અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીન્દ્ર દવે/કાનુડાને બાંધ્યો છે હીરના દોરે

Revision as of 09:28, 11 October 2022 by Atulraval (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
કાનુડાને બાંધ્યો છે હીરના દોરે

હરીન્દ્ર દવે

                  કાનુડાને બાંધ્યો છે હીરના દોરે,
                  બાળુડાને બાંધ્યો છે હીરના દોરે.

કોમળ આ અંગ પરે કાપા પડે છે જેવા
                           આંગળીથી માખણમાં આંક્યા,
નાનકડાં નેણ થકી ઝરમર ઝરે છે જેવાં
                           ઢળતાં શીકેથી દહીં ઢાંક્યાં;

                  એના હોઠ બે બિડાયા હજી તોરે,
                  કાનુડાને બાંધ્યો છે હીરના દોરે.

માથેથી મોરપિચ્છ હેઠે સર્યું, ને સરી
                           હાથેથી મોગરાની માળા,
આંખેથી કાજળ બે ગાલે જઈ બેઠું
                           કાનકુંવર શું ઓછા હતા કાળા?

                  બંધ છોડે જશોદાને ક્‌હો રે,
                  કોઈ જઈને જશોદાને ક્‌હો રે,
                  કાનુડાને બાંધ્યો છે હીરના દોરે.

(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૧૨૭-૧૨૮)




હરીન્દ્ર દવે • કાનુડાને બાંધ્યો છે હીરના દોરે • સ્વરનિયોજન: દક્ષેશ ધ્રુવ • સ્વર: અમર ભટ્ટ







હરીન્દ્ર દવે • કાનુડાને બાંધ્યો છે હીરના દોરે • સ્વરનિયોજન: દક્ષેશ ધ્રુવ • સ્વર: આશિત દેસાઇ