સોરઠી બહારવટિયા ભાગ-2/ભૂતના મહેમાન

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ભૂતના મહેમાન

બેય બહારવટિયા ઘોડેસવાર બનીને ગીરમાં ચાલ્યા જાય છે. દિવસ આથમી ગયો છે ને અંધારાં ઘેરાય છે. એ વિકરાળ ઝાડીમાં કોઈ માનવી કે કાળો કાગડો દેખાતાં નથી. જુવાનો ભૂખથી અને મુસાફરીથી થાકી લોથપોથ થઈ ગયા છે. ઘાટા જંગલમાં રસ્તાની એક બાજુએથી માંદણામાં (કાદવના ખાડામાં) બેઠેલી એક ભેંસ ઊભી થઈ, અને ચાલવા લાગી. જુવાનો જોઈ રહ્યા કે “આંહીં ભેંસ ક્યાંથી?” વેજો બોલ્યો કે “ભાઈ, આજ તો આ ભેંસને દૂધે જ વાળુ કરવું છે.” “બહુ સારું.” અંધારે અંધારે ભેંસનું પૂછડું પકડીને અસવારો ચાલવા લાગ્યા. થોડીક વારે ઉજ્જડ વગડામાં રૂપાળો દરબારગઢ દેખાણો ને ભેંસ એ ગઢની ડેલીમાં પાધરી ચાલી ગઈ. અસવારોએ પણ ડેલીમાં જઈ ઘોડાંનાં પેગડાં છાંડ્યાં. ઊતરીને ચોપાટમાં બેઠા. ગઢ મોટો, પણ પ્રમાણમાં કાંઈ બોલચાલ સંભળાતી નથી. કોઈ દરવાન પણ હાજર નથી. ઘડીક થયું ત્યાં તો એક સફેદ વસ્ત્રોવાળો ખૂબસૂરત જુવાન આવીને ઊભો રહ્યો. મૂંગો મૂંગો મહેમાનોને આદર આપીને ઘોડારમાં બેય ઘોડાં બાંધી આવ્યો. વાળુની વેળા થઈ. જુવાને ઓરડામાં ગાદલીઓ પથરાવીને પરોણાને જમવા બેસાર્યા. રૂપ જેનાં સમાતાં નથી એવી એક સ્ત્રીએ આવીને શાક, રોટલા ને દૂધ પીરસ્યાં. રાતે ઓસરીમાં મહેમાનો માટે ઢોલિયા ઢળાણા. કોઈની સાથે કાંઈ વાતચીત કર્યા વિના સહુ સૂવા ગયા. મુસાફરો તે અજાયબીમાં પડ્યા છે : આંહીં અંતરિયાળ આ દરબારગઢ કોણે બંધાવ્યો? આવડા મોટા ગઢમાં આ બે સ્ત્રી-પુરુષ શી રીતે રહેતાં હશે? બોલતાં ચાલતાં કેમ નથી? આવાં રૂપાળાં બે મોઢાં ઉપર દુઃખની પીળાશ શા માટે? ત્યાં તો અંદરના ઓરડામાં સૂતેલો એ પુરુષ કણકણતો હોય એવું સંભળાણું. કોઈ ભારી કારમી વેદના થાતી હોય એવી રીતે કણકી રહ્યો છે. આખી રાત કણક્યા કરે છે. જંપ લેતો જ નથી. મુસાફરો ચોંકીને સાંભળતા જ રહ્યા. બેમાંથી એકેયને ઊંઘ આવી નહિ. વિચારમાં પડી ગયા. ભળકડા ટાણે ઓરડામાં કણકારા બંધ પડ્યા તે વખતે મુસાફરોની આંખો મળી ગઈ. સવારે તડકા સારી પેઠે ચડી ગયા ત્યારે મુસાફરોની આંખ ઊઘડી. અને નજર કરે તો ન મળે દરબારગઢ કે ન મળે ઢોલિયા! બેય જણા ધરતી ઉપર પડેલા, ને બેય ઘોડાં બોરડીનાં જાળાં સાથે બાંધેલાં; માથે વડલો છે, ને પડખે ઊંચી ભેખડો વચ્ચે ધોળે દિવસે બિવરાવે તેવા અવાજ કરતી ધાંતરવડી નદી ચાલી જાય છે. તાજુબ થઈને બેય બહારવટિયા ચાલી તો નીકળ્યા છે. એનાં કલેજાં પણ થડક થડક થાય છે. પણ સાંજ પડી ત્યાં બેમાંથી વેજો બોલ્યો : “ભાઈ! એ ગમે તે હોય, પણ આપણે એનો રોટલો ખાધો; ને હવે શું એનું દુઃખ મટાડ્યા વિના ભાગી જશું?” “સાચું! ન જવાય, આજ પાછા પહોંચીને પત્તો મેળવીએ.” રાત પડતાં પાછા એ જ ઠેકાણે જઈ બન્ને ભાઈ ઊભા રહ્યા : એ જ દરબારગઢ : એ જ ચોપાટ : એ જ જુવાન : એ જ રાંધીને પીરસનાર રંભા : એની એ જ પથારી! વાળુ કરીને ઊભા થયા એટલે બેય મુસાફરો એ જુવાનની આડા ફરીને ઊભા રહ્યા. અને પૂછ્યું, “બોલો? કોણ છો તમે! ને આખી રાત કણક્યા છો કેમ?” “તમને એ જાણી શો ફાયદો છે!” “અમે રજપૂતો છીએ. જેનો રોટલો જમ્યા એનું દુઃખ ટાળવાનો ધરમ છે.” “જુવાનો!” ભાલા જેવી તીણી નજર નોંધીને ઘરધણી બોલ્યો : “જુવાનો! ડરશો નહિ ને?” “ડર્યા હોત તો પાછા શીદ આવત?” છાતી ચીરી નાખે તેવો ભયંકર સ્વર કાઢીને જુવાન અંદરથી આંતરડાં કપાતાં હોય એવી વેદનાભરી વાણીમાં બોલ્યો કે “જુવાનો! હું માંગડો વાળો!” “માંગડો વાળો!!!” મુસાફરોના મોંમાંથી ચીસ નીકળી ગઈ. “હા, હું ધાંતરવડીનો ધણી માંગડો : કમૉતે મૂવો. ભૂત સરજ્યો છું. વણિક-પુત્રી પદ્માને લઈને આંહીં એનાં લોહી ચૂસતો વસ્યો છું. તે દી ચાડવા બાયલની બરછી ખાઈને હું પડ્યો. એ બરછીની કરચ મારી છાતીના હાડકામાં વીંધાઈને ભાંગી ગઈ. હજી એ હાડકું ને એ બરછીની કરચ આ વડલાની વાડ્યમાં દટાઈને પડ્યાં છે. એ બરછીની કરચ મારી છાતીમાં દિવસ ને રાત ખટકે છે. તેથી હું કણકું છું, ભાઈ!” “એનો ઇલાજ શો?” “તમારાથી બને તો તમે હાડકું ગોતીને બરછીની કરચ કાઢો, ને મારાં હાડકાં દામા કુંડમાં પહોંચતાં કરો. નીકર આ વાસના-દેહ ટકશે ત્યાં સુધી હું એ ખટકા ખમ્યા જ કરીશ.” એટલું બોલીને ‘ઓહ! ઓહ!’ કરતો જુવાન ઓરડામાં ગયો, બારણાં બંધ થયાં. મુસાફરો સૂતા. સવારે એ-ની એ દશા દેખી. વાડ્યના થડમાં ખોદાણકામ કરીને ભૂતે કહેલું હાડકું ગોતી કાઢ્યું, બરછીનો ટુકડો જુદો પાડીને એ હાડકાં ઉઠાવ્યાં, બેય બહારવટિયા દામે કુંડ ચાલ્યા ગયા.[1]



  1. માંગડા વાળાની કથા ‘ભૂત રૂવે ભેંકાર’ : ‘સૌરાષ્ટ્રની રસધાર’.