સૌરાષ્ટ્રની રસધાર ભાગ-3/આઈ!

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


આઈ!

ભડલી ગામના ભાણ ખાચરે પાકી અવસ્થાએ નવું ઘર કર્યું. સોળ વરસનાં આઈ કમરીબાઈએ જ્યારે ભડલીના દરબારગઢમાં પોતાની કંકુવરણી પગલી મૂકી ત્યારે એનું જોબન લહેરે જતું હતું. એને શું ખબર કે આપો ભાણ સાઠ વરસના ખોખરધજ હશે? માહ્યરે બેસતી વખતે કાંઈ બહુ નીરખીને મોં નહોતું દેખાણું, કેમ કે એક તો માથે રેશમી સીરખ ઓઢેલું, ને એના ઉપર પાછી લાલ કીડિયા ભાતની પછેડી પહેરેલી. સોળ વરસનાં કાઠિયાણી કોડભર્યાં સાસરે આવ્યાં ત્યારે એની હેમવરણી કાયા ઉપર બાંધણીની કસુંબલ ચૂંદડી મહેકી રહી હતી. કસુંબલ રંગમાંથી તો કેવી મધુર મહેક છૂટે! ચાર કોરવાળી, લાલ ચણોઠી જેવી રૂપાળી જીમી એણે પહેરી હતી. કટાબ કોરેલું કાપડું અંગે ઝગમગતું હતું. અને તાંતમાં લટકતો મોતીદાર મોટો ચાંદલો બરાબર કપાળ વચ્ચે હીંચકતો હતો. પણ સાસરે આવ્યાં ત્યાં તો ચતુર કાઠિયાણીને જાણ પડી કે પોતે જુવાનીના રંગ માણવા નથી આવ્યાં, પણ આપા ભાણનું ખોરડું ઉજાળવા આવ્યાં છે! ગામની આધેડ બાઈઓ આવીને આ જોબનવંતીને પગે પડી પડી કહેવા લાગી : “આઈ! અમે તો તમારાં છોરું કહેવાઈએ, આશિષ દ્યો.” ગામને ઘેરઘેરથી જુવાન વહુઓ આવીને આઈને પગે પડવા લાગી. કોઈ પોતાનાં છોકરાં આઈને પગે લગાડવા લાગી. આપા ભાણના મોટા મોટા અમીરો પણ આવીને એને ‘આઈ!’ કહી પૂછપરછ કરવા લાગ્યા. કોઈ એને હસીને તો બોલાવે જ નહિ ને! સહુનાં મોઢાં ‘આઈ’ બોલતાં જ ભારેખમ બની જાય. એને લાડ કોણ લડાવે? એને કોણ વહેલાં વહેલાં રાત્રિએ ઓરડે મોકલે? એને માથે મીંડલા લઈ, સેંથે હિંગળો પૂરી, પાટીએ સુગંધી સોંધો ચોપડી, કપાળે ટીલડી ચોડી, ગાલે સોંધાની નાનકડી ટપકી કરી અને નેણને સોંધે ભરી કમાન જેવાં કરી દઈને બથમાં લેનાર નણંદ, સાસુ કે તેવતેવડી સહિયર ત્યાં કોણ હોય? હોય તો ખરાં, પણ ‘આઈ’ને એવું થાય? આઠેય પહોર અને સાઠેય ઘડી એ બાપડાં તો આઈ, આઈ ને બસ આઈ! કમરીબાઈ પોતાની જોબન અવસ્થા ભૂલવા મંડ્યાં. કસુંબલ, ભાતીગળ અને સુગંધી લૂગડાં ઉતારીને એણે ગૂઢાં વસ્ત્રો ધારણ કરી લીધાં. ‘કપાળની તાંત, કાનની પાંદડી અને ડોકના હાર મને કાંઈ હવે અરઘે? હું તો આઈ કહેવાઉં!’ — એમ બોલીને એણે બધાય શણગાર અળગા કર્યાં, ફક્ત સૌભાગ્યનાં જ એંધાણ રાખ્યાં. કાઠિયાણીને હજી એક વાત હૈયામાં ખટકતી હતી. બોખાં બોખાં સ્ત્રી-પુરુષો જ્યારે ‘આઈ’ કહીને એની સાથે વાતો કરતાં, ત્યારે કાળા મલીર વડે પોતાનું મોઢું ઢાંકીને આઈ જવાબ દેતાં. દાડમકળી જેવા બત્રીસ દાંતની એને ભોંઠપ આવતી. સમજણાં થયાં ત્યારથી જ દાંતને એણે પ્રેમથી સાચવેલા હતા. એમાંય પરણવું હતું એટલે તો દાંતને પોથી અને મજીઠને રંગે રંગ્યા હતા. મહેનત લઈને મોઢું રૂડું બનાવ્યું હતું. ‘બીજા શણગાર તો ઉતાર્યા, પણ આ રોયા દાંતનું શું કરવું? લાજી મરું છું’ — એ એમની રાતદિવસની ચિંતા હતી. એક દિવસ સવારે આપો ભાણ અને બીજા ત્રણ-ચાર મહેમાનો ટાઢી છાશ પીવા બેઠા. તાંસળીમાં પળી-પળી ઘી નાખીને પાંચેય ભાણે પીરસી. પાસે ગોરસનાં દોણાં અને ફીણાળાં દૂધનાં બોઘરાં મૂક્યાં. ઘીમાં ગોરસ નાખીને પછી તેમાં સાકરના ધોબા ભરી ભરી ભેળવ્યા. અને સવા-સવા ગજ પનાના કાંસાના થાળમાં બાજરાના રોટલા પીરસ્યા. થાળીને માથે કેમ જાણે વેલણથી વણ્યા હોય તેવા, સરખી જાડાઈવાળા રોટલા આઈએ બે નાનકડી હથેળી વચ્ચે ટીપીને કરેલા હતા. રોટલામાં ભાત પાડવા માટે તો આઈએ એક આંગળીનો નખ લાંબો રાખ્યો હતો, અને આંગળીઓમાં વેઢ પહેર્યા હતા એટલે ઘડતાં ઘડતાં રોટલાને માથે ખાજલી, લેરિયું અને સાંકળીની ભાત્ય ઊપડતી આવે એવી નકશીથી ભરેલા રોટલા તાવડીમાં પકવીને એણે ત્રાંબા જેવા બનાવેલા. એવા તો ઊંડા બનાવેલા કે અંદર પોણો-પોણો શેર ઘી સમાઈ જાય! આપા ભાણે રોટલો ભાંગીને બટકું મોઢામાં મૂક્યું, પણ ચાવે શી રીતે? દાંત ન મળે. પોચો રોટલો હોય તો ચોળી ચોળીને પેઢાં વડે ચાવી શકે ને! પણ આ તો કડાકાદાર રોટલો! આપાએ મહેમાનોને પૂછ્યું : “કાં બા! રોટલો તમને ફાવે છે કે?” “ઓહોહો! આપા ભાણ!” પરોણા વખાણ કરવા લાગ્યા : “આવા રોટલા તો આંહીં જ ભાળ્યા, કેવી રૂડી ત્રણ-ત્રણ ભાત્યું ઊપડી છે! એવો દેખાવડો રોટલો છે કે ભાંગવાનુંય મન નથી થાતું. આપા! અમારાં આઈ તો રાબ-છાશે ભારે ડાહ્યાં દેખાય છે.” “આપા ભાણનાં ભાગ્ય ચડિયાતાં છે.” બીજાએ મૂછો ઊંચી રાખીને તાંસળીમાંથી દૂધ પીતાં પીતાં ઉમેરો કર્યો. “હા બા! ભાગ્ય તો ખરાં!’ આપા ભાણ મરકતા મરકતા બોલ્યા : “પણ આવા રૂડા રોટલાની મીઠાશ માણવાના દૂધિયા દાંત હવે ક્યાં લેવા જાય? નાનડિયાંને કાંઈ ખબર છે કે બોખાંને આવા કડકડિયા રોટલા ખાતાં પેઢામાં કેવી બળતરા હાલતી હશે? રોટલાની રૂડપ જોઈને હવે આંખ્યું ધરવવી રહી, બા! પણ હોજરીની આગ એમ રોટલા જોયે કાંઈ ઓલાય છે? હશે, જેવી સૂરજની મરજી! બીજું શું થાય?” મર્મનાં વેણ કહેતાં તો કાઠીને એની જનેતાએ ગળથૂથીમાં જ પાઈ દીધું છે. આપો ભાણ સમજ્યા કે જોબનવંતી આઈને આજ બરછી જેવાં મર્મબાણ મારીને વીંધ્યાં છે એટલે હવે તો પૂરી કાળજીથી ભાણું સાચવશે. રાત પડી. ડેલીએ ડાયરો વીંખાણો. દરબાર ઊઠીને સૂવાને ઓરડે ગયા. આઈ બેઠાં હતાં. પણ ગઈ કાલના ભર્યા ગાલમાં આજ એને ખાડા દેખાયાં. આપાએ પૂછ્યું : “કાં? કેમ વહેલું વહેલું એક દિવસમાં ગઢપણ વરતાય છે?” આઈએ મોં મલકાવ્યું. હોઠ પહોળા થયા. ત્યાં તો આપા બોલી ઊઠ્યા : “અરરર! કાઠિયાણી! આ શું? મોઢામાંથી બત્રીસેય દાડમકળિયું ક્યાં ગઈ?” “પાડી નાખી!” આઈએ હસીને જવાબ દીધો. રાતા રાતા હોઠની વચ્ચે કાળુંઘોર અંધારું દેખાણું. “પાડી નાખી? કાળો કોપ કર્યો! પણ શા સારુ?” “બોખાંની પીડા સમજવા સારુ!” આપા ભાણની આંખો ભીની થઈ ગઈ. એણે કપાળ કૂટ્યું. સવારે બોલેલાં વેણ બદલ બહુ પસ્તાયા. પણ કાઠિયાણીએ મોઢા ઉપરથી હસવું ઉતાર્યું જ નહિ — જાણે મનમાં કાંઈ નથી! કમરીબાઈ જીવ્યાં ત્યાં સુધી આપા ભાણનું ખોરડું દીપાવ્યું. મર્યા પછી જોગમાયા કહેવાયાં.