સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - રમણભાઈ નીલકંઠ/કવિત્વરીતિ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કવિત્વરીતિ*[1]

સંસ્કૃત અલંકારશાસ્ત્રમાં ‘રીતિ’ શબ્દનો વિશેષ પારિભાષિક અર્થ કર્યો છે. ‘રીતિ’ને કોઈ વખત ‘વૃત્તિ’ પણ કહે છે. કાવ્યના માધુર્ય, ઓજસ્‌, અને પ્રસાદ, એવા ત્રણ ગુણ કહ્યા છે. એ ગુણ કાવ્યના અંગી રસના ધર્મ છે, રસનો ઉત્કર્ષ કરે છે, તેમની સ્થિતિ રસની સાથે જ હોય છે, રસ વિના તે હોતા નથી, તે રસ સાથે હોઈ રસને શોભા આપે છે. મમ્મટની વ્યાખ્યા પ્રમાણે મનુષ્યમાં જેમ શૌર્ય વગેરે તેના આત્માના ગુણ છે અને શરીરના નથી તથા અયથાર્થ પ્રતીતિથી આકારના કહેવાય છે, તેમ કવિતામાં માધુર્ય વગેરે રસના ગુણ છે, વર્ણના (અક્ષરના) નથી; સમુચિત વર્ણથી તે માલૂમ પડે છે પણ વર્ણમાત્રમાં તેમનો આશ્રય નથી. તે ગુણની રસ સાથે અચલ સ્થિતિ હોય છે અને તે રસના ઉપકારક બને છે. ચિત્તનો દ્રવીભાવમય આહ્‌લાદ-ચિત્તને પીગળાવી નાખનાર આનંદ તે માધુર્ય. તે શૃંગાર, કરુણ, વિપ્રલમ્ભ, અને શાંત રસમાં હોય છે. ચિત્તમાં વિસ્તાર પમાડી તેમાં દીપ્તત્વ ઉત્પન્ન કરે, (ઘણા સમાસવાળી ભાષાથી) વિસ્તૃતિ પમાડે તે ઓજસ્‌. તે વીરરસમાં હોય છે. સૂકાં લાકડાંથી પ્રગટેલા અગ્નિ પ્રમાણે (ઓજસ્‌માં), ને સ્વચ્છ જળ પ્રમાણે (માધુર્યમાં) જે ચિત્તમાં એકદમ વ્યાપી રહે તે પ્રસાદ કહેવાય છે અને તે સર્વ રસમાં હોય છે. આ ગુણોના વ્યંજક, આ ગુણોને અનુકૂળ હોઈ તેમને દર્શાવનાર વર્ણ (૨, ણ, ન, લ, વગેરે) વાળી -પ્રતિકૂળ વર્ણ (ટ, ઠ, ડ, ઢ વગેરે) વગરની-પદરચના તે વૃત્તિ કહેવાય છે. ઉપનાગરિકા, કોમલા કે ગ્રામ્યા, એવા વૃત્તિઓના ભેદ પાડેલા છે. આવી પદરચના વડે આવો ગુણ વ્યંજિત કરે તે આવી વૃત્તિ, એવાં અલંકારશાસ્ત્રોમાં વિવેચન કરેલાં છે. મહેશ્વન્દ્ર કહે છે કે વૃત્તિ તે માધુર્ય (વગેરે)ના વ્યંજક સુકુમાર (વગેરે) વર્ણવાળો હોઈ મધુર (વગેરે) રસોપકારક શબ્દની સંઘટ્ટના નામનો એક વિશેષ વ્યાપાર; એટલે રસને શોભાવે એવી ગુણને વ્યંજિત કરનાર વર્ણોવાળી શબ્દરચના. આ વૃત્તિને રીતિ પણ કહે છે.૧ વૈદર્ભી, ગૌડી, પાંચાલી, લાટિકા અથવા માગધી રીતિઓ ગણાય છે. સાહિત્યદર્પણકારની વ્યાખ્યા પ્રમાણે વિશેષ અંગસંસ્થાની પેઠે રસાદિની ઉપકર્ત્રી પદસંઘટ્ટના તે રીતિ-શરીરને જેમ સુંદર અંગ શોભાવે તેમ શબ્દાર્થ જેનું શરીર છે એવા કાવ્યના આત્મભૂત રસાદિનો ઉત્કર્ષ કરનારી પદયોજના-ગુણના અભિવ્યંજક વર્ણની ઘટના. રસ સુશોભિત લાગે તેવી રીતે પદ ગોઠવવાં તે રીતિ. સંસ્કૃત અલંકારશાસ્ત્રીઓએ રીતિને આ પ્રમાણે બહુ મહત્ત્વ આપ્યું છે. વામન તો એટલે સુધી કહે છે કે રીતિ કાવ્યનો આત્મા છે. મધુર વર્ણ, લલિતપદ, ઓજસ્વી સમાસરચના : એ કંઈ ભૂષણ છે ખરાં. તે વર્ણની જ ચારુતામાં નથી રહ્યાં પણ તે વડે ગુણનું દર્શન થાય છે માટે તેમની આટલી કિંમત ગણી છે એમ અલંકારશાસ્ત્રીઓ સ્પષ્ટ કહે છે. રસના સંબંધમાં જ આને આટલી વિશેષતા આપી છે. તથાપિ રસનિષ્પત્તિ કે જ્યાં ભાવોલ્લાસનો ક્રમ મુખ્ય લક્ષ્ય છે ત્યાં ભાવોલ્લાસની અવગણના કરી માત્ર વર્ણ કે પદની રચનાને, શબ્દક્રમની રીતિને, આટલું મહત્ત્વ આપવું એ અનુચિત લાગે છે. રસનો ઉત્કર્ષ વર્ણ કે પદ ગોઠવવાની રીતિને આધારે એટલો બધો હોતો નથી, કેમ કે ભાવસ્વરૂપને (ઉદ્‌ભૂત થતી વેળા) શબ્દરૂપ જોડે સંબંધ નથી. રસોત્પત્તિ હૃદયના ભાવથી થાય છે. ઉત્પત્તિ સંબંધમાં રસને ભાષા જોડે સંબંધ નથી એ ચિત્ર, સંગીત, શિલ્પશાસ્ત્ર વગેરેમાં રસ છે તે વાતથી માલૂમ પડે છે. જેમ હૃદયનો ભાવ ઉત્કૃષ્ટ તેમ રસ ઉત્કૃષ્ટ હોય છે. ભાષામાં તે કહેવામાં ન આવે તો તે ઉત્કર્ષ કવિતામાં જણાય નહિ એ ખરું છે, પણ, તે માટે તે ઉત્કર્ષનો અભાવ થતો નથી. રસોત્કર્ષનો આવિર્ભાવ કવિતામાં ભાષામાં થવાનો માટે ભાષાની તદનુકૂલતા પર તે આવિર્ભાવનો આધાર છે. કવિતાના શક્તિસ્વરૂપને મૂકી કલાસ્વરૂપમાં આવતાં ભાષાનું મહત્ત્વ આવે છે. એટલા પક્ષમાં પણ ભાષાના વર્ણ કે પદનો તો અમુક જ ભાગ છે. તેની સુન્દરતા વિના ચારુતા નથી આવતી એમ નથી. ‘મીઠી આંખમાં ‘લલિત લોચન’ની વર્ણમધુરતા નથી, પણ, ભાવપ્રકાશનમાં તે માટે તે પદ ઓછું સમર્થ જ થાય એમ હંમેશ બને નહિ. વર્ણમાં તેમ પદમાં પણ એ જ સ્થિતિ છે. ઉદાહરણ લઈએ.

‘દોડિ ખેલે મધુર તુજ ટહુકાનિ સંગે રંગમાં
આનન્દસિન્ધુતરંગમાં નાચંતું એ ઉછરંગમાં—’
(કુસુમમાળા)

અહીં પોતાના રાગપરાયણ હૃદયનો કવિએ કોયલને કહી બતાવેલો વેગ રસપૂર્ણ છે એ શબ્દરચનાથી જ માલૂમ પડે છે. અનુકૂળ શબ્દરચના ન હોત તો વાંચનારને આ રસાનુભવ થાત નહિ એમ લાગે છે, અને કદાચ બીજા શબ્દમાં આ અવિર્ભાવ થઈ શક્ત પણ નહિ. તોપણ રસ તો વર્ણરચનાથી સ્વતંત્ર છે, તેના પહેલાં ઉદ્‌ભવ પામ્યો છે. એવી રચના વિના સાદા શબ્દથી પણ એવા જ રસપર્ણ ભાવ વ્યંજિત થયેલા જોવામાં આવશે.

‘ઘેલી બની બધી સૃષ્ટિ રસમાં હાલ ન્હાય છે,
હાય એક જ પાંડુના હૈયામાં કૈંક થાય છે.’
(વસંતવિજય)

અહીં વર્ણલાલિત્ય વિના રસનો આવિર્ભાવ કંઈ જુદી રીતે જ થાય છે અને તે મધુર વર્ણરચનાથી વધારે ઉત્કૃષ્ટ થાત એમ કહી શકાતું નથી. જે અલૌકિક ભાવવિભ્રમ કવિએ વ્યંજિત કર્યો છે તે અનુભવતાં શબ્દ તો ભૂલી જવાય છે. આ કારણો માટે શબ્દરીતિને આટલું બધું મહત્ત્વ ઘટતું નથી. સંસ્કૃત સાહિત્યમાં એ મહત્ત્વ ગણાયાનું એક વિશેષ કારણ છે. સંસ્કૃત સાહિત્યનું કાવ્ય તે એક શ્લોકમાં આવી જાય છે. પ્રસંગથી ઉદ્દીપિત સુંદર રાગધ્વનિ કાવ્ય ઘણુંખરું એક શ્લોકમાં સમાપ્ત થાય છે. રાગધ્વનિ કાવ્ય અનેક શ્લોકમય હોય છે તોપણ તેમાંનો દરેક શ્લોક સ્વતંત્ર કાવ્ય હોય છે. ભાવનો ક્રમશઃ ઉલ્લાસ થાય, શ્લોકોમાં ઉત્તરોત્તર ભાવનો વેગ બદલાતો જાય, રસ ઉત્કર્ષ પામતો જાય અને સર્વ શ્લોક મળી એક કાવ્ય બને, એ સંસ્કૃત કવિતાને બહુધા અનુકૂળ નથી. તેથી કલાવિષયમાં શબ્દરીતિ અને અલંકાર એ બેનો જ અવકાશ રહે છે. નાટકમાં આ બંધનના અભાવને લીધે ભાવોલ્લાસનું બીજું સ્વરૂપ જોવામાં આવે છે, પણ તે પ્રસ્તુત વિષય નથી. આ શબ્દરીતિ જેવી બીજી પણ એક ગૌણ રીતિ છે. તેને વાક્યરીતિ કહીશું. વડર્‌ઝવર્થે તેની poetic diction એ નામથી ચર્ચા કરી છે. કવિતામાં ગદ્યની સ્વાભાવિક ભાષા મૂકી દઈ વાસ્તવિક રીતે રાગાનુભવસ્થિતિમાં ન વપરાય તેવી કૃત્રિમ વાક્યરચના પદ્યમાં ખાસ વાપરવાની આ રીતિ વડર્‌ઝવર્થને ઘણી અનિષ્ટ હતી. તે કહે છે કે પ્રથમ ભાવની ઊર્મિના આવેશમાં કવિઓએ એકવાર સાધારણ બોલાતી ભાષા મૂકી દઈ ભાવદર્શન માટે વિશેષ ભાષા વાપરી એટલે પછી તેમના પછીના લખનારાઓએ ભાવોર્મિને અને એ વિશેષ ભાષાને અવશ્ય સંબંધ માન્યો, ભાવ દર્શાવવા એ વિશેષ વાક્યરચના જોઈએ જ એમ ગણ્યું. એ રીતે અંતે ગદ્યથી જુદી જાતની વાક્યરચના એ જ કવિતાનું સ્વરૂપ-કાવ્યસર્વસ્વ ગણાવા લાગ્યું, તે ન હોય તો વાચકવર્ગને કવિતાનો અભાવ જણાવા લાગ્યો, અને તે લાવી કવિતા બનાવવાનો સહેલો રસ્તો પદ્ય રચનારાને જડ્યો. સરલ ભાષાની રચના મૂકી અલંકૃત અનેક અપ્રસ્તુતાર્થવાળી વાક્યરચના કવિતામાં આવશ્યક નથી. પરંતુ, કવિતા અને ગદ્યની ભાષામાં કશો ફેર જ નહિ એ વર્ડ્‌ઝવર્થનો મત સર્વ રીતે સ્વીકારી શકાય તેમ નથી. વડર્‌ઝવર્થ પોતે જ કબૂલ કરે છે કે ભાવની ઊર્મિ ઘણી વાર વિશેષ ભાષામાં આવિર્ભૂત થાય છે. પણ કવિતામાં કૃત્રિમ વાક્યરચના જોઈએ જ અથવા કૃત્રિમ વાક્યરચના આવી એટલે કવિતા થઈ ચુકી એ મત તો ભૂલભરેલો છે. પ્રસંગ અને ભાવ બેની અનુકૂળતા અને ઉત્તમતા સચવાય તે પ્રમાણે વાક્યરચના આવવી જોઈએ.

‘જો જો બ્હેની પૃથિવિપર આ મેહુલે મ્હેર કીધી,
હું માંદીની ખબર કંઈયે નાવલે ના જ લીધી.’
(નર્મદાશંકર)

વરસાદ આવ્યો એ વાત જ જણાવવી છે, પૃથિવી પર વરસાદની કૃપા થઈ એ અલંકારથી કશો વિશેષ અર્થ ફલિત નથી કરવો, તાત્પર્યમાં કંઈ વિશેષતા નથી આણવી, એ પ્રસંગથી સૂચવાયેલા ભાવની ઉક્તિમાં એ અલંકારથી કંઈ ચમત્કાર નથી આણવો, તે આવી કૃત્રિમ ભાષા નિરર્થક છે, તે જાતે જ કંઈ કવિતા બનતી નથી.

તેના કરતાં

‘કંસારી તમરાંઓના અવાજો આવતા હતા;’
(વસંતવિજય)

આવી સરલ અને સ્વાભાવિક ભાષા સૃષ્ટિના બનાવના વર્ણનમાં વધારે ચમત્કારવાળી છે. અલંકાર માત્ર સાધનભૂત છે. તે કંઈ પ્રયોજન માટે ઉપયોગી છે. વ્યંગ્યને ફલિત ન કરે તો તે અકારણ હોય છે. અલંકાર એકલા હોય, કંઈ વ્યંગ્ય ન હોય તો મમ્મટ કહે છે તેમ કાવ્ય અધમ થાય છે. છેલ્લો બતાવેલો શ્લોકાર્ધ જે સ્વરૂપે અમુક બિના કવિને ભાવમૂળ થાય છે તે સ્વરૂપે જ તે બિના જણાવે છે.

‘સ્થલ કાલ છતાં શાંત બન્નેને ભાવતા હતા.’

આ અદ્‌ભુત ભાવની ઉક્તિ માટે પ્રથમ શ્લોકાર્ધની બિના સરલ ભાષામાં જ વર્ણવવાની જરૂર છે, અલંકારની કશી જરૂર નથી.

‘કંસારીઓતણા ઘોષ કર્ણાલિંગન સાધતા.’

આવી અલંકૃત વાણી મૂકી હોત તો તે ઉપલા ભાવ માટે તદ્દન નિરર્થક હોઈ કવિત્વની ઉત્તમતામાં હાનિ કરત. કૃત્રિમ અલંકૃત ભાષા જાતે જ કંઈ કવિતામય નથી. શબ્દરીતિ અને વાક્યરીતિ એ બન્નેથી જુદી જ, એ બન્નેને ગૌણતામાં નાખી ઉત્તમ રૂપે રહેલી એક બીજી જ રીતિ છે, અને તે જ ખરેખરી કવિત્વરીતિ છે. એ રીતિ તે ભાવદર્શનરીતિ છે. પ્રથમ કહી ગયા તે જ શબ્દમાં-ભાવનો ક્રમશઃ ઉલ્લાસ કરવાની, કડીઓમાં ઉત્તરોત્તર ભાવનો વેગ બદલાતો બતાવવાની, રસને ઉત્કર્ષ પમાડવાની, અને સર્વ કડીઓ મળી એક કાવ્ય બનાવવાની રીતિ અદ્‌ભુત કલાનું પરિણામ છે. ભાવદર્શનની રીતિ સર્વ કવિઓમાં એની એ જ નથી હોતી. કુશલ કવિને વખતે પોતાની જ એકથી વધારે રીતિ હોય છે. પણ સર્વ રીતિઓમાં કંઈ વિરલ કૌશલ માલૂમ પડશે. પ્રસંગને ભાવાનુકૂલ કરી વર્ણવવાની રીતિ, વિભાવ કવિની દૃષ્ટિમાં શી રીતે પ્રવિષ્ટ થયો તે દર્શાવવાની રીતિ, ઉદ્દીપન કેમ થયું તે બતાવવાની કે વખતે વ્યંગ્ય રાખવાની રીતિ, સહચારી ભાવ અને અનુભવ સૂચવવાની કે એ સૂચવ્યા વિના પ્રસંગનું દર્શન આપવાની રીતિ, ભાવને પ્રસંગ પરથી કવિમાં આવતો કે કવિ પરથી પ્રસંગમાં આવતો જણાવવાની રીતિ, ભાવનું દર્શન આપ્યા વિના કવિત્વ ફલિત કરવાની રીતિ : આવી અનેક રીતિઓ કવિવર્ગને ઇષ્ટ હોય છે. તેમાં પણ શક્તિ પ્રમાણે ઓછું વધતું કૌશલ હોય છે. કેટલાક કવિમાં પોતાની એક જ ભાવદર્શનરીતિ જાળવવાની શક્તિ હોય છે, પણ, તે સર્વદા સંપૂર્ણ હોય છે. કેટલાક કવિની શક્તિ એવી વિરલ હોય છે કે તે જે રીતિ અનુસરે તેમાં તેનું કૌશલ સંપૂર્ણ જણાય. રીતિનાં થોડાં ઉદાહરણ લઈએ. કુસુમમાળામાં ઘણું ખરું એ રીતિ જોવામાં આવે છે કે પ્રથમ પ્રસંગ કે વિભાવને ભાવાનુકૂળ વર્ણવી અંતે ભાવનું સ્પષ્ટ દર્શન આપી કવિને સંતુષ્ટ કે અસંતુષ્ટ મૂકી કાવ્ય પૂરું કર્યું છે. “વિનીતતા”માં સંધ્યા અને ચંદાની સુન્દરતા અને નમ્રતાનો સહવાસ વિનીતતાને અનુકૂલ વર્ણવ્યો છે, વિનીતતાનો ભાવ આવા દર્શનથી કવિને ફલિત થયો એવી રચના છે. અન્તે કવિ વિનીતતાવતી સુન્દરતાથી સંતોષ દર્શાવી ભાવદર્શન આપે છે, પોતાને શો અનુભાવ થયો છે તે કહી બતાવે છે. “અનુત્તર પ્રશ્ન”માં કવિ તારા, રજની, ચંદા, મેઘ વગેરેનું દર્શન જ એવી રીતિથી આપે છે કે તે સર્વ કંઈ અકલિત કે ભાવગર્ભ જણાય. કવિને તે શૂન્યદૃષ્ટિએ નથી જણાયાં પણ કંઈ પ્રેરણામૂળ થાય તેમ જણાયાં છે; તે છતાં કવિની એ દર્શનથી થતી આકાંક્ષા સફળ નથી થવાની એ ભાવ ‘અણગણતારા’, ‘અદ્‌ભુત તેજ’, ‘કારમી દૃષ્ટિ’, ‘ગંભીર રજની-અણદીઠી’ વગેરે વર્ણનોથી સૂચિત થતો જાય છે, ઉત્તરોત્તર વધતો જાય છે. અંતે પ્રકટ થાય છે કે એ વિભાવ સર્વ ‘મૌન ઊંડું ધરતાં’;

‘આ હૃદયમથન પ્રશ્નનો ન કો ઉત્તર વાળે;’–

એ શબ્દોમાં કવિ પોતાનો અનુભાવ સ્પષ્ટ આવિભૂત કરે છે, ભાવનું પ્રત્યક્ષ દર્શન આપે છે, અને

‘હા! કોણ એહવો આંહિં સંશય મુજ ટાળે?’

એમ અસંતોષ બતાવી કાવ્ય સમાપ્ત કરે છે.

પ્રથમ ભાવની અનુકૂલતા અને પછી તેનું દર્શન સ્પષ્ટ રીતે આપવાની આ રીતિ, ‘સરોવરમાં ઊભેલો બગ’, ‘ગર્જના’, ‘મેઘવૃષ્ટિવાળી એક સાંઝ’, ‘કરેણાં’ વગેરે ઘણાં કાવ્યોમાં છે. એ સર્વમાં ભાવદર્શનની એક અનુપમ રીતિ છે. પણ ‘અસ્થિર અને સ્થિર પ્રેમ’, ‘કર્તવ્ય અને વિલાસ’, એવાં થોડાં કાવ્ય બીજી જ વિરલ રીતિમાં છે. આ બે કાવ્યમાં પ્રસંગનું વર્ણન ઇષ્ટ અને અનિષ્ટ બન્ને ભાવની દૃષ્ટિએ કર્યું છે. કયો ઇષ્ટ છે, કયો ફલિત છે તે સ્પષ્ટ જણાવ્યું નથી. માત્ર કવિએ અસંતુષ્ટ થઈ કાવ્ય પૂરું નથી કર્યું એ પ્રતીતિ થાય છે, અને તેથી ઇષ્ટ ભાવ એક છે અને તે કયો એ જાણવાનું વાચકને બની શકે છે. કુસુમમાળાની રીતિઓ ભાવદર્શન અત્યંત ગૂઢ ન રહેવા દેવું એટલા અંશમાં એક રૂપ છે. એ જ કવિનાં ‘ફૂલમણિદાસીનો શાપ’, ‘ફશી પડેલી બાળવિધવા’, ‘અકાલ મરણ’, વગેરે કાવ્યમાં૨ કંઈ જુદી જ ભાવદર્શનની રીતિ માલૂમ પડે છે. સહકારી ભાવનું કંઈક સુગમ્ય દર્શન આપી અનુભાવને વ્યંજિત થવા દેવાનો પ્રયત્ન કર્યા વિના અને સંતોષ કે અસંતોષની વૃત્તિ સૂચિત કર્યા વિના એ કાવ્ય સમાપ્ત કર્યાં છે. સર્વની રીતિ એક જ નથી પણ કંઈ જુદી જુદી છે. એ કવિના ‘ઊંડી રજની’ નામના કાવ્યમાં પ્રસંગનો પ્રવેશ કરાવવાની રીતિ કુસુમમાળાથી કંઈ જુદી જ છે. કુસુમમાળાનાં ઉપર જણાવેલાં તથા ‘મધ્ય રાત્રિયે કોયલ’, ‘એક નદી ઉપર અજુવાળી મધ્યરાત્રિ’, વગેરે કાવ્યોમાં પ્રસંગને-વિભાવને અનુભવ્યા પછી, તે ભાવમય જણાયા પછી, કવિએ તેનું ચિત્ર આપવા માંડ્યું છે એવી રીતિ છે. કોયલને ‘ટહુકો’ કરતી સાંભળી, તેની સાથે પ્રસરી રહેલી શાંતિનું નિરીક્ષણ કરી, હૃદયમાં ચમત્કાર અનુભવી : આ સર્વ એક વાર થઈ ગયા પછી તેનું ભાવોદ્દીપિત ચિત્રથી કવિએ વર્ણન શરૂ કર્યું છે; પ્રસંગ કોયલનો ટહુકો છતાં ‘શાંત રજની’ પછી તેને દાખલ કર્યો છે. બીજામાં પણ, એક વાર જ્યોત્સ્નાનો વિસ્તાર જોઈ, તેમાં જણાતા બનાવોનું દર્શન કરી લઈ, તે સર્વ ભાવમય હશે માટે વર્ણવ્યા છે એવું ભાન થાય એમ વર્ણન શરૂ કર્યું છે. ‘ચંદશું હાસ કરે’, ‘બુરજ ગઢતણા નદીતટ ચોકી કરે’, આવાં ભાવમય ચિત્ર જે વિભાવના પ્રથમ દર્શન પછી ચિત્તક્ષોભથી થયેલાં તે વિભાવનાં પ્રથમ દર્શનમાં આપ્યાં છે. ‘ઊંડી રજની’માં તો ભાવમય કે ભાવહીન જાણ્યા વિના એકદમ પ્રસંગને દાખલ કરી દીધો છે. ઊંડી રજનીને કવિએ પ્રથમ દીઠી તેવી જ વાચક આગળ મૂકી દીધી છે. તેની સહચારી સર્વ બિનાઓને પણ કવિએ તે પોતાના દર્શનમાં આવતી ગઈ તેમ દાખલ કરી છે. ભાવ અનુભવી રહ્યા પછી વર્ણન શરૂ કરવાને બદલે જેમ ઊર્મિ થતી જાય તેમ તે પ્રકટ કરતા જવાની રીતિ આ કાવ્યમાં અનુસરી છે. એક બીજા અદ્‌ભુત કવિ કાન્તના ‘ચક્રવામિથુન’ની રીતિ વળી જુદી જ છે. આ સર્વાનુભવરસિક કવિની રીતિ એવી છે કે પ્રસંગના ક્રમમાં આદિથી અન્ત સુધી એકેએક પ્રસંગને ભાવમય ચીતરવાને બદલે, પ્રથમ સાદો પણ અદ્‌ભુત પ્રસંગ, પછી, પ્રસંગથી સ્વતંત્ર ભાવવ્યંજન, પછી પ્રસંગમૂળ ભાવવ્યંજન, પછી પ્રસંગ, એમ વિવિધ વર્ણનથી કાવ્યનો ઉલ્લાસ ક્રમશઃ કરી અંતે ભાવ થોડો સૂચવી બાકીનો ગૂઢ રાખી, ઇષ્ટ અનિષ્ટ સૂચવ્યા વિના સાદા પ્રસંગથી તે પોતાનું કાવ્ય સમાપ્ત કરે છે. તેની રીતિમાં છેલ્લે સ્પષ્ટ ભાવદર્શન કે તેથી થતો સંતોષ કદી આવતાં નથી. ‘ચક્રવાકમિથુન’માં પ્રથમ સુંદર સૃષ્ટિવર્ણન, પછી તેથી થતા અદ્‌ભુત ધ્વનિ, ચક્રવાકમિથુનના જીવનનો કંઈ સાદો અને કંઈ ભાવમય ઇતિહાસ, પછી તેમની ભાવપરાયણતા, એમ ઉત્તરોત્તર અંશથી કાવ્ય ઉલ્લાસ પામી, ચક્રવામિથુનના ‘આ ઐશ્ચર્ય’ વિશેના કંઈક ભાવ સૂચવી, અંતે અજ્ઞાત ‘ગહનમાં’ ‘અન્યથાભાસ દેખતું’ ‘વેગથી પડતું દંપતી’ ‘અમિત અવકાશ’માં લીન થઈ જાય છે એ વર્ણનથી કાવ્ય સમાપ્ત થાય છે. કવિનો અંત્ય ભાવ અજ્ઞાત જ રહે છે. એ કવિના ‘વસંતવિજય’માં પણ આવી જ રીતિ છે. ઉપરને મળતી રીતે વિભાવને ઉલ્લાસ પમાડી તેને ભાવદર્શન નજીક આણી, અકસ્માત ‘જાણું બધું પણ દિસે સ્થિતિ આ નવીન’ એમ કંઈક અનુભાવ સૂચવી તે સ્પષ્ટ જાણવા જિજ્ઞાસાથી વાચક સોત્કંઠ તત્પર થાય છે તે વખતે કવિ બીજો અદ્‌ભુત પ્રસંગ આણી ‘હજારો વર્ષો એ પણ પછિ હવે તો વહિ ગયાં’ એમ કહી ભાવ જણાવવાનો પ્રયત્ન આદર્યા વિના કાવ્ય એકદમ સમાપ્ત કરે છે. આ પણ એક અદ્‌ભુત રીતિ છે. રા. હરિલાલ હર્ષદરાય, ધ્રુવના ‘રાત્રિયે દૂર સમુદ્રમાંથી દીવાદાંડીનું દર્શન’ નામના સુંદર કાવ્યમાં વળી બીજી જ રીતિ છે. પ્રસ્તુત પ્રસંગ કે તદ્‌નુકૂલ ભાવની અપેક્ષા વિના જાણે જુદા જ ઉદ્દેશથી કાવ્ય શરૂ કરી તે પ્રસંગને ચાલતા ભાવપ્રવાહમાં ભેળી દઈ તે પ્રવાહને પ્રસ્તુત પ્રસંગને બળે અન્ય દિશાએ ધીમે ધીમે દોરી કવિ ફલિત થતા ભાવને સ્વેચ્છાગતિ આપી અદૃશ્ય થઈ જાય છે. એકાએક કાવ્ય સમાપ્ત થયું કે ભાવપ્રવાહ અટકી ગયો એમ કંઈ લાગતું નથી. ઇષ્ટ ભાવનું દર્શન બિલકુલ આપ્યા વિના કવિ વાચકને અદ્‌ભુતતામાં લીન કરી તેને જાતે ભાવદર્શન કરી લેવા ઉત્સાહ આપી ખસી જાય છે. ‘રાત્રી’, ‘શાંતિ’, ‘સિંધુ’, ‘પવનલહરી’ વગેરે મુખ્ય પ્રસંગ નહિ છતાં જાણે તે જ ઉદ્દીપન હોય એમ કાવ્યનો આરંભ થાય છે, એ જ શ્રેણી ચાલુ રહે છે, અકસ્માત વિના ‘દીવાદાંડી’ તે શ્રેણીમાં દાખલ થાય છે. તે શ્રેણીને એ પ્રસ્તુત પ્રસંગ પોતાની ભાવમય સ્થિતિમાં ઉતારે છે અને અંતે ભાવને સ્પષ્ટ કર્યા વિના તે શ્રેણી જાણે કલ્પનામાં લીન થઈ જાય છે, વાચકને ભાવદર્શન માટે કલ્પના માટે ચઢાવી આપી ચાલી જાય છે. એ કવિના ‘બે ભિન્ન રાત્રિયોનું દર્શન’ નામે કાવ્યમાં પણ આને મળતી જ રીતિ છે. આ દિગ્દર્શનથી સહૃદય વાંચનારને જુદી જુદી કવિત્વરીતિઓનાં સ્વરૂપ સમજાશે. એક વિરલ રીતિ વળી એવી છે કે કાવ્યમાં કંઈ રસમયસાર છે એમ બતાવવામાં આવતું જ નથી. ભાવપૃથક્કરણ કરવાનો કંઈ પ્રયત્ન વિચારપૂર્વક થાય છે એમ તો લાગતું જ નથી. માત્ર પ્રસંગ કે વસ્તુસ્થિતિનું દર્શન આપી ભાવને સૂચનાથી જાણી લેવા માટે અસ્પષ્ટ રાખવામાં આવે છે. આ સરલ સુસાધ્ય દેખાતી રીતિને પાલગ્રેવ ‘હોમેરિક મેનર" (હોમરની રીતિ) એવું નામ આપે છે. સ્કોટનાં કાવ્યમાં તે મુખ્યત્વે જોવામાં આવે છે. તે સાધારણ વાંચનારને રસ વિશેના ઉદ્દેશ વિનાની રસહીન લાગે છે, પણ, તે કવિતાના એક વિરલ વિજયનું સ્વરૂપ છે. પાલગ્રેવ વળી કહે છે કે અન્તર્ભાવનું અન્વેષણ કરી હૃદય અને અન્તરાત્માના ગૂઢ ભાવનું દર્શન આપનારી વડર્‌ઝવર્થ અને શેલીની રીતિ કંઈ ઓછી સંપૂર્ણતાપન્ન નથી. આથી જણાશે કે શબ્દરીતિ અને વાક્યરીતિ અતિ ગૌણ છે. ખરેખરી રીતિ તો કવિત્વરીતિ છે. એ રીતિને રસના માત્ર આવિર્ભાવ સાથે સંબંધ નથી. રસની ઉત્પત્તિ, કવિતાના ઉલ્લાસ, ભાવના ઉત્તરોત્તર ઉત્કર્ષ, એ સર્વ સાથે એ રીતિ જન્મથી જોડાયેલી છે. તેથી કવિતાની શક્તિ અને કલા એ બન્ને સાથે તેને સંબંધ છે. જ્યાં ઉત્તમ કાવ્ય ત્યાં એકાદ કવિત્વરીતિ તો હોય જ; શબ્દરીતિ કે વાક્યરીતિ તો હોય કે ન હોય. અધમ કાવ્યમાં તો આ ગૌણ રીતિઓ જ હોવાની. કવિત્વરીતિ ત્યાં ન હોય. કમનસીબે ગુજરાતી ભાષાના ચાલતા સંપ્રદાયમાં ઉત્તમ મનાતી કવિતામાં ગૌણ રીતિઓનું મહત્ત્વ બહુ મનાય છે, અને કવિત્વરીતિની અવગણના થાય છે.

નોંધ

૧ ‘વૃત્તિ’ શબ્દ નાટકમાંની વર્ણરચના સંબંધે વિશેષ વપરાય છે, વાક્યની ખૂબી તેમાં વિશેષ ઉદ્દિષ્ટ હોય છે. કૈશિકી, ભારતી, સાત્વતી અને આરભટી : એવી ચાર વૃત્તિઓ નાટકમાં ગણાય છે.
૨ આ કાવ્યો ‘હૃદયવીણા’ નામે રા. નરસિંહરાવના દ્વિતીય કાવ્યસંગ્રહમાં દાખલ થયેલાં છે.

  1. ‘જ્ઞાનસુધા’ના ૧૮૯૨ના જાન્યુઆરી માસના અંકમાં પ્રસિદ્ધ થયેલો નિબંધ.