સુદામાચરિત્ર/કડવું ૧૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કડવું ૧૪

[સુદામાને મળેલા સુખનું વિગતે ગાન કરતા પ્રેમાનંદ અંતે કહે છે કે આટલો વૈભવ મળ્યો તો પણ સુદામા એટલા જ તટસ્થ છે જેટલા જીવનના આરંભે હતા. આટલો વૈભવ તેમને જરાય ચળાવી શક્યો નથી. આ જ તો છે ‘ઋષિ સુદામા નું રહસ્ય.]

રાગ-ધનાશ્રી

નિજ મંદિર સુદામો ગયા, તત્ક્ષણ કૃષ્ણજી સરખા થયા;
દંપતી રાજ્યશોભાએ ભર્યાં, શ્રીકૃષ્ણે દુઃખ દોહ્યલાં હર્યાં. ૧

ઢાળ
દોહેલાં ગયાં ને સોહેલાં થયાં, ભર્યાં ભવન લક્ષ્મી વડે;
એક મુષ્ટિ તાંદુલ આરોગ્યા, તે લક્ષ જજ્ઞે નવ જડે. ૨


વસન, વાહન, ભવન, ભોજન, ભૂષણ ભવ્ય ભંડાર;
ચામર, આસન, છત્ર બિરાજે, ઇંદ્રનો અધિકાર. ૩

મેડી અટારી છજાં જાળી, ઝળકે મીનાકારી કામ;
સ્ફટિક મણિએ સ્થંભ જડ્યા છે, કૈલાસ સરખું ધામ. ૪

વિશ્વકર્મા ભૂલે બ્રહ્મા, જોઈ ભવનનો ભાગ;
માણેક મુક્તા રત્ન હીરા, ઝવેર જોત્ય જડાવ. ૫

ગોળી ગોળા ઘડા ગાગર, સર્વ કનકનાં પાત્ર;
સુદામાના વૈભવ આગળ, કુબેર તે કોણ માત્ર? ૬

ત્યાં જાચકનાં બહુ જૂથ આવે, નિર્મૂખ કોઈ નવ જાય;
જેને સુદામો દાન આપે, લક્ષપતિ તે થાય. ૭

ઋષિ સુદામાના પુર વિષે, ન મળે દરિદ્રી કોય;
કોટિધ્વજ ને લક્ષ દીપક અકાળ મૃત્યુ ન હોય. ૮

યદ્યપિ વૈભવ ઇંદ્રનો પણ, ઋષિ રહે છે ઉદાસ;
વિજોગ રાખે ભોગનો, થઈ ગૃહસ્થ પાળે સંન્યાસ. ૯

વેદાધ્યયન અગ્નિહોત્ર હોમે, રાખે પ્રભુનું ધ્યાન;
માળ ન મૂકે, ભક્તિ ન ચૂકે, એવા વૈષ્ણવ ઋષિ ભગવાન. ૧૦


સુદામાનું ચરિત્ર સાંભળે, તેનું દુઃખ દારિદ્ર જાય;
ભવદુઃખ વામે, મુક્તિ પામે, મળે માધવરાય. ૧૧


વીરક્ષેત્ર વડોદરું, ગુજરાત મધ્યે ગામ;
ચતુર્વંશી જ્ઞાતિ બ્રાહ્મણ, ભટ પ્રેમાનંદ નામ. ૧૨

સંવત સત્તર આડત્રીશમાં, શ્રાવણ સુદ નિદાન;
તિથિ તૃતીયા ને ભૃગુવારે, પદબંધ કીધું આખ્યાન. ૧૩

ઉદરનિમિત્તે સુરત સેવ્યું, ને ગામ નંદરબાર,
નંદીપુરામાં કીધી કથા, યથાબુદ્ધિ અનુસાર. ૧૪

વલણ
બુદ્ધિમાને કથા કીધી, કરનારે લીલા કરી;
ભટ પ્રેમાનંદ નામ મિથ્યા, શ્રોતા બોલો જે હરિ. ૧૫