અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રુસ્વા મઝલૂમી/ક્યાં મદિરા...


ક્યાં મદિરા...

રુસ્વા મઝલૂમી

ક્યાં મદિરા ઉધાર પીધી છે?
સાકીને કૈં દુઆઓ દીધી છે.

બોલતી કૈં છબીઓ કીધી છે,
મૌનને મેં જબાન દીધી છે.

ઈશ્વરે મારી ઓથ લીધી છે,
જિન્દગાની મને શું દીધી છે!

આપ સમજો નહીં તો છે વસમી,
આપ સમજો તો વાત સીધી છે.

કાળ મુજને મહાત શું કરશે?
કાળને મેં મહાત દીધી છે.

ઝૂમી ઝૂમી શરાબ પીધો છે,
ઝૂકી ઝૂકી સલામ લીધી છે.

અજનવી આંખની કસમ રુસ્વા!
મેં પ્યાલા વિનાએ પીધી છે!

(મદિરા, ૧૯૭૨, પૃ. ૮)