અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/યોગેશ જોષી/વસંત-પાનખર


વસંત-પાનખર

યોગેશ જોષી

ડાળે ડાળે
ખીલ્યાં છે
પોપટની ચાંચ જેવાં
ફાટ ફાટ કેસૂડાં.
ડાળે ડાળે જાણે
પ્રગટી છે વાસંતી જ્યોત!
ડાળે ડાળે
મહેકે-ગહેકે છે
મધમીઠાં મહુડાં...
વનવાસીઓને
ચડે છે
વાસંતી નશો...!
વાસંતી પવનની
લહેરખીએ લહેરખીએ
ઝર્ ઝર્ ઝર્ ઝર્
ઝરે છે
શાલની મંજરી
ને
પાથરે છે
વાસંતી પથારી!
માના ગર્ભમાં થાય
તેવો જ ફરફરાટ
થયા કરે છે
મૂળિયાંની ભીતર
ને
ડાળ ડાળ પર
ફૂટતી રહે છે કૂંપળો
કલ કલ... ખિલ ખિલ...
ચારે તરફ
વસંતે લગાડી છે આગ...
આમ છતાં
મારી ભીતર
કેમ હજીયે
પીગળતો નથી
આ બરફ?
મારી ભીતર
કેમ હજીયે
ખર ખર ખર ખર
ખરતાં જાય છે
લીલાં-સૂકાં પાન?
માના ગર્ભમાં
શિશુ ફરકે તેમ
કેમ હજીયે
ફરકતો નથી
એકેય શબ્દ
મારી ભીતર?
હે વસંત
મારી ભીતર
પ્રગટાવ તારી આગ...
જ્વલ જ્વલ
પ્રજ્જ્વલ પ્રજ્જ્વલ...
કવિલોક, નવેમ્બર-ડિસેમ્બર