હયાતી/૩૦. સાત શ્લોક

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૩૦. સાત શ્લોક

લીલી આ વનરાજી, નીલ નભ ત્યાં નીચે નમીને પૂછે :
‘ક્યાં એ પંખી ગયાં પ્રસન્ન ટહુકા જેના હજી સાંભળું?’
વૃક્ષોનાં સ્મિત થૈ બધાંય વિહગો ત્યાં તો ઊડ્યાં સામટાં :
વૃક્ષો, આભ, વિહંગની અજબ આ જોતો રહ્યો પ્રાર્થના.

*

ડાળેડાળ તણો, અહો પ્રગટતાં કૂણાં બધાં પર્ણનો,
ભોંયે ફૂટી રહેલ સર્વ તૃણનો, સૌ તારલાનો નભે :
જે કૈં જીવ–અજીવ આ જગતમાં એ સર્વનો છું ઋણી
માતા, આ ઋણભારથી હું હળવો તારી સ્મૃતિથી રહું.

*

મારું ક્યું સુખ મને ગમ ના ૫ડે છે,
ને દુઃખ મારું કયું એ નવ જાણ, માતા!
તારી કૃપા–ઝરણીમાં નિત હોઉં ભીનો
તો દુઃખ ને સુખની પાર વસી શકું સદા.

*

મારા અંતરમાં તમારી લગની એવી રહો કે સદા
સૂતાં કે પછી જાગતાં રટણમાં મૂર્તિ તમારી રહે :
આંખો બંધ–ઉઘાડી હોય પણ એ બીજું કશું ના લહે.
હોઠેથી, વચનેથી, મૌન થકીયે સ્તોત્રો ઝરે સર્વદા.

*

હું તો ઉપાડું મુજ પાય તમે દિશા દો,
હું નેત્ર ખોલી રહું દૃશ્ય નવાં નવાં દો;
હું શ્રોત્રથી સ્તવન, મા, તવ સાંભળી શકું,
આ હોઠ બે ફફડતા, તવ પ્રાર્થના દો.

*

મને શ્રદ્ધા, મારા સુહૃદનું કશુંયે અહિત ના
થશે, એના ચિત્તે પરમ તવ આનંદ વસશે :
તમે દોરો એને, શિશુ તવ કૃપાને તલસતો,
નમી નીચાં એને ઊંચકી ઝટ આશ્વાસન દિયો.

*

પંખીના કલશોરનો પથ રચો – ત્યાં પાય માંડી રહું
આરોહું કિરણોની સીડી પર કો આનંદના લોકમાં :
તારી સંનિધિની વસંત મહીં હું ફેલાઉં થૈ ફોરમ :
તેં સીંચ્યા તરુ કેરું મૂળ થઈને ઊંડે જઉં તો ગમે.