‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/નરોત્તમ પલાણના પ્રતિભાવનો વળતો પ્રતિભાવ : વી. બી. ગણાત્રા
વી. બી. ગણાત્રા
[સંદર્ભ : જાન્યુ.-માર્ચ, ૨૦૧૩, નરોત્તમ પલાણની પત્રચર્ચા]
સાક્ષરશ્રી નરોત્તમ પલાણના પ્રતિભાવનો વળતો પ્રતિભાવ : ૧. ‘પ્રત્યક્ષ’ જાન્યુ-માર્ચ ૨૦૧૩માં પૃ. ૫૦-૫૧ ઉપર પ્રકાશિત સાક્ષરશ્રી નરોત્તમ પલાણના પ્રતિભાવમાં વિધાનો છે : ‘પ્રત્યક્ષ’ જુલાઈ-સપ્ટે, ૨૦૧૨માં ‘ભગવાનલાલ ઇન્દ્રજી’ની સમીક્ષામાં અશોક શિલાલેખમાં ત્રણ લેખો’ની વાત છે (પૃ. ૩) તેને મુ. શ્રી વી. બી. ગણાત્રાએ ‘પ્રત્યક્ષ’ ઑક્ટો-ડિસે., ૨૦૧૨માં માત્ર ‘અશોકલેખ’ માની લેવાની ભૂલ કરી છે. જૂનાગઢ શહેરથી ગિરનાર તળેટી તરફ જતાં જમણા હાથે, સ્મશાનની સામે ‘અશોકશિલા’ આવેલી છે. આ શિલા ઉપર જુદાજુદા સમયના ત્રણ લેખો કોતરાયેલ છે. પહેલો લેખ અશોકનો છે, બીજો લેખ રુદ્રદામાનો છે અને ત્રીજો લેખ સ્કંદગુપ્તનો છે. ભાષા અને લિપિની નજરે અશોકનો લેખ પ્રાકૃતભાષા અને બ્રાહ્મલિપિમાં છે. રુદ્રદામાનો લેખ સંસ્કૃત ભાષા અને બ્રાહ્મલિપિમાં, જ્યારે સ્કંદગુપ્તનો લેખ સંસ્કૃત અને દેવનાગરી લિપિમાં છે.’ ૨. શ્રી પલાણજીએ અમારું પ્રસ્તુત ચર્ચાપત્ર ધ્યાનપૂર્વક વાંચેલ છે કે? શ્રી નરોત્તમ પલાણજી આદરણીય, ગણમાન્ય, ‘ધૂળ ધોયાનું પાયાનું સંશોધન કરનાર બહુશ્રુત સાક્ષર છે. એમણે ‘અશોકશિલા’ પર અશોકનો માત્ર એક લેખ નીરખેલ હોવાનું ફલિત થાય છે. જેનો જેવો દૃષ્ટિભેદ! શ્રી પલાણજી, ભૂલ કોણે કરેલ છે? આ લખનાર વી. બી. ગણાત્રાએ કથિત ભૂલ કરેલ નથી. ઑક્ટો.-ડિસે., ૨૦૧૨ના ‘પ્રત્યક્ષ’માં પૃ. ૫૯ ઉપર પ્રકાશિત અમારા ચર્ચાપત્રમાં મૌર્ય સમ્રાટ અશોકના ‘અશોકશિલા’ ઉપર ૧૪ શિલાલેખોનો ઊડીને આંખે વળગે એવો સ્પષ્ટ નિર્દેશ છે. રુદ્રદામાના શિલાલેખનો સ્પષ્ટ નિર્દેશ છે. ત્યારે ‘ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્ત’નો અશોકશિલા પર શિલાલેખ પ્રસ્તુત ન હોતાં તેનો નિર્દેશ નથી. શ્રી પલાણજીએ પોતાની ભૂલનું ખોટી રીતે અમારામાં પ્રત્યારોપણ કરેલ છે અમને એમનું પ્રત્યારોપણ સ્વીકૃત નથી. ૩. શ્રી પલાણજીના કથન-અનુસાર ગિરનાર અશોકશિલા ઉપર ‘જુદાજુદા સમયના ત્રણ લેખો કોતરાયેલા છે. પહેલો લેખ અશોકનો છે, બીજો લેખ રુદ્રદામાનો છે અને ત્રીજો સ્કંદગુપ્તનો છે!’ અહીં શ્રી પલાણજીના કથનમાં પાયાની ગંભીર ક્ષતિ છે. પ્રસ્તુત અશોકશિલા ઉપર મૌર્ય સમ્રાટ અશોકનો એક શિલાલેખ નહીં, પરંતુ ચૌદ (૧૪) શિલાલેખો છે, ઉપરાંત રુદ્રદામાનો શિલાલેખ છે, ઉપરાંત સ્કંદગુપ્તનો શિલાલેખ છે. આમ, ગિરનારની ‘અશોકશિલા’ પર કુલ ૧૬ શિલાલેખો છે, માત્ર ૩ નહીં. [...] પરંતુ શ્રી પલાણજીના પ્રતિભાવ પર આટલેથી પડદો પડતો નથી. તેઓ કહે છે – ‘રુદ્રદામા પછી આશરે સો વર્ષો બાદ સ્કંદગુપ્તનો લેખ છે.’ અહીં ગણિતનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. રુદ્રદામાના શિલાલેખ ઉપર શક સંવત (‘શાલિવાહન શક’ નહીં) ૭૨ અંકિત છે. શક સંવતનો પ્રારંભ સમાંતર ઈ.સ ૭૮થી થાય છે. રુદ્રદામાનો શિલાલેખ, એથી, ઈ. ૧૫૦નો છે. ગુપ્ત સામ્રાજ્યની કાળગણના છે : ઈ. ૩૧૯/૩૨૦થી ઈ.સ ૫૫૦ પર્યંત. ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્તનો શાસનકાળ છે : ઈ. ૪૫૫ – ૪૬૭ (નિધન ઈ. ૪૬૭). શ્રી પલાણજીની જુલાઈ-સપ્ટે., ૨૦૧૨માંની વિવેચનામાં એમનું સ્પષ્ટ કથન છે કે, સ્કંદગુપ્તનો શિલાલેખ ઈ. ૪૫૭નો છે. તો પછી રુદ્રદામાના શિલાલેખ અને સ્કંદગુપ્તના શિલાલેખ વચ્ચે ૩૦૭ વર્ષોનું અંતર છે, ‘આશરે સો વર્ષનું નહીં.’ અહીં પણ ગણિત માર ખાય છે. [...] શ્રી પલાણજીનું કથન છે : ‘સ્કંદગુપ્તનો લેખ સંસ્કૃત અને દેવનાગરી લિપિમાં છે... સ્કંદગુપ્તના લેખમાં વસંતતિલકાદિ છંદો છે.’ ગુપ્ત સામ્રાજ્ય ઈ. ૩૧૯/૩૨૦ની સ્થાપનાથી નવી ગુપ્ત કાલગણનાનો પ્રારંભ થાય છે. ગુપ્ત વર્ષ ઈ. ૩૧૯/ ૩૨૦ ને સમાંતર છે, ગુપ્ત સામ્રાજ્યના વિલય સંગાથે ગુપ્ત કાલગણનાનો વિલય થાય છે. [...] શ્રી પલાણજી જેને ‘દેવનાગરી લિપિ’ કહે છે તે વાસ્તવમાં ગુપ્ત બ્રાહ્મી લિપિ–ગુપ્ત લિપિ–છે; ખરી નાગરી – દેવનાગરી લિપિ ત્યાર પછી કાળક્રમે હયાતીમાં આવે છે. [...] ‘પ્રત્યક્ષ’ જુલાઈ-સપ્ટે., ૨૦૧૨ના અંકમાં શ્રી પલાણજીના ‘ભગવાનલાલ ઇન્દ્રજી’ પુસ્તક વિશેના વિવેચનલેખમાં પૃ. ૫ ઉપર કથન છે : ‘...જેમ્સ પ્રિન્સેપ ૧૮૩૩માં ભારત આવ્યા’ જેમ્સ પ્રિન્સેપ ૧૮૩૩માં નહીં, પરંતુ ૧૫ સપ્ટેમ્બર, ૧૮૧૯માં કલકત્તા પહોંચેલ. પૃ. ૭ ઉપર તેઓ કહે છે : ‘જ્યોર્જ ગ્રિયર્સન ૧૮૯૪માં ભારત આવ્યો.’ આઈરિશ જ્યોર્જ અબ્રાહમ ગ્રિયર્સન ૧૮૯૫માં નહીં પરંતુ ૧૮૭૩માં ભારત આવ્યો. એનો જીવનકાળ છે : ૧૮૫૧ – ૧૯૪૧. શ્રી પલાણજીનો પ્રતિભાવ જેમ ભૂલોથી ક્ષતિગ્રસ્ત છે એમ શ્રી પલાણજીનું વિવેચન પણ ભૂલોથી ક્ષતિગ્રસ્ત છે. શ્રી પલાણજીએ ઉપરોક્ત વિધાનો યાદદાસ્તને આધારે કરેલ હોય તો યાદદાસ્ત એમને હાથતાળી આપે છે. શ્રી પલાણજીનાં ક્ષતિગ્રસ્ત વિધાનો પુર્નલેખન માગે છે; ક્ષતિગ્રસ્ત પ્રતિભાવ અને વિવેચનથી ‘પ્રત્યક્ષ’ની પ્રતિષ્ઠાને ઝાંખપ લાગે છે.
ન્યૂયોર્ક, ૧૦ મે, ૨૦૧૩
– વી. બી. ગણાત્રા
[એપ્રિલ-જૂન, ૨૦૧૩, પૃ. ૪૩-૪૪]