સાહિત્ય પલ્લવ – ભાગ ૨/સુખ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૩. સુખ

નર્મદાશંકર

સુખિયો નર્મદ પૂરો અહીં, ઉદ્યમ ઘટતો કરતો સહી;
જરૂરનો પૈસો તે રળે, સંતોષે દહાડા નિર્ગમે.
કુદરત વાડી સારી ઘણી, તન ગાડી બે ઘોડા તણી;
કવિતા લાડી નર્મદ રાજ, ખરી મોજ કરતો તે આજ.
કોઈ હોયે હાલે મસ્ત, કોઈ હોયે માલે મસ્ત;
કોઈ હોયે ઇશ્કે મસ્ત, સુખિયો નર્મદ ખ્યાલે મસ્ત.
ખુશામતિયા જેને નહિ, દુશ્મન ખોટા મિત્રો નહિ;
રોગી ને લોભી જે નહિ, નર્મદ તે સુખિયો છે સહી.
વિદ્યા સાથે જેને પ્રીત, રસજ્ઞાન નિર્મળ છે નિત;
એકાંતે સાદો જે રહે, સુખિયો નર્મદ તેને કહે.
પસ્તાવો જેને ના હોય, નીતિધર્મે નિશદિન જોય;
મોતશું મળવા જે તૈયાર, ધીરો નર્મદ સુખિયો સાર.
દાનદયાથી રાજી રહે, ફરજ બજાવે નિત્યે તેહ;
અદેખાઈ જેને નહિ કાંઈ, સંસારે સુખી નર્મદભાઈ
દગલબાજ દુનિયાને જોઈ મિથ્યાવાદ કરે નહિ કોઈ;
બ્રહ્મનું ચિંતન ભાવે કરે, સાચો સુખિયો નર્મદ ઠરે.