય, તો જ તે ઉત્કૃષ્ટ ગણાય એવું કંઈ નથી. ખંડકાવ્ય સિવાયનાં કાવ્યો પણ પોતાની રીતે ઉત્કૃષ્ટ હોઈ શકે. પ્રશ્ન માત્ર એ છે કે આપણે ખંડકાવ્યની શી હદ બાંધીએ છીએ અને તેમાં કયાં આવી શકે અને કયાં ન આવી શકે. અમુક અમુક ખંડકાવ્યોના નમૂના ઉપર થયાં છે છતાં તેનું અમુક અંગ ખંડકાવ્યના સ્વરૂપ સાથે વિસંવાદી છે કે કેમ? એ સંબંધી જ અહીં ચર્ચા છે. આપણા વિષયની ચર્ચામાં આગળ ચાલતાં આપણે સદ્‌ગત મેઘાણીનાં કાવ્યો જોઈશું, તેમાં કથાગીતો છે, તેમાં ઘણાંખરાં ઊર્મિપ્રધાન છે. ઊર્મિ વહેવરાવવા માટે જ પ્રસંગ મૂક્યો છે. પણ તેમાં ‘અભિસાર’ને આપણે ખંડકાવ્ય કહી શકીએ. તેમાં પ્રસિદ્ધ ઉપગુપ્તવાસવદત્તાનું વૃત્તાન્ત ગૂંથેલું છે અને તે યોગ્ય રીતે મૂકેલું છે. વસ્તુ ઉદાત્ત છે એમાં શંકા જ નથી અને તેમાં પ્રસંગ પણ સુંદર રીતે મૂકેલો છે. પ્રો. ઠાકોરે પ્રસંગકાવ્યો લખ્યાં છે, પણ તેમાં પ્રસંગનું માહાત્મ્ય હોય તે કરતાં પોતાના વિચારો ગૂંથવાની તક તેમણે તે તે કાવ્યમાં લીધી છે. જેમ ઉપરનાં કેટલાંક પ્રસંગકાવ્યો ઊર્મિપ્રધાન હોઈ ખંડકાવ્યો નથી બન્યાં તેમ પ્રો. ઠાકોરનાં પ્રસંગકાવ્યો ચિંતનપ્રધાન-વિચારપ્રધાન હોઈ ખંડકાવ્યો નથી બન્યાં. દાખલા તરીકે તેમનું ‘દુષ્કાળ’ કાવ્ય, એ ચર્ચાપ્રધાન, વિચારપ્રધાન છે, જોકે તેનો ઉઘાડ દુષ્કાળના બહુ સુંદર વર્ણનથી થાય છે. ‘રાજ્યાભિષેકની રાતનું રેખાચિત્ર’ એને ચિત્ર કહ્યું છે તેમાં પ્રસંગ છે રાજ્યાભિષેકનો. પણ તેમાં પણ ચિંતન ભરપૂર છે, સરકાર અને રાજાના સંબંધ વિશેનું આમ પ્રો. બલવંતરાયનાં કાવ્યો પણ ખંડકાવ્યમાં આવી શકતાં નથી. વિવેચકોના સામાન્ય મતે હજી સુધી કાન્તનાં પોતાનાં કેટલાંક ઉત્તમ કાવ્યો જ નમૂના માટે ઉત્તમ રહ્યાં છે. તેમનાં ‘વસન્તવિજય’, ‘ચક્રવાકમિથુન’ લાંબાં છે, તે ન લેતાં ટૂંકું ‘અતિજ્ઞાન’ અહીં લઈશ. તેનું વસ્તુ પ્રસિદ્ધ મહાભારતનું છે અને છતાં કવિકલ્પિત પણ છે. સહદેવને ત્રિકાલનું જ્ઞાન હતું પણ તે પોતે ભાવિ બનાવ કોઈને કહી શકતો નહિ. તે પોતાના આવાસમાં દ્રૌપદી સાથે છે ત્યારે તેને દ્રૌપદીના વસ્ત્રહરણની ભયંકર આગાહી થાય છે, અને છતાં તે કહી શકતો નથી, અને તેથી પોતાના જ્ઞાનથી તેને બેવડો સંતાપ થાય છે. એ પ્રસંગ લઈ કવિએ એક ટૂંકું ખંડકાવ્ય લખ્યું છે. તે ટૂંકમાં જોઈએ. પ્રથમ શ્લોકમાં તે ગમગીની ભરેલી પ્રકૃતિનું દૃશ્ય આલેખે છે. અને પછી નાયક તરફ ધ્યાન એકત્રિત કરે છે.

ઉદ્‌ગ્રીવ દૃષ્ટિ કરતાં નભ શૂન્ય ભાસે,
ઝાંખી દિશા પણ જણાય, અનિષ્ટ પાસેઃ
જામી ગઈ તરત ઘોર કરાલ રાત,
લાગી બધે પ્રસરવા પુરમાંહિ વાત.
ઇન્દ્રપ્રસ્થજનો આજે વિચાર કરતા હતા;
એક બાબતને માટે શંકા સૌ ધરતા હતા.
દુર્યોધન પ્રેષિત દૂત એક,
દેખાવમાં ઘાતક દુષ્ટ છેક,
જતો હતો અંધ થતી નિશામાં,
સુગુપ્ત રાજગૃહની દિશામાં!
શાને આવ્યો હશે તેની કલ્પનાઓ ચલાવતા;
ભય સંદેહ દર્શાવી, શિર કોઈ હલાવતા !
નિગૂઢ શંકા પુરવાસીઓની આ,
જરાય નિષ્કારણ તો નહોતી હા!
કરેલ આમંત્રણ ધર્મરાજને,
રમાડવા દ્યૂત અનિષ્ટભાજને.

અહીં વિષયની પ્રસ્તાવના પૂરી થાય છે. કાન્ત ભાવ પ્રમાણે કે કહો કે વાક્યભંગીને અનુકૂળ છંદો બદલાવે છે. એ એક સુંદર શૈલી છે પણ તેને હું ખંડકાવ્યનું અવ્યભિચારી લક્ષણ ગાવા ઇચ્છતો નથી. હું વસ્તુ ઉપર વધારે ભાર મૂકું છું.

હા કહીને રજા આપી યશસ્વી જ્યેષ્ઠ પાંડવે;
બોલાવ્યા ત્રણ બંધુને મળવાને પછી હવે,
શિશુ સમાન ગણી સહદેવને,
ખબર આ કંઈયે ન કર્યા હતા;
અવર સર્વ ગયા નૃપની કને,
પરમ દુઃખિત અંતરમાં થતા!

પણ જેને શિશુ ગણી આવા ખબર નહોતા આપ્યા તે તો બધું ક્યારનો જાણતો હતો. અત્યારે તે દ્રૌપદી સાથે પોતાના આવાસમાં હતો.

કનિષ્ઠ દ્રૌપદી સાથે પોતાના વાસમાં હતોઃ
સતી ખેદ હતી જોતી વદને વધતો જતો!
ત્રિકાલનું જ્ઞાન હતું કુમારને,
નજીક આંખે નીરખે થનારને :
સ્વપક્ષને દ્યૂત વિશે પરાજય,
વળી દીસે દ્રૌપદીમાનનો ક્ષય!
જાણે બધું, તથાપિ કૈં કહેવાની રજા નહીં;
શમાવી ન શકે તેથી મૂંઝાય મનની મહીં.
નહીં શકું હાય, બચાવી કોઈને,
અશક્ત જેવો રહું બેસી રોઈને;
અરે! દીસે દુઃખદ શાપ આ મને,

નિહાળું છું ભૂત ભવિષ્ય જે કને!

અહીં નાયકના મનની સ્થિતિ તેની વિષમતા કવિ સુંદર રીતે દર્શાવે છે. તેનું જ્ઞાન પણ તેને શાપરૂપ છે. એ જ્ઞાનથી પોતાનાં પ્રિયજનોને પણ તે બચાવી શકતો નથી. તે ઉદ્‌ગાર કાઢે છે :

‘હા ધિક્‌! હા ધિક્‌! કૃતઘ્ની હું આમ મૌન ધરી રહુંઃ આવતું વાદળું દેખી મુખથી ન કશું કહું!’ વિચારતાં નેત્ર જલે ભરાય છે, શરીરનું ચેતન ત્યાં હરાય છે; લઈ જઈને પ્રિય વક્ષની સમી; ગ્રહી કરે મસ્તકથી રહ્યો નમી!

અત્યંત દુઃખમાં તે દ્રૌપદી પાસે જાય છે, તેને પોતાના વક્ષની સમીપ લે છે, કરો વડે તેનું માથું ટેકાવે છે. પણ

રહી જરા ફરી પાછો છૂટો થાય શરીરથી :
પ્રિય સ્પર્શ કરું શું હું? અધિકાર જરા નથી!

જે પ્રિયાને પોતે બચાવી શકનાર નથી તેને સ્પર્શ કરવાનો શો હક? માણસને દુઃખમાં સંતાપમાં પ્રિયાના સહવાસ જેવું કશું સાંત્વન નથી, ખાસ કરીને જે પ્રેમી છે તેને. પણ સહદેવને એ એક સાંત્વન પણ નથી.

કરાય શું નિષ્ફલ જ્ઞાન સર્વ આ,
થનાર ચીજો નવ થાય અન્યથા;
સદૈવ ચિંતા દિલમાં વહ્યા કરું,
અનેક હું એકલડો સહ્યા કરું!

રજની મહીં સખી ઘણીક વેળા,
નયન મળે નહીં ઊંઘ જાય ચાલી;
કરી તુજ શિરકેશ સર્વ ભેળા,
વદન-સુધાકરને રહું નિહાળી.

આવું કહ્યું ત્યાં શિર શૂળ ચાલ્યું,
રહ્યું નહીં મસ્તક મત્ત ઝાલ્યું;
મારી કુમારે અતિ આર્ત્ત હાય,
કહ્યું, ‘હવે એક જ છે ઉપાય!’

ચાલી જરા ને ગ્રહી એક સીસી
પ્યાલી ભરી દંતથી ઓષ્ઠ પીસી;
ખાલી કરી કંઠ વિશે ત્વરાથી;
ગયો બધો તે બદલાઈ આથી!

સતી બેભાન શય્યામાં ગંધથી જ પડી ગઈ;
સૂતો જ્યોતિષી પ્યાલીને છાતી સાથે જડી દઈ!

આ પ્રમાણે અતિજ્ઞાનનો અંત પોતે એ જ્ઞાનને ઘેનમાં ડુબાડવામાં આવે છે. એવું સખ્ત ઘેન કે સતી તો માત્ર તેની ગંધથી જ બેભાન થઈ ગઈ. આ પ્રમાણે ‘અતિજ્ઞાન’ એક સુંદર સુરેખ ખંડકાવ્યનો નમૂનો છે. તેનું વસ્તુ જોઈએ તેટલું બરાબર વિકસાવેલું છે. તેમાં મુખ્ય પ્રસંગ પર બરાબર ધ્યાન કેન્દ્રિત કરેલું છે. તેમાં પ્રસંગને ઉચિત લાગણીનું ટૂંકામાં ટૂંકું પણ સૂચક મર્મસ્પર્શી વર્ણન છે. પ્રસંગ ઉત્કટ ભયંકર છે અને ખંડકાવ્યનો એ એક સુંદર નમૂનો છે.

૧૦-૧-’૫૫