હરીશ મીનાશ્રુની કવિતા/એક રતિકાવ્ય : ૧ કાવ્યપૂર્વ
Jump to navigation
Jump to search
એક રતિકાવ્ય : ૧ કાવ્યપૂર્વ
(સ્થિર. મનોમન. સહસા)
પવન ચૂપ. નભ નિર્મલ. ઝૂકે ચિત્ત સરોવર જેવું
પર્ણ ખર્યું કે પંખી? – ના સમજાય; બરોબર એવું
રંક હથેલી. તર્ક ધૂમ્રવત્ તરે. નિરુત્તર મનમાં
શિથિલ બંધનો સર્વ. કંપતું મૌન અગોચર કેવું
જ્યોત વિષે કર્પૂર ઓગળે. સાંજ અતિશય સૂની
ચતુર્ભુજ, ઓગળતું અંતે વિશ્વ સહોદર જેવું
મૂક અવસ્થા. સપનું પરવશ. પ્રહર ગતિ સંકોચે
પર્વતનું વર્તન આજે અસ્વસ્થ પયોધર જેવું
તેજ હાંફતું. વિરક્ત ભાવે શબ્દ, તને સંભોગું
સભર નિસાસે હજુ ઊપસે ચિત્ર મનોહર એવું