સાહિત્ય પલ્લવ – ભાગ ૩/માગું જનમોજનમ અવતાર રે

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૭. માગું જનમોજનમ અવતાર રે

નરસિંહ

ભૂતળ ભક્તિ પદારથ મોટું બ્રહ્મલોકમાં નાહી રે;
પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અંતે ચોરાસી માંહી રે. ભૂતળ૦
હરિના જન તો મુક્તિ ના માગે, માગે જન્મોજન્મ અવતાર રે;
નિત્ય સેવા નિત્ય કીર્તન ઓચ્છવ નીરખવા નંદકુમાર રે. ભૂતળ૦
ભરતખંડ ભૂતળમાં જનમી, જેણે ગોવિંદના ગુણ ગાયા રે;
ધન ધન રે એનાં માતપિતાને, સફલ કરી એણે કાયા રે. ભૂતળ૦
ધન વૃંદાવન ધન એ લીલા, ધન એ વ્રજના વાસી રે;
અષ્ટ મહાસિદ્ધિ આંગણિયે રે ઊભી, મુક્તિ છે એમની દાસી રે. ભૂતળ૦
એ રસનો સ્વાદ શંકર જાણે, કે જાણે શુક જોગી રે;
કાંઈ એક જાણે વ્રજની રે ગોપી, ભણે નરસૈંયો ભોગી રે. ભૂતળ૦