સોરઠી બહારવટિયા ભાગ-2/ચારણે છેતર્યો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ચારણે છેતર્યો

સિહોરને પાદર ગરીબશાહ પીરની જગ્યા પાસે પકતી ચોરણી, કણબી જેવું કેડિયું ને માથે બોથાલું બાંધીને એક આદમી ઊભો છે. ફક્ત ભેટની પછેડી સિવાય બીજી બધી વાતે કણબી જેવો દેખાય છે. સાંજ નમવા લાગી હતી. જાણે આ આદમી જલદી પોતાને ગામ જવા માટે કોઈ ગાડુંગડેરું નીકળવાની વાટ જોતો કેડાને કાંઠે ઊભો હોય તેવું લાગે છે. બરાબર અંધારા ઊતરવાં શરૂ થયાં ત્યાં એક બોકાનીદાર પડછંદ અસવાર ઢાલ, તરવાર ને ભાલા થકી શોભતો નીકળ્યો. જેના નામની માનતાઓ ચાલતી ને બીજી બાજુ જેની પાછળ ફોજો ફરતી એ બહારવટિયો જોગીદાસ જ આજ એકલ ઘોડે દિવસ આથમ્યે નીકળેલો. એકલા આંટા દેવાની એને આદત હતી. કેડાને કાંઠે ઊજળાં લૂગડાં અને પછેડીને ભેટ બાંધેલ આદમીને ઊભેલો ભાળી બહારવટિયાએ ઘોડી થોભાવી. એની બોકાનીમાંથી ઘેરો અવાજ નીકળ્યો : “કેવા છો, એલા?” “ક… કણબી છું, બાપુ!” આદમીએ થોથવાતી જીભે ઉત્તર દીધો. “કણબી કે? ઠીક ત્યારે, ડગલુંય દેશ મા! નીકર બરછીએ વીંધીશ.” એટલું બોલીને જોગીદાસે ઘોડીને એ આદમીની થડોથડ લીધી. “છાનોમાનો આવી જા મારી ઘોડી માથે, બેસી જા બેલાડ્યે. નીકર જીવતો નહિ મેલું.” એટલું કહીને બહારવટિયાએ પોતાનો પહોળો પંજો લંબાવ્યો. એ આદમીનું બાવડું ઝાલ્યું અને ઊંચે ઉપાડી લઈ પોતાની પાછળ ઘોડી પર બેસાડી અંધારે અલોપ થયો. માર્ગે જોગીદાસના મનમાં મનોરથ રમે છે કે આદમી સિહોરના કોઈ માલદાર મુખી પટેલિયાનો દીકરો દેખાય છે. એને બાન પકડીને આપણી સંગાથે રાખશું અને એના બદલામાં પટેલ આફરડો રૂપિયાની ફાંટ ભરીને આપણને ડુંગરામાં દેવા આવશે! બાન પકડેલ આદમી પણ જરાયે આકળો-બેબાકળો થતો નથી. એને કશો ભય નથી. એના દિલમાં તો આજ જોગીદાસની અજોડ ઘોડી ઉપર અસવારી કર્યાનો આનંદ છે. સિહોરથી ઠેઠ માંડવા ગામ સુધીની મજલ થઈ. માંડવા ગામનું પાદર આવ્યું. આવતાની વાર જ એ પાછળ બેઠેલ આદમી બુલંદ અવાજે દુહો લલકારી ઊઠ્યો : ઠણકો નાર થિયે, ચત ખૂમા, ચળિયું નહિ, ભાખર ભીલડીએ, જડધર મોહ્યો, જોગડા! [હે જોગી જેવા જોગા ખુમાણ! જટાધારી શંકર સરીખા તો પામર ભીલડીને માથે મોહી પડ્યા; પરંતુ તારું ચિત્ત તો કોઈ નારીના પગના ઠણકાથી કદાપિ નથી ચળતું.] દુહાનો અવાજ પારખતાં જ જોગીદાસે ઘોડી થોભાવી. પાછળ નજર કરી. તારોડિયાને અજવાળે પોતે બાન પકડેલ આદમીનું મોઢું જોયું. એ મોં મલકી રહ્યું છે અને બન્ને હાથ લંબાવીને એ આદમી બહારવટિયાનાં ઓવારણાં લઈ રહ્યો છે કે “ખમા મોળા જોગીને!” આઈ તોળાં ઝાઝાં રખવાળાં કરે. મોળા તપશી!” “કોણ છો, એલા?” “ચારણ સાં, મોળા બાપ! તોળો ભાણેજ સાં!” “નામ?” “નામ લખુભાઈ! આશે માંડવાનો રેવાશી સાં!” “ત્યારે પહેલેથી સાચું કેમ ન કહ્યું?” “મોળા બાપ! આજ સિહોરથી માંડવે પગપાળા તો પુગાઈ ઇમ નૂતું. અને કણબી થયા વન્યા તોળી ઘોડીને માથે તું બેસાર એમ નૂતો. એટલે ખોટું ભણવું પીઉં, બાપ!” “અરે પણ અભાગિયા! આટલા સાટુ તેં મારી ઘોડીને મારી નાખી!” એટલું બોલીને ગંભીર મુખમુદ્રાવાળો બહારવટિયો હસી પડ્યો. હાથ ઝાલીને લખુભાઈ ચારણને હેઠે ઉતાર્યા. ચારણ નીચે ઊભો ઊભો ખમકારા દેવા લાગ્યો ને બહારવટિયાની ઘોડી અંધારે ચૂપચાપ ચાલી ગઈ.