અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મફત ઓઝા/આંગણે લીલો તડકો ઊગ્યો


આંગણે લીલો તડકો ઊગ્યો

મફત ઓઝા

આંગણે લીલો તડકો ઊગ્યો લીમડી રેલમછેલ.
નેવલે ઝૂલ્યો મોગરો મહેક્યો ટોડલે ગહેક્યો મોર;
રાત આખી આ ઘેનમાં ડૂબી વડલે કીધો શોર.
આવતા જતા વાયરે ઝૂલી નાચતી નાગરવેલ.
આંગણે લીલો તડકો ઊગ્યો લીમડી રેલમછેલ.
ગામને કૂવે ગીત ગાયાં ને ઘૂમવા લાગી સીમ;
વાટ બધી આ પમરી એની ડમરી ચડી ધીમ.
ઘૂંઘટે બેસી ખંજન મલકે અંજન છલકે હેલ;
આંગણે લીલો તડકો ઊગ્યો લીમડી રેલમછેલ.
આઘે આઘે આભ ઊડ્યાના વાવડ દેતો કાગ;
મેડીએ ચડી ખેપતી હું તો હૈયું ના લે તાગ.
ઝીણી ઝીણી ઘૂઘરી વાગી કાળજે રેલ્યાં ગેલ,
આંગણે લીલો તડકો ઊગ્યો લીમડી રેલમછેલ.