સાહિત્ય પલ્લવ – ભાગ ૨/ભક્તનું વર્ણન

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧. ભક્તનું વર્ણન

અખો

ઉવેખ ન કરે કોઈનો આતમા વિલસી રહ્યો;
જેહને શ્રી ભાગવત ગાયે, ગીતા ઉપનિષદે જે કહ્યો.
ભાઈ, ભક્ત તે જે એમ જાણે, જાણીને હૃદયે ધરે :
સ્વામી મારો રહ્યો સઘળે, અહર્નિશ ચિંતન એમ કરે.
ભુવન ત્રણમાં રહ્યો પૂરી, પૂરણ સ્વે પરમાતમા;
પોતે તો પિયુજી નિરંતર, પણ ભેદ દેખે ભાતમાં.
મારો રામ રમે છે સર્વ વિષે, એમ હેતે હીસે મન;
હરિ કહે, સાંભળે હરિ, હરિને સોંપે તન.
નિત્ય રાસ નારાયણનો, દેખે તે અનંત અપાર;
જિંહાં જેવો તિંહાં તેવો, નારાયણ નરનાર.
ગદ્ગદ કંઠે ગાતે થકે, રોમાંચિત હોયે ગાત્ર;
હર્ષ આંસુ બહુ હેત હૃદય, પ્રેમ કેરું તે પાત્ર.
ખાતો, પીતો, બોલતો, દેખતો તે સઘળે રામ;
વેધ્યું મન રહે તેહનું, શિથલ સંસારી કામ.
નવનીત સરખું હ્રદે કોમલ, કહ્યું ન જાયે હેત;
આંખ માંહે અમૃત ભરિયું, હરિભક્તિ કેરું ક્ષેત્ર.
જેમ જારે લુબધી યુવતી, તેનું મન રહે પ્રીતમ પાસ;
અહર્નિશ રહે આલોચતી, ભાઈ એવું મન હરિદાસ.
કહે અખો સહુકો સુણો, હરિલક્ષ લાગ્યો ચિંતને;
મનન તેહને માહાવનું, તે સેવે હરિ-ગુરુ-સંતને.