સોરઠી ગીતકથાઓ/10.લોડણ — ખીમરો
જામનગર રાજ્યને તાબે રાવલ નામનું એક ગામ છે. રાવલ ગામથી થોડે છેટે સાની નામે નદી છે, અને એની નજીકમાં ‘લોડી તળાવ’ નામે તળાવડી છે. ત્યાં બે ખાંભીઓ (પાળિયા) ઊભેલ છે. રાવલ ગામના આહીરો એ બંને ખાંભીઓને જાત્રા જવારે છે અને સિંદૂર ચડાવે છે. એ બે ખાંભીઓ ખીમરા અને લોડણની ખાંભીઓ તરીકે ઓળખાય છે. જૂના કાળમાં — કેટલા જૂના તે ચોક્કસ નથી — આ રાવલ ગામે રાવલિયા આહીરોનું જૂથ રહેતું ને તેમના મુખીને ઘેર ખીમરો નામે જુવાન દીકરો હતો. દ્વારિકાની યાત્રાએ જતાં તીર્થયાત્રીઓનો માર્ગ બરાબર આ રાવલ ગામને પાદર થઈને નીકળતો. યાત્રાળુઓ એ ગામને મોટું જોઈ રાત પણ રોકાતાં. ઘણા ઘણા સંઘો ત્યાં થઈને આવતા–જતા. એક દિવસ ઠેઠ ખંભાતથી ઊતરેલો એક સંઘ દ્વારિકા જતાં રાવલને પાદર રોકાયો છે, સાની નદીને સામે કાંઠે સંઘના ડેરા-તંબુ ખેંચાયા છે. કોઈ કહે છે કે એ સંઘ વાણિયાઓનો હતો, બીજા બોલે છે કે આહીરોનો. રાવલ ગામના ગામેથી આહીરોએ એ આબરૂદાર અને આઘે આઘેથી આવેલા સંઘની સરભરા કરી. ગામની આહીરાણીઓએ સાંભળ્યું કે આ સંઘની સાથે સંઘપતિની એક લોડણ અથવા લોડી નામે પુત્રી છે. કન્યા જુવાન અવસ્થાની છતાં ભક્તિ અને વૈરાગ્યમાં તલ્લીન છે, ભારી રૂપવતી છતાં પુરુષજાત પ્રતિ અણગમો ધરાવે છે અને જીવનભર ન પરણવાનાં એણે વ્રત લીધાં છે. ભલભલા પુરુષો પણ એનું અંતઃકરણ પીગળાવી શક્યા નથી! ભરપૂર જોબનમાં વૈરાગ્યે ગળી પડેલી આ ખંભાતણ કેવી હશે? આહીર ગામેતીની વહુવારુઓને સંઘના પડાવમાં જઈ જોવાનું કૌતુક થયું. એવું જ મન થયું એ ભાભીઓના નાના દિયરને. દિયર ભોજાઈઓનો લાડકવાયો હતો. હઠીલો હતો. કહે કે સાથે આવું ને આવું! પણ લોડી ખંભાતણ તો પુરુષને મળતી નથી, શી રીતે લઈ જવો? દિયર હજુ 18-20 વર્ષની ઉંમરનો છે. કિશોરી મુખમુદ્રા છે. મૂછનો દોરો હજુ ફૂટ્યો નથી. ટીખળી ભાભીઓ કહે છે કે ‘અમારા પોશાક પહેરીને, નણંદ બનીને આવવું છે?’ ભોળા નિર્દોષ દિયરે હા કહી. સ્ત્રીના વેશ સજ્યા. બહુ રૂડી રીતે એને સ્ત્રીવેશ શોભી ઊઠ્યો! કોઈ કળી ન શકે. ઘેરો વળીને આહીરણો યાત્રાળુઓ પાસે ચાલી. નદીને સામે કાંઠે કન્યા લોડણ પોતાના અલાયદા તંબુમાં બેઠી બેઠી આ મળવા આવનારી આહીરણોના જૂથને નદી તટ ઊતરતું જોઈ રહી છે. જોતાં જોતાં એને કૌતુક થાય છે, કે બીજી બધી સ્ત્રીઓ તો લૂગડાં ઊંચે લઈને પાણી વચ્ચે ધીરા પગ દેતી ચાલે છે, ત્યારે એ બધાંમાંથી એક તરુણી પાણીમાં પગ પલાળતાને બદલે છલંગો મારી મારીને આખો પાણી-પટ કાં કૂદી રહી છે? છલંગ પણ કેવી મર્દાઈભરી! જોતાંની વારે જ લોડણનું વૈરાગ્યમય શરીર, પગથી છાતી સુધી, કોઈ નવીન ઊર્મિનો થડકાર પામી રહે છે! આહીરણો તંબુમાં આવી. જૂના સોરઠી રિવાજ મુજબ મહેમાન કન્યા સર્વે બહેનોની સાથે ‘સાંઈ માંઈ’ કરીને — એટલે કે બાથ ભરી ભરીને મળી. સહુને ભેટીને છેવટે નણંદવેશધારી દિયર ખીમરાની સાથે બથોબથ લીધી. પણ એ છેલ્લી ભેટાભેટનો સુખાનુભવ કંઈક જુદો જ થયો. વૈરાગ્યને સ્થાને શરીરનાં રોમેરોમમાં વિકળતા જન્મી. પ્રીતિની લહર વાઈ રહી! અગાઉ કદી નહીં એવા થનગનાટ એનાં અંગેઅંગમાં ઊપડવા લાગ્યા. આહીરાણીઓ બેઠી ત્યાં લગી આખોય વખત લોડણ તો એ નાનકડી નણંદ ઉપર જ હેતના ઓઘ ઢોળતી રહી. આહીરાણીઓનું જૂથ પાછું ગામ ભણી વળ્યું. નદીનો પટ ઊતરવા લાગ્યું. લોડણ એના ડેરામાંથી મીટ માંડીને જોઈ રહી છે, પણ આ વખતે તો પેલી ભોજાઈઓની નણંદ ફાળ ભરીને નદી કાં ટપતી નથી? એનાં તોફાન ક્યાં ગળી ગયાં? સહુના ભેળી એ પણ પાણીમાં પગ બોળીને જ ચાલી જાય છે. અરે, એટલું જ નહીં, એના તો પગ પણ પૂરા ઠરતા નથી. શેવાળવાળી શિલા ઉપર એ બે પગ લથડિયાં લઈ રહેલા છે. લોડણે ભેદ પારખ્યો એ સ્ત્રી નહીં, નક્કી કોઈ પુરુષ. એણે મારાં વ્રત ખોટાં પાડ્યાં. મારું હૈયું એ પી ગયો. ભોજાઈઓએ ઝીણી નજરે જોયું કે આ તો હસવામાંથી ખસવું થઈ પડ્યું. દિયરની દશા તો અવળી થઈ. આજ લગી એને સંસારનો વા વાયો નહોતો, પણ હવે તો એને હૈયે કળજુગ પેસી ગયો. ખીમરો ઝૂરવા લાગ્યો. એનો જીવ સાની નદીની સામે ભેખડ ઉપર ભમવા મંડ્યો. એને — પહાડોના અને સિંહદીપડાના એ સહવાસી આહીર જુવાનને — આજ પહેલી જ વાર ખબર પડી કે શરીરની એકેએક કણી ઓગળીને ઠલવાઈ જવા ઝંખે એવું બીજું એક માનવી જગત પર જીવે છે ને જડ્યું છે. રાત પડી. સંસારી લાજમરજાદ ઉપર અંધાર-પડદા ઊતર્યાં. ખીમરાથી ન રહેવાયું. સામે કાંઠે ચડ્યો. આખો પડાવ પોઢી ગયો છે. ડેરામાં ઊતરેલ એક જ માનવી — લોડણ — જાગે છે. કાળી રાતે બે ધોળાં, નિષ્પાપ ફૂલો પાંખડીએ પાંખડી ભીડીને મળે છે. ન્યાત–ભેદના, જાહેર–ખાનગીના, જુદેરી જાતિના, તમામ ભેદો એક જ અભેદમાં ઓસરી જાય છે. વળતી રાતે તો સંઘે પડાવ ઉપાડ્યો. સહુ જ્યારે પોતપોતાની તૈયારીમાં પડ્યાં છે, ત્યારે નદીની આઘી ભેખડની ઓથે રકાઝક થઈ રહી છે. ખીમરાને ખબર નહોતી કે પ્રીતિના અમૃતમાં વિયોગનું વિષ પણ પડેલું છે. એ ભાનભૂલેલો જુવાન ‘તું જા મા! તું જા મા!’ કહી ચોધાર રડે છે. લોડણ એને મનાવે છે કે ‘હું ઝટ પાછી આવીશ, આઠ જ દિવસે વળી આવીશ. મને જવા દે. આ સંઘના ઉચાળા ઊપડ્યા. કોઈ જાણશે તો આપણો નાશ થશે’. વેદના તો બેઉને સરખી હશે; પણ સ્ત્રીજાતમાં ધીરજનું અંગ અદકેરું. મનાવી-ફોસલાવીને ખંભાતણ દ્વારિકાને તીર્થે જવા ચાલી નીકળી, ‘ખીમરા! તારા સાટુય હું ગોમતીજીમાંથી બે કૂંપા તીર્થજળ લેતી આવીશ!’ એમ કહી ખીમરાની પાસેથી બે ખાલી સીસા લીધા. પણ આહિર જુવાન તો દૂધનું ઝાડવું પ્રીતિનો પ્રથમ ઉગમ સંસારની વાટ કદી સમજેલ નહીં, વેદના કોઈને વંચાવી શકે તેવું નથી. વિદેશણ વદાડ પાળશે કે નહીં પાળે એની શી ખાતરી? ખીમરો ઝૂરી ઝૂરીને ગળવા લાગ્યો. આઠ દિવસમાં તો એની આવરદા ખલાસ થઈ! વદાડ પ્રમાણે દોટમદોટ લોડણ પાછી આવી. ગામની નજીક આવતાં જ મસાણને કાંઠે નવો પાવળિયો દીઠો. કોણ મૂવું? આહીરનો જુવાન બેટો ખીમરો શાથી? કોણ જાણે, કોઈક ડાકણના વળગાડથી. એ ખાંભી ઉપર ખંભાતણ લોડણે ગોમતી-જળના સીસા ઠાલવ્યા, ને પછી પોતાના લોહીનાં સિંદૂર ચડાવ્યાં.
આવી ઊભે દેશ, ગાંજુ કોઈ ગમિયો નહીં; (પણ) રૂડો રાવલ દેશ, ખૂત્યો ઘટમાં ખીમરો! [1] [હું આખો સૌરાષ્ટ્ર દેશ જોતી ચાલી આવું છું. બીજે ક્યાંયે મને કોઈ પુરુષ પસંદ પડ્યો નહીં. પણ આ રાવલ ગામના પ્રદેશમાં ખીમરો મારા દિલની અંદર ખૂંચી ગયો.]
શી રીતે એ અંતઃકરણમાં પેસી ગયો?
આવતડો આહિર, ભોજાયું ભેળો મળી; વરત અમારાં વીર! ખોટાં કરાવ્યાં ખીમરા! [2] [આહિર જુવાન એની ભાભીઓની સંગાથે સ્ત્રીવેશે ભળી જઈને આવતો હતો. પુરુષજાતને ન મળવાનું, એકલ જીવન ગાળવાનું મારું વ્રત, ઓ ખીમરા! તેં જ જૂઠું પાડ્યું.]
આરો ઊતરતે, પગ પરખાણો પુરુષનો, થડક્યો થાનોલે, ખંભા સુધી ખીમરો. [3] [લોડણને તો, એ આહીરાણીઓ નદીનો આરો ઊતરતી હતી, ત્યારે જ તેમાં એક પુરુષનો પગ ઓળખાઈ ગયો હતો. સ્ત્રીવેશધારી ખીમરાની છલંગ અછતી નહોતી રહી. બીજી બધી સ્ત્રીઓ પાણીમાં ચાલીને આરો ઊતરતી હતી, ત્યારે ખીમરો જ નદીના પ્રવાહની ઉપર થઈને ટપતો હતો. નદી-પટ પર એની ફાળ જોતાં જ જાણે કે મારા સ્તન ભાગમાં — છાતીમાં — છેક ખભા સુધી એ ખીમરાનું સ્વરૂપ થડકી રહ્યું હતું. (અથવા એ છલંગ મારતી વેળા ખીમરાનું ભરપૂર શરીર છેક ખભા અને છાતી પર્યંત થડકાર અનુભવી રહ્યું હતું.) એવું માંસલ, લોહી છલકતું. સુડોળ શરીર એ છલંગોની મસ્તીથી એટલું દીપી ઊઠ્યું કે લોડણને મોહ પ્રગટ થયો.]
પછી મિલન વેળા વધુ પારખ્યો :
તું મળતે મળિયાં, ભજ બેને ભેળાં કરે; નારી નૈ નરાં, ખરાં નીવડ્યાં ખીમરા! [4] [હે ખીમરા! તને તો બંને ભુજાઓ ભેગી કરીને, એટલે કે બાથ ભરીને હું મળી, તે વખતે મને ખાતરી થઈ કે તું નારી નહીં, પણ નર હતો.]
પછી તારો કંઠ પ્રિય લાગ્યો :
મર વાંસળિયું વાય, મવરે મન માને નહીં, સરવો તારો સાદ, ખાંડથી વાલો, ખીમરા! [5] [હે ખીમરા! મહુવર છોને વાંસળી બજાવે; એના સૂરથી મારું મન રાજી થતું નથી. પણ તારો સાદ તો મીઠો, ખાંડ કરતાંયે વધુ વહાલો લાગે તેવો સુંદર છે.]
બધાં પાછાં વળે છે, નદીનો આરો ઊતરે છે, લોડણ જોઈ રહી છે, છલંગોને બદલે તો ખીમરો લથડિયાં ખાઈ રહેલો છે, એની મસ્તી ઊતરી ગઈ છે, લોડણ એને લપસતો દેખીને કહે છે :
પાણે પગ દઈએં નહીં, સેવાળેલ સગા! લડથડ થા મા, લાડા! ખીમા તુંને ખીમરા! [6] [ઓ મારા સ્વજન, ખમા તને! ઈશ્વરની રક્ષા હજો તને! તું લથડિયાં ન લે, ઓ લાડીલા! તું સંભાળીને પગલાં માંડ. શેવાળ બાઝેલ પથ્થર પર તું પગ ન દેતો. રખે તું પડી જઈશ.]
2. વિદાયની રાત્રિએ સંઘડો સડેડ્યો જાય, ખમાડ્યોય ખમે નહીં; રો મા રાવલિયા! ખોટી મ કર , ખીમરા! [7] [ચોધાર રડતા અને રોકવા મથતા ખીમરાને લોડણ સમજાવે છે : ઓ ખીમરા! આમ જો, આ અમારો જાત્રાસંઘ ઉતાવળથી ચાલ્યો જાય છે. એ હવે રોકાયો રોકાતો નથી. હવે રડ ના, હે રાવલિયા આહીર! હવે મને વિલંબ કરાવ ના, મને રાજી થઈને રજા દે.]
અરે લોડણ, તું પાછી નહીં આવે! આવી ખારી ભૂમિમાં તને નહીં આવવું ગમે તો?
ખીમરા! ખારો દેશ, મીઠાબોલાં માનવી; વળતાં વિસામો વેશ, ખોટી મ કર, ખીમરા! [8] [હે ખીમરા! આ બધો પ્રદેશ તો ક્ષારવાળો છે, પણ એમાં તારા જેવાં મીઠાબોલાં માનવી વસે છે. માટે જ હું આંહીં ચોક્કસ આવીશ, પાછા ફરતી વેળા હું આંહીં વિશ્રામ લઈશ, માટે અત્યારે મને રોકી રાખ નહીં.]
તોય ખીમરો કલ્પાંત છોડતો નથી. લોડણ ફોસલાવે છે :
વીસે દિ’નો વદાડ, આઠે દા’ડે આવશું. રો મા રાવલિયા, ખારે આંસુડે, ખીમરા! [9] [તું રડ નહીં. ખારાં આંસુ પાડ નહીં. મેં તને વીસ દિવસ પછી આંહીં આવી પહોંચવાનો કોલ દીધો છે, તેને બદલે હવે તો હું આઠ જ દિવસમાં પાછી આવીશ.]
3. દ્વારકાને રસ્તે રસ્તામાં લોડણનો ભાઈ બહેનના હાથમાં સીસા દેખે છે, પૂછે છે :
કૂંપા કાચ ચણા, મારગમાં ક્યાંથી મળ્યા, મૂકી દે મોભણ! ખટક બેઠી ખીમરે. [10] [હે બહેન! તને રસ્તામાં આ કાચના સીસા ક્યાંથી મળ્યા? તું છોડી દે એને. તને ખીમરાની લત લાગી છે, એ ઠીક નથી.]
કૂંપા કાચ તણા, મિતરું પાસેથી મળ્યા, રાવલિયો રદામાં, ખાંતે નવરાવું ખીમરો. [11] [બહેન કહે છે, ભાઈ! આ કાચના સીસા તો મારા વહાલા મિત્ર પાસેથી મળ્યા છે. મારા હૃદયમાં રાવલિયો આહીર ખીમરો બેઠો છે, તેને હું આ સીસા ભરી ભરીને રેડીને નવરાવીશ.]
રાત્રિએ રસ્તામાં લોડણ અમંગળ શકુન દેખે છે :
ડાબી ભેરવ કળકળે, જમણાં જાંગળ થાય, લોડી ખંભાતણ ઈં ભણે, (આ) સંઘ દ્વારકા ન જાય. [12] [આપણા સંઘની ડાબી બાજુએ ભેરવ (ચીબરી) નામનું પક્ષી ચીસો પાડે છે; અને હમણાં જમણી બાજુ ઊતરે છે. લોડી ખંભાતણ એમ કહે છે કે, આવાં અપશુકનને લીધે આ સંઘ દ્વારકા નહીં પહોંચે એવું લાગે છે.]
આજૂની અધરાત, બે બે પંખી બોલિયાં, વાલ્યમ! તમણી વાત ખોટી હોજો, ખીમરા! [13] [અપશુકન પછી અપશુકન થઈ રહેલા છે : આજની અધરાતે હું સૂતી હતી, ત્યાં મેં બે પક્ષીઓની એક સામટી અમંગળ વાચા સાંભળી. એવી વાણી પોતાના પ્રિયજન ઉપરની આફત સૂચવે છે. એવું કંઈક હોય તો હે વહાલા ખીમરા! તારા વિશે એ ખોટું જ પડજો! કોઈ બીજા સગા, વહાલા ઉપર જ એ અમંગળ ઊતરજો.]
દ્વારકા પહોંચી, તો ત્યાં પણ રાતે એ જ અમંગળ ભણકારા!
દ્વારકાને મંદિર (મને) અવળું સપનું આવિયું, સાચું (હે) સગે વીર! (પણ) ખોટું તમણું, ખીમરા! [14] [દ્વારકાના દેવળમાં સૂતી છું, ત્યાં પણ મને ભયંકર માઠું સ્વપ્નું આવ્યું. જાણે કોઈ આત્મજનનું મોત થયું. હે પ્રભુ! એ સ્વપ્નું સાચું જ પડવાનું હોય, તો મારા સગા ભાઈને વિશે સુખેથી સાચું પડજો, પણ મારા પ્રિયજન ખીમરાના સંબંધમાં તો ખોટું જ નીવડજો! ભાઈ ભલે મરે, પણ પિયુ ન મરજો!]
4. દ્વારકાથી લોડણ પાછી વળે છે : રાવલ ગામે આવે છે : સ્મશાનમાં ખીમરાનો મૃત્યુ-સ્તંભ (પાળિયો) નિહાળે છે! ત્યાં વિલાપ કરી કરી પ્રાણ ત્યજે છે
મારગ-કાંઠે મસાણ, ઉજળડાં આયર તણાં, પોઢેલ અમલો પ્રાણ, રાવલિયો રીસાવી ગયો. [15] [આ રસ્તાના કાંઠા ઉપર ઊજળાં આહીર લોકોનું સ્મશાન છે. ત્યાં અમારો પ્રાણ પોઢી ગયો છે. રાવલિયો આહીર ખીમરો મારાથી રીસાઈને સૂઈ ગયો છે.]
મારગ-કાંઠે મસાણ, ઓળખ્યાં નૈ આયર તણાં, ઉતારી આરસપાણ, ખાંભી કોરાવું, ખીમરા! [16] [હું આવતી હતી, ત્યારે મેં આ આહીર પિયુનું સ્મશાન ઓળખેલું નહિ. હે ખીમરા ! હવે તો હું આરસ પથ્થર કોતરાવીને તારી ખાંભી બનાવરાવીશ.]
જાતાં જોયો જુવાન, વળતાં ભાળું પાળિયો, ઉતરાવું આરસપાણ, ખાંતે કંડારું ખીમરા! [17] [જતી વેળા જેને મેં જીવતો જુવાન જોયેલો, તેને હું અત્યારે પાછી આવતી વેળા પથ્થરનો પ્રાણહીન પાળિયો બની ગયેલો જોઉં છું. હવે તો આરસ પથ્થર ઘડાવીને હું તેમાં મારા ખીમરાની મૂર્તિ કોતરાવીશ.]
ઘોડાળા, જાવ ઘર-વાટ, (અમે) પાળાં પળતાં પૂગશું, રે’વી મારે રાત, (તારી) ખાંભી માથે ખીમરા! [18] [પોતાની સાથે ઘોડેસવારોને, સંઘના લોકોને લોડણ કહે છે કે તમે હવે ઘરની વાટે ચાલતા થાઓ! કેમ કે મારે તો આ ખીમરાની ખાંભી ઉપર રાતવાસો રહેવું પડશે. હું પાછળ પાછળ ધીરે ધીરે પગે ચાલીને પહોંચી જઈશ.]
સહુને વિદાય કરી, પોતે એકાકિની, અંધારી રાતે, એ સ્મશાનમાં, ખીમરાની ખાંભી ઉપર રુદન કરે છે :
રાવલિયા! મું રાત, વગડાની વેરણ થઈ, સગા! દેને સાદ, ખાંભીમાંથી ખીમરા! [19] [હે રાવલવાસી પિયુ! આ જંગલની રાત મને ત્રાસ આપી રહી છે. એકલતા મારાથી સહી જાતી નથી. હે સ્વજન, તારી ખાંભીના પથ્થરમાંથી મને એક અવાજ તો દે!]
તડકો ને આ ટાઢ્ય, વગડો ય વેઠેલ નૈ, રે’વી મારે રાત્ય, (તારી) ખાંભી માથે ખીમરા! [20] [હે ખીમરા! આ જંગલનો વાસ, આ તડકો ને ઠંડી કદી જ નથી અનુભવ્યાં, છતાં આજે મારે તારી ખાંભી ઉપર રાત રહેવું છે.]
મોતી માજીગળ તણું, (જાણ્યું) પે’રાવશું પાંજરને, (ત્યાં) ડૂબ્યું મધદરિયે, ખોયું રતન ખીમરો! [21] [હે ખીમરા! મેં તો એમ માનેલું કે મને સમુદ્રનું આવું સાચું મોતી મળ્યું છે, તે હું મારા કંઠને પહેરાવીશ. ત્યાં તો એ ખીમરારૂપી રત્ન મધસાગરે પડીને ડૂબી ગયું.]
રેત હું રાવલમાં, ચડત મન ચાખડીએ; (ત્યાં તો) રોળ્યાં રાવલીએ, ખડવઢું કર્યાં ખીમરે. [22] [મનમાં તો ઉમેદ હતી કે હું રાવલ ગામમાં જ રોકાઈને રહેઠાણ કરત; લગ્નની ચાખડી પર ચડત. ત્યાં તો રાવલિયાએ મને રઝળાવીને ઘાસ વાઢનારી (ભિખારણ) કરી મૂકી.]
ચોરી આંટા ચાર, પાટે પરણ્યાં નૈ, વાલ્યમ, તમારી માળ ખંતની ન નાખી ખીમરા! [23] [લગ્ન-ચોરીમાં વિવાહના ચાર આંટા ફરીને બાજઠે બેઠાં નહીં. હે વહાલા! તારી વરમાળ કંઠમાં ન પહેરી શકાઈ.]
સાની તડ્ય સગા! પગ લપટ્યો પાસા જીં, ઊંડે જળ આણી, ખસતાં કીધાં ખીમરા! [24] [આ સાની નદીનાં કોતરમાં મારો પગ, સુંવાળો પાસો લપટે તેમ લપટી પડ્યો. જાણે કે તેં મને ઊંડા જળમાં ખેંચી જઈને પછી ધક્કો દીધો.]
કૂંપા કાચ તણા, રાખ્યા રિયા નૈ, ભાંગી ભૂકા થિયા, (તારી) ખાંભી માથે ખીમરા! [25] [આ કાચના સીસામાં હું ગોમતી-જળ ભરીને લાવી, તે આજ તારી ખાંભી ઉપર પછડાઈને તૂટી ગયા.]
સારડિયું સગા! પંડ્યમાં જઈ પૂગિયું, વલાસ્યું વલહા! (મુંને) ખણ ખણ સાંભરે ખીમરા! [26] [હે સ્વજન! વેદનાની શારડી છેક મારા હૃદય સુધી પહોંચી ગઈ. હે વહાલા! તારી સાથેના વિલાસ મને ક્ષણેક્ષણ સાંભરે છે.]
ગયું લાગિયું ગૂઢાણ, ઈંગાર ઓલાય નૈ, મરતે મારું રાણ, ખોડસ ધખિયાં ખીમરા! [27] [આ તો ગિરનું જંગલ સળગી ઊઠ્યું, એના અંગાર ઓલવાય નહીં. તું મરતાં મારે તો મોટા લાકડાનો અગ્નિ સળગી ઊઠ્યા જેવું થયું.]
અવળે શકને આવિયાં, ડાબો ગણેશ થિયો, મેરીપરને મારગે, રાવલિયો રણમાં રિયો. [28] [હું અમંગળ શકુનમાં આવી હોઈશ, ગણેશ (તેતર) પક્ષી મારી મોખરે ડાબી બાજુ ઊતર્યું હશે. એટલે જ મારો રાવલિયો મેરીપર ગામને માર્ગે મૃત્યુ પામ્યો.]
વિગતે કરું વિચાર, પાણો પૂજાય નૈ, સયરો તેડાવી સલાટ, (તારી) ખાંભી નખાવું ખીમરા! [29] [હું ખીમરાની ખાક ઉપર સાદા પથ્થરની ખાંભી ખોડેલી જોઉં છું. હું વિચારું છું તો એમ લાગે છે કે એવો પથ્થર તો મારાથી પૂજાય નહીં. માટે હે ખીમરા! હું તો એક પ્રવીણ સલાટને તેડાવીને આંહીં તારી ઘાટદાર ખાંભી નખાવીશ.]
પછી તો એ ખાંભી જાણે સજીવ હોય એવું ચિંતવતી, ખાંભીમાં છુપાયેલા ખીમરાને આલિંગન ભરે છે. પાગલ બની જઈને લવે છે :
અણિયાળાં અમ ઉર, ભીંસું તોય ભાંગે નહીં, બળ કરતી હું બીઉં, (તારી) ખાંભી માથે ખીમરા! [30] [હું તારી ખાંભીની સાથે ભેટી પડીને મારાં યૌવનભરપૂર અણીદાર સ્તન દબાવું છું, તોપણ એ ચગદાતાં નથી. ગાઢ આલિંગન ભરીને છાતી છૂંદી નાખું એવું થાય છે, પરંતુ વધુ જોર કરતાં હું ડરું છું, કેમ કે રખેને ઊલટી તારી ખાંભી ભાંગી જાય!]
ખીમરા! મોટી ખોડ, માણસને મરવા તણી, લાગે લાખ કરોડ, ઈ જેવી એકોય નૈ. [31] [ઓ ખીમરા! માનવીને બીજા તમામ ભોગ આપવાની વાત સહેલી છે. પણ પોતાના પ્રિયજનની પાછળ મરવા જેટલું સ્વાર્પણ બહુ મુશ્કેલ છે. બીજાં લાખો નુકસાન ખમી શકાય, પણ પ્રાણ દેવાની વાત અસહ્ય છે. તું મારી પાછળ મરી જઈ શક્યો. તારું આત્મ-સમર્પણ એ રીતે શ્રેષ્ઠ છે. હું પણ એ જ કરી બતાવીશ.]
સીંદોર ચડાવે સગાં, દીવો ને નાળિયેર દોય, (પણ) લોડણ ચડાવે લોય, (તારી) ખાંભી માથે ખીમરા! [32] [હે ખીમરા! તારાં બીજાં સગાં તો આંહીં આવીને તારી ખાંભી ઉપર સિંદૂર ચડાવે છે, દીવો પ્રગટાવે છે, નાળિયેર ધરે છે. પણ લોડણ તો સિંદૂરને બદલે પોતાનું લોહી ચડાવીને તારી જાત્રા જુવારી રહી છે.]
ખંભાતથી હાલી ખીમરા! ના’વા ગોમતી ગઈ; અધૂરા લખ્યા’તા આંકડા, રાવલ અધવચ રહી. [33] [હે ખીમરા! લોડણ છેક ખંભાતથી નીકળીને દ્વારકાના ગોમતીતીર્થે નહાવા ગઈ, પણ એના ભાગ્ય-લેખ અધૂરા હતા. એટલે એ પાછી ઘેરે ન પહોંચી શકી; અધવચ્ચે રાવલ ગામમાં જ રહી ગઈ.]