અધીત : પ્રમુખીય પ્રવચનો - ૨/સાહિત્યમીમાંસાના બે સિદ્ધાંતો : સાધારણીકરણ અને Objective Correlative

From Ekatra Wiki
Revision as of 01:02, 9 April 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૬. સાહિત્યમીમાંસાના બે સિદ્ધાંતો : સાધારણીકરણ અને ‘Objective Correlative
ડૉ. ઈશ્વરલાલ ૨. દવે

સાહિત્યમીમાંસાના બે મહત્ત્વના સિદ્ધાંતો સાધારણીકરણ અને ‘Objective Correlative-નું સ્વરૂપ સમજીને, તે બંને એક્બીજા સાથે કેટલું સામ્ય ધરાવે છે, બંને એકબીજાના પૂરક, પુષ્ટિવર્ધક કે counterpart કેટલે અંશે છે, તે તપાસવું રસપ્રદ થશે. સાધારણીકરણનો સિદ્ધાંત ભારતીય સાહિત્યમીમાંસાનો છે. મૂળ આ સિદ્ધાંત ભટ્ટ નાયકનો છે. ભટ્ટ નાયક દસમી સદીના પૂર્વાર્ધમાં કાશ્મીરમાં થઈ ગયા અને તેમના સિદ્ધાંતને ભારતીય સાહિત્યમીમાંસામાં મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. ‘Objective Correlative’નો સિદ્ધાંત પાશ્ચાત્ય સાહિત્યમીમાંસાનો છે. વિખ્યાત કવિવિવેચક ટી.એસ. એલિયટે આ સિદ્ધાંત પ્રસ્થાપિત કર્યો છે. આ સિદ્ધાંત પાશ્ચાત્ય સાહિત્ય-મીમાંસામાં પણ ઘણો વિવાદાસ્પદ રહ્યો છે. ટી. એસ. એલિયટે આ સિદ્ધાંત ૧૯૧૯માં પ્રસ્થાપિત કર્યો હતો. જુદા જુદા દેશકાળના સાહિત્યવિચારકો કઈ રીતે સમાન ભૂમિકા પર અમુક અંશે આવ્યા છે તે વિચારવું રસપ્રદ છે. શ્રી ડોલરરાય માંકડે સાધારણીકરણ વ્યાપારની ચર્ચામાં શ્રી રામનારાયણ વિ. પાઠકે સાધારણીકરણના સિદ્ધાંતને સર્જકપક્ષે લાગુ પાડ્યો તેવું સમર્થન કર્યું હતું. ૧૯૭૦માં ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં જૂનાગઢ જવાનું થયું ત્યારે શ્રી ડોલ૨૨ાય માંકડને મેં કહ્યું કે તમે સાધારણીકરણના શ્રી રા. વિ. પાઠકે આપેલા નવીન અર્થઘટનને સમર્થન આપ્યું છે. તમારા આ મતને ટી. એસ. એલિયટના ‘Objective Correlative'ના સિદ્ધાંતના પ્રકાશમાં વિચારી શકાય તેમ છે. એમણે કહ્યું કે હવે કુલપતિ તરીકેની જવાબદારીઓમાં આ બાબતમાં વિશેષ વિચારણા કરવાનો સમય નથી, પણ તમને યોગ્ય લાગે તો તમે વિચારી જોશો. હમણાં ડૉ. હરિવલ્લભ ભાયાણીના ગ્રંથ રચના અને સંરચના'માં અર્વાચીન ગુજરાતી કાવ્યવિવેચનની એક દિશાભૂલ'માં આવું એક તુલનાત્મક વિધાન જોવામાં આવ્યું. ડૉ. ભાયાણીએ કહ્યું છે : “એલિયટનો ‘ઑબ્જેક્ટિવ કોરિલેટિવ' એ સંસ્કૃતના રસસિદ્ધાંતના ‘આલંબન વિભાવ'નું જ ફિક્કું સ્વરૂપ છે. ભાવ, વિભાવ, અનુભાવ, સંચારીભાવ અને તે દ્વારા થતી રસનિષ્પત્તિની સુગ્રથિત વ્યવસ્થા જેવું કશું એલિયટના કાવ્યવિચારમાં નથી. (ડૉ. હરિવલ્લભ ભાયાણી રચના અને સંરચના', પૃ. ૧૨૭) ડૉ. ભાયાણીના ‘રચના અને સંરચના'ની સમીક્ષા ‘ગ્રંથ'ના માર્ચ, ૧૯૮૧ના અંકમાં આપતાં પ્રા. ચંદ્રકાન્ત ટોપીવાળાએ પ્રસ્તુત લેખ વિશે નોંધ્યું છે : ‘‘એલિયટની સંજ્ઞા સંપૂર્ણ સર્જનકેન્દ્રી છે, જ્યારે આલંબન વિભાવ'ની સંજ્ઞા સંપૂર્ણ ભાવનકેન્દ્રી છે. આ બે સંજ્ઞાનો અને એમની ભૂમિકા વચ્ચે ઘણો મોટો વિરોધ રહ્યો છે. બંને જુદી જુદી સંસ્કૃતિઓની અને ભાષાસાહિત્યની અલગ અલગ મીમાંસાની બહુસ્તરીય સંજ્ઞાઓને ડૉ. ભાયાણી આ રીતે સમાન ગણી એવું સામ્ય ઉપસાવે ત્યારે આ બંને ભૂમિકાઓથી અલ્પપરિચિત અધ્યાપકો માટે ગૂંચવણની સ્થિતિ પેદા થાય તે સહજ છે. ('ગ્રંથ', માર્ચ, ૧૯૮૧, પૃ. ૧૫) પ્રા. ચંદ્રકાન્ત ટોપીવાળાએ ટૂંકમાં આટલી નોંધ કરી છે તે દ્યોતક છે.

સાધારણીકરણના સિદ્ધાંત વિશે ગુજરાતી વિદ્વાનોએ કરેલી વિચારણા તપાસતા જઈએ ને આપણે સિદ્ધાંતનાં પાસાં વિચારી શકીએ. સૌથી પહેલાં આ સિદ્ધાંત વિશેનો ઉલ્લેખ સાક્ષરસત્તમ નરસિંહરાવે ‘મનોમુકુર'ના ભાગ બીજાના લેખ ‘સહભોગનો આનંદ'માં કર્યો છે. એમનો મૂળ મુદ્દો સાધારણીકરણનો નથી. કોઈ પણ સુંદર દૃશ્ય, નાટક, પ્રસંગ, ભોજન વગેરેનો ઉપભોગ કરવાનો હોય ત્યારે સાથે કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓ હોય તો વિશેષ આનંદ નિષ્પન્ન થાય છે. તેમાંયે સાથેની વ્યક્તિ સ્નેહી, આત્મીય કે પ્રેમી હોય ત્યારે આનંદ ઓર વધી જાય છે. નરસિંહરાવ કહે છે : “પ્રેક્ષકમંડળમાં એકબીજાને ઓળખાણ પણ નહીં એવાં અનેકાનેક સ્ત્રીપુરુષો હોવાનાં, તેમની સાથેનો આ સહભોગ કેવળ હૃદયભાવનો સંપર્ક ના થયેલો, કાંઈક માનસિક આનંદવાળો જ, રસિક છતાં માનસિક રૂપે જ રસિક હોય છે. પરંતુ એ જ સહભોગ કરનારાં પરસ્પર સ્નેહી હોય છે ત્યારે એ સહભોગનો આનંદ વિશેષ તીવ્ર થાય છે; એટલું જ નહીં, પણ સ્નેહનો અંશ ઉમેરવાથી એ આનંદનું સ્વરૂપ પણ પેલા આનંદ કરતાં જુદી તરેહનું થાય છે, આ વાત માટે અનુભવ એ જ છેવટનું પ્રમાણ છે. એ સ્નેહને સ્થળે પ્રેમ મૂકીશું તો વળી આનંદની તીવ્રતા અને સ્વરૂપ એથી પણ વિશેષ અને વિલક્ષણ થવાનાં. મિત્ર, બંધુ ઇત્યાદિને જોડનારો સ્નેહ અને પતિ-પત્ની જેવા સંબંધ બાંધનારો પ્રેમ જેટલે અંશે એકબીજાથી ભિન્ન છે તેટલે અંશે સ્નેહીઓના સહભોગ અને પ્રેમીઓના સહભોગ પરસ્પર ભિન્ન છે. (‘સાહિત્યમીમાંસા' : ખંડ બીજો : સં. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી અને જીવણલાલ ત્રિ. પરીખ : લેખ ‘સહભોગનો આનંદ', પૃ. ૨૯૬) સહભોગના આનંદને નરસિંહરાવે સાધારણીકરણ સાથે સાંકળેલ છે. તત્કાલ માટે પરિચિત પ્રમાતૃપણું લુપ્ત થઈ જવાથી સર્વ સહૃદય તરફથી સંવાદ પ્રાપ્ત થાય છે, તે પ્રક્રિયામાં સાધારણીકરણની પ્રક્રિયા રહી છે, એમ અભિનવગુપ્તનું અવતરણ આપીને નરસિંહરાવે દર્શાવ્યું છે. સાધારણીકરણનો મૂળ સિદ્ધાંત ભાવક અને સર્જન વચ્ચેનો સંબંધ સમજાવવા માટે રચાયો હતો, પરંતુ નરસિંહરાવે ભાવક અને સર્જનના સંબંધ સાથે ભાવકોના સહભોગના આનંદનો પણ તેમાં સમાવેશ કર્યો છે. મૂળ સિદ્ધાંતને સહભોગના આનંદની પ્રક્રિયા સાથે કશો સંબંધ નથી, તેથી નરસિંહરાવ સાધારણીકરણના મૂળ સિદ્ધાંતને બરાબર સમજ્યા નથી અથવા આ સિદ્ધાંતનું વિસ્તરણ તેમણે ખોટી રીતે કર્યું છે એવી માન્યતા પ્રવર્તતી હતી. શ્રી ડોલરરાય માંકડે ‘કાવ્યવિવેચન’માં કહ્યું છે કે સાધારણીકરણનો અર્થ નરસિંહરાવે ‘સહભોગ’ કર્યો છે તે બરાબર નથી. (શ્રી ડોલ૨૨ાય માંકડ : ‘કાવ્યવિવેચન', પૃ. ૬) પરંતુ હવે સાધારણીકરણના સિદ્ધાંતની સાથે સહભોગના આનંદની પ્રક્રિયાને પણ સાંકળી શકાય એવી માન્યતા પ્રવર્તવા લાગી છે. નરસિંહરાવને આ સંકેતવિસ્તારની સ્ફુરણા થઈ તે અસ્થાને નહોતી. પ્રેક્ષકસમુદાય, ભાવકવૃંદ, mass-mind, પ્રાર્થના કરતા લોકોનું ચિત્ત, તોફાની ટોળાનું માનસ એ બધામાં પણ રસદૃષ્ટિએ સાધારણીકરણ કે મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ ચિત્તાનુસંધાન પ્રવર્તે છે, તેમ આજે મનાવા લાગ્યું છે. નરસિંહરાવે સાધેલું સિદ્ધાંત-વિસ્તરણ મૂળથી દૂર નીકળી જાય છે, તોપણ તે અસ્થાને છે તેમ નહીં કહી શકાય. બળવંતરાય ક. ઠાકોરે ‘સાધારણીકરણ'નો સાધારણ ઉલ્લેખ કર્યો છે. ‘નવીન કવિતા વિશેનાં વ્યાખ્યાનો'માં બળવંતરાય ક. ઠાકોરે કહ્યું છે : “ઊંચી કવિતા હોય ટકાઉ ભાવઘનતાએ, સાધારણીકરણે (by generalisation), ઉચ્ચીકરણે (by sublimation).” (પૃ. ૧૦૩) અહીં ‘સાધારણીકરણ' શબ્દપ્રયોગ દ્વારા બળવંતરાય ક. ઠાકોરે રસવિષયક સાધારણીકરણ સિદ્ધાંતનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો નથી; તેમ છતાં એમને કદાચ એ અભિપ્રેત હોઈ શકે. અહીં એમણે જાણ્યે-અજાણ્યે આ સિદ્ધાંત ભાવકને બદલે સર્જકને લાગુ પાડી દીધો છે; પણ એવું કશું વિવરણ એમણે કર્યું નથી. કદાચ મહાન પ્રાજ્ઞ પુરુષો સિદ્ધાંતનો લસરકો મારીને, પછી એ પુરવાર કરવાનું કાર્ય નાના માણસો માટે અનામત રાખી મૂકતા હશે. ગમે તેમ પણ સર્જકપક્ષે આ સિદ્ધાંત લાગુ પાડવાનો વિચાર બ. ક. ઠાકોરને આવી ગયો છે, પછી ભલે એમણે એ શાસ્ત્રીય રીતે પ્રતિપાદિત કર્યો નહીં. સાધારણીકરણનો સિદ્ધાંત મૂળમાં ભાવક અને સર્જનનો સંબંધ સમજાવવા માટેનો છે. ‘શાકુન્તલ'નું નાટક જોઈ રહેલા મફતચંદને શકુન્તલા સાથે કોઈ સંબંધ વ્યવહારર્દષ્ટિએ નથી, શક્ય પણ નથી. તેમ છતાં એને કેમ એમાં રસ પડે છે? એ સમજાવવા સાધારણીકરણનો સિદ્ધાંત ભટ્ટ નાયકે સ્થાપ્યો. વિભાવાદિનું સાધારણીકરણ થતાં ભાવક રસાનુભવ કરે છે એમ ભટ્ટ નાયકે પ્રતિપાદિત કર્યું છે. શ્રી રા. વિ. પાઠકે ‘મમ્મટની રસમીમાંસા' નામના લેખમાં ‘સાધારણીકરણ'નો અર્થ સમજાવતાં કહ્યું છે, “સાધારણીકરણનો ઝળકીકર એવો અર્થ કરે છે (અને ઝળકીકર એ પરંપરા પ્રમાણે કરે છે એમ જ માનવું જોઈએ) કે આ વ્યાપારમાં વિભાવાદિ અને સ્થાયીનો વ્યક્તિ સાથેનો સંબંધ છૂટી જાય છે. આગળ અર્થ કરે છે કે રામસીતાના વિભાવો વગેરે રામસીતાનો સંબંધ છોડીને સામાન્ય સ્ત્રીપુરુષના સંબંધનું રૂપ લે છે. આ અર્થ પણ ઇષ્ટ નથી. વસ્તુનું જે કાંઈ આસ્વાદ્ય છે તે વિશેષકો સાથેનું જ છે. રામસીતાના વિભાવોમાંથી રામસીતાપણું ગાળી કાઢીએ તો પછી એવું અવશેષ રહેલું સામાન્ય સ્વરૂપ, હરકોઈ પુરુષના સંબંધો રસહીન થઈ જાય છે, અને મમ્મટે જે રીતે ભટ્ટ નાયકનો મત રજૂ કરેલ છે તેમાં આ અર્થની મને જરૂર લાગતી નથી. જે. કંઈ જરૂરનું છે તે એટલું જ કે ૨ામાદિના વિભાવો વગેરે, ૨ામાદિના રહેવા છતાં, તે સર્વ સામાજિકોના સાક્ષાત્કારયોગ્ય બને છે. અને સાધારણીકરણનો આટલો અર્થ કરીએ તો બસ છે.' (શ્રી રામનારાયણ વિ. પાઠક : ‘આક્લન', પૃ. ૧૧),
‘અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો'નાં વ્યાખ્યાનોમાં શ્રી રામનારાયણ વિ. પાઠકે આ સિદ્ધાંતનો અછડતો ઉલ્લેખ કરી ઉમેર્યું કે સાધારણીકરણ સર્જકે પણ કરવાનું છે. આમ કહેતી વખતે એક મહત્ત્વના સિદ્ધાંતને તેઓ જુદી જ રીતે ઘટાવી રહ્યા છે તેવો ખ્યાલ હશે તો ખરો પણ તે વખતે એમણે વાતવાતમાં જ આ સિદ્ધાંતનો વિસ્તાર સાધી લીધો હતો. એની તર્કબદ્ધ રજૂઆત સવિસ્તર રીતે એમણે કરી નહોતી. સાધારણીકરણના મૂળ સિદ્ધાંતને સર્જક સાથે કશી નિસબત નહોતી, તેનો એમને ખ્યાલ હશે પણ સાહિત્યસર્જકની પોતાની આગવી સૂઝસમજથી આ વિધાન એમણે કર્યું હશે. કલામાં સામાન્ય અને વિશેષની ચર્ચા કરતાં શ્રી રા. વિ. પાઠકે કહ્યું છે : “કલામાં સામાન્ય અને વિશેષ સમન્વય પામે છે. ક્લા અત્યંત સામાન્ય સત્યને અત્યંત વિશિષ્ટ રૂપ આપે છે. નૈયાયિકની પેઠે આપણે કલામાં પણ સામાન્ય અને વિશેષ બંનેને સ્થાન આપવું પડશે. ક્લાનું વક્તવ્ય સામાન્ય ન હોય, કલાનો અંતર્ગત અનુભવ સાધારણીકૃત ન હોય, તો તે સર્વગ્રાહ્ય થાય કેવી રીતે? પણ વળી તે અનુભવને અત્યંત વિશિષ્ટ રૂપ ન મળ્યું હોય તો તે પ્રત્યક્ષ અને આસ્વાદ્ય કેવી રીતે બને? કવિતાનું લાગણીમય સત્ય સાધારણીકૃત સર્વગ્રાહ્ય હોવું જોઈએ એ સાચું, પણ તે સાથે ઉપર કહ્યું તેમ તેને આસ્વાદ્ય કરવાની પદ્ધતિ, તેને પૂર્ણ કરવાની પદ્ધતિ દરેક કવિને પોતપોતાની હોય જ. દરેક કવિની રીતિ વિશિષ્ટ હોય છે. માટે જ કાવ્યમાં એકનો એક વિષય પણ જુદા જુદા કવિને હાથે નવા અને તાજા જ રસવાળો બને છે. (રા. વિ. પાઠક : અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો', પૃ. ૨૧)
શ્રી રા. વિ. પાઠકે સાધારણીકરણનો સિદ્ધાંત સર્જકપક્ષે લાગુ પાડ્યો, એ તેમની મૌલિક સૂઝ છે; પરંતુ એમણે આમાં રીતિની વિશિષ્ટતાનો મુદ્દો પોતાના સમર્થનમાં લીધો તે મૂળ સિદ્ધાંતના વિસ્તૃતીકરણને અનુપકારક બને તેવો છે. રીતિની વિશિષ્ટતાથી જ કલાની વિશિષ્ટતા આવતી નથી. રીતિની વિશિષ્ટતા એ માત્ર એક પ્રકારની જ વિશિષ્ટતા છે. સર્જકની અનુભૂતિ, દર્શન અને પ્રતિભાની વિશિષ્ટતા જ મુખ્ય છે. રીતિની વિશિષ્ટતાના મુદ્દાને બાજુએ રાખીએ તો સાધારણીકરણના સિદ્ધાંતને સર્જકપક્ષે વિસ્તારવાનું શ્રી રા. વિ. પાઠકનું મંતવ્ય એક નવી દિશા ખોલનારું બન્યું છે. મૂળ સિદ્ધાંત ભાવક અને સર્જનનો સંબંધ પણ સમજાવવા માટેનો જ હતો, તોપણ સર્જક અને સર્જન વચ્ચેનો સંબંધ પણ સમજાવવા આ સિદ્ધાંતનું વિસ્તૃતીકરણ શક્ય બને તેવું છે. સાધારણીકરણના મૂળ સિદ્ધાંતના શ્રી રા. વિ. પાઠકે સૂચવેલા વિસ્તૃતીકરણનો પ્રબળ વિરોધ શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ કર્યો છે. લેખકનો અનુભવ વાચક પોતાનો કરે તેના માટે તેઓ સાધારણીકરણ નામ વાપરવાની જરૂર જોતા નથી, તે વસ્તુતઃ કલ્પનાવ્યાપાર જ છે. રીતિથી કવિતામાં વિશિષ્ટતા આવે છે, તે રા. વિ. પાઠકના મતનો તેમણે વિરોધ કર્યો છે. ખરી વિશિષ્ટતા સર્જકની અનુભૂતિની હોય છે, માત્ર રીતિની નથી હોતી એવો તેમનો મત છે. સાધારણીકરણનો સિદ્ધાંત ભાવકપક્ષે છે, પણ તેમાંયે ભાવકે કશું કરવાનું નથી. વળી સર્જકને તો આની સાથે કશું લાગતું-વળગતું નથી, એવો એમનો મત છે. ‘સાધારણીકરણ' નામક લેખમાં તેઓ સ્પષ્ટ નિષ્કર્ષ પર આવે છે : “તાત્પર્ય કે સાધારણીકરણના સિદ્ધાંતથી સર્જકને વિભાવાદિની પસંદગીમાં કે સર્જનની અપરિમેય સ્વતંત્રતામાં કશી મર્યાદા આવતી નથી. (શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી ‘ઉપાયન’, પૃ. ૭૬) સાધારણીકરણની ચર્ચાવિચારણામાં એક જુદા જ મુદ્દાને તેઓ લઈ આવે છે. સાહિત્યના રસાસ્વાદ અને જગતના બનાવમાં તટસ્થતા આસ્વાદવામાં તેમને કશી ભિન્નતા જણાતી નથી. પડોશની તકરારને પણ તમે તટસ્થ રહીને રસપૂર્વક માણી શકો છો અને રસાસ્વાદ લઈ શકો છો. શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીની દૃષ્ટિએ તેમાં કશો તાત્ત્વિક ભેદ નથી. એમાં પણ સાધારણીકરણ જ થાય છે. સાધારણીકરણને બદલે ‘અનુભાવના’શબ્દ વાપરીને તેઓ એને ભાવકની શક્તિ ગણે છે. ‘અનુભાવના' નામના નિબંધમાં તેમણે કહ્યું છે : 'સાધારણીકરણની ખટપટમાં પડ્યા વગર એમ વિચારવું ઉચિત છે કે સહૃદયની સમાન અનુભવી થવાની શક્તિ નિરવધિ છે. ગમે તેવી વિશિષ્ટતાવાળી અનુભૂતિ હોય – અને અનેકાનેક અનુભૂતિઓ વિશિષ્ટતાવાળી હોય જ છે છતાં વાચક તેને ઝીલી શકે છે. વિશિષ્ટ દ્વારા સામાન્યનો અનુભવ થાય છે એમ કહેવા કરતાં સામાન્ય દ્વારા વિશિષ્ટનો અનુભવ થાય છે, એમ કહેવું વધુ યથાર્થ છે. અથવા એમ પણ હોય કે સર્વ શુદ્ધ અનુભવ વિશિષ્ટ હોય છે, અને જેને આપણે સામાન્ય કે સાધારણ કહીએ તે તો બુદ્ધિએ તારવેલો પદાર્થ છે. (શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી : ‘ઉપાયન', પૃ. ૫) શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી ‘સાધારણીકરણ'ને બદલે ‘કલ્પનાવ્યાપાર' નામનો સ્વીકાર કરે છે, ‘સાધારણીકરણ' એવું નામ આપવાની જરૂર તેઓ જોતા નથી. વધારે સમુચિત નામ એમની દૃષ્ટિએ ‘અનુભાવના' છે. આ પણ ભાવકપક્ષે જ લાગુ પાડવાની વાત છે. સર્જકપક્ષે સાધારણીકરણનો સિદ્ધાંત કોઈ રીતે સ્વીકારવા તેઓ તૈયાર નથી. સાધારણીકરણ સિદ્ધાંતને તેમ સર્જકપક્ષે તેને લાગુ પાડવાના શ્રી ૨ા. વિ. પાઠકના પ્રયત્નને પૂરેપૂરું સમર્થન શ્રી ડોલ૨૨ાય માંકડે આપ્યું છે. ‘સાધારણીકરણ'ને બદલે ‘સાધારણીભવન' શબ્દ વાપરીએ તો તેમને હરકત નથી. આ ઉપરાંત શ્રી રા.વિ. પાઠકે સર્જકપક્ષે આ સિદ્ધાંત લાગુ પાડીને તેનું જે વિસ્તૃતીકરણ કર્યું છે તેને શ્રી ડોલરરાય માંકડનું પૂરું સમર્થન છે. તેઓ કહે છે : ‘સંસ્કૃત રસશાસ્ત્રની ચર્ચા ભલે ભાવક પૂરતી જ હોય, પણ એનાં તત્ત્વો સર્જકને પણ લાગુ પાડી શકાય. ખરી રીતે જેટલા પ્રમાણમાં સર્જકનો પોતાનો અનુભવ સાધારણીભૂત અને સાક્ષાત્કૃત હોય તેટલે જ અંશે અને તેટલી જ કોટિએ ભાવકનો અનુભવ સાધારણીકૃત અને સાક્ષાત્કૃત બનશે ...કોઈ પણ ભાવના સાધારણીભૂત સ્વરૂપનો સાક્ષાત્કાર સર્જક કરે અને એને શબ્દાદિથી સદેહ બનાવે ત્યારે કલાસર્જન થાય. આવી રીતે થયેલા કલાસર્જનનો અનુભવ જ્યારે ભાવક કરે છે ત્યારે ભાવકના મનમાં આવિષ્કાર પામતા ભાવાદિ સાધારણીભૂત સ્વરૂપના હોય તે દેખીતું જ છે. તેમ જ એના અનુભવમાં ભાવકને પણ એક પ્રકારનો સાક્ષાત્કાર થાય તે દેખીતું છે. આ સાક્ષાત્કાર જેટલો સચોટ તેટલો જ સચોટ ભાવકનો રસાનુભવ એ પણ એટલું જ દેખીતું છે. એટલે ભાવકને થતા સાક્ષાત્કારની આ સચોટતા સર્જકે અનુભવેલા સાક્ષાત્કારની સચોટતાના પ્રમાણમાં જ હોય છે અને આ સચોટતા સર્જકે સર્જકે જુદી જુદી કોટિની હોય છે. તેથી તે જ સર્જકનું અનુભવવૈશિષ્ટય હોય છે અને તે જ કલાવૈશિષ્યની જનની છે. (શ્રી ડોલ૨૨ાય માંકડ : ‘કાવ્યવિવેચન', પૃ. ૧૫)
શ્રી રા. વિ. પાઠકે સાધારણીકરણના સિદ્ધાંતના સર્જકપક્ષે સાધેલા વિસ્તૃતીકરણને એમણે સમર્થન આપ્યું છે અને શ્રી રા.વિ. પાઠક કરતાં પણ વધારે ઉત્સાહથી એમણે શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના મતનું ખંડન કરવાનો પ્રયત્ન કર્યો છે. કદાચ રા. વિ. પાઠકનો બચાવ કરતાં કરતાં પણ રસસિદ્ધાંતની પ્રાચીન મીમાંસા પ્રત્યેનો એમનો અનુરાગ પણ આમાં પ્રેરક હોઈ શકે. એમણે શ્રી વિષ્ણુપ્રસાદના હુમલાને પાશ્ચાત્ય મીમાંસા તરફનો હુમલો માની લીધો હોય તેમ લાગે છે; તેમ છતાં શ્રી ડોલરરાયે આ સિદ્ધાંતના વિસ્તૃતીકરણને જે સમર્થન આપ્યું છે તે એમની સાહિત્યની સૂઝનું પણ ઘોતક છે. શ્રી રામપ્રસાદ બક્ષીએ ‘નાટ્યરસ'માં સાધારણીકરણનો મૂળ સિદ્ધાંત (જે ભટ્ટ નાયકનો છે) સમજાવતાં કહ્યું છે : ‘ભટ્ટ નાયકે એમ માન્યું કે પ્રેક્ષક નાયકના રતિભાવનો ‘ભોગ' કરે છે, પણ દુષ્યંતના શકુન્તલા પ્રત્યેના રતિભાવનો ‘ભોગ' પ્રેક્ષક શી રીતે કરી શકે? પ્રેક્ષક શકુન્તલામાં કાન્તાબુદ્ધિ સેવી શકે નહીં. પોતે દુષ્યંત જ છે એવું પણ માની શકે નહીં અને અન્યના રતિભાવ પરત્વે એ તટસ્થ હોય તો આસ્વાદ સંભવી શકે નહીં. મમત્વ શક્ય નથી. તાટસ્થ્ય હોય તો રસાસ્વાદ શક્ય નથી. એવી બંને બાજુની મુસીબતનો માર્ગ ભટ્ટ નાયકે બહુ બુદ્ધિમત્તાથી અને સુંદર રીતે કાઢ્યો. રંગભૂમિના વાતાવરણમાં પ્રેક્ષક પોતાનો અહંભાવ ભૂલી જાય છે, અને શકુન્તલાદિ વિભાવને પણ એમની સ્થળકાળવ્યક્તિત્વજન્ય ત્રિવિધ વિશિષ્ટતાથી રહિત કેવળ કાન્તા રૂપે, સાધારણીકૃત સ્વરૂપે જુએ છે અને એથી પ્રેક્ષકના ચિત્તમાં નાટકનો ભાવ સંક્રાન્ત થાય છે. આ પ્રમાણે એણે પ્રથમ ભોગીકૃતિની અથવા ભોજશ્ર્વ વ્યાપારની કલ્પના કરી અને એ વ્યાપાર શક્ય બને તે માટે બીજી, સાધારણીકરણરૂપ, ‘ભાવના'ની કલ્પના ઊપજી. અભિધા તો હતી જ, અને એનું સ્થાન પહેલું હોય જ; બીજું સ્થાન પ્રેક્ષકના ભોજકત્વને શક્ય બનાવનાર ભાવનાવ્યાપારનું અને ત્રીજું સ્થાન ભોગનું.’' (શ્રી રામપ્રસાદ બક્ષી : ‘નાટ્યરસ', પૃ. ૩૯)
આ રીતે, ટૂંકમાં, ભટ્ટ નાયકનો સાધારણીકરણનો સિદ્ધાંત મૂળ પ્રમાણે શ્રી રામપ્રસાદ બક્ષીએ સમજાવ્યો છે. ભટ્ટ લોલ્લટના ઉત્પત્તિવાદ અને શંકુકના અનુમિતિવાદનું ખંડન કરીને, ભટ્ટ નાયકે પોતાનો ભુક્તિવાદ સ્થાપેલો છે (જેમાં સાધારણીકરણ અંતર્ગત સિદ્ધાંત છે). અભિનવગુપ્તે તેના અભિવ્યક્તિવાદમાં ભટ્ટ નાયકના સાધારણીકરણનો સ્વીકાર કર્યો છે, પણ ભાવકત્વ અને ભોજકત્વના વ્યાપારોને અનાવશ્યક માન્યા છે. અભિનવગુપ્તના મત પ્રમાણે, પ્રેક્ષકનો પરિમિતિભાવ લુપ્ત થતો હોઈને, એ સર્વે સહૃદયો જોડે સર્વે પ્રેક્ષકો જોડે સમાન ભાવથી હૃદયસંવાદ અનુભવે છે અને એને વ્યક્તિગત નહીં પણ સર્વ સાધારણ એવો રસનો સાક્ષાત્કાર થાય છે. અભિનવગુપ્તના આ મતની રજૂઆત સાથે શ્રી રામપ્રસાદ બક્ષીએ યોગ્ય રીતે કૅન્ટનું નીચેનું વિધાન સરખાવ્યું છે : “An object that pleases me aesthetically, pleases me impersonally, and what pleases me impersonally, pleases me as a member of humanity, and not as a unique individual. અભિનવગુપ્તના મત પ્રમાણે, સામાજિક નાયકના સ્થાયી ભાવોનો ઉપભોગ કરતો નથી. એનો મત એવો છે કે સાધારણીકરણથી નાયક-નાયિકા અને અનુભાવો, વ્યભિચારી ભાવો વગેરે પોતાનું સ્થળકાળવૈશિષ્ટય તજીને કાન્તકાન્તાદિક સાધારણ રૂપે પ્રતીત થાય છે. તેથી કાન્તા (નાયિકા) પ્રતિ નાયકને જેવો રતિભાવ છે તેવી જ રતિભાવ સામાજિકના ચિત્તમાં વાસનાના પ્રબોધથી અનુભવાય છે અને નાયિકાનું કાન્તારૂપ સાધારણીકરણ એ શક્ય બનાવે છે. સામાજિક નાયકગત ભાવનો ભોગ કરતો નથી પણ પોતાના અંતર્ગત ભાવનું ચર્વણ કરે છે એને રસાનુભૂતિ કહે છે. (શ્રી રામપ્રસાદ બક્ષી : 'નાટ્યરસ', પૃ. ૪૯)
શ્રી રામપ્રસાદ બક્ષી સાધારણીકરણને ભાવકપક્ષે સમજાવીને, universalisation-ને કવિએ કરવાની કાવ્યનિર્માણના સમયની પ્રક્રિયા ગણે છે. “કવિએ નાયક-નાયિકા વગેરેનું, સ્થળકાળવ્યક્તિત્વવિશિષ્ટ, નિર્માણ કર્યું હોય તેથી સ્થળકાળની અને વ્યક્તિત્વની વિશિષ્ટતા ગાળી નાખીને ‘સાધારણીકરણ' પ્રેક્ષક કરે છે.... કવિ કાવ્યનિર્માણકાલે વિશેષીકરણ કરે છે - universalisation નહીં, અને એ યોગ્ય જ છે, કારણ કે પાત્રસર્જનમાં વિશેષીકરણ આવશ્યક છે. કાવ્યનિર્માતા કવિ universalisation કરે તો તે સમગ્ર પાત્રનું અને પરિસ્થિતિનું નહીં, માત્ર તેના ભાવોનું. એ પાત્રનો ભાવ સર્વગ્રાહ્ય બને એટલું જ, universalisation-નું કર્તવ્ય સ્વીકાર્ય લાગે છે; પાત્ર સ્થળની, કાળની, વ્યક્તિની વિશિષ્ટતાથી યુક્ત ઘડવું પડે. પ્રેક્ષક સાધારણીકરણ વ્યાપારથી એ વિશિષ્ટતાઓને ગાળી નાખે. (શ્રી રામપ્રસાદ બક્ષી : 'નાટ્યરસ', પૃ. ૪૯-૫૦)
ડૉ. રાકેશ ગુપ્તાએ ‘Psychological Studies in Rasa'-માં કહ્યું છે કે કલામાં વિભાવાદિનું ‘સાધારણીકરણ' નહીં, ‘વિશિષ્ટીકરણ' થાય છે. શ્રી રામપ્રસાદ બક્ષી સાધારણીકરણના રા. વિ. પાઠકે આપેલા વિસ્તૃતીકરણને સમર્થન આપતા જણાતા નથી. જોકે ‘સાધારણીકરણ'ને બદલે શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ ‘કલ્પનાવ્યાપાર' શબ્દ વાપરવાનું પસંદ કર્યું છે તેનો એમણે વિરોધ કર્યો છે અને ‘સાધારણીકરણ' શબ્દ વાપરવાની જોરદાર હિમાયત કરી છે. એમણે કહ્યું છે ઃ ‘વ્યક્તિવિશિષ્ટ અને પ્રતીતિગમ્ય અંશોને ગાળી નાખીને સાધારણતત્ત્વને પ્રગટ કરનાર મનોવ્યાપારને માટે આ સાધારણીકરણ' શબ્દ તદ્દન યોગ્ય છે. ભ્રામકતા એ શબ્દમાં નથી, એ શબ્દના અપર્યાપ્ત અર્થગ્રહણમાં છે. {{right|(શ્રી રામપ્રસાદ બક્ષી : ‘વાયવિમર્શ', પૃ. ૩૬૪)
શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ ‘સાધારણીકરણ' શબ્દપ્રયોગને ‘ભ્રામક' ગણાવેલ છે તેનો આ જોરદાર પ્રતિકાર છે. આખરે શ્રી રામપ્રસાદ બક્ષી પણ ભારતીય સાહિત્યમીમાંસા પ્રત્યે અનુરાગવાળા છે. સાધારણીકરણ સિદ્ધાંતનું અભિનય પરત્વે વિસ્તૃતીકરણ કરવાનો શ્રી રામપ્રસાદ બક્ષીએ પ્રયત્ન કર્યો છે. એમણે કહ્યું છે : “અભિનેતા પણ પોતે જે પાત્રની ભૂમિકા ભજવતો હોય તેના ભાવની અનુભૂતિ કરે તો તેમાં પણ જે વ્યાપાર પ્રવર્તે છે તે ભાવકના જેવો સાધારણીકરણ વ્યાપાર જ હોઈ શકે એમ કહી શકાય. {{right|(શ્રી રામપ્રસાદ બક્ષી : 'વાઙયવિમર્શ'માંનો લેખ :‘સાધારણીકરણ અને અભિનય', પૃ. ૩૬૪)

જોકે એમણે આ વિધાન કર્યા પછી તરત જ સાવચેતીપૂર્વક ઉમેર્યું છે : ‘‘ભાવક સાધારણીકરણ કરે તો જ રસાનુભૂતિ કરી શકે. અભિનેતા સાધારણીકરણ કરીને સંતોષ માને એ શક્ય છે, પણ એમાં એના અભિનયની સિદ્ધિ નથી. એના અભિનયની સિદ્ધિ તો પોતાની વ્યક્તિગત વિશિષ્ટતાને અણીશુદ્ધ અન્યૂન જાળવવામાં છે. {{right|(શ્રી રામપ્રસાદ બક્ષી : ‘વાયવિમર્શ', પૃ. ૩૬૫)
સાધારણીકરણના સિદ્ધાંતને અભિનયક્ષેત્રે એક નવું પરિમાણ આપવાનો શ્રી રામપ્રસાદ બક્ષીએ પ્રયત્ન કર્યો છે; પરંતુ અભિનયક્ષેત્રમાં ઓછો રસ હોય કે ગમે તે કારણે આપણા કોઈ વિદ્વાને આ મુદ્દા પર આગળ ચર્ચા કરી નથી. શ્રી નગીનદાસ પારેખે અભિનવનો રસવિચાર સમજાવતાં સાધારણીકરણનો સિદ્ધાંત પણ સમજાવ્યો છે. એમણે કહ્યું છે : “કાવ્યનાટકમાં થતી રજૂઆત ભાવકના વ્યવહારજીવન સાથે લગારે સંબંધ ધરાવતી નથી. તેમ જ એ બનાવોને કાવ્યનાટકના નાયકના અથવા નટના જીવન સાથે પણ કશો સંબંધ નથી હોતો, એટલે તે બધા કેવળ સાધારણીકૃત અથવા સાધારણભાવે પ્રતીત થાય છે. તે વ્યક્તિસંબંધ નથી હોતા. {{right|(શ્રી નગીનદાસ પારેખ અભિનવનો રસવિચાર', પૃ. ૧૫૪)
સાધારણીકરણમાં ફક્ત સ્થળકાળનું ભાન જ લોપ નથી પામતું. પણ ભાવકનું ‘અહં' પણ લોપ પામે છે. “આ જુદા જુદા પ્રમાતાઓના નિષેધ પછી એટલે કે પ્રેક્ષકોના એકબીજાથી ભિન્ન વ્યાવહારિક વ્યક્તિત્વનો નિષેધ થતાં એવો એક પ્રમાતા જાગે છે, જે અદ્વિતીય હોય છે, ‘સાધારણીભૂત' હોય છે, સ્થલકાલાદિની મર્યાદાઓથી મુક્ત હોય છે. (શ્રી નગીનદાસ પારેખ અભિનવનો રસવિચાર', પૃ. ૧૬૬) શ્રી નગીનદાસ પારેખે ‘કાવ્યપ્રકાશ’નો વર્ષો પહેલાં અનુવાદ કરવામાં શ્રી રામનારાયણ વિ. પાઠકને સાથ આપ્યો હતો, પણ સાધારણીકરણના સિદ્ધાંતના રા. વિ. પાઠકના વિસ્તૃતીકરણ સંબંધમાં એમણે સાથ આપ્યો જણાતો નથી. કદાચ નોલીએ કહ્યું હોય તેનાથી બહુ આગળ જવાનો એમનો ઉપક્રમ જણાતો નથી. પૂર્વમીમાંસાશાસ્ત્રમાંથી દૃષ્ટાંત તારવીને સાધારણીકરણની ચર્ચા અભિનવગુપ્તે કરી છે. આ વિગતને પ્રા. તપસ્વી નાન્દીએ સાધારણીકરણના પાયારૂપ ગણી છે. તેઓ કહે છે : ‘અધિકારીને શબ્દો સાંભળતાં અથવા એને જે વિગતમાં રસ છે એ જોતાં એનું દર્શન સાધારણીકૃત થઈ જાય છે. મૂળનાં સ્થળ, કાળ, વ્યક્તિ વગેરેનાં નિયંત્રણો દૂર થાય છે. કાવ્યમાં પણ જે અધિકારી છે તેને વિશે આવું જ સાધારણીકરણ સિદ્ધ થાય છે. સહૃદયને કાવ્યાર્થ અનિયંત્રિત સ્વરૂપે પ્રક્ટ થાય છે. {{right|(પ્રા. તપસ્વી નાન્દી : ભારતીય સાહિત્યશાસ્ત્રની વિચારપરંપરાઓ', પૃ. ૧૯૨)
ભટ્ટ નાયકના મતને સાંખ્યદર્શન સાથે જોડીને પ્રા. નાન્દી કહે છે : ‘જ્યારે મોહરૂપી આવરણ દૂર થાય છે ત્યારે કાવ્યમાં સાધારણીકરણ વ્યાપાર પ્રવર્તિત થાય છે. આ સાધારણીકરણ દ્વારા કાવ્યનાટ્યાદિમાં રજૂ થતા વિભાવાદિ સાધારણીકૃત સ્વરૂપે એટલે કે બિનઅંગત રીતે પ્રદર્શિત થાય છે. આ દ્વારા રસ અંગેનો બોધ સિદ્ધ થાય છે. {{right|(પ્રા. તપસ્વી નાન્દી ‘ભારતીય સાહિત્યશાસ્ત્રની વિચારપરંપરાઓ', પૃ. ૧૮૮)
સાધારણીકરણ અને વિભાવાદિ સામગ્રી વગેરે પશ્ચિમના ‘Objective correlative' વગેરે સાથે સરખાવી શકાય, એવો સરકતો નિર્દેશ પ્રા. નાન્દીએ પ્રસ્તુત પુસ્તકના અંતભાગમાં કર્યો છે; પરંતુ એ વિશે પોતે તુલના કરવા કટિબદ્ધ થયા નથી. આ પ્રકારની તુલનાને અવકાશ છે તેવો એમને ખ્યાલ છે. શ્રી ઉમાશંકર જોશીએ ‘કવિની સાધના'માં સાધારણ્ય-અસાધારણ્યની ચર્ચા કરી છે. ડૉ. પ્રમોદકુમાર પટેલે સાહિત્યવિવેચનના નવા વિકસતા સિદ્ધાંતો અને આધુનિક સૌંદર્યમીમાંસા(aesthetics)ના સંદર્ભમાં રસની પુનર્વ્યાખ્યા કરવાનું સૂચન કર્યું છે જુઓ ‘સંકેતવિસ્તાર', ડૉ. પ્રમોદકુમાર પટેલ : ‘ગુજરાતીમાં રસમીમાંસા : થોડીક ચર્ચા', પૃ. ૯૪). ભાવક કૃતિમાં બધાં પાત્રો જોડે સંપૂર્ણ તાદાત્મ્ય અનુભવે છે, એ માન્યતા સાથે તેઓ સંમત થતા નથી. જોકે કાવ્યસૃષ્ટિનાં બધાં પાત્રોમાં ઓતપ્રોત થવા ઉપરાંત સામાજિક તેનાથી દશાંગુલ ઊર્ધ્વ જઈ એક જુદો જ ભાવ અનુભવે છે, એ શ્રી રા. વિ. પાઠકનું મંતવ્ય તેમને સ્વીકાર્ય જણાય છે.

સાધારણીકરણના સિદ્ધાંતના વિસ્તૃતીકરણ સાથે વિચારવા માટે ટી. એસ. એલિયટના ‘Objective Correlative'ના સિદ્ધાંતનો સ્પષ્ટ ખ્યાલ મેળવવો જરૂરી છે. ‘Objective Correlative' માટે શ્રી નગીનદાસ પારેખ ‘પદાર્થરૂપ નિત્ય સંબંધી' એવો પર્યાય આપે છે (શ્રી નગીનદાસ પારેખ : ‘વીક્ષા અને અન્વીક્ષા', પૃ. ૫૭). ડૉ. બેચરભાઈ પટેલે ‘વસ્તુનિષ્ઠ સમીકરણ' પર્યાય યોજ્યો છે (ડૉ. બેચરભાઈ પટેલ : પાશ્ચાત્ય સાહિત્યમીમાંસાના સીમાસ્તંભો', પૃ. ૩૪૦), ‘પરલક્ષી સહસંબંધક' કે ‘વસ્તુલક્ષી સહસંબંધક' જેવા પર્યાયો પણ પ્રયોજ્યા છે. ‘Objective Correlative' જેવો શબ્દપ્રયોગ એલિયટે કર્યો છે, તેથી શાબ્દિક સમીકરણ જેવો પર્યાય પણ વિચારાયો છે. ‘Objective Correlative' માટે ‘વસ્તુગત સમવાયસંબંધ' એ પર્યાય પણ સૂચવાયો છે. એલિયટે ‘Objective Correlative' સંજ્ઞા વાપરી તે પહેલાં ૧૮૫૦માં વૉશિંગ્ટન ઓલ્સને કલા પરનાં તેમનાં વ્યાખ્યાનોમાં આ સંજ્ઞા વાપરી છે : "The power of presenting to another the precise images or emotions as they exist in himself." એ અર્થમાં આ સંજ્ઞા તેમણે પ્રયોજી છે (‘Princeton Encyclopaedia of Poetry and Poetics'માં પૃ. ૫૮૧ પર ઉદ્ધૃત કરેલું અવતરણ). સન્તયાને ૧૯૦૦માં કહ્યું હતું કે, ભાવની અભિવ્યક્તિ માટે સર્જક ‘Correlative Objects' શોધે છે કે ઉપજાવે છે, જોકે અભિવ્યક્તિ શબ્દ ગેરરસ્તે દોરે છે તેમ ભારપૂર્વક કહે છે; કારણ કે અભિવ્યક્તિ કહીએ છીએ ત્યારે અનુભૂતિ થઈ ગયા પછી, જાણે કોઈ તૈયાર અનુભૂતિની અભિવ્યક્તિ કરવામાં આવે છે, તેવો ખ્યાલ બંધાય છે. જ્યારે વસ્તુતઃ અનુભૂતિનું ખરું સ્વરૂપ પણ અભિવ્યક્તિ વખતે જ નિર્માય છે. પો અને પાઉન્ડના કાવ્યસિદ્ધાંતની અસર પણ પ્રાઝ આ સંબંધમાં એલિયટ પર જુએ છે. એલિયટે આ સંજ્ઞા વાપરી તે પહેલાં ઉપર દર્શાવેલ વિચારકોએ આ સંજ્ઞા વાપરી છે કે તે પ્રકારનો ખ્યાલ રજૂ કર્યો છે. એલિયટે આ સંજ્ઞા ૧૯૧૯માં વાપરી, પણ તે પહેલાં આનો ખ્યાલ તો હતો જ; જોકે આ સંજ્ઞા અને સિદ્ધાંત વધુ પ્રચલિત એલિયટને કારણે જ થયાં છે. આ સિદ્ધાંત વધુ વિવાદાસ્પદ બન્યો હોય તો તે પણ એલિયટને કારણે જ બન્યો છે. એલિયટે પોતે આ સંજ્ઞાને ૧૯૫૬માં ‘Notorious Phrase' તરીકે ઓળખાવેલ છે અને જગતમાં જે કેટલાંક ‘Notorious Phrases'-ને ‘truly embrassing success' મળી તેમાં તેની આ સંજ્ઞા પણ તેણે સમાવિષ્ટ કરી છે. એલિયટે ‘હૅમ્લેટ' વિશે એક નાનો, માર્મિક, સમીક્ષાત્મક નિબંધ લખ્યો તેમાં ‘હૅમ્લેટ’ને શેક્સપિયરની એક નિષ્ફળ કલાકૃતિ ગણાવવાનો તેનો ઉપક્રમ છે. થૉમસ કીડના મૂળમાં ‘વેર’નો (‘ખૂનકા બદલા ખૂન'નો) ઉદ્દેશ હતો. ખૂની કાકા પર વેર કેવી રીતે લેવું, તેની વેતરણમાં હૅમ્લેટ પડ્યો હતો; પણ રાજા રક્ષકોથી વીંટળાઈ રહેતો હોઈ, ખૂન કરવાની તક મળતી નહોતી. હૅમ્લેટે એ માટે ગાંડપણનો ઢોંગ કર્યો, પરંતુ શેક્સપિયરના ‘હૅમ્લેટ'માં માતાએ કરેલા ગુનાનો પુત્રના ચિત્ત પર કેવો કારમો પ્રત્યાઘાત પડે છે તે ઉદ્દેશ આગળ આવી જાય છે. આ મૂળ વસ્તુ તથા આ નવા ઉદ્દેશ વચ્ચે મેળ બેસતો નથી. એલિયટને ‘હૅમ્લેટ’Puzzling લાગે છે. બહુ ચાતુરીપૂર્વક એલિયટ કહે છે કે વિવેચકોને ‘હૅમ્લેટ' interesting લાગતાં કલાકૃતિ હોવાનો ભાસ થાય છે, પણ કલાકૃતિ હોવાથી interesting જણાયું નથી. એલિયટ ‘કલાકૃતિ’ અને interesting એ બંને અલગ બાબત ગણે છે. ‘હૅમ્લેટ' interesting છે, પણ કલાકૃતિ નથી, એવો તેનો મત છે; પરંતુ . interesting હોવું તે કલાકૃતિનું લક્ષણ નથી? કોઈ પણ રીતે ‘હૅમ્લેટ’ પર કલાકૃતિ તરીકેની નિષ્ફલતાની છાપ મારવા માટે એલિયટે પ્રતિજ્ઞા કરી જણાય છે. વળી તે કહે છે : “It is the Mona Lisa of Literature.' (T. S. Eliot : 'Selected Essays': 'Hamlet, p. ૧૪૪) પરંતુ ‘મોના લિસા' હોવું તે કલાકૃતિ તરીકેની નિષ્ફળતા ગણી શકાય? મોના લિસાનું સૌન્દર્ય ગૂઢ છે, તેના સ્મિતનું રહસ્ય સમજાતું નથી. એના સ્મિતનો આપણે પાર પામી શકતા નથી. ‘હૅમ્લેટ' માટે પણ આ જ સિદ્ધાંત લાગુ પાડીએ તો તે પાર ન પામી શકાય એવી અનેક વ્યંગાર્થ ધરાવનારી કલાકૃતિ જ ઠરે. એલિયટે ‘હૅમ્લેટ’ વિશે નક્કી તો કરી જ નાખ્યું હતું કે આ નિષ્ફળ કલાકૃતિ છે. હવે એની નિષ્ફળતા માટે ક્યો સિદ્ધાંત શોધવો, તેમાં તેને એકાએક ‘Objective Correlative-નો સિદ્ધાંત સ્ફુરી ગયો. મૂળ આ સિદ્ધાંત સ્થાપવા તે નીકળ્યો નહોતો, પણ ‘હૅમ્લેટ’ની નિષ્ફળતા પ્રતિપાદિત કરવા તે કોઈ સિદ્ધાંતની શોધમાં નીકળ્યો અને તેને ‘Objective Correlative' મળી આવ્યું. ‘હૅમ્લેટ'ને આ સિદ્ધાંત લાગુ પાડવાનો તેનો પ્રયત્ન પણ કદાચ ‘critical failure' ગણાય. ‘હૅમ્લેટ’માં જે વસ્તુ છે તેની કરતાં હૅમ્લેટની ભાવસ્થિતિ અતિરેકવાળી છે. હૅમ્લેટની લાગણીને અભિવ્યક્ત કરવા માટે શેક્સપિયર ‘Objective Correlative' શોધવામાં નિષ્ફળ ગયો છે, માટે નાટક કલાકૃતિ બની શક્યું નથી. હૅમ્લેટમાં જે ઘૃણા જન્મી છે, તે તેની માતાના કાર્યને કારણે છે, પણ તે એનું પર્યાપ્ત સમીકરણ નથી. વળી હૅમ્લેટનું ગાંડપણ શેક્સપિયરના નાટકેમાં ખરા ગાંડપણ કરતાં ઓછું છે અને ગાંડપણના ઢોંગ કરતાં કંઈક વિશેષ છે. (જોકે કદાચ આ જ શેક્સપિયરની કલાની ખૂબી છે કે હૅમ્લેટનું ગાંડપણ એક સમસ્યા રહે છે, તેને પૂરું સમજી શકાતું નથી.) જેમ હૅમ્લેટ પોતાની લાગણી વ્યક્ત નથી કરી શકતો, માટે buffonery પર ચડે છે, તેમ શેક્સપિયર પણ કળામાં એ લાગણી નથી વ્યક્ત કરી શકતો, માટે buffoneryમાં સપડાય છે. ‘હૅમ્લેટ’ની નિષ્ફળતાનું કારણ અહીં તેને ‘Objective Correlative' શોધવાની શેક્સપિયરની અશક્તિમાં જણાયું છે. શેક્સપિયરની બીજી કૃતિઓમાં તેનું વસ્તુગત સમીકરણ મળ્યું છે, અહીં નથી મળી શક્યું, એવું એલિયટના મતનું તાત્પર્ય છે. જોકે વસ્તુ કરતાં હૅમ્લેટની લાગણીનો અતિરેક છે, તે વિધાન સ્વીકારી શકાય તેવું નથી. માતા જ્યારે પોતાના મૃત પતિના ભાઈને ઉતાવળે ઉતાવળે પરણી જાય છે અને રાજ્ઞીપદ જાળવી રાખે છે, તે વખતે માતા પર પ્રેમ રાખનાર પુત્રની લાગણી ઘૃણામાં પલટાઈ જાય છે. સમગ્ર સ્ત્રીજાત પર “Frailty, thy name is woman એવો આક્ષેપ આવેશમાં આવીને મૂકે છે તે સ્વાભાવિક મનોપ્રક્રિયા છે. માએ તુરત જ કરેલું બીજું લગ્ન અને તે પતિના ઘાતક સાથે કર્યું છે તે હૅમ્લેટને માટે અસહ્ય બને છે, ખાસ કરીને એ જમાનાના દેશકાળનો વિચાર કરીએ તો. એટલે હૅમ્લેટના પાત્રની લાગણી વસ્તુની અપેક્ષાએ અતિરેકયુક્ત છે, તે એલિયટનું વિધાન સ્વીકારી ન શકાય. ‘હૅમ્લેટ’ની નિષ્ફળતા પુરવાર કરવા આ સિદ્ધાંત તેને સ્ફુર્યો. ‘હૅમ્લેટ' તો તેના આ પ્રયત્નથી નિષ્ફળ પુરવાર થાય તેમ નથી. તેમ છતાં તેને આ નિમિત્તે સ્ફુરેલો સિદ્ધાંત સાચો હોઈ શકે છે, પછી ભલે ‘હૅમ્લેટ'ને એણે એ ખોટી રીતે લાગુ પાડવાનો પ્રયત્ન કર્યો હોય. ‘હૅમ્લેટ’થી નિરપેક્ષ રીતે એલિયટના આ સિદ્ધાંતના યાથાતથ્યનો વિચાર થઈ શકે તેમ છે. આ સિદ્ધાંત સમજાવતાં તે કહે છે : "The only way of expressing emotion in the form of art is by finding an 'Objective Correlative'. In other words, a set of objects, a situation, a chain of events, which shall be formula of that particular emotion such that when the external facts which must terminate in sensory experience are given, the emotion is immediately evoked." {{right|(T. S. Eliot : 'Selected Essays' : 'Hamlet', p. ૧૪૫)
સર્જકે પોતાના ભાવને વ્યક્ત કરવા માટે એવા પદાર્થો, એવી પરિસ્થિતિ, ઘટનાપરંપરા શોધવાં જોઈએ કે જેથી આ જ ભાવ નિષ્પન્ન થાય. એટલે કે પોતાની લાગણીને સીધી રીતે વ્યક્ત ન કરતાં કોઈ વસ્તુગત સમવાયસંબંધ સ્થપાય તેમ કરવું જોઈએ. આ સિદ્ધાંતનાં સમુચિત દૃષ્ટાંતો આપણા કવિ કાન્તનાં ‘વસંતવિજય' આદિ ખંડકાવ્યો છે. પ્રણયવૈષમ્યની પોતાની સંવેદના સીધી રીતે વ્યક્ત કરવાને બદલે કવિએ પાંડુ-માદ્રિની ‘myth’નો આશ્રય લીધો. ‘ચક્રવાકમિથુન'માં પણ આ જગતમાં પ્રણયની વિફળતા બતાવવા ચક્રવાકનું પ્રતીક યોજ્યું. આ રીતે જોઈએ તો એલિયટનો આ સિદ્ધાંત યથાર્થ જણાય છે. જોકે આ બધી વાત સર્જકપક્ષે છે. ‘Objective Correlative' સર્જકે શોધવાનું છે. આ સિદ્ધાંત સર્જક અને સર્જન માટેનો છે, આ સિદ્ધાંત મૂળ ભાવક માટેનો નથી. અલબત્ત, આ સિદ્ધાંત મુજબ સર્જકે સર્જન કર્યું હશે તો ભાવક તેનું ભાવન બરાબર કરી શકશે. પણ મૂળ સિદ્ધાંત સર્જકપક્ષે છે, ભાવકપક્ષે નથી; પછી ભલે એનો પણ સંકેતવિસ્તાર સાધવો હોય તો તે અલગ ઉપક્રમ બની શકે. વિન્ટર્સ અને વિવાસે આ સિદ્ધાંતને ભૂલભરેલો ગણાવ્યો છે, પણ આ સિદ્ધાંત એકંદરે ભૂલભરેલો જણાતો નથી, તેમાં ઘણું તથ્ય છે. માત્ર ‘હૅમ્લેટ'નું દૃષ્ટાંત એણે ખોટું હાથમાં લીધું. જોકે એને તો પહેલાં દૃષ્ટાંત હતું, સિદ્ધાંત તેના પરથી સ્ફુર્યો છે. ખોટા દૃષ્ટાંત પરથી સાચો સિદ્ધાંત સ્ફુર્યો ગણાય. એનું મૂળ ગમે તે હોય, સિદ્ધાંતમાં ઘણું તથ્ય છે. સર્જક ભાવક જેવું જ સંવેદન અનુભવી શકે કે કેમ તેનો પણ વિવાદ થયો છે. લાગણી થયા પછી સર્જક ‘Objective Correlative શોધે તે પણ કેટલાકને અસ્વીકાર્ય જણાયું છે, કારણ કે અનુભૂતિ અને અભિવ્યક્તિનું ચૈત સ્વીકારવાની આ વિવેચકોની તૈયારી નથી. જોકે ‘Objective Correlative શોધવાની પ્રક્રિયા અનુભૂતિની સાથે જ રહી હોય અને તે કોઈ સભાન પ્રયત્ન ન પણ હોય.

સાધારણીકરણનો મૂળ સિદ્ધાંત અને તેનું વિસ્તૃતીકરણ તથા ‘Objective Correlative' જોયા પછી તે બે વચ્ચે કેટલીક તુલના કરી શકીએ. આરંભે ડૉ. હરિવલ્લભ ભાયાણીનું વિધાન ટાંક્યું છે, તે હવે આ સંદર્ભમાં વિચારીએ. ડૉ. ભાયાણીએ કહ્યું છે : “એલિયટનો ‘Objective Correlative' એ સંસ્કૃતના રસસિદ્ધાંતના ‘આલંબન વિભાવ'નું જ ફિક્કું સ્વરૂપ છે. ભાવ, વિભાવ, અનુભાવ, સંચારીભાવ અને તે દ્વારા થતી રસનિષ્પત્તિની સુગ્રથિત વ્યવસ્થા જેવું કશું એલિયટના કાવ્યવિચારમાં નથી. {{right|(ડૉ. હરિવલ્લભ ભાયાણી : ‘રચના અને સંરચના', પૃ. ૧૨૭)
અહીં ડૉ. ભાયાણી આપણા પ્રાચીન રસશાસ્ત્ર, ભારતીય રસમીમાંસાનો જે મહિમા કરે છે તે આપણને જરૂર ગમે છે. આનું ગૌરવ આપણને (ભલે પ્રાચીન ભારતને અને એના વારસદાર તરીકે આપણને) મળતું હોય તો તે જતું કરવા જેવું નથી. રસમીમાંસા, તત્ત્વવિચાર, યોગશાસ્ત્ર વગેરેમાં આપણે પ્રાચીન કાળમાં ઘણી ગહન સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. એનો યશ આપણે લઈએ તે ગમી જાય તેવી વાત છે. શ્રી ઉમાશંકર જોશીએ પણ એક વાર પ્રશસ્તિવચન કહ્યું હતું કે આપણે ત્યાંથી ભાષાંતર-રૂપાંતર કરીને સૌથી પહેલાં મોકલવા જેવું હોય તો આપણી સાહિત્યમીમાંસા છે. શ્રી ઉમાશંકરના આ પ્રશસ્તિવચન પૂરતું આપણે સંમત છીએ. એટલા પૂરતું ડૉ. ભાયાણીના પ્રાચીન પ્રેમઉદ્ગારોમાં અવાજ પુરાવતાં આનંદ થાય છે. એલિયટના સિદ્ધાંતને ‘ફિક્કું સ્વરૂપ' કહેવામાં પણ હરકત નથી. સિદ્ધાંતો પણ ફિક્કા - રંગીન હોઈ શકે છે, એવો ઉમેરો આપણા જ્ઞાનમાં કરી શકીએ. આપણા વિદ્વાનોમાં sense of colour વધતી જાય છે, તે આનંદની વાત છે. પણ એમણે ‘આલંબન વિભાવ’નું ફિક્કું સ્વરૂપ કહ્યું તે યથાર્થ છે કે કેમ તે પ્રશ્ન છે; કારણ કે આલંબન અને ઉદ્દીપન વિભાવ, અનુભાવ અને સંચારીભાવ સાથે પણ ‘ઑબ્જેક્ટિવ કોરિલેટિવ'ને સંબંધ છે, માત્ર આલંબન વિભાવ સાથે જ નહીં. એલિયટનો સિદ્ધાંત એકલવાયો છે, એને કોઈ પરંપરા ધરાવનારી કાવ્યવિચારણાના વિકાસ સાથે સંબંધ નથી. આપણા અનેક મનીષીઓએ વિચારેલી રસમીમાંસાના પ્રમાણમાં બિચારા એલિયટનું કશું ગજું નથી. જોકે આથી એલિયટનો સિદ્ધાંત ખોટો ઠરતો નથી. એલિયટ આપણા કાવ્યવિચારના મિનાર પાસે શી ગિનતીમાં? એમ જરૂર કહી શકીએ, પણ એણે જે કહ્યું છે તેમાં તથ્ય છે. વળી રસમીમાંસાના પ્રમાણમાં આ વિચાર સમજવો કઠિન નથી. આપણે રસમીમાંસામાં બહુ ઊંડા ઊતર્યા છીએ, અને એમાં એવી જટિલતા આવી છે કે ભલભલા એમાં ગોથાં ખાય છે. મૂળ રસસિદ્ધાંત એટલો જટિલ નથી; પણ આપણે એનો ઘટાટોપ એવો વધારી દીધો છે, અને જાતજાતનાં પાસાં એવી રીતે તપાસ્યાં છે કે ભલભલા તેની પરિભાષામાં જ ગૂંચવાઈ જાય તેવું છે. ડૉ. ભાયાણીનું વિધાન એક બીજી સમસ્યા ઊભી કરે છે. ડૉ. ચંદ્રકાન્ત ટોપીવાળાએ ‘રચના અને સંરચના'ની સમીક્ષામાં કહ્યું છે : એલિયટની સંજ્ઞા સંપૂર્ણ સર્જનકેન્દ્રી છે, જ્યારે ‘આલંબન વિભાવ'ની સંજ્ઞા સંપૂર્ણ ભાવનકેન્દ્રી છે. (‘ગ્રંથ', માર્ચ, ૧૯૮૧, પૃ. ૧૫) તુલના કરતી વેળા આ ભેદ ડૉ. ભાયાણીના ખ્યાલમાં ન રહ્યો હોય અથવા એ ભેદ એ સંદર્ભમાં એમને નગણ્ય જણાયો હોય. ઑબ્જેક્ટિવ કોરિલેટિવ'ના સિદ્ધાંતથી જે ધર્મ પ્રાપ્ત થાય છે, તે સર્જકને પ્રાપ્ત થાય છે ત્યારે રસ, વિભાવ આદિનો વિચાર મૂળ તો આપણો ભાવક અને સર્જનનો સંબંધ સમજાવવા માટે કર્યો છે. આ તુલના કરતી વેળા ડૉ. ભાયાણીના મનમાં રસવિચારનું – આલંબનવિભાવનું સર્જનલક્ષી સ્વરૂપ પણ ગૃહીત હોય. આમ હોય તો જાણ્યે-અજાણ્યે ડૉ. ભાયાણી સાધારણીકરણના સિદ્ધાંતના શ્રી રા. વિ. પાઠકે સાધેલા વિસ્તૃતીકરણના સમર્થક ગણાય. એક છેડેથી ભાવકપક્ષે જોતાં જોતાં રસસિદ્ધાંત પર આવ્યા, ત્યારે બીજે છેડે સર્જકપક્ષે જોતાં જોતાં ‘Objective Correlative' પર આવ્યા; કદાચ બંનેને સર્જન અને ભાવનની દૃષ્ટિએ જોઈ શકાય; પરંતુ ડૉ. ભાયાણી સર્જકપક્ષ કે ભાવકપક્ષના વિચારનો ભેદ કર્યા વિના અથવા એવો ભેદ જણાવ્યા વિના એલિયટને ‘ફિક્કો' પાડી શક્યા છે, તેને માટે આપણે ગૌરવ લઈ શકીએ. ડૉ. ભાયાણીએ ‘રચના અને સંરચના' નામક ગ્રંથમાં ઉપર્યુક્ત વિધાન કર્યું છે, તે મૂળ તો એમણે ‘અર્વાચીન ગુજરાતી કાવ્યવિવેચનની એક દિશાભૂલ' એ વિષય પર શ્રી ગૌરીપ્રસાદ ઝાલા સ્મારક વ્યાખ્યાન તા. ૧૧-૧-૧૯૭૮ના રોજ આપ્યું હતું તે જ છે. આપણે અર્વાચીન ગુજરાતી કાવ્યવિવેચનમાં પશ્ચિમ તરફ ઢળી ગયા અને અહીંની પ્રાણવાન પ્રાચીન પ્રણાલિનો અનાદર કર્યો, એ એમનું તાત્પર્ય સ્વીકારવા જેવું છે. એમણે ‘આલંબન' અને ‘Objective Correlativeની તુલના કરી તે પહેલાં તા. ૬-૯-'૭૪ના એક લેખમાં શ્રી નગીનદાસ પારેખે ‘ઑબ્જેક્ટિવ કોરિલેટિવ' અને ‘વિભાવાદિ’ની તુલના કરી છે. એમનો આ લેખ હવે ‘વીક્ષા અને અન્વિક્ષા’(૧૯૮૧)માં ગ્રંથસ્થ થયો છે. ડૉ. ભાયાણી પહેલાં શ્રી નગીનદાસ પારેખે આ બાબતનો વિચાર કર્યો છે, પણ એમણે આક્રમક થવાને બદલે મેળ બેસાડવાનો પ્રયત્ન કર્યો છે. શ્રી નગીનદાસ પારેખ કહે છે : “એલિયટે ઑબ્જેક્ટિવ કોરિલેટિવને સમજાવતાં કહ્યું છે કે એમાં પદાર્થો પરિસ્થિતિ અને ઘટનાપરંપરાનો સમાવેશ થાય છે. એનો અર્થ એ કે આપણે જેને વિભાવ, અનુભાવ અને સંચારી કહીએ છીએ તે બધાનો આમાં સમાવેશ થઈ જાય છે. ડૉ. ભાયાણી કહે છે તેમ માત્ર ‘આલંબનવિભાવ' જ નહીં; પરંતુ શ્રી નગીનદાસ પારેખ કહે છે તેમ, વિભાવ, અનુભાવ અને સંચારી ભાવનો પણ તેમાં સમાવેશ થાય છે. એલિયટ જેને ‘Objective Correlative' કહે છે તે આપણા વિભાવાદિ છે. હવે રસસિદ્ધાંત અને ‘Objective Correlative' પડખોપડખ મૂકીને વિચારવાનું રહે છે કે શ્રી રામનારાયણ વિ. પાઠકે સાધારણીકરણના સિદ્ધાંતનું જે વિસ્તૃતીકરણ સાધ્યું હતું તેને એલિયટના ‘Objective Correlative'-ના સિદ્ધાંતથી પુષ્ટિ મળે છે કે નહીં. એલિયટનું વસ્તુગત સમીકરણ તે જ આપણું સાધારણીકરણ સંભવી શકે? સાધારણીકરણ સર્જકે કરવાનું હોય તો તે ‘Objective Correlative' રૂપે હોઈ શકે કે તેના પરિણામસ્વરૂપ હોઈ શકે? પોતાના ભાવસંવેદનને અનુરૂપ પાત્ર, પરિસ્થિતિ, ઘટનાપરંપરા, પ્રતીક વગેરે સર્જકે શોધવાનાં છે; એટલે કે એક રીતે સાધારણીકરણના પ્રકારની પ્રક્રિયા થઈ. વસ્તુગત સમવાય સંબંધ સર્જકે શોધવાનો છે. વિભાવાદિનું આ સાધારણીકરણ થયું હશે તો ભાવક રસનિષ્પત્તિ અનુભવી શકશે. સર્જકે તેની અનુભૂતિ કે લાગણીનું આ પ્રકારનું સાધારણીકરણ કર્યું હશે તો ભાવક કૃતિના ભાવન વેળા સાધારણીકરણ કરી શકશે, તેમ માની શકાય. સાધારણીકરણનો અર્થ અનુભવવૈશિષ્ટય ગાળી નાખવાનો નથી, પણ વસ્તુગત સમીકરણ શોધવાનો છે એવો અર્થ લઈએ તો પૂર્વ-પશ્ચિમના સિદ્ધાંત વચ્ચે સુમેળ સાધી શકાય તેમ છે અને શ્રી રા. વિ. પાઠકને સાધારણીકરણ સિદ્ધાંતનું વિસ્તૃતીકરણ કરી સર્જકપક્ષે લાગુ પાડવાની સ્ફુરણા થઈ હતી તે હવે ‘Objective Correlative'ના પ્રકાશમાં અનુકૂળ રૂપમાં જોઈ શકાય તેમ છે. રસસિદ્ધાંત અને ટી. એસ. એલિયટના ‘Objective Correlative વચ્ચેનો સંબંધ શ્રીકૃષ્ણ ચૈતન્યે ‘Sanskrit Poetics'(૧૯૬૫)માં દર્શાવ્યો છે. શ્રીકૃષ્ણ ચૈતન્ય કહે છે : "Bharat's insistence on the significant pattern of concrete stimula has similar affinities with T. S. Eliot's 'Objective Correlatives'. The poem is the objective correlative of a state of feeling. A set of objects', a situation,' a chain of events, which shall be a formula of that particular emotion; such that when the external facts, which must terminate in sensory experience are given, the emotion is immediately evoked. The emotion here is the Rasa of Sanskrit poetics, the set of objects, the Vibhavas, the situation, their patterned, organised presentation and the chain of events include not only the episodic stream but also the stream of the emotive reactions of the characters to them, the Anubhavas and the Sancharibhavas.’' ('Sanskrit Poetics', Krishna Chaitanya, p. ૧૯) આ રીતે બંને સિદ્ધાંતનો અંતર્ગત સંબંધ સ્થાપી શકાય તેમ છે. સાધારણીકરણના સર્જકપક્ષે વિસ્તૃતીકરણમાં ઉદ્દિષ્ટ જ છે કે સર્જક વિભાવાદિનું સાધારણીકરણ કરે છે; ‘Objective Correlative-માં વિભાવાદિનું સમીકરણ ઉદ્દિષ્ટ છે. વિભાવાદિનું આ ‘સમીકરણ' અને ‘સાધારણીકરણ' પરસ્પર સમાન ગણવા, પૂરક ગણવા કે counterpart ગણવા તે વિચારણીય છે. વિભાવાદિના સમીકરણના પરિણામરૂપ વિભાવાદિનું સાધારણીકરણ સંભવી શકે. આ રીતે રસસિદ્ધાંત, સાધારણીકરણ (સર્જકપક્ષે) અને ‘Objective Correlative’ વચ્ચે અમુક અંશે તાત્ત્વિક Correlation જોઈ શકાય તેમ છે.