અધીત : પ્રમુખીય પ્રવચનો - ૨/તુલનાત્મક સાહિત્યનો શૈક્ષણિક અભિગમ

From Ekatra Wiki
Revision as of 02:09, 25 April 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧૮ .
તુલનાત્મક સાહિત્યનો શૈક્ષણિક અભિગમ
ડૉ. ધીરુ પરીખ

‘ગુજરાતીનો અધ્યાપક સંઘ’ના આ અધિવેશનના ઉદ્ઘાટક મુરબ્બી શ્રી ‘દર્શક', યજમાનસંસ્થાના સહુ કાર્યકર ભાઈબહેનો, નિવૃત્ત થતા પ્રમુખ પ્રો. હર્ષદભાઈ ત્રિવેદી, સંઘના મંત્રીઓ સર્વશ્રી ઉષાબહેન, જયદેવભાઈ, કૃષ્ણદેવભાઈ અને જયેશભાઈ તથા ઉપસ્થિત સહુ અધ્યાપકમિત્રો, ગુજરાતીના સહુ અધ્યાપકમિત્રોએ સર્વાનુમતે આ વર્ષ માટે ‘ગુજરાતીનો અધ્યાપક સંઘ'ના પ્રમુખ તરીકે મારી વરણી કરી છે એ બદલ સહુનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. અનૌપચારિક રીતે આટલા સુદીર્ઘકાળથી અને આટલી સુબદ્ધ રીતે ચાલતી આપણા સંઘની પ્રવૃત્તિઓ વધુ ને વધુ સુઘટ્ટ બની રહો તેવી ભાવના અને શુભેચ્છા વ્યક્ત કરવાની તક લઉં છું. વર્ષ-પ્રતિવર્ષ શિક્ષણ અને તેમાંય સાહિત્યનું શિક્ષણ કટોકટીનો સામનો કરતું જાય છે એવો મારી સાથે આપ સહુનો પણ અનુભવ હશે એમ માનું છું. આથી કોઈ કાળે નહોતી તેવી અને તેટલી આજે સાહિત્યના અને તેમાંય ગુજરાતી સાહિત્યના શિક્ષણની ચિંતા કરવાનું વાજબી કારણ છે. આ માટે આપણા સહુના પ્રયત્નો સાહિત્યના શિક્ષણની પ્રવર્તમાન પરિસ્થિતિમાંથી જન્મેલા પ્રશ્નો પ્રતિ વધુ સક્રિય બનાવવાનો સમય પાકી ગયો છે ત્યારે આપણા સંઘની જવાબદારી ભૂતકાળમાં કદી નહોતી તેટલી ગંભીર બની રહે છે. આ દિશામાં મારાથી બનતા બધા જ પ્રયત્નો કરી છૂટવાની આ ક્ષણે અને આ સ્થળેથી મારી પ્રતિબદ્ધતા જાહે૨ કરું છું અને આપ સહુની પ્રતિબદ્ધતા એમાં અનુસ્યૂત હો એવી અપેક્ષા સેવું છું. આ બાબતે ઇતિ અલમ્! આજે મારે મારા વ્યાખ્યાન નિમિત્તે જે વિષયની વાત કરવી છે તે છે તુલનાત્મક સાહિત્યનો શૈક્ષણિક અભિગમ. ઉચ્ચ શિક્ષણનાં છેલ્લાં પચાસેક વર્ષનો ઇતિહાસ જોઈશું તો જણાશે કે સાહિત્યના અભ્યાસક્ષેત્રમાં વધુ ઝડપથી અને વ્યાપક રીતે પરિવર્તનો આવતાં રહ્યાં છે. વહેતા પ્રવાહ જેવી સાહિત્યની વિદ્યાશાખા માટે આમ થવું સ્વાભાવિક છે. સામાન્ય રીતે છેલ્લાં કેટલાંક વર્ષોથી ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે એક યા બીજા સ્તરે, એક યા બીજી યુનિવર્સિટીમાં આધુનિકતાનું સાહિત્ય, સર્જાતું સાહિત્ય, ભારતીય સાહિત્ય, વિશ્વસાહિત્ય, ગાંધીસાહિત્ય, લોકસાહિત્ય, તુલનાત્મક સાહિત્ય આદિ અભ્યાસવિષયો . બન્યા છે. આમાં છેલ્લું ઉમેરણ તુલનાત્મક સાહિત્યનું છે. તુલનાત્મક સાહિત્યનો પ્રથમ પ્રયોગ ઈ. સ. ૧૮૮૬માં લંડનની કૅગાન પોલ ટ્રેન્ચ ઍન્ડ કંપની દ્વારા “ધી ઇન્ટરનૅશનલ સાયન્ટિફિક સીરિઝ”માં હચેસન મૅકોલે પોસનેટે પ્રકટ કરેલા પોતાના ગ્રંથના શીર્ષકમાં કર્યો હતો. પછી તો આ અભિગમ અને તેના સ્વરૂપની ધીમે ધીમે સ્પષ્ટતા થતી આવી અને આ સદીના ત્રીજા દાયકામાં ‘તુલનાત્મક સાહિત્ય'નો વિવેચનના એક અભિગમ તરીકે સ્વીકાર થતો આવ્યો. આ સદીના બીજા ચરણને અંતે આ અભિગમનો મહિમા સ્વીકારાયો અને જર્મન, ફ્રેન્ચ તથા અમેરિકન ‘સ્કૂલ' રૂપે એ ત્રણ પ્રકારે વિકસતો ગયો. આ અભિગમના જર્મન પુરસ્કર્તાઓ વિલ્હેમ ફોન તેગહેમ, ફ્રેન્ચ પુરસ્કર્તા પિકવા અને રુસો તથા રેને વેલેક તેમ જ અમેરિકન પુરસ્કર્તા લેઇન કૂપર, એ. ઓવેન ઑસ્ટ્રિજ અને એસ. એસ. પ્રેવર આદિએ આ અભિગમના એક યા બીજા મુદ્દા પર વત્તોઓછો ભાર મૂક્યો છે; પરંતુ સાહિત્યના વિવેચનના એક અભિગમ લેખે કે વિવેચનની એક પદ્ધતિ તરીકે ‘તુલનાત્મક સાહિત્ય'ની ચર્ચા કરવાનું મને અહીં અભિપ્રેત નથી. સાહિત્યની વિકસતી અને વિસ્તરતી ક્ષિતિજોની સાથે એમાં સાહિત્યવિવેચનના અવનવા અભિગમો આવતા-જતા રહ્યા છે. આનો વિનિયોગ એક તરફથી પ્રત્યક્ષ-પરોક્ષ વિવેચન-પ્રવૃત્તિમાં થતો હોય છે તો બીજી તરફથી સાહિત્ય-શિક્ષણના ક્ષેત્રમાં એનો આનુષંગિક પ્રવેશ થતો હોય છે. આજે ગુજરાતની કેટલીક યુનિવર્સિટીઓમાં તથા અન્ય કેટલાંક રાજ્યોની કેટલીક યુનિવર્સિટીઓમાં ‘તુલનાત્મક સાહિત્ય'નો વિષય બહુધા અનુસ્નાતક કક્ષાએ શીખવાય છે. વળી, આપણે ત્યાં તાજેતરમાં જ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં તો તુલનાત્મક સાહિત્યનો અનુસ્નાતક વિભાગ શરૂ કરાયો છે ત્યારે આ વિષયના શિક્ષણનો વધતો જતો મહિમા બૂઝીને એ અંગે વિચારણા થવી અનિવાર્ય બને છે. પ્રથમ અહીં એક સ્મરણ નોંધું છું. પિસ્તાળીસેક વર્ષ પહેલાંનો પ્રસંગ છે. ત્યારે હું કૉલેજના પ્રથમ વર્ષમાં હતો. સંસ્કૃતના વિષયમાં કાલિદાસનું ‘શાકુન્તલ' ભણાવાતું હતું. અધ્યાપકે કહ્યું, ‘Kalidas is the Shakespeare of India' (જોકે ખરેખર તો એમ વાક્યરચના થવી જોઈએ કે shakespeare is the Kalidas of Europe, કારણ કે કાલિદાસ શેક્સપિયરની પૂર્વે થઈ ગયા, પરંતુ અંગ્રેજી રાજ્યના પ્રભાવ તળે સંસ્થાનવાદી માનસ આમ ઉપમા પ્રયોજે તે ત્યારે સ્વાભાવિક હતું!) હજુ ત્યારે ‘તુલનાત્મક સાહિત્ય' શબ્દપ્રયોગ સ્વપ્નવત્ હતો. હા, રવીન્દ્રનાથે ‘વિશ્વસાહિત્ય' (weltliteratur)ની ચર્ચાસંદર્ભે ‘તુલનાત્મક સાહિત્ય' શબ્દોનો સંભવતઃ પ્રથમ વાર પ્રયોગ કર્યો હતો. આપણે ત્યાં ‘તુલનાત્મક સાહિત્ય'ના અભિગમની ચોક્કસ સભાનતા વગર પણ એ દિશામાં વિવેચન-અભ્યાસ થયેલાં છે જરૂર. તરત જ યાદ આવે ‘ગુજરાતનો નાથ'ના સંદર્ભે વિશ્વનાથ ભટ્ટે કરેલી મુનશી પર ડૂમાની અસરની ચર્ચા. આમાં ‘તુલનાત્મક સાહિત્ય'નો એક મહત્ત્વનો મુદ્દો ‘influence study' (અસરનો અભ્યાસ) જાણે કેન્દ્રમાં રાખી ચર્ચા થયેલી છે. રામનારાયણ વિશ્વનાથ પાઠકનો લેખ ‘મહાભારતનું નલોપાખ્યાન અને પ્રેમાનંદનું નળાખ્યાન' અનુવર્તી કૃતિના મૂળ સ્રોત સાથે સામ્ય-વૈષમ્યની, ઉચિતાનુચિત ફેરફારો આદિની ચર્ચાને કેન્દ્રમાં રાખે છે અને અનુકાલીન સર્જક પ્રેમાનંદની સર્જકપ્રતિભાનો તાગ કાઢવાનો પ્રશસ્ય પ્રયાસ કરે છે. ઉમાશંકર જોશીએ વર્ડ્ઝવર્થના ‘ટિન્ટર્નએબિ' અને બલવંતરાય ઠાકોરના ‘આરોહણ'ને કેન્દ્રમાં રાખી વિષયવસ્તુગત તથા રચનારીતિગત તુલનાત્મક અભ્યાસલેખ આપ્યો છે. આ બધા લેખો આપણે ત્યાં સાહિત્ય વિવેચનમાં અને સાહિત્યશિક્ષણમાં ‘તુલનાત્મક સાહિત્ય’ની આબોહવા રચાય તે પહેલાંના છે. આમ, ‘તુલનાત્મક સાહિત્ય'ના વૈવેચનિક કે શૈક્ષણિક અભિગમની ભૂમિ બંધાય તે પહેલાં પણ જાણ્યે-અજાણ્યે એ દિશામાં સક્રિયતાનો આરંભ તો થઈ ચૂક્યો જ હતો. પણ આજના તબક્કે ‘તુલનાત્મક સાહિત્ય' વિશેષ અને વધુ ધ્યાનાર્હ બને છે. આજે વિશ્વ સાંકડું બનતું જાય છે. સમૂહમાધ્યમો અને પ્રવાસ-સુવિધાઓના ઝડપી વિકાસથી આજે વિશ્વસંસ્કૃતિ(Global Culture)નું વાતાવરણ સર્જાતું જાય છે ત્યારે માત્ર પોતાની જ ભાષાના કે પોતાના જ દેશના સાહિત્યના અભ્યાસથી સંતુષ્ટ રહેવું પાલવે નહીં. વિશ્વનાં વિવિધ સાહિત્યોથી અવગત થવું અનિવાર્ય બન્યું છે. શું સર્જક કે શું ભાવક, જેને પણ વિકસતા વિશ્વ સાથે કદમ મિલાવવાં હશે તેણે વિશ્વનાં વિવિધ સાહિત્યો સાથે ત્વરિત અને તીવ્રતાથી નાતો જોડવો પડશે. સામાન્ય વાચક પોતે જેટલી સજગતાથી આ દિશામાં પહેલ કરશે તે તો સૂઝસમજ પ્રમાણે. પરંતુ નવી પેઢીને તૈયાર કરવાનું જવાબદારીભર્યું કાર્ય શિક્ષણે કરવાનું છે એમાં બે મત હોઈ ન શકે. આથી આજના યુગસંદર્ભે શિક્ષણક્ષેત્રની જવાબદારી ખૂબ વધી જાય છે. તેમાંય, આપણે સહુ જેની સાથે સંકળાયેલાં છીએ તે શિક્ષણક્ષેત્રની જવાબદારી તો સૌથી વિશેષ છે. વર્ષોજૂની સાહિત્યશિક્ષણની ઘરેડ આમ તો આમૂલ પરિવર્તન માગે છે પણ એ તો થાય ત્યારે! પરંતુ એની રાહ જોઈને નિષ્ક્રિય બેસી રહેવાથી તો આજની શિક્ષકપેઢી આવતી કાલની વિદ્યાર્થીપેઢીની અક્ષમ્ય ગુનેગાર બનશે. આજે સાહિત્યના સર્જનનો વ્યાપ અને વૈવિધ્ય વધ્યાં છે; પૂર્વે કદી ન હતાં તેટલાં વધ્યાં છે, ત્યારે સાહિત્યના શિક્ષણમાં આ ‘તુલનાત્મક સાહિત્ય'નો ઉમેરો અત્યાવશ્યક અને તેથી આવકાર્ય છે. આ છે ‘તુલનાત્મક સાહિત્ય' શિક્ષણક્ષેત્રે શા માટે તેનો ઉત્તર. હવે મહત્ત્વની વાત આવે છે તુલનાત્મક સાહિત્યના શૈક્ષણિક અભિગમની. આ અભ્યાસ કેવી રીતે કરાવવો? આ વિષય હજુ નવો નવો પ્રવેશ પામે છે ત્યારે વિવિધ સ્થળે તે યાદૃચ્છિક બની જવાની દહેશત છે. આથી આ અભિગમના શૈક્ષણિક મૂલ્યનું હાર્દ અળપાઈ ન જાય તે રીતે તેની શિક્ષણવ્યવસ્થા રચાય તે આ તબક્કે સૌથી વધારે અનિવાર્ય છે. અત્યારે મહદંશે આ વિષય . એક બે પેપર પૂરતો અનુસ્નાતક કક્ષાએ દાખલ કરાયો છે. એમાં સામાન્ય વહેંચણી સૈદ્ધાંતિક અને પ્રત્યક્ષ એમ બે સ્તરે થાય છે. આ વિષયના શિક્ષણપ્રવેશ માટે આ વ્યવસ્થા માન્ય રાખી શકાય. વિષય વધુ વ્યાપક હોવાથી તેનું અનુસ્નાતક કક્ષાએ સવિગત અને સમ્યગ્ અધ્યાપન થાય તે ઇષ્ટ છે; પરંતુ જો આ વિષયને સ્નાતક કક્ષાએ એકાદ પેપરમાં પ્રવેશ મળે, કે જ્યાં બેએક કૃતિઓનું સાથે મૂકીને ભણાવવાનું બને, તો આગળ જતાં અનુસ્નાતક કક્ષાએ તેનો અનુબંધ રચાઈ આવે. આ માટે સ્નાતક કક્ષાએ વિશ્વસાહિત્યમાંથી જાણીતી અને નીવડેલી કૃતિઓ પસંદ થવી જોઈએ, જેથી વિદ્યાર્થીનો સાહિત્યરસ કેળવાય અને કૉળી રહે. જ્યારે આવી કૃતિઓ પસંદ કરવામાં આવે ત્યારે કોઈ ચોક્કસ મુદ્દાનો પણ નિર્દેશ થવો જોઈએ કે જેથી તે કૃતિઓનો અભ્યાસ યદ્વાતદ્વા ન ચાલે અને ચોક્કસ સ્વરૂપ ધારણ કરે; જેમ કે, ટૉમસ હાર્ડીની ‘ટેસ' નવલકથાની સાથે રેણુની મૈલા આંચલ' કે પન્નાલાલની 'માનવીની ભવાઈ' કે તારાશંકરની ‘ગણદેવતા’ મૂકીને પ્રાદેશિકતાના સંદર્ભે તે તે કૃતિઓનો અભ્યાસ કરી શકાય. આવા બીજા મુદ્દાઓને કેન્દ્રમાં રાખી બીજા સાહિત્યસ્વરૂપની રચનાઓની પસંદગી થઈ શકે. અલબત્ત, આમાં અન્ય ભાષાની કૃતિઓ આપણી ભાષામાં ઊતરી હોય, એટલે કે સ્રોતભાષામાંથી લક્ષ્યભાષામાં ઊતરી હોય, તો સ્નાતક કક્ષાએ તેનું અધ્યાપન સુગમ પડે. જરૂર પડ્યે અનિવાર્ય કૃતિઓના અનુવાદની પ્રવૃત્તિ પણ આ અનુષંગે વિકસવી જોઈએ. આટલી અમસ્તી સજ્જતા સાથે જો સ્નાતક કક્ષાએ વિદ્યાર્થી તૈયાર થયો હોય તો તેને અનુસ્નાતક કક્ષાએ વધુ રસ પડે, રસ લેતો કરી શકાય. અનુસ્નાતક કક્ષાએ આ વિષયનું સૈદ્ધાંતિક સ્વરૂપ અધ્યયનમાં હોય તે ખૂબ જરૂરી ગણાય. એ માટે અત્યારે તો અંગ્રેજી પુસ્તક પર આધાર રાખવો પડે તેવી સ્થિતિ છે; પરંતુ કાળક્રમે આપણામાંથી તેજસ્વી અધ્યાપકોએ આ વિષયને લગતાં ગુજરાતી પુસ્તકો તૈયાર કરવાં જોઈએ. ગુજરાતીના અધ્યાપકની અધ્યાપન-ફરજનો જ આ એક ભાગ છે. આમ કરવાથી જતે દિવસે આપણી ભાષામાં આ વિષયની સૈદ્ધાંતિક ચર્ચા કરતું શ્રદ્ધેય પુસ્તક કે પુસ્તકો મળી રહેશે, જેથી વિષય અને વિદ્યાર્થી ઉભયને લાભ થશે, પરિણામે લેભાગુ માર્ગદર્શિકાઓથી ગુમરાહ થવાનું ટાળી શકાશે. પણ આ બધું ક્યારે શક્ય બને? આ બધાનો આધાર આજના અધ્યાપકની સજ્જતા કેળવવાની વૃત્તિ ૫૨ છે. જે અધ્યાપકને આ વિષયમાં ખાબકવું હશે તેણે પ્રથમ તો પોતાની સજ્જતા વધારવી પડશે, અને સજ્જતા એટલે પ્રથમ એક કરતાં વધુ ભાષાની જાણકારી પ્રાપ્ત કરવા પરત્વે. અને બીજું સાહિત્યવાચનની વિસ્તૃતિ પરત્વે. આમાંય અંગ્રેજી પરનો આપણો કાબૂ આની આધારશિલા બનશે. વિશ્વની જૂનીનવી નીવડેલી કૃતિઓના વિશ્વની વ્યવહારભાષા અંગ્રેજીમાં અનુવાદો ઉપલબ્ધ બને છે ત્યારે ત્યાં સુધી પહોંચવા માટે આવશ્યક અંગ્રેજીની જાણકારીનો અભાવ મોટું વિઘ્ન બની જશે. એટલે આ વિષયના અધ્યાપનની સફળતાનો આધાર અધ્યાપકની સજ્જતા કેટલી છે તેના પર છે. આમ, સજ્જ થયેલા અધ્યાપકની દૃષ્ટિ તુલનાત્મક બને છે અને એ દૃષ્ટિકોણથી તે કૃતિઓને તપાસે છે. પોતાના અભ્યાસક્ષેત્રની કૃતિઓમાંનાં વિવિધ સામ્યવૈષમ્યો તપાસી તે કૃતિ દ્વારા કર્તાની સર્જકતાના વિશેષ સુધી પહોંચવા મથે છે. આમ, પોતાના સ્વાધ્યાયના પરિપાક રૂપે તે પોતાના તે વિષયના વિદ્યાર્થીઓને વિવિધ કૃતિઓના સર્વસામાન્ય ઘટકાંશો અને વિશિષ્ટ વ્યાવર્તક લક્ષણોના વિશ્લેષણથી સર્જકતાનાં રસકેન્દ્રો પ્રતિ દોરી જાય છે. વિવિધ કૃતિઓના સર્જકોને બૃહદ્ અને પારસ્પરિક સંદર્ભમાં ખોલી આપે છે. પરિણામે કૃતિ નિમિત્તે સર્જકતા શી ચીજ છે, તેનાં અદ્ભુત કે અધમ પરિણામો કેવાં આવી શકે તે તુલનાને કારણે વધુ સચોટતાથી અને વધુ પ્રતીતિકારકતાથી ચીંધી આપે છે. આમ કરવા પાછળનો ઉદ્દેશ આજે વધુ ને વધુ સાંકડા બની રહેલા વિશ્વમાં સાહિત્યતત્ત્વનો શો મહિમા છે તે છતો કરવાનો છે. સાહિત્યમાંનાં સર્વકાલીન અને તત્કાલીન, સર્વસ્થલીય અને એતદ્શલીય સંવેદનો, સાંસ્કૃતિક સંદર્ભો, સાહિત્યમાં સાહિત્યેતર અન્ય કલાઓની ઉપકારકતા આદિ વિશેષોને ઝીણવટથી તપાસી સર્જકની સર્જનપ્રક્રિયામાં એ કેવા અને કેટલા સક્રિય બન્યા છે અને કૃતિમાં કેવા અને કેટલા પ્રતિફલિત થયા છે તેની છણાવટ કરી છાત્રને સાહિત્યના વ્યાપક ફલક પાસે લઈ જવાનું કામ આવા સજ્જ અધ્યાપકે કરવાનું છે. આ રીતે એક પ્રકારનું તાટસ્થ્યમૂલક સાહિત્યિક વાતાવરણ રચી આપી વિદ્યાર્થીને તેની સન્મુખ ખડો કરી દઈ સાહિત્યની ચોખ્ખી હવા શ્વસતો કરવાની તેની જવાબદારી છે. તુલનાત્મક સાહિત્યનો આ પણ એક શૈક્ષણિક અભિગમ છે. આ વિષયની શિક્ષણપદ્ધતિમાં જ્યારે કૃતિઓનું તુલનાત્મક અધ્યાપન કરાવવાનું હોય ત્યારે પાઠ્યકૃતિઓ એક જ અધ્યાપકને હવાલે હોય તે, આદર્શ અને અનિવાર્ય સ્થિતિ છે. અહીં એકાધિક પાઠ્યકૃતિઓનું છૂટક છૂટક કૃતિલક્ષી અધ્યાપન અભિપ્રેત નથી એ અધોરેખિત મુદ્દો છે. આથી જો એક જ અધ્યાપક બધી જ પાઠ્યકૃતિઓનું અધ્યાપન કરાવે તો તે સૌની યુગપત્ ચર્ચા કરી શકે. તુલના માટેના મુદ્દાઓને પાઠ્યકૃતિઓના સંદર્ભમાં એકસાથે ચર્ચવાની અનિવાર્ય સુગમતા સાંપડી રહે. કોઈ એક પાઠ્યકૃતિનો વિવેચનાત્મક અભ્યાસ કે પછી પાઠ્યકૃતિઓનો અલગ અલગ વિવેચનાત્મક અભ્યાસ અહીં અભિપ્રેત નથી, બલકે બધી જ પાઠ્યકૃતિઓના તુલનાત્મક મુદ્દાઓનો સંતુલિત અભ્યાસ અપેક્ષિત છે અને આ ત્યારે જ વધુ કામયાબ બને કે જ્યારે તે એક જ અધ્યાપક ભણાવતા હોય. આ સિવાય સાહિત્યપ્રકાર, સાહિત્યપ્રવાહ, સાહિત્યિક ચળવળ, સાહિત્યિક સિદ્ધાંતો, સાહિત્ય અને સાંસ્કૃતિક પરિસર, સાહિત્ય અને અન્ય કલાઓ આદિ મુદ્દાઓનું સ્વતંત્ર અધ્યાપન અલગ અલગ અધ્યાપકને સોંપી શકાય; પરંતુ તુલનાત્મક સાહિત્યના પેપરમાં પાઠ્યકૃતિઓના અધ્યાપનની જવાબદારી એક જ અધ્યાપકને સોંપવાનો આગ્રહ રાખવો જોઈએ. તુલનાત્મક સાહિત્યના શિક્ષણની આવશ્યકતા પશ્ચિમના દેશોમાં સ્વીકારાઈ ચૂકી છે અને આપણે ત્યાં હવે સ્વીકારાતી જાય છે ત્યારે એ દિશામાં વધુ સભાનતા અને સક્રિયતા દાખવવાની જરૂર છે. તેમાંય ભારત જેવા બહુભાષીય દેશમાં આ વિષયનો એના પારંપરિક સ્વરૂપથી જુદા સંદર્ભમાં પણ વિચાર થવો ઘટે. ભારતીય સંસ્કૃતિના મૂલાધારો ભલે એક હોય પણ એમાં પ્રાંતીય વૈવિધ્ય અપાર છે. આ બધાની છબી જુદી જુદી પ્રાંતીય ભાષાઓના સાહિત્યમાં ઝિલાઈ હોય તે સ્વાભાવિક છે. ભારત જેવા દેશનું ભૌગોલિક અને પ્રાકૃતિક અપાર વૈવિધ્ય, સામાજિક રીતરિવાજો અને પારિવારિક જીવનશૈલીઓનું વૈવિધ્ય, પ્રદેશ પ્રદેશની લોકવિદ્યાનું વૈવિધ્ય આપણા રાષ્ટ્રની એકતામાં પણ અનેકતા અને અનેકતામાં એકતાનો હૃદ્ય અનુભવ કરાવી રહે છે. આથી જ આપણા રાષ્ટ્રની વિવિધ ભાષાઓમાં રચાયેલા સાહિત્યનો તુલનાત્મક અભ્યાસ, તુલનાત્મક સાહિત્યના પારંપરિક ખ્યાલથી હઠીને પણ, રસપ્રદ બની રહે તેમ છે. આ હિસાબે આપણે ત્યાંના અભ્યાસક્રમમાં ભારતની વિવિધ ભાષાની સાહિત્યકૃતિઓનું એક અલગ પેપર બની શકે; બલકે બનવું જોઈએ. અલબત્ત, એ ‘ભારતીય સાહિત્ય'ની સંજ્ઞા નીચે નહીં, પરંતુ ‘તુલનાત્મક સાહિત્ય'ના અભ્યાસક્ષેત્રમાં આવરી લેવાવું જોઈએ. જો ‘ભારતીય સાહિત્ય'ની સંજ્ઞા તળે આ મૂકવામાં આવે તો તેના અર્થ અને અભિગમ બદલાઈ જાય. આથી ‘તુલનાત્મક સાહિત્ય'માં ભારતીય કૃતિઓનો સમાવેશ થાય ત્યારે સાથે રાષ્ટ્રીય એકતાની સમજ પણ અનિવાર્યપણે એ અભ્યાસમાં ભળે છે. આમ, આ રીતે એ રાષ્ટ્રીય શિક્ષણનો હેતુ પણ સિદ્ધ કરી આપે છે. વિશ્વ સાંકડું બનતું જાય છે અને વિશ્વસંસ્કૃતિનું વાતાવરણ રચાતું આવે છે. એ આદર્શનો આદર કરીએ તોપણ કોઈ પ્રજા પોતાનાં સાંસ્કૃતિક મૂળિયામાંથી ફંગોળાઈ જવાનું કદી સ્વીકારશે નહીં એ વાસ્તવિકતાનો પણ સમાદર કરવો પડશે. અને આવી સૂક્ષ્મતાઓ તથા સંવેદનશીલતા સાહિત્ય જેવી કલામાં ઝિલાઈ ને જળવાઈ રહેશે. આથી વિશ્વસંસ્કૃતિની ભાવનાના વાતાવરણ વચ્ચે પણ પ્રત્યેક પ્રજાનું સાહિત્ય પ્રજાકીય લાક્ષણિકતાઓને પ્રતિબિંબિત કરતું જ રહેશે. અને જ્યાં સુધી આ પ્રકારે સાહિત્યસર્જન થતું રહેશે ત્યાં સુધી ‘તુલનાત્મક સાહિત્ય’નું ભાવિ સલામત છે. વિશ્વસંસ્કૃતિ અને રાષ્ટ્રસંસ્કૃતિના દ્વૈત વચ્ચે તુલનાત્મક સાહિત્યનું અધ્યાપન સવિશેષ જરૂરી બન્યું છે. વિશ્વનાગરિક અને રાષ્ટ્રનાગરિકની દ્વૈતાત્મક માનસિકતા વચ્ચે નવી પેઢીને માનવ માનવ વચ્ચેના સંબંધોની શૃંખલા દૃઢ બનાવવામાં, એની ચેતના સમૃદ્ધ કરવામાં, આ તુલનાત્મક સાહિત્યનું શિક્ષણ મહત્ત્વનો ફાળો આપી રહેશે. એને કારણે વિકૃત રાષ્ટ્રિય અસ્મિતા ભૂંસાતી જશે, રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેની ભૌગોલિક સીમાઓ અને સાંસ્કૃતિક વ્યાવર્તકતાઓ રહેવા છતાંય, એનો સ્વીકાર કરીને પણ, ભાવિ પેઢી ‘વસુધૈવ કુટુંબકમ્'નો આદર્શ સુપેરે ચરિતાર્થ કરી રહે તેવી સંવેદનાની કેળવણી આ તુલનાત્મક સાહિત્યના અધ્યયનથી સિદ્ધ કરી શકાશે. આમ, આજના યુગસંદર્ભમાં તુલનાત્મક સાહિત્યના અધ્યયન-અધ્યાપનની ભૂતકાળમાં કોઈ કાળે નહોતી તેથી વધારે તાતી અને તીવ્ર જરૂરિયાત પ્રતીત થાય છે. મનુષ્યની વ્યાપક ચૈતસિક કેળવણી માટે આ અભિગમ વધુ કામયાબ નીવડશે. આથી તુલનાત્મક સાહિત્યની આવી મહત્ત્વની અને મહત્ત્વાકાંક્ષી ભૂમિકા સ્પષ્ટ થયા પછી તેના શૈક્ષણિક અભિગમમાં પણ એની આ ભૂમિકાનું વિસ્મરણ ન થવું જોઈએ. માત્ર તુલનાત્મક સાહિત્યનો સૈદ્ધાંતિક પક્ષ કે તેનો પ્રત્યક્ષ પક્ષ અધ્યાપનનો વિષય બને અને શુક સર્દશ તેનો પાઠ થાય તે આ વિષયની ઇતિશ્રી નથી. ‘તુલનાત્મક સાહિત્ય’નો ઉદ્ભવ અને વિકાસ કેવા સંજોગોમાં અને કઈ ભૂમિકાએ થયો છે તેને સમજી લઈ ‘તુલનાત્મક સાહિત્ય'ના અધ્યાપકે પોતાની શિક્ષક તરીકેની ભૂમિકા અદા કરવાની છે, અને તેને અનુરૂપ શૈક્ષણિક અભિગમ અપનાવવાનો છે. એટલે માત્ર કૃતિ કૃતિ વચ્ચેનાં સામ્યો-વૈષમ્યોની ગાણિતિક ગણતરી કે કોરી ચર્ચાથી કે તેના સિદ્ધાંતોના પરિપ્રેક્ષ્યમાં પાઠ્યકૃતિઓનું વિશ્લેષણ કરવાથી વિષયને પૂરતો ન્યાય નહીં મળી રહે. આથી ‘તુલનાત્મક સાહિત્ય'નો વિવેચન-અભિગમ અપનાવનાર કરતાં એનું શિક્ષણ આપનાર શિક્ષકની ભૂમિકા વધુ જવાબદારીભરી છે. ‘તુલનાત્મક સાહિત્ય'ના હાર્દને પૂરું પામી તે વિષયનો શૈક્ષણિક અભિગમ અપનાવવાનો છે. સાહિત્યને કેન્દ્રમાં રાખી, વ્યાપક અર્થમાં સાંસ્કૃતિક-સામાજિક અધ્યાસો નજરઅંદાજ કર્યા વગર, વિદ્યાર્થીની ચેતના પર તરોતાજા આબોહવાનો સંચાર કરવાનો છે. સંકુચિતતામાંથી એને વિકસનના રાહે દોરી જવાનો છે. મૂલ્યાંકનનાં તૈયાર પડીકાં બંધાવવાનો નહીં, પણ એ દિશામાં સ્વયં શક્તિમાન બને તેવો પુરુષાર્થ કરવાનો છે. આવી ઉજાગર દૃષ્ટિ-વૃત્તિથી જો આ વિષયનો શૈક્ષણિક અભિગમ અપનાવવામાં આવશે તો એકવીસમી સદીમાં જવા તલપાપડ થઈ રહેલી પેઢીને આ વિષય ભણાવ્યો લેખે લાગશે. આ નિમિત્તે આ વિષય અંગેની મારી થોડી વાત કરવાની ગુજરાતીનો અધ્યાપક સંઘે મને જે અનુકૂળતા કરી આપી છે તે બદલ આપ સહુનો હૃદયપૂર્વક આભાર માનું છું.