‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/‘તાટસ્થ્ય જાળવી શક્યા નથી’ : બહાદુરભાઈ જ. વાંક

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૨ ગ
બહાદુરભાઈ વાંક

‘તાટસ્થ્ય જાળવી શક્યા નથી...’

પ્રિય રમણભાઈ જૂન-જુલાઈ ૧૯૮૯માં આ અંગ્રેજી સંચય માટે વાર્તા ‘વિસ્તરવું’ કિશોર જાદવ તરફથી પસંદ કરવામાં આવેલ. મારા ઉપરના એક પત્રમાં કિશોર જાદવે જણાવ્યા પ્રમાણે આ વાર્તાનો અનુવાદ સરલા જગમોહને કરેલ – ‘Love for green grass’ શીર્ષક આપીને. એ પછી મારી ઉપરના તા. ૪ જુલાઈ ૧૯૯૨ના પત્રમાં મારી ઉક્ત વાર્તાનો ઉલ્લેખ કરતાં કિશોર જાદવે લખેલ : ‘અંગ્રેજી સંચયની ઑફ પ્રિન્ટ્‌સ અહીં મને મળવાની શરૂ થઈ છે... તમારી વાર્તાનો અંગ્રેજી અનુવાદ બધી જ વાર્તાઓમાં શ્રેષ્ઠ છે... ત્રણેક મહિનામાં સંગ્રહ બજારમાં મુકાશે.’ ને એ જ પત્રના પાછળના ભાગમાં તેમણે લખેલ : ‘પ્રાક્‌કથનમાં પણ મેં તમારી સર્જનપ્રવૃત્તિનું સારું એવું એસેસમેન્ટ કર્યું છે. ને તમને અગાઉ કદાચ મેં લખ્યું હતું. તમને પ્રથમ ઇનામ પ્રાપ્ત થયું છે, તે મારા એ એસેસમેન્ટને કન્ફર્મ કરે છે. આ પત્રની ઝેરોક્ષ નકલ પણ આ સાથે તમારા વાચન માટે રવાના કરું છું. આ પત્ર વાંચીને કિશોર જાદવના સંપાદકીય તાટસ્થ્ય વિશે તમને પણ પ્રશ્ન થયા વગર નહીં જ રહે. હવે મારા માટે જે પ્રશ્નો ઉપસ્થિત થયેલ છે, તે છે : (૧) વાર્તાનો અંગ્રેજીમાં સુંદર અનુવાદ થઈ જવા છતાં, અને દસ વર્ષ સુધી વાર્તા તેમની પાસે પડી રહેવા છતાં, વાર્તાને સંપાદનમાંથી પડતી મૂકવાનું શું કારણ હશે? (૨) વાર્તા છાપવી જ ન હોય તો જે તે સમય મને પરત ન કરી દેવી જોઈએ? (૩) વાર્તાસંચય બહાર પડી ગયા પછી, તેમને બે-ત્રણ પત્રો લખવા છતાં, મને કોઈ જ પ્રત્યુત્તર પાઠવવામાં આવેલ નથી, ઓછામાં ઓછું વાર્તા પરત કરીને કે કંઈક જવાબ પાઠવીને, એક અદના સર્જકનું ગૌરવ જાળવી રાખવા જેટલું પણ તેઓ સૌજન્ય દાખવી શક્યા નથી. તો મારે શું સમજવું? કિશોર જાદવની અભ્યાસનિષ્ઠા-સૂઝ-સમજ માટે મને કોઈ શંકા નથી. મારા ઉપરના તેમના કેટલાય પત્રો ઉપરથી મને પણ ઘણું બધું શીખવા મળ્યું છે. આ અંગેની નોંધ પણ મેં મારા વાર્તાસંચય ‘રાફડો’માં લીધેલ છે. મને કહેતાં દુઃખ થાય છે – આ સંચયના સંપાદનમાં તેઓ તાટસ્થ્ય જાળવી શક્યા નથી, ને મોટા માથાઓની જ જાણે તેમણે આળપંપાળ કરી હોય તેવી છાપ ઘણાને પડી છે. ખેર...

જૂનાગઢ, ૨૫-૧૧-૨૦૦૦

– બહાદુરભાઈ જ. વાંક

[ઑક્ટોબર-ડિસેમ્બર, ૨૦૦૦, પૃ. ૪૧]