સાહિત્યચર્યા/પ્રશ્નોત્તરી-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


પ્રશ્નોત્તરી-૧

પ્રશ્ન : તમે સાહિત્યની સંસ્થાઓ અને સંગઠનોથી અળગા રહ્યા છો એવી વ્યાપક છાપ છે. પરિષદ પ્રમુખપદે વરાયા એનો સહુને આનંદ છે પણ આ પદ સ્વીકારવા પાછળની તમારી ભૂમિકા શી છે? પરિષદનો વિકાસ તમારા કાર્યકાળ દરમિયાન કેવો ઇચ્છો છો? ઉત્તર : ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાતી સાહિત્યની સર્વશ્રેષ્ઠ સંસ્થા છે અને માતૃસંસ્થા છે. ૧૯૫૬થી પરિષદ સાથે મારો સંબંધ છે. ૧૯૫૬માં નડિયાદ અધિવેશન સમયે મંડપના પ્રવેશદ્વાર પર ઉમાશંકરની બાજુમાં ઊભા રહીને પરિષદ મુક્તિ અંગેનું નિવેદન સભ્યોને વહેંચ્યું હતું પછીનાં તરતનાં વર્ષોમાં મધ્યસ્થ સમિતિનો એક વાર સભ્ય (નિર્વાચિત) રહ્યો હતો. ૧૯૭૯માં પોરબંદરમાં સાહિત્યવિભાગના પ્રમુખપદેથી વ્યાખ્યાન આપ્યું હતું. પરિષદનું ભવન બંધાયું ત્યારે ચીમનલાલ મંગળદાસ ગ્રંથાલયનું દાન પ્રાપ્ત કરાવવામાં નિમિત્તરૂપ રહ્યો હતો. એકાદ દાયકાથી અવારનવાર પરિષદના કાર્યક્રમોમાં ભાગ લઉં છું અને નિયમિત પ્રતિમાસ ચારથી છ વાર કવિતાનું પઠન અને એ અંગે વ્યાખ્યાન કરું છું. હવે મને લાગે છે કે પરિષદ અંગે એથીયે વિશેષ કંઈક કરી શકીશ એથી પ્રમુખની જવાબદારી સ્વીકારી છે. નીવડે વખાણ! પ્રશ્ન : ‘છંદોલય’ પછી આપની પાસેથી ખાસ કોઈ કાવ્યો મળ્યાં નથી. તમે કવિતા લખવાનું બંધ કરેલું? ઉત્તર : ‘છંદોલય’ પછી – બલકે ૧૯૫૮માં ‘૩૩ કાવ્યો’ પછી લખવાનું બંધ કર્યું નથી, બંધ થયું છે. પ્રશ્ન : ઘણાં તમને ગુજરાતીમાં આધુનિક કવિતા સર્જનાર પ્રથમ કવિ લેખે છે. તમે એ વાતમાં સંમત છો? જો અસંમત હો તો એ ગૌરવ કોને આપી શકાય? ઉત્તર : આ પ્રશ્નમાં મને રસ નથી. વિવેચકો અથવા સાહિત્યના ઇતિહાસકારોને આ પ્રશ્ન પૂછવો જોઈએ. પ્રશ્ન : તમારી વક્તવ્ય પરંપરાનો લાભ અમદાવાદના ગણ્યાંગાંઠ્યાં લોકોને જ મળે છે. એ કરતાં એ બધું ગ્રંથસ્થ થાય તો બધાંને હંમેશાં એ લાભ ન મળે? આવી વક્તવ્ય પરંપરા વિદેશોમાં છે? ભારતમાં અન્ય જગ્યાએ આવી પરંપરા હોવાનું આપની જાણમાં છે? ઉત્તર : જે કંઈ બોલીએ તે બધું ગ્રંથસ્થ કરવા જેવું ન પણ હોય. તો પછી લાભનો પ્રશ્ન રહેતો નથી. અન્યત્ર આવું કંઈક બોલેલું ગ્રંથસ્થ થાય છે કે નહિ એની જાણ નથી. પ્રશ્ન : ‘યંત્ર વિજ્ઞાન અને મંત્રકવિતા’નો ઉત્તરાર્ધ ક્યારે? બૉદલેરની કવિતા વિશે તમે અવારનવાર વક્તવ્યો આપ્યાં છે. પરંતુ એનાં કાવ્યોના અનુવાદ તમારે હાથે ક્યારે? ઉત્તર : વહેલામાં વહેલી તકે. ૧૯૯૯