અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દિલીપ ઝવેરી/કવિતા સદાય અધૂરી હોય છે


કવિતા સદાય અધૂરી હોય છે

દિલીપ ઝવેરી

કવિતા સદાય અધૂરી હોય છે
લખાયા પહેલાં અજાણી
અને લખાતી હોય ત્યારે તો ઓઝલ
લખાઈ ગયા પછી પણ ક્યાં પૂરી થઈ હોય છે?
કાગળમાં પૂરેલી છતાં
કવિતા મનમાં તો વનેચર સમી રાડાત્રાડ વીંખાપીંખ ક્રાંઉંખાઉં કરતી
શબ્દોના પીછે પડી હોય છે
વાંચનાર તો સામે
પારદર્શક કાચ અને અરીસાના વારાફરતી પાંસળિયા ખોખામાં
એને આંટાફેરા દેતી દેખે
કવિ એટલે કાચ પાછળ લપેડાતો લુછાતો પારો
નજરે પડે દેખનારનો અલપઝલપ ચહેરો
અને ખોવાઈ જતી જાત
ઘેરી વળતું અને અદૃશ્ય થઈ જતું જગ
આળખ્યું ઓળખ્યું એટલામાં અલોપ
પળને વળગી પળથી અળગી પળ
કવિતા પળપળના સર્જનહાર સમય જેવી હિંસક હોય છે
ઘડીકમાં ઘુરકિયાં ઘડીકમાં કિન્નરીગાન
ઘડિયાળના બે હાથને મગરના વકાસેલા જડબાની જેમ
કલમના જોરે અળગા ઝાલી રાખવા જનાર
કવિને જાણ પણ ન થાય તેમ કવિતા
સેકંડના પાતળા કાંટાની જેમ ઝડપભેર
એના માથે ચકરાવો લઈ ઊડી જાય છે
એને પકડવા સમયના હાથ છોડી ગબડી પડનાર
પાછું વળીને જુએ
તો શાહીનો થાંભલો થઈને ખોવાઈ જાય કાગળ પર
પછી એને કલમથી
કણકણ અક્ષરઅક્ષર ખોતરતી રહે

ખોતરતી જ રહે
રચાતા રૂપઅરૂપને વાંચનાર નીરખતો રહે

કવિતા ખોતરતી રહે
પૂરી થાય જ નહીં

કવિતા સદાય અધૂરી હોય છે.
‘શબ્દસૃષ્ટિ’, માર્ચ ૨૦૦૪