સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – લાભશંકર પુરોહિત/ટી. એસ. એલિયેટનો કવિતાવિચાર
આ સદીના પૂર્વાર્ધમાં સાહિત્યસર્જનના ક્ષેત્રે જે કેટલાક નવા ખ્યાલો અને વલણો પ્રવેશ્યાં તેમાંએલિયટનું અર્પણ મહત્ત્વનું છે. કાવ્યસર્જન અને નાટ્યસર્જન દ્વારા સાહિત્યની સ્વરૂપગત શક્યતાઓને તાગવાનો એમણે પ્રયત્ન કર્યો છે; તો વિવેચક લેખે આ શક્યતાઓના સંદર્ભમાં કાવ્યકળાનાં-કવિકર્મનાં કેટલાંક મૂલ્યો પણ ઉપસાવ્યાં છે. એમની વિવેચના કેવળ વ્યુત્પન્ન અને વિદગ્ધ પંડિતની જ આલોચના નથી, વૈજ્ઞાનિક લિહાજ જાળવતા સતત જાગ્રત કવિની પ્રજ્ઞાનો પણ એને લાભ મળ્યો છે, એ કારણે કડક આત્મનિરીક્ષણનું તત્ત્વ જાળવતી એમની કવિતાવિચારણા વધુ સમતોલ અને એ કારણે વિશેષ ભરોસાપાત્ર બની છે.
એલિયટના કવિતા વિષયક ખ્યાલોના ઘડતરમાં સમકાલીન સાહિત્યવલણોની પ્રતિક્રિયા; હ્યુમ, બેબિટ અને એઝરા પાઉન્ડ જેવા વિવેચકોનો પ્રભાવ અને કેટલેક અંશે ‘ધર્મે એંગ્લોકેથોલિક' અને સાહિત્યક્ષેત્રે સૌષ્ઠવપ્રિયતાપરાયણ વલણ કારકરૂપ નીવડયાં છે, ‘Imperfect Critic' અને ‘Perfect Critic' જેવાં આરંભકાલીન લખાણોમાં સમકાલીન વિવેચનાત્મક પરિસ્થિતિ અંગેની પ્રતિક્રિયા વ્યક્ત થાય છે. જીવનના કોઈ પણ ક્ષેત્રમાં અમુક વલણો ગતિશીલ મટીને જ્યારે અમુકતમુક ‘વાદ'નું બદ્ધરૂપ ધારણ કરે ત્યારે આવાં વલણો સામે કાંઈક ને કાંઈક ઊંહકારો સંભળાય છે. વડર્ઝવર્થ અને કૉલરિજ જેવા કવિ વિવેચકોએ કવિતાક્ષેત્રે રોમેન્ટિક વલણોની પ્રતિષ્ઠા કરી તેમને ચલણી બનાવ્યાં. શરૂ શરૂની એની તાજપ આછરતાં, ક્રમશઃ સ્થિરતા ને મંદતા વરતાવા લાગ્યાં. કોલરિજ અને આર્થર સીમન્સ જેવાનાં, કેવળ અંગત પ્રતિભાવ દર્શાવતાં પ્રભાવવાદી ઊર્મિસભર વિવેચનોના પ્રતિકાર રૂપે એલિયટ, જાણે કે પ્રતિ-રોમેન્ટિક વલણ અપનાવે છે. બીજી તરફ મેથ્યુ આર્નલ્ડનાં અમૂર્ત અને સામાજિક-ઐતિહાસિક ઢાંચાનાં વિચારસંભૂત અને તર્કપૂત વિવેચનો હતાં. એલિયટના અભિપ્રાયે, આ પ્રકારનાં ‘અપૂર્ણ વિવેચન' કૃતિની કળાત્મકતાનો વસ્તુનિષ્ઠ અને વ્યક્તિત્વનિરપેક્ષ તોલ કરવામાં અધકચરાં નીવડે. રોમેન્ટિક પ્રવાહની કવિતામાં પણ કવિવ્યક્તિત્વનો અપ્તરંગી ચળકાટ, વ્યક્તિ લેખેની નિબંધ સ્વતંત્રતા, ક્યારેક તો ઊર્મિલતાની હદમાં પેશકદમી કરી જતી ઊર્મિ-લાગણીની અંગતતા, આત્મનિષ્ઠ(subjective) અંશની અભિવ્યક્તિનો સવિશેષ મહિમા-આ સૌ તત્ત્વો ઠીક ઠીક પ્રગટ થતાં હતાં. આ વલણ પરત્વેની પ્રતિક્રિયારૂપે કળામાં નિર્વૈયક્તિકતા-impersonality - નો ખ્યાલ ધીમે ધીમે ઊભો થાય છે. આ નવા ખ્યાલના મૂળ સગડ હ્યુમ, બેબિટ અને પાઉન્ડ જેવા વિચારક-વિવેચકનાં લખાણોમાં અત્રતત્ર મળે જ છે. માનવીની પ્રકૃતિસહજ મર્યાદા, કવિતામાં વૈયક્તિક અંશની અભિવ્યક્તિને બદલે રચનાકૌશલ પર મુકાતો ભાર, કાવ્યનું સજીવ અને સ્વાયત્ત અસ્તિત્વ-આ સૌ વાત ઉક્ત મીમાંસકો પાસેથી સ્પષ્ટ-અસ્પષ્ટ રૂપે ઉલ્લેખાતી જાય છે. કવિતાને inspired mathematics`ની નાતમાં ગણાવી, કવિ પાસે વૈજ્ઞાનિક જેવી નિવૈયક્તિક્તાનો આગ્રહ સેવનાર એઝરા પાઉન્ડમાં તો આ વલણ ચોખ્ખું નજરે પડે છે. આ સૌ વિચારોની પ્રગાઢ છાપ એલિયટ ઝીલે છે. એના શોધનસેવનમાંથી કળામાં નિર્વૈયક્તિકતાનો સમગ્ર ખ્યાલ- અને તેના અંગભૂત ‘વસ્તુગત સહસંબંધક’ (objective correlative)નો સિદ્ધાંત પણ વધુ વિશદ રીતે અને થોડાક અભિનિવેશપૂર્વક ઉપસાવે છે. કેથોલિક ધર્મશ્રદ્ધા અને પ્રશિષ્ટ સાહિત્યના ગાઢ સત્સંગને પ્રતાપે ‘પરંપરા' (tradition)ના તત્ત્વનું કવિકર્મમાં સેવન અને પુરસ્કરણ એમના દ્વારા થયું છે.
એલિયટનાં વિવેચનાત્મક લખાણો પૈકી ‘Tradition and Individual Talent', ‘Hamlet' અને ‘Metaphysical Poets'- આ ત્રણ લેખોમાં કવિકર્મ અંગેના તેના ખ્યાલનું સારગર્ભતત્ત્વ લગભગ આવી જાય છે; તેમાંય પહેલો લેખ તો એલિયટની કાવ્યવિચારણાને સમજવા માટે ચાવીરૂપ છે. જ્યોર્જ વોટ્સન તો તેને એલિયટના વિવેચનનું ‘બિનસત્તાવાર જાહેરનામું' (unofficial manifesto) કહીને ઓળખાવે છે. એ કારણે અહીં પણ મહદ્ અંશે ઉક્ત લેખને કેન્દ્રમાં રાખીને એલિયટના કાવ્યવિચારને તપાસવાનું વધુ વાજબી ગણાશે.
કવિકર્મનો વ્યાપક સંદર્ભમાં વિચાર કરી, આ આખીયે પ્રક્રિયાને, સૂક્ષ્મ પૃથક્કરણ દ્વારા, ઉકેલવાનો ઉક્ત લેખમાં પ્રયત્ન છે. લેખના પ્રથમ અંશમાં ‘પરંપરા’નું સ્વરૂપ અને કવિપ્રતિભા સાથેના સંબંધ અને તેની ઉપકારકતાની ચર્ચા ઝીણવટથી થઈ છે. ‘પરંપરા' સંજ્ઞા ટી.એસ. એલિયટની વિચારણામાં સૂત્રરૂપ છે. ‘ક્લાસિક' ધારાના આગ્રહી તરીકે ‘પરંપરા' પ્રત્યેનો સમાદર પણ સ્વાભાવિક છે. પરંતુ મુશ્કેલી અહીં જ છે. તત્કાલીન સાહિત્યવ્યવહારમાં ‘પરંપરા' સંજ્ઞાની આસપાસ રૂઢિસૂચક અધ્યાસ ઘાટો બની જવાને કારણે સંજ્ઞાનો મૂળ સંકેત અતિ ઝાંખો બનીને કુત્સા ને નિન્દાવાચક અર્થમાં પ્રયોજાતો હતો. એટલે, સૌ પ્રથમ તો તે ‘પરંપરા' શબ્દની આસપાસ ઊગી નીકળેલાં હીનતાસૂચક અધ્યાસોનાં જાળાંઝાંખરાં સાફ કરીને, સંજ્ઞાને તેના મૂળ અને સાચા અર્થપ્રકાશમાં મૂકે છે. તુચ્છાર્થવાચક અર્થ સામે નિશાન સાધીને તે કહે છે–પરંપરા એ કાંઈ પુરોગામી પેઢીના સર્જકોની સફળ રચનારીતિનું નમાલું કે અંધ અનુકરણ માત્ર નથી. આવી સ્થિતિચુસ્ત, જડ અને અવરુદ્ધ પરંપરાના સેવનનો તો તે સદંતર ઈન્કાર કરે છે. એટલું જ નહિ પણ એવી નિઃસત્ત્વ અને ઠાલીઠમ રટણરૂપ પરંપરા કરતાં તો નવીનતાને લાખ દરજ્જે આવકાર્ય માને છે; પરંપરા એ કેવળ વારસારૂપે મળતી સહજસિદ્ધ વસ્તુ નથી, જબરો પુરુષાર્થ માગી લે તેવો કષ્ટસાધ્ય પદાર્થ છે. પ્રતિભાવંત સર્જકોની નૂતન રચનાઓમાં આપણને દેખાતા અપૂર્વ અને વૈયક્તિક ગણી શકાય તેવા ઉન્મેષો હકીકતે તો સાહિત્યની સુદીર્ઘ જીવંત પરંપરામાંના સંચિત ઉન્મેષો જ હોય છે. કવિની રચનાનો સૌથી ઉત્તમ અંશ -જેને પુરોગામી કવિઓના સિદ્ધ અંશ કરતાં નોખો તરી આવતો ને નવકવિની પ્રતિભાનો જ વૈયક્તિક અંશ ગણીને આપણે ઓવારણાં લેવા માંડીએ છીએ તે તો તેની પ્રતિભામાં પ્રચ્છન્નરૂપે રહેલી યત્નસિદ્ધ દુર્લભ પરંપરાના અંશનો જ નિદર્શક છે! ને આ કારણે જ ઘુતિમંત પરંપરા ‘વિશેષ વ્યાપક મહત્ત્વની વસત' એલિયટને લાગે છે.
પરંપરામાં સૌથી અગત્યનું તત્ત્વ છે ઇતિહાસદૃષ્ટિ (historical sense) આ ઇતિહાસદૃષ્ટિ વિશેનો ટી.એસ.એલિયટનો ખ્યાલ પણ વિશિષ્ટ છે. ભૂતકાલીન સ્થૂળ વિગતોની માહિતીપૂર્ણ સૂઝ જ તેમાં અભિપ્રેત નથી, પણ કાલાતીતતા અને તત્કાલીનતાની સહોપસ્થિતિ તથા અનુબંધ અપેક્ષિત છે. વર્તમાન કાળપ્રવાહના ‘ભૂત'રૂપ અંશને પણ વર્તમાનના પ્રકાશથી અજવાળીને પામવાનું એમાં ઇષ્ટ છે. એટલે જ એ નોંધે છે કે ઇતિહાસદષ્ટિ ‘ભૂતકાળની માત્ર ભૂતકાલીનતા જ નહિ, તેની સાંપ્રતતા પણ જુએ છે.' આમ ઇતિહાસદૃષ્ટિને પ્રતાપે, પરંપરા ખંડ-દેશકાળની અધૂરીપધૂરી છબિ માત્ર નહિ પરંતુ સમગ્ર સાહિત્યની અખંડ અને અનવરત વ્યવસ્થાના સાતત્યનો અર્થ જાળવે છે. નવી રચના, પોતાની સ્વકીયતા જાળવીને, આ સમગ્ર વ્યવસ્થાને આગે બઢાવવાનું કામ કરે છે. પરંપરાના પ્રાણરૂપ એવી આ ઇતિહાસદૃષ્ટિ ગતકાલીન કવિઓ (dead poets)ની સમૃદ્ધ રચનાઓના પરિપ્રેક્ષ્યમાં વર્તમાન રચનાનું મૂલ્ય સમજાવે છે. આમ પરંપરાથી વર્તમાન દોરાય છે, પણ એટલું જ પૂરતું નથી. એલિયટ તો નોંધે છે કે “જેમ વર્તમાન ભૂતકાળથી દોરાય છે, તેમ જ ભૂતકાળ પણ વર્તમાનને કારણે પરિવર્તન પામે છે.”
આ સ્થિતિમાં કળાકારના સામર્થ્યનું પરંપરાથી વિભક્ત એવું કશું મહત્ત્વ નથી. પરંપરા સાથેનું તેનું અનુસંધાન એ જ તેનું મૂલ્ય છે. નવા કવિ કે કળાકારની રચનામાં અવબોધ કે રસવિવેક માટે, પરંપરાસ્થિત સમર્થ કવિ કે કળાકારની સાથે તેને સરખાવીને કે વિરોધાવીને માર્ગ કાઢવાનું જ મુનાસબ છે. આમ જેમ નવો કવિ કે કળાકાર પરંપરાથી અભિભૂત થાય છે, તેમ પરંપરાનો પ્રવાહ પણ નૂતન રચનાથી અભિસિકત થાય છે. એટલે કે ગતકાલીન સર્જકો નવા સર્જકોનાં સર્જનોનો તોલ કરવામાં સહાયરૂપ બને છે તેમ વર્તમાન સર્જકો ગતકાલીન કવિ-કળાકારોના વિવેકમાં પણ સહાયરૂપ નીવડે છે; એટલે ભૂતકાળ અને વર્તમાન પરસ્પરાનુસંધાન કેળવીને એક જીવંત પરંપરાનો ખ્યાલ રચે છે. ગતિશીલ અને સચેતન એવી આ પરંપરા કવિપ્રતિભાનો અનુસ્યૂત અંશ બની રહે છે.
પરંપરા અને સર્જકપ્રતિભાના અવિનાભાવી સંબંધનું એ વિશેષ વિવરણ કરે છે. પરંપરાના અંગરૂપ ભૂતકાળનું દ્રવ્ય કાવ્યસર્જનમાં કઈ રીતે પ્રયોજાતું હોય છે? એલિયટ નોંધે છે કે કોઈ પણ સર્જક ભૂતકાળને આખા ને આખા ઘાટમાં તો સ્વીકારી શકે નહિ, તેમ જ તેમાંના અમુક વિશેષ યુગને પણ પસંદ કરી શકે નહિ. સર્જક ભૂતકાળને હકીકતો કે માહિતીના કેવળ ગઠ્ઠા કે લોંદા તરીકે ન લઈ શકે, તેમ પોતાને અંગત રીતે પ્રિય એવાં એક બે ભૂતકાલીન વલણો પરથી સર્ગશક્તિને વાવરી શકે નહિ; કે પસંદગીના કેવળ એક જ યુગમાંથી બધું મેળવી શકે નહિ, પરંતુ કવિતા અને કળાના મુખ્ય પ્રવાહથી અત્યંત સભાન રહી તેનું અભિજ્ઞાન પ્રાપ્ત કર્યે રાખવું તેમાં જ પરંપરાનુંસંધાનની સાર્થકતા છે. આ કારણે જ એ ઇતિહાસદૃષ્ટિ સાથે ઇતિહાસજ્ઞાનને પણ કવિપ્રતિભાનો અનિવાર્ય અંશ માને છે. આ ઇતિહાસજ્ઞાન વિદ્વત્તાના ભાગરૂપ પણ હોય, પરંતુ પોથી પંડિતાઈનો ભારેખમ બોજ પ્રતિભામાં ન વરતાવો જોઈએ. પરંપરાના સતત વહેતા પ્રવાહમાંથી પ્રગટતા પ્રમુખ અંશોને આત્મસાત્ કરવામાં જ વિદ્વત્તાનું સાર્થક્ય છે.
વ્યક્તિઅંતર્ગત સહજરૂપ પ્રતિભાને, કંઈક અંશે બહિર્ગત કહી શકાય તેવી ‘પરંપરા' સાથે દૃઢ રીતે સાંકળીને, એલિયટ, સર્જકની આકરી તપશ્ચર્યાનો અણસાર આપે છે; પણ આ જોયું? કવિપ્રતિભાની પરિણતિનો પાયો જ એણે પરંપરાની આયાસસાઘ્ય ઉપલબ્ધિ પર માંડ્યો. કવિપ્રતિભા અને પરંપરા આ બેયમાં એને મન પરંપરા એકડાને સ્થાને હોય તેવું લાગે છે. સર્જન વ્યાપારના મુખ્ય બાજોઠ પર પરંપરાનું સ્થાપન કરીને નૈસર્ગિકી પ્રતિભા - કે યાં વિના કાવ્યં ન પ્રસરેત, પ્રસૃતં વા ઉપહસનીયં સ્યાત-ને ‘ડીગ્રેડ’ કરી હોય તેવું નથી લાગતું? એલિયટનું લક્ષ્ય છે કળાને વિજ્ઞાનને દરજ્જે પહોંચાડવાનું, અને એ માટે કળાવ્યાપારમાં વ્યક્તિતાના રહેલા સકલ અંશોને હદપાર કર્યે જ છૂટકો. વ્યક્તિ(individual) અને વ્યક્તિત્વ(personality) સાથે અર્થપૂર્ણ સંવાદ ધરાવતી આ પરંપરા કવિ પ્રતિભાના સ્રોતરૂપ જ નહિ, શસ્ત્રરૂપ પણ છે. એ કારણે કળાસિદ્ધિના કીમિયારૂપ નિર્વ્યક્તીકરણની પ્રક્રિયામાં પરંપરાનું શોધન અને સેવન માત્ર ઈષ્ટ નહિ, અનિવાર્ય બની રહેતાં લાગે છે. કવિકર્મમાં પરંપરાનુસંધાનને માર્ગે આ ‘બિન-અંગતતા’ ભણીની ગતિ જ લક્ષ્યરૂપ છે. આ વાત એણે પ્રથમ અંશના સમાપનમાં વધુ સ્પષ્ટ કરીને મૂકી છે: The Progress of an artist is a continual self-sacrifice, a continual extinction of personality. અનવરત આત્મસમર્પણ, વ્યક્તિત્વનું સતત તિરોધાન જ કળાકારની પ્રગતિની પ્રક્રિયારૂપ લાગે છે.
લેખના બીજા અંશમાં કવિકર્મનો વધુ સૂક્ષ્મ રીતે વિચાર થયો છે. કવિ પર નહિ પણ કવિતા પર ભાર મૂકવાનું દર્શાવી એલિયટ કવિતામાં વસ્તુનિષ્ઠતા અને બિન-અંગતતા જેવાં તત્ત્વો તરફ શરૂઆતમાં આંગળી ચીંધે છે. સર્જનપ્રક્રિયાની ગૂંચ ઉકેલવાના પ્રયાસરૂપે કવિકર્મને વિજ્ઞાન-પ્રયોગની રાસાયણિક પ્રતિક્રિયા સાથે સરખાવીને પોતાનું મંતવ્ય સ્થાપિત કરે છે. આ માટે એક વિશિષ્ટ પ્રયોગ ઉદાહરણ એ ટાંકે છે. ઓક્સિજન અને સલ્ફરડાયોક્સાઈડ જેવા વાયુને પ્લેટિનમ જેવા ઉદ્દીપક પદાર્થની ઉપસ્થિતિમાં સંયોજવામાં આવે તો ઉક્ત બંને વાયુઓનું સલ્ફરિક એસિડમાં રૂપાંતર થાય છે. આ પ્રક્રિયામાં પ્લેટિનમની ઉપસ્થિતિ અનિવાર્ય છે. સહોપસ્થિત એવા આ બંને વાયુ પ્લેટિનમની ગેરહાજરીમાં વિક્રિયા પામી શકતા નથી. પરંતુ સાથોસાથ એ પણ મહત્ત્વનું છે કે ઉદ્દીપક માધ્યમ પ્લેટિનમનો તંતુ પોતે તો નિર્વિકાર અને અલિપ્ત રહે છે. આ પ્રક્રિયાની તેના પર કશીયે અસર પડતી નથી. આ પ્રયોગને કાવ્યસર્જન સાથે સરખાવીને એલિયટ કહે છે: ‘કવિનું ચિત્ત પણ પ્લેટિનમના ટુકડા જેવું છે. તે માણસના પોતાના અનુભવ પર પૂરું કે અમુક અંશે પ્રવૃત્ત થાય, પરંતુ કળાકાર જેટલો વધારે સંપૂર્ણ હશે તેટલા વધારે પ્રમાણમાં, તેનામાં રહેલો અનુભવકર્તા માણસ અને સર્જનકર્તા ચિત્ત પૃથક્ પૃથક્ રહેશે; તેમ જ ચિત્ત વધારે પૂર્ણપણે સામગ્રીરૂપ આવેગોને આત્મસાત્ કરીને રૂપાંતરિત કરશે.” સંવેદક વ્યક્તિના સંવેગ (emotion) રૂપ અને લાગણી (feeling) રૂપ અનુભવ જ કવિતાની કાચી સામગ્રીરૂપ છે. કળામાં એનો સિદ્ધ થતો સમવાય એકાત્મક-કેવળ સંવેગનો-કે અનેકાત્મક-સંવેગોની અનેકાર્થકતા-વા નકરી લાગણીના ઉપચયરૂપનો પણ હોઈ શકે. શરત માત્ર છે એમના સર્જનાત્મક પૂર્ણ રૂપાંતરની.
સંવેદક વ્યક્તિ(The man who suffers)થી સર્જક ચિત્ત(The mind which creates)ની ઉત્તરોત્તર પ્રાપ્ત થતી પૃથક્તા ને પૂર્ણતામાં જ કવિકર્મની સાર્થકતા છે એવું એનું પ્રતિપાદન, ‘કવિને જે અભિવ્યક્ત કરવાનું છે તે તો અમુક વિશિષ્ટ માધ્યમ, નહીં કે અમુક વ્યક્તિત્વ'માં વિશેષ દૃઢરૂપે સંભળાય છે. કવિ અને કવિતાના સંબંધનો નિર્દેશ કરતાં એણે, કળામાં નિર્વેયક્તીકરણની પ્રક્રિયાનો અણસાર આપીને નોંધ્યું છે : ‘એક પરિપક્વ કવિના ચિત્ત અને અપરિપક્વ કવિના ચિત્ત વચ્ચે જે તફાવત છે તે માત્ર ‘વ્યક્તિત્વ'ના મૂલ્યાંકનમાં જ નહિ...પરંતુ...માધ્યમને પ્રાપ્ત થયેલી એવી વધુ સૂક્ષ્મ પૂર્ણતામાં હોય છે.' યેટ્સની કવિતાની ચર્ચા કરતી વેળા, અન્યત્ર, આ વિચારને એ વધુ સ્પષ્ટપણે મૂકે છે. યેટ્સની કવિતાનો તોલ કાઢતી વેળા નિર્વૈયક્તિકતાનાં બે સ્વરૂપ દર્શાવ્યાં છે: કેવળ કુશળ કારીગર (mere skillful craftsman) અને વિદગ્ધ કલાકાર (matured artist). એકમાંની બિનંગતતા સ્વાભાવિક છે. બીજામાંની ઉપલબ્ધ છે. આ બીજા સ્વરૂપની નિર્વૈયક્તિકતા ધરાવતો સર્જક ઉત્કટ અને વ્યક્તિગત સામાન્ય સત્યને વ્યક્ત કરવા માટે સમર્થ નીવડે છે. પોતાના અનુભવની આગવી વિશેષતાઓને જાળવીને તેને સામાન્ય પ્રતીક રૂપ આપે છે.
કવિકર્મ અંગેનો એલિયટનો આ ખ્યાલ સમગ્રરૂપે ગળે ઊતરવામાં કેટલીક મુશ્કેલી છે. કવિકર્મમાં કવિચિત્તની સ્થિતિ પ્લેટિનમના તંતુ જેવી જડ કલ્પવા કરતાં સાંખ્યમતના પુરુષ જેવી ચૈતન્યપૂર્ણ માનવી વધુ મુનાસબ લાગે છે. કાવ્ય અને કળાના ઉપાદાન રૂપ લાગણી અને સંવેગ, તેનાં રચાતાં પારસ્પરિક સંમિશ્રણો અને કવિના ચિત્તને સ્પર્શને પ્રતાપે આ સામગ્રીનું કળાપદાર્થ તરીકે થતું રૂપાંતર- અહીં સુધી તો સીધીસટ વાત છે. પણ કવિનું ચિત્ત અને કવિનું વ્યક્તિત્વ સમગ્ર સર્જનપ્રક્રિયા દરમ્યાન એકાન્તિક તટસ્થતા જ નહિ, પણ એક પ્રકારની અક્રિયતા દાખવે છે ખરાં ? લાગણી (feeling) સંવેગ (emotion) અને સંવેદન (sensation) કળાની કાચી સામગ્રીરૂપ છે. પ્રથમ દરજ્જે તો એક વ્યક્તિ તરીકે ખુદ કવિની સાથે એનો સંબંધ છે. એક રીતે જોઈએ તો એ ખુદ કવિનો જ અનુભવ છે. The man who suffers એમ કહેવા પાછળ એલિયટના મનમાં સંવેદક વ્યક્તિની ગૃહીતતા સ્પષ્ટ છે જ. એટલે અંશે તેમાં એક પ્રકારની અંગતતા પણ છે, પરંતુ કેવળ અનુભૂતિમાં કવિકર્મનું સાફલ્ય નથી. બીજી જ ક્ષણે તે કાચા દ્રવ્યનું કળાપદાર્થમાં રૂપાન્તર કરતાં વ્યાપારને અને એ વ્યાપારની રમણભૂમિને ચિત્ત તરીકે ઓળખાવે છે. અનુભૂતિ અને સર્જન આખરે તો કવિ સંયુક્ત છે પરંતુ અનુભૂતિમાં રહેલા વ્યક્તિતાના તમામ અંશો વિગલિત થઈને બિનંગત પ્રદેશમાં પ્રવેશે, કહો કે, ભાવ વ્યક્તિસંલગ્ન તંતુને છેદીને વ્યક્તિત્વરહિત ભૂમિકા પ્રાપ્ત કરે એમાં કવિકર્મની ઇતિશ્રી છે. પરંતુ વ્યક્તિત્વરહિતતા કવિકર્મમાં સદંતર ને સંપૂર્ણપણે શક્ય છે ખરી? કવિના ભાવ કે લાગણી વાસ્તવિક હોય કે કાલ્પનિક, એમણે સર્વસ્થ ભાવ બન્યે છૂટકો, પરંતુ સર્વસ્થતા પામવાની પ્રક્રિયામાં સ્વસ્થતાનું સદંતર વિલોપન છે કે વિગલન? એટલે કે કાવ્યવ્યાપારમાં impersonality તે personalityનું નિષ્કાસન છે કે વિગલન? એલિયટનો ચોખ્ખો જવાબ છે escape from personality, escape from emotion) એટલે કે કાવ્યવ્યાપારની અન્વર્થકતા ‘વ્યક્તિત્વ' અને ‘વ્યક્તિત્વરંગીભાવ'માંથી છુટકારો મેળવવામાં રહેલી છે. કવિતામાં વ્યક્તિત્વ અને વ્યક્તિતાનો અનાદર કરવાના આત્યંતિક આગ્રહને કારણે જ એ ‘કવિનું કાર્ય નવા સંવેગોને શોધી કાઢવાનું' નહિ પરંતુ સર્વસાધારણ સંવેગોનો ઉપયોગ કરવાનું ગણાવે છે. હકીકતે સંવેગ તેના મૂળરૂપે જ સર્વસાધારણ છે, એ કારણે જ એ આસ્વાદ્ય છે, એ અર્થમાં એ બિનંગત-impersonal છે. ખરી રીતે તે વ્યક્તિત્વરહિત નહિ પણ વ્યક્તિત્વનિરપેક્ષ છે. કાવ્યમાં જ્યાં સુધી અંગતતા personality - ના અંશને વજન મળે ત્યાં સુધી કાવ્ય સિદ્ધ થવાની શક્યતા પાંખી રહેવાની. સ્વભાવતઃ અંગતતા ઊર્મિ કે લાગણી તરફ વધુ ઢળવાની. એટલે જ એલિયટ કહે છે : ‘કવિતા એટલે ઊર્મિ કે સંવેગને છૂટો દોર આપવો એમ નહિ, પણ ઊર્મિ કે સંવેગ થકી છુટકારો. “(Poetry is not a turning loose of emotion but an escape from emo- tion). એટલે કવિતા એ માત્ર ઊર્મિ કે લાગણીનો રગડો નથી; વર્ડ્ઝવર્થ કહે છે તેમ ‘બલિષ્ઠ લાગણીઓનો ઉદ્રેક' નથી. લાગણીનો લાવારસ ચારે તરફ એની લપકતી જ્વાળાઓ ઉછાળે તે કવિતા નથી, અસ્વસ્થતા છે. કવિતામાં તો ઊર્મિ કે લાગણીનું સંગોપન ઇષ્ટ છે, એ જ શ્વાસમાં, પોરો ખાધા વગર એણે નોંધ્યું છે : ‘(કવિતા) વ્યક્તિત્વની અભિવ્યક્તિ નથી, પણ વ્યક્તિત્વમાંથી વિમોચન છે.’' (It is not the expression of personality but an escape from personality). એલિયટની કાવ્યવિચારણાનો ‘સમ' આ રીતે, કવિકર્મમાં બિનંગતતાના અત્યંત આગ્રહ પર આવીને ઊભે છે. સર્જકની કલાકાર લેખેની સિદ્ધિ ઉત્તરોત્તર પ્રાપ્ત થતી જતી વ્યક્તિત્વવિગલનની પ્રક્રિયામાં સમાહિત છે. આ બિનંગતતા પ્રાપ્ત કરવા માટે, ‘કળાકારે' કવિકર્મની પૂરી શરણાગતિ સ્વીકારવી રહી. એટલે કે કવિએ પોતાના સમગ્ર સંવિત્ને કવિકર્મને હવાલે કરી દેવું જોઈએ.
જ્યાં સુધી કવિ ભૂતકાળની જીવંત પરંપરા સાથે સમવાય ન સાધે ત્યાં સુધી કવિકર્મની પૂરી જાણકારી પ્રાપ્ત થતી નથી. એટલે નિર્વેયકિતકતા-વ્યક્તિત્વ વિગલન દ્વારા સિદ્ધ થતું કવિકર્મ પરંપરાના અનુસંધાન માત્ર જ નહિ, પણ પરંપરા સાથેના સચેતન સંવાદની પણ અપેક્ષા રાખે છે, અને આ રીતે તે પરંપરાપરિશીલન સાથે કવિકર્મનો છેડો સાંધી આપે છે.
એલિયટના આ કાવ્યવિચાર અંગે પશ્ચિમની વિચારણામાં પણ ઠીક ઠીક ઊહાપોહ થયો છે. કવિતામાંથી કવિના વ્યક્તિત્વનું સંપૂર્ણ નિષ્કાસન, કાવ્યના સ્વાયત્ત જીવન અને કૃતિ પરના કવિપ્રભાવના બિલકુલ અભાવના એલિયટના આગ્રહ સામે વિન્ટર્સે પ્રબળ વિરોધ વ્યક્ત કર્યો છે. એ કહે છે કે કવિતામાં નિર્વૈયક્તિકતાનો અત્યંત આગ્રહ અને કૃતિ પર કવિના અંકુશનો સર્વથા અભાવ તો કવિને કેવળ સ્વયંચાલિત યંત્રની કક્ષામાં મૂકી દે. (...making the poet merely an automation) રેન્સમ પણ કહે છે આ તો લગભગ કાવ્યગત યાંત્રિકતાનો સિદ્ધાંત જ થયો. (this is very nearly a doctrine of poetic automatism) હકીકતે કવિતા જડ યંત્રનિષ્પન્ન પદાર્થ નથી. આખરે તો કવિ પોતે પણ કવિતા દ્વારા એક મૂલ્ય ઊભું કરે છે. અને એ કારણે કવિતા પર કવિના કોઈ ને કોઈ પ્રકારના અંકુશની હસ્તી અનિવાર્ય બને છે. કવિતામાં થતાં, અતંત્રતા અને અસંબદ્ધતાના વિચિત્ર આલેખન સામે પણ વિન્ટર્સની ફરિયાદ છે. અતંત્રતા અને અસંબદ્ધતાનું આલેખન અસંબદ્ધ હોય? વિન્ટર્સનું પ્રતિપાદન તો છે ‘બુદ્ધિગમ્ય સંવિધાન’ rational structure'નું. આ બુદ્ધિગમ્ય સંવિધાન જ કાવ્યગત સંવેગનું નિયમન કરે છે. બૌદ્ધિક વિધાન ‘rational statement' એ સંવેગ માટેનો ‘મોટિવ' છે. ‘વિષયગત સહસંબંધક'ના એલિયટના સિદ્ધાંત અંગે પણ વિન્ટર્સનો આવો જ પ્રતિભાવ છે.
કવિકર્મમાં કવિના ચિત્તની અક્રિયતા અંગેનો ટી.એસ.એલિયટનો ખ્યાલ પણ એના એ રૂપે સ્વીકાર્ય નીવડે એમ નથી. કવિ માત્ર માધ્યમ છે ત્યાં સુધી તો ઠીક પરંતુ કવિચિત્ત પ્લેટિનમના ટુકડા જેવું જડ અને અચેતન છે ખરું ? સર્જનપ્રક્રિયાનો નકશો દોરતી વેળા ઉદાહરણ તરીકે ટાંકેલા રાસાયણિક પ્રયોગના દૃષ્ટાંતમાં પ્લેટિનમની ઉપસ્થિતિ માત્ર સલ્ફયુરિક એસિડને સિદ્ધ કરી આપે છે. આ ઉદાહરણ સજર્નપ્રક્રિયાને અકબંધ લાગુ પડી શકે તેવું છે?
કવિકર્મ આખરે જો સર્જનપ્રક્રિયા હોય તો તેમાં સચેતન અને જીવંત વ્યાપારની અપેક્ષા છે. કાવ્યવ્યાપારમાં કવિચિત્તની નિરપેક્ષ ઉદાસીનતા કે સાક્ષ્ય એ એક વાત છે અને તેની અક્રિય જડતા એ બીજી વાત છે. કવિકર્મ અને કવિતાને વિજ્ઞાનની કક્ષા સુધી પહોંચાડવાના વ્યામોહમાં અને નિર્વૈયક્તિકતાના અંતિમ છેડા સુધી કવિતાને ઊંચકી જવાના અભિનિવેશમાં ખુદ કવિચિત્તની પ્લેટિનમસદૃશ જડતા કલ્પવામાં ઔચિત્ય વરતાતું ન લાગે તો આશ્ચર્ય નહિ. કવિકર્મમાં બિનંગત રીતે વ્યાપૃત રહીને પણ કવિચિત્ત સૂક્ષ્મપણે તો પ્રવૃત્ત જ રહે છે.
કવિકર્મ અને કવિતાના સ્વરૂપ વિશેના ભિન્ન ભિન્ન વિચારઅંશોને ‘વિષયગત સહસંબંધક' (ઓબ્જેકટીવ કોરરિલેટીવ)ના સિદ્ધાંત દ્વારા એલિયટે સૂત્રરૂપે આપવાનો પ્રયત્ન કર્યો છે. કળામાં નિર્વ્યક્તીકરણની પ્રક્રિયા કઈ રીતે સિદ્ધ થઈ શકે તેનો ખ્યાલ પ્રસ્તુત કરવાનો ઉક્ત વ્યાપ્તિબંધનમાં ઉપક્રમ લાગે છે.
‘હેમ્લેટ' નાટકમાં શેક્સપિયરના કવિકર્મનો વિચાર કરતાં કરતાં, ઉક્ત કૃતિમાં પાત્રગત ભાવ અને કવિગત ભાવને ઉચિત એવો વિષયગત સહસંબંધક લેખકને પ્રાપ્ત થયો નથી અને અને લીધે – યોગ્ય સહસંબંધકના અભાવે—કૃતિ કળાત્મક સફળતાને આંબી શકતી નથી. નાટકના સમગ્ર વળાંકને તપાસીને એલિયટ આ મતલબના તારણ પર આવે છે.
આ ‘વિષયગત સહસંબંધક' અંગેના એલિયટના ખ્યાલને એના જ અભિપ્રેતાર્થમાં નોંધીએ.
“કળારૂપે ભાવને વ્યકત કરવાનો એક માત્ર માર્ગ ‘વિષયગત સહસંબધક' શોધવાથી મળે એમ છે. વિષયગત સહસંબંધક એટલે વસ્તુઓનું એક સંબદ્ધ જૂથ, એક પરિસ્થિતિ, બનાવોની શૃંખલા, જે એ વિશેષ ભાવનું સૂત્ર બની રહે. આ વિષયગત સહસંબંધક એવું હોય છે કે બાહ્ય હકીકતો, જે ઇન્દ્રિયગમ્ય અનુભવમાં પરિણમવી જોઈએ, તે જ્યારે આપવામાં આવે ત્યારે પેલો ભાવ તરત જ જાગી ઊઠે છે.” (અનુ. ઉમાશંકર જોશી) પૃથક્કરણ દ્વારા આ સૂત્રને ઉકેલવાનો પ્રયત્ન કરીએ.
૧. કળાસૃષ્ટિમાંનો ભાવબોધ નિરાળા પ્રકારનો છે. કળાકૃતિમાં ભાવનું પ્રગટીકરણ તેના તે રૂપે -વ્યવહારસદૃશરૂપે શક્ય નથી. ભાવના રસાત્મક આવિષ્કાર માટે સામર્થ્યપૂર્વક એનું વહન કરી શકે તેવું મૂર્ત વસ્તુરૂપ - objective correlative - કવિએ ખોળવાનું હોય છે. આ વસ્તુરૂપ માત્ર સ્થૂળ સંકેત હોય તેટલું પૂરતું નથી, પરંતુ ભાવસમવેત હોવું જોઈએ. ભાવ સાથેનો કેવળ ઉપચારસંબંધ કળામાં નભી શકે નહિ. એ કારણે જ સંબંધક (રિલેટીવ)ની આગળ ‘સહ’(કો)પૂર્વગ જોડીને વસ્તુરૂપની સાદૃશ્યાત્મક અનિવાર્યતા દર્શાવી છે. અમૂર્ત ભાવનું મૂર્તીકરણ કશાક વસ્તુસંકેતના ઉપયોગ દ્વારા શક્ય છે. શબ્દાતીત ભાવ શબ્દરૂપ પામે ત્યારે એમણે પોતાનું ભાષાંતર શોધવું રહ્યું.
૨. સૂત્રનો બીજો અંશ ‘વિષયગત સહસંબંધક'નું સ્વરૂપ સમજાવે છે, ભાવના એક માત્ર સંવાહક તરીકે પ્રયુક્ત થતો વસ્તુસંકેત પરસ્પર રીતે સંકળાયેલા ભિન્ન ભિન્ન વસ્તુ- અંશોનું સમરેખ માળખું હોય કે ઘટનાના પૂર્વાપર અંશોને સતત અને સમગ્રપણે ગૂંથતી પરંપરા હોય કે ઘટનાનિરપેક્ષ પરિસ્થિતિ હોય તેનો આધાર તો આખરે મૂળ ભાવના મિજાજ પર જ અવલંબે છે. એટલે કે કાવ્યમય મૂળ ભાવની પોતાની આંતરજરૂરતમાંથી જ વિષયગત સહસંબંધકનું સ્વરૂપ ઊપસી આવે. આ સહસંબંધક વસ્તુસંકેત ભાવનો માત્ર પ્રતિનિધિ નથી, ભાવની અવેજીમાં આસ્વાદ્ય કોટિનું પ્રતિકૃત વસ્તુપ્રતીક છે.
૩. સૂત્રનો ત્રીજો અંશ ‘વિષયગત સહસંબંધક’નું કાર્ય સ્પષ્ટ કરે છે. વસ્તુસંકેતરૂપે ભાવકને પ્રત્યક્ષ થતી હકીકત, ઘટના કે પરિસ્થિતિ પોતાની સંપૂર્ણ વ્યંજનાશક્તિના પ્રતાપે મૂળ ભાવનો કલાનુભવ કરાવવા સમર્થ નીવડે છે. ભાવક ચિત્તમાં મૂળ ભાવનો થતો સઘપ્રકાશ ‘વિષયગત સહસંબંધક'ની સાર્થકતારૂપ છે. તે જો શક્ય ન બને તો વિષયગત સહસંબંધકની નિષ્ફળતા પ્રમાણવાની રહી.
‘હેમ્લેટ' વિષયક ઉક્ત લેખમાં જ્યાં આ ખ્યાલ સૂત્રરૂપે મૂકાયો છે ત્યાં પણ થોડી ગૂંચવણ છે. પહેલો સવાલ તો એ છે કે એલિયટ જે મૂળ ભાવની વાત કરે છે તે કોનો ? કવિનો કે પાત્રનો ? તેના અનુસંધાનમાં એમ પણ પ્રશ્ન ઊઠે કે કવિ કોના ‘વિષયગત સહસંબંધક'ની શોધ કરે છે? પોતાના મૂળ ભાવના કે પાત્રના મૂળ ભાવના ? ખુદ એલિયટનું ઉક્ત પ્રતિપાદન પણ થોડેક અંશે સંદિગ્ધ રહ્યું છે. ‘હેમ્લેટ' નાટકની કળાત્મક નિષ્ફળતા વિષયગત સહસંબંધકના સમુચિત વિનિયોગના અભાવને કારણે એણે ગણાવી છે. નાટ્યાંતર્ગત હેમ્લેટ પાત્રની દ્વિધા અને તેમાંથી નીપજતી વ્યગ્રતા-વ્યથાની વાત કરતાં એ નોંધે છે કે નાયકની વ્યગ્રતા, વ્યથા તેની માતાના અપરાધને કારણે છે અને તેની માતા વ્યથા-ઘૃણાના નાયકગત ભાવને અનુરૂપ સહસંબંધક નથી. આનો અર્થ એ થયો કે એલિયટના મનમાં પ્રસ્તુત ઉલ્લેખ વેળા કવિગત નહિ પણ પાત્રગત ભાવ અપેક્ષિત છે, પરંતુ ઉક્ત લેખના અંતમાં એણે નોંધ્યું છેઃ “ હેમ્લેટ પાત્રની બાબતમાં કાર્યરૂપે પ્રગટ થવાનો માર્ગ શોધી ન શકતા ભાવની વિડંબના રૂપ છે; નાટયકારની બાબતમાં કળારૂપે અભિવ્યક્તિ ન પામી શકતા ભાવની વિડંબનારૂપ છે. (In the character Hamlet it is the buffoonery of an emotion which can find no outlet in action, in the dramatist it is the buffoonery of an emotion which he can not express in art.) આનો અર્થ તો એ થયો કે આ નિરૂપણ વેળા એલિયટને પાત્રગત અને કવિગત બન્ને ભાવો ઉદિષ્ટ છે. પાત્રગત મૂળ ભાવ પણ આખરે તો કવિચિત્તે કંડારેલું એક વિશિષ્ટ ભાવપરિમાણ છે એમ સ્વીકારીને બાંધે ભારે એમ કહી શકાય કે તત્ત્વતઃ કવિગત ભાવે વિષયગત સહસંબંધક રૂપે વ્યક્ત થવાનું જ છે, આ જ વાત એણે ‘મેટાફિઝીકલ પોએટ્સ' લેખમાં જરાક ચોખ્ખી રીતે મૂકી આપી છે. મેટાફિઝીકલ કવિઓની લાક્ષણિકતાની ચર્ચા કરતાં એ નોંધે છે કે તેની ઉત્તમતા તો ‘ચિદ્-અવસ્થા અને લાગણી માટેનાં શાબ્દિક શબ્દરૂપોની ખોજ(..Finding the verbal equivalent for states of mind and feeling) માટે મંડ્યા રહેવામાં હતી. એઝરા પાઉડની માફક એલિયટ પણ કવિગત ભાવ કે લાગણીના ‘શબ્દરૂપ સમીકરણ' (verbal equation)ની શોધયાત્રામાં કવિકર્મની ઇતિકર્તવ્યતા માને છે. આ ઉપરથી કહી શકાય કે કવિ સાક્ષાત્ ભાવનું વિષયગત સહસંબંધક શોધી શકે તો જ તેને કળારૂપ મળે. આ સંજોગોમાં કવિના મૂળ ભાવનું વિશેષ રૂપ ટકી શકે ખરું? ભાવમાં જ્યાં સુધી વ્યક્તિસંલગ્નતા રહે ત્યાં સુધી બિનંગતતાની શક્યતા ઓછી રહેવાની; એટલે કળામાં ભાવનું વિશેષ રૂપ નહિ પણ સર્વસાધારણરૂપ બંધાતું હોય છે. આ ઉપરથી ઉમાશંકર જોશી એમ કહેવા પ્રેરાયા કે વિષયગત સહસંબંધકમાં વિશેષ દ્વારા કવિગત સાધારણીભૂત સંવિનું સૂચન એલિયટને અભિપ્રેત હોય. બ્લેકમરના અભિપ્રાયે તો સિદ્ધાંતના રૂપમાં મુકાયેલું આ વિધાન નિરીક્ષણ માત્ર છે. લાગણી અને સંવેગની વચ્ચે ઉદ્દીપક તરીકે કામ કરતી વૈયક્તિક પ્રજ્ઞાની પ્રક્રિયા અંગેનાં અનેક નિરીક્ષણોના પરિણામ રૂપે આ ખ્યાલ એલિયટના મનમાં બંધાયો હોવાનું તે માને છે. આ લાગણી કે સંવેગ કવિના જ હોવાનું અનિવાર્ય નથી. એ તો કહે છે કે એલિયટે બિનંગતતાના સિદ્ધાંતને અહીં શબ્દાંતરે મૂક્યો છે. એટલે કે કેવળ વ્યકિતત્વની દખલગીરી વિના લાગણી અને સંવેગ શબ્દરૂપ કેવી રીતે શબ્દરૂપ પામી શકે તેનો આ રૂપકાત્મક હિસાબ માત્ર છે. ‘હેમ્લેટ' નાટકનું નિરીક્ષણ કરતાં કરતાં તેની નજરે આ વસ્તુ ચડી. ઉક્ત રચનામાં લાગણી અને સંવેગના દ્રવ્યનો ઉપયોગ થવા છતાં વિષયગત સહસંબંધક સિદ્ધ થતું નથી એમ તેને લાગે છે.
એલિસ્યો વિવાસ અને વિન્ટર્સ જેવા વિવેચકો આ સિદ્ધાંતમાં કેટલીક ખામીઓ ચીંધે છે. વિવાસ કહે છે કે રચનાના આરંભ પહેલાં કવિના મનમાં ભાવનો સ્પષ્ટ ખ્યાલ હોતો નથી. પરંતુ કાવ્યરચના દરમ્યાન જ ભાવનો બોધ થાય છે. એટલે કે પ્રથમ કવિચિત્તમાં ભાવબોધ અને પછી તેનું વિષયગત સહસંબંધક દ્વારા એનું નિરૂપણ તેમ નથી બનતું. એટલું જ નહિ પણ કવિને જે ભાવનો અનુભવ થયો હોય તે જ અનુભવ ભાવકને પણ થાય તેવું હમેશા ન પણ બને. ભાવ અને ભાવનું વિષયગત સહસંબંધક, વિવાસના મતે સર્જનપ્રક્રિયા દરમ્યાન જ પ્રાપ્ત થાય છે. વિવાસનો આ અભિપ્રાય ચિંત્ય કક્ષાનો છે. ભાવની ધૂંધળી અને અરૂપ છાયા તો કવિચિત્તમાં પ્રથમથી જ, રચનારંભ વેળાએ જ ઝબૂકતી હોય છે. કવિસંવિત્તિ આ ભાવનું અનુકૂળ વાહન- જો કવિનું ગજું હોય તો - શોધવા મળે છે. એટલે ભાવની ઉપસ્થિતિ તો આરંભકાળે સ્વીકારવી રહી. વિન્ટર્સના અભિપ્રાયે આ સિદ્ધાંત ફ્રાન્સના પ્રતીકવાદની છાયા માત્ર છે, એટલું જ નહિ પણ એઝરા પાઉન્ડના ‘ભાવસમીકરણ' (equation of emotion)ની અસર પણ તેમાં વરતાય છે. એલિયટના વિષયગત સહસંબંધકના ખ્યાલમાં જ નહિ, તેની સમગ્ર કાવ્યવિચારણા પરત્વે પાઉંન્ડનું ઋણ તો ખુદ એણે જ સ્વીકાર્યું છે. વિન્ટર્સનો બીજો વાંઘો એ છે કે સર્જક વિષયગત સહસંબંધક શોધતો નથી પણ ભાવનો ‘મોટિવ' શોધે છે. નામ ગમે તે આપો, ‘મોટિવ' પણ આખરે તો એક પ્રકારનું વિષયગત સહસંબંધક જ છે ને?
વિષયગત સહસંબંધક અંગેનો એલિયટનો સિદ્ધાંત, કવિકર્મ અંગેના તેના અન્ય વિચારો કરતાં વધુ સ્વીકાર્ય અને વિશ્વસનીય ઠરે એવો છે. ટાગોરે કહ્યું છે તેમ ભાવને પોતાનો કરી સર્વનો કરવો એ કવિકસબ. એલિયટ પણ શબ્દાંતરે સ્વ-રૂપ ભાવને સર્વ-રૂપ બનાવવામાં કવિકર્મની પ્રગટતી વિશેષતા જ નિર્દેશે છે.
એલિયટની કવિતાવિચારણાએ પશ્ચિમની કાવ્યવિવેચનાને નવું પરિમાણ અને દિશા આપ્યાં . કૌતુકપ્રિયતાના રંગમિજાજમાં રાચતી કવિતા અને વિવેચનાને વૈજ્ઞાનિક કહી શકાય તેવી તળભૂમિમાં સ્થાપવાનું કામ એલિયટની વિવેચનાએ કર્યું છે.
‘ફલશ્રુતિ’ પૃ. ૧૭૩ થી ૧૮૩