અનુનય/સંબંધ

સંબંધ

આખ્ખું યે આભ મારી આસપાસ તોય
મારે આભથી તે સંબંધ કેટલો!
સંબંધ મારે આકાશથીય નહિ જેટલો!

દરિયામાં દોમ દોમ પાણી ને તોય
મારે પાણિયારે તફડે છે તરસ્યું,
આઘે કૈં વાદળાંના ડુંગર મંડાણા ને
રેતીનું રણુ અહીં વરસ્યું!

દરિયા ને વાદળની વાત રહી, તોય
મારે-તમ્મારે સંબંધ કેટલો!
સંબંધ મારે-તમ્મારેયે નહિ જેટલો!

નક્ષત્રોમાંથી કોઈ નીકળેલું તેજ હજી
મારા સુધીય નથી પ્હોંચ્યું,
કાન સુધી તાણીને મારેલું તીર તોય
ખેતરવા આઘે ના પ્હોંચ્યું;
દૂરનાની વાત ભલે દૂર રહી તોય
મારે મારાથી સંબંધ કેટલો!
સંબંધ મારે મારાથીયે નહિ જેટલો!

૭-૧૦-’૭૪