સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – લાભશંકર પુરોહિત/‘મારી અનુભવકથા’ ની ગદ્યઘટના

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
(૭) ‘મારી અનુભવકથા’ની ગઘઘટના

‘મારી હકીકત’ (૮૬૬)થી આરંભ પામતા આપણા આત્મચરિત્રસાહિત્યની આજ લગીની સવાસેંક વર્ષની મજલમાં, મોટે ભાગે, બે પાંખી નજરે પડે છે. એક, સાહિત્યકારોની; ને બીજી શિક્ષણ, સમાજસેવા, રાજપ્રકરણ-પ્રજાજીવનના એક વા અન્ય ક્ષેત્રે ખૂંપી જઈને આગવું અર્પણ કરનારાની, નર્મદ, મુનશી, ચં.ચી., ‘ધૂમકેતુ’, ૨.વ.દેસાઈ, ‘સ્નેહરશ્મિ’ વગેરે સાહિત્યકારોની આત્મકથા પહેલી પાંખીમાં ને ગાંધીજી, નાનાભાઈ ભટ્ટ, ડૉ.સુમંત મહેતા, ઈન્દુલાલ યાજ્ઞિક, પંડિત સુખલાલજી, કમળાશંકર પંડ્યા વગેરેની આત્મકથાને બીજી પાંખીમાં મૂકી શકાય. સાહિત્યેતર કળાપ્રવૃત્તિના ક્ષેત્રે ગણાવવાજોગ ચરિત્રો ર.મ.રા.નું ‘આત્મકથાનક’ તથા નટવર્ય જયશંકર ‘સુંદરી’ ને અમૃત જાનીનાં અનુક્રમે ‘થોડાં આંસુ, થોડાં ફૂલ’, ‘અભિનયપંથે’ની પાતળી સેર પણ એમાં ભળે છે. આ ચરિત્રસમુદાયમાં ઊડીને આંખે વળગે એવી બાબત એ છે કે આપણે ત્યાં આપકર્મી શ્રેષ્ઠીઓ-મહાજનોની ઊજળી પરંપરા હોવા છતાં, નાનજીભાઈ મહેતાનો અપવાદ બાદ ગણતાં, કોઈ કરતાં કોઈએ આત્મચરિત્ર લખ્યું નથી. તાતા પરિવાર--જમશેદજીથી નવલપર્યંત-ને તો કદાચ ગુજરાતી લિખાવટની ફાવટ ન હોય એ બનવા જોગ છે. તેમ બાલુ જીવરાજ, મૂળજી જેઠા, પ્રેમચંદ રાયચંદ, ઠાકરશી કુટુંબ, વસનજી માધવજી વગેરે ગઈ સદીના મહાજનોના જમાનામાં આત્મકથાલેખનની ટેવ હજી શિક્ષિતોમાં-સાહિત્યિકોમાં નહોતી વિકસી ત્યારે અલ્પશિક્ષિત વ્યવસાયીઓ પાસેથી એ ક્યાંથી મળે? પરંતુ, આ સદીમાં, અંગ્રેજી કેળવણી પામેલા ને ગુજરાતના પ્રજાજીવનમાંના યોગદાનને કારણે નામના રળનાર અંબાલાલ સારાભાઈ, કસ્તુરભાઈ લાલભાઈ કે અમૃતલાલ હરગોવનદાસ શેઠ જેવા સંપન્ન મહાજનો પાસેથી પણ આત્મચરિત્ર નથી સાંપડતું ! આ સંદર્ભમાં માત્ર પ્રાથમિક કક્ષા પૂરતું ઔપચારિક શાલેય શિક્ષણ પ્રાપ્ત કરી શકનારા અને પોતાને સૌજન્યપૂર્વક ‘અભણ’ તરીકે ઓળખાવનારા નાનજીભાઈ મહેતા, શ્રેષ્ઠીઓનો ચીલો ચાતરીને, પોતાની અનુભવકથા માંડી આપે છે એ બાબત, એમાં પ્રત્યક્ષ થતી ગદ્યઘટનાને કારણે અધિક ધ્યાનપાત્ર બનવી જોઈએ. આ પ્રકારની આત્મકથાને, સુશિક્ષિત ચરિત્રકારોની કથાને મુકાબલે, વેપારી ભાષામાં ઓળખાવીએ તો, નોખા વક્કલની આત્મકથા તરીકે ગણાવી શકાય.

કૃતિ તરીકે, આત્મચરિત્રની ગઘઘટનાને વળોટ આપવામાં ત્રણ વાનાં નિર્ણાયક બને : એક તો, ચરિત્રલેખન પાછળનો ચરિત્રકારનો ઉદેશ; બીજું, એ ઉદ્દેશને મૂર્ત કરવા એમણે સ્વીકારેલી નિરૂપણપદ્ધતિ, ને ત્રીજું, ચરિત્રકારના સાંસ્કૃતિક, સામાજિક, વ્યાવસાયિક પરિવેશથી સંભૂત એવો એમનો વ્યક્તિકોષ. ‘મારી અનુભવકથા’ની ગદ્યઘટનાનો વિચાર કરતી વેળા આ ત્રણ બાબતો કેન્દ્રમાં રાખીને ચાલવાનું ઠીક ગણાશે. આમાંથી છેલ્લી બાબત-ચરિત્રકારના વ્યક્તિકોષ - ને પ્રથમ લઈએ. સૌરાષ્ટ્રના છેવાડાના પ્રદેશમાં આવેલા નાનકડા ગામડામાં વેપારીને ત્યાં જન્મ; ગોરાણા, વિસાવાડામાં મેર કિશોરોની સોબતમાં પાંગરતું કૈશોર્ય, નદીમાં ઘુબાકા ને રઝળપાટ; ગોરાણા-પોરબંદરની ગાડાખેપો; રાતવેળાના આ ‘વ્યાવસાયિક પ્રવાસો’ વેળા ગાડાખેડુ સાથે જામતા ગપાટા; દુહા-ભજનની રમઝટ, દુકાનના થડાની સંભાળ ને ખેડુઘરાકોને ઘરે ઉઘરાણીએ જવાનો ક્રમ આ તદ્દન ગ્રામીણ પરિવેશમાં વિલસતું બચપણ, ચરિત્રકારની ભાષાઘટનાનું મૂળ સપ્તક બાંધી આપે છે. નિશાળિયું ભણતર તો માત્ર ચાર ચોપડીનું, લખવાવાંચવામાં ને હિસાબકિતાબ સંભાળવામાં વેપારીના દીકરાને ખપ લાગે એટલું જ ! આ ઓછા ભણતરને કારણે એમની ભાષાને આડકતરો લાભ એ થયો કે શિષ્ટતાના ગિલેટિયા ચળકાટ, કૃત્રિમતા ને દીર્ઘસૂત્રતાથી અભડાતી એ બચી ગઈ! એમની ભાષામાં રહેલી સરળતા, સહજ સ્વાભાવિકતા, ને જીવંતતાના પાયામાં આ તળપદા નિર્વ્યાજ ને નિખાલસ બચપણની ભાવપ્રાંજલ ભૂમિકા રહી છે. તો ઊગીને સમા થવાની વેળા આવતાં જ એ દરિયાઈ સફરો આદરે છે. આફ્રિકાના જંગલમાં નાનકડી હાટડીમાંથી હરતીફરતી વણજાર શરૂ કરે ને ધીમે ધીમે મોટુંમસ ઔદ્યોગિક સામ્રાજ્ય ઊભું કરે છે. એમ થવામાં ધંધાની ઊથલપાથલના અનુભવો પણ સાંપડે; અંગ્રેજ વેપારીઓ સામે ક્યારેક માથું ભરાવીને, તો ક્યારેક સાગમટે સહુનું હિત સચવાય તે રીતે રાજી રાખીને માર્ગ કાઢે છે. આ બધામાં એમની સાહસવૃત્તિ, ઊંડી કોઠાસૂઝ, આંગળીથી ઘી કાઢી લેવાની વેપારી કુનેહ તો ઝળકી ઊઠે છે જ, પરંતુ વ્યવસાયી સફળતામાં મહત્ત્વનું પરિબળ રહ્યું છે એમની મિતભાષિતા ને ભાષાલાધવ. ગુજરાતી ચાર ચોપડી ભણેલા આ અણિશુદ્ધ કાઠિયાવાડીને અંગ્રેજી, ફ્રેંચ, જર્મન કે જપાની પેઢી સાથે કામ પાડવામાં ક્યાંય વિદેશી ભાષા પરના પ્રભુત્વનો કે જાણકારીનો અભાવ અંતરાયરૂપ બનતો નથી. ‘નાનપેક્ષિતં ઉચ્યતે’ના મલ્લિનાથી સૂત્રને અનુસરતા હોય તેમ એ માને છે કે, “બોલવાચાલવામાં જ્યાં એક શબ્દથી ચાલે ત્યાં બે શબ્દ ન વાપરવા, લખવામાં એક વાક્યથી પતે ત્યાં બે ન લખવાં’ (પૃ.૮૦). એમનું આ વ્યાવસાયિક વલણ, એમની લિખાવટમાં પણ સરળતા સાથે સંક્ષિપ્તતા, લાઘવ ને સદ્યગામિતાના ગુણો સાધી આપે છે. ગણતર શબ્દોમાં આટોપાઈ જતાં ટૂંકાં વાક્યો, સાદો વાક્યબંધ, કવેતાઈ ઠઠારાનો અભાવ ને સમગ્ર ગદ્યની દોરીછંટ ગતિશીલતા એમની વ્યવસાયી પદ્ધતિનું પરિણામ છે. કીટી, ફોદો કે ખજૂરા વગરના એમના સફાઈદાર ભાષાપોતના વણાટમાં, કાપડઉદ્યોગના માલમી ચરિત્રકારની જીવનદૃષ્ટિ પણ કારણભૂત છે. એમના હાડમાં રહેલી ઊંડી ઈશ્વરશ્રદ્ધા ને નિર્મળી ધર્મબુદ્ધિ મોટપણે પ્રજાકલ્યાણ અને ધર્મસંસ્કારના વિવિધ માર્ગે સંપત્તિને વાપરવા એમને પ્રેરે છે. ધંધાકીય કે ધર્મશ્રદ્ધાપ્રેરિત પ્રવાસોમાં ભિન્ન ભિન્ન પ્રજાસમુદાયની જીવનપદ્ધતિનું એ સૂક્ષ્મ નિરીક્ષણ કરે છે; અને એમાંથી, પ્રજા તરીકે આપણે ક્યાં ઊણા ઊતરીએ છીએ, શું ગ્રહણ કરવા જેવું છે એની સારાસારવિવેકદૃષ્ટિએ તપાસ કરે છે. આ ધર્મબુદ્ધિ અને વિવેકપૂત ગ્રહણશીલતાને કારણે પ્રજાના ચારિત્ર્યઘડતરની હિતચિંતા એમના જીવનમાં વણાઈ રહે છે. આ કારણે એમનું લખાણ બોધપરાયણતા ને ઉપદેશલક્ષિતાનો રંગ પણ પકડે છે. આપણી જૂની જીવનવ્યવસ્થામાં સુખોપભોગનાં સાધનોની ભલે અછત હતી; પણ નિર્વ્યાજ પ્રેમ ને નિષ્પ્રયોજન ભાવથી છલકાતી માણસાઈની જે બહોળી છત હતી તેને તો જાણે અત્યારે સતત ઘાંસોટી લાગતી રહી છે. ગરવાં જીવનમૂલ્યોની સાચવણ માટેની તીવ્ર ખટક ને ‘તે હિ નો દિવસા ગતાઃ’ની વેદનાથી ભીના અતીતપ્રેમનું સતત પ્રોક્ષણ ચરિત્રકારની લિખાવટ પર થતું રહે છે. જલાધારીમાંથી ટીપે ટીપે ટપકતા અભિષેક જેવી આ ભીનાશ લખાણની બોધલક્ષિતાને સાવ શુષ્ક થઈ જતી અટકાવે છે અને આર્દ્રતાથી સંચરિત રાખે છે.

*

‘મારી અનુભવકથા’ના લેખન પાછળ ચરિત્રકારનો ઉદ્દેશ આત્મ-અભિવ્યક્તિ, આત્મસમર્થન, ભૂતકાળનાં સ્મરણોને ખોતરવાનો કે પરાક્રમગાથા નિમિત્તે આત્મસંસ્થાપનનો નથી; પરંતુ ‘ગુજરાતી વાંચનાર સમાજને ઉપયોગી’ થવાના આશયથી, “કેટલાક સ્નેહીઓના આગ્રહને વશ થઈને જીવનના અનુભવોની વાતો તરવાવી છે.’ તીવ્ર સંઘર્ષ, કઠોર પુરુષાર્થ, અસીમ સાહસ-ધૈર્ય ને ઈશ્વરકૃપાએ ચરિત્રકારને હાથે શૂન્યમાંથી સર્જન કરવાનું જે બન્યું; યશ અને શ્રીના આ રળતરમાં સારાસાંસતા જે વિવિધરંગી અનુભવો સાંપડ્યા; જે વળાંકોમાંથી પસાર થવાનું બન્યું, દેશવિદેશની પ્રજાકીય તાસીરના નિકટ સંપર્કમાં આવવાનું બન્યું. ‘ભાતભાતકે લોગ’ સાથેનો જે ‘નદી-નાવ સંજોગ’ સાંપડ્યો : આ સૌ અનુભવોનું બયાન જિજ્ઞાસુ વાચકસમાજને પણ માર્ગદર્શક કે પ્રેરણારૂપ નીવડે એવો ઉદ્દેશ પ્રસ્તુત ચરિત્રલેખન પાછળ રહ્યો છે. આ કારણે અનુભવ-કથામાં બાહ્ય જીવનના વસ્તુલક્ષી પાસાને જ અદકું સ્થાન મળ્યું. ચરિત્રકારના ભીતરી સંઘર્ષો, અંગત જીવનમાં આવતી કસોટીની પળોમાં જાગતું મનોમંથન, આત્મપરીક્ષણની કઠોર થડીઓનું આલેખન અહીં નથી મળતું, સાહસિક ઉદ્યોગપતિ ને કર્મઠ વેપારી તરીકેનું ચિત્ર તો ઊપસે છે; પણ પિતા, પુત્ર,પતિ વા મિત્ર તરીકેના અંતર્નિષ્ઠ હૃદયસંબંધોની ભાવસૃષ્ટિનો રંગ દેખાતો નથી. (શરૂઆતનાં પ્રકરણોમાં બચપણની અનુભવસૃષ્ટિના આલેખનમાં થોડીક છાલક દેખાય છે પણ પાછલાં પ્રકરણોમાં?) આત્મચરિત્રનો પ્રકાર પ્રકૃતિથી જ આત્મનેપદી રહે એટલો પરસ્મૈપદી ન રહે એટલે આંતરજીવનના મર્મપૂર્ણ પ્રવાહોના આલેખનની અપેક્ષા તો રહે; પણ અહીં તો ચરિત્રકાર આત્મચરિત્ર આપવા ક્યાં લખી બંધાણા છે ? એટલે સ્તો એમણે કૃતિને અનુભવકથા તરીકે ઓળખાવવાનું પસંદ કર્યું છે. આ કારણે અહીં આત્મસંભાષણ નથી, પણ આત્મકથન છે. ઉદેશની આ વિશિષ્ટતા કૃતિના ચરિત્રપોતને તથા ભાષાબંધને પણ એક ચોક્કસ દિશા આપવામાં નિર્ણાયક બને છે. આત્મસંભાષણ અંર્તમુખ શોધનને ઉપલક્ષે છે જ્યારે અનુભવકથાને બહિર્મુખ સંપ્રેષણ ઇષ્ટ હોય; આત્મસંભાષણમાં વિચારતંતુની અંતર્ગતતાને કારણે ભાષા ચક્રાકાર ગતિ પકડે, જ્યારે અનુભવકથનમાં બહિર્ગતતાને કારણે લક્ષ્યસંધાનના હેતુથી ભાષા શરગતિએ વિચરે. આત્મચરિત્ર, ભલે સર્વથા વાચકનિરપેક્ષ તો ન જ હોય, પણ લેખનની પળે ચરિત્રકારની એકાકીતા, નિરૂપણને પૃથક્કરણાત્મક લંબાણ ને વિવરણ તરફ પ્રેરે; પોતે જ લેખક ને પોતે જ પ્રથમ વાચક-એવો ઘાટ ત્યાં બને. પરંતુ અનુભવકથા તો નગદ વાચકસાપેક્ષ મામલો જ બની રહે. આ કારણે ‘મારી અનુભવકથા’ની ગઘઘટનામાં લેખકગત કથન, વાચકગત ગ્રહણ-શ્રવણ બને તેની સતત સરત રહ્યાનું વરતાઈ આવે છે. આમાંથી જ નિરૂપણપદ્ધતિનો મુદ્દો પણ ઉપસ્થિત થશે. પોતાનો ઉદેશ વધુમાં વધુ અંશે જેના દ્વારા ફલિત થાય તે પ્રકારની નિરૂપણપદ્ધતિ ચરિત્રકારના લખાણમાં બંધાઈ આવે. ‘મારી અનુભવકથા’ની બાબતમાં તો વળી ચરિત્રકાર લેખક નથી, વક્તા છે, એ વાત પણ ચરિત્રનિરૂપણની ગદ્યઘટનામાં નિર્ણાયક ભાગ ભજવે છે. અહીં વ્યવહિત વાચકસાપેક્ષતાને બદલે અવ્યવહિત શ્રોતૃ સાપેક્ષતાને ધ્યાનમાં રાખીને નિરૂપણને ચાલવું પડે છે. આ સ્થિતિમાં કૃતિની ભાષા પાઠયધર્મી નહિ, એટલો શ્રાવ્યધર્મી ઘાટ પકડે છે. વક્તા-શ્રોતાનો પ્રત્યક્ષ સંબંધ કૃતિની લિખાવટના પાયામાં છે. ચરિત્રકારની વૈયાસિકીનું ગણેશકાર્ય બજાવનારે વક્તવ્યને લિપિબદ્ધ કરવામાં પોતાની ભાષિક સજ્જતાનું ઉમેરણ કરવાનું ટાળ્યું છે એટલે કૃતિનું મૂળ વાચિક પોત વીઘરાઈ જતું અટક્યું. મૂલત: ગદ્યનું પ્રભવસ્થાન ઉક્તિ (speech) છે, પંક્તિ (script) નહિ. ગદ્ય પંડે વ્યુત્પત્તિએ અને પ્રકૃતિએ પણ ઉક્તિસંલગ્ન છે. પંક્તિ તો ઉક્તિનો અ.નુ.વા.દ છે. એટલે ‘ઉક્તિ’ના બાહ્યાભ્યંતર સકલ મર્મોને ‘પંક્તિ’ જેટલે અંશે અવતારી શકે તેટલે અંશે એની ગદ્ય તરીકેની સાર્થકતા ગણાય. અને એવી સાર્થકતાનો અણસાર અહીં વારે વારે મળી રહે છે.

ચરિત્રકારના વ્યક્તિકોષ, લેખનઉદેશ અને તત્પ્રેરિત નિરૂપણપદ્ધતિથી પ્રભાવિત થઈને ‘મારી અનુભકથા’ની ગદ્યઘટનાની વિલક્ષણ તાસીર નીપજે છે. ટૂંકાં ને સરળ વાક્યોમાં ક્યાંક આરોહ-અવરોહના લયતરંગોથી પ્રવાહિત થતી તો ક્યાંક નાકની દાંડીએ સીધો મારગ પકડતી કથનરીતિ, આ રચનાની, મુખ્ય લાક્ષણિકતા છે. વાતડાહ્યો વક્તા રસધોયા શ્રોતાને પોતાની વાત, કશુંયે મોણ ઘાલ્યા વગર કે ઝાઝો મલાવો કર્યા વિના, નિરાયાસ ને સહજ પ્રવાહિતાથી કહેતો જતો હોય એવું નિત્યવ્યવહારમાં વપરાતું કથ્યભાષારૂપ કૃતિના ગદ્યપિંડને બાંધે છે. વક્તવ્યને અદલ રીતે ઉપસાવી શકે તેવી ભાષિક યુક્તિઓ – કહેવતો, રૂઢિપ્રયોગો, અલંકારો ને તળપદા શબ્દપ્રયોગો વગેરે – પણ યથાવકાશ એમાં સ્થાન પામે છે, પણ એમ થવામાં ક્યાંય કૃત્રિમતા વા આયાસસાધ્યતા નથી. લાંબાં કે પ્રસ્તારયુક્ત વર્ણનો તો પ્રયુક્ત ભાષાબંધની શ્રાવ્યધર્મિતાને ન સદે, એટલે પ્રસંગ કે પરિસ્થિતિનાં ટૂંકાં ને રોચક વર્ણનો ગણતર વાક્યો દ્વારા અત્રતત્ર વૈરાયાં છે. નીતિસૂત્રો કે બોધવચનોની આજુબાજુ થોડીક હળવાશ પાથરીને એમને પણ સહ્ય બનાવ્યાં છે. સરળતા ને મિતાક્ષરિતા પ્રસ્તુત કૃતિના ભાષાબંધમાં તરત નજરે ચડે એવાં લક્ષણો છે. શું કથન, શું વર્ણન કે શું વિમર્શ : કોઈ પણ પ્રકારની રચના સરળ ને સાદાં વાક્યોથી ગંઠાતી દેખાય છે. ‘લખવામાં એક વાક્યથી પતે ત્યાં બે ન લખવાં’ એવી વ્યવહારશીખ ચરિત્રકારના લખાણમાં પણ પૂરી ઊતરી છે. પંક્તિઓમાં પથારો કરીને, વાંકાંચૂકાં ગૂંચળાઓ ધરાવતી વાક્યોપવાક્યની સંકુલ રચના અહીં જોવા જ મળતી નથી. ક્યારેક તો ક્રિયાપદને પણ અનુક્ત રાખીને કામ સાધી લે. કથનના નમૂના જોઈએ : ૧. ‘વીરજી દાદાને બે પુત્રો : વિશ્રામ અને રાઘવજી, વિશ્રામદાદાને ચાર દીકરા -જીવરાજ, કાલિદાસ, માધવજી અને લાલજી.’ (પૃ.૮) ૨. “એ જમાનામાં સોંઘારત ખૂબ હતી. દસથી બાર આને મણ ખજૂર, બે રૂપિયે મણ ગોળ; ત્રણ રૂપિયે મણ સાકર; એમાં લોભ કોણ કરે ?!” (પૃ.૧૪) -કથનની સરળતા ને લાઘવ જોયાં ! ચાર-પાંચ શબ્દોમાં વાક્ય પૂરું ! પ્રથમ રચનામાં તો ક્રિયાપદને જ સમૂળગું તગડી મૂક્યું ! અને, બીજી રચનામાં છ પાંચ વાક્યો વચ્ચે ક્રિયાપદ રોકડાં બે રાખ્યાં—પહેલા ને છેલ્લા વાક્યમાં ક્રિયાપદ અનુક્ત રહેવા છતાં રચના કેટલી અર્થસભર ને બલિષ્ઠ બની છે? બે-ત્રણ સેમ્પલ મિતાક્ષરી છતાંયે સાક્ષાત્કારક ને ચિત્રાત્મક વર્ણનનાં લઈએ: ૧. (બપોર પછી ચાર વાગ્યે મહાસતી અનસૂયાજીનો આશ્રમ જોવા ગયા) “આ સ્થળ ખૂબ સુંદર છે. બંને બાજુ ઊંચા સુંદર પહાડો, વચ્ચે વહી જતી સભર નદી, કલકલ વહેતાં ઝરણાં, લીલીછમ વનરાજિ, શીતળ વાયુ, શાંત અને એકાંત વાતાવરણ.” (પૃ.૩૧૨) ૨. “સમુદ્રમાં બેટ જેવી ઊભેલી હરસિદ્ધિમાતાની મનોરમ ટેકરીની સામે મ જ ત્રણેક માઈલ દૂર રાવલ ગામ આવેલું છે. નદીનો કિનારો, સુંદર વૃક્ષરાજિ અને પાકથી લચી પડતી વાડીઓ. હરિયાળી જમીન અને ઘટાદાર વૃક્ષોથી ) રાવલ ગામ રળિયામણું લાગે છે. રાવલની બાજુમાં માતાની ગૌદમાં બાળક રમતું હોય તેવું, પંખીના માળા જેવું, બે હજારની વસતીવાળું ગોરાણા નામનું ગામ આવેલું છે... બારાડીનું એ છેલ્લું ગામ, ત્યાંથી બરડો પ્રદેશ શરૂ થાય, એ મારી જન્મભૂમિ, એ મારું વતન.” (પૃ.૮) પ્રથમ ખંડકમાંની ચિત્રરચનામાં સોગંદ ખાવા પૂરતું એક જ ક્રિયાપદ ! અને છતાંયે બબ્બે કે ત્રણ ત્રણ શબ્દગુચ્છોના પૂરક ખંડો મૂકીને ગણતર શબ્દો દ્વારા કેવું સ્થલચિત્ર આંકી આપ્યું છે? તો બીજા ખંડકમાં નિરૂપણને થોડોક કાવ્યાત્મક સ્પર્શ આપીને, ચિત્રને ભાવની મીંડથી ઘૂંટે છે અને, ‘એ જન્મભૂમિ, એ...વતન’ બોલતાં બોલતાં તો હૈયું જ નહિ, આંખ પણ કેવી ભીની થઈ જાય છે ! અલંકાર, રંગદર્શિતા કે કલ્પનાના બુટ્ટા વગરનાં (અને છતાંયે અત્યંત જીવન ને ઉષ્માપૂર્ણ) નતિશીક્ષ ચિત્રોના બે નમૂના પણ જોઈ લઈએ ૧. “સવારે સાડાદસ વાગ્યે નિશાળેથી છૂટીએ, દફતર મૂકી સીધા નદીએ પહોંચી જઈએ... નદીમાં નાહવાની ખૂબ મજા પડતી... કપડાં કાઢીને પરબારા નદીમાં પડતા; સામસામા પાણી ઉછાળતા; ડૂબકીદાવ રમતા; તરતાં શીખતા; નાહીને ધરાતા ત્યારે બહાર નીકળતા. કપડાં ધોઈ ઘેર જઈએ...!”(પૃ.૧૩ ) ૨. ‘રામવાવથી પોરબંદર ચૌદ માઈલ થાય. રસ્તાને કાંઠે જ મજાની જગ્યા છે. ઘટાદાર વૃક્ષોનો છાંયડો અને વાવમાં નિર્મળ નીર ભરેલું હોય, ત્યાં ગાડાં છૂટે. બળદને નીરણ નાખી, સૌ ભાતાપોતા ખાવા બેસીએ. થેપલાં, ગોળ, અથાણાં બહુ મીઠાં લાગે છે. બે કલાક બળદને પોરો આપી, નીરણ ખાઈ લે એટલે પાછાં ગાડાં જૂતે. ત્યાંથી પોરબંદર સુધી સીધી સડક, એટલે કોઈ જાતની બીક નહિ. ગાડામાં લાંબા થઈ ધાબળો ઓઢી સૂઈ જઈએ, વચ્ચે બાબડા બે કલાક છૂટે. સવાર પડે ત્યાં પોરબંદરનું જ્યુબિલીનું જકાતનું નાકું આવી જાય. ત્યાં ગાડાં ઊભાં રહે. એક આનો જકાતનો ‘ટોલ’ આપવો પડતો. શહેરમાં દાખલ થઈએ. બજારમાં જઈ માલ આડતિયાને આપી દઈએ. એ વેચી નાખે. બજારમાંથી બાપાની ચિઠ્ઠી પ્રમાણે ગોળ, કપાસિયા, તેલ, ખાંડ, ખજૂર, નાળિયેર વગેરે વસ્તુઓ પાછી ગાડામાં ભરી દઈએ. માલ ભરવા એક-બે ગાડાં રાખી બાકીનાં વહેલાં રવાના કરી દઈએ.” (પૃ.૨૩) બંને ખંઠકોમાં અહીં ગત્યાત્મક ક્રિયાનાં સ્થિત્યંતરોને નિરાભરણ ને સરળ, ટૂંકા વાક્યબંધો દ્વારા કેવાં તો તાદ્દશ કરી મૂક્યાં છે! નિરૂપણક્ષમતાની ગુંજાશ ઉપરાંત ચરિત્રકારની પ્રત્યુત્પન્નમતિશીલ જીવનપદ્ધતિનો અચ્છો પરિચય આપી રહે એવો એક વિશેષ ખંડક ટાંકવાનો લોભ રોકી શકાતો નથી. (દેશાટન વખતે ચિતોડના રેલવે સ્ટેશનમાં અંતરિયાળ ટ્રેનની રાહ જોઈને પંદર કલાક રોકાણ થવાની વેળાએ, ભોજનની મૂંઝવણ થતાં, અન્ય પ્રવાસી સાથે મળીને તોડ કાઢે છે.) “દુકાનેથી લોટ, ગોળ, ધી, મગની દાળ, ચોખા, મસાલો લઈ લીધાં. પાસે જ નાની નદી હતી. ત્યાં જઈ ઝાડ નીચે ઉતારો કર્યો. સાફસૂફી કરી પડાવ નાખ્યો. મારવાડીને છાણાં વીણી લાવવાનું કહ્યું. મેં ખાખરાનાં પાનમાંથી દડિયા તથા પાતર બનાવ્યાં. છાણાં આવી ગયાં, એટલે ભઠ્ઠો- સળગાવ્યો. કળશામાં દાળ ઓરી. દાળ ચડી રહી એટલે મસાલો નાખીને દડિયામાં કાઢી લીધી. ઉપર પાતર ઢાંકી બાજુમાં પથરા મૂક્યા. લોટો સાફ કરી, અંદર ઘીનો હાથ મારી, ચોખાનું આંધણ મૂક્યું. આંધણ થયું એટલે ચોખા ઓરી દીધા. ભાત તૈયાર થયે ઉતારી લીધા. એટલામાં બાટી તૈયાર કરી રાખેલી, તે ભઠ્ઠામાં નાખી. અર્ધા કલાકમાં પાકી ગઈ; એટલે બાટી લૂગડામાં બાંધી, ઉપર મુઠ્ઠીઓ મારી, ભાંગી નાખી. ગરમાગરમ ભાખરીના ભૂકામાં ગોળ-ઘી ભેળવી લાડુ બનાવ્યા. કળશામાંથી ભાત કાઢી પતરાળામાં રાખ્યા. ઉપર પાતર ઢાંકી પથરા મૂકી દીધા. બીજા બે દડિયા કર્યા ને લોટો સાફ કરી પાણી ભરી આવ્યા. દાળ-ભાત-લાડુની પાકી રસોઈ જમ્યા; ઉપર પાણી પીધું. એક જ કળશામાં જમણ બનાવ્યું. થોડી વાર આરામ કરી ચિતોડગઢ જોવા ગયા.” (પૃ.૬૯-૭૦) જોયો આ છપ્પનભોગનો ઠાઠ ? સાધનમાં હરીફરીને માત્ર એક કળશો જ હોવા છતાં, પાન, પા’ણા ને કપડાંને યોગે કળશા પાસે કેવાં અવતારકાર્યો કરાવ્યાં ? પરિસ્થિતિની શરણાગતિ નહિ, સ્વામિત્વ સાધીને મારગ કાઢે છે; એમાંયે ફક્ત રોડવી લેવાની વાત નથી પરંતુ પ્રતિકૂળતાને સાનુકૂળતામાં ફેરવીને રળિયાત થવાની સઘઃ ક્રિયાન્વિતિ તરી આવે છે. મતિ મુંઝાઈ જવાની પળે, ‘તાલાબકા પાની ખીર બન જાય ઔર પીપલકે પત્તે પુડિયાં બન જાય તો બંદા ઝબોલ ઝબોલ કે ખાય’ એવા શેખચલિયા તરંગોમાં રાચવાનું એના હાડમાં નથી. એ તો ‘ક્ફોણીધાતેન ફ્રુટનિર્માણ ન્યાયેન’ યાને ‘કોણી મારીને કૂલડું કરવું’-નો ઉપાય ખોળી કાઢે છે. ચરિત્રકારની જીવનસિદ્ધિઓના પાયામાં રહેલાં, સ્થિતિસ્વામિત્વ ને મૌલિક સૂઝ જેવા વ્યક્તિગુણોનું નિદર્શન આ ઘટનામાં જોવા મળશે. તો ગદ્યનિરૂપણની દૃષ્ટિએ, ભાષાના કથ્યાત્મક વાચિકરૂપની શક્યતાઓનો પણ એમાં સુપેરે પરિચય મળે છે. સરળ ને ટૂંકાં વાક્યો, રેવાલ ગતિએ ચાલતો ને વાક્યે વાક્યે સમ-તલ આવર્તનો પામતો વાગ્લય, વિવક્ષિત ક્રિયાનું ગત્યાત્મક ને ક્રિયાનુસારી સાક્ષાત્કારક ચિત્રાંકન, લાઘવ, ધરાળુ બાની, નિરાભરણ ને સાદો શબ્દપ્રપંચ - આ સૌ ગથઘટકો નો સમવેત સમન્વય પ્રતીત થાય છે, જો આખાયે ફકરાને વાંચતી વખતે, કથ્યવાર્તાની ઉચ્ચારણભંગિ સમેત સાં...ભ...ળી... શકીએ તો. આત્મવિમર્શની પળોનું આલેખન, મોટે ભાગે, કૃતિમાં દેખાતું નથી. જે કાંઈ થોડું ઘણું છે એમાંથી બે’ક નમૂના ચરિત્રકારની સરળ, સાદી ને અનાયાસસિદ્ધ રચનારીતિના દૃષ્ટાંત લેખે નોંધીએ. ૧. ‘રાત્રે વાળુ કર્યા બાદ બહાર આંગણામાં ખાટલા ઢાળી સૂતા હોઈએ ત્યારે આકાશમાં તારા દેખાય; એ વખતે મનમાં કંઈક તરંગો સ્ફુરે. આ બધું કોણે કર્યું હશે? આનો કર્તા કોણ? આ બધા તારા અથ્થર શી રીતે લટકી રહ્યા હશે? આમાં ભગવાન ક્યાં બિરાજતા હશે ?” (પૃ.૧૫) ૨. “સમુદ્ર સાથે જૂની દોસ્તી હોય એમ કલાકો સુધી કિનારે બેસી રહેતા. દૂર દૂર વહાણો પસાર થતાં હોય, તેના સફેદ સઢ સૂર્યના પ્રકાશમાં દેખાતા હોય, એની સામે જોઈ રહેતો, મનમાં એમ થાય કે આ વહાણમાં ડૂબી નહિ જવાતું હોય ? કાકા આમાં ગયા છે એ કેવી રીતે, કેટલી હેરાનગતિ વૈઠીને પહોંચ્યા હશે? વહાણ પાણી ઉપર કેવી રીતે તરતાં હશે? ઊંઘાં નહિ પડી જતાં હોય? વરસાદ આવે ત્યારે શું થતું હશે ? દરિયાનું ખારું પાણી કેમ પિવાય? એમાં મીઠું પાણી ક્યાંથી લાવતા હશે? સૂવા માટે ખાટલા ક્યાં ઢાળતા હશે? આવા અનેક તરંગો મનમાં ઊઠતા.” (પૃ.૨૦) જોઈ શકાશે કે નકરું બાલસહજ કુતૂહલ અને તત્પ્રેરિત વિચારબુદાઓ પ્રશ્નમાલા રૂપે મુકાયા છે.

*

કથન, વર્ણન અને વિમર્શના નમૂના દાખલ આગળ ટાંકેલાં નવેય ઉદ્ધરણોની ભાષાની આંતરઘટના જોવા જેવી છે. આમેય કૃતિના સાદ્યંત રચનાવિધાનમાં ભાષાનો ઉપાર્જિત કે આયાસસિદ્ધ ઉપક્રમ વરતાતો નથી; પણ દૈનંદિન વ્યવહારમાં પ્રયોજાતી સહજપ્રાપ્ત ને સ્વયંસિદ્ધ ‘વાણી’ના અ-નાગર અભ્યુચ્ચરણનો વિહાર પ્રત્યક્ષ થાય છે. એમાંના ભાવવાહી કાકુઓ ને લઢણો કે લયતરંગો વક્તવ્યને એક પ્રકારની અંતરંગતા(intimacy) સંપડાવે છે. બચપણની પ્રસન્નમધુર ક્ષણોને યાદ કરીને ચરિત્રકાર, “એ દિવસો સાંભરતાં રોવું આવે છે" એમ લખે છે ત્યારે એમના અંતર્ગત ભાવરંગની સઘઃપ્રસૂત મધુર છાલક, વાંચતી વેળા, આપણને પણ ભીંજવી જાય છે. (આ ‘વાણી’નો શિષ્ટ લેખકની કલમી ‘ભાષા’માં અનુવાદ કરું? ‘એ દિવસોનું સ્મરણ થતાં હૃદય આર્દ્ર થઈ જાય છે / ભરાઈ આવે છે.’ બંનેના ફરક માટે વિવરણની જરૂર જ નથી !) ‘ઉક્તિ’નું ‘પંક્તિ’માં લિપ્યંતર કર્યેય, કાકુના તીવ્ર સંકેતને પૂરો ન પામી શકાય, કેવળ બોલચાલની કથ્યકક્ષાએ જ અનુભવી શકાય તેવી આ બે ઉક્તિઓ સાંભળો: અ “અમે તો વડના ઝાડ નીચે, મહાદેવની સામે, આ રીતે પ્રભુસ્મરણ૧ કરીએ છીએ, ને૨ બેઠા છીએ; જાણે આખી દુનિયાને૩ ભૂલી ગયા.’” (પૃ.૨૭) બ. ‘કોઈ માણસને શંકા૧ રહેતી હોય કે પ્રભુ નથી તો તેનો આ ૨પુરાવો છે ! (પૃ.૨૨૩) ઉપરની ‘અ’ રચનામાં રેખાંકિત વાક્યખંડ ૧ અને રમાં સમતલ લય અનુક્રમે બેવડાશે, અને ૩માં અવરોહાત્મક લયવિરામથી કાકુસંકેત ઘુંટાશે ‘બ’ રચનામાં રેખાંકિત વાક્યખંડ ૧માં ‘કે’ સંયોજકના પૂર્વ-અપર ખંડોમાં સમતલ લય આવર્તિત થશે, જ્યારે વાક્યખંડ ૨માં ઉક્તિવિરામનો અવરોહાત્મક લય, આગલા લયઘટકોનો આઘાત ઉપાડી વિરમી જશે.

પુસ્તકની ભાષા, આમ તો, સરળતા ને મિતાક્ષરીપણાને ઉપાસે છે, પણ વક્તવ્યની વેધકતા કે સદ્યોગમ્યતા સાધવા માટે ક્વચિત્ સહજ અલંકારોને પણ પ્રયોજે છે. પ્રસ્તુત સંદર્ભોમાં અલંકારની ઉપસ્થિતિ, ઠાલો ઠઠારો બની રહેવાને બદલે, ઉક્તિના આશય કે અંતરાર્થને એવો તો વ્યંજનાગર્ભ બનાવી રહે કે અલંકારના - તે સંદર્ભમાં – ન હોવાની ઘટના ઉક્તિને લૂલી બનાવી મૂકે. સૂક્ષ્મ નિરીક્ષણ અને બહોળા જનસંપર્કની સ્વભાવપરિચિતતામાંથી સહજરૂપે ફૂટતા અલંકારો, મોટે ભાગે, સાદૃશ્યમૂલક કોટિના છે. ઉપમા, ઉત્પ્રેક્ષા, દૃષ્ટાંત અલંકારોનો વપરાશ ધ્યાનાર્હ લાગે છે. ગામડાનાં વેપારના સંકોચ-વિસ્તરણની લાક્ષણિકતાને ઓળખાવતાં એ લખે છે: “ગામડાંના વેપાર કાગળના પંખા જેવા, સંકેલવા હોય ત્યારે સંકેલાય ને મોટા કરવા હોય ત્યારે મોટા કરી શકાય” (પૃ.૬૫). સંતાન અને માતાપિતાના દુર્નિવાર પ્રેમાકર્ષણની ભૂમિકાના ઓઠીંગણ પર અવલંબતા અલંકારોની હાજરી વારે વારે દેખાય છે. ‘સામે સાગરનાં મોજાં ઊછળતાં હોય, જાણે બાપ દીકરાને હાથ લાંબો ન કરતો હોય” (પૃ.૩૬)માંની ઉત્પ્રેક્ષા કે “માને જોતાં જેમ હરખ ઊભરાય, તેમ જમીનનો કિનારો જોતાં આનંદ થયો” (પૃ.૩૭) અને “ગાયથી વિખૂટું પડેલું વાછરડું ભાંભરડાં દે એમ અમારા જીવ જમીન જોયા વગર તરફડતા હતા.” (પૃ.૫૧)માંના સાદૃશ્યમૂલક દૃષ્ટાંતમાં એની પ્રતીતિ થાય છે. નિરૂપણની શ્રોતૃસાપેક્ષતાને કારણે ગદ્યબંધમાં કથ્યરૂપોની જાળવણી અને બોલચાલની વાચિક કક્ષાએ વપરાતી વિવિધ વાક્-સામગ્રીનો પ્રચુર માત્રામાં ઉપયોગ થયો છે. કહેવતો, રૂઢિપ્રયોગો ને તળપદાં શબ્દરૂપોનો વપરાશ તો ખરો જ, વાર્તાલાપની રસાળતા ને ઉષ્મા ટકાવી રાખે તેવી હળવાશભરી ઉક્તિઓ અહીં ગદ્યપોતને ટાઢુંબોળ થતું અટકાવવામાંઉપકારક નીવડે છે. ‘દળીદળીને ઢાંકણીમાં ઉઘરાવવું’, ‘મંછા ભૂત ને શંકા ડાકણ’, ‘કર્દીની જીભ ને અકરમીના ટાંટિયા’ આવી અનેક ગલણી કહેવતો તો ખરી, પરંતુ ક્યારેક પોતે જ નવી કહેવત ઘણીને મૂકી દે છે. આફ્રિકામાં ઉંદરની વધી પડેલી સંખ્યાને અંકુશમાં રાખવા, સરકારે સંખ્યાબંધ નોળિયાને બહારથી લાવીને છૂટા મૂક્યા, પણ એને કારણે ઉંદરની સંખ્યા તો ઘટી, પરંતુ નોળિયાની વસ્તીનો અતિવિસ્તાર ઉપદ્રવકારી બનવા માંડયો. આ સ્થિતિનો નિર્દેશ કરતી વેળા ચરિત્રકાર નોંધે છે કે આ તો ‘બકરું કાઢતાં ઊંટ પેઠું’ ને બદલે ‘ઉંદર કાઢતાં નોળિયા પેઠા’નો ઘાટ થયો ! લખાણમાં ચપોચપ બેસી જાય એવાં રૂઢિપ્રયોગો ને શબ્દરૂપો પણ એમને એટલાં જ હાથવગાં (ખરી રીતે તો જીભવગાં !) છે. ‘ચાપડા ઝુડવા’, ‘સરાડે ચડાવવું’ ‘સોલા ચડવા’, ‘ઊભા સુકાવું’ જેવા પરિચિત પ્રયોગોની સાથે ક્યારેક એ ‘દરિયાનાં દુઃખ વિસરાયાં, સુખનાં સંભારણાં આવ્યાં’ જેવો નવો પ્રયોગ પણ ઘડી કાઢે. પરિસ્થિતિ વા પ્રસંગનું નિરૂપણ કરવામાં, એમની પ્રકૃતિ સાથે જડાયેલી બોધલક્ષિતા તો ખરી જ, પરંતુ જે મલકાટભરી હળવાશ પણ એ આણી શકે છે એમાં એમની સંભાષણચાતુરીનો પરિચય મળે છે. એમ કરવામાં ક્યારેક વ્યંગનો ઝીણો તમતમાટ તો ક્યારેક કટાક્ષનો આછો છરકો મૂકતા જાય. જંગલમાં મુસાફરી કરતી વખતે જાંગોગ્રામાં ખેરાજભાઈને ત્યાં થતા અનુભવને હળવાશથી ટાંકતાં લખે છે: ‘’બે શ્વાનરાજો અમારું સ્વાગત કરવાને દોડી આવ્યા. તેઓ અમારો ચરણસ્પર્શ કરવા જતા હતા, પરંતુ અમે તેમને રોક્યા. ભોજનને બદલે આવું સ્વાગત મળશે એની કલ્પના ન હતી’’ (પૃ.૧૪૨). યુરોપના પ્રવાસ વખતે, ભોજન સમયે વિશિષ્ટ પોશાકના આગ્રહના સંદર્ભે અણગમો કે ઉકળાટ વ્યક્ત કરતાં કહ્યું: "...માત્ર ચામડીનો ઘઉંવર્ણો રંગ બદલી ગોરા થઈ શક્યા નહિ’’ (પૃ.૧૯૪). નાનપણમાં ધર્મજિજ્ઞાસાથી પ્રેર્યા રઝળપાટ દરમ્યાન, ભટકી ગયેલા સાધુઓનો અનુભવ વર્ણવતાં લખે છે. ‘’સાધુ મળ્યા તે એવા કે હું માગી લાવું ને એ ખાય’’ (પૃ.૭૨) નર્મયુક્ત વિનોદવૃત્તિનો એક છેલ્લો નમૂનો નોંધી લઈએ : “મરી ગયા પછી કર્મના ફળ પ્રમાણે ભગવાનનાં વિમાનો આવશે કે નહિ એ તો ખબર નથી; પણ હાલમાં તો આપણે ભારત સરકારનાં ‘એર-ઇન્ડિયા’નાં વિમાનોમાં જીવતાં મોજ માણીએ છીએ” (પૃ.૬૫) ચરિત્રકાર પાસે શાળા-મહાશાળાના ભણતરની ભલે અધૂરપ હોય, પણ જીવનની મહાશાળા અને દેશવિદેશનાં પર્યટનોમાંથી સાંપડેલા સંસ્કારસંપર્કની બહુવિધ સંપદા એનું સાટું વાળી આપે છે. વેપારઉદ્યોગ તો એની રગેરગમાં, પણ એ ઉપરાંત અન્ય સંસ્કારપ્રદેશોનો પરિચય પોતાની મેળે ને હૈયાઉકલતથી એ કેળવી લે છે. આ કારણે, પુરાણ, ઇતિહાસ ઉપરાંત બ્રિટન, ફ્રાંસ, જર્મની, જપાનના પ્રકરણે તત્સંબદ્ધ સંદર્ભોને એ ટાંકે છે. તો વળી કાલિદાસ, ટાગોર જેવા પ્રશિષ્ટ કવિઓ ઉપરાંત દેવાયત પંડિત, ‘ભ્રમિત’ જોશી અને દલપતશૈલીના બહેરામજી મલબારીની પંક્તિઓને પણ ઉદ્ધૃત કરે છે. આ સ્થિતિમાં લખાણને એક પ્રકારની શિષ્ટતાની સુવાસનો પુટ સાંપડે છે. જો કે ઐતિહાસિક ઉલ્લેખોની બાબતમાં ચરિત્રકાર ગોથું ખાઈ જાય છે. સિંધના છેલ્લા હિન્દુ રાજા દાહિરનો ‘રઘુવંશી’ તરીકેનો ઉલ્લેખ (પૃ.૨), ભૂચર મોરીના યુદ્ધમાં મોગલ સેનાપતિ, અંતિમ મોગલ બાદશાહ, સત્તાવનની ક્રાન્તિના નેતા તરીકે ફડનવીસનો નિર્દેશ આવા વિગતદોષના દાખલા છે. ‘કલાપી’ને રાજવી કવિ કહેવાને બદલે ‘રાજકવિ’ તરીકે અપાતી ઓળખને તો મુદ્રારાક્ષસની ચેષ્ટાનો શંકાલાભ પણ મળી શકે. પણ કથનપ્રસંગોમાં ઘણી વાર ચરિત્રકાર પોતાને માટે, પ્રથમ પુરુષ બહુવચન ‘અમે’ નો માનાર્થે પ્રયોગ કરે છે ત્યાં જૂની પેઢીના લેખકોની લઢણ કે રીતિની છાયા ગણશું?

‘મારી અનુભવકથા’ની ગદ્યઘટનાની સમૂળગી ઇબારત બોલચાલના વાચિક સ્તર પર નિર્ભર છે. આવાં ચરિત્રાત્મક ઉક્તિપૂત ગદ્યના અન્ય નમૂનાઓ સાથે એને સરખાવીએ તો એનો ઉટાંક નીકળે. ગાંધીજી, મુનશી, ચં.ચી. વગેરે અતિશિક્ષિત શિષ્ટ લેખકોની ચરિત્રકૃતિઓની સાથે આ પુસ્તકની તુલના જ સર્વથા અપ્રસ્તુત બની રહે, કેમ કે એ સૌ ચરિત્રોનું મૂલાધારચક્ર જ પ્રસ્તુત કથાથી નિરાળું છે. એટલે, જોકે વિચિત્ર લાગે તેવું, છતાંયે ગદ્યની સરખામણી માટે એ સંગત ઉદાહરણ તો નારાયણ હેમચંદ્રની ચરિત્રકૃતિ ‘હું પોતે’નું ગણાય. બંનેની કુંડળીમાં ભણતરનો કારક ગુરુ, શત્રુગ્રહની દૃષ્ટિવાળો ને ખાડે પડેલો હશે જ ! આ ઉપરાંત ગૃહત્યાગો (વાચ્યાર્થે બહુવચન), ઊગતી ઉંમરમાં રઝળપાટ, દેશવિદેશમાં લાગલગાટ અટનો, તીવ્ર જિજ્ઞાસા ને ગ્રહણશીલતા, અતૂટ સાહસ ને ધૈર્ય, ઝંઝાવાતી સંઘર્ષો ને સંસ્કારવિતરણના ધખારા : આટલી બાબત પૂરતા તો ચરિત્રકાર અને નારાયણ હેમચંદ્ર સમાન તરંગસીમા પર વિચરતા દેખાશે. આમ છતાં ઉભયની અંગત ઉપલબ્ધિઓ અને બિનંગત યોગદાન નિરનિરાળાં છે. બન્નેનાં વ્યક્તિત્વો પણ સામસામે છેડે બેસે તેવાં. નારાયણ હેમચંદ્ર તો ફરતલ, બાલિશ ગણાય તેટલા ભોળા, લઘરામાં ખપે એટલા સાદા, બિનવ્યવહારુ, નિઃસાધન ઓલદોલ આદમી; જ્યારે નાનજીભાઈ કુશળ જ નહિ, સફળ ઉદ્યોગપતિ, વ્યવહારવિદગ્ધ ને ઊંડી કોઠાસૂઝ ધરાવતા અતિસંપન્ન શ્રેષ્ઠી. કાર્યક્ષેત્ર, રુચિતંત્ર ને આચારરીતિ(manners)ની બાબતમાં પણ બંને વચ્ચે ખાસ્સી ભિન્નતા. આમ છતાં ચરિત્રનિરૂપણના વાહનરૂપ ભાષાઘટનાની મૂળભૂમિકામાં બંનેનાં અત્યલ્પ શિક્ષણ, અવરોધક, સંઘર્ષો ને અન્ય એતદેશીય પરિબળો રહ્યાં છે, એ બધાં તુલના માટેનાં આધારસૂત્રો બની શકે. હવે જો આ છાબડે બંનેની ચરિત્રકૃતિની ગદ્યઘટનાને જોખીએ તો, પ્રસ્તુત ચરિત્રકારનું પલ્લું હેઠું નમતું જણાશે. નારાયણ હેમચંદ્રનું ગદ્ય ઊટક્યા વગરનું, આંતરે આંતરે ઝોલા ખાતું ને અંગ્રેજી, બંગાળી લઢણોનાં ઉછીનાં વસાણાં વાપરતું ઉધારિયું ગદ્ય છે; એને મુકાબલે નાનજી શેઠનું ગદ્ય, રાણીછાપના રૂપિયા જેવું ટકોરાબંધ, રોકડિયું ને બહોળો વેપાર ખેડનારું, ચડિયાતા વક્કલનું ગદ્ય ઠરે છે.

ઉદ્દેશ: એપ્રિલ, ૧૯૯૫.
‘ફલશ્રુતિ’ પૃ. ૩૩૮ થી ૩૪૮