સાહિત્ય પલ્લવ – ભાગ ૩/અવતાર અબળા તણો

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૮. અવતાર અબળાતણો

નરસિંહ

સારમાં સાર અવતાર અબળા તણો, જે બળે બળિભદ્રવીર રીઝે;
પુરુષ પુરુષાતન શું કરું, હે સખી, જેથી નહિ માહરું કાજ સીજે? સાર૦
મુક્તિ પર્યંત તો પ્રાપ્તિ છે પુરુષને, સત્ય જો સેવકભાવ રાખે;
રસભર્યું રુસણું નાથ નોહરા કરે, તે નહિ નારી અવતાર પાખે. સાર૦
ઇન્દ્ર આદિક, અજ, ઈશ ને મહામુનિ ગોપિકા ચરણરજ તેહ વંદે;
ગોપીથી આપનું અધમપણું લેખવે, નરપણું નવ રુચે આપ નંદે. સાર૦
વેદ વેદાંત ઉપનિષદો ખટ મળી જે મથીને રસ પ્રગટ કીધો;
તે રસ ભાગ્યનિધિ ભામની ભોગવે, અહોનિશ અનુભવ સંગ લીધો. સાર૦
સ્વપ્ન સાચું કરે, ગિરિધર શામળો, પ્રણમું હું પ્રાણપતિ પાણ જોડી;
પંથનું જેમ પશુ, પૂંઠળ વળગ્યું ફરે નરસૈંના નાથજી નાથ તોડી. સાર૦