‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/ગઝલ વિશે થોડીક વધુ નોંધ : રમણ સોની

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧ ગ
રમણ સોની

[સંદર્ભ : જાન્યુ.-માર્ચ, ૧૯૯૯, રવીન્દ્ર પારેખની પત્રચર્ચા]

ગઝલ વિશે થોડીક વધુ નોંધ

ગઝલ-સ્વરૂપની જે કોઈ વિશેષતાઓ છે એની આદરપૂર્વક પૂરી નોંધ લઈને જ ગઝલની કેટલીક લાક્ષણિક સીમાઓની બહુ સ્પષ્ટ રહીને ‘પ્રત્યક્ષીય’માં ચર્ચા કરેલી. પરંતુ રવીન્દ્ર પારેખે આ ચર્ચાપત્રમાં (ને સતીશ વ્યાસે ‘પ્રતિભાવ’માં) કેટલીક વાત ઉપાડી છે એટલે થોડીક વધુ નોંધ અનિવાર્ય બને છે. સ્વરૂપ વિશેષતા કે મર્યાદાવાળું કેમ ન હોય? એ પણ આખરે તો, લખાતાં જતાં કાવ્યોની પરંપરાથી આકાર ધરતું હોય છે – એની રૂપ-રેખાઓ મૂર્ત કૃતિઓ(કાવ્યો)થી રચાતી જતી હોય છે ને બીજાં સ્વરૂપોની સાપેક્ષતામાં એ અસ્તિત્વ ધરાવતું હોય છે. ગાલિબ, હાફીઝ ઉત્તમ ગઝલ-કવિઓ ખરા. પરંતુ એમનો વિચાર પણ વિશ્વભરના ઉત્તમ કવિઓના સંદર્ભે જ કરવાનો રહે. તો, મોટા ફલક વિસ્તરતાં સાહિત્યસ્વરૂપોમાં રચના કરનાર (ઉત્તમ) સર્જકો અને નાના ફલક (મુક્તક, હાઈકુ, શેર આદિ)માં રચના કરનાર (એ સ્વરૂપોના ઉત્તમ) સર્જકો વચ્ચેનો ભેદ સ્પષ્ટ થશે. સર્જકો છંદને સીધો શાસ્ત્રમાંથી નહીં, કાનથી પકડે છે એવું રવીન્દ્ર સરખા કવિ તો જાણતા જ હોય તો પણ એ શાસ્ત્રની જાણકારીને આગળ કરે છે! પિંગળ સમજને વધુ સ્પષ્ટ ને દૃઢ કરે પણ નિર્ણાયક તો કાન(અંતઃકર્ણેન્દ્રિય) જ બનેને? ‘બે લઘુનો એક ગુરુ થવાની અનુકૂળતા કેવળ ગઝલમાં જ છે.’ – એમ કહીએ ત્યારે ગુજરાતી માત્રામેળ છંદોની વ્યવસ્થા ભૂલી જવાની? સ્વર-સંસ્કાર દરેક ભાષાના જુદા જ હોય એટલે ત્યાં હમેશાં ફારસી મૉડેલ ન ચાલે. આપણા સારા સર્જકોએ માત્રામેળ છંદના સંસ્કારોથી પણ આરંભે ગઝલરચનાઓ કરી છે – પછી ફારસી છંદોનું જ્ઞાન એમણે જરૂર વધાર્યું હશે ને એથી, કર્ણેન્દ્રિય સાબૂત હોવાથી, એમની ગઝલો છંદદોષવાળી નથી રહી. સંસ્કૃત-ગુજરાતી છંદોથી રસાયેલા કાનવાળો કોઈ જ ગુજરાતી કવિ ગઝલના છંદમાં ભૂલ કરે એ શક્ય નથી. ને છતાં પ્રયોગોને અવકાશ રહે છે. – છંદ પરની પકડ હોય તો પછી પ્રયોગ લીલયા થાય છે. સ્મરણવગાં દૃષ્ટાંત છે : ‘જટાયુ’(સિતાંશુ યશશ્ચંદ્ર)ની માત્રામેળ છંદરચનામાં, લય સાચવીને થયેલાં અક્ષર-ઉમેરણનું સૌંદર્ય જોવું જોઈએ. અને સુંદરમે પૃથ્વી જેવા ચુસ્ત વૃત્તમાં ’અરે કે હમણાંનું આ હૃદયને થયું છે જ શું.’ – એ પંક્તિમાં ‘કે’ના ‘એ’ને લઘુસ્થાને નથી મૂક્યો? (ફારસીમાં તો ‘એ’ હ્રસ્વ/લઘુ પણ છે જ, ત્યાં એ સહજ છે - ગુજરાતીમાં એ બધે જ લઘુરૂપે ન યોજાય. બોલચાલમાંનો, એ સ્થાનનો, લય-લહેકો પ્રયોગ રૂપે યોજાયો છે.) એટલે ફારસી ગઝલ-પરંપરાની ખાસિયતો બધી જ. ચપોચપ, ગુજરાતીમાં કામ ન આવે. ‘ગઝલનું શાસ્ત્ર ન જાણનાર’ એમ કહીએ ત્યારે આટલું ધ્યાનમાં રહે. ‘ગઝલને બેવડું નુકસાન સંપાદકોએ પહોંચાડ્યું છે.’ – એ ખરું છે, પણ માત્ર ગઝલને જ કેમ, કાવ્યમાત્રને આવા હેતુઓથી નુકસાન થયું છે. અલબત્ત, જે લખાય છે એમાં ગઝલરચનાઓ બેસુમાર હોય છે એટલે આપણું ધ્યાન ગઝલના નુકસાન તરફ જ જાય. વળી, ગઝલના અકારણ ઉત્સાહી પ્રશંસકો, અને ગઝલમાત્રને આશિષ-વાત્સલ્યથી જોનાર પ્રસ્તાવનાકારો પણ આ બેસુમાર લેખન અને પ્રકાશન માટે જવાબદાર છે. એમને માટેય કોઈ દંડની જોગવાઈ ક્યાં છે, રવીન્દ્ર? સો વાતની એક વાતઃ આખાય અર્વાચીન ગુજરાતી સાહિત્યના આજ લગીના સર્વોત્તમ લેખાય એવા દસ-બાર જ સર્જકોને સ્મરણમાં લાવીએ તો એમાંના કોઈએ ગઝલના સ્વરૂપને કેમ નહીં સ્વીકાર્યું હોય? ને બીજી બાજુ, કવિતા કરવાનું શરૂ કરનાર મોટાભાગના – લગભગ બધા – શિખાઉ ‘કવિ’ઓ ગઝલના સ્વરૂપ તરફ જ કેમ વળી જાય છે? – એ વિશે વિચારવાનું જવા દઈને ગઝલના સ્વરૂપના બચાવ માટે કે એના રંજિત મહિમા માટે ઉત્સુક રહેવાનું હોય ખરું? ચર્ચા-ઊહાપોહ માટે બંને મિત્રોનો આભાર

[જાન્યુઆરી-માર્ચ, ૧૯૯૯, પૃ. ૪૯]