સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રામપ્રસાદ બક્ષી/સ્નેહમુદ્રા – ગોવર્ધનરામ ત્રિપાઠી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૭. સ્નેહમુદ્રા : ગોવર્ધનરામ ત્રિપાઠી

‘સ્નેહમુદ્રા’ની ભાષામાં બહુધા પ્રચલિત, ક્વચિત્‌ અપ્રચલિત, એવા સરલ શબ્દોની સાથોસાથ સંસ્કૃત શબ્દો ગૂંથાયા છે, અને એ સંસ્કૃત શબ્દો પણ સામાન્ય સંસ્કૃતજ્ઞ વાચકને પણ બહુ પરિચિત નહિ એવા છે. શૈલી આ કારણે ક્યાંક ક્યાંક દુર્બોધતા ઉપજાવે એવી બને છે. એ ઉપરાંત વસ્તુનું આયોજન એકસૂત્રતાથી રહિત હોઈને વાચકને આહ્‌વાન આપે છે. આથી આ કાવ્ય અભ્યાસીઓને પરાહત કરે, સમજવાનો પ્રયત્ન કર્યા છતાં પૂરું સમજ્યાના સંતોષથી વંચિત રાખે, એવું ગણાતું આવ્યું છે અને આ કારણોએ પરાહત થતા, અસંતુષ્ટ રહેતા, વાચકની દૃષ્ટિમાંથી એ કાવ્યના તે તે અંશોમાં રહેલો કાવ્યગુણ છટકી જાય છે. આજના અભ્યાસીને – વિદ્યાર્થીને – ‘સ્નેહમુદ્રા’ના અભ્યાસ માટે અનેકવિધ સામગ્રી ઉપલબ્ધ છે. જયન્તિલાલ દેસાઈની ૧૯૦૧માં પ્રકટ થયેલી ટીકા જેવી છે તેવી પણ અર્થ સમજવામાં સહાયક બને તેવી છે; મણિલાલ દ્વિવેદીનો લેખ ‘સ્નેહમુદ્રા,’ ઉમાશંકર જોશીનો ‘સ્નેહજીવનનો આલેખ,’ શ્રી સુંદરમ્‌નું (‘અર્વાચીન કવિતા’માંનું) સ્નેહમુદ્રાનું વિવેચન, એ લેખો ગોવર્ધનશતાબ્દીગ્રંથમાં સંગ્રહાયા છે; શ્રી અનંતરાય રાવળે કરેલું સ્નેહમુદ્રાનું અધ્યયન, અને નર્મદાશંકર દે. મહેતા લિખિત ‘સ્નેહમુદ્રાનો મર્મ,’ સ્નેહમુદ્રાની નવી આવૃત્તિમાં લભ્ય છે; હસિત હ. બુચનો ‘સ્નેહમુદ્રાની કવિતા,’ એ લેખ શતાબ્દી સ્મારક ગ્રંથમાં અને લલિતકૃત ‘સ્નેહમુદ્રાનું અવલોકન’ ચોથી ગુજરાતી સાહિત્ય પરિષદના અહેવાલમાં મળી શકે તેમ છે. સ્નેહમુદ્રાની નવી આવૃત્તિ, અનંતરાય રાવળના અભ્યાસીઓને ઉપકારક બને તેવા (ઉપર કહેલા) અધ્યયનલેખના સમાવેશથી અને એ જ પ્રાધ્યાપકશ્રીએ લખેલ ટિપ્પણથી, અત્યન્ત ઉપયોગી બની છે. અને એમના સમસામયિકોના પહેલાં શ્રી મનસુખલાલ ઝવેરીએ લખેલો લેખ ‘સ્નેહમુદ્રા’ એમના વિવેચનસંગ્રહ ‘અભિગમ’માં મુકાયો છે. આટલી સામગ્રી છતાં સ્નેહમુદ્રાની વસ્તુયોજના હજી સમસ્યારૂપ રડી છે. એ સમસ્યાનો ઉકેલ એના ઉત્પત્તિબીજની તથા જે મનોભૂમિમાં એ બીજ વવાયું એ – ગોવર્ધનરામની – મનોભૂમિની પર્યેષણા દ્વારા થઈ શકે તો કરવો રહે છે. આ સમસ્યાનાં મુખ્ય તત્ત્વો આ છે : પત્ની હરિલક્ષ્મીના મૃત્યુના શોકાવેગમાંથી ઉદ્‌ભવેલી આ કરુણપ્રશસ્તિમાં ભારતીય હિંદુસમાજની વિધવાની દુર્દશાએ અગ્રસ્થાન શા માટે લીધું છે, જે ગોવર્ધનરામના પોતાના જ પત્નીમરણજનિત શોકસંવેદનનું કાવ્ય છે તે પાત્રમુખે શા માટે રજૂ કરવામાં આવ્યું છે, સમગ્ર કાવ્યના પ્રસંગો માટે સમય અંધારી રાત્રિનો શા માટે યોજ્યો છે, અને એમાં પ્રકૃતિનાં આટઆટલાં ચેતન-અચેતન તત્ત્વોના ઉદ્‌ગારો રજૂ કરતા સ્વતંત્ર અને સ્વતઃપર્યાપ્ત બની શકે તેવા કાવ્યખંડોનો સમાવેશ શા કારણે થયો છે. કાવ્યનું બાહ્ય જીવનપ્રસંગરૂપ ઉત્પત્તિબીજ સુવિદિત છે. ગોવર્ધનરામની પ્રિય પ્રથમ પત્નીનું મૃત્યુ ૧૮૭૪માં થયું. ગોવર્ધનરામ ૧૯ વર્ષના તરુણ વયે વિધુર થયા. એટલે એમનાં વડીલજનો એઓ ફરીથી પરણે એમ ઇચ્છે અને એમને બીજું લગ્ન કરવાનો આગ્રહ કરે એ સ્વાભાવિક હતું, સમયાનુરૂપ હતું. પણ વિધુર બનનાર તરુણ હતા ગોવર્ધનરામ; ‘કોઈ પણ એક બિન્દુમાંથી ઉત્થાન પામી દૃશ્ય વિષય સકલતાએ જોવા મથે, જગતની વસ્તુઓના અનંતાનંત પરસ્પર સંબંધો ઉકેલવાનો વ્યાપાર જેને સાથી વધારે પ્રિય, તે પર્યેષક દૃષ્ટિ’ જેમનામાં તરુણવયથી જ પ્રકટ થઈ હતી એવા ગોવર્ધનરામ. આવા ગોવર્ધનરામનું ચિત્ત પોતાની વિધુરદશાની જોડે પોતાના સમાજની વિધવાની દશાની તુલનામાં, પુનર્લગ્ન જેના માટે અશક્ય છે એવી એ વિધવાની દુર્દશાની મીમાંસામાં, પ્રવૃત્ત થાય એમાં આશ્ચર્ય નથી. એ જમાનામાં સુશિક્ષિત વિચારક યુવકોનાં ચિત્ત સમક્ષ આ વિધવા-સમસ્યા ઉગ્રસ્વરૂપે ખડી હતી એ બહુ જાણીતી વાત છે; અને એવા યુવકોમાંથી કોઈ વિધુર થાય, એના પુનર્લગ્નનો પ્રશ્ન આગળ આવે, ત્યારે એ યુવકમાં પુનર્લગ્ન કરી શકતા વિધુર યુવક તથા પુનર્લગ્ન ન કરી શકતી વિધવા તરુણીના દશાભેદનું મનોમંથન જાગતું એ માત્ર સમજાય તેવી જ નહિ પરંતુ જાણીતી વાત છે. તરુણોને – વિશેષતઃ વિધુર બનેલા તરુણોને – મૂંઝવનારો આ વ્યાપક અન્યાય-પ્રશ્ન વિધુર ગોવર્ધનરામની પર્યેષકદૃષ્ટિ સમક્ષ વિષમ સમસ્યા બનીને ઊભો રહે, અને પત્નીમરણથી ઉદ્‌ભવેલાં નિજ શોકસંવેદનો દરમ્યાન પણ એમની મનોભૂમિમાં તેમ જ એ સંવેદનોમાંથી પરિણમતી કાવ્યની યોજનામાં અગ્રસ્થાને આવી બેસે, એમાં જરા પણ આશ્ચર્ય નથી. સ્નેહમુદ્રામાં ભારતી આર્ય વિધવાના દુઃખનો આઘાત વિદેશીય દમ્પતીના ચિત્ત ઉપર થતો બતાવ્યો છે એનું કારણ એ કલ્પી શકાય કે રૂઢિજડ બનેલા ભારતીય જનના ચિત્તના કરતાં વિદેશીય જનનું ચિત્ત આ બાબતમાં વિશેષ સંવેદનશીલ હોય, વિશેષ સમભાવપૂર્ણ હોય, વિશેષ અન્યાયવિરોધી હોય; એવું ગોવર્ધનરામે માન્યું હોય – માન્યું એટલું જ નહિ, પ્રત્યક્ષ જોયું હોય. પરંતુ પ્રિયાના મરણથી જન્મેલી આ કરુણપ્રશસ્તિમાં વિદેશીય પાત્રોના પ્રવેશનું ગોવર્ધનરામની તત્કાલીન સામાજિક તેમ જ કૌટુંબિક પરિસ્થિતિમાંથી પરિણમેલું, અન્ય પણ કારણ હતું. રસિક તરુણ પોતાની પ્રિયતમાના પ્રેમનાં, પ્રણયવિલાસનાં, શારીરિક રૂપવૈભવનાં, ગીતો રચે, ગાય કે પ્રગટ કરે એવો એ જમાનો નહોતો. એ દિશામાં નર્મદે જે કંઈક ઉપક્રમ કર્યો હતો એ વ્યાપક બની શક્યો નહોતો. ગોવર્ધનરામ જેટલા વિદ્વાન હતા તેટલા જ દામ્પત્યજીવનમાં રસિક હતા. જેમની સાથે તારુણ્યોચિત પ્રણયજીવનનો આનંદ માણ્યો હતો, જે પોતાની પ્રીતિનું અને જીવનલીલાનું સર્વસ્વ હતી, જે પોતાની ઉચ્ચ વિશુદ્ધ રતિનું ભાજન હતી એ પત્નીના મૃત્યુથી એમને જે અસહ્ય શોક થયો તેમાં પ્રણયનાં અનેક સ્મરણો – વેદનાને પણ મધુર બનાવનારાં સ્મરણો – ભળ્યાં હતાં. સદ્‌ગત પ્રિયતમા-પત્નીને અર્પવાની નિવાપાંજલિને એઓ આ સુરભિ સ્મરણકુસુમોથી વંચિત રાખી શકે તેમ નહોતું. પરંતુ રસિક છતાં મર્યાદાપાલક એવા ગોવર્ધનરામ, વડીલોની આમન્યા તોડીને તથા સામાજિક લાજમર્યાદા લોપીને, વિરહવ્યથાને ગાઈ શકે અને એમાં વળી પ્રણયજીવનનાં શબ્દચિત્રો મૂકી શકે એ અસંભવિત હતું. આવે પ્રસંગે ગોવર્ધનરામે સર્વેને પરિચિત નહિ એવી ભાષાનો આશ્રય લીધો. પ્રથમ કરુણપ્રશસ્તિ ૧૮૭૫માં જ સંસ્કૃતમાં રચી – અને એને હૃદયરુદિતશતક નામ આપ્યું. એ રચી તો ખરી, પણ અપ્રકટ રહી; એમના મરણ પછી ઘણાં વર્ષે પ્રકટ થઈ. પ્રેમગીતોના સર્જનમાં લોકમર્યાદાએ સ્વસંવેદનને વ્યક્ત કરવાનું દ્વાર બંધ કર્યું હતું. એ જમાનામાં પ્રણયકવિઓ અન્ય દ્વાર ઉઘાડતા; સ્વસંવેદનને પરસંવેદનરૂપે – અથવા યથાર્થતર રીત – પાત્રસંવેદન રૂપે વ્યક્ત કરતા. ગોવર્ધનરામે પણ એ જ કલાયુક્તિનો આશ્રય લીધો, ગુજરાતીમાં શોકકાવ્ય રચવાનો આરંભ—રાહ જોઈ જોઈને છેક ૧૮૭૭માં—કર્યો ત્યારે એમણે પણ પોતાનાં સંવેદનોને પાત્રના મુખમાં મૂક્યાં, અને વિધવાની દુર્દશાની મીમાંસા સંપૂર્ણતઃ વિનાસંકોચ કરી શકાય એ અર્થે એ પાત્રમાં વિદેશીયતાનું આરોપણ કર્યું. ઉત્તર ધ્રુવનાં નિવાસી દમ્પતી અને અન્યજનો આ ભૂમિમાં આવે, એમનામાં પણ મૃત્યુની દુર્ઘટના બને, અને એ કાવ્યરૂપે વહેવા લાગે અને માત્ર એક રાત્રિ દરમ્યાન વહ્યા કર્યા પછી વિરત થાય, તથા જીવતી રહેલી સખીઓ સ્વદેશ પાછી જાય,–આવી આવી, જેને માટે અન્ય કશી આવશ્યકતા નથી કે સમર્થનશક્યતા નથી એવી, પાત્રસૃષ્ટિ સર્જવાનો બીજો કોઈ વધારે સંતોષકારક ખુલાસો થઈ શકતો નથી. આ શોકરુદન માટે ગોવર્ધનરામે અંધારી રાત્રિનો સમય યોજ્યો એ પણ એમની વિશિષ્ટ મનાભૂમિનું પરિણામ છે. પ્રિયાના મરણથી એમનું જીવન અંધકારમય બન્યું હતું એ તો ખરું જ પણ અંધકાર પરત્વે ગોવર્ધનરામે પોતાના પ્રિય આંગ્લ લેખક કાર્લાઇલના સંસ્કારો આત્મસાત્‌ કર્યા હતા. આ જગત એક કારાગાર છે, આ જગતમાં જીવન એક અંધકારમય દીર્ઘ રાત્રિ જેવું છે, એવી કાર્લાઇલે સાર્ટોર રીસાર્ટસમાં રજૂ કરેલી દૃષ્ટિનો ગોવર્ધનરામના ચિત્ત ઉપર પ્રબળ અને દીર્ઘજીવી પ્રભાવ પડ્યો હતો. ‘સાક્ષરજીવન’માં એમણે કાર્લાઇલના આ વાક્યને અવતરણરૂપે મૂક્યું છે : “What is this paltry little Dog-cage of an Earth? What are thou that sit test whining there?” અને આ કાર્લાઇલવચનના સંસ્કાર સ્નેહમુદ્રાના ૭૦મા કાંડની આ પંક્તિઓમાં જોઈ શકાય છે :

“નિત્ય પ્રમોદ ભરવા ઉરમધ્ય વિશ્વ
કારાગૃહે નહિ શકાય તુંથી કદાપિ.”

ગોવર્ધનરામના માનસે અંધકારના કેવા સંસ્કાર ઝીલ્યા હતા. એનાં નિર્દેશનો ઠેર ઠેર વેરાયેલાં છે, પણ એનું પ્રબલતર નિદર્શન છે સરસ્વતીચંદ્ર ભા. ૨ માંનુ રાત્રિ-અંધકારની ભયાનકતાનું વર્ણન.[1] “સાક્ષરજીવન”માં ગોવર્ધનરામે કાર્લાઇલનું આ વચન ટાંક્યું છે. “It is night in the world, and still long till it be day. We wander among the glimmer of smoking ruins; two phantoms - Hypocrisy and Atheism–with the Gowl, Sensuality, stalk abroad over the Earth.” કાર્લાઇલનું આ વચન રાત્રિના અંધકારમાં પૃથ્વી ઉપર ભમતા ghouls of sensualityનો નિર્દેશ કરે છે; અને ‘સ્નેહમુદ્રા’માં પણ વંઠેલાઓ તથા ગણિકાઓ–ghouls of sensuality–રાત્રિએ બહાર નીકળી ભમતાં વર્ણવ્યાં છે. આ સામ્ય આપણું લક્ષ ખેંચે એવું છે પણ તે સાથોસાથ એ પણ ખરું કે નિશાએ આવા ‘નિશાચર’ સત્ત્વોનું પરિભ્રમણ એટલું સર્વવિદિત છે કે આ સામ્યમાત્રને આધારે આપણે એવું તો નહિ માની લઈએ કે એ બાબતમાં ગોવર્ધનરામ કાર્લાઇલના ઋણી છે. રાત્રિના વર્ણનમાં આવાં નિશાચર સત્ત્વો સ્વતઃ આવીને ઊભાં રહે, અને ઘુવડ, શિયાળ, વાઘ, સિંહ, એ નિશાચર પ્રાણીઓ પણ આવીને ઊભા રહે. એથી જ ‘સરસ્વતીચંદ્ર’ના રાત્રિવર્ણનમાં અને ‘સ્નેહમુદ્રા’માં આ પ્રાણીઓના રાત્રિવ્યવહારનું વર્ણન સ્થાન પામે છે. રાત્રિનાં અને અંધકારનાં સતત સહવર્તી અને આનુષંગિક એવાં આ તત્ત્વોના કરતાં અહીં આપણને એ ‘અંધકાર’થી વધારે નિસબત છે. એ અંધકારની, અને એની ભીષણતા, ગહનતા, વ્યાપકતા અને દુઃસત્ત્વોના સ્વૈરવિહાર માટેની અનુકૂળતા વગેરેનો ગોવર્ધનરામના માનસ ઉપર કેવો જીવનવ્યાપક પ્રભાવ હતો એ આપણે જોવાનું છે. ‘સ્નેહમુદ્રા’માં આ અંધકારનો – તિમિરનો, વાચ્યાર્થમાં કે લક્ષ્યાર્થમાં, વારંવાર નિર્દેશ આવ્યા કરે છે. એમાંની થોડીક છૂટક પંક્તિઓ અહીં ટાંકું છું :

“દીસે આ શું સર્વે તિમિર બધું આખા ભુવનમાં!” –કાંડ ૨.
“ઉલૂકાદિ અધમ ભડવા નીકળ્યા સર્વ ટોળે;” –કાંડ ૭.
“તિમિર લોકનાં મનમાં ટાળી જ્યોતિ બધે પ્રગટાવોને!” –કાંડ ૯.
“ઘનતિમિરતુલ્ય આચાર થયેલ પુરાણ, તેથી થઈ જાયે
જન લોચનવન્તા અંધ-હાય! જગમાંહે.” –કાંડ ૧૬.
“રજનિતણાં સત્ત્વો ચારે દિશ ભમતાં ને ગણગણતાં;” –કાંડ ૪૪.
“મેઘ! તું તો ચાલ અધ્ધર, આવની મારી પાસ,
અંધકારની માંહ્ય આજે નિધુવનનો અવકાશ.” –કાંડ ૫૬.
“અન્ધતિમિરથી છન્ન અરણ્યે અવર્ણ્ય ઠાઠ ભરેલો,
અન્ધવિરહ-અવસન્ન હૃદયમાં અવર્ણ્ય ઠાઠ મચેલો;” –કાંડ ૬૭.

કાંડ ૬૭માંનું આ અવતરણ બાહ્ય અન્ધકારને તથા આંતર શોક-અંધકારને બિમ્બપ્રતિબિમ્બ રૂપે રજૂ કરીને સૂચવી દે છે કે રાત્રિનો અંધકાર કવિના માનસના શોકતિમિરની બાહ્ય છાયા છે. કાર્લાઇલના સંસ્કાર ગોવર્ધનરામના ચિત્તમાં સંચિત હશે એવું બતાવનારું એક વિચારસામ્ય પણ જોવામાં આવે છે. સ્નેહમુદ્રાના ૬૧મા કાંડમાં આ પંક્તિઓ છે :

“જો આ અનન્ત મુજ કોતર છે ગંભીર;
*
“એ ઢાંકણું નથી જ છિદ્ર વિનાનું કાંઈ,
છિદ્રો થકી જ તુજ મુજ તું ભાન ધારે!
દેખાય અભ્રની ઘટાતણી ચાળણીથી
કો કો સમે મુજ અનંત વિભૂતિ-અંશ.”

આ પંક્તિઓ અત્યન્ત નિકટ સામ્યને કારણે કાર્લાઇલના આ વચનનું સ્મરણ કરાવે છે : “Through many a loophole we have had glimpses into the internal world of Teufelsdroch; his strange, mystic, almost magic diagram of the Universe.” કાર્લાઇલનું આ વચન પણ “સાક્ષરજીવન”માં ગોવર્ધનરામે ટાંક્યું છે – એ દર્શાવે છે કે એમણે કાર્લાઇલ કૃત Sartor Resartusનું વાચન-અધ્યયન ‘સ્નેહમુદ્રા’ની રચના પહેલાં તો કર્યું જ હશે પણ એના સંસ્કારો એમના મનમાં આજીવન દૃઢ રહ્યા હશે. પત્નીના પ્રણયસહચારનાં સ્મરણોને એની મરણોત્તર શોકમય સ્મૃતિથી ગૂંથી લેતુ સંસ્કૃત ‘હૃદયરુદિતશકત’ કાવ્ય ૧૮૭૫માં રચાયું, અને ત્યાર પછી એ જ વસ્તુને પાત્રસંવેદનરૂપે વ્યક્ત કરતી કૃતિ ‘સ્નેહમુદ્રા’નો આરંભ ૧૮૭૭માં કર્યો. પરંતુ ‘સ્નેહમુદ્રા’નું પ્રકાશન છેક ૧૨ વર્ષ પછી ૧૮૮૯માં થયું. આ કાવ્યકૃતિનું સમાપન તો પ્રકાશન પહેલાં થયું જ હોય, પરંતુ ક્યારે થયું એ ચોક્કસ કહી શકાય તેમ નથી. પણ એવું અનુમાન થઈ શકે કે જે અનેક વર્ષો સુધી આ કાવ્ય એમની પાસે રહ્યું તે દરમ્યાન એનું કલેવર ઘડાતું રહ્યું, એમાં ઉમેરા થતા રહ્યા. સ્વસંવેદનમય હૃદયરુદિતશતકનો ઘણો ભાગ એમાં સમાવેશ પામ્યો, પણ વસ્તુની પાત્રસંવેદનમય યોજનાને લીધે અને સમય રાત્રિનો કલ્પવાને લીધે એ મૂળ સ્વસંવેદનમય ભાગની આગળ, પાછળ અને વચમાં અનેક કાવ્યખંડોના ઉમેરણનો અવકાશ સાંપડ્યો, નાયક, નાયકપત્ની, મિત્ર, મિત્રપત્ની (અને સખીવૃન્દ), એવી પાત્રયોજના; અને નાયકપત્નીનું, મિત્રપત્નીનું તથા નાયકનું મરણ થયા પછી નાયક, નાયકપત્ની અને (મિત્રપત્ની જેમાં ભળી ગઈ છે એ) મિત્ર એ ત્રણનું ત્રિતય સુરત; એજ પ્રકારના ‘ત્રયાણામ્‌ અદ્વૈતમ્‌’ સરસ્વતીચંદ્રમાં કલ્પના; આ ઘટનાઓ અને એમની વચ્ચેનું સામ્ય ગોવર્ધનરામની પોતાની જીવનગત કોઈ વિશિષ્ટ અનુભૂતિ અથવા ભાવનામાંથી ઉદ્‌ભવ્યું હશે કે કેમ, અને એવું હોય તો તે કઈ અનુભૂતિ, તે વિશે આપણે આધારપૂર્વક કંઈ જ કહી શકીએ તેમ નથી. પણ કલ્પના એવી વિલક્ષણ છે, એવી અપ્રતીતિકર છે, કે એનો બબ્બે સ્થળે ઉપયોગ કરવાની પાછળ કંઈક અનુભવગત કારણ તો રહ્યું જ હશે એવું અનુમાન કરવાને આપણે લલચાઈએ. પાત્રસંવેદનમય વિરહકાવ્યની યોજના કરવાથી એ પાત્રોના ઇતિવૃત્ત વિશે, અને એમના પર્યટન-મિલન વિશે કાવ્યખંડો ઉમેરવાનો અવકાશ ગોવર્ધનરામને મળ્યો; પાત્રમુખે વિરહકાવ્ય તો રજૂ કરવું જ હતું – અને તે પણ મૃતપત્નીના વિરહી પતિના વિરહનું કાવ્ય – એટલે નાયકની પત્નીનું મૃત્યુ, વસ્તુયોજનામાં, અનિવાર્ય હતું. પણ નાયકનું અને મિત્રપત્નીનું મરણ કરુણપ્રશસ્તિની યોજના માટે નિરર્થક લાગે છે. આ નિરર્થક મરણો થતાં બતાવવામાં ગોવર્ધનરામનો ઉદ્દેશ શો હશે તે સમજવું મુશ્કેલ છે – સિવાય કે એની પાછળ, ઉપર કહ્યું છે તેમ, એમની કોઈક, આ૫ણને અજ્ઞાત રહેલી, અનુભૂતિ કે ભાવના રહી હોય એમ કલ્પી લઈએ. મધ્યયુગના સાહિત્યમાં નહોતું તેવું પ્રકૃતિનું નિરૂપણ અંગ્રેજી સાહિત્યની અસરથી નર્મદના કાળથી શરૂ થયું હતું, જેમાં પ્રકૃતિ પૂર્વવત્‌ માનવભાવના ઉદ્દીપનવિભાવ તરીકે ન નિરૂપાતી પરંતુ ચિન્તનનો વિષય બનતી. આ નવા પ્રકારના પ્રકૃતિનિરૂપણમાં પ્રકૃતિ ઉપર માનવભાવનું કે માનવ પ્રત્યે સમભાવનું આરોપણ કરવામાં આવતું અથવા પ્રકૃતિના વ્યવહારમાંથી માનવવ્યવહારના સૂત્રની તારવણી, સામ્યદૃષ્ટિથી કે વિરોધદૃષ્ટિથી, કરવામાં આવતી. ગોવર્ધનરામે ‘સ્નેહમુદ્રા’માં પ્રકૃતિનિરૂપણનો જે પ્રકાર સ્વીકાર્યો છે તે આથી વિશિષ્ટ છે. વસ્તુ માટે સમય તો રાત્રિનો, ઉષા સુધીનો એમણે નિયત કર્યો હતો. એટલે ચેતન તત્ત્વો તો રાત્રિએ વિહરનારાં જ નિરૂપાય, અને અચેતન તત્ત્વોનાં સ્વરૂપો રાત્રિએ જેવાં હોય તેવાં જ વર્ણવી શકાય, એ એમની સ્વયંકૃત મર્યાદા હતી એ ખરું. પણ તત્ત્વોનું એમણે નિરૂપણ કર્યું છે તે પણ વિશિષ્ટ છે. એમણે નિરૂપેલાં પ્રકૃતિતત્ત્વો સ્વયમેવ માનવવત્‌ વ્યવહરે છે અને પોતપોતાનું ચિન્તન રજૂ કરે છે અને માનવને ઉપદેશ પણ આપે છે. આને ઉપર જણાવેલા પ્રકૃતિનિરૂપણના પ્રકારોમાંના માનવભાવારોપણની કક્ષામાં મૂકી શકાય–પરંતુ તત્ત્વતઃ અહીં માનવભાવારોપણથી કંઈક વિશેષ જણાય છે. ગોવર્ધનરામનો આ પ્રકૃતિનિરૂપણપ્રકાર ‘ઈસૉપ્સ ફેબલ્ઝ’માંના કે પંચતંત્રહિતોપદેશાદિમાંના પ્રકૃતિતત્ત્વોના માનવતુલ્ય વ્યવહારનું સ્મરણ કરાવે છે. આ પ્રકારનાં પ્રકૃતિનિરૂપણોની પ્રેરણા તો ગોવર્ધનરામને શેલી જેવા અંગ્રેજી કવિઓમાંથી – અને સાથેસાથ કદાચ નરસિંહરાવે કરેલા એના અનુકરણમાંથી – મળી હશે. પણ એના ‘સ્નેહમુદ્રા’માં એમણે પોતાના એ કાવ્યની યોજનામાં રહેલા ઉદ્દેશ અનુસાર ઉપયોગ કર્યો. ‘સ્નેહમુદ્રા’ના આરંભથી પ્રકાશન સુધીનાં – અથવા સમાપન સુધીનાં – જે વર્ષો વીત્યાં તે દરમ્યાન, એ કાવ્યની યોજનાને અને રાત્રિના સમયને અનુરૂપ આ કૃતિઓ રચાઈ હશે અને પછી કાવ્યમાં યથાસ્થાન ગોઠવાઈ હશે. જેમ આપણે ત્યાં સિદ્ધપ્રસિદ્ધ મહાકાવ્યની રચના ઉપરથી મહાકાવ્યનું લક્ષણ બંધાયું તેમ પાશ્ચાત્ય એલિજિનું લક્ષણ પણ એ પ્રકારની સિદ્ધ રચનાઓ ઉપરથી ઘડાયું હોય એ સંભાવ્ય છે. એ અનુસાર એલિજિમાં ચિન્તનનું સ્થાન સ્વીકારાયું. અર્થાત્‌ એલિજિમાં ચિન્તન જોઈએ જ એવી રાજજ્ઞા માની લેવાને કારણ નથી. ગોવર્ધનરામ તો પ્રકૃતિથી જ ચિન્તનશીલ હતા, તત્ત્વજ્ઞાનના અભ્યાસી અને પર્યેષક હતા; કવિતા તત્ત્વજ્ઞાનની દાસી છે એવો એમનો મત હતો એ એમની સ્ક્રૅપબુક્સમાંનાં તે વિશેનાં વિધાનોથી જણાય છે. એટલે ગોવર્ધનરામની આવી કરુણપ્રશસ્તિની કૃતિમાં ચિન્તન ન હોય તો જ નવાઈ ગણાય. ‘સ્નેહમુદ્રા’માં ચિન્તન, છે તે સર્વ કરુણપ્રશસ્તિમાં હોય તેવું સમાધાનહેતુક કે આશ્વાસનદાયક ચિન્તન નથી. એ ચિન્તન અનેકવિધ છે અને એમાં નારીની – વિધવા નારીની – અવદશા, આદર્શ વિવાહ, સાત્ત્વિક હૃદયપ્રેમની અમરતા, અધિકારીઓનો પ્રમાદ, માનવકલ્યાણની ભાવના, આશા-નિરાશા, સુખ-દુઃખ, પુરુષાર્થ, જીવન અને મૃત્યુ, ઇત્યાદિ અનેક વિષયોનો સમાવેશ થાય છે. એ ચિન્તન, આરંભના વિધવા-પ્રસંગ ઉપરાંત અને એ સંબંધે નાયકપત્નીએ કરેલા નાયકના ઉદ્‌બોધન અને નાયકના પૂર્વવૃત્તસ્મરણ ઉપરાંત, પ્રકૃતિનાં સત્ત્વોની અને તત્ત્વોની ઉક્તિઓમાં છે, અને એઓની એ પાત્રોક્તિરૂપ ઉક્તિઓને અંતે –કાંડને અંતે – કવિએ સ્વમુખે કરેલા સમાપ્તિકથનમાં છે. ગોવર્ધનરામની પદ્યરચનામાં લઘુગુરુ સ્વરોના ઉચ્ચારણની બાબતમાં બેદરકારી પ્રકટ છે. પણ આશ્ચર્યની વાત એ છે કે – જ્યાં એ ટાળવી મુશ્કેલ બને એવાં સંસ્કૃત વૃત્તો ઉપરાંત – જ્યાં સહેજ ફેરફારથી એ ટાળી શકાય એવા માત્રામેળ છંદોમાં પણ એ બેદરકારી ભરપૂર નજરે પડે છે. પોતે ભાષાશુદ્ધિના ઉપાસક હોવા છતાં છન્દની અપેક્ષાએ આવી ઉચ્ચારઅશુદ્ધિ નભાવી રહ્યા એ બહુ આશ્ચર્યજનક છે. આવી બેદરકારી એમણે બતાવી છે પરંતુ તેઓ ધારે તો વૃત્ત અને માત્રામેળ છંદ – બંને પ્રકારની પદ્યરચના સારી કરી શકતા. આવી સારી રચનાઓના દાખલા સ્નેહમુદ્રામાંથી જ મળી આવે છે. જેમાં એમનું વૃત્તપ્રભુત્વ પ્રમાણિત થાય છે અને જેમાં સારું કાવ્યત્વ પણ છે, એવા થોડાક દાખલાઓ આપણે અહીં જોઈશું :

“આશાવાયુ વિશે મહાગરુડ ને ન્હાની ઉડે ચલ્લિયો,
ન્હાતો મેઘ તણા જ તોડી પટ એ, સ્ત્રીશિર બેઠે ઘડે
આ ચંચૂ ભરતી જ; ત્હોય જડ જે નૈરાશ્યવિશ્વંભરા
તેમાં સર્વ સુવે, મરે, સુઈ ઉઠે, જીવે મરી વા ન વા.” (કાંડ ૩૬)

“નભઉર ઘન ગાજે, વાય વા, વૃષ્ટિ થાયે,
વનવિવર ગજાવે મોરલો અન્ધ રાત્રે;
ઘડી ઘડી, ચમકેલી વીજળી લાડઘેલી,
કરતી ચપળ ચાળા શું હસે? મેઘ કાળા.” (કાંડ ૭૪)

“જેણે નહીં જગતમાં પુરુષાર્થ સાધ્યો,
ઉચ્ચોચ્ચ જે પદ નહીં કદીયે જ પામ્યો,
તે જન્મ વ્યર્થ ધરતો! ધુળ તેથી સારી,
વંટોળિયે ચ્હડી ઉડે ઘડી વ્યોમ માંહી.” (કાંડ ૭૭)

અને રત્નેશ્વરની આન્તરપ્રાસવાળી માલિનીવૃત્તની “સુણ ઘન! મુજ વાણી, વર્ષતું રાખ પાણી” ઇત્યાદિ પંક્તિઓનું સ્મરણ કરાવે તેવી છેલ્લા કાંડના આરંભની આ પંક્તિઓ જુઓ :

“રજનિ બધીય ગાળી! શોકની સીમ ભાળી!
તિમિરની તતિ થાકી દૃષ્ટિથી જાતી આઘી!
અરુણ ઘણી કિનારીવાળી આ સાડી ધારી,
ઊભી શિશુરવિ ધારી કેડમાં, વ્યોમનારી?”

વર્ષાવર્ણનમાં યોજેલો કટાવછંદ (કાંડ ૫) તો સર્વે રસિકજનોની પ્રશંસાને પાત્ર બન્યો છે. એ ઉપરાંત, માત્રામેળ છંદની રચનાઓમાં “મુજ વૃત્તમાં નથી કો નવાઈ,” (કાંડ ૧૫), “મુજ વ્હેવું થાય ઘડી ધીર,” (કાંડ ૪૬), “હું વિશ્વમંડળમાં વસું ને વિશ્વ વસતું મુજમાં!” (કાંડ ૬૧) ઇત્યાદિ અનેક કૃતિઓ લયની સુભગતા જાળવી શકી છે. અને

“નીલ લીલમ સમાં લાલ ગાલે બેઠાં તમે જે તણે રે
એવા રૂડા આંબલિયાની ડાળ મુકીને, કોયલ, ક્યાં ગયાં રે?”

એ કાંડ ૫૧ માંના ગીતની મધુરતા અને ભાવમયતા તો પ્રસિદ્ધ છે. મહાકાવ્યની રચના માટે યોગ્ય બને એવા પદ્યપ્રકારની શોધ કરનારાએાએ સતતવાહી – પ્રવાહી – પરંપરિત પદ્યપંક્તિઓની રચનાનો પુરસ્કાર કર્યો તે પહેલાં – અનેક વર્ષો પહેલાં – ગોવર્ધનરામ એ પ્રકારની પદ્યપંક્તિઓ રચી ચૂક્યા હતા. (પરંપરિત પદ્યપંક્તિઓનાં ઉદાહરણ માટે જુઓ કાંડ ૭, ‘નિશામાં દીપ.’) ગોવર્ધનરામની કાવ્યશૈલીને અનુલક્ષીને કવિ નથુરામ સુંદરજીની “તાડી વછોડી ભૂષણો, કરી દૂર સર્વ સુવર્ણને–” ઇત્યાદિ પંક્તિઓ અનેકશઃ ટાંકવામાં આવી છે, પણ આ પંક્તિઓમાં જે જે કહ્યું છે તે બધું ગોવર્ધનરામની કવિતા પરત્વે પૂરું ખરું નથી. હું એ પંક્તિ – અથવા અર્ધપંક્તિ એકેકશઃ આપીને તેની સામે મારો અભિપ્રાય અહીં નોંધું છું : “તોડી વછોડી ભૂષણો” – સર્વથા સત્ય નહિ. અલંકારો છે. “કરી દૂર સર્વ સુવર્ણને” – બહુધા ખરું છે. “રસરાગ બેઠી ખોઈ” – તદ્દન ખોટું. “ખૂબ કઠોર કીધા ચર્ણને” – ખરું, વિશેષતઃ માત્રામેળમાં. “બેઠી છુપાવી મુખ” – મુખ છુપાવવું એ તો પુરાણો કવિધર્મ છે. “દુઃખણીએ ન જોયું અમ ભણી” – ખરું, પણ એ યે કવિધર્મ છે. ગોવર્ધનરામની કવિતા ‘ભાવ’ નથી છુપાવતી, પણ કઠોર તત્ત્વચિંતનને બહુ ઘટ્ટ ઘૂંઘટમાં છુપાવે છે. ગોવર્ધનરામની કવિતામાં ચિંતનભાર ઘણો છે, અને એમની પદ્યમય વાણીરચના એ ભારને વહેવાને સમર્થ ભાગ્યે જ બને છે. ઉપરાંત મુખ છુપાવવાનો – નિગૃહનનો – જે કાવ્યધર્મ છે, તેમાં વાચ્યાર્થ સંબોધ અથવા વિશદ હોય છે—ઘૂંઘટમાંથી મુખની તો ઝાંખી થઈ જાય એવો એ ઘૂંઘટ આછો હોય છે. નિગૂઢ રહે છે માત્ર ભાવ, દુર્ગમ રહે છે એ ભાવની વ્યંજના. પરંતુ ગોવર્ધનરામની કવિતા ક્વચિત્‌ એવો જાડો ઘૂંઘટ ધરે છે કે એના મુખનું—વાચ્યાર્થનું પણ વિશદ દર્શન થતું નથી. આ અર્થમાં “બેઠી છુપાવી મુખ” એ ઉક્તિ યથાર્થ છે. જેમાં અલંકારસાધક કલ્પનાવૈભવ, પદ્યરચનાનું પ્રભુત્વ, પદાવલિની સમૃદ્ધિ એ તત્ત્વો છે છતાં શિલ્પની ઉપેક્ષામાંથી પરિણમતી ઉચ્ચાવચતા છે એવાં આ ‘સ્નેહમુદ્રા’ કાવ્યમાં મૃતપત્નીવિષયક શોકનુ, હૃદયદ્રાવક કારુણ્યનું ઘનત્વ અને એનું પરિણામ કેટલું? પત્નીના મૃત્યુ પછી તરત રચાયેલું વિરહકાવ્યકૃતિ ‘હૃદયરુદિતશતક’ છે. એમાં શોકભાવ પ્રણયવિલાસનાં સ્મરણોથી સંવલિત છે—જેમાં એ અજવિલાપ, રતિવિલાપ જેવા તરુણ વિરહી પ્રેમીજનોના વિલાપોની કેડીએ ચાલે છે, અને જેમાં આનન્દવર્ધન જેવાનું અનુમોદન છે કે પ્રકૃતિમધુર પદાર્થો (૫દ-અર્થો) શોચનીય દશાને પામેલા હોય તે પણ વિલાસોનાં સ્મરણોથી શોકાવેગને પોષે છે. કાવ્યસુમનરૂપે ઘનીભાવ પામેલા શોકાશ્રુમાં આ વિલાસસ્મરણો સૌરભ આણે છે પણ ‘સ્નેહમુદ્રા’ એ શોકાશ્રુ-સુમનસોની આ સપાસ ભિન્ન સૌરભનાં અન્ય અનેક પુષ્પો, ઉપરાંત પલ્લવો, ગોઠવીને ગૂંથેલો ગજરો છે, અને એની ગૂંથણી શિથિલ છે. એમાં અવારનવાર ચમકી ઊઠીને હૃદયભૂત જે શોકોદ્‌ગાર કરે છે તે જ ગુણપ્રશસ્તિનું મૂળભૂત તત્ત્વ છે. અને એ શોકોદ્‌ગારોમાં ‘હૃદયરુદિત’ના શ્લોકોની પ્રતિચ્છાયા રહેલી છે. અર્થાત્‌ હૃદયભૂતના એ શોકવિલાપો તે મૂળ કરુણપ્રશસ્તિ છે; વસ્તુને પાત્રસંવેદનરૂપે પ્રકટ કરવાની યોજના મર્યાદાસંકોચને પરિહરવાની યુક્તિ છે; અને કવિના સતત અંધકાર પ્રભાવિત, તત્કાળ શોકતિમિરાવૃત, પરંતુ પ્રકૃતિએ પર્યેષક, એવા ચિત્તે જે નિશાનાં સત્ત્વોના તથા તત્ત્વોના પ્રસંગો કલ્પ્યા છે તે અવકાશ મળતાં ઉમેરેલાં પાશ્ચાત્ય કાવ્યોના સંસ્કારોએ પ્રેરેલાં છતાં વિશિષ્ટ પ્રકારનાં ચિન્તનગર્ભ પ્રકૃતિનિરૂપણો છે.

પાદટીપ

  1. આ વ્યાખ્યાન ૨૭મી ઑગસ્ટ, ૧૯૬૩ના રોજ અપાયું ત્યાર પછી “સરસ્વતીચંદ્ર મહાકાવ્યનો રાત્રિ-સર્ગ” એ ઉશનસ્‌નો લેખ ‘સંસ્કૃતિ’ના વિવેચનઅંકમાં પ્રકટ થયો તેથી મારા મન્તવ્યને એક પ્રકારે સમર્થન મળ્યું છે.

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.

(ગોવર્ધનરામનું મનોરાજ્ય)