સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં/ગોપ-ગોપીનો આશરો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ગોપ-ગોપીનો આશરો

યોગી, યોદ્ધા અને પ્રેમી, ત્રણેયનું પ્યારું ધામ આ સાણો : આજે એની પડતી અવસ્થામાં પણ એ બિચારો પશુઓનું ને ગોવાળોનું રક્ષણ કરે છે. ચોમાસે ચોમાસે આજે ત્યાં ગોવાલણોની ગોળીઓમાં મહી ઘૂમતાં હશે, આષાઢ-શ્રાવણની હેલીઓમાં વહેલા પહોરની ઘંટીઓ પ્રભાતિયાં ગાતી હશે, રબારીઓની સરજૂઓ સૂરજ મહારાજનાં સ્વાગત કરતી હશે, આભ-ધરતીના લગ્ન-મંડપ જેવા રૂપાળા લીલૂડા બની જતા એ ડુંગરને કોઈ અબોલ ખૂણે ગોપ-ગોપીના નવા પ્રેમ જન્મતા હશે. આજના યુગનો લોહીચૂસક જીવન-કલહ શું આવા શાંતિમય, મધુમય ગોપજીવનને અવકાશ આપતો હશે? કે શું આ તો સાહિત્ય-વિલાસીની કલ્પના કેવળ વિલાસ જ ખેલી રહી હશે? એ પ્રશ્ન જીભ ઉપર આવીને ઊભો રહે છે અને અધરાતને ટકોરે રાજુલા ગામના સ્ટેશન પર પહોંચી, સૂસવતા પવનમાં શરીર પર ધાબળો લપેટી, મને એ યાત્રા કરાવનાર મિત્રને રામ રામ કરી એના છેલ્લા શબ્દો સાંભળું છું કે “ભાઈ! મોટી ગીર તો હજુ બાકી છે! હજુ તો મોટા સાવજને એક સોટીથી તગડી મૂકનારી ચૌદ વર્ષની ચારણ-પુત્રીઓ આપણે જોવી છે. જ્યાં ઘોડાં પણ ન ચાલી શકે એવી અટવીમાં આથડવું બાકી છે. તૈયાર થઈ રહેજો!” હજુ બાકી છે! જીવનયાત્રામાં હજુ તો ઘણો પંથ બાકી છે. હજુ તો કેવળ પ્રવેશ-દ્વાર જ દેખાયું છે. હજુ ઘણું બાકી છે! એ વિચારે મને ધીરે ધીરે સુવાડી દીધો.