સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – લાભશંકર પુરોહિત/ભીમસાહેબની ભજનવાણી
મધ્યકાળની આપણી ભજનપરંપરામાં પાતળી પણ પાવનકારી - ને ભીતરને પલાળનારી- ધારા છે ‘વાડીના સાધુ' તરીકે ઓળખાતા ભજનિકોની. આ ‘વાડીના સાધુ' એટલે મેઘવાળ, વણકર, ચમાર ને ગરુડા જેવા અછૂત લેખાતા વરણમાંથી આવતા ભજનિક સંતો. આતમની ઓળખ ને ભક્તિપદારથ માટેની એ ભજનિકોની તરસ ખૂબ ઊંડી ને ઉત્કટ. એટલે સ્તો. અછૂતપણાના કાળમીંઢ સામાજિક અવરોધોને ભેદીને પણ આ સાધુકવિઓની ભજનગંગા ખળખળ વહેતી રહી.
આ ભજનિકોનો વેલો, આમ તો, છે રવિ-ભાણ પરંપરાનો. ભાણસાહેબના બુંદશિષ્ય ખીમસાહેબ, આ ખીમસાહેબ પાસેથી દીક્ષા પામ્યા અસ્પૃશ્ય જાતિમાં જન્મેલા ત્રિકમ; ‘વાડીના સાધુ'ની પરંપરામાં એ પહેલા. ત્રિકમસાહેબ પાસેથી ગુરુમોદ પામ્યા હતા ભીમસાહેબ.
‘ભીમદાસ'ની નામછાપ ધરાવતાં ભજનોના કવિ તે આ ભીમસાહેબ. જો કે એમની આસપાસના ગાળામાં ‘ભીમ' નામે અન્ય ચારણ કવિ પણ થઈ ગયા, અને એણે મેઘવાળની પંગતમાં નાતવટો લીધો હતો એવો કેટલાકનો અભિપ્રાય છે; પરંતુ એ માન્યતાને કશો આધાર નથી. ભીમદાસ – ભીમસાહેબ-નો જન્મ થયો હતો મેઘવાળની ગરુડા જ્ઞાતિમાં. હાલાર પરગણાનું આમરણ એમની જનમભોમકા. આજથી આશરે પોણાત્રણસો વરસ પહેલાં, સંવત ૧૭૭૪ના ચૈત્ર સુદ નોમ ને બુધવારે એમનો જન્મ; પિતાનું નામ દેવજી અને માતાનું નામ વીરુબાઈ, જન્મસમયથી જ એમના માથામાં નાનકડાં શીંગની આકૃતિ કળાતી’તી; એટલે ‘એકલશિંગી' તરીકે પણ એ ઓળખાતા.
‘એકલશિંગી' આવિયા, આમરણમાં અવતાર,
જ્ઞાતિકુળ ગારુડ્ય તણી, સમજે સમજણહા
મોરબી પાસેના કુંતાસી ગામનાં મોંઘીબાઈ સાથે એમનાં લગ્ન થયાં હતાં. પરંતુ ભક્તિનો ગૂઢો રંગ બચપણથી જ ઘૂંટાતો રહ્યો હતો એટલે ભીતરી વિરક્તિથી પ્રેરાઈને એમણે પત્નીને પિયર વળાવી દીધાં હતાં. ચિત્રોડના સંત ત્રિકમસાહેબથી એ ભારે પ્રભાવિત; એમની જગ્યામાં સેવા માટે રોકાતા. રાજખટપટને કારણે ત્રિકમસાહેબને ભૂજની કેદમાં જવું પડ્યું ત્યારે ભીમ પણ સેવકભાવે એમની સાથે જ રહ્યા. એમની આ શરણપ્રીતિને લીધે જ ત્રિકમસાહેબે એમને ગુરુમંત્ર આપ્યો. એ વિશે એમની જ સાખીમાં કહીએ તો -
‘ભીમ કહે અવતાર ગરુવાનો, જનમ આમરણ ગામ;
ત્રિકમે ભેટી તાર્યો મુંને, ઓળખાવ્યું એકલશૃંગીનું ધામ.’
*
‘ત્રિકમ તનમાં પ્રગટિયા, અંતર ભર્યો ઉજાસ;
તિમિર હતું તે ટળી ગયું, ભાવે કહે ભીમદાસ.'
ભીમસાહેબનું ઉપાસનાગત અનુસંધાન રહ્યું છે રવિ-ભાણ સંપ્રદાય સાથે. એટલે નિર્ગુણ બ્રહ્મનો તત્ત્વવિચાર તો કેન્દ્રમાં રહે. મહાપંથની પાટ-ઉપાસના સંદર્ભે ‘જ્યોત'નો મહિમા અને ‘સદ્ગુરુ'ની પ્રભાવક સત્તાનો સર્વતઃસ્પર્શી વ્યાપ પણ એમના હાડમાં ખરો. યોગમાર્ગની સાધનાપ્રક્રિયા દ્વારા પરમ તત્ત્વની આનંદમય અનુભૂતિનો અણસાર પણ એમાં વરતાતો રહે; તો વળી, નામસ્મરણનું માહાત્મ્ય પણ અદકું.
'નામ' એટલે ‘સત્ય', ‘સદ્ગુરુ', ‘રામ' એ નિર્ગુણ-નિરાકાર બ્રહ્મની સત્તાનું પ્રતિનિધાન કરતું શબ્દરૂપ આ અ-મૂર્ત બ્રહ્મતત્ત્વ ચરાચર સૃષ્ટિમાં સર્વત્ર વિલસી રહ્યું છે. એનો અનુભવ લાધે એ જ બ્રહ્મપ્રાપ્તિ.
‘આપે પવન ને આપે પાણી;
આપે વેદ અને આપે વાણી;
એક બુંદ એ સકળ વિસ્તારી, આપે પુરુષ ને આપે નારી;
માંહી-બાં'રા સકલ એ સારા, શબદરૂપી હૈ શ્યામ હમારા.
*
ભીમસાહેબની રચનાઓ પ્રમાણમાં ઓછી સંખ્યામાં મળે છે. દશેક ભજનો અને થોડીક સાખીઓ એમના નામે ચલણમાં છે. ‘સુખમણા નારી' ને સંબોધીને જ એ ‘અજબ નામ'નો મહિમા સ્થાપતાં કહે છે કે –
‘સુન લે સુખમણા નારી, મૈં તો અજબ નામ પર વારી;
મૈં તો સત્યનામ પર વારી. અજબ નામ હૈ સબસે મોટા,
અજબ નામ કહૈ સબસે ન્યારા, ખોજખોજ સંસારી;
પરાપારમેં અનુપમ દેખ્યા, ઐસા હે ગિરધારી - મૈં તો.
અકળ ભૌમ પર સકળ શ્યામ હૈ, ગજ-ગુનકા ઓધારી,
ગરજે ગગના પ્રેમ તત્ત્વ સું, પ્રેમહેત કર પ્યારી - મૈં તો.
ધ્યાન ધરી લે સતગુરુ શબદે, હદ બેહદ વિચારી,
સુરતિ કરી લે ચૌદ લોક મેં, આરપાર ધૂન ન્યારી - મૈં તો.
સહજ શૂન્યમે ત્રિકૂટિ ધૂનમેં, અખંડ જ્યોત ગ્રહે સારી,
કહે ભીમદાસ ત્રિકમને ચરણે, વારવાર બલિહારી - મૈં તો.
અહીં, ‘સુખમણા'ને સંબોધીને પરમને પામવાનો કીમિયો ચીંધી બતાવ્યો છે. સૌથી ન્યારા, સૌથી મહાન ને સર્વવ્યાપી પરમ તત્ત્વ – અજબ નામની શોધ, એ સાધકનો પરમ પુરુષાર્થ છે. કુંડલિનીની જાગ્રત પ્રાણચેતનાનું ઊર્વારોહી વહન કરીને બ્રહ્મરંધ્ર- શૂન્ય – લગી પહોંચાડનારી સુપુણ્ણા કે ‘સુખણા’; એની જ સાંકેતિક સંજ્ઞા ‘સરસ્વતી’ પણ છે. જાણે એ ‘સરસ્વતી’ – ‘વાક્'ને જ સંબોધીને પદ ગતિ કરે છે. જેના પર સાધક વારી જાય છે એ ‘સત્ય' નામ પોતે જ, ગજ અને ગણિકાના ઉદ્ધારક ‘શ્યામ', કે ‘પરાપાર'માં વિલસતા અનુપમ ‘ગિરધારી'ની જ પર્યાયવાચી સત્તા-સંજ્ઞા છે. ‘સત્ય'થી ‘શ્યામ' ને ‘ગિરધારી’– અમૂર્તથી મૂર્ત, વા નિરાકારથી સાકાર– અળગા નથી; એકરૂપ છે. પ્રેમહેતથી એને પામવા હોય તો ‘સદ્ગુરુ'ના શબ્દનું ધ્યાન જરૂરી છે. જો એમાં જ સુરતિ – તલ્લીનતા – બંધાય તો પછી ત્રિગુણાત્મક પ્રકૃતિનું છેલ્લું થાણું- ત્રિકૂટિ – ને પાર કરીને શૂન્ય—બ્રહ્મની સદા પ્રકાશમાન પરમ જ્યોતનો પ્રકાશ અદીઠ શાનો રહે ?
* * *
ભીમસાહેબના જીવન સાથે ચમત્કારપૂર્ણ ‘પરચા'ને લગતી કેટલીક દંતકથાઓ પણ સંકળાયેલી છે. મોડપરના પભા ભગતને ત્યાં લીમડાના ઝાડ પર બેઠેલા મોરલાને બિલાડીને ઝાપટમાંથી બચાવ્યાનો કિસ્સો સાંભળવા મળે છે; તો વળી જામનગર પંથકના ખીલોસ ગામના વીરાજી દરબારની ‘અવિયા' – એટલે વ્યાંતલ ન હોય તેવી – ગાયે એમને દૂધ આપ્યાનો પરચો પણ જનશ્રુતિમાં છે. ખીલોસમાં તો એ તેર વરસ રહ્યા હતા. એની સ્મૃતિરૂપે આજે પણ ખીલોસમાં ‘ભીમસાહેબનો દુવારો' છે. પરંતુ પરચો ગણો તો પરચો, નકર અતિ પ્રભાવક ઘટના તો બની છે નોખનોખાં પાંચ ગામમાં એક જ સમયે મંડાયેલા ‘પાટ'માં આરતી વેળાએ ભીમસાહેબની પ્રત્યેક સ્થળે સદેહે હાજરીની. વાત એવી છે કે દ્વારકાની જાતરાએ જતી વખતે ભીમસાહેબ, જામનગરમાં નાગાજણ નામના સેવકને ત્યાં રાતવાસો કરે છે. નાગાજણના મનમાં ‘પાટ' માંડવાનો ભાવ જાગતાં એમણે વિનંતી કરી. દ્વારકાથી પાછા વળતી વખતે પોતે ‘નગરમાં રોકાઈને ‘પાટ'માં હાજરી આપશે' એવું વચન એમણે આપ્યું. એ પ્રમાણે, દ્વારકાથી વળતાં નાગાજણને ઘેર માગશર સુદ બીજની તિથિ પાટ માટે નક્કી કરી. ભીમસાહેબ નગરમાં છે એવા વાવડ થતાં આજુબાજુનાં ગામડાંના બીજા સેવકોને ઘેરે પણ એ જ તિથિવારના ‘પાટ’ માટેનાં વાયક આવ્યાં. જામનગર ઉપરાંત ધુંવાવ, વીજરખી, જાંબુડા ને બાણુગાર એ બીજાં ચાર ગામનાં ‘વાયક' પણ ભીમસાહેબે માથે ચડાવ્યાં. સાચા ગુરુની શોધમાં નીકળેલા અને સત્તરસત્તર ઠેકાણેથી નિરાશ થયેલા જીવણને તો જુદાં જુદાં ગામનાં એક જ તિથિનાં પાંચેય ‘વાયક'ના સ્વીકારનું અચરજ થયું! આ નિમિત્તે જીવણદાસને તો ભીમસાહેબનું પારખું લેવાનો મોકો જાણે કે મળી ગયો. કહે છે કે માગશર સુદ બીજની એ રાતે જીવણદાસ, મારતી ઘોડીએ, પાંચેય ગામ ફરી વળ્યા, તો દરેક ઠેકાણે આરતીમાં ભીમસાહેબની પ્રત્યક્ષ હાજરી નિહાળી ! ‘આરતી'ના આ ઊજળા પુરાવાએ જીવણને સદ્ગુરુ સંપડાવ્યા. એમણે ભીમસાહેબ પાસેથી દીક્ષા લીધી. ગુરુની શોધમાં ભટકતા જીવણને ભીમનો આમ ભેટો થતાં ભીતરમાં પ્રકાશ લાધ્યો.
‘જીવણ જ્યોતું જાગિયું, ભીમ પ્રગટિયા ભાણ'
આમ, જીવનની ‘જ્યોત' ચેતાવવાનું ‘ચેતનાકાર્ય' જે ભીમ-ભાનુથી સંપન્ન થયું એ ભીમસાહેબે, જામનગર, ધુંવાવ, વીજરખી, જાંબુડા ને બાણુગાર – એમ પાંચેય ગામમાં, એક જ તિથિ-સમયે ‘અખંડ આરતી'ની પ્રતીતિ કરાવી આપી એ ચોપાઈ- ઢાળની ‘આરતી' સાંભળવી છે ?
ઊઠત રણુંકાર અપરંપારા,
અખંડ આરતી બાજે ઝણુંકારા
આપ નર ને આપે નારી;
આપે બાજીગર બાજી પસારી...
ઝલમલ જ્યોત અખંડ ઉજિયારા;
નૂર નિરંતર તેજ અપારા...
સોળ વાલ પર રત્તી સરદારા;
ચૌદિશે બોલે વચન ચોધારા...
સદ્ગુરુ ત્રિકમસાહેબ હમારા;
આપે બોલે ગુરુ બાવન-બા'રા...
કહે ભીમદાસ બ્રહ્મસિંધુ સારા;
બ્રહ્મજલ ભરિયા ભીતર-બા'રા...
* * *
નામ જપની અનવરત રટણાથી રોમરોમમાં જાગતા ‘રણુંકાર'-નો પારાવાર જ ‘પાટ’ના પરિસરને, જાણે કે, અખંડ આરતીના અનાહત નાદના ‘ઝણુંકારા’થી ઝંકૃત કરી મૂકે છે. ઝલમલ જ્યોત રૂપે વિલસતું આ પરમ તત્ત્વ લિગનિરપેક્ષ છે; એ પોતે જ વિશ્વરચનાની ‘બાજી' ગોઠવે છે; એ માત્ર ‘સત્ય' નહીં, સવાયું સત્ય છે. સોળ વાલના માપમાનનો જ ‘તોલો’ નહિ; ઉપરિયામણની ‘રતી' જેટલું અ-મિત અને નગદ છે. એ અક્ષરાતીત ‘સદ્દગુરુ'નો અંતર-બહિર બ્રહ્મવિલાસ સર્વત્ર પ્રવર્તે છે. ગણતર શબ્દોનાં કલ્પન-રૂપક દ્વારા નિર્ગુણના સ્વરૂપવર્ણન ને એની નાદવ્યંજક ‘આરતી'નું કેવું મધુર શ્રુતિરસાયણ લધાયું છે ?
ભીમસાહેબનાં ભજનોમાં મુખ્યતઃ નિર્ગુણનું નિરૂપણ છે. સાધક તરીકે પોતાને લાધેલી આનંદમય અનુભૂતિની શબ્દછટા પણ કોઈક રચનામાં નીખરી રહે, સદ્ગુરુનો મહિમા અને નાપજપનો બોધ પણ ટપકે. તો વળી,
‘સાચા નામ છોડી સાહેબકા, ખોટી માયામાં કક્યું ખૂંતા ?
જે દીસે તે સરવે જાશએ, સપના સુખમાં ક્યું સોતા ?
એવી ચેતવણી પણ પ્રશ્નોના ટકોરા રૂપે મળે. ક્યાંક વળી, ‘જ્યોત' – ‘પ્રકાશ', ‘નૂર' કે ‘તેજ'ના પ્રગટ સ્વરૂપમાં સ્વરૂપોપલબ્ધિના સાધના સંકેતો, યોગની પ્રક્રિયા અને પરિભાષામાં, પણ સાંપડે
‘અનહદ વાજે, ગગનાં ગાજે,
અધર તખતમાં આપ વિરાજે,
ભંવર ગુફામેં ભેદ અનુપા,
તેજ પિંજર તેજ સ્વરૂપા.'
પરંતુ, ‘સંદેશો સતલોકનો' એ ભજન ભીમની લાક્ષણિક, સંકેતક અને અતિખ્યાત કૃતિ ગણાય છે. દાસી જીવણે સત્તર ગુરુ શોધ્યા પછીયે આંતરસમાધાન ન સાંપડતાં પોતાની હૃદયવ્યથા વ્યક્ત કરતી પંક્તિઓ ભીમસાહેબને પાઠવી –
‘સેંજે સાંયાજી, મારું દિલડું ન માને દૂબજાળું,
કહો રે ગરુજી, મારું મનડું ન માને મમતાળું.'
જીવણની આ વ્યથાના પ્રતિભાવરૂપે ભીમે આવો સંદેશો પાઠવ્યો :
‘જીવણ, જીવને જિયાં રાખીએ, વાગે અનહદ તૂરાં રે,
ઝિલમિલ જ્યોતું ઝળહળે, વરસે નિરમાળ નૂરાં રે...'
આ ભજનના રચનાસંદર્ભ અંગે, શ્રી મેઘાણી અને શ્રી મકરંદ દવેનું મંતવ્ય આવું છે, જ્યારે ભીમસાહેબની ગાદી પરંપરા એનો રચનાસંદર્ભ જુદો આપે છે. એ મુજબ, જીવણે ભીમસાહેબનું શિષ્યત્વ તો, આગળ ટાંકેલા પાંચ ઠેકાણે ‘આરતી' પ્રસંગમાં હાજરીના બનાવ પછી સ્વીકારી લીધું હતું. એટલે ગુરુખોજની દુવિધા તો ટળી ગઈ હતી. ‘કહો રે ગુરુજી'માંનું સંબોધન જ ગુરુસમસ્યાના સંદર્ભનિમિત્તનો છેદ ઉડાવી દે છે. આ રચના બાબતમાં એવી માન્યતા છે કે ગંગાસ્નાન માટે જતા સાધુસંઘ સાથે તીર્થસ્નાન માટે જવાની જીવણને પણ ઇચ્છા થાય છે. પરંતુ ગુરુઆજ્ઞા વિના કેમ જવાય એટલે ગુરુ ભીમને પોતાની મંછા જણાવી આજ્ઞા માગતું પદ મોકલ્યું. એના ઉત્તરરૂપે આમરણથી ગુરુ ભીમે આ ‘સંદેશો સતલોકનો' પત્રરૂપે એમને ધોઘાવદર પાઠવ્યો. રચનાનો નિમિત્ત પ્રસંગ ગમે તે હો, પણ જીવણના મનોસંદેહનો જે હૃદયપ્રકાશક ખુલાસો ભીમસાહેબે અહીં ‘ભેજ્યો' છે એમાં ‘સતપુરુષ'ને ‘નિશદિન નેનમાં નીરખવા’નો આધ્યાત્મિક તરીકો વર્ણવાયો છે તે આપણા માટે રસનો વિષય છે. એટલે ભજનની સમીક્ષા નહિ, પણ એ ‘સંદેશો' જ મૂળ ભજનરૂપે પહેલાં સાંભળીએ તો ?
‘જીવણ, જીવને જિયાં રાખીએ, વાગે અનહદ તૂરાં રે,
ઝિલમિલ જ્યોતું ઝળહળે, વરસે નિરમળ નૂરાં રે.
પાંચ તત્ત્વ ને તીન ગુણ છે. પચવીસાં લિયો વિચારી રે,
મંથન ગોતોને મૂળનાં, તત્ત્વ લેજો એક તારી રે —
ગંગા, જમુના, સરસ્વતી, તરવેણીને ઘાટે રે;
સુખમન સુરતા રાખીએ, વળગી રઈયેં ઈ વાટે રે –
અણી અગર પર એક છે, હેરો રમતા રામા રે;
નિસદિન નીરખો નેનમાં, સતપુરુષ સામા રે –
અધર ઝણકાર હોઈ રિયા, કરે બિન વાજાં વાગે રે;
સૂરતા ધરીને તમે સાંભળો, ધૂન ગગનમાં ગાજે રે –
નૂરત-સુરતની સાધના, પ્રેમીજન કોઈ પાવે રે,
અંધારું ટળે એની આંખનું, નૂર નજરે આવે રે –
આ રે સંદેશો સતલોકનો, ભીમસાહેબે ભેજ્યો રે,
પત્ર લખ્યો ગુરુએ પ્રેમનો, જીવણ, લગનેથી લેજો રે —
ભીમસાહેબ કહે છે કે આત્મશોધન માટે તો જ્યાં ‘અનહદ તૂરાં' – અનાહત નાદ બાજી રહ્યો છે અને પરમ જ્યોતનો નિર્મળ પ્રકાશ ઝલમલ ઝળહળી રહ્યો છે એવા શ્રુતિ અને ઘુતિના યુગપત્ અંતપ્રદેશમાં જીવને સ્થિર કરવાનું આવશ્યક છે. પાંચ મહાભૂત, પચીસ પ્રકૃતિતત્ત્વો અને ત્રણ ગુણનો વિચાર કરી, મૂળ પદારથનું મંથન કરો. ગંગા, યમુના અને સરસ્વતી – એટલે ઈડા, પિંગળા અને સુષુમ્નાનો જ્યાં ત્રિવેણી- સંગમ થાય છે એ ‘ત્રિકૂટિ' પર સુરતા કેન્દ્રિત કરીને મુક્તિના મારગને વળગી રહો. નાસાગ્ર સ્થિર દૃષ્ટિપૂર્વકનું ધ્યાન સતપુરુષનું અહર્નિશ દર્શન કરાવશે. પછી તો કશાયે બાહ્ય સાજ વગર આપમેળે ઊઠતો બ્રહ્મનાદ, ‘અધર' લોકમાં અનાહત નાદરૂપે બજતો રહેશે. બહારના વ્યવહારજગત પ્રત્યેની ઉદાસીનતા – ‘નુરત' – અને અંતઃસ્થમાં તલ્લીનતા – સુરત – જો પ્રેમીજનમાં આવે તો અંધકાર ટળીને નિત્યપ્રકાશ લાધે. સતલોકની સંપ્રાપ્તિનો આ સ્નેહસંદેશો સંપન્ન શિષ્ય જીવણને, ભીમે ‘ભેજ્યો.’ ભીમ સાહેબની ભજનરચનાઓ તો ગણતર સંખ્યાની જ મળે છે. એમાં ‘આરતી', ‘પદ' અને ‘સાખી' – એવા ત્રણેય પ્રકારો સાંપડે છે. આપણે અહીં ‘આરતી' અને ‘સંદેશો’ જેવાં વિશિષ્ટ નિમિત્ત નિર્ભર ભજનો સાંભળ્યાં એમાં પણ અનુભૂત સાધનાની સત્ત્વશીલ સંપદા શબ્દરૂપ પામતી જોઈ શકાશે. અંતઃનિરીક્ષણ અને આત્મશોધનનો સિલસિલો જો સાધક સેવતો રહે તો બીજું કાંઈ કરવાપણું રહેતું નથી એવું માનતા ભીમ કહે છે :
‘ભીમ કહે ભટકીશ મા, મંથન કરીને જોઈ લે માંહી,
સમજીને સૂઈ રહે કે તારે કરવું નથી કાંઈ !'
ભીમસાહેબનાં ‘ગુરુ' અને ‘શિષ્ય' – બન્ને પખાં ગરવાં અને ભર્યાં ભર્યાં છે. ગુરુપક્ષે એમનું પુરસંધાન ત્રિકમસાહેબ સાથે છે, તો શિષ્યપક્ષે અનુસંધાન દાસી જીવણ સાથે છે. જીવણ સરીખા ‘જીવંત' શિષ્યની વેધક ને વજનદાર ‘વાણી' થકી સદ્ગુરુ ભીમ અધિક ઊજળા ને ઓપતા રહ્યા છે.
‘સદ્ગુરુ શબ્દ જ્યારે શ્રવણે સુણાવ્યો,
ભેટ્યા ભીમ ને ભાંગ્યું ભ્રમનું તાળું.'
એવા જીવણોદ્ગારમાં ભક્તિની ભીનાશ અને પ્રપત્તિની પ્રાંજલતા કેટલી બધી સ્પશ્ય છે! સો વરસ ઉપરાંતની આવરદા ભોગવી ભીમસાહેબ સંવત ૧૮૮૧ના ચૈત્ર વદ તેરસને ગુરુવારે આમરણમાં જ સમાધિસ્થ થયા. આમરણમાં એમના સમાધિસ્થાનમાં સાહેબની મૂર્તિ બિરાજે છે, સ્મૃતિ ચિહ્નરૂપે રહેલો એમનો ઢોલિયો આજે પણ પૂજાય છે.
‘સદ્ગુરુ ત્રિકમસાહેબ હમેરા, આદિ અનાદિ આવત ભેરા;
કહે ભીમદાસ ભરમણા ભાંગી, પરગટ જ્યોત અંતરમાં જાગી.
* * *
‘દાસી જીવણ ભીમ પ્રતાપે, હેતે હરિગુણ ગાઉં;
સતગુરુને ચરણે જાતા, પ્રેમે પાવન થાઉં.'
- શબ્દસૃષ્ટિ : ઓગસ્ટ, ૧૯૯૭
‘અંત:શ્રુતિ’ પૃ. ૧૭૪ થી ૧૮૦