અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાનુપ્રસાદ પંડ્યા/ગીત (લ્યો, મોં-સૂઝણાના...‌): Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 49: Line 49:
{{Poem2Close}}
{{Poem2Close}}
</div></div>
</div></div>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઈશ્વર સુથાર ‘શિલ્પી’/પૂછવાનું થાય છે... | પૂછવાનું થાય છે...]]  | પૂછવાનું મન થતું પગ આટલું, ક્યાં જવા ઉતાવળું ડગ આટલું!]]
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાનુપ્રસાદ પંડ્યા/તમને મેલી… | તમને મેલી…]]  | તમને મેલી મહિયર — પાછો મારગે વળ્યો.‌]]
}}

Latest revision as of 10:05, 22 October 2021

ગીત (લ્યો, મોં-સૂઝણાના...‌)

ભાનુપ્રસાદ પંડ્યા

લ્યો, મોં-સૂઝણાના ગોંદરા લગી
         રાત્ય વળાવી તારલા સર્યા!
લ્યો, શમણાંની સાહેલિયું એ પણ
         અળગાં થઈ ‘આવજો!’ કર્યા!
લ્યો, બારણે કૂદાકૂદ કરે અંજવાસ
         ને લાગ્યા આંખ્યને ઠેલા!
લ્યો, શેરી પલાળી પાદરે પૂગ્યા
         પાણિયારેથી રૂપના રેલા!
લ્યો, અણસારાએ હીંચનારાને
         લઈને ચાલ્યા સીમના ચીલા!
લ્યો, હોલવાયા મેળાપના દીવા
         ઓશિયાળાંના ઓરડા વીલા!
લ્યો, સુવાસ રીઝી ગૈ, સાંજની તે,
         અકબંધ વાળેલી મુઠિયું ખોલી!
લ્યો, ડાળખી મેલી આભલે પ્હોળી
         થાય રે ઓલી ગીતની ટોળી!
લ્યો, એકલા ને અણોહરા ઊભા
         વાછરુ ભેળા કોઢ્યના ખીલા!
લ્યો, ડુંગરા-નદી પાથરી બેઠા
         કાંઈ ચારેપા વ્હાલની લીલાે!



આસ્વાદ: વ્હાલની લીલા – હરીન્દ્ર દવે

આ વિદાયનું કાવ્ય છે—છતાં મિલનનું પણ કાવ્ય છે.

આજનો કવિ ગીત લખે છે ત્યારે મુખડામાં આવેલ પંક્તિને ઘૂંટીને ચપટી બનાવી નથી દેતો. એ ભાવને પુષ્ટ કરે એવાં પ્રતિરૂપોનો સાહજિક રીતે છતાં સાર્થક ઉપયોગ કરે છે.

સવારની વાત કરવી છે, તો કવિ કેવો શબ્દ લઈ આવે છે, એ તો જુઓ! ‘મોં-સૂઝણાના ગોંદરા’—એ શબ્દો કેટકેટલું કહી જાય છે? સવાર થવાને હજી વાર હોય, કંઈક મોં સૂઝે એવો ઉજાસ પથરાય એ સીમા સુધી રાતને વિદાય આપીને તારાઓ પણ પોતાને રસ્તે પડ્યા. ‘તારાઓએ મોં-સૂઝણાના ગોંદરા સુધી રાતને વધાવી,’ એ કલ્પન કેટલું તાજું, કેટલું નવું છે! અને એ સાથે જ હમણાં સુધી સ્વપ્નભૂમિમાં જે આકારો હતા, તે પણ અળગા થઈ ગયા.

અંધકારમાં મીંચાયેલી આંખ એકાએક પ્રકાશ ફેલાય ત્યારે થોડો ઠેલો અનુભવે છેઃ અને આંખ ખૂલે છે ત્યારે શું દેખાય છે? પનિહારી પાણિયારેથી બેડું લઈ પાદરની નદીમાં પાણી ભરવા જાય છે! એ પાણી ભરીને પાછી આવે ત્યારે તો ભરેલા બેડામાંથી પાણી છલકાતું હોય અને એનો રેલો ચાલે; પરંતુ એ જાય છે ત્યારે પાણિયારેથી શેરીમાં થઈ પાદર સુધી પહોંચે છે એ પનિહારીના રૂપનો, લાવણ્યનો રેલો!

અને જે દૃષ્ટિમાં ઝૂલતા હતા તેઓ દૂર થયા એ વાત કહેવા માટે કવિ કેવી સુંદર અભિવ્યક્તિ શોધી લાવે છે! એ કહે છે અણસારામાં હીંચતા હતા તેઓને સીમના ચીલાઓ લઈ ચાલ્યા—

કશુંક વિખૂટું પડે છે ત્યારે એનાથી બીજું કશુંક તો સભર થાય જ છે—પંખીઓ ડાળ પર હતાં ત્યારે એનું એક રૂપ હતું, હવે પંખીઓ આભમાં ઊડી રહ્યાં છે અને પંખીઓ માટે કવિ કેવા શબ્દો યોજે છે એ તો જુઓઃ પંખીઓને ‘ગીત ટોળી’ કહે છે.

કવિએ નાના નાના વિરહની વાત કરી છે, નાની નાની એકલતાઓની વાત કરી છે. કારણ કે એમને એક વ્યાપક મિલનની પણ વાત કહેવાની છે. આમ તો મેળાપના દીવા હોલાઈ જતાં વ્યક્તિ ઓશિયાળી બની જાય છે, એનું વાતાવરણ વીલું પડી જાય છે પણ નાના નાના વિરહોની વચ્ચે વ્યાપેલી વિરાટ વ્હાલપનો મહિમા કવિ અંતે તો ગાય છે. ગઝલમાં શેરોની માફક કંઈક અસંબદ્ધ રીતે આવતી કડીઓને જાણે છેલ્લી બે લીટી એકાએક અકબંધ રીતે સાંકળી લે છે. રાત ગઈ, તારલાઓ ગયા, શમણાંની સાહેલીઓ ગઈ, આંખને હડસેલા લાગ્યા, ગમતાં માનવી સીમમાં ગયા, મેળાપના દીપ હોલવાયા, પનિહારીઓ નદી પર ગઈ, પશુઓનું ધણ આઢ્યું, ત્યારે પ્રકૃતિ તો આ બધા વચ્ચે પોતાના વહાલની લીલા પાથરતી બેઠી જ છે.

એક સંવેદનશીલ માનવીએ જોયેલા નાનકડા ગામડાના પ્રાતઃકાળનાં કેટકેટલાં મનોહર રૂપો આ ગીતમાં મળે છે! (કવિ અને કવિતા)