zoom in zoom out toggle zoom 

< સરસ્વતીચંદ્ર-સંક્ષિપ્ત લઘુ આવૃત્તિ

સરસ્વતીચંદ્ર-સંક્ષિપ્ત લઘુ આવૃત્તિ/૨૯

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


પ્રકરણ ૨૯ : ચિરંજીવશૃંગ

પ્રાત:કાળમાં જ વિષ્ણુદાસે કેટલાક ઉત્તમ અધિકારીઓની સમક્ષ સરસ્વતીચંદ્રને ગૂંચવતો પ્રશ્ન – ત્યાગ શ્રેષ્ઠ કે ગૃહસ્થપદ શ્રેષ્ઠ? – નું સુંદર નિરાકરણ કર્યું. એના અનુસંધાનમાં, સાધુજનોના સંસારીઓને મળતા, માત્ર પ્રકારભેદે જુદા, વધુ વ્યાપક ને વધુ સૂક્ષ્મ પંચમહાયજ્ઞ – પિતૃયજ્ઞ, મનુષ્યયજ્ઞ, ભૂતયજ્ઞ, દેવયજ્ઞ ને બ્રહ્મયજ્ઞ[1] – ની ભાવના ને રહસ્ય સમજાવ્યાં. એમના ઉપદેશનો મુખ્ય મુદ્દો એ હતો કે સાધુજન હોય, ત્યાગી હોય, તોપણ તેને શિરે પંચમહાયજ્ઞના ધર્મ છે – માત્ર તેણે નિષ્કામ થવું ઘટે. એટલે સુધી કે મનુષ્યયજ્ઞના કોઈ મહાન સમારંભને માટે આવશ્યક હોય તો સાધુજન સંસારીઓમાં સંસારીવત એટલો કાળ આચરણ કરે ને કન્થાદિની ઉપેક્ષા કરે, તો તે પણ ધર્મ છે.

સરસ્વતીચંદ્રને આ ઉપદેશમાં ને સમગ્ર દૃશ્યમાં ભવ્યતા લાગી. એક પાસ પ્રચંડ અને પુષ્ટ જ્ઞાનીઓ, સામી હારમાં ભગવાં વસ્ત્રવાળી સ્ત્રીઓ અને તેને અગ્રભાગે કુમુદસહિત ચંદ્રાવલી, અને એ બે હારોની મધ્યમાં, ઊંચે, જર્જરિત, હાડકાંનાં પંજર જેવા પણ તેજસ્વી વિષ્ણુદાસ – વચ્ચે હિમાલય અને ત્યાંથી નીકળતી ગંગાયમુનાનાં પ્રવાહ જેવો આ સમાગમ સરસ્વતીચંદ્રને લાગ્યો. પણ એ પ્રવાહો પાસે કવચિત્ ગુપ્ત સરસ્વતી ગંગા જેવી કુમુદસુંદરી ભણી એની આંખ ત્વરાથી જતી ને તેવી જ ત્વરાથી પાછી ફરતી.

વિષ્ણુદાસ બાવાએ વિહારમઠના અધિષ્ઠાતા જ્ઞાનભારતી, વિહારપુરી વગેરે સામંડળની સાથે નક્કી કર્યું કે આજ રાતથી નવીનચંદ્રજીને ચિરંજીવશૃંગમાં વાસ આપવો. ચંદ્રાવલીની સૂચના મુજબ નવીનચંદ્ર મધુરીને મળે અને એમનાં બંનેનાં હૃદયની ગ્રંથિઓ ભેદાઈ જાય ને એ બંને પૂર્ણ શમતા અને પ્રસન્નતા પામે તે માટે આ સ્થાન બધી રીતે અનુકૂળ હતું. વળી વિષ્ણુદાસ તો જ્યોતિષશાસ્ત્રને આધારે પણ માનતા ને કહેતા કે નવીનચંદ્રને કોઈ મહાન ત્યાગનો અને યદુશૃંગને તેનાથી મહાન લાભનો યોગ છે. પોતાની પાછળ આ મઠના મહંતપદે તેમણે નવીનચંદ્રનો યોગ કરવાનું નક્કી કર્યું હતું. તે પૂર્વે સર્વ વાસનાઓના મોક્ષ અર્થે ચિરંજીવશૃંગ સૌથી વધુ પ્રેરક, પ્રસન્નતાજનક ને પવિત્ર હતું.

ચિરંજીવશૃંગ સુંદરગિરિનાં સર્વ શૃંગોમાં ઊંચામાં ઊંચું હતું અને યદુશૃંગની પાછળ આવેલું હતું. એ શૃંગના શિખર ઉપર એક મહાન ગોળ કિલ્લા જેવી ખડકોની ભીંત હતી અને બે ગોળ ભીંતની વચ્ચે પહાડના પથરાઓમાં મોટી મોટી ગુફાઓ હતી. આવી આશરે પચાસ પોણોસો ગુફાઓ હશે. તેની વચ્ચે એક નિર્મળ અને મીઠા પાણીનો સાંકડો ઝરો બારેમાસ રહેતો. તેની આસપાસ ઊંચા પથરા આવેલા હોવાથી તેમાં સૂર્યનો પ્રકાશ જતો, પણ તડકો તો ખરા મધ્યાહ્ને પણ જઈ શકતો ન હતો. એ ઝરો દસપંદર ગુફાઓ વચ્ચે થઈને વહેતો, એક બે ગુફાઓની તો પ્રદક્ષિણા જ કરતો. સર્વ ગુફાઓમાં મોટી ગુફાની ઉપર તો બે માળ હતા અને તેના ઉપર અગાશી હતી. છેક ઉપલે માળે જોડેની ગુફામાં જવા આવવાનો પથ્થરનો પુલ હતો અને એ પુલની તળે ઝરો અને બે પાસ આ બે ગુફાઓની પછીતોને બારીઓ પુલથી સંધાતી હતી. આ ગુફાનું નામ સૌમાનસ્ય ગુફા હતું.

વિષ્ણુદાસની આજ્ઞા પ્રમાણે સરસ્વતીચંદ્રને આ ગુફામાં આણવામાં આવ્યો. તે વેળા સાયંકાળ થવા આવ્યો હતો, પણ દિવસ દેખાતો હતો. ઝરાની પાસે થઈને સરસ્વતીચંદ્ર, રાધેદાસ, જ્ઞાનભારતી વગેરે આ ગુફામાં આવ્યા. જ્ઞાનભારતીએ વાત કાઢી :

‘નવીનચંદ્રજી મહારાજ, આ ગુફાનું નામ સૌમનસ્ય ગુફા છે. યોગીજનો અને તપસ્વીઓને માટે આ સ્થાન ઉત્તમ છે અને અનેક અપાર્થિવ[2] સંસ્કારોનું પ્રદીપક[3] થાય છે. આપને અહીં ઉપલા માળ ઉપર શુભ વિચારમાં પંચરાત્રિ ગાળવાની છે. આપની સેવા માટે અમે સાધુજનો રાત્રિદિવસ આ છેક નીચલે સ્થાને જ નિવાસ કરીશું.’ એટલામાં ઝરામાંનું પાણી એક સ્વચ્છ પાત્રમાં એક જણે આપ્યું ને સર્વેને પાયું. થોડી વાર બેસી સર્વ ઉપર ચઢ્યા. ઉપર જવાની એક સીડી હતી તે ઉપરથી ઉપલે પ્રથમ માળે અને ત્યાંથી તેથી ઉપલે માળે ચઢ્યા અને ચંદ્રોદય થતા પહેલાં આજ્ઞા માગી નીચે ગયા.

સૌ ગયા. સરસ્વતીચંદ્ર એકલો પડ્યો. અગાશી વચ્ચોવચ એક લાંબી શિલા લીલા ઘાસવાળી હતી તે ઉપર બેઠો.

‘કેવું ભવ્ય એકાન્તસ્થાન!... શા વિચાર કરું? ચંદ્રકાંતના? ઘરના? પિતાના? ધૂર્તલાલના? ગુમાનબાના? અથવા સર્વ વિચારને ડુબાડનાર કુમુદના?'

કુમુદસુંદરી ડૂબી ગયા. તે અહીં ક્યાંથી હોય? મધુરીમૈયાનો સ્વર કુમુદસુંદરીના જેવો જ છે પણ ચંદ્રાવલીમૈયાએ દર્શાવેલ માર્ગ કુમુદસુંદરીનાથી ઊલટા છે – તે તે માર્ગ સ્વીકારે એ અશક્ય છે.

પિતા મારે માટે વર્તમાનપત્રોમાં ખબર આપે છે! પ્રમાદધન અને સૌભાગ્યદેવી ગયાં! સુરગ્રામના મહેતાજીએ વર્તમાનપત્રો વંચાવ્યાં. મારા દેશની રાજકીય વિપત્તિઓ તેણે મારી પાસે ખડી કરી. મુંબઈ! તારા યજ્ઞનો હું ઋણી છું.

‘જાવું છે જી જાવું છે! જાવું છે જરૂર!'
એક દિન પંખીસે ઊડ જાવું!

પંખી ઝાડની એક ડાળીથી બીજીએ ને બીજીથી ત્રીજીએ ઊડીને બેસે તેમ જ મેં કર્યું છે – પરમાત્મા! મારે અહીંથી કયાં ઊડવાનું છે! કુમુદ! રાણાએ મીરાંને માટે વિષ મોકલ્યું હતું. તેમ મેં તારો ત્યાગ કરી પ્રમાદને સોંપી – ઉદાર કુમુદસુંદરી! મેં ઝેર મોકલ્યું, પણ તમે શું કર્યું?

‘હરિચરણામૃત કરી પી ગઈ મીરા
જેસી જાનત અમૃત ઘટકી!'

ચંદ્રોદય થયો. ચૈત્ર સુદ એકાદશીની આ રાત્રિ હતી; પોણું ભરેલું ચંદ્રબિંબ પૂર્વ દિશાની ક્ષિતિજરેખાથી કેટલેક ઊંચે ઊગ્યું અને સૌમનસ્ય ગુફાની અગાશીમાં તેનાં કિરણ વાંકાં ઊંચાં થઈ આવવા લાગ્યાં. ઝીણી મલમલની મોટી ચાદર પેઠે સૃષ્ટિ ઉપર ચંદ્રિકા ઢંકાતી હતી. સરસ્વતીચંદ્ર અગાશીમાંથી નીચે ઊતર્યો અને પોતાના ભણીની પુલની પાસની બારીમાં દૃષ્ટિ કરે છે તો તેમાં સ્ત્રીનો આકાર દેખાયો; દેખાતાં એ પળ વાર ઊભો રહ્યો અને તરત જ દૂર ખસી ગયો. પુલ ભણીથી આંખને પાછી ખેંચી લીધી. પણ કાન તો એણી પાસ જ રહ્યાં. ચંદ્ર ઊંચો ચઢ્યો. પર્વતના શિખર ઉપરનો પવન સમુદ્રનાં ઊછળતાં મોજાં પેઠે ગાજવા લાગ્યો. તાડોનાં ને ઝાડોનાં પાંદડાંના ખડખડાટ કાનમાં વીંઝાવા લાગ્યા. સરસ્વતીચંદ્ર એકલા ચંદ્રને જ જોઈ રહ્યો અને સ્વર માત્રને સાંભળવા લાગ્યો. સર્વ સ્વરોને ભુલાવી પુલભણીથી આવતા સ્વરે તેને પ્રેર્યો. અન્ય વિચારોનો ત્યાગ કરી, આતુરતાની મૂર્તિ જેવો સરસ્વતીચંદ્ર પથરાઓમાં પથરા પેઠે જડ જેવો સ્તબ્ધ થઈ ઊભો રહ્યો.

સૌમનસ્ય ગુફાની પાછળની ગુફામાં સાધ્વીજનોએ કુમુદસુંદરીને ગુફાદર્શનને નિમિત્તે આણી હતી. ભક્તિમૈયા, વામની આદિ સાધ્વીઓએ અંતે પુલની પાછળની ગુફામાં એને આણી. ચૈત્ર સુદમાં આ ગુફાની પાછળના એક વૃક્ષમાં અનેક પક્ષીઓ ભરાતાં અને તેમાં કોયલો પણ ઘણી આવતી. હજી વસંતઋતુ ગણાતી હતી. આ ગુફાનું નામ વસંતગુફા હતું. તે સૌમનસ્ય ગુફા જેવી જ હતી, માત્ર જરી નીચાણમાં હતી. અંતે સાયંકાળ થતાં કોડિયામાં વાટ મૂકી સળગાવતી સળગાવતી એક જણ બોલી :

‘મધુરીમૈયા! ગુરુજીએ નવીનચંદ્રજીને જે શૃંગ ઉપર પાંચ રાત્રિનો વાસ આપવો કલ્પેલો છે તે આ જ! આની જોડેની જ ગુફામાં તે હશે અને નહીં હોય તો આવશે. અમે આખી રાત્રિ નીચલે માળે ગાળીશું.'

કુમુદ આ સાંભળીને ભડકી. પણ ચંદ્રાવલીમૈયાએ જાણીને જ હેતુપૂર્વક મધુરી અને નવીનચંદ્રજીનો એકાંત મેળાપ યોજ્યો છે, ને તેમાં ગુરુજીની પણ સંમતિ મેળવી છે, એ સઘળું ભક્તિમૈયાએ જણાવ્યું, એટલે કુમુદ શાંત થઈ, વિચારમાં પડી, બોલ્યા વિના નીચું જોઈ રહી.

સર્વ ઊઠ્યાં અને કુમુદને એકલી મૂકી નીચે ગયાં. કુમુદે તેમની પાછળ ઊઠવા પ્રયત્ન કર્યો પણ તે ઊઠી જ ન શકી. ચારે પાસ રાત્રિ અને ચન્દ્રિકા એકઠાં નીતરતાં હતાં અને ઊઠવા ઈચ્છનારીને પૃથ્વી સાથે દાબી દેતાં હતાં. એના હૃદયમાં શું હતું તે એ પોતે જ સમજતી ન હતી. રત્નનગરીમાં સરસ્વતીચંદ્રે કુમુદને કવિતા આપી હતી તેમાં કુમુદે અરધોઅરધ ફેરફાર કર્યો હતો. આ કવિતા સરસ્વતીચંદ્ર સાંભળે તેમ ગાવા તેણે વિચાર્યું. હવે એ કાંઈ મુંબઈ જાય એમ નથી. આવા વિરકત પદનો સ્વીકાર કરી ‘હવે કંઈ એ તેનો ત્યાગ કરવાના હતા? મારા વિના તે સુખી છે અને એમના વિના હું – સુખી તો નથી – પણ સંતુષ્ટ રહીશ અને માજીનાં ચરણમાં હૃદયનો યોગ કરીશ.’ થોડી વાર તે બેઠી, વળી ઊઠી, ચંદ્ર દીઠો ને ચમકી; પુલની પેલી પાસની છાયા દીઠી, વળી ચમકી, વળી પાછી વળી અને વચ્ચોવચ એક પથ્થર ઉપર બેઠી.

ઓઠે આંગળી મૂકી. ‘પ્રસંગ ગયો મળવાનો નથી. ઈશ્વરે જ જ્યારે ધક્કેલી અહીં સુધી મોકલી છે ત્યારે હું તેની ઇચ્છાને વશ થઈ પ્રસંગનો લાભ લઈશ. જો મારું જ મન પવિત્ર છે તો સરસ્વતીચંદ્રને તેનાથી શો ભય હોય? અને મને પણ શો ભય હોય? મારા મનના ગૂંચવાડાની ગાંઠો તેમનાથી જ ઊકલશે; અને – સુખ તો આ અવતારમાં નથી પણ – ધર્મ અને શાંતિનો માર્ગ તેઓ મને બતાવી શકશે.'

થોડી વાર તે બેસી રહી – અંતે હિંમત આણી – મુખ ઊઘડ્યું, ગીત નીકળ્યું.

વસંત ગુફામાંથી નીકળતો કુમુદનો સ્વર પુલની વચ્ચે થઈ સૌમનસ્ય ગુફામાં જવા લાગ્યો. કુમુદનો સ્વર સરસ્વતીચંદ્ર ન ઓળખે એવું હોય નહીં. એ હૃદયનું હૃદય, એ હૃદય ધરનારીનો કોમળ કંઠ, અને ચંદ્રોદયની વેળાએ આ એકાન્ત! સરસ્વતીચંદ્ર સ્વસ્થ પણ આતુર થઈ સાંભળવા ઊભો.

‘જોગી’રાજ! ઊભા રહો જરી,
મને વાટ બતાવોની ખરી.’

‘કુમુદ! તારા હૃદયની વાત તે હવે ગાવા માંડી અને પવનના ઝપાટા આગળ દીવો કંપે તેમ મારું હૃદય કંપવા લાગે છે. કંપાવ, કુમુદ! એને કંપાવ!'

‘મને એવો મળ્યો એક જોગી,
પ્રીતિ ખોટી જાણી ખરી બોધી.
ખરી પ્રીતિ ઘરી, ખોટી દીઠી,
નરે ગેરુ ધયોં ને કરી પીઠી!'

આત્મદોષનું ભાન પામનારે નિઃશ્વાસ મૂક્યો.

‘પ્રીતિ પુરુષમાં હો કે નહીં હો,
સ્ત્રીને કોમળ હૈયે ખરી હો!

*

‘પ્રેમી અબળાને પ્રેમે ભુલાવી,
ધીકધીકતા અગ્નિમાં ચલાવી.’

સરસ્વતીચંદ્રનું હૈયું હાથ ન રહ્યું. ‘શું તારી આ દશા?'

‘આશા છે નહીં તોયે ધરું છું,
જીવ છે નહીં તોયે જીવું છું!

કુમુદે પાછળથી ભીંતમાં માથું કૂટ્યું – સરસ્વતીચંદ્રે એ જોયું – એનું હૃદય ચિરાયું – અંદર જવા તત્પર થયો. ‘કુમુદ દૂરથી જ ચંદ્રને ન્યાળે છે ને દૂરથી જ અલ્લ બને છે.' એ ભાવની પંક્તિઓ ગવાતાં સરસ્વતીચંદ્રને ખાતરી થઈ કે મધુરી તે કુમુદ જ! હવે એને વીલી ને તરફડતી જોવી – પ્રમાદધનના ઘરમાં જે ધર્મ હતો – તે જ અહીં અધર્મ દીસ્યો. છેક વસંત ગુફાની બારી સુધી પગલું ભર્યું, પણ બેભાન કુમુદ ચંદ્રને જ નિહાળતી, નમસ્કાર કરતી, ગાતી હતી. ભાનમાં હોય તો સરસ્વતીચંદ્રને દેખ્યા વિના રહે? કુમુદની આંખોમાં દીનતા અને આર્જવ હતાં; સરસ્વતીચંદ્રની આંખો સામી તે વળી હતી, પણ પથ્થરની મૂર્તિ જેવી જ.

‘કુમુદસુંદરી!'

ઉત્તરમાં ગાન જ ચાલ્યું.

‘વિધાતાએ તો લેખ લખ્યા છે;
પ્રાણનાથ – શું પ્રાણ જડ્યા છે!'

‘અરેરે! હજી એ બેભાન છે ને બેભાન સ્થિતિમાં જ ઊભી છે, બોલે છે ને ગાય છે!' સરસ્વતીચંદ્ર કંઈક ઝીણેથી બોલ્યો.

કુમુદ લવતી લવતી આકાશના તારા ભણી જોતી જોતી કહેવા લાગી : ‘ભગવાં વસ્ત્ર ધર્યા ભગવું, તોપણ હવે નહીં જવા દઉં! જોગીરાજ!' સરસ્વતીચંદ્રનો અંચળો ખેંચવા લાગી. ગાન એમનું એમ લંબાતું ચાલ્યું. અંતે કોમળ દેહલતા વળી જઈ પડી. નીચે કઠણ અને ખરબચડા પથરાઓનું તળ હતું ને જરીક પાછળ દાદર હતો; તે ઉપર પડી જ હત, એટલામાં સરસ્વતીચંદ્ર ફલંગભરી દોડી આવ્યો ને ઝીલી લીધી. મૂર્છાવશ મુખ સામું જોઈ દીન મુખે કહેવા લાગ્યો :

‘કુમુદસુંદરી! જાગ્રત થાઓ! હું સરસ્વતીચંદ્ર છું.'

અટવાતો, વિચારતો, વ્યથિત થતો, સરસ્વતીચંદ્ર બેઠો.

‘કુમુદસુંદરી! તમારા પવિત્ર હૃદયનું પવિત્ર ગાન સાંભળ્યું. પણ સ્ત્રીના હૃદયમર્મ આટલા ગાનથી કદી સમજાય એમ છે?... જે હો તે હો – આ હો કે એ હો – પણ આ કુસુમસુકુમાર હૃદયનું દુ:ખ અતિ સૂક્ષ્મ દશાને પામ્યું છે. દુષ્ટ સરસ્વતીચંદ્ર! તે સર્વનું કારણ તું જ છે, તું એકલો છે! નથી પ્રમાદ ને નથી બીજું કોઈ!

હરિ હરિ! આ દશામાં શું કરું? ... કુમુદ! તેં તારું ગાન કર્યું. તે જ રીતે હું મારું ગાન કરીશ. તું તે ન સાંભળે તે જ ઉત્તમ છે. પ્રકાશ અને પવનની લહેરો પેઠે મારું ગાન એની મૂર્છાને વાળે તો એ જ પરમ લાભ!'

સરસ્વતીચંદ્ર કંઈક ઊંચે-નીચે સ્વરે ગાવા લાગ્યો, વચમાં બોલવા લાગ્યો. ‘પ્રિય કુમુદ! સતીપણું તેં મહાતપથી અતિ ઉગ્ર આંતરાગ્નિ[4]ના જ્વાળાઓની વચ્ચે બેસીને જાળવ્યું છે. જો તું સતી નહીં અને પતિવ્રતા નહીં, તો સંસારમાં કયા સત્ત્વનો અંતરાત્મા તારા જેવી શક્તિ ધરાવે છે?'

‘હૃદય જ્યાં જોડ્યું ત્યાં જોડ્યું!
શરીર જ્યાં હોમ્યું ત્યાં હોમ્યું!'

મૂર્છામાં પડી પડી કુમુદ! – આ સાંભળજે. તારા હૃદયે જે માર્ગે તને લીધી છે તે જ સાધુજનોનો મુદિત માર્ગ છે. તું અધર્મને પગથિયે ચઢી જ નથી. મેં તારા શરીરનો ત્યાગ કર્યો હતો – હૃદયનો ત્યાગ પણ થશે જાણ્યું, તે – ખોટું પડ્યું – અને – ખોટું થયું! હવે એ સર્વ ત્યાગને માટે આપણું પુરાણ અદ્વૈત નવો અવતાર ધરે છે! કુમુદસુંદરી! મૂર્છામાંથી જાગીને જુઓ!

પ્રમાદના મંદિરમાં આંસુ લોહવાને અધિકાર ન હતો તે આજે પ્રાપ્ત થયો. પણ જે મુખ જોવા, જે મુખ ઉપર મોહ પામવા; ત્યાં અધિકાર ન હતો તે તો આજ પણ નથી જ.

હરિ! હરિ! હરિ! હરિ! કુમુદસુંદરી! હવે તો જાગો! તમારી મૂર્છાથી તમે સુખમાં છો. મારા ભાગ્યને માટે તો તમારા જેવી મૂર્છા થાઓ કે ગમે તો તમે જાગીને દૂર બેસો. અદૃશ્ય સીતાએ મૂર્છિત રામચંદ્રનો જે અધિકારથી સ્પર્શ કર્યો તે જ અધિકારથી તમને જાગ્રત કરવા તેવો જ પ્રયત્ન કરું છું, તે ક્ષમા કરજો. તમારી કે મારી આ અવસ્થા હવે જોવાતી નથી, વેઠતી નથી!'

સરસ્વતીચંદ્ર ગાવા લાગ્યો; ગાતો ગાતો કુમુદને કહેવા લાગ્યો. ગાન બંધ રહ્યું. પણ કુમુદસુંદરી અચેતન રહી. ફેર માત્ર એટલો પડ્યો કે સરસ્વતીચંદ્રનો જીવ કંઈક ઊંડો ઊતરી પડ્યો હોય એમ એનું ચેતન અંતરાત્મામાં લીન થતું અને સ્વતંત્ર થયેલા પવનની નિરંકુશ લહેરીઓથી કુમુદનું વસ્ત્ર ફરકવા લાગ્યું. બેચાર પળ – બીજી બેચાર પળ – વીતી. અંતે કુમુદ ઊઠી. ‘નક્કી સરસ્વતીચંદ્રને તાવ આવ્યો છે; એમને કેવો રોમાંચ થતો હતો? પેલી મર્મદારક ભસ્મવાળી રાત્રિએ મને આવો જ જવર હતો, ત્યારે શું સરસ્વતીચંદ્રની આ સમાધિને આ દશાનું કારણ હું પોતે તો નથી?' એમ વિચારતી વિચારતી ઊંડા સ્નેહ અને ઉચ્ચ અભિલાષની મૂર્તિ જેવી, તપસ્વિની બાલા પળેપળને યુગ જેવી ગણતી બેસી રહી.

‘સરસ્વતીચંદ્ર! સરસ્વતીચંદ્ર! હું કુમુદ તમને બોલાવું છું.’ સામી બેઠી બેઠી કુમુદ કેટલીક વારે બોલી.

સરસ્વતીચંદ્ર છેવટે જાગ્યો ને બોલ્યો : ‘કુમુદસુંદરી! મેં તમને બહુ દુ:ખી કર્યા!'

કુમુદસુંદરી : ‘બનવાની બની ગઈ. આપે મારા ભાગ્યને આપની જોડે ઉરાડવા પ્રયત્ન કર્યો, પણ એ ભાગ્યમાં એવી શક્તિ ન હતી. તેથી પડવાનું જ હતું તે પડ્યું. આપનો એમાં હું દોષ કાઢતી નથી.'

સરસ્વતીચંદ્ર : ‘થયેલી મૂર્ખતા અને દુષ્ટતા ચિત્તમાંથી ખસતી નથી.’

કુમુદસુંદરી : ‘એમ શું બોલો છો? આપની ભૂલ થઈ હશે પણ દુષ્ટ તો આપ નથી જ. જો એમ હતી તો આ શરીર પાછળ આ૫ એમ ભટકત નહીં.’

સરસ્વતીચંદ્ર : ‘મને ‘આપ’ ન કહેતાં આપણા ભૂતકાળને સ્મરીને ‘તમે' કહીને બોલાવો. તમારું દુ:ખ તે જ મારું દુ:ખ છે. તમને સુખી જોઈશ ત્યારે જ હું સુખી થઈશ.’

કુમુદસુંદરી : ‘તો હું તમને ‘ચંદ્ર’ કહી સંબોધીશ. પણ તમને ‘નવીન' કહેતાં કંઈ કંઈ અચકાઉં છું... થોડાક પ્રશ્ન પૂછું તો ક્ષમા કરશો. આપે પિતાનો ત્યાગ કર્યો તે ક્રોધથી કે ઓછું આવ્યાથી? મારો ત્યાગ કેવી બુદ્ધિથી કર્યો? સુવર્ણપુર શા હેતુથી આવ્યા? હવે અહીંથી ક્યાં જવું ધારો છો? મારા ચંદ્ર! તમારા વિના હવે મારે કોઈ નથી. તમારી મધુરીને તમારી કલંક જેવી ગણો કે તમારી કલાઓમાંની એક ગણો; પણ મારાથી તમારાં દુઃખ અને તમારા મર્મ ગુપ્ત ન રાખશો!’

સરસ્વતીચંદ્ર : ‘જો એમ જ છે તો કુમુદસુંદરી – મધુરી! સાંભળી લ્યો. પિતાનો અને લક્ષ્મીનો ત્યાગ મેં પિતામાતાને દુ:ખમાંથી મુકત કરવાને માટે કર્યો. હું કહું છું તે માનવું હોય તો માનજો કે પિતાની તૃપ્તિ વગર આપણા વિવાહનું બીજું કોઈ પ્રયોજન મારે ન હતું. જે કારણથી તમારો વિવાહ સ્વીકાર્યો, ગૃહ અને લક્ષ્મીનો સ્વીકાર કર્યો, તે ખોટું પડ્યું. મારા સુખ કરતાં મારો ત્યાગ મારાં માતાપિતાને વધારે અનુકૂળ થશે એવું સિદ્ધ થયું. મારો પ્રિય ત્યાગ જ મને શોધતો આવ્યો ને હું તેને ભેટી પડ્યો.’

કુમુદ : ‘જે પ્રીતિમાત્રને મિથ્યા ને શુષ્ક ગણી પિતાનો ને મારો ત્યાગ કર્યો, તો મારે માટે આટલા તપો છો કેમ? મુંબઈ જવાનું કેમ ધારતા નથી? શું પિતાના કરતાં મને વિશેષ ગણો છો?'

સરસ્વતીચંદ્ર : ‘તમારી કે કોઈની પ્રીતિને મેં શુષ્ક તો નથી જ ગણી. તમારા ઉપરની પ્રીતિને લીધે હું અત્યારે તપું છું તો પિતા ઉપરની પ્રીતિથી નથી તપતો એમ નથી. પણ પિતાની તૃપ્તિ માટે કરેલા ત્યાગનો ત્યાગ કરવો એ હવે અધર્મ છે. એ ત્યાગ તો થયો તે થયો. હાથીના દાંત બહાર નીકળ્યા તે નીકળ્યા.’

કુમુદ : ‘સર્વની પ્રીતિની એવી ગણના કરી તો મારી પ્રીતિની જુદી ગણના કેમ કરી?'

સરસ્વતીચંદ્ર : ‘બરોબર. તમારી પ્રીતિ તરછોડી ત્યારે મેં તમને સામાન્ય મનુષ્યમાં જ ગણેલાં. પછીથી થયું કે તમને મારા પ્રતિ નિષ્કામ પ્રીતિ હોય તો? એ વિચારને બળે, શંકાને બળે, મારું હૃદય વલોવવા લાગ્યું, અને હું તેનો કાંઈ ઉપાય શોધું, તે પહેલાં તો તમારા પ્રારબ્ધે મારા વલોણાને નકામું કરી દીધું!'

કુમુદ : ‘સર્વ પ્રશ્નો પૂછ્યા પણ આ બે પ્રશ્નો પૂછતાં મારું હૃદય કંપે છે! તમે કહો છો તેમ તમે ત્યાગ કર્યો તે વેળા હું તમારી પાછળ આવી હત તો તમે શું કરત? ગૃહત્યાગ પડતો મૂકત? સરસ્વતીચંદ્ર! તમે મારામાં એવો શો દોષ દીઠો કે મારી પરીક્ષા કરવા ગયા? હું તો મુગ્ધ હતી, તમારાથી કાચે તાંતણે બંધાઈ હતી. મારું હૃદય તમારામાં પરોવાયું હતું, વણાઈ ગયું હતું! મારી ચિંતા તમારે જાતે કરવાની ન હતી? આવો ક્રૂર પ્રયોગ આમ મારા ઉપર જ કર્યો?' કુમુદની આંખો આંસુથી છલકાતી હતી.

સરસ્વતીચંદ્રે નિઃશ્વાસ મૂકી વાત ચલાવી :

‘મુંબઈમાં તો આટલો જ વિચાર હતો કે રત્નનગરી જવું ને અજ્ઞાતરૂપે તમારા મનની ઇચ્છા જાણી લેવી.’

કુમુદસુંદરી : ‘જાણીને શું કરવું હતું?'

સરસ્વતીચંદ્ર : ‘તમારી પ્રીતિ પ્રજ્વલિત હોત તો તમારી પાસે છતા થઈ તમારા પિતાને મળવું ધાર્યું. એ તમારા વિવાહને અનુકુળ થાત તો હું તમને સાથે લઈ જાત. તમારા પિતા તમને અનુકૂળ ન થયા હત તો હું મારી યાત્રા ચાલુ રાખત ને યોગ્ય કાળે તમને મારી સાથે લેતા આવત. તેમ ન થયું. સમુદ્રમાર્ગે રત્નનગરી આવતાં પ્રતિકૂળ પવનને લીધે દિવસ વીતી ગયા. ત્યાં આવ્યો ત્યારે તો તમે સુવર્ણપુર ગયાં હતાં. પછીનો ઇતિહાસ તમે જાણો છો.'

કુમુદ : ‘હા... શ! આજ મારા હૃદયનું મહાશલ્ય દૂર થયું. મને હાનિ કરનાર તમે ન નીવડ્યા, વિધાતા નીવડ્યો! મારું હૃદય આજ અપૂર્વ શાંતિ અનુભવે છે. હવે માત્ર મારો ધર્મ શો તે વિચારવાનું આપે મારે શિરે બાકી મૂક્યું.'

સરસ્વતીચંદ્ર : ‘તમારા સુંદર હૃદયમાં જે બુદ્ધિ અને અભિલાષ થશે તે સુંદર જ થશે.’




  1. માતાપિતા, માનવજાત, પશુ-પ્રાણી, દેવો ને પરમેશ્વર પ્રતિ કર્તવ્યની – ત્યાગની ભાવના. (સં.)
  2. દિવ્ય. (સં.)
  3. પ્રગટાવનાર. (સં.)
  4. અંદરનો – અંતરનો અગ્નિ. (સં.)