‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/‘સામયિક-સંપાદક-વિશેષાંક’ વિશે

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

‘સામયિક-સંપાદક-વિશેષાંક’ વિશે પ્રતિભાવો :

(૧) પ્રકાશ ન. શાહ, (૨) નિતીન મહેતા, (૩) ડંકેશ ઓઝા, (૪) વિજય શાસ્ત્રી, (૫) નગીન મોદી, (૬) મધુ કોઠારી (૭) જ્યોતિષ જાની, (૮) રાધેશ્યામ શર્મા, (૯) કિશોર જાદવ, (૧૦) હર્ષદ ત્રિવેદી, (૧૧) યશવંત શુક્લ, (૧૨) યાસીન દલાલ, (૧૩) ચંદ્રકાંત ટોપીવાળા, (૧૪) રશીદ મીર, (૧૫) સુધીર દેસાઈ, (૧૬) જયંત કોઠારી, (૧૭) મહેન્દ્ર મેઘાણી, (૧૮) વી. બી ગણાત્રા, (૧૯) શીલચંદ્રવિજયગણિ, (૨૦) દીપક મહેતા, (૨૧) ચિનુ મોદી, (૨૨) રમણલાલ જોશી, (૨૩) ભોળાભાઈ પટેલ, (૨૪) સુભાષ દવે


‘સામયિક-સંપાદક-વિશેષાંક’ (જુલાઈ-ડિસે. ૧૯૯૫) વિશે મળેલા પ્રતિભાવોમાંથી, વિશેષાંક સિવાયની વ્યક્તિગત વિગતો, કેવળ અપ્રસ્તુત કે વ્યક્તિનિંદાની બાબતો અને ‘પ્રત્યક્ષ’ વિશેના વ્યાપક આનંદ-ઉદ્‌ગારો, આદિને બાદ કરીને, વિશેષાંકની યોજના તથા સામગ્રીને લગતા પત્રાંશો સંકલિત કરીને મૂક્યા છે. જ્યાં જરૂર જણાઈ ત્યાં સ્પષ્ટતારૂપે કે પૂર્તિરૂપે સંપાદકીય ઉત્તરો પાદટીપપદ્ધતિએ નોંધ્યા છે. જે લાગ્યું તે નિખાલસતાપૂર્વક લખી મોકલનાર આ સૌ પત્રલેખકોનો આભાર. ઘણાએ વર્તમાનપત્રોની કોલમમાં તેમજ સામયિકોમાં વિગતે ચર્ચા કરી. એમાંના થોડાક અંશો પણ પત્ર રૂપે મૂક્યા છે. એમનોય આભાર.

– રમણ સોની (સંપા.)

૩.૧ : પ્રકાશ ન. શાહ

‘પ્રત્યક્ષ’નો સામયિક-સંપાદક-વિશેષાંક અક્ષરશઃ માતબર થયો છે. જે પણ વાંચશે, ન્યાલ થશે. હવે આપણી વચ્ચે નથી એવા ઉમાશંકર, મડિયા, બચુભાઈ, સુરેશભાઈની પણ હાજરી બરાબર પુરાઈ છે. સામયિક કહેતાં સમજાતી રૂઢ વ્યાખ્યા જરી ચાતરીને કૃષ્ણવીરને સમાવી લીધા એ પણ સારું કર્યું.

અમદાવાદ, ૨-૧-૯૬

– પ્રકાશ ન. શાહ

૩.૨ : નીતિન મહેતા

‘વિશેષાંક’ને પાનેપાને સંપાદકીય મહેનત ઝળહળી ઊઠે છે. ખૂબ ચીવટ ને ખંતથી આખો અંક તૈયાર થયો છે. મોટા ભાગના લેખો સરસ થયા છે. આમ તો દરેકે પોતાનું મનોગત, પોતાને નડતા પ્રશ્નો ને પોતાના સામયિક સાથે સંકળાયેલાં ચિંતા-ચિંતનને પોતાનાં શક્તિ-સજ્જતા પ્રમાણે નિષ્ઠાથી આલેખ્યાં છે. એક દસ્તાવેજી સમૃદ્ધિ તરીકે આ અંકનું મૂલ્ય છે. આગળનો ‘પ્રવેશક’ પણ ખૂબ સરસ થયો છે – ખુલ્લા મનથી વાત થઈ શકે છે એનો આનંદ. બધા લેખોમાં, આત્મકથામાં આવતી નિખાલસતા, વ્યક્તિગત સત્યને થોડા ભાવનાના રંગો સાથે ઉઘાડી આપવાની, આજના સમયથી દૂર જઈને વીતેલા સમયમાં અવગાહન કરવાની રીતિ સરસ રીતે ઊપસી આવે છે. મતમતાંતરો તો રહેવાનાં; આમ પણ, આત્મકથા સાથે સંકળાયેલા કેટલાક મૂંઝવતા પ્રશ્નો પણ રહેવાના. ફરીથી, ‘પ્રત્યક્ષ’ની આગવી મુદ્રા પ્રગટ કરતો અંક સુલભ કરી આપવા માટે, ૧૯૪૮થી ૧૯૯૫ સુધીની યાત્રા કરાવવા માટે, વચ્ચેવચ્ચે ‘વીસમી સદી’, ‘કૌમુદી’, ‘વસંત’, ‘ડાંડિયો’ સુધીના સમયમાં પ્રવાસ કરાવવા માટે અભિનંદન

મુંબઈ : ૫-૧-૯૬

– નીતિન મહેતા

૩.૩ : ડંકેશ ઓઝા

આટલાં બધાં સામયિકોના સંપાદકો પાસે તમે જે અનુભવો લખાવીને પ્રગટ કર્યા છે તે પહેલી નજરે કાબિલે દાદ છે. પરંતુ જેમ-જેમ અંક વાંચતો ગયો તેમ-તેમ ખ્યાલ આવતો ગયો કે અહીં માત્ર સાહિત્યિક સામયિકોની ભરમાર છે, એટલું જ નહિ, પરંતુ એક જ સામયિકના અનેક સંપાદકો પાસેથી લખાણ મેળવવાનો ઉપક્રમ બહુ ફળદાયી નીવડ્યો નથી. ‘પરબ’, ‘કવિલોક’, ‘શબ્દસૃષ્ટિ’ જેવાં કે ‘કૃતિ’ વગેરે વિશે કેટલાં બધાં લોકો પાસે તમે ચર્વિતચર્વણ કરાવ્યું છે!૧ ‘દૃષ્ટિ’, ‘નિરીક્ષક’, ‘અખંડ આનંદ’, ‘અર્થાત્‌’ જેવાં સામયિકો તમારી ગણતરીમાં આવ્યાં નથી. ‘કાળો સૂરજ’, ‘નયામાર્ગ’ વગેરે પણ દલિત સાહિત્યની રીતે મહત્ત્વનાં છે અને ‘આક્રોશ’ સામયિકમાં દલિત કવિતા પ્રગટ કર્યા બદલ નીરવ પટેલ વગેરેની ધરપકડ થયેલી તેનું દસ્તાવેજી મૂલ્ય હજુ ટેબલ-લૅમ્પના અજવાળામાં કામ કરતા કૂપમંડૂકોને સમજાયું લાગતું નથી. ક્યાં સુધી ગુજરાતી સાહિત્ય આવા સંકુચિત માર્ગ પર ચાલ્યા કરશે?!૨ વળી, કેટલાંક સામયિકો, જેમનું પાદટીપમાં પણ સ્થાન ન આવી શકે તેવાંને તમે વ્યાસપીઠ પૂરી પાડી છે. (‘ઢંઢેરો’, ‘ટેન્શન’, ‘ટ્રેન્ટ્રમ’, ‘ડ્રાંઉં-ડ્રાંઉં’, ‘યા હોમ’ વગેરે.)૩ ખરું પૂછો તો ગુજરાતી સાહિત્યના સામયિક-જગતમાં ત્રણ પ્રવાહો અતિ સ્પષ્ટપણે વરતાય છે : (i) મેઈન સ્ટ્રીમમાં ‘પરબ’, ‘સંસ્કૃતિ’, ‘કુમાર’, ‘કવિલોક’, ‘ઉદ્દેશ’, ‘શબ્દસૃષ્ટિ’ વગેરે. (ii) સુરેશ જોષીએ સતત એક પછી એક ચલાવેલાં સંખ્યાબંધ સામયિકો અને તેને કારણે ઊભું થયેલું તરોતાજા વાયુમંડળ. (iii) રે મઠ પ્રવૃત્તિ દ્વારા લાઠા-ચિનુ વગેરેએ સાહિત્યના બંધિયાર જળને ડહોળી નાખેલું તે. બૃહદ્‌ રીતે જોઈએ તો આ ત્રણ પ્રકારમાં બધાં જ સામયિકોને વિભાજિત કરવાં શક્ય છે. જો કે ખયાલ અપના અપના પસંદ અપની અપની.૪ આમ છતાં મારે પ્રામાણિકપણે અને ભારપૂર્વક કહેવું જોઈએ કે લાંબો સમય સુધી ચગળ્યા કરીએ તેવું સુંદર કામ તમે કરી બતાવ્યું છે. તેમાંય વળી અવકાશપૂરકો પસંદ કરીને મૂકવામાં તમે જે દૃષ્ટિ અને જે જહેમત બતાવ્યાં છે તે અન્ય કોઈ ન કરી શકે. સૌથી સુંદર લખાણો જ્યોતિષ જાની, રતિલાલ અનિલ, મંજુ ઝવેરી અને મહેન્દ્ર મેઘાણીનાં છે. આ સર્વેને અને તમને પાયલાગણ અને અભિનંદન.

{[rh|ગાંધીનગર : ૨૯ ફેબ્રુઆરી ૯૬|| – ડંકેશ ઓઝા}}

૧. ‘પ્રવેશક’માંની વિગતો જોઈ હોત/જોશો તો સ્પષ્ટ થશે જ કે આ વિશેષાંકની યોજનામાં ‘સાહિત્યિક’ સામયિકોના સંપાદકો હતા – એક જ સામયિકના વિવિધ સંપાદકોની કેફિયત જુદાજુદા દૃષ્ટિકોણ આપી શકે. અહીં એવું થયું છે પણ ખરું. પછી ચર્વિતચર્વણ શાને લાગ્યું? ૨. ‘દૃષ્ટિ’ ‘નિરીક્ષક’ આદિ સાહિત્ય-સામયિકો નથી માટે આમાં એમના સંપાદકોની કેફિયત નથી. કોઈ સામયિકને (એ સાહિત્ય-સામયિક ન હોય એથી) ઊતરતું ગણવાનો કોઈ આશય નથી. પણ આટલું મોટું કામ ક્ષેત્ર-મર્યાદા બાંધ્યા વિના થાય જ નહીં - થાય તો વિશીર્ણ થઈ જાય. સાહિત્ય-સામયિકોને પણ પૂરતું પહોંચી વળાયું નથી ત્યાં બહાર ક્યાં ફેલાવું? એ કામ બીજા કોઈ જરૂર કરી શકે એ પણ રોમાંચક ઘટના હશે મારે મન. એટલે ‘કૂપમંડૂકતા’ વગેરે આક્રોશ અહીં કંઈક અપ્રસ્તુત રહી જાય છે. ૩. સંપાદન કરવામાં તર-તમ-દૃષ્ટિ પણ જરૂર રાખી શકાય. પણ વિચારતાં લાગ્યું (જુઓ ‘પ્રવેશક’) કે સાહિત્યપ્રવૃત્તિને લક્ષતા સામયિકમાત્રના સંપાદકના અનુભવો અંકિત કરવા એવી વ્યાપક, દસ્તાવેજી વિગતો અંકે કરી લેવાની દૃષ્ટિ રાખી હતી. ૪. સાચી વાત છે. આથી જુદી રીતે પણ ‘પ્રવાહો’નું વર્ગીકરણ બતાવી શકાય. અહીં તો એ પણ ઉદ્દીષ્ટ ન હતું. એટલે અનુક્રમ સંપાદકનામના અકારાદિક્રમે કર્યો છે. કશી (સામયિકની કે સંપાદકની) ઉચ્ચાવચતાને ગૃહીત તરીકે સ્વીકારી નથી.

– સં.

૩.૪ : વિજય શાસ્ત્રી

આપને તંત્રીકાર્ય/સંપાદનકાર્ય અંગે લખી મોકલનારા તંત્રીસંપાદકોએ ક્યાંય પણ પોતાના વડે થતી હરકતોનો નિર્દેશ કર્યો નથી. લેખકોનો એ સામાન્ય અનુભવ છે કે લેખ મોકલ્યા પછી તેની પહોંચ સુધ્ધાં મળતી નથી. પોતાની વિરુદ્ધ કે પોતાના સામયિકની વિરુદ્ધમાં હોય; (છતાં સાચું હોય) એવું લખાણ છાપવાની પ્રામાણિકતા ભાગ્યે જ કોઈ તંત્રીએ બતાવી હશે. છતાં કોઈએ એવું લખાણ સંતાડી દેવાની કબૂલાત કરી નથી! ‘ઝેરોક્સની સગવડ છે એટલે ઑફપ્રિન્ટ્‌સ મોકલતા નથી’ એવું જણાવવાની ધૃષ્ટતા પણ ઘણા સંપાદકોએ આચરી બતાવી છે એની પણ કબૂલાત કોઈએ કરી નથી. પુરસ્કારની બાબતમાં તો સામયિકમાં રૂપાળી જાહેરાતો કર્યા પછી કાં તો એ લવાજમમાં ખતવી દેવાયા હોય યા તો મોકલાયા જ ન હોય – એની પણ કોઈએ કબૂલાત કરી નથી. આમ, તંત્રીસંપાદકોએ ફક્ત પોતાને રૂડારૂપાળા દેખાડનારી વીગતોને જ ચગાવી છે. એમણે કરેલી દોંગાઈ/ખંધાઈ અને અનેક પ્રકારની મિસ્ચિસ્‌ વિશે એક હરફ સરખો લખવાની નૈતિક હિંમત કે પ્રામાણિકતા જણાતી નથી. કેટલાક સંપાદકો-તંત્રીઓના ચોક્કસ બાબતો વિશેના અભિનિવેશો-અભિગ્રહો પૂર્વગ્રહો, લેખકો માટેના પક્ષપાતો-દ્વેષો વગેરે છાનાં રહેતાં નથી તેથી એમની જાણબહાર એમની આંતરિક ગંદકી પકડાઈ ગઈ છે. એ સારું થયું છે. લેખકોને જૂથમાં વિભાજિત કરવામાં તંત્રી-સંપાદકોનો છૂપો ફાળો કેવું કામ કરે છે તે પણ સમજાય છે. એવા સંજોગોમાં તમારા ઉક્ત વિશેષાંકની સામગ્રી નરી સ્નોબિશ બની જવા પામી છે.

સુરત ૩ જાન્યુ. ૯૬ – વિજય શાસ્ત્રી

* તમે એક વાચક અને લેખક તરીકે જુદા જુદા અનુભવોનો સરવાળો કરીને વળી પાછો સર્વ સંપાદકોને લાગુ પાડ્યો છે! તમારા કેટલાક ઉદ્‌ગારો એવા છે કે એ સંપાદકે નહીં, વાચકે ઉચ્ચારવા માટેના છે એટલે વળી કોઈકે ‘સામયિક-વાચક-વિશેષાંક’ પણ કરવો પડવાનો! અલબત્ત તમારાં કથનોમાં તથ્ય નથી એવું તો કોઈ ન કહી શકે – પણ એની બીજી બાજુ પણ એટલી જ ફરિયાદક્ષમ હોઈ શકે. – સં.

૩.૫ : નગીન મોદી

આપે ઘણું મોટું અભિયાન ઉપાડ્યું અને પાર પાડ્યું તે બદલ જેટલાં અભિનંદન આપું તેટલાં ઓછાં છે. આપણે ત્યાં વ્યક્તિગત ધોરણે સામયિકો/લઘુ સામયિકોનો ફાલ સમયાન્તરે ઊતરતો રહ્યો છે. આ સામયિકોએ સાહિત્ય-જગતમાં ઊહાપોહથી માંડીને આંદોલન પણ જગવ્યાં છે. તેનો દીર્ઘ વાસ્તવિક ઇતિહાસ નાણાકીય સમસ્યા હોવા છતાં પણ આપે ખડો કરી દીધો છે. વ્યક્તિગત ધોરણે પ્રકાશિત થયેલાં આ સામયિકોએ રચેલી સૃષ્ટિનો એક બહુપરિમાણી દસ્તાવેજ તૈયાર કરવામાં આપે ઘણી સૂઝભરી મહેનત કરી છે. ભવિષ્યના સંશોધકોને ઉપયોગી નીવડે તેવો બહુમૂલ્યવાન ગ્રંથ બન્યો છે. ફરી વાર અભિનંદન

સુરત : ૫-૨-૯૬

– નગીન મોદી

૩.૬ : મધુ કોઠારી

ધાર્યા કરતાં પણ દળદાર અંક પ્રગટ કરીને તમે સામયિક-ક્ષેત્રે ધજા-પતાકા લહરાવી દીધી! સામયિક સંપાદન વિષે તો લખી લખીને કેટલું લખાય? ને વળી અંક અને તેય વિશેષાંક શેં કરાય? પણ તમે આ બન્ને ખ્યાલને ખોટા ઠેરવ્યા. ‘પ્રત્યક્ષ’ આ અંકથી પેડેસ્ટલ ઉપર મુકાઈ ગયું છે તે ચોક્કસ! તમે જૂની પેઢીનાથી માંડી વચગાળાના અને યુવાન સંપાદકોના મનની વાત વાચકો વચ્ચે રમતી મૂકવામાં એમનાં ખ્યાલો, મથામણો, વિટંબણાઓ, પ્રાપ્તિઓને વાચા આપવાને અવસર પૂરો પાડવામાં સફળતા પ્રાપ્ત કરી છે. આ બધું ભવિષ્યના સંપાદકને અવશ્ય દીવાદાંડીરૂપ બનશે. મારા મત મુજબ તમારી આ જ મોટી ઉપલબ્ધિ છે. મને આશ્ચર્ય થાય છે કે ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં આવું કરવા જેવું કાર્ય અત્યાર સુધી કેમ નહીં થયું હોય? શું પૂર્વસૂરિઓમાં સંપાદક તરીકેની તમારી જે સાધના છે તે ખૂટતી હશે? આ અંક જોઈને જ મને એક સૂચન કરવાનું મન થાય છે. રમણભાઈ, તમે ‘પ્રત્યક્ષ’ને માસિક બનાવવાનું પુણ્યકાર્ય કરો. પ્રત્યક્ષના સંપાદક તરીકે તમે લખ્યું છે કે ‘કશુંક ઉપયોગી કર્યાનો આનંદ’, પણ તેમાં તમારી નમ્રતા છે. તમે માત્ર ઉપયોગી નહીં અત્યંત જરૂરી અને સ્ટિમ્યુલેટિંગ કાર્ય કર્યું છે.

રાજકોટ : ૮-૨-૯૬

– મધુ કોઠારી

[જાન્યુઆરી-માર્ચ, ૧૯૯૬, પૃ. ૫૦]

૩.૭ : જ્યોતિષ જાની

આજે ૧૯૯૬ના વર્ષમાં વિદ્યમાન જે સામયિકો વત્તેઓછે અંશે વાચકોમાં પ્રભાવશાળી છે, એ સામયિકોના સંપાદકોનાં જ કેફિયત/બયાન, સંપાદકને મન અત્યંત મહત્ત્વનાં હોવાં જોઈએ. એવાં સામયિકો અને સંપાદકોને તમારે અલગ, અગ્રેસર તારવવાં જોઈએ એને સ્થાને જે-જેમ આવ્યા એને તમે એક હરોળમાં ગોઠવી દીધા! – એનો આઘાત છે.૧ દ્વૈમાસિક ‘કવિતા’ ક્યાં છે? વિદ્યમાન, પ્રભાવક વર્ષોથી ચાલતા શુદ્ધ-અશુદ્ધ ‘કવિતા’ સામયિક વિશે ડૉ. સુ. દલાલે નહિ તો પ્રા. જયાબહેને તો કેફિયત આપી જ હોત ને?૨ ‘પરબ’ વિશેષાંકની આભા ઊભી કરતો ‘પ્રત્યક્ષ’ વિશેષાંક હોય એવી પણ આછીપાતળી છાપ તમે, કદાચ અજાણતાં, ઉપસાવી દીધી! (શ્રી ભોળાભાઈ, ટોપીવાળા, ચન્દ્રકાન્ત શેઠ, જયંત કોઠારી... આટલાબધા?)૩ ‘જનકલ્યાણ’, ‘અખંડ આનંદ’, ‘ચક્રમ’, ‘ચિત્રલેખા’, ‘અભિયાન’ ઇત્યાદિને તમે સામયિકનો દરજ્જો નથી આપતા? ‘નિરીક્ષક’ને કઈ કક્ષામાં મૂકો છો?૪ અસલ વાત એ છે કે સામયિક ચલાવવા માટે તંત-ખંત, શિસ્ત-સમજ, ધૈર્ય-અભ્યાસ, લગન-ખેવના અને ‘ઇરાદાઓ’ની સ્પષ્ટતા ન હોય તો એવા સંપાદકોના મૂળભૂત ઇરાદાઓ, દંભ, વ્યાપારી વૃત્તિ, આત્મ-પ્રતારણા ને વંચના છડેચોક ઉઘાડાં પાડવાં જોઈએ અને એ ધર્મચક્ર (ગમે કે ન ગમે) તમારે આવા વિશેષાંકમાં ચલાવવું જોઈએ.૫

વડોદરા : ૧૭-૨-૯૬

– જ્યોતિષ જાની

૧. આ કંઈ પસંદગીસ્પર્ધા કે ઇનામીસ્પર્ધા નહોતી કે એવા ક્રમ આપવાના હોય. એક હરોળનો આભડછેટિયો વિચિત્ર વિચાર તમને કેમ આવ્યો? વસ્તુલક્ષી રીતે કેફિયતો મૂકી આપવાની હતી એટલે સંપાદકનામનો અકારાદિક્રમ સ્વીકાર્યો છે. ૨. જે કેટલાકે ન લખી આપ્યું એમાં એક સુરેશ દલાલ પણ હતા. અને ‘કવિતા’ની જયા મહેતા કેફિયત કેવી રીતે લખે? તમે એમ જ ગોળો ગબડાવ્યો! ૩. તમે ‘પ્રવેશક’ બરાબર વાંચ્યું હોત (ને તમે તો નિમંત્રિત સંપાદક હતા એ વિગતવાર નિમંત્રણ-પત્ર પણ બરાબર વાંચ્યો હોત) તો એક સામયિકના એકાધિક સંપાદકોની કેફિયત જોતાં તમને આવું પૂર્વગ્રહભર્યું આશ્ચર્ય કદાચ ન થયું હોત. ૪. એ બધાં સામયિકો ખરાં, પણ ‘સાહિત્ય’ સામયિકમાંય એમને – ‘ચક્રમ’ આદિને – ખપાવો છો તમે, એમ?! ‘નિરીક્ષક’ પ્રધાનપણે વિચારપત્ર છે. ૫. ‘ધર્મચક્ર’વાળો તમારો સુધારક-પયંગબરનો અભિનિવેશ મને ઉદ્દીષ્ટ નહોતો; નથી. સંપાદક તરીકે મેં સૌની કેફિયતોને નિમંત્રણપત્રોથી માંડીને આવેલાં લખાણોને એડિટ્‌ કરવા સુધી, જરૂર લાગી ત્યાં વિનંતી સાથે પાછાં મોકલી સંવર્ધિત કરાવવા સુધીની યોજનાપૂર્વક – મૂકી આપી. દરેકે જે લખ્યું તેની ઉત્કૃષ્ટતા-નિકૃષ્ટતા જે હોય તે હવે વાચકો સામે છે જ. – તે તે કેફિયતની મૂલ્યલક્ષી ચર્ચા સુજ્ઞ સમીક્ષકો પર છોડવાની હોય. – સં.
[જાન્યુઆરી-માર્ચ, ૧૯૯૬, પૃ. ૫૦]

૩.૮ : રાધેશ્યામ શર્મા

‘પ્રત્યક્ષ’નો ‘સામયિક-સંપાદક વિશેષાંક’ ‘અપૂર્વ’ થયો છે. કોઈ પણ ધ્યાનાર્હ સામયિક તમારી ચિકિત્સક વિવેકદૃષ્ટિમાંથી ખસ્યું નથી. અસ્ત પામેલાં, ઉદયમાં આવેલાં પત્રોના સર્વ સંપાદકોને તમે ‘માઈક’ આપીને બોલવા દીધું છે! દિવંગતો વતી અન્યને અધિકારથી, ભક્તિથી લખવા તમે જાજમ બિછાવી આપી – સંપાદન-સંકલનને સર્જનની નિકટ લઈ આવ્યા. ‘નિરીક્ષક’, ‘અખંડ આનંદ’ (અમુક અંશે ‘શ્રીરંગ’)ની અનુપસ્થિતિ આકસ્મિક છે કે...?૧ તમારો ‘પ્રવેશક’ સાહિત્યદૃષ્ટિ ઉપરાંત સાંસ્કૃતિક નિષ્ઠાનો અને પ્રવાહચિંતનનો ઐતિહાસિક નમૂનો છે. લે-આઉટ, ગેટ-અપ, મુદ્રણશુદ્ધિમાં ધોરણનો આદર્શ સ્થાપવાની નિસ્બત દેખાય છે. પરંતુ સર્વાધિક અભિનંદન પ્રત્યેક લખાણની નીચેનાં ચોકઠાં અથવા મોટી પાદટીપો સમગ્ર વસ્તુને જે રીતે પ્રસ્તુત કરે છે એને મળે. આને પાદટીપ નહિ પણ ‘યાદ-ટ્રીપ’ કહું : શું કરણીય છે એની યાદટ્રીપ...

અમદાવાદ : ૧૭-૧-૯૬

– રાધેશ્યામ શર્મા

૧. કેવળ સાહિત્ય સામયિકો લેવાનું જ વિચારેલું, કેમકે નહીં તો પહોંચી જ ન વળાય (સાહિત્યસામયિકોને પણ પૂરેપૂરું ક્યાં પહોંચી વળાયું છે?) - એટલે વિચારપત્રો આદિને જતાં કર્યાં. - સં

૩.૯ : કિશોર જાદવ

અંક સામગ્રીસમૃદ્ધ બન્યો છે. તેની પાછળ ઉઠાવેલી સૂઝભરી જબરદસ્ત જહેમત જોઈને ખરેખર આશ્ચર્ય ને આનંદની લાગણી અનુભવું છું. ગુજરાતી સાહિત્યમાં આ પ્રકારનું સામયિક-પ્રકાશન કદાચ પ્રથમવાર જ મારી સાહિત્યિક કારકિર્દીમાં જોવા મળ્યું છે. સૌ સંપાદકો-સાહિત્યિક મિત્રોનો આવો સહયોગ એ એક અપૂર્વ ઘટના છે. તમારી ખંતપૂર્વકની સૂઝ અને એ સહયોગની ફળશ્રુતિરૂપ આ ‘વિશેષાંક’ બદલ હાર્દિક અભિનંદનો પાઠવું છું.

કોહિમા : ૮-૧-૯૬

– કિશોર જાદવ

૩.૧૦ : હર્ષદ ત્રિવેદી

‘...વિશેષાંક મળ્યો. અદ્‌ભુત! સારું સામયિક કોને કહેવાય એનો આ જવાબ - લાજવાબ!

ગાંધીનગર : ૩-૧-૯૬

– હર્ષદ ત્રિવેદી

૩.૧૧ : યશવંત શુક્લ

‘...વિશેષાંક’ મળતાં ખૂબ આનંદ થયો. મેં ધાર્યો હતો તે કરતાંય અંક વધુ દળદાર અને સમૃદ્ધ થયો છે. હજુ બધું જ વાંચી જઈ શક્યો નથી. પણ વિવિધ સંપાદકીય કેફિયતોમાંથી તરત જે વાત આગળ આવી રહે છે તે આર્થિક વિટંબણાઓની છે. તે છતાં જે પુરુષાર્થ ચાલી રહ્યો છે તે ખરેખર પ્રશસ્ય છે. તમને આ પ્રકારનો વિશેષાંક કરવાનું સૂઝ્યું તે માટે અભિનંદન. જ્યોતિષ જાનીની ‘કેફિયતમાં ઉચ્ચારાયેલી ભવિષ્યવાણી’ (પૃ. ૪૭) કોઈ કોઈ સામયિક પરત્વે સાચી પડે પણ તે આખી સૃષ્ટિ રસાતાળ જશે એ કથન સાથે હું સંમત નથી.

અમદાવાદ : ૨૭-૨-૯૬

– યશવંત શુક્લ

૩.૧૨ : યાસીન દલાલ

આ અંક ઉત્તમ બન્યો છે – ખૂબ મહેનત લીધી છે જે લેખે લાગી છે. ગુજરાતીમાં સાહિત્યિક પત્રકારત્વ કે વિચારશીલ સામયિકોના પત્રકારત્વનો એક બહુમૂલ્ય દસ્તાવેજ આ વિશેષાંક બની રહ્યો છે. પત્રકારત્વના અભ્યાસની દૃષ્ટિએ આ અંક મહત્ત્વનો છે. આપણાં સામયિકોમાં આવો વિશેષાંક હજુ થયો નથી. વિષય-પસંદગીની સાથે ઉત્તમ કોટિનું સંપાદન થયું છે.

રાજકોટ : ૧૭-૧-૯૬

– યાસીન દલાલ

(ગુજરાત સમાચાર, ૨૩-૩-૯૬)

૩.૧૩ : ચંદ્રકાન્ત ટોપીવાળા

ખૂબ ખુશ છું. ‘પ્રત્યક્ષ’ના ‘...વિશેષાંક’ માટે હાર્દિક અભિનંદન. બહુ ઝીણવટથી અને અત્યંત દૃષ્ટિપૂર્વક સામગ્રી સુરેખ રીતે રજૂ થઈ છે. બ્રેવો.

અમદાવાદ : ૩૦-૧૨-૯૫

– ચંદ્રકાન્ત ટોપીવાળા

૩.૧૪ : રશીદ મીર

આ વિશેષાંક ગુજરાતી સામયિકોના ઇતિહાસમાં સૌપ્રથમ ઘટના છે. આમ ઐતિહાસિક મૂલ્યની સાથે સાથે એનું દસ્તાવેજી મહત્ત્વ પણ સ્વયંસ્પષ્ટ છે. એના પ્રકાશન પછી એના ઉલ્લેખ સાથે કેટલાંક લવાજમો ‘ધબક’ને મળ્યાં એને પણ એની જ એક સાર્થકતાનો સંકેત ગણું છું. અભિનંદન.

વડોદરા : ૧૭-૨-૯૬

– રશીદ મીર

૩.૧૫ : સુધીર દેસાઈ

જેનો વિચાર આવવો એ પણ ઉત્તમ ગણાય એવું સરસ કામ થયું. આટલી વિગતો, આવા ને આટલા અનુભવો – એ બધું દસ્તાવેજી માહિતી લેખે પણ કોણ, આટલી વ્યવસ્થાપૂર્વક, આપવાનું હતું! આ બધું માત્ર કલ્પનાનો વિષય થઈ જાય પછી એના પર પીએચ.ડી. કરવા શિષ્યો ખોળવા પડત! અભિનંદન.

ગોધરા/મુંબઈ : ૧૮-૧-૯૬

– સુધીર દેસાઈ

૩.૧૬ : જયંત કોઠારી

‘પ્રત્યક્ષ’નો સામયિક-સંપાદક-વિશેષાંક દિલચશ્પ છે – સામગ્રી અને સામગ્રીની રજૂઆત બન્નેની દૃષ્ટિએ. મારી દૃષ્ટિએ આ ‘પ્રત્યક્ષ’ના કાર્યક્ષેત્રમાં ન આવે, ગ્રંથસમીક્ષાના સામયિક પાસે પોતાનું જ એક મોટું કામ હોય છે અને એને જ વધુમાં વધુ ન્યાય કરવાની કોશિશ એણે કરવી જોઈએ એમ હું માનું. પણ આ અંક હાથમાં આવતાં એ માન્યતાને બાજુ પર મૂકી દેવાનું મન થાય એવું કામ થયું છે. આટલાબધા સંપાદકો પાસેથી લખાણો કઢાવવાનું કાર્ય તો સાચે જ ભગીરથકાર્ય છે. એ માટે તમને જેટલાં અભિનંદન આપીએ એટલાં ઓછાં છે. તમે, વળી, કિશોર વ્યાસની મદદથી ફિલર્સમાં ભૂતકાલીન ગુજરાતી સામયિક-સંપાદનની નીતિરીતિ, ગતિવિધિ, ને મથામણોની ઝાંખી કરાવી એક મૂલ્યવંતું ઉમેરણ કર્યું છે. એની પસંદગી ખરે જ માર્મિક ને સૂઝભરી છે. આટલીબધી કેફિયતોમાં ક્યાંકક્યાંક ડોળ કે દંભ ન હોય તો જ નવાઈ, પણ ઘણાએ સચ્ચાઈથી ને દિલ ખોલીને, દાખલા આપીને લખ્યું છે તે વધારે અગત્યનું છે. ખાસ કરીને લઘુસામયિકોના સંપાદકોની કથની રોમાંચક છે. સામયિક-સંપાદનની જ નહીં, પોતાના ઘડતર વગેરેની કથા પણ કેટલાકે કરી છે એમાં રતિલાલ અનિલની વાતોએ તો અનેકનાં દિલ હલાવી નાખ્યાં છે. કેટલાક સંપાદકોએ ગ્રાહક નહીં થવાની વૃત્તિ પ્રત્યે જે આકરા પ્રહારો કર્યા છે તે મને રુચિકર લાગ્યા નથી, કેટલેક અંશે વાજબી પણ લાગ્યા નથી. છતાં એમણે તો પોતાના હૃદયનો ઉકળાટ ઠાલવ્યો, પણ તમે તમારા પ્રવેશકમાં આ મુદ્દાની વીગતે નોંધ લઈને એને જે મહત્ત્વ આપ્યું તે મને ગમ્યું નથી (તમે તમારો અભિપ્રાય તો ટાળ્યો છે). આ વિષયમાં ઉમાશંકરનું દૃષ્ટિબિંદુ ઘણું સ્વસ્થ છે અને એ નજર સામે રાખવા જેવું છે. હું પણ આપણી પ્રજાની જરૂરિયાત, રુચિ, શક્તિ અને વૃત્તિની વાસ્તવિકતાને સ્વીકારીને ચાલું, પણ ઉમાશંકર જેટલો અનાસક્ત કદાચ ન રહી શકું. હું ગ્રાહક નહીં થનારનો આદર કરું પણ પ્રેમથી, સમજાવટથી, સંબંધોનો ઉપયોગ કરીને ને શરમમાં નાખીને પણ ગ્રાહકો કરવાનો પ્રયત્ન કરું. જો હું કંઈ ઉપયોગી કામ કરતો હોઉં તો મને આમાં કંઈ સંકોચ ન નડે. આ પણ એક લોકકેળવણી છે. અને સામયિક-સંપાદકોને લોકકેળવણીકારની ભૂમિકા ભજવવાની છે જ ને?

અમદાવાદ : ૧૩-૨-૯૬

– જયંત કોઠારી

૧. મારે આ અંગે કોઈ અભિપ્રાય કે નિર્ણય આપવાનાં ન જ હતાં – એ કામ આ અંકના સમીક્ષકો પર જ છોડેલું. મેં તો તુલનાસામગ્રી લેખે આ વિગતો મૂકેલી છે ને પ્રવેશકમાં એનો સ્પષ્ટ નિર્દેશ પણ કરેલો છે. ઉમાશંકર જોશીનું ‘આપણને ગુજરાત કહેવા નહોતું આવ્યું!’ એ અવતરણ પણ મેં જ પસંદ કરીને મૂકેલું છે ને? ‘પ્રત્યક્ષ’ના સંપાદક તરીકેની કેફિયતમાં મેં લવાજમ ન મોકલનાર વિશે ફરિયાદ કરી નથી એને મારો અભિપ્રાય ગણી શકાય. – સં.

૩.૧૭ : મહેન્દ્ર મેઘાણી

અંક રસથી જોઈ ગયો. અર્ધવાર્ષિક ‘મિલાપ’ માટે પહેલો લેખ આમાંથી સંકલિત થઈને ટાઇપસેટિંગ પણ થઈ ગયો. તમે ઘણી સૂઝભરી મહેનત લીધી છે. મને તો અવકાશ-પૂરકો. (ફિલર્સ-Fillers, ફીલર્સ-feelers)માં ઘણો રસ પડ્યો. લઘુસામયિકોની દુનિયાનો ખાસ ખ્યાલ નહોતો તે મળ્યો. ગ્રાહક-વાચકોની ઉદાસીનતા અંગે તમે ‘પ્રવેશક’માં આખો ફકરો લખ્યો છે એ મને તો સારો ન લાગે. તમે જ એનો જવાબ ઉ.જો.ના અવતરણમાં આપી દીધો છે : ‘ગુજરાતને બેકદર શી રીતે કહીએ? આપણને ગુજરાત કહેવા આવ્યું નથી.’

ભાવનગર : ૪-૨-૯૬

– મહેન્દ્ર મેઘાણી

૩.૧૮ : વી. બી. ગણાત્રા

અમે વિશેષાંકનું સુપેરે અધ્યાયન કરેલ છે. આટલાં વર્ષોમાં અન્યને આવો વિશેષાંક કેમ ન સૂઝ્યો? ફીલર્સ સમુચિત છે. અતીતમાં અને વર્તમાનમાં અવગાહન કરાવે છે. ધારદાર છે, સચોટ છે, તલસ્પર્શી છે. શ્રી કિશોર વ્યાસને ધન્યવાદ! સંપાદક અને એમની પ્રતિનિધિ કૃતિઓવિષયક માહિતી, ચોકઠામાં સંપાદકનાં ધારદાર કથનોનાં અવતરણ – વિશેષાંકની કલગી સમાન છે. ખુમારી વિણનો સાહિત્યકાર જીવતું મુડદું. આપની ખુમારી દાદ માગે છે : ‘નિરવરોધ સ્વાયત્તતાનું સુખ ચાખી લીધા પછી કોઈપણ હિસાબે મન એને જતું કરવા તૈયાર ન હતું’ (વિશેષાંક, પૃ. ૧૩૫). ‘ગ્રંથ’ને પગલે ચાલવાનું અલબત્ત આપને અભિપ્રેત નથી. છતાં ‘પ્રત્યક્ષ’ કરતાં ‘ગ્રંથ’નાં સમીક્ષા, વિવેચન પ્રમાણમાં સરળ, સુરેખ, પ્રવાહી, પારદર્શક, દુર્બોધતા ‘પ્રત્યક્ષ’ની સરખામણીમાં અલ્પ. આખા અંકમાં શ્રી રતિલાલ અનિલનું આંતરકથન સર્વોત્તમ. શાળાકીય શિક્ષણ નહીવત્‌ પરંતુ જીવનની શાળામાં તવાયા, ઘડાયા. એમણે પેટછૂટી વાત કરી છે ઢાંકપિછોડો નહીં. એમણે સાક્ષરતાનો અંચળો ધારણ કર્યો નથી. શ્રી બચુભાઈ રાવત, શ્રી ઉમાશંકર જોશી, શ્રી ચુનીલાલ મડિયા, શ્રી સુરેશ જોષીને ‘પ્રત્યક્ષે’ સમુચિત યાદ કર્યા છે. સુરેશ જોષી વિષયક શ્રી જયંત પારેખના લેખમાં કંઈક ખૂટે છે. ‘પરબ’ના તંત્રી શ્રી ભોળાભાઈ પટેલ કહે છે કે ‘પરબ’ની પ્રતિમાસ ૨૫૦૦ નકલ પ્રગટ થાય છે (પૃ. ૪૪). પણ પરિષદના આજીવન સભ્યોને બાદ કરતાં, સામાન્ય ગ્રાહકો કેટલા? અલ્પ ગ્રાહકો અને ફેલાવો ધરાવતાં સામયિકોના તંત્રીઓ/સંપાદકોનું નાકનું ટેરવું ઊંચું રહે છે. કહે છે -‘ફેલાવાને અમે ઝાઝું મહત્ત્વ આપતા નથી.’ દ્રાક્ષ ખાટી કે? શ્રી સતીશ ડણાક લખે છે : ‘ફક્ત ત્રણ રૂપિયાનું વાર્ષિક લવાજમ ભરનાર ગ્રાહકોની સંખ્યા બે આંકડાથી કદી આગળ વધી જ નહીં’ (પૃ. ૧૦૦). સામે પાર શ્રી મફત ઓઝા દાવો કરે છે કે, “તાદર્થ્ય’ કદાચ સાહિત્ય-સામયિકોમાં સૌથી વધારે ફેલાવો ધરાવે છે’ (પૃ. ૯૬). અલબત્ત એમણે ફેલાવાની સંખ્યાનો ઘટસ્ફોટ કરેલ નથી. બાંધી મૂઠી લાખની. ‘સંસ્કૃતિ’ના ‘સર્જકની આંતરકથા’થી ‘પ્રત્યક્ષ’નો વિશેષાંક સવાયો છે. ધન્યવાદ!

મુંબઈ : ૧૬-૧-૯૬

– વી. બી. ગણાત્રા

૩.૧૯ : શીલચંદ્રવિજયગણિ

‘પ્રત્યક્ષ’ વિશેષાંક-લગભગ-અક્ષરશઃ વાંચી ગયો, છેલ્લા ઘણા દિવસોથી સાથે ફેરવતો હતો – અવકાશે વાંચવાની ધારણાથી. એમાં ચાર દિન પૂર્વે જરા સ્વાસ્થ્યમાં ગરબડ થવાથી અન્ય પ્રયોજનો ઠેલાતાં અવકાશ મજાનો મળી ગયો; રસ અને જિજ્ઞાસા તો હતાં જ. સળંગ વાંચી ગયો. મજા આવી ગઈ. એક અંકમાં મને તો સાહિત્ય-જગતનાં અનેક નામો, સામયિકો, અને તે બન્ને વિશેનાં મંતવ્યો/વલણો વિશે અઢળક જાણકારી મળી. કેટલાંક લખાણો બહુ ગમ્યાં, તો કોઈકોઈ સ્પર્શી પણ ગયાં. દા.ત., રતિલાલ ‘અનિલ’નુ લખાણ ‘કુમાર’ વિશેનો ધીરુ પરીખનો લેખ આરંભ્યો કે તત્ક્ષણ ‘કુમાર’માં પ્રકટતાં શ્રેષ્ઠ, દસ્તાવેજી, સૂક્ષ્મ રેખાંકનોથી છલકાતાં ચરિત્ર-ચિત્રો યાદ આવ્યાં. થયું, આ પણ એમાંનું જ હશે? ને છેડો આવતાં એ ધારણા ખરી પણ પડી! (એ ચરિત્રના પ્રથમ પૃષ્ઠમાં એક વાર ‘રવિશંકર પંડિત’ છપાયું છે ત્યાં ‘રવિશંકર રાવળ’ હોવું વધુ ઘટિત લાગે છે). મને તો આ અંકમાંના પ્રત્યેક લખાણમાં એક પ્રકારના સર્જનાત્મક ઉન્મેષનાં જ દર્શન થાય છે, એમ કહું. આમાં અત્યુક્તિ કે અણઘડતા હોય તો મારી વાત મને મુબારક; પણ મેં દરેક કેફિયતને આ રીતે જ માણી છે. એક નવી વાત એ જડી કે દરેક કેફિયતદારે, પોતાના હસ્તકના સામયિક માટે સાહિત્યકારો/વિવેચકો ઇત્યાદિ દ્વારા, ઘણીવાર કે વારંવાર, કેવાં નબળાં લખાણો આવતાં ને પોતે તે પાછાં વાળે તો તેના કેવા (મહદંશે અવળા) પડઘા પડતા તે વિશે લગભગ નોંધ્યું છે. હું એમ વિચારું છું કે આમાંના પ્રત્યેક સાહિત્યકાર કે સામયિકકારને માટે, મહદંશે, આમાંના અન્ય સાહિત્યકારો/સામયિકકારો તે જ વિપક્ષ હશે ને? આમાં તો પરસ્પરને પરસ્પરનો આવો અનુભવ થયો હોય અને તેથી પરસ્પરસ્પર્ધા કે પરસ્પરનો છેદ ઉડાડવાની ક્રિયા જ ડોકિયાં કરતી નથી જણાતી? બાકી, ઉમાશંકર જોશીની વાત મને, એક અસાહિત્યિક જણ લેખે, બહુ પ્રતીતિકર લાગી કે “આપણને ગુજરાત કહેવા આવ્યું નથી, સ્વેચ્છાએ આપણે આવી પ્રવૃત્તિ ઉપાડી. પછી પ્રજાને દોષ દેવાપણું ક્યાં રહ્યું?” – આ એક મુદ્દો એવો છે કે જેમાં ઉમાશંકરને બાદ કરતાં (આમાં સમાવાયેલા મહદંશે) બધા જ એકમ તે પ્રજાની સામે છે. અને પ્રજાની સામે રહેનારની સાથે બેસવાનું પ્રજા પસંદ શી રીતે કરે? એવો વધારાનો પ્રશ્ન પણ ઊગે જ. શારદાપ્રસાદનું ‘સંપાદકની ઉપલબ્ધિ’ શીર્ષકનું લખાણ ભાવી ગયું. ટૂંકમાં, મને તો તમારા આ અંકે ઘણું સંપડાવ્યું છે એ નિઃસંદેહ. સાદગીભર્યું, સુઘડ સાજસજ્જાવાળું લે-આઉટ પણ ચિત્તહર છે.

(વિહારયાત્રા દરમ્યાન)

પિયાવા; : ૨૪-૨-૯૬

– શીલચંદ્રવિજયગણિ

૩.૨૦ : દીપક મહેતા

સામયિકો અને તેના વિશેષાંકોની ગુજરાતીમાં નવાઈ નથી પણ ‘પ્રત્યક્ષ’નો આ વિશેષાંક અનન્ય બન્યો છે. આવો અફલાતૂન વિચાર તમને આવ્યો એ માટે જ પહેલાં તો અભિનંદન અને એ વિચારને આટલી વ્યવસ્થિત અને સુરેખ રીતે અમલમાં મૂકી શક્યા એ માટે ફરી અભિનંદન. તમે પ્રવેશકમાં લખ્યું છે એમ ખરેખર આ અંકના લેખોમાં ‘વક્તવ્યસામગ્રી તેમજ શૈલી-લખાવટની વિવિધ રેખાઓ ઊઘડી છે. દરેક સંપાદકનો આગવો અવાજ-ઉદ્‌ગાર સંભળાય છે.’ લેખોને અંતે વધતી જગામાં મૂકેલાં ફીલર્સ પણ અત્યંત દૃષ્ટિપૂર્વક પસંદ કરાયાં છે. પણ કેટલાક સંપાદકો રહી ગયા છે : ‘નવનીત’નાં કુંદનિકા કાપડિયા તરત યાદ આવે. દાયકાઓથી કવિતા દ્વૈમાસિક ચલાવતા બલકે દોડાવતા સુરેશ દલાલની ગેરહાજરી પણ નવાઈ પમાડે.૧ જો કે કરવા ધાર્યું હોય તે બધું જ ન થઈ શકે એવું તો સૌ કોઈને બને. પણ જે કર્યું છે તે આપણને ગુજરાતી સાહિત્યિક પત્રકારત્વનો એક લઘુ પણ શ્રદ્ધેય ઇતિહાસ પૂરો પાડે એમ છે. પત્રકારત્વના વિદ્યાર્થીઓ માટે અને પત્રકારો માટે પણ આ અંકનું થનાર પુસ્તક પાયાનું અભ્યાસ પુસ્તક બની રહેશે.

મુંબઈ, ફેબ્રુ. ૯૬ (‘સમકાલીન’માંથી).

– દીપક મહેતા

૧. મકરન્દભાઈ અને કુન્દનિકાબહેનને, હાથોહાથ મળે એમ નિમંત્રણપત્ર મોકલ્યો હતો, પણ એ લાંબો સમય બહાર હોવાથી પત્ર પાછો આવ્યો. પછી ફરી સંપર્ક શક્ય ન બન્યો. સુરેશ દલાલ બાબતે અગાઉ સ્પષ્ટતા કરી છે.

૩.૨૧ : ચિનુ મોદી સામયિકોનો ઇતિહાસ રસપ્રદ રીતે લખાયો છે અને પત્રકારત્વનું અધ્યાપન કરનાર-કરાવનાર માટે આ અંક ખૂબ અગત્યનો બનશે. આ અંક પુસ્તક-આકારે પ્રગટ થાય ત્યારે પ્રત્યેક દૈનિક, પ્રત્યેક સામયિક, પ્રત્યેક કૉલેજના ગુજરાતી વિભાગ તથા પત્રકારત્વ શીખવતી ફેકલ્ટીઝ અને ડિપાર્ટમેન્ટ્‌સ માટે આ વસાવવા જેવો કિંમતી ગ્રંથ બનશે.

અમદાવાદ, ૨-૨-૯૬ (‘લોકસત્તા’માંથી)

– ચિનુ મોદી

૩.૨૨ : રમણલાલ જોશી

‘વિશેષાંક’માં અનેક કેફિયતો, રસપ્રદ ને દિશાસૂચક છે... તમે આ વિશેષાંક પ્રગટ કરીને એક કરવા જેવું કામ કર્યું છે. વિવિધ તંત્રીઓના નિખાલસ અનુભવોમાંથી ચેતવણીઓ, સાવચેતીઓ, સામયિક-સંપાદનની સમસ્યાઓ વગેરે વિશે કીમતી સામગ્રી આ વિશેષાંકમાંથી ઉપલબ્ધ બને છે; એ એની નાનીસૂની ઉપલબ્ધિ નથી. પુસ્તકાકારે પ્રગટ થતાં તે ઘણો ઉપયોગી પુરવાર થશે.

અમદાવાદ : ૯-૩-૯૬ (‘સમભાવ’માંથી)

– રમણલાલ જોશી

૩.૨૩ : ભોળાભાઈ પટેલ

એક રીતે તમે ગુજરાતી સાહિત્યસામયિકોના પ્રદાનનું સરવૈયું આપ્યું છે એ સાથે આ સામયિકોના ટકી રહેવાના સંઘર્ષોની રસપ્રદ વાતો પણ સંપડાવી આપી છે. આ રીતના એક અભિનવ વિશેષાંકને વ્યવસ્થિત રીતે અતિ જહેમતથી એકલે હાથે સંપાદિત કરી પ્રગટ કરવા બદલ અભિનંદન. આ વિશેષાંક દ્વારા ગુજરાતી ભાષામાં સાહિત્ય-સામયિકોના ભૂતવર્તમાનના આલેખથી ભવિષ્યની પણ દિશાદૃષ્ટિનો નિર્દેશ મળી રહે છે. અંકમાં છેવાડે આ બધાં ય સામયિકોની એક સંકલિત સૂચિ આપવાની જરૂર હતી.૧

અમદાવાદ : ૧૬-૨-૯૬ (‘પરબ’ માર્ચ ૯૬માંથી)

૧. આ અંક પુસ્તકરૂપે પ્રકાશિત થઈ જ રહ્યો છે એમાં લેખકસૂચિ તથા સામયિકસૂચિ મૂક્યાં જ છે. – સં.

૩.૨૪ : સુભાષ દવે

આ વિશેષાંક, ‘પ્રત્યક્ષ’ ત્રૈમાસિકની એક સદા જીવન્ત રહેનારી ઘટના બની છે. સાહિત્યિક-સામયિકના સમય-સમયના સંપાદકો-તંત્રીઓનાં પોતપોતાનાં સામયિકો નિમિત્તેનાં અરમાનો, અગવડો ને આક્રોશોને નિરૂપતી કેફિયતોમાંથી પસાર થતાં એક પ્રતિક્રિયા એવી ઊઠે છે કે ગુજરાતી પ્રજાનો જે સાહિત્યિક શિક્ષિત વર્ગ છે, એ પોતે જ સ્વૈચ્છિક રીતે નઘરોળ બનીને અશિક્ષિત રહેવાનું વલણ દાખવે છે, તેમાં કેટલાક કેફિયતકારોય કેમ સમાઈ જતા દેખાય છે? ‘સ્વાધ્યાય’, ‘વિશ્વમાનવ’ અને ‘અખંડઆનંદ’ને અહીં જગ્યા અપાઈ હોત, તો આ અંકની સમૃદ્ધિ વધત.

વડોદરા

– સુભાષ દવે