અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રતાપસિંહ રાઠોડ ‘સારસ્વત’ /એક તીં


એક તીં

પ્રતાપસિંહ રાઠોડ ‘સારસ્વત’

ગોફણમાં ચકલાં ઉડાડ્યાં તો જાણ્યાં
પણ કાળજાં ઉડાડ્યાં એક તીં!
કોરાંધાકોર જોયાં ચોમાસાં કૈંક
લૂના વગડા પલાળ્યા એક તીં!

ઓઠે બેસીને અલ્યા, દરિયો ડ્હોળાય
બોલે ભર રે બજાર એવું કુણ?
ખેતરને ખૂણે તો સૌએ મલકાય
ઊભી વાટે ઝલકાય એવું કુણ?

ઘરના થાળાની બધા ઉંદરી નચાવે
પાળી વનની કુવેલ એક તીં…ગોફણમાં.

મહુડાં વીણાય વળી આંબા વેડાય
બોલ-બોરાં ઉતારે એવું કુણ?
વેલ્યમાં બેહારી તો પૂણિયાય લાવે
ઊભાં બેઠાં ઉતારે એવું કુણ?
રૂંવાંમાં ગોફણ તો ડૂંડાં થઈ ફૂટી
એવી માયા લગાડી એક તીં!… ગોફણમાં.
(મથામણ, ૧૯૮૪, પૃ. ૯)